પ્લસ સાઈઝ વુમન સાંભળતા જ બધાના મનમાં એક એવી છોકરીનું ચિત્ર ઊપસી આવે છે જે સામાન્યથી વધારે સ્થૂળ હોય છે, જેનું પેટ બહાર આવી ગયેલું હોય છે અને શરીર ફુલી ગયેલું હોય છે. છોકરીના માબાપને પણ ચિંતા થાય છે કે તેની સાથે લગ્ન કોણ કરશે, તેના ભાઈબહેનને ચિંતા થાય છે કે અમારા ભાગનું પણ તે ખાઈ જશે તેમજ મિત્રોને ચિંતા થતી હોય છે કે આ જેા કોઈ ફોટામાં આવશે તે ફોટા તો ખરાબ દેખાશે. બોડી શેમિંગને ચિંતાનું નામ આપવું કોઈ નવી વાત નથી. ‘અમે તો તારા સારા માટે કહીએ છીએ’ જેવી વાતથી બોડી શેમિંગને ઢાંકવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવતો હોય છે, પરંતુ આ બોડી શેમિંગ એક વ્યક્તિ પાસેથી તેની ખુશી અને સુખશાંતિ એમ બધું છીનવી લે છે. ગત ૩૦ જૂનના રોજ દિલ્લીમાં મિસ પ્લસ સાઈઝ પેજેન્ટ હતું, જેમાં ભારતના વિભિન્ન ભાગમાંથી છોકરીઓ અને મહિલાઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પેજન્ટમાં ભારતીય મૂળની બિશંબર દાસ પણ આવી હતી, જે બ્રિટિશ એશિયાની પહેલી પ્લસ સાઈઝ મોડલ?અને મિસ પ્લસ સાઈઝ નોર્થ ઈન્ડિયા ૨૦૧૭ ની બ્રાન્ડ એમ્બેસેડર હતી. બિશંબર ડર્બીની પહેલી છોકરી છે, જે ૨૨ વર્ષની ઉંમરમાં મેજિસ્ટ્રેટ બની, પરંતુ દરેક પ્લસ સાઈઝ છોકરીની જેમ તેમનું બાળપણ પણ લોકોના મહેણાંટોણાં અને બોડી શેમિંગની વચ્ચે પસાર થયું હતું. બોડી શેમિંગના લીધે તે ડિપ્રેશનમાં પણ રહી હતી અને ખૂબ સારી છોકરીઓની જેમ તેમને પણ પોતાનું અસ્તિત્વ બોજારૂપ લાગ્યું હતું, પરંતુ હિંમત હારવાના બદલે આ સ્થાન પર પહોંચીને તેમણે એક ઉત્તમ ઉદાહરણ દુનિયા સામે રજૂ કર્યું છે. મહેણાંટોણાંને નજરઅંદાજ કરો બિશંબર જણાવે છે, ‘‘હું બાળપણથી ખૂબ વધારે ખાતી હતી, તેથી મારા ફેમિલીના લોકો પણ મારી મજાક ઉડાવતા હતા. જે લોકો મને જાણતા નહોતા તે પણ મારી મમ્મીને આવીને કહેતા કે તમારી છોકરીનો ચહેરો તો ખૂબ સુંદર છે, પરંતુ તે વધારે સ્થૂળ છે. તેની સાથે લગ્ન કોણ કરશે. મને વારંવાર યાદ અપાવવામાં આવતું હતું કે હું પ્લસ સાઈઝ છે.’’ ‘‘લોકોની જીભ તો તલવાર જેવી હોય છે. તેઓ એવીએવી વાતો કહી દેતા હોય છે. જે સામેની વ્યક્તિને કેટલી હદે અસર કરી દે છે તેની તેમને જાણ સુધ્ધાં નથી હોતી.

હું બોડી શેમિંગના લીધે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. બધાએ નોટિસ કર્યું હતું કે મારું વજન વધી રહ્યું છે, પરંતુ કોઈએ એમ ન પૂછ્યું કે આવું કેમ થઈ રહ્યું છે. હું મેજિસ્ટ્રેટ બની ગઈ હતી, તેમ છતાં જેમની જેબ મારાથી ઉતરતી કક્ષાની હતી તેમણે પણ મને રિજેક્ટ કરી દીધી. મારું શિક્ષણ સારું હતું, નોકરી સારી હતી, પરંતુ બધું મારા આઉટર એપીયરન્સ આગળ તુચ્છ સાબિત થયું. મારે સામેની વ્યક્તિને ખુશ કરવા માટે કેમ બદલાવું જેાઈએ? આજે તેમને મારું સ્થૂળ હોવું પસંદ નથી, કાલે તે કહેશે કે તમારું નાક વાંકું છે તો શું નાકની સર્જરી કરાવીશ? પછી કહેશે કે તમારા વાળ સારા નથી, તો શું વાળને શેવ કરી દઈશ? જેાકે આવી બધી વાતો અને વ્યવહાર સમય જતા મારી પ્રેરણા બની ગયા.’’ જ્યારે બિશંબરને પૂછવામાં આવ્યું કે તે આ કક્ષા સુધી કેવી રીતે પહોંચી ત્યારે તેમણે જણાવ્યું, ‘‘જ્યારે હું બાળપણથી મારા જેવી કોઈ સ્થૂળ છોકરીને ટીવી પર જેાતી, ત્યારે મને લાગતું કે હું જેવી છું તેવી સારી છું, પરંતુ એવું ક્યારેય ન થયું. મેં મારા જેવી છોકરીને નહોતી જેાઈ, ન કોમર્શિયલ ફીલ્ડમાં, ન ફિલ્મમાં કે ન મેગેઝિનમાં કોઈ મોડલની જેમ. આ બાબતમાંથી હું પસાર થઈ તેનું સૌથી મોટું કારણ હતું કે મારું કોઈ રોલ મોડલ નહોતું.

મને અને મારા જેવી દરેક છોકરીને એક રોલ મોડલની જરૂર હોય છે, તેથી મેં નિર્ણય કર્યો કે હું બ્યૂટિ પેજેન્ટમાં ભાગ લઈશ.’’ જ્યારે પરિવાર સાથે હોય પ્લસ સાઈઝ હોવું અને બોડી શેમિંગનો શિકાર બનવું નવી વાત નથી. વાસ્તવમાં આ બંને શબ્દ એકબીજાના પૂરક છે, પરંતુ બિશંબર અને તેના જેવી પ્લસ સાઈઝ છોકરીઓ બોડી શેમિંગને સફળતામાં અડચણરૂપ બનવા દેતી નથી. આ જ પંક્તિમાં બીજું નામ છે મોના વેરોનિકા કેમ્પબેલનું. મોના પહેલી ટ્રાન્સજેન્ડર પ્લસ સાઈઝ ભારતીય મોડલ છે. તે લોકો ફેશન વીક જેવા મોટામોટા પ્લેટફોર્મ પર વોક કરી ચૂકી છે. મોનાનું કહેવું છે કે તેની સફળતાનો શ્રેય તેના પરિવારને જાય છે. જ્યારે તેમણે તેનો તિરસ્કાર કરવાના બદલે પૂરો સાથ આપ્યો હતો. તે એક પ્લસ સાઈઝ મોડલ હોવા વિશે જણાવે છે, ‘‘મોટાભાગની મહિલાઓ બોડી વેટને લઈને અસલામતી અનુભવે છે. તેના માતાપિતા પણ તેની પર વજન ઘટાડવા દબાણ કરે છે.

જેાકે આ કોઈ બીમારી નથી, નેચરલ છે અને લોકોએ આ વાત સમજવી જેાઈએ. હું સવારે ઊઠું છું ત્યારે સ્વયંને કહું છું કે તું સ્ટ્રોંગ છે અને સુંદર પણ.’’ મોનાનું પ્લસ સાઈઝ અને ટ્રાન્સજેન્ડર હોવું તેના મોડલ બનવાના માર્ગમાં એક પડકારથી કમ નહોતા. બદલાવ જરૂરી છે બાળપણથી છોકરીઓ માટે સુંદરતાના માપદંડ નક્કી કરી દેવામાં આવે છે ત્યારે તેમનામાં શરીર, વ્યક્તિત્વને બદલવાનો ઉત્સાહ જાગૃત થાય છે. જ્યારે ટીવી પર તેમને કોઈ અભિનેત્રી ખૂબસૂરત અને ઝીરો સાઈઝ ફિગરમાં નજરે પડે છે ત્યારે તે આવું ફિગર ઈચ્છે છે. શરૂ થાય છે તેમની સેલ્ફ સ્ટ્રગલ. તે પછી સ્ટ્રગલને ડિપ્રેશન અને એક્ઝાઈટીમાં પરિવર્તિત કરવાનું કામ તેમનો પરિવાર અને આસપાસના મિત્રો કરે છે. જાડી, ફૂલી ગયેલી કોણ જાણે કેવા કેવા નામ આપીને તેમના મનમાં અસુરક્ષાની ભાવના પેદા કરવામાં આવે છે, જે હંમેશાં તેમના મનમાં જળવાઈ રહેતી હોય છે.

જેાકે બોડી શેમિંગથી બચવું લગભગ મુશ્કેલ છે, પરંતુ તેને નજરઅંદાજ કરીને આગળ વધવું ખૂબ જરૂરી છે. બદલાવ સ્વયંથી શરૂ થાય છે. તેથી સ્વયંને ખૂબસૂરત માનો, પોતાની આસપાસની છોકરીઓ અને મહિલાઓને તેઓ ખૂબસૂરત હોવાની અનુભૂતિ કરાવો. જરૂરી નથી કે સૌંદર્ય હંમેશાં એવું હોય જે બીજા લોકોની નજરને ગમે. લોકો બોડી શેમિંગ કરાવે છે, કારણ કે તેઓ પોતાના બાહ્ય રૂપને વધારે મહત્ત્વ આપે છે અને જે લોકો તમારા બાહ્ય રૂપને વધારે મહત્ત્વ આપે છે, તેમનું જીવનમાં વધુ મહત્ત્વ ન હોવું જેાઈએ. તેથી પોતાના શરીરને પોતાની ઓળખ પર હાવિ ન થવા દો. આજે સમાજને નવા ઉદાહરણોની જરૂર છે, સુંદરતાના નવાનવા માપદંડની જરૂર છે. પ્લસ સાઈઝ છોકરીઓએ પોતાને એક રોલ મોડલ બનાવવાની જરૂર છે નહીેં અહીંતહીં રોલમોડલને શોધવાની.

– સીમા ઠાકુર.

વધુ વાંચવા કિલક કરો....