ઠંડીની ઋતુ એટલે સારું ખાવાનું અને અનેક તહેવાર, તેથી ભારતમાં લોકો આખું વર્ષ શિયાળાની રાહ જેાતા હોય છે. ગરમાગરમ સ્નેક્સ અને મીઠાઈની મજા લેવાની આ ઋતુ બધાને ગમે છે. ઠંડી પોતાની સાથે વર્ષના અનેક મોટા તહેવાર, મોજમસ્તી, મિત્રો અને પરિવારજનો સાથે ઉજવાતા ઉત્સવ લઈને આવે છે. આ જ ઋતુ છે, જેમાં આપણા દિલની સંવેદના વધે છે. ઠંડીની ઋતુમાં ઉષ્ણતામાનમાં થતો ઘટાડો આપણા સ્વાસ્થ્ય પર પણ ખૂબ અસર કરે છે, તેમાં પણ ખાસ તો હૃદય પર. તેનાથી હાર્ટએટેક, હાર્ટ ફેલ્યોર, ફ્લૂ વગેરેનું જેાખમ વધે છે. હૃદય અને સર્ક્યુલેટરી સિસ્ટમ પર ઠંડીની ઋતુની અસર થઈ શકે.

આ સિવાય ઠંડીમાં લોકોની સક્રિયતા ઓછી હોય છે. આરામ કરવા માટે અને શરીરને ગરમ રાખવા માટે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પછી તેની એ અસર થાય છે કે શરીરને જેટલી કસરતની જરૂર હોય છે તેટલી આ ઋતુમાં નથી મળતી. ઉષ્ણતામાનમાં પરિવર્તનનાં લીધે શરીરમાં ફિઝિયોલોજિકલ બદલાવ આવે છે, તેથી ઠંડીમાં સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જેાખમ બાયોલોજિકલ હોય છે. સિપેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે, જેથી રક્તવાહિની સંકોચાઈ જાય છે અને હૃદયને લોહીની આપૂર્તિ ઘટી જાય છે, જેનાથી બ્લડપ્રેશર વધે છે અને હાર્ટએટેક તથા સ્ટ્રોકનું જેાખમ વધે છે. ઠંડીમાં કોરોનરી ધમની સંકોચાઈ જાય છે, જેનાથી કોરોનરી હૃદયરોગના લીધે છાતીમાં દુખાવો વધી શકે છે. એક તરફ શરીરના ઉષ્ણતામાનને સ્થિર રાખવા હૃદયે વધારાની મહેનત કરવી પડે છે જ્યારે બીજી તરફ ઠંડી હવા હૃદયની આ મહેનતને વધારે મુશ્કેલ બનાવે છે, કારણ કે ઠંડી હવાના લીધે શરીરની ગરમી ઝડપથી ઓછી થવા લાગે છે. જે તમારા શરીરનું ઉષ્ણતામાન ૯૫ ડિગ્રીથી નીચે જાય તો હાઈપોથર્મિયા હૃદયની માંસપેશીઓને નુકસાન પહોંચાડી શકે છે.

ભારતમાં ઠંડીની મોસમ એટલે અનેક તહેવારની મોસમ, રજા, ઉત્સવો, વિભિન્ન ભોજન અને ઓછી ઊંઘ લેવી. જેાકે આ બધાથી હૃદય પર વધારે દબાણ આવે છે. રજાઓ અને તહેવાર ઈમોશનલ રિસ્પોન્સિસને પણ વધારી શકે છે. જેા તેને નિયંત્રિત કરવામાં ન આવે તો હૃદયની તાણ વધી શકે છે. ઠંડીની મોસમમાં ભાવનાત્મક તાણ, જેને સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે તે સ્ટ્રેસ હોર્મોન લેવલ વધારી શકે છે અને તેનાથી હાર્ટએટેક અથવા સ્ટ્રોકનું જેાખમ વધી શકે છે. ઠંડીના દિવસોમાં શરીરમાં ગરમીનું પ્રમાણ જાળવી રાખવા માટે લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે. જેા આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઘટી ન જાય ત માટે ભલે ને તમે ઘરમાં રહો, પરંતુ ઘરમાં રહીને કોઈ ને કોઈ એક્ટિવિટી અચૂક કરો. ઠંડીમાં શરદી, ગળામાં ખારાશ અને ખાંસી જેવી સામાન્ય બીમારી થાય છે, પરંતુ જેા તમારું હૃદય પહેલાંથી અન્ય કોઈ કારણસર તાણમાં હોય તો તમારા માટે આ બીમારી ભયજનક સાબિત થઈ શકે છે.

જેાખમ
પહેલાંથી જ હૃદયરોગ હોય તેમના માટે ઠંડીની મોસમ જેાખમી પુરવાર થાય છે. તેઓ આ ઋતુની શરૂઆત એક પડકાર સાથે કરે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ નથી કે શું થશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું થવાની શક્યતા છે? કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ માટે ઠંડીની મોસમમાં ગરમ રહેવું ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે ડિલેડ મેટાબોલિક રિએક્શનથી શરીરમાં ગરમાવો રહેવો મુશ્કેલ થઈ જાય છે. આ સ્થિતિમાં હૃદય પર લોહીને પંપ કરવા વધારાનું દબાણ થાય છે. તેની સાથે હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન, અન્ય બીમારીનો પારિવારિક ઈતિહાસ, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, દારૂનું વધારે પડતું સેવન જેવા કારક ઠંડીની ઋતુમાં હાર્ટએટેકની શક્યતા વધારી શકે છે. જેાકે ઠંડીની ઋતુનો હૃદયની સ્થિતિ પર પ્રભાવ કેટલાક કારકના લીધે ઓછો કે વધારે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જેાઈએ તો ધૂમ્રપાન અને દારૂ જેવા જેાખમી પરિબળના લીધે ઠંડીમાં વ્યસની લોકોને હાર્ટએટેક આવે છે, કારણ કે વાસોકંસ્ટ્રિક્શન પર તેની સીધી અસર થાય છે અને તેના લીધે બ્લડપ્રેશર વધે છે. પહેલાંથી કોઈ બીમારી હોય અથવા શરીર રિકવરી સ્ટેજમાં હોય ત્યારે શરીર જેટલું મજબૂત અને શક્તિશાળી હોવું જેાઈએ એટલું હોતું નથી. પરિણામે તે વ્યક્તિને ઈંફેક્શન થવાનું જેાખમ સૌથી વધારે રહે છે. કેટલીક બીમારી હૃદય પર દબાણ વધારે છે.

ઠંડીની ઋતુમાં હૃદયની સ્વસ્થતા માટે કેટલાક ઉપાય અજમાવીને શરીરમાં ગરમાવો રાખવો ખૂબ જરૂરી છે. ગરમ અથવા એકથી વધારે કપડાં પહેરો, જેથી તમારું શરીર ગરમ રહે અને શરીરમાંથી ગરમીને બહાર જતા અટકાવી શકાય. આ જ રીતે તમે તમારા હૃદયને અતિરિક્ત કામ કરવાથી બચાવી શકો છો. જેા તમે ક્યાંક બહાર જવાનું વિચારો છો તો બહારની ઠંડી અને કામકાજ પ્રમાણે યોગ્ય ગરમ કપડાં અચૂક પહેરો. જેા તમે એકથી વધુ કપડાં પહેરો, ત્યારે તમારી એક્ટિવિટી વધે તો તમે ઉપરના વધારાના કપડાં દૂર કરી શકો છો. શરીરને ગરમ રાખવાનું છે, ઓવરહીટ નથી કરવાનું. જેા પરસેવો થાય તો ઉપરના ૧-૨ કપડાં કાઢીને શરીરને ઠંડું કરી શકો છો. ઠંડીની આ ઋતુમાં શારીરિક રીતે સક્રિય રહો. ઘરની બહાર જઈને જ કસરત કરવી જરૂરી નથી. ઉષ્ણતામાન જે વધારે ઠંડું હોય તો સવારે જલદી ઘરની બહાર જઈને એક્સર્સાઈઝ ન કરો. જેા બહાર નીકળી શકાય તેમ હોય તો પણ સ્ટ્રેચિસ અથવા દોડવા જેવી હળવી એક્સર્સાઈઝ કરો. લાઈટ એરોબિક્સ, યોગા, ઈનડોર વર્કઆઉટ્સ, ડાન્સ અથવા મેડિટેશન જેવી પ્રવૃત્તિને તમે ઘર રહીને કરી શકો છો.

નિયમિત કસરત કરો
નિયમિત કસરત કરવાથી શરીર ગરમ રહે છે, તેથી તમને ફિટ રહેવામાં મદદ મળે છે. કસરત કરતી વખતે ટાર્ગેટ હાર્ટ રેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. હૃદયને સ્વસ્થ રાખવા દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ અને અઠવાડિયામાં ૫ દિવસ એરોબિક એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. ઠંડીની ઋતુમાં કંફર્ટ ફૂડ ખાવા મન લલચાય એ સ્વાભાવિક વાત છે, પરંતુ ખાવા બાબતે સંતુલન જાળવવું સૌથી વધારે જરૂરી છે. ઠંડીમાં બનતી વિવિધ પ્રકારની વાનગીનો સ્વાદ જરૂર ચાખવો જેાઈએ, પરંતુ જે શરીરને સ્વસ્થ રાખવું હોય તો ન્યૂટ્રિએન્ટ્સ જરૂરી છે. ફળ અને શાકભાજીમાં જેવા મળતા વિટામિન અને મિનરલ શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત બનાવે છે. તળેલા, ફેટી, મીઠું અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ભોજનથી દૂર રહો, કારણ કે તેનાથી હૃદયની બીમારીનું જેાખમ વધી શકે છે. ઠંડીમાં હાઈ કોલેસ્ટ્રોલવાળું ભોજન કરાય છે, જેનાથી હૃદયના સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થઈ શકે છે, તેથી સંતુલિત આહાર લેવો જરૂરી છે.

કાળજી લો
ટૂંકો દિવસ અને લાંબી રાતમાં વધારે સમય ઘરે પસાર કરવાથી તમે ઉદાસ અથવા અશાંતિનો અનુભવ કરી શકો છો. સૂર્યનો પૂરતો પ્રકાશ ન મળવાથી ઘણા લોકોને પૂરતું વિટામિન ડી નથી મળતું અને તેનાથી ડિપ્રેશન વધી શકે છે. યોગ અને મેડિટેશન સાથે સક્રિય રહેવું, મિત્રો અને પરિવારના સંપર્કમાં રહેવું એટલું જરૂરી થઈ જાય છે, જેનાથી તમે ફિલ ગુડ અનુભવી શકો છો. તાણ ખૂબ વધવાથી શરીરની રોગપ્રતિકારક પ્રણાલીના કાર્યમાં અડચણ આવી શકે છે. તેમાં ખાસ ઠંડીની મોસમમાં તાણ અંકુશમાં રાખવી ખૂબ જરૂરી છે. સ્ટ્રેસ હોર્મોન બ્લડપ્રેશર વધારીને રોગપ્રતિકારક શક્તિ કમજેાર પાડી શકે છે. બ્લડ શુગર, બ્લડ પ્રેશર, કિડની અને સ્વાસ્થ્યની બીજી સમસ્યા પર પણ નજર રાખો.
આ સ્થિતિ પર ધ્યાન નહીં રાખો તો હૃદયના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ શકે છે. ખૂબ વધારે થકવી નાખનાર કામ ન કરો. જેા તમે પહેલાંથી હાર્ટ સંબંધિત બીમારીના દર્દી છો તો કોઈ પણ વજનદાર અને વધારે શ્રમના કામ ન કરો. કામ કરતી વખતે વચ્ચેવચ્ચે નાનકડો બ્રેક જરૂર લો. અચાનક કોલ્ડ સ્ટ્રોક્સ ટાળવા હૃદયનાં દર્દીએ મહદ્અંશે ઘરમાં રહેવું જેાઈએ. વધારે પ્રમાણમાં દારૂ પીવો, સ્મોકિંગ કે તમાકુના સેવનથી દૂર રહેવું, કારણ કે તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય વધારે બગડી શકે છે.

પૂરતો આરામ જરૂરી
સારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પૂરતો આરામ કરવો ખૂબ જરૂરી છે. હૃદયની બીમારી, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને સ્ટ્રોક જેવી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યા અપૂરતી ઊંઘના લીધે પેદા થાય છે. કોઈ પણ વયસ્ક વ્યક્તિ માટે દરરોજ રાત્રે ૭ થી ૯ કલાકની ઊંઘ જરૂરી છે. તમારું નાઈટ રૂટિન નિયમિત હશે તો તમે સારી ઊંઘ લઈ શકશો. નાઈટ રૂટિનને સેટ કરવા માટે તમારે તમારી લાઈફમાં કેટલાક નાના એડજસ્ટમેન્ટ કરવા પડશે, જેનાથી તમે શાંત, ગાઢ નિદ્રાની આદત પાડી શકશો.

સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો
કાર્ડિયાક સમસ્યાના લક્ષણોને સમજવા ઠંડીની મોસમમાં વધારે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. ઘણી વાર છાતીમાં ખૂબ વધારે બળતરા, પરેશાની, ખૂબ વધારે પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ, જડબા, ખભા તથા હાથમાં લાંબા સમય સુધી દુખાવો રહેવો વગેરે હાર્ટએટેક વોર્નિંગ ઈન્ડિકેટર છે. જેાકે પુરુષ અને મહિલાઓમાં આ લક્ષણ અલગઅલગ હોઈ શકે છે. પુરુષોને ક્યારેક-ક્યારેક બેચેની અથવા ચક્કર આવવાની ફરિયાદ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં અસામાન્ય લક્ષણ પેદા થવાની સમસ્યા ખૂબ વધારે રહે છે, જેથી તેઓ ક્યારેક ચેતવણીને નજરઅંદાજ કરે છે. ઠંડીની મોસમ શરીર અને મન બંને માટે ખૂબ મુશ્કેલભરી બની શકે છે. હવે ઠંડીનાં દિવસોમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ઠંડું ઉષ્ણતામાન હૃદય માટે થોડું મુશ્કેલ જરૂર બની શકે છે, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે ઠંડીની પણ મજા માણી શકો છો. તેથી કોઈ પણ લક્ષણને નજરઅંદાજ ન કરો, પરંતુ તરત ડોક્ટરનો સંપર્ક કરો. કાર્ડિયાક લક્ષણોને સમજવામાં અને તેની સારવારમાં થોડું પણ મોડું, ન માત્ર સમસ્યાને વધારે મુશ્કેલ બનાવશે, પરંતુ તે જીવલેણ બની શકે છે.
– ડો. નિલેશ ગૌતમ.

વધુ વાંચવા કિલક કરો....