યુવાન દેખાવા માટે સૌથી વધારે જરૂરી છે તમારી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી, ઊંઘવા-ઊઠવાના સમયમાં બદલાવ તથા કેટલીક કસરત જેમ કે ચાલવા જવું, દોડવું વગેરે. આપણે આપણી દિનચર્યામાં બદલાવ લાવીને આ બધી ટેવ પાડીશું તો વિશ્વાસ રાખો, તમે પણ સ્વસ્થ અને સ્ફૂર્તિથી ભરેલા રહેશો અને સ્વયંને યુવા અનુભવશો. આવો જાણીએ આ ટેવ અપનાવીને કેવી રીતે તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ રહી શકો છો :

રૂટિન લાઈફ જરૂરી : બદલાતી લાઈફસ્ટાઈલ અને ટેક્નોલોજીના યુગમાં પૂરતી ઊંઘ ન મળવી એક સમસ્યા બની ગઈ છે. આજકાલ આપણને બધાને દિવસભરની દોડધામ પછી રાત્રે ફ્રી સમય મળે છે અને આ સમયમાં આપણે પણ બસ પોતાનો મોબાઈલ લઈને બેસી જઈએ છીએ અથવા તો પોતાની ખાણીપીણી, લગભગ બધા કામ ટીવી જેાતાંજેાતાં કરીએ છીએ તેમજ ઘણી વાર બિનજરૂરી એવા જંક ફૂડ વગેરે વધારે ખાઈ લઈએ છીએ. આ સ્થિતિમાં સમય ક્યાં પસાર થાય છે તેની આપણને ખબર જ નથી રહેતી અને આપણને ઊંઘવામાં મોડું થાય છે અને ત્યાર પછી સવારે ઊઠવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. પછી આ જ અનિયમિતતાની નકારાત્મક અસર આપણા સ્વાસ્થ્ય પર થવા લાગે છે. તેથી હંમેશાં ફિટ એન્ડ ફાઈન રહેવા માટે સૌપ્રથમ સમયસર ઊંઘવા અને ઊઠવાની ટેવ પાડો.

તમે આ દિનચર્યા અપનાવશો તો શરીર પર તેના હકારાત્મક અનેક લાભ દેખાવા લાગશે :
સારી અને પૂરતી ઊંઘના લીધે ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે, જેનાથી આપણું શરીર બીમારી સામે લડવામાં સક્ષમ બને છે અને આપણે જલદી બીમાર નથી પડતા.
અભ્યાસમાં એ વાત પણ જેાવા મળી છે કે સારી ઊંઘ શરીરને રિપેર, રિજનરેટ અને રિકવર કરવામાં મદદ કરે છે.
૭ થી ૮ કલાકની ઊંઘ આપણા મગજને એક્ટિવ રાખે છે, જેનાથી સ્મરણ અને સમજવા વિચારવાની શક્તિ વધે છે અને આપણે કામકાજ ઝડપથી કરી શકીએ.
તેમાં આપણી કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે, તેથી આપણે કામ ઝડપથી કરી શકીએ.
આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
ઓછામાં ઓછી ૭-૮ કલાકની સારી ઊંઘ આપણને ઘણી બધી ગંભીર બીમારી જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશરથી દૂર રાખે છે.

નિયમિત શારીરિક એક્સર્સાઈઝ : નિયમિત એક્સર્સાઈઝ આપણી વધતી ઉંમરની ગતિને ધીમી કરીને વધારે સમય સુધી યુવાન રહેવામાં મદદ કરે છે. સારા સ્વાસ્થ્ય અને યંગ રહેવા માટે આપણને દરરોજ સવારે અડધો અથવા લગભગ ૧ કલાક શારીરિક એક્સર્સાઈઝની જરૂર પડે છે. તેના માટે તમે પોતાના માટે એવી એક્સર્સાઈઝ પસંદ કરો, જેને કરવામાં તમને મજા આવે. નિયમિત એક્સર્સાઈઝ જેમ કે ઝડપથી ચાલવું, દોડવું વગેરે કરી શકો છો. તમને આ બધું કરવું બોરિંગ લાગતું હોય તો તમે ઝુંબા, એરોબિક્સ અથવા ડાન્સને પણ સામેલ કરી શકો છો. તે ઉપરાંત તમે જિમ અથવા બીજા કોઈ ફિટનેસ ક્લાસનો ભાગ બની શકો છો.

નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવાના લાભ
નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવાથી મેટાબોલિઝમ વધે છે તેમજ આપણા શરીરની કેલરી પણ ઝડપથી બર્ન થાય છે, જેનાથી આપણું વજન નિયંત્રણમાં રહે છે.
નિયમિત એક્સર્સાઈઝ આપણી માંસપેશીઓને સ્વસ્થ રાખે છે અને શરીરમાં લોહીના પ્રવાહને પણ ઉત્તમ બનાવે છે. જેનાથી તમે સ્વસ્થ રહો છો સાથે મગજને સુચારુ યોગ્ય સપ્લાય મળવાથી તે પણ સક્રિય રીતે કાર્ય કરે છે તથા નવા બ્રેન સેલ્સ બનવામાં મદદ મળી રહે છે.
નિયમિત એક્સર્સાઈઝ તાણ ઘટાડે છે તથા બ્લડપ્રેશરને નિયમિત કરવામાં મદદ કરે છે.
નિયમિત એક્સર્સાઈઝ કરવાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલની માત્રા ઘટી જાય છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને આપણે વધારે પ્રમાણમાં ઓક્સિજન લઈ શકીએ છીએ. તેથી વ્યક્તિને હાર્ટએટેક અને હૃદય સંબંધિત બીજી બીમારી થવાનું જેાખમ પણ ખૂબ ઓછું થઈ જાય છે.

સંતુલિત ભોજન કેમ
એ જણવું જરૂરી છે કે ન માત્ર જીવિત રહેવા માટે પણ સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી રહે છે, કારણ કે સંતુલિત ભોજનમાં સામેલ પૌષ્ટિક તત્ત્વો આપણા શરીરમાં પોષણનું સ્તર જાળવી રાખે છે, જેથી તમે સ્વસ્થ રહી શકો.

સંતુલિત આહારમાં ધ્યાન રાખો
સવારનો નાસ્તો ક્યારેય ન ચૂકો.
ઊંઘવાના લગભગ ૧ કલાક પહેલાં ભોજન કરવાની ટેવ પાડો.
રાત્રે ઓછું અને હળવું ભોજન લો.

સંતુલિત આહારના લાભ
રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે તેમજ સ્વસ્થ રાખે છે.
આપણી માંસપેશીઓ, દાંત, હાડકાં વગેરેને મજબૂત બનાવે છે.
વ્યક્તિની કાર્યક્ષમતા જાળવી રાખે છે અને તેના મૂડને પણ ખુશીઆનંદમાં રાખે છે.
મગજને પણ સ્વસ્થ રાખે છે.
વજન વધતું અટકાવે છે.

ખાઓ સીઝનલ અને લોકલ ફૂડ, પરંતુ કેમ
લોકલ અને સીઝનલ ફળ તથા શાકભાજી ત્યાંના ઉષ્ણતામાન, જળ અને વાયુ અનુસાર તથા તેમાં ઓછામાં ઓછા જંતુનાશક તેમજ રાસાયણિક પદાર્થોના ઉપયોગથી ઉગાડવામાં આવે છે અને તે અનુસાર આપણું શરીર ઢળી જાય છે, તેથી તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. સાથેસાથે તે સસ્તા પણ હોય છે, તેથી કોશિશ કરો કે હંમેશાં સીઝનના ફળ તથા શાકભાજીને પોતાના આહારમાં સામેલ કરો. ઉપરાંત ઈમ્યૂનિટી વધારવા માટે પોતાના આહારમાં હળદર, લસણ, લીંબુ, ગળો, તુલસી, આમળા તેમજ વિટામિન સી યુક્ત વસ્તુ સામેલ કરો.

ચહેરાની યોગ્ય દેખરેખ
પુષ્કળ પાણી પીવું શરીરને ડિટોક્સ કરવા અને ટોક્સિનને બહાર કાઢવા માટેની સૌથી ઉત્તમ રીત છે. તેના માટે તમે ઈચ્છો તો તમારી પાણીની બોટલમાં ખાટા ફળ અથવા કાકડીની થોડી સ્લાઈસ કાપીને નાખી શકો છો, જેથી પૂરો દિવસ પાણી પીને હાઈડ્રેટ રહી શકો.
સમયાંતરે ફેસિયલ, હળદર, દૂધ અને એલોવેરાના ઉપયોગથી પણ સ્કિન પર ચમક લાવી શકો છો. તેનાથી સ્કિન ખેંચાયેલી રહે છે અને કરચલીઓ ઓછી પડે છે.
રાત્રે ઊંઘતાં પહેલાં નાઈટ ક્રીમનો ઉપયોગ કરો અને ચહેરા પરની ધૂળ વગેરેને સાફ કરતા રહો. રાત્રે ઊંઘતા પહેલાં અને સવારે ઊઠ્યા પછી ચહેરાને ધોઈ લો, જેથી સ્કિન પર ચોંટેલી ગંદકી દૂર કરી શકાય.
મીઠું ખાવાની ટેવ ઓછી કરવા માટે ફળનું વધારે સેવન કરો. શુગરના સેવનને ઘટાડવાથી તમારી સ્કિનને પણ ડિટોક્સિફાઈ કરવામાં મદદ મળી શકે છે.
નિયમિત એક્સર્સાઈઝ કરો. એક્સર્સાઈઝના લીધે થતો પરસેવો પણ શરીરમાંથી ટોક્સિન અને ઈમ્પ્યૂરિટીને બહાર કાઢે છે, સાથે પરસેવો સ્કિનને ડિટોક્સિફાઈ કરવાનો એક સારો વિકલ્પ છે.

લક્ષ પર અડગ રહો
મોટાભાગના લોકો શરીરને સુડોળ બનાવવા અને પોતા
ના વજનને ઓછું કરવા માટે શરૂઆતમાં ખૂબ ઉત્સાહિત હોય છે, પરંતુ માત્ર થોડા દિવસ પછી તેમને મુશ્કેલી પડવા લાગે છે અથવા કંટાળો આવવા લાગે છે અને ધીરેધીરે ઉત્સાહ ઠંડો પડતો જાય છે. તેઓ પોતાના લક્ષથી ભટકી જાય છે. તેનાથી બચવા માટે જરૂરી બની જાય છે કે તમે થોડી ધીરજ રાખો. જ્યારે આપણે વારંવાર નિષ્ફળ રહીએ છીએ અને વધારે સમય લાગે છે ત્યારે આપણે તે કામને અધવચ્ચે જ છોડી દઈએ છીએ, પરંતુ તેના માટે થોડી ધીરજની જરૂર છે.
આપણી ધીરજ આપણી એકાગ્રતા વધારે છે અને આપણને આપણા લક્ષથી ભટકવા નથી દેતી.
ધીરજ આપણી પર નિરાશાને હાવી થવા નથી દેતી.
આપણા શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
આપણી ધીરજ આપણને કામ યોગ્ય રીતે અને યોગ્ય સમય પર કરવા માટે પ્રેરિત કરે છે.
ધીરજ આપણને સફળ થવાનો પાઠ શીખવે છે, કારણ કે તેનાથી દરેક કામમાં સફળતા શક્ય બને છે. આમ પણ યંગ બનવું અને યુવાનીને જાળવી રાખવી એક દિવસનું કામ નથી, તેના માટે પોતાની જાતને કેટલાક નિયમોમાં બાંધવી પડે છે. તેથી જેા તમારે હંમેશાં યુવાન રહેવું હોય તો તમારી દિનચર્યામાં પરિવર્તન લાવો અને નિયમોનું નિયમિત રીતે પાલન કરો. તેનાથી તમને તેનું પરિણામ માત્ર થોડા જ મહિનામાં જેાવા મળશે, કારણ કે ધીરજ વિના સફળતા મળવી મુશ્કેલ જ નહીં, અશક્ય છે.

ડિટોક્સિફિકેશન
આપણી સ્કિન ખૂબ નાજુક અને સંવેદનશીલ હોય છે તથા પર્યાવરણની તેની પર સીધી અસર થાય છે, તેથી તેને સ્વસ્થ, સ્વચ્છ, ચમકદાર અને યુવા રાખવા માટે વધારાની સારસંભાળની જરૂર પડે છે. તેના માટે આપણે કોણ જાણે કયા કયા ઉપચાર, લોશન, ક્રીમ વગેરેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીની ટેવમાં બદલાવ નથી લાવતા, જેથી સ્કિનને સ્વસ્થ અને યુવાન રાખવામાં આપણે ઘણી વાર પાછળ રહી જઈએ છીએ અને સમય પહેલાં આપણી સ્કિન પર કરચલી પડવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે સ્કિનને ડિટોક્સિફાઈ કરવી જરૂરી છે. સ્વસ્થ રહેવા અને દેખાવા માટે શરીરને માત્ર બહારથી નહીં, અંદરની ગંદકીને પણ દૂર કરવી જરૂરી બની જાય છે. શરીરને ઝેરી પદાર્થથી મુક્ત કરવું, પોષણ આપવું અને આરામ પહોંચાડવાને ડિટોક્સિફિકેશન કહેવામાં આવે છે. તમે હંમેશાં સુસ્તીનો અનુભવ કરો છો અથવા અચાનક તમારા ચહેરા પર ખીલ અને સ્કિન પર ફોલ્લી નીકળી આવતી હોય કે પછી તમે પાચનતંત્રમાં કોઈ ગરબડ અનુભવી રહ્યા છો, તો માની લો કે તમારું શરીર ઝેરી થઈ ગયું છે. હવે તમારા શરીરને જરૂર છે ડિટોક્સિફિકેશનની, જેથી તમે તમારા શરીરને સ્વસ્થ અને યુવાન રાખી શકો તેમજ શરીરને માત્ર બહારથી નહીં, અંદરની ગંદકીને પણ દૂર કરી શકો છો. યંગ રહેવા અને દેખાવા માટે તમારા ચહેરા પર ચમકની આવશ્યકતા રહે છે. બસ તેના માટે તમારે તેની સારસંભાળ લેવાની જરૂર પડે છે.
– શોભા કટારે.

વધુ વાંચવા કિલક કરો....