વાર્તા – અનિતા લલિત

બેઠકમાં બેસેલી શિખા રાહુલના વિચારોમાં ખોવાયેલી હતી. તે નહાઈને તૈયાર થઈને સીધી અહીં આવીને બેઠી હતી.
તેની સુંદરતા ઊગતા સૂરજ સમાન હતું.
સોનેરી ગોટાની કિનારીવાળી લાલ સાડી, હાથમાં લાલ બંગડી, માથા પર ચાંલ્લો, સેંથામાં ચમકતું સિંદૂર જાણે સૂરજને પડકાર આપી રહ્યા હતા.
ઘરના બધા લોકો ઊંઘી રહ્યા હતા, પરંતુ શિખાને આખી રાત ઊંઘ ન આવી.
લગ્ન પછી તે પહેલી વાર પિયર આવી હતી.
પગ ફેરની વિધિ અને આજે રાહુલ એટલે કે તેનો પતિ તેને પાછો લેવા આવવાનો હતો.
તે ખૂબ ખુશ હતી.
તેણે એક નજર બેઠક પર ફેરવી.
તેને યાદ આવ્યો તે દિવસ જ્યારે તે ખૂબ નાની હતી અને તેની મમ્મીનો પાલવ પકડીને ડરેલી દીવાલના ખૂણામાં ઘૂસી રહી હતી.

નાના અહીં જ દીવાન પર બેસી તેમના દીકરા અને વહુને જેાતા નિર્ણય સંભળાવી રહ્યા હતા, ‘‘માલા, હવે તેની છોકરી સાથે અહીં જ રહેશે, આપણી સાથે. આ ઘર તેનું પણ તેટલું જ છે જેટલું તમારું.
એ સાચું છે કે મેં માલાનાં લગ્ન તેની વિરુદ્ધ કરાવ્યા હતા, કારણ કે છોકરાને તે પ્રેમ કરતી હતી, તે આપણી જેમ ઉચ્ચ કુળનો નહોતો, પરંતુ જયરાજ (શિખાના પપ્પા) ના કસમયે ગુજરી જવાથી તેના સાસરીવાળાએ તેની સાથે મોટો અન્યાય કર્યો.
તેમણે જયરાજના ઈન્શ્યોરન્સનો બધો પૈસો હડપી લીધો અને મારી દીકરીને નોકરાણી બનાવીને દિવસરાત કામ કરાવીને આ બિચારીનું જીવવું હરામ કરી દીધું.
હું જાણતો નહોતો કે દુનિયામાં આટલા સ્વાર્થી લોકો પણ હોય છે કે તેમના દીકરાની છેલ્લી નિશાનીથી પણ મોં ફેરવી લે.
બસ હવે હું જેાઈ શકતો નથી.

આ વિશે મેં ગુરુ સાથે વાત કરી લીધી છે અને તેમનું પણ માનવું છે કે માલા દીકરીને તે લાલચુ લોકોની ચુંગાલમાંથી બહાર કાઢી અહીં લઈ આવો.’’
થોડી વાર પછી ફરી બોલ્યા, ‘‘હજી હું જીવિત છું અને મારામાં એટલી તાકાત છે કે હું મારી દીકરી અને તેની આ ફૂલ જેવી છોકરીનું ધ્યાન રાખી શકું…
હું પરિવારના દરેક સભ્ય પાસેથી એ જ આશા રાખું છું કે તમે પણ ભાઈની ફરજ નિભાવો.’’
પછી નાનાએ ખૂબ વહાલથી તેને ખોળામાં બેસાડી હતી.
તે સમયે રાજકુમારી જેવી લાગતી હતી.
ઘરના બધા સભ્યે આ નિર્ણય સ્વીકારી લીધો હતો અને તેની મમ્મી પણ ઘરમાં પહેલાંની જેમ હળીમળી ગઈ હતી.
મમ્મી એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરતી હતી.
આ રીતે તેમણે કોઈને લાગવા ન દીધું કે તે કોઈની પર બોજ છે.
નાના અને નાનીને કુટુંબના કુળગુરુમાં આસ્થા હતી.
બધાના ગળામાં એક લોકેટમાં તેમની જ તસવીર રહેતી હતી.
કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં ગુરુની આજ્ઞા લેવી જરૂરી હતી.
શિખાએ બાળપણથી જ આ માહોલ જેાયો હતો.
તેથી તે પણ ગુરુમાં શ્રદ્ધા રાખવા લાગી હતી.

બિઝી હોવા છતાં સમય કાઢીને તેની મમ્મી ગુરુના ફોટા સામે બેસીને પૂજા કરતી હતી.
ક્યારેક-ક્યારેક તે પણ મમ્મી સાથે બેસતી અને ગુરુને એક જ પ્રાર્થના કરતી કે ગુરુ, મને એટલી મોટી ઓફિસર બનાવજેા કે હું મારી મમ્મીને તે તમામ સુખ અને આરામ આપી શકું, જેનાથી તે વંચિત રહી છે.
એટલામાં કોઈ અવાજથી શિખાના વિચારોમાં ભંગ પડી ગયો.
તેણે વળીને જેાયું.
હવાના લીધે બારી ખૂલી ગઈ હતી.
ઊઠીને શિખાએ બારી બંધ કરી.
આંગણામાં જેાયું તો શાંતિ છવાયેલી હતી.

ઘડિયાળમાં જેાયું તો સવારના ૬ વાગ્યા હતા.
હજી બધા ઊંઘી રહ્યા છે, વિચારીને તે પણ સોફા પર આડી પડી.
તે ફરી અતીતના વિચારોમાં ખોવાઈ ગઈ…
જ્યાં સુધી નાના જીવિત રહ્યા, ઘરમાં તે રાજકુમારી અને મમ્મી રાણીની જેમ રહ્યા, પણ આ સુખ તે બંનેના નસીબમાં વધારે દિવસનું નહોતું.

૧ વર્ષ પછી અચાનક એક દિવસ હૃદયના ધબકારા બંધ થઈ જવાથી નાના ગુજરી ગયા.
બધું એટલું અચાનક થયું કે નાનીને આઘાત લાગ્યો.
તેમની દીકરી અને પૌત્રી વિશે વિચારવું તો દૂર, તેમને પોતાનું ભાન પણ ન રહ્યું.
તે તેમના દીકરા પર નિર્ભર છે અને પરિસ્થિતિના આ નવા સમીકરણે શિખા અને તેની મમ્મી માલાના જીવનને ફરીથી ક્યારેય દૂર ન થનાર દુખના દરવાજા પર લાવીને ઊભા કરી દીધા.

કસમયે નાના ગુજરી જવાથી અને નાનીના ડગમગતા માનસિક સંતુલને જમીન-મિલકત, રૂપિયાપૈસા, ત્યાં સુધી કે ઘરના વડીલના પદ પર મામાએ કબજે કરી લીધો.
હવે ઘરમાં જે પણ નિર્ણય લેવાતો તે મામામામીની મરજીથી થતો.
થોડા સમય માટે તો તે નિર્ણય પર નાનીની હા ની મહોર લગાવતા, ત્યાર પછી આ વિધિ પણ બંધ થઈ ગઈ.
નાના મામામામી નોકરીનું બહાનું બનાવીને તેમનો ભાગ લઈને વિદેશમાં જઈ વસી ગયા.
હવે બસ મોટા મામામામી જ ઘરના વડીલ હતા.
મમ્મીનો નોકરી સિવાયનો સમય કિચનમાં પસાર થતો હતો.

મમ્મી સવારે ઊઠીને ચા-નાસ્તો બનાવતી.
તેનું અને પોતાનું ટિફિન બનાવતી વખતે કોઈ ને કોઈ નાસ્તાની ડિમાન્ડ આવતી, મમ્મી ના પાડી શકતી નહોતી.
તમામ કામ પૂરા કરી, દોડતાંદોડતાં સ્કૂલ પહોંચતી.
કેટલીક વાર તો શિખાને સ્કૂલ મોડા જવાથી ઠપકો પણ આપતા.
આ જ રીતે સાંજે ઘરે જતા જ્યારે મમ્મી પોતાની ચા બનાવે, ત્યારે એક પછી એક ઘરના સભ્ય ચા માટે આવતા અને પછી તે કિચનમાંથી બહાર નીકળી જ ન શકે.
શિખા રાત્રે અભ્યાસ કરતાંકરતાં મમ્મીની રાહ જેાતી કે ક્યારે તે આવે તો કોઈ સવાલ અથવા સમસ્યાનો ઉકેલ પૂછે, પરંતુ મમ્મીને કામમાંથી જ નવરાશ નથી અને તે પુસ્તક લઈને જ ઊંઘી જતી.
જ્યારે મમ્મી આવે ત્યારે ખૂબ જ પ્રેમથી તેને ઉઠાડીને ખવડાવતી અને ઊંઘાડી દેતી.

પછી બીજા દિવસે સવારે વહેલા ઊઠીને તેને ભણાવતી.
જેા તે ક્યારેક મામા કે મામી પાસે કોઈ પ્રશ્નનો હલ પૂછવા જતી તો તેઓ હસીને તેની મજાક ઉડાવીને કહેતા, ‘‘અરે બેટા, આટલું ભણીને શું કરવું છે? તારે ઓફિસર તો બનવું નથી. ચાલ, મમ્મીની થોડી મદદ કર. આ જ કામ લાગશે.’’ તે ચિડાઈને પાછી જતી રહેતી, પરંતુ તેમની આવી વાતથી તે હિંમત ન હારી, તેના મનમાં નિરાશાને ઘર બનાવવા ના દીધું, પણ તે મક્કમ મને અભ્યાસ કરતી.

મામામામી તેમનાં બાળકો સાથે ઘણી વાર બહાર ફરવા જતા અને બહારથી જ ખાઈને આવતા, પરંતુ ભૂલથી પણ ક્યારેય તેને કે તેેની મમ્મીને પૂછતી નહીં કે તેમણે પણ બહાર આવવું છે કે નહીં? જ્યારે પણ ઘરમાં કોઈ સ્વાદિષ્ટ વસ્તુ બનતી ત્યારે મામી તેમના બાળકને પહેલાં સર્વ કરતા અને તેમને વધારે આપતા.
તે એક બાજુ ચુપચાપ તેની પ્લેટ લઈને, તેનો નંબર આવવાની રાહ જેાતી.
સૌથી છેલ્લે મામી તેને બનાવટી મીઠાશભર્યા અવાજે કહેતી, ‘‘અરે દીકરી, તું પણ આવી ગઈ. આવઆવ.’’ કહીને વધેલુંઘટેલું કંજૂસાઈથી તેની પ્લેટમાં આપતી.

દુખી મને કહેતી કે કાશ, આજે મારા પપ્પા હોત, તો મને કેટલો પ્રેમ કરતા, પ્રેમથી ખવડાવતા.
કોઈની હિંમત ના થતી, જે તેમની આ રીતે મજાક ઉડાવતા કે ખાવાપીવા માટે તરસતી.
તે ઓશીકામાં મોં છુપાવીને ખૂબ રડતી, પણ પછી મમ્મી આવતા પહેલાં જ મોં ધોઈને હસવાનું નાટક કરવા લાગતી કે ક્યાંક મમ્મીએ તેના આંસુ જેાઈ લીધા તો તેમને ખૂબ દુખ થશે અને તે પણ તેની સાથે રડવા લાગશે, જે તે ઈચ્છતી નહોતી.

એકાદ વાર તેણે ગુરુને પરિવાર તરફથી મળતી આ મુશ્કેલીની વાત કરવા ઈચ્છી, પરંતુ ગુરુએ દરેક વાર કોઈ ને કોઈ બહાનાથી તેને ચુપ કરાવી દીધી.
તે સમજી ગઈ કે દુનિયાની જેમ ગુરુ પણ બળવાનના સાથી છે.
જ્યારે તે નાની હતી, ત્યારે આ વાતથી અજાણ હતી, પણ જેમજેમ મોટી થઈ, તેને વાત સમજમાં આવવા લાગી અને તેની અસર એવી થઈ કે તે તેની ઉંમર પ્રમાણે જલદી અને વધારે સમજદાર થઈ ગઈ.
તેની મહેનત અને લગન કામ આવી અને એક દિવસ તે મોટી ઓફિસર બની ગઈ.
ગાડીબંગલો, નોકરચાકર, એશોઆરામ હવે તેની પાસે બધું જ હતું. તે દિવસે માદીકરી એકબીજાના ગળે મળીને એટલા રડ્યા કે પથ્થરદિલ થઈ ગયેલા મામામામીની આંખમાં આંસુ આવી ગયા.

નાની પણ ખૂબ ખુશ હતા અને પૂરા પરિવારને ફોન કરીને તેમણે ગર્વથી આ સમાચાર આપ્યા.
તે બધા લોકો, જે વર્ષોથી તેને અને તેની મમ્મીને આ પરિવાર પર એક બોજ સમજતા હતા, ‘સાસરીમાંથી કાઢેલી’, ‘પિયરમાં આવીને રહેનાર’ સમજીને શંકાની નજરથી જેાતા હતા અને તેમને જેાઈને મોં ફેરવી લેતા હતા, આજે તે જ લોકો તે બંનેની પ્રશંસા કરતા થાકતા નહોતા.
મામામામીએ તો ઓફિસર બનવાની ક્રેડિટ પોતે લીધી અને ગર્વથી ચાલતા હતા.
સમયનું ચક્ર જાણે ફરી ફરવા લાગ્યું હતું.
હવે મમ્મી અને શિખા પ્રત્યે મામામામીની વર્તણૂક બદલાવા લાગી હતી.
દરેક વાતમાં મામી કહેતા, ‘‘અરે દીદી, બેસો ને. તમે બસ હુકમ કરો. તમે બહુ કામ કરી લીધું.’’ મામીનું આ રૂપ જેાઈ શિખા ખુશ થતી.

આ દિવસ માટે તો તે કેટલી તરસી હતી.
જ્યારે સરકારી બંગલામાં જવાની વાત આવી, ત્યારે સૌપ્રથમ મામામામીએ તેમનો સામાન પેક કર્યો, પણ નાનીએ જવાની ના પાડી, એમ કહીને કે આ ઘરમાં નાનાની યાદો વસેલી છે.
તે આ ઘર છોડીને ક્યાંય નહીં જાય.
જેને જવું હોય, તે જઈ શકે છે. મમ્મી નાનીના દિલની સ્થિતિ સમજતી હતી.
તેથી તેમણે પણ જવાની ના પાડી.
તે સમયે શિખાએ પણ શિફ્ટ થવાનો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો.
આ દરમિયાન એક ખૂબ જ સંસ્કારી અને હેન્ડસમ ઓફિસર, જેનું નામ રાહુલ હતું, તેના તરફથી શિખાને લગ્નનો પ્રસ્તાવ આવ્યો.

રાહુલે આગળ આવીને શિખાને જણાવ્યું કે તે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે.
શિખાને પણ રાહુલ ગમતો હતો.
રાહુલ શિખાને તેના ઘર, તેની મમ્મી સાથે પણ મળાવવા લઈ ગયો હતો.
રાહુલે તેને જણાવ્યું કે કેવી રીતે પપ્પાના ગુજરી ગયા પછી મમ્મીએ તેનું આખું જીવન માત્ર ને માત્ર તેના ઉછેરમાં આપી દીધું.
ઘરેઘરે કામ કરી, દિવસરાત સીવણ-ગૂંથણ કરીને તેને આ લાયક બનાવ્યો કે આજે તે આટલો મોટો ઓફિસર બની ગયો છે.
તેની મમ્મી માટે તે અને તેના માટે તેની મમ્મી બંનેની એ જ દુનિયા હતી.
રાહુલ કહેતો હતો કે હવે તેની ૨ છેડાની દુનિયાનો ત્રીજેા છેડો શિખા છે, જે બાકીના ૨ છેડાનો સહારો બનશે અને મજબૂતાઈથી બાંધી રાખશે.
આ સાંભળીને શિખાએ અનુભવ્યું હતું કે આ દુનિયા કેટલી નાની છે.
તે સમજતી હતી કે માત્ર તે દુખી છે, પણ અહીં તો રાહુલ પણ કાંટા પર ચાલતાંચાલતાં અહીં સુધી પહોંચ્યો છે.
હવે તે બંને હમસફર બની ગયા છે, તો તેમનો માર્ગ પણ એક જ છે અને મંજિલ પણ.

રાહુલની મમ્મી શિખાને મળીને ખૂબ ખુશ થયા.
તેમની થનારી વહુ આટલી સુંદર, શિક્ષિત તથા સંસ્કારી છે, આ જેાઈને તે ખૂબ ખુશ હતા.
તેમણે તરત જ ગળામાંથી સોનાની ચેન કાઢીને શિખાના ગળામાં પહેરાવી દીધી અને પછી શિખાને કહ્યું, ‘‘બસ દીકરી, હવે તું જલદીથી અહીં મારી પાસે આવી જ અને મારા આ ઘરને ઘર બનાવી દે.’’
પણ એક વાર ફરી શિખાના પરિવારજનો તેની ખુશીની આડે આવી ગયા.
રાહુલ બીજી જ્ઞાતિનો હતો અને તેને ત્યાં માંસ શોખથી ખવાય છે જ્યારે શિખાનો પરિવાર પંડિત સમાજનો હતો, જે માંસ તો દૂર ડુંગળીલસણથી પણ દૂર રહેતા હતા.

ઘરમાં બધા રાહુલ સાથે તેના લગ્ન વિરુદ્ધ હતા.
જ્યારે શિખાની મમ્મી માલાએ શિખાને આ લગ્ન માટે ના પાડી તો શિખા નારાજ થઈને બોલી, ‘‘મમ્મી, તું પણ ઈચ્છે છે કે ઈતિહાસ ફરીથી રિપીટ થાય? ફરી એક જિંદગી આ ધાર્મિક પરંપરા અને દુનિયાદારી આગળ અગ્નિમાં પોતાનું જીવન સ્વાહા કરે? તું પણ મમ્મી…’’ કહેતાંકહેતાં શિખા રડી પડી.
શિખાના સવાલ સમક્ષ માલા નિરુત્તર થઈ ગઈ.
તે ધીરેથી શિખા નજીક આવી અને તેનું માથું પંપાળતા ધીરેથી બોલ્યા, ‘‘મને માફ કરી દે મારી દીકરી. વધતી ઉંમરે નજર જ નહીં, મારી વિચારવાની શક્તિ પણ ધૂંધળી કરી દીધી હતી.
મારા માટે તારી ખુશી પહેલાં, બીજું પછી…
આપણે આજે જ આ ઘર છોડી દઈશું.’’

જ્યારે મામામામીને ખબર પડી કે શિખાનો નિર્ણય દઢ છે અને માલા પણ તેની સાથે છે, તો બધાનો ગુસ્સો શાંત થઈ ગયો.
અચાનક તેમને ગુરુનું ધ્યાન આવ્યું કે કદાચ તેમના કહેવાથી શિખા તેનો નિર્ણય બદલી દે.
વાત ગુરુ સુધી પહોંચી તો તેઓ ગુસ્સે થયા.
તે શિખાને સમજાવવા લાગ્યા, શિખાએ તેમના મોં પર આંગળી મૂકીને તેમને ચુપ રહેવાનો ઈશારો કર્યો અને પછી તેના ગળામાં પહેરેલું તે ફોટાવાળું લોકેટ ઉતારીને તેમની સામે ફેંકી દીધું.
બધા ગુસ્સે થઈને કહેવા લાગ્યા, ‘‘શિખા, આ શું ગાંડપણ છે?’’ ગુરુ પણ આશ્ચર્યચકિત થઈને તેને જેાવા લાગ્યા.
તેની પર શિખા મક્કમ અવાજે બોલી, ‘‘તમારી પૂજા બહુ કરી અને જેાઈ લીધી તમારી શક્તિ, જે માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે. મારું સર્વસ્વ હવે મારો થનારો પતિ રાહુલ છે, તેનું ઘર જ મારું મંદિર છે, તેની સેવા તમારા પાખંડી ધર્મ અને ભગવાનથી પહેલાં છે.’’ કહેતા શિખા ત્યાંથી તરત જ ઊભી થઈને નીકળી ગઈ.

શિખાના આત્મવિશ્વાસ સમક્ષ બધાએ સમર્પણ કરી દીધું અને પછી ધામધૂમથી તેના રાહુલ સાથે લગ્ન કરાવ્યા.
અચાનક વાદળના ગડગડાટથી શિખાની આંખ ખૂલી ગઈ.
આંગણામાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.
તે ઊઠી અને વિચારવા લાગી, અહીં બેઠાબેઠા તેની આંખ શું લાગી ગઈ તે તો તેનું અતીત એક વાર ફરી જીવીને આવી. ‘ રાહુલ હવે કોઈ પણ સમયે તેને લેવા આવતો હશે.’ એ વિચારીને સ્મિત કરવા લાગી.

વધુ વાંચવા કિલક કરો....