સાક્ષી તે દિવસે સ્કૂલેથી રડતીરડતી ઘરે આવી. મમ્મીએ કારણ પૂછ્યું તો ૮ વર્ષની સાક્ષી રડતાંરડતાં બોલી, ‘‘મમ્મી, હું શું રીંછની દીકરી છું? તું મને પ્રાણી સંગ્રહાલયમાંથી લાવી છે?’’
‘‘ના મારી ઢીંગલી… તું મારી દીકરી છે… કોણે કહ્યું કે તું રીંછની દીકરી છે?’’ મમ્મીએ દીકરીના આંસુ લૂછતા પૂછ્યું.
‘‘બધા બોલાવે છે. આજે હિંદીના ટીચરે પણ કહ્યું કે રીંછ જેવી દેખાય છે.’’ સાક્ષી રડતાંરડતાં બોલી.
‘‘કેમ? ટીચર તમે આવું કેમ બોલ્યા?’’
‘‘મારા હાથપગ પર આટલા વાળ છે ને. બધાને હું રીંછ લાગુ છું.’’ સાક્ષી મમ્મી સામે બંને હાથ ફેલાવતા બોલી.
મમ્મી સાક્ષીની વાત સાંભળીને પરેશાન થઈ ગઈ. હકીકતમાં, સાક્ષીના પૂરા શરીર અને ચહેરા પર વધારે રુવાંટી છે. તેથી તેનો રંગ દબાઈ ગયો છે. આટલી નાની ઉંમરમાં તેને પાર્લર લઈ જઈને વેક્સિંગ પણ નથી કરાવી શકતી. સાક્ષી ભણવામાં હોશિયાર છે. ડાન્સ અને એક્ટિંગ પણ કરી લે છે, સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેને તક નથી મળતી. જે ટીચર્સ ડાન્સ વગેરેમાં લઈ લે તો સારો ડાન્સ કરવા છતાં તેને પાછળની લાઈનમાં ઊભી રાખે છે, કારણ કે તેના ફેસ પર રુવાંટી વધારે છે. જેને મેકઅપથી પણ છુપાવી નથી શકાતી.

શરીર મજબૂત અને સાફ થાય છે
હકીકતમાં, સાક્ષીના જન્મ પછી તેના શરીરની જે માલિશ થવી જેાઈએ તે ક્યારેય થઈ નથી. ઘણી વાર શિશુના શરીર પર જન્મથી જ રુવાંટી વધારે હોય છે, જે સતત માલિશ કરવાથી વર્ષ ૬ મહિનામાં સાફ થઈ જાય છે. ગામકસબાની મહિલાઓ શિશુને સરસવના તેલ, હળદર અને વેસણથી માલિશ કરે છે. શહેરની મમ્મીઓ અનેક પ્રકારના બેબી ઓઈલથી શિશુની માલિશ કરે છે, જેથી શિશુનું શરીર મજબૂત અને સાફ થાય છે. માલિશથી તેમના શરીરમાં રક્તસંચાર પણ સુચારુ થાય છે, પરંતુ સાક્ષીના જન્મ પછી તેની મમ્મીને પેરાલિસિસનો એટેક આવ્યો. તે લગભગ ૨ વર્ષ પથારીવશ રહ્યા. તેમનું અડધું શરીર લકવાગ્રસ્ત થયું હતું. લાંબી સારવાર અને થેરપિ પછી તે હરવાફરવા લાયક થયા છે. જન્મ પછી લગભગ ૪ વર્ષ સુધી સાક્ષી નાની પાસે રહી. નાનીની ઉંમર વધારે હતી. તેથી સાક્ષીની યોગ્ય રીતે કાળજી ન લેવાઈ. તેના શરીરની ક્યારેય માલિશ પણ ન થઈ. તેથી તેના શરીર પર જન્મ સમયે જે રુવાંટી હતી જે ઉંમર વધવાની સાથે વધારે ડાર્ક અને કડક થઈ ગઈ.

શિશુનો યોગ્ય વિકાસ
શિશુના શરીરની માલિશ જરૂરી હોય છે. માલિશથી ન માત્ર અનિચ્છિત રુવાંટીથી શરીર મુક્ત થાય છે, પરંતુ તેનાથી હાડકાં મજબૂત બને છે અને પૂરા શરીરમાં રક્તસંચાર વધવાથી શિશુનો યોગ્ય વિકાસ થાય છે. શિશુની સ્કિન ફૂલ જેવી કોમળ હોય છે, તેથી તેમની સ્કિનને ખાસ કાળજીની જરૂર હોય છે. અહીં સમજવું જરૂરી છે કે શિશુની સ્કિનની સંભાળનો મતલબ માત્ર તેમના ચહેરાની સ્કિનની દેખરેખ કરવા સુધી સીમિત નથી, પણ આ પૂરા શરીરની દેખરેખ કરવા સાથે જેાડાયેલ છે. બજારમાં અનેક બેબી કેર પ્રોડક્ટ ઉપલબ્ધ છે. માલિશ માટે આ પ્રોડક્ટનો ઉપયોગ આજ બધા કરે છે.

પ્રોડક્ટ ખરીદતાં પહેલાં
તમારા શિશુની નાજુક સ્કિન માટે પ્રોડક્ટ ખરીદતા પહેલાં જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. આ પ્રોડક્ટમાં અનેક પ્રકારના રસાયણ, ખુશબૂવાળી વસ્તુ, કપડાં રંગવામાં ઉપયોગમાં લેવાતા પદાર્થ, ડિટર્જન્ટ અથવા કોઈ અન્ય શિશુ ઉત્પાદન, શિશુની હેલ્થની સાથેસાથે તેની સ્કિનમાં ડાઘધબ્બા, ચકામા, બળતરા પેદા કરે છે, તેથી એ જાણવું ખૂબ જરૂરી છે કે બેબી સ્કિન કેર પ્રોડક્ટ પસંદ કરતી વખતે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું. સામાન્ય રીતે શિશુના શરીરની દેખરેખ માટે જે વસ્તુની સૌથી વધારે જરૂર હોય છે તે છે – બેબી ક્રીમ, પાઉડર અને શિશુના કપડાં. શિશુની સ્કિન નાજુક હોય છે. જેા તેમની સ્કિન કેરમાં થોડીક પણ બેદરકારી રાખશો તો સ્કિન પર રેશા અને દાણા નીકળી આવે છે. તેની બળતરાથી શિશુ અસહજ અનુભવે છે અને દિવસરાત રડે છે. આ સ્થિતિમાં જેા તમે પહેલી વાર પેરન્ટ બનો છો તો તમારે તમારા શિશુની સ્કિનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમે પણ અહીં જણાવેલી બાબતને ફોલો કરો છો ને.

મા માટે જાણવું જરૂરી
જન્મ પછી શરૂઆતના સમયમાં શિશુની સ્કિન અને હેરમાં સતત પરિવર્તન આવે છે. ન્યૂ બોર્ન બેબીના શરીરમાંથી કેટલાય દિવસ સુધી સફેદ રંગનું પડ નીકળે છે, જે એક સામાન્ય પ્રક્રિયા છે. તેને વેરનિક્સ કહેવામાં આવે છે. હળવા હાથથી શિશુના શરીરની તેલ માલિશ કરવાથી આ પડ સંપૂર્ણ રિમૂવ થઈ જાય છે, સાથે અનિચ્છિત રુવાંટી નીકળી જાય છે. કેટલાક લોકો તેને જલદી રિમૂવ કરવા માટે શિશુને વધારે ઘસીને નવડાવવા અથવા સ્ક્રબ કરવાની કોશિશ કરે છે, જે સાચી રીત નથી. શિશુની સ્કિન કેર માટે આપણે શું કરવું જેાઈએ અને શું નહીં, તે જાણવું મા માટે ખૂબ જરૂરી છે.

સ્કિનને પોષણ આપો
શિશુની સ્કિનને પોષણની ખાસ જરૂર હોય છે તેને દિવસમાં ૨ વાર માલિશ કરી શકો છો. માલિશ માટે નાળિયેરનું તેલ, બદામનું તેલ, ઓલિવ ઓઈલ વગેરે લઈ શકો છો. ધ્યાન રાખો કે બેબી ઓઈલના નામે બજારમાં વેચાતા તે તેલથી દૂર રહો, જેમાં સુગંધ, રંગ અને કેમિકલ હોય છે.

માઈલ્ડ સાબુનો ઉપયોગ કરો
શિશુની સ્કિન પર કેમિકલવાળી પ્રોડક્ટ ઉપયોગ કરવાથી ડ્રાયનેસ થવાની સમસ્યા થાય છે, તેથી હેર અને સ્કિન માટે હંમેશાં માઈલ્ડ શેમ્પૂ અને સાબુનો ઉપયોગ કરો.

વધારે પાઉડર ન લગાવો
શિશુની સ્કિન પર પાઉડરનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. નહાયા પછી શરીરને સારી રીતે સુતરાઉ મુલાયમ કપડાથી ડ્રાય કરો અને ત્યાર પછી જ પાઉડર લગાવો. ધ્યાન રાખો કે પાઉડર સારી કંપનીનો અને એવો લો જેમાં વધારે સુગંધ ન હોય.

સ્વચ્છ કપડાં પહેરાવો
શિશુને કપડાં હંમેશાં સ્વચ્છ પહેરાવો. ગંદા કપડાથી સ્કિન પર રેશા, ડ્રાયનેસ, ખંજવાળ અથવા અન્ય સમસ્યા થઈ શકે છે.

નખ સાફ રાખો
શિશુના નખ ઝડપી વધે છે અને જેા તેને કાપવામાં ન આવે તો તેમના ફેસ પર ઈજા થઈ શકે છે.

કોટન નેપી પહેરાવો
ડાયપરના ઉપયોગથી શિશુને રેશાની સમસ્યા થાય છે અને ભીનું થતા શિશુને ખંજવાળ, રેશા અને રેડનેસ થવાની સમસ્યા થાય છે. એવામાં શિશુને ડાયપર ઓછા પહેરાવો અને કોટન નેપી જ પહેરાવો.

અંધશ્રદ્ધા ટુચકાથી બચો
શિશુની સ્કિન કોમળ હોય છે. તેની પર કાજલ, સિંદૂર, હળદર, ચંદન વગેરે ન લગાવો. આ ઉત્પાદનમાં કોણ જાણે કેવાકેવા પ્રકારના કેમિકલ હોય છે.

સનબર્નથી બચાવો
ક્યારેય તમારા શિશુને સૂર્યપ્રકાશમાં ડાયરેક્ટ ન રાખો. શિશુ માટે સવારનો તડકો સૌથી બેસ્ટ હોય છે. શિશુની સ્કિન પર રેશા અથવા લાલ ચકામા થાય છે તો તરત ડોક્ટરને બતાવો. તે એલર્જી પણ હોઈ શકે છે.
– નસીમ અંસારી કોચર.

વધુ વાંચવા કિલક કરો....