પ્રિયંકાના લગ્ન તાજેતરમાં થયા હતા. તેની ઉંમર વધારે નહોતી, તેથી પતિપત્નીએ હાલપૂરતું બાળકો વિશે વિચાર્યું નહોતું. ઘરના કામકાજ પતાવ્યા પછી પ્રિયંકા પાસે સારો એવો સમય રહેતો હતો. આ જ કારણસર તેણે આગળ ભણવા વિશે વિચાર્યું. જેાકે લગ્ન પહેલાં ગ્રેજ્યુએશન કરી ચૂકી હતી અને હવે એમ.એ. કરવા ઈચ્છતી હતી, જેથી જરૂર પડતા તેને કોઈ સારી નોકરી મળી શકે. તેના પતિએ પણ તેને આગળ ભણવાની મંજૂરી આપી દીધી. પરંતુ જ્યારે આ વાત પ્રિયંકાના સાસુ સુધી પહોંચી ત્યારે તેઓ નારાજ થયા. તેમને પ્રિયંકાના કોલેજ જવામાં કોઈ લાભ દેખાતો નહોતો. તેમને એ વાતનો ડર હતો કે આગળ અભ્યાસ કરતા વહુ તેમના હાથમાંથી નીકળી જશે. આ જ કારણસર તેના સાસુએ નાની ઉંમરની માત્ર ગ્રેજ્યુએટ છોકરી સાથે પોતાના દીકરાના લગ્ન કરાવ્યા હતા, જેથી વહુ તેમના વશમાં રહે.

સાસુએ કંઈક વિચાર્યા પછી પ્રિયંકાને કહ્યું, ‘‘બેટા, તું જાણે છે કે દર ૧૫ દિવસ પછી હું ક્યાં જાઉં છું?’’ ‘‘હા, તમે કિટી પાર્ટીમાં જાઓ છો, તમારી ઉંમરની સાહેલીને મળીને આ ગ્રૂપ બનાવ્યું છે. મારા ફોઈએ પણ આવી જ એક કિટી પાર્ટી જેાઈન કરી રાખી છે.’’ પ્રિયંકાએ જવાબ આપ્યો.
સાસુએ દાવ ફેંકતા કહ્યું, ‘‘શું તને ઈચ્છા નથી થતી કે તું પણ આવી કોઈ કિટી પાર્ટીનો ભાગ બને અને તેનો આનંદ માણે? આપણા મહોલ્લામાં એક કિટી પાર્ટી સાસુઓની ચાલે છે અને એક વહુઓની. તું વહુઓને જેાઈન કરી લે, પછી તારા માથા પરથી આ ભણવાનું ભૂત ઊતરી જશે. એક પાર્ટીમાં જઈ આવીશ, પછી બીજીની તૈયારીમાં લાગી જઈશ.’’ ‘‘શું તું જાણે છે કે ત્યાં કેટલી બધી વાત શીખવા માટે મળે છે. નવીનવી વાનગી, નવીનવી ફેશન ટ્રિક્સ, ગોસિપ અને ગેમ્સ. કેટલું બધું મનોરંજન મળે છે ત્યાં, ખરેખર ખૂબ મજા આવે છે. કિટી પાર્ટીમાં જવાથી કેટલીય મહિલાઓ તો સાહેલી બની જશે તારી. મને પણ મારી સાસુએ તેની આદત પાડી હતી. જે તું પણ એન્જેય કર. તને પણ ખુશીઆનંદ મળશે.’’

પ્રિયંકા બિચારી શું કરે, સાસુની વાત માનીને તે પણ કિટી પાર્ટીનો ભાગ બની ગઈ અને એવી મહિલાઓથી ઘેરાઈ ગઈ, જેમના જીવનનો હેતુ ગોસિપ, ફરિયાદ અને મનોરંજન સિવાય બીજું કંઈ જ નહોતો, તેનાથી વિપરીત જે પ્રિયંકા ભણવા ગઈ હોત તો કોલેજમાં કરિયર બાબતે જાગૃત મહિલાઓને મળી હોત અને તેને પણ જીવનમાં પ્રગતિ કરવાની ઈચ્છા થઈ હોત, પરંતુ સાસુએ ખૂબ ચાલાકીથી આ શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દીધું. કિટી પાર્ટી આજકાલ ફેશન બની ગઈ છે અને મહિલામાં ખૂબ લોકપ્રિય પણ છે. કિટી પાર્ટીના લીધે ઘરેલુ મહિલાઓ ઘરની બહાર નીકળતી થઈ છે અને થોડો સમય પોતાની સાહેલીઓ સાથે પસાર કરવા લાગી છે. આજે ઘરની વડીલ મહિલાઓ પણ મોટાભાગે પોતાની વહુઓને તેમાં જવાની મંજૂરી આપતી હોય છે અથવા એમ કહો કે એક રીતે પ્રોત્સાહિત કરતી હોય છે. જેાકે આ વાત પાછળ સાસુવહુનો પ્રેમ નહીં, પણ વહુને આ પ્રકારના કામમાં વ્યસ્ત રાખવાનો છે, જેથી તે પુરુષ સમોવડી બનવાની અને સ્વયંને સાબિત કરવાની જિદ્દ ભૂલી જાય. તેમને એ આઝાદીનો અહેસાસ થાય જે તેને ક્યારેય નથી મળી. માત્ર યુવા મહિલાઓ જ નહીં, પરંતુ મોટી ઉંમરની મહિલાઓ પણ પોતાની કિટી પાર્ટી ચલાવે છે. જેાકે તેમની પાર્ટીનો હેતુ થોડો અલગ હોય છે. મોટાભાગે તેમાં ધાર્મિક ભજનકીર્તન વગેરેના કાર્યક્રમ વધારે થતા હોય છે, ખાણીપીણી પણ હોય છે અને ગોસિપ પણ ખરી.

આ એક ષડ્યંત્ર છે
હકીકતમાં કિટી પાર્ટી એક રીતે મહિલાઓને નકામા કામમાં ફસાવીને વ્યસ્ત રાખવાનું ષડ્યંત્ર છે, જેથી તેઓ શો ઓફ કરવામાં રચીપચી રહે અને પ્રોડક્ટિવ કામનો ભાગ ન બની શકે. એ વાત પણ એક કડવું સત્ય છે કે ઘરની મહિલાઓ પોતાની દીકરી વહુને કિટી પાર્ટીનો ચસકો લગાવતી હોય છે. મોટાભાગે ઘરના પુરુષોને પણ આ વાત પસંદ હોય છે કે મહિલાઓ પણ આવી નકામી બાબતોમાં વ્યસ્ત રહે અને પ્રગતિ કરવા અંગે ન વિચારે. કિટી પાર્ટી એક રીતે તેમના પ્રગતિ તરફ આગળ વધતા પગલાં પર પહેરાવવામાં આવેલી અદશ્ય સાંકળ સમાન છે.

કિટી પાર્ટીમાં કેવી ગોસિપ થાય છે
મોટાભાગે મહિલાઓ કિટી પાર્ટીમાં ભાગ લેવાનું ખૂબ પસંદ કરે છે, કારણ કે ત્યાં તેમને વાત કરવાની વધારે તક મળતી હોય છે જે તેમનું સૌથી વધારે ગમતું કામ હોય છે. મોટાભાગની કિટી પાર્ટીમાં નવાનવા પકવાન અને ડ્રિન્ક્સ હોય છે. આ સિવાય કેટલીક ગેમ્સ રમવાની સાથે ગોસિપ કરવા માટે પણ પૂરતો સમય મળી રહે છે. આ બધા વચ્ચે રેસિપી વિશે પણ ખૂલીને વાત થાય છે. આમ પણ મહિલાઓને ગોસિપ સાંભળવામાં અને શેર કરવામાં અલગ આનંદ આવતો હોય છે. તેઓ એકબીજા સાથે મહોલ્લા અથવા સગાંસંબંધીમાં ચાલી રહેલા દરેક પ્રકારના અફેર્સ વિશે વાત કરે છે. પતિના કેટલાક રહસ્યો શેર કરતી હોય છે સાથે સાસુસસરા અથવા નણંદની નિંદા એ તેમના હોટ ટોપિક હોય છે. જેાકે મુશ્કેલીથી મુઠ્ઠીભર મહિલાઓ એવી હશે જેમને કિટી પાર્ટીમાં થતી ગોસિપમાં રસ ન હોય. કિટી પાર્ટીમાં ઘણી બધી રહસ્યમય વાતના ખુલાસા પણ થાય છે. આજકાલ ગેઝેટ્સ અને ઉપયોગ કરી રહેલી કેટલીક નવી વસ્તુ વિશે તેઓ વાત કરવા લાગી છે. એક તરફ કેટલીક મહિલાઓ પોતાના લેટેસ્ટ આઈફોન વિશે ગર્વથી જણાવતી હોય છે તો કેટલીક મહિલાઓ પોતાના નવા કિચન ગેઝેટ્સ અથવા ખૂબીના વખાણ કરીને અન્ય સમક્ષ બડાશ મારવાનો પ્રયાસ કરે છે.

મેકઅપ અને પહેરવેશ
આમ પણ ફેશન વિશે વાત કરવાની મહિલાઓની કોઈ સીમા નથી હોતી. કિટી પાર્ટીમાં ડ્રેસિસ અને મેકઅપ પર લાંબીલાંબી વાતો થાય છે. આ જ રીતે મહિલાઓમાં શોપિંગ એક એવો વિષય છે, જેની પર પૂરી પાર્ટી દરમિયાન વાત કરી શકાય છે. મહિલાઓ શોપિંગ સાથે જેાડાયેલી નાનીનાની વસ્તુ પર પણ કલાકો સુધી વાતો કરી શકે છે. તેની શરૂઆત નવા દરજીની દુકાનથી થાય છે અને એ વાત પર અંત આવે છે કે શહેરમાં ક્યાંક્યાં સેલ છે. કોઈ એક થીમ અનુસાર મેકઅપ અને પહેરવેશ રાખવો કે કોઈ એક થીમ પસંદ કરીને પાર્ટી?આયોજિત કરવાથી મજા બમણી થઈ જાય છે, તેથી આજકાલ થીમ બેઝ પાર્ટીનું ચલણ વધી ગયું છે. થીમ અનેક પ્રકારની હોઈ શકે છે. તમે કલર થીમ, સીરિયલ થીમ, ફેસ્ટિવલ થીમ, બોલીવુડ થીમ, વેલેન્ટાઈન થીમ વગેરે કોઈ પણ પસંદ કરી શકો છો.

ખાણીપીણી
ખાણીપીણી પણ કિટી પાર્ટીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે. મહિલાઓ પોતાને અન્યથી વધારે ચડિયાતી દર્શાવવાના પ્રયત્નમાં તે દિવસે નવીનવી ડિશિસ પણ ટ્રાય કરે છે અને જે હોટલમાંથી ભોજન અથવા સ્નેક્સ મંગાવતી હોય તો પોતાનો રુઆબ બતાવવા મોંઘામાં મોંઘું ભોજન મંગાવતી હોય છે. ખાવામાં ઉપયોગમાં લેવાતા વાસણને મહેમાનોના આવતા પહેલાં સ્વચ્છ અને એરેન્જ કરીને મૂકવા પડે છે. કેટલીક મહિલાઓ આ કામ માટે રેસ્ટોરન્ટ પણ બુક કરાવતી હોય છે. આમ કરવામાં સ્વયંને કોઈ ટેન્શન નથી રહેતું, પરંતુ ખિસ્સા સારા એવા ખાલી કરવા પડે છે. રેસ્ટોરન્ટમાં આવનારી મહિલાઓની સંખ્યાથી વધારે મહિલાઓને ગણતરીમાં લઈને ખાણીપીણીની વસ્તુની વ્યવસ્થા કરવી પડે છે. તેમની દરેક સુવિધા સાચવાની જવાબદારી પણ રહે છે.

ગેમ્સ
કિટી પાર્ટીમાં ગેમ્સ પણ રમવામાં આવે છે. ગેમ્સમાં સરપ્રાઈઝ ગિફ્ટ્સ આપવામાં આપે છે. વિજેતાને કોઈ ખાસ ભેટ આપવાની સાથેસાથે દરેક સહભાગીને સાંત્વના પુરસ્કાર રૂપે કોઈને કોઈ નાનીમોટી ભેટ આપવી અને ખરીદવી પણ પડે છે.

કમિટી
દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરીને કમિટી ચલાવવામાં આવે છે. કિટી મની એટલે કે દર મહિને જમા કરવામાં આવતી આ નિશ્ચિત રકમ લોટરી દ્વારા કોઈ એકના ભાગમાં જતી હોય છે અને તે વિજેતા ત્યાર પછીની પાર્ટીનું આયોજન કરતી હોય છે. આ રકમનો મહત્તમ ભાગ મુખ્યત્વે મહિલાઓના મનોરંજન, કપડાના શોપિંગ અને ખાણીપીણીમાં ખર્ચાય છે.

પ્રાપ્ત શું થાય છે
નવરાશના સમયનો ઉપયોગ કરવા માટે જેા તમે કિટી પાર્ટી જેાઈન કરવાનું નક્કી કરી લીધું હોય તો કહી શકાય કે તમારો આઈડિયા તો સારો છે, પરંતુ જરા વિચારો કે આ રીતે તમે તમારા કિંમતી સમયને કેવી રીતે બરબાદ કરવાના છો તેનો અંદાજ ક્યારેય લગાવ્યો છે? જરા વિચારો કે કિટી પાર્ટીમાં જવાથી મહિલાઓને શું મળે છે? માત્ર થોડું મનોરંજન અને થોડા વખાણ. થોડી ગોસિપ અને થોડી ખાણીપીણીની મજા. બસ એટલું જ ને. તેની અવેજમાં તેઓ પોતાનો કેટલો કિંમતી સમય બરબાદ કરે છે. સૌપ્રથમ તેઓ કિટી પાર્ટી માટે તૈયાર થવા અને પાર્ટીમાં બધાથી વધારે સુંદર દેખાવાના પ્રયાસમાં શોપિંગ અને પાર્લરમાં કલાકોનો સમય બરબાદ કરે છે. ત્યાર પછી તૈયાર થઈને કિટીમાં પહોંચે છે અને બિનજરૂરી નકામી વાતોમાં પૂરો દિવસ પસાર કરે છે. તેમાં પણ મહિલાના પોતાના ઘરે પાર્ટીનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે તેણે ઘણા દિવસ પહેલાંથી તૈયારીમાં લાગી જવું પડે છે.

મહિલાઓ કિટી પાર્ટીને એન્જેાયમેન્ટ માટે ઓછી અને સ્પર્ધામાં ભાગ લેવા માટે વધારે સમજવા લાગે છે. તે પોતાની બનાવેલી વાનગી, પોતાના ઘરેણાં, કપડાં અને અન્ય વસ્તુનો દેખાડો કરતી હોય છે. એકબીજા પર અશિષ્ટ કોમેન્ટ કરવાથી પણ દૂર નથી રહેતી. તેનાથી પાર્ટીની સમરસતા ભંગ થઈ જાય છે. કિટીમાં જૂથબંધી પણ જેાવા મળે છે. કિટી પાર્ટીમાં, લેગપુલિંગ, બેક બાઈટિંગથી પણ મહિલાઓ દૂર નથી રહેતી. મોટાભાગે મહિલાઓ કિટી પાર્ટીને મનોરંજન માટે નહીં, પરંતુ પ્રતિભાનો પ્રશ્ન બનાવી લેતી હોય છે.

કિટી પાર્ટીઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. કેટલીક વાચાળ વધારે બોલતી મેમ્બર જેારશોરથી કહેવાતા ગુરુઓનો મહિમા ગાવા લાગે છે, જે આવા પાખંડી ગુરુઓના ધંધાને ચમકાવે છે અને તેઓ મેમ્બરના ખિસ્સા આવા ગુરુઓ પાછળ ખાલી કરાવતી હોય છે. આ સ્થિતિમાં સારું એ જ રહેશે કે આ પ્રકારની વસ્તુમાં ન ફસાતા પોતાના સમયનો સદુપયોગ કરો અને જીવનમાં પ્રગતિ કરીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરો અને પોતાને નિખારવામાં નવરાશનો સમય લગાવો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....