વાર્તા – પૂનમ અહમદ.
ઘરે આવીને અનુપ્રિયા કેટલી વાર સુધી બેસી રહી અને ઊઠીને ચુપચાપ પથારીમાં ઊંઘી ગઈ. ખૂબ થાકેલી, વ્યથિત, પરેશાન, અજાણી આગમાં સળગતી રહી. તેની બેચેની વધી રહી હતી. જે પુરુષની ચારે બાજુ એટલા સપનાં જેાયા, મનના ઊંડાણથી જેને પ્રેમ કર્યો, જેના સુખમાં સુખી, દુખમાં દુખી થઈ, તે જ પુરુષ પોતાનો નથી. અનુપ્રિયાએ મનનાં ઊંડાણમાં શૂન્યાવકાશ, આટલો ખાલીપો પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો. ગુસ્સામાં સળગતી, અંદરો અંદર બેચેન, નિસહાય અનુભવતી રહી.
થોડા દિવસ પહેલાં બધું સારું લાગતું હતું. ચારે બાજુ જાણે મધુમાસની મસ્તી છવાયેલી રહી. જીવન એટલું સુંદર હોઈ શકે છે, ક્યારેય વિચાર્યું નહોતું. દરેક નવ દંપતી આવું જ અનુભવતા હશે. વિકાસને અનુપ્રિયા દુનિયાનો સૌથી સારો અને સમજદાર પુરુષ સમજવા લાગી. દુનિયા જાણે ૨ વર્ષથી તેની આજુબાજુ સમેટાઈ ગઈ હતી. ૨ વર્ષ પહેલાં અનુપ્રિયા અને વિકાસના લગ્ન થયા હતા અને હમણાં થોડાક મહિના પહેલાં વિકાસનું મુંબઈમાં પોસ્ટિંગ થયું હતું અને તે લખનૌથી અહીં શિફ્ટ થયા હતા.
ઊંઘતાંઊંઘતાં અનુપ્રિયાની આંખ સામે ‘મેકડોનાલ્ડ’ નું દશ્ય ફરવા લાગ્યું. આજે તે પોતાનો થોડો સામાન લેવા પાડોશણ રશ્મિ સાથે એક મોલમાં આવી હતી. બીજી બાજુ ત્યાં આવેલ ‘મેકડોનાલ્ડ’ ના પારદર્શક કાચમાંથી તેણે એક ટેબલ પર વિકાસ અને ગીતાને જેાયા. તે જેાઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી ચુપચાપ રશ્મિ સાથે ઘરે આવી ગઈ.
હવે અનુપ્રિયાથી સહન નથી થતું. જ્યારથી મુંબઈ આવી છે મનોમન પિસાય છે. વિકાસે જે દિવસે કાર્યભાર સંભાળ્યો હતો. તેની ઓફિસની સામેની બિલ્ડિંગમાં જ તેની બેચમેટ ગીતાની ઓફિસ હતી. અનાયાસે ગીતાને મળીને તેને કોલેજના જૂના દિવસો યાદ આવી ગયા હતા અને તે જ દિવસે ગીતા સાથે અનુપ્રિયાની મુલાકાત કરાવવા ઘરે લાવ્યો હતો. ગીતા હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારથી અત્યાર સુધીનો સમય અનુપ્રિયાએ રડીરડીને વિતાવ્યો છે.
કોઈ તહેવાર હોય કે ખાસ પ્રસંગ, ગીતા દરેક પ્રસંગે હાજર રહે છે. તેની અવરજવર અનુપ્રિયાને ગમતી નહોતી. તેણે વાતવાતમાં ગીતાને લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો, ‘‘પપ્પા નથી, મમ્મી અને નાના ભાઈબહેન લખનૌમાં રહે છે. આ તો સારું છે અહીં જેાબ મળી ગઈ. કેટલીક પારિવારિક જવાબદારી છે. પહેલા તે નિભાવી લઉં, પછી લગ્ન વિશે વિચારીશ.’’
નવું વર્ષ આવ્યું તો અનુપ્રિયાએ પૂછી લીધું, ‘‘નવું વર્ષ છે, ઘરે જવાનું હશે ને?’’
ગીતાએ કહ્યું, ‘‘અરે, મારું શું છે, તમારી સાથે નવું વર્ષ ઊજવી લઈશ. લખનૌ આવ-જા કરીશ તો સમય અને પૈસા બંને ખર્ચ થશે, એટલા મમ્મીને મોકલાવી દઈશ તો તેમને આરામ મળશે. કેમ વિક્કી, ઠીક છે ને?’’
વિકાસને વિક્કી કહેતી ગીતા અનુપ્રિયાને ગમતી નહોતી, પણ શું કરી શકતી હતી. વિકાસ કહેતો, ‘‘અરે, આ પણ તારું જ ઘર છે, આરામથી રહે.’’
બંને બેસીને ખબર નહીં કોલેજના કેટલા કિસ્સા સંભળાવતા રહ્યા અને તે મનોમન બળતી રહી.
હમણાં હમણાં તે મેકડોનાલ્ડથી ઘરે પાછી આવી હતી. વિકાસ જંકફૂડથી ચિડાતો હતો અને આજે કેટલો ખુશ દેખાતો હતો. અનુપ્રિયા જ્યારે પણ ખાવાનું કહેતી, ‘‘ચાલ, તને ખવડાવી દઉં છું. મારા માટે તું ઘરે રોટલી બનાવી દેજે. કોઈ શાક પડ્યું હશે એ હું ખાઈ લઈશ. આ બર્ગર, પિઝા મને બિલકુલ પસંદ નથી.’’
અનુપ્રિયા કહેતી, ‘‘છોડો, હું એકલી શું ખાઈશ.’’ પછી મન મારીને રહી જતી.
આજે અનુપ્રિયાની સહનશક્તિ જવાબ આપી ગઈ હતી. ખબર નહીં ગુસ્સામાં કેટલી વાર સુધી રડી. ડોરબેલ રણક્યો ત્યારે દરવાજેા ખોલ્યો જેાયું તો વિકાસ જલદી આવી ગયો હતો.
અનુપ્રિયાનો ચહેરો જેાતા જ ચોંકી ગયો. પૂછ્યું, ‘‘શું થયું પ્રિયા, તબિયત તો ઠીક છે?’’
અનુપ્રિયાના ચહેરા પર આંસુ છલકાઈ ગયા. તેના દિલની હાલત વિચિત્ર હતી. તેને લાગ્યું કે અચાનક બધી ખુશીઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. તે ચુપ રહી.
વિકાસે તેને હાથ પકડીને બેસાડી, અનુપ્રિયા સ્વયંને સંભાળી ચૂકી હતી. બોલી, ‘‘હું ઠીક છું, બસ માથું દુખે છે તો ઊંઘતી હતી. હું તમારા માટે ચા બનાવું છું.’’
વિકાસે કહ્યું, ‘‘ના, તું બેસ, આજે હું તારા માટે ચા બનાવું છું.’’
‘‘તમને કિચનમાં કોઈ સામાન નહીં મળે, હું જાઉં છું.’’
‘‘હા, એ વાત પણ છે. તેં મારી આદત બગાડી દીધી છે પ્રિયા.’’ કહીને વિકાસ હસ્યો.
પ્રિયાએ સ્મિત કરતા પૂછ્યું, ‘‘આજે આટલી જલદી કેવી રીતે આવ્યા?’’
‘‘એક મીટિંગ કેન્સલ થઈ, ઓફિસથી નીકળ્યો તો ગીતા મળી ગઈ, તેને ભૂખ લાગી હતી. જબરદસ્તી મને પણ ‘મેકડોનાલ્ડ’ લઈ ગઈ. ન ઈચ્છવા છતાં ખાવું પડ્યું. અરે હા, હું તારા માટે પણ પેક કરાવીને લાવ્યો છું. તને પણ ભાવે છે ને અને તેં કોઈ દવા લીધી?’’
‘‘ના, થોડો આરામ છે. હું ચા લાવું છું.’’ ચા બનાવતાંબનાવતાં પ્રિયાએ વિચાર્યું કે વિકાસે તેનાથી કંઈક છુપાવ્યું તો નથી કદાચ તે જ ખોટું વિચારી રહી છે, પણ શંકાનું બી ઊગી ગયું હતું તો મગજની દલીલ નકામી હતી.
વિકાસ તેનું મન બદલતો રહ્યો. તે પણ સ્વયંને નોર્મલ રાખવાની કોશિશ કરતી રહી, પણ જ્યારે વિકાસના મોં પર ગીતાનું નામ આવે, તેનું દિલ સળગી ઊઠતું, પણ તે શું કરી શકતી હતી. કંઈક કહીને પોતાને નાની નહોતી બનાવી શકતી અને કંઈ કહ્યા વિના ગભરામણ વધી રહી હતી.
રાતે જ્યારે અનુપ્રિયા ઊંઘવા ગઈ ત્યારે આંખમાં ઊંઘ નહોતી અને છેલ્લા કેટલાય દિવસની વાત યાદ આવતી રહી. તેણે બાજુમાં ઊંઘેલા વિકાસ સામે જેાયું. તેના શ્વાસ કહેતા હતા કે તે કેટલો શાંત અને ગાઢ નિદ્રામાં છે. તેનો નિશ્ચલ ચહેરો જેાઈને તેને પોતાની શંકા ખોટી લાગી, પણ મનને ૨ દિશામાં ઝડપથી ખેંચવું તેને તોડી રહ્યું હતું. વિકાસ સાથે તેને કોઈ મહોત્સવથી ઓછું નહોતું લાગતું. અત્યાર સુધી તે પૂરા મનથી ગૃહસ્થીની ફરજેા પૂરી કરતી હતી, પણ ગીતાના વિચાર જે તેના લાખ પ્રયત્ન કરવા છતાં દિલમાંથી નીકળતા નથી, તેણે આ રીતે ઊંઘતાજાગતા વિચારતા રાત વિતાવી.
ગીતા ખૂબ કામમાં આવી હતી. કોવિડના દિવસોમાં તે સતત હાલચાલ પૂછતી રહી. વિકાસ લેપટોપ પર કામ કરતો રહેતો, પણ ક્યાંથી શું મંગાવવું છે તે ગીતાને કહેતી તો તરત જ ડિલિવરી બોય આવીને આપી જતો. તેના હાથમાં જાણે જદૂની લાકડી છે.
એક દિવસે ઊઠીને રોજિંદા કામ શરૂ થયા. બે વ્યક્તિનું કામ વધારે નહોતું, કમલાબાઈ આવીને સફાઈ કરી જતી. બીજા કામ અનુપ્રિયા જાતે કરતી. વિકાસનું દરેક કામ તેને કરવું ગમતું હતું. ચા બનાવવા ગઈ. જેાયું તો ખાંડ નહોતી. આજકાલ તેને ગીતા સિવાય કંઈ યાદ નહોતું રહેતું. મગજ બીજી વાતોમાં વ્યસ્ત રહેતું.
અનુપ્રિયાએ વિચાર્યું વિકાસ જ્યાં સુધી ફ્રેશ થશે તે જલદીથી જઈને સોસાયટીની જ દુકાનમાંથી ખાંડ લઈ આવશે. વિકાસ બાથરૂમમાં હતો. તે તેને કહીને જતી રહી. સેકન્ડ ફ્લોર પરથી ઊતરતી વખતે ઉતાવળ અને રાતે જાગવાથી શારીરિક અસ્વસ્થતા અથવા કેટલાય દિવસથી ચાલતી માનસિક તાણમાં રહેવાથી તેને ચક્કર આવ્યા અને સીડી પરથી તેનો પગ લપસી ગયો. તે સંતુલન ન જાળવી શકી અને લપસી ગઈ. તેની ચીસો સાંભળીને ફર્સ્ટ ફ્લોરનું એક બાળક દોડતું વિકાસને બોલાવી આવ્યું. અનુપ્રિયા પગ પર ઊભી નહોતી થઈ શકતી. વિકાસ તરત ડોક્ટર પાસે લઈ ગયો. હેરલાઈન ફ્રેક્ચર હતું. તેની સાથે પ્રિયાનું બ્લડપ્રેશર લો હતું. ડોક્ટરે આરામ કરવાનું કહ્યું.
વિકાસે કહ્યું, ‘‘પ્રિયા, તારી મમ્મીને બોલાવી લઉં કે શું?’’
‘‘ના, તેની તબિયત સારી નથી, રહેવા દો બધું થઈ જશે.’’
વિકાસે ઓફિસમાંથી રજા લીધી તો અનુપ્રિયાએ કહ્યું, ‘‘પણ આજથી તમારી ટ્રેનિંગ શરૂ થઈ રહી છે. કમલા બાઈને બોલાવી લો, તમે ઓફિસ જાઓ, રશ્મિ પણ બહાર ગઈ છે, નહીં તો થોડીક મદદ કરી દેત.’’
વિકાસે ગીતાને કહ્યું. પ્રિયાને પીડામાં પણ તેની પર ગુસ્સો આવ્યો. તે બોલી, ‘‘તેને પણ ઓફિસના કામ હોય છે. ખોટી પરેશાન થશે.’’
વિકાસે કહ્યું, ‘‘અરે કોઈ વાત નહીં, ફ્રી હશે તો તારી થોડીક મદદ કરી દેશે.’’
ફોન કરવાના અડધા કલાકમાં ગીતા અનુપ્રિયા પાસે હતી. તેણે પણ ઓફિસમાં કહીને વર્ક ફ્રોમ હોમ કરી લીધું હતું.
ગીતા વિકાસને બોલી, ‘‘વિક્કી, તારે ઓફિસ જવું જરૂરી છે. આમ પણ તું ઘરના કામ નહીં કરી શકે.’’
પ્રિયાએ કહ્યું, ‘‘હા, આ બરાબર છે.’’
આ જ નક્કી થયું. વિકાસ ઓફિસ ગયો અને ગીતાએ ઘરના કામ કરી લીધા.
ગીતાએ પ્રિયાની ખાણીપીણીનું, તેની દવાઓ, તેના આરામ કરવાનું ભરપૂર ધ્યાન રાખ્યું. પ્રિયા મનોમન તેની પ્રશંસા કરતી, પરંતુ મનમાં રહેલું શંકાનું બી તેને નિશ્ચિંત થવા ન દેતું. અસમંજસની સ્થિતિમાં પ્રિયાનો સમય વીતી જતો. વિકાસના ઘરે આવતા બધાનું ડિનર બનાવીને, સવારે નાસ્તાની તૈયારી કરીને ગીતા ઘરે જતી રહેતી અને બીજા દિવસે સવારે આવી જતી.
પ્રિયા કહી ન શકી, પણ વિકાસે કહ્યું, ‘‘ગીતા, રાતે અહીં જ ઊંઘી જા, તને પ્રોબ્લેમ થતો હશે.’’
ગીતાએ હસીને કહ્યું, ‘‘ના ભાઈ, ઊંઘ મને મારા રૂમમાં જ આવશે.’’
ગીતા પૂરો દિવસ અનુપ્રિયા પાસે રહેતી. પોતાના પરિવારની, કોલેજ ટીમની, ઓફિસની ખૂબ વાત કરતી સાથે પોતાનું કામ દક્ષતાથી લેપટોપ, મોબાઈલ પર કરતી. કોમળ વ્યવહારથી ગીતા અનુપ્રિયાના દિલમાં જગ્યા બનાવી રહી હતી. અનુપ્રિયા મનોમન ગીતાના આત્મવિશ્વાસ, સહૃદયતા અને આત્મનિર્ભરતાની પ્રશંસક થઈ ગઈ.
એક દિવસે અનુપ્રિયાએ હિંમત કરીને ગીતાને પૂછી લીધું, ‘‘વિકાસ અને તારે આટલું બનતું હતું તો ક્યારેય તમે લોકોએ લગ્ન કરવાનું ન વિચાર્યું?’’
ગીતાએ પહેલા તેને ચોંકીને જેાતા હસી પડી, ‘‘અરે, આ વિશે વિચારવાનો મતલબ જ નહોતો, પ્રિયા, તે મારો મિત્ર છે. અમારી વચ્ચે મિત્રતાનો સંબંધ છે જે કોઈ માગણી પર આધારિત નથી. અમારી મિત્રતા એક સ્વર્ગિક અનુભૂતિ છે, સંબંધની પવિત્રતા છે, મિત્રતા મહિલાપુરુષની મહોતાજ નથી હોતી. જ્યારે કોઈ એક છોકરી અને છોકરાના સંબંધને માત્ર એક જ ત્રાજવામાં મપાય છે ત્યારે મન ઉદાસ થાય છે. પ્રિયા, પપ્પાના કસમયે મૃત્યુ પછી જીવન જ્યારે ચારે બાજુથી દુખ અને પીડાગ્રસ્ત થઈ ગયું હતું ત્યારે વિક્કીની મિત્રતાના લીધે હું તેમાંથી બહાર નીકળી શકી હતી. જેના કેન્દ્રમાં માત્ર સંવેદના, કરુણા અને દરેક પરિસ્થિતિમાં સંબળ બનવાની પ્રેરણા હતી. એવામાં મહિલાપુરુષ, લગ્ન જેવા પ્રશ્ન શું ગૌણ સાબિત નથી થતા? હું સાચું કહી રહી છું ને પ્રિયા?’’
પ્રિયા એ હામાં માથું હલાવ્યું. તેને મનોમન દુખ થયું. તે આ શું વિચારતી હતી. મનની અશાંતિનું કારણ તે સ્વયં હતી. આટલા દિવસની શંકાના બીને બંનેની મિત્રતાની હકીકતથી મનમાંથી કાઢી નાખ્યા હતા.
૨-૩ દિવસ પછી વિકાસ ઓફિસથી પાછો આવ્યો ત્યારે ખૂબ ઉત્સાહિત અને ખુશ હતો. અનુપ્રિયાઐ કહ્યું, ‘‘પ્રિયા, ઓફિસમાં મારો એક મિત્ર છે સંજય, મેં તેને ગીતા વિશે જણાવ્યું હતું, તેણે ગીતાને જેાઈ પણ છે. તેને ગીતા પસંદ છે. મારી ઈચ્છા છે કે ગીતા અને સંજયના લગ્ન થઈ જાય. સંજય પણ એકલો છે. થોડા દિવસ પહેલાં અકસ્માતમાં તેના માતાપિતા ગુજરી ગયા. તે ગીતાની પારિવારિક જવાબદારી સમજે છે અને તેમાં તેનો સાથ આપવા તૈયાર છે. મેં ગીતાની મમ્મીને ફોન પર વાત કરી લીધી છે. તેઓ સાંભળીને ખૂબ ખુશ થયા. બસ, હવે ગીતા સાથે વાત કરવાની છે. તે તેના વિશે વિચારવાથી રહી અને હા, તું જલદી ઠીક થઈ જ, વાત નક્કી થઈ જાય પછી તારે જ બધું કામ સંભાળવાનું છે. કેમ, ઠીક છે ને. ગીતાને મનાવવાનું કામ તારું. મને તો તે હંમેશાં આ બાબતમાં બુદ્ધુ સમજે છે.’’
વિકાસના ચહેરા પર સ્મિત, આંખમાં પ્રેમાળ, વિશ્વાસના ભાવ જેાતા પ્રિયાએ ‘હા’ માં માથું હલાવતા આજે કેટલાય દિવસ પછી વિકાસને ગળે મળી. તેના દિલમાં પ્રેમ, ઉદારતા ઊમટી પડ્યા. હા, તે તેનો મિત્ર જ છે અને હવે તે તેની પણ સાહેલી છે. સાચી સાહેલી, કોઈ સંબંધ વિનાની. કેટલાય દિવસથી મનમાં ઉપજેલું શંકાનું બી કરમાવા લાગ્યું.