હિના પરવીન ફ્રીલાન્સ રિપોર્ટર છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત છે અને સારું કમાય છે. અંગ્રેજી છાપામાં લખે છે. હિના તેના માતાપિતાનું એકમાત્ર સંતાન છે. જ્યારે તેના અબ્બુ ગુજરી ગયા ત્યારે અમ્મી એકલી ન રહે, એ વિચારીને હિનાએ લગ્ન ન કર્યા. તેના અમ્મી સ્થૂળતા અને ડાયાબિટીસના દર્દી હતા. જાતે કંઈ જ નહોતા કરી શકતા. હિના જ તેમના બધા કામ કરતી હતી. તેમની દવાનું ધ્યાન રાખતી અને સમયસર ડોક્ટર પાસે ચેકઅપ કરાવતી હતી. એવું નહોતું કે હિના નિકાહ નહોતી કરવા માગતી, પણ કોલેજ સમયથી તે મસૂદ અહમદને પ્રેમ કરતી હતી, પણ મસૂદ ઈચ્છતો હતો કે હિના નિકાહ પછી તેના ઘરે તેના પરિવાર સાથે રહે, પરંતુ હિના પોતાની નિસહાય અને બીમાર અમ્મીને એકલી કેવી રીતે છોડી દે? પરિણામે થોડા વર્ષ પછી મસૂદે પરિવારની ઈચ્છા અનુસાર બીજી છોકરી સાથે નિકાહ કરી લીધા.
સમય વીતતો ગયો. આજે હિના ૫૨ વર્ષની છે. અમ્મી ગુજરી ગઈ છે. એક મોટું ઘર, સારું બેંક બેલેન્સ હોવાની સાથેસાથે અમ્મીના આપેલા ઘરેણાં હિના પાસે છે. કોઈ વસ્તુની કમી નથી, પણ એક વસ્તુ જેની તેને કમી હતી તે કોઈ બાળકનો પ્રેમ. હિનાને બાળકો ખૂબ ગમતા હતા. ઉંમર વધવાની સાથે જ્યારે બાળકની ઈચ્છા વધી ત્યારે તેણે ‘કારા’ માં બાળક એડોપ્ટ કરવા માટે ફોર્મ ભરી દીધું. ૪ વર્ષ રાહ જેાયા પછી હિનાને ૮ વર્ષની પ્રિયાને દત્તક લેવાની તક મળી.

અનોખું પરિવર્તન
પ્રિયાને દત્તક લીધા પછી હિનાના જીવનમાં અનોખું પરિવર્તન આવ્યું. હવે તેની સામે એક લક્ષ્ય છે પોતાની દીકરીને સારો ઉછેર આપવાનું, તેને ઉચ્ચ શિક્ષણ આપવા અને તેને લાઈફમાં સેટલ કરવાનો. પ્રિયા તરીકે હવે હિનાને પોતાની મિલકતની વારસદાર મળી ગઈ. અમ્મી ગુજરી ગયા પછી હિના એકલી પડી ગઈ હતી. કેટલીય વાર ઉદાસ થઈ જતી હતી. મેડિટેશન સેન્ટર જતી હતી, પણ પ્રિયાને દત્તક લીધા પછી તે સ્ફૂર્તિ અનુભવે છે. પ્રિયા સાથે તે ખૂબ ખુશ છે. સવારે જલદી ઊઠે છે. દીકરીને સ્કૂલ માટે રેડી કરે છે. પોતાના અને તેના માટે બ્રેકફાસ્ટ બનાવે છે. તેનું લંચ પેક કરીને બેગમાં મૂકે છે. પછી કારમાં તેને સ્કૂલે મૂકવા જાય છે. પહેલા હિના માટે એકલા ઘરમાં જે સમય પસાર નહોતો થતો હવે પ્રિયા સાથે જલદી વીતી જાય છે. દર સંડે મા-દીકરી શોપિંગ કરવા જાય છે, રેસ્ટોરન્ટમાં લંચ કરે છે અને જીવન પૂરી મસ્તીથી જીવે છે, કંઈ જ વિચાર્યા વિના કે દુનિયા તેના વિશે શું વિચારે છે.
શિક્ષણ, આર્થિક મજબૂતી, તૂટતા કૌટુંબિક સંબંધ, ઘરથી દૂર નોકરી અને નવી ટેક્નોલોજીએ આજે મહિલાને આઝાદી આપી છે કે તે ઈચ્છે તો લગ્ન કર્યા વિના કોઈ મનપસંદ પુરુષ સાથે સેક્સ કરીને અથવા કોઈ પુરુષના સંસર્ગ વિના આઈવીએફ ટેક્નોલોજીથી કે કોઈ અનાથાશ્રમમાંથી બાળક દત્તક લઈને મા બની શકે છે. તેની પર કાનૂને પણ પોતાની પૂર્ણ સહમતી આપી છે કે બાળકના જન્મ પ્રમાણપત્ર પર હવે પિતાનું નામ હોવું જરૂરી નથી. સ્કૂલમાં એડમિશન લેતી વખતે મહિલાને પૂછવામાં નહીં આવે કે બાળકનો પિતા કોણ છે?

નીના ગુપ્તા મિશાલ છે
અનમેરિડ માની વાત ચાલે છે તો ફિલ્મ અભિનેત્રી નીના ગુપ્તાનો કિસ્સો તમને યાદ હશે. નીનાનું વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે અફેર હતું. બંને વચ્ચે શારીરિક સંબંધ હતા, તેથી નીના પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. જેાકે તે જાણતી હતી કે વિવિયન રિચર્ડ્સ તેની સાથે લગ્ન નહીં કરે, કારણ કે તે પહેલાંથી પરિણીત અને બાળકના પિતા હતા, તેમ છતાં નીનાએ ગર્ભ રાખ્યો અને તે વિવિયનની બાળકીની કુંવારી મા બની. તેણે તેની દીકરીને પોતાના દમ પર ઉછેરી અને તેની દીકરી મસાબા આજે એક જાણીતી ફેશન ડિઝાઈનર છે. જેાકે ઘણા સમય પછી નીના ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોઈ મહિલાએ સિંગલ મધર ન બનવું જેાઈએ. આ ખૂબ મુશ્કેલ છે. નીનાએ એટલે કહ્યું, કારણ કે તે સમયે માહોલ અલગ હતો. સમાજની માનસિકતા જુનવાણી, પરંપરાવાદી અને મહિલાની પવિત્રતાને તેના કુંવારાપણાથી આંકવાની હતી. જેાકે ફિલ્મી દુનિયામાં મહિલાઓને લઈને સ્પષ્ટતા હતી, પણ તે સમયે પરિણીત પુરુષ કલાકાર પણ પોતાના લગ્નની વાત છુપાવીને ફિલ્મમાં કામ કરતા હતા, કારણ કે પરિણીત હોવાની વાત સામે આવતા ફિલ્મો નહોતી મળતી. એવામાં ફિલ્મમાં કામ કરતી અભિનેત્રીએ બાળક તો દૂરની વાત, પોતાના સંબંધને છુપાવવો પડતો હતો. તે તેના બોયફ્રેન્ડ વિશે કોઈને નહોતી કહેતી. એટલું જ નહીં, તે ફિલ્મ મેગેઝિનમાં મુલાકાતમાં કુંવારી હોવાનું જણાવતી હતી. તેમને કહેવાતું હતું કે આ રીતે તેમની ફિલ્મ ચાલશે. પણ એવું નથી. સમાજની માનસિકતા અને વ્યવહારમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આજે બોલીવુડની મોટાભાગની અભિનેત્રી પરિણીત છે. કેટલીય અભિનેત્રીને બાળક છે અને તેમની ફિલ્મ સફળ પણ થાય છે.

સમાજનો ડર
નેટફ્લિક્સ પર આવનારી ‘મેડ’ સીરિઝ સિંગલ મધરની સમસ્યા જણાવે છે. તેની કહાણી કુંવારી યુવા મા પર કેન્દ્રિત છે જે એક અપમાનજનક સંબંધથી બચી જાય છે અને ઘરની સાફસફાઈનું કામ કરીને પોતાની દીકરીનો ઉછેરવા માટે સંઘર્ષ કરે છે. આ સીરિઝમાં કોઈ મહિલાએ પોતાનું બાળક તરછોડ્યું નથી, ન સમાજના ડરથી તેને છુપાવ્યું. તેમણે પોતાના માટે અને પોતાના બાળક માટે સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કર્યો અને અંતે સમાજે તેમને સ્વીકારી લીધા. આપણા ધાર્મિક ગ્રંથમાં કુંવારી મા તરીકે કુંતીનું ઉદાહરણ મળે છે, પણ કુંતીએ કર્ણને ત્યાગી દીધો હતો, તેના માટે કર્ણે કુંતીને ક્યારેય માફ ન કરી. આજે મહિલાઓ સામે વિભિન્ન સ્થિતિ છે. આજે શિક્ષિત મહિલાઓ ધર્મ, સમાજ અને પરિવાર દ્વારા પેદા કરવામાં?આવતી સમસ્યા, તાણ અને મનોસ્થિતિમાંથી બહાર નીકળી છે. કેટલાક વર્ષ પહેલાં રાજસ્થાનની એક આઈએએસ અધિકારી આઈવીએફ ટેક્નોલોજીની મદદથી મા બની.
તેમણે પોતાના માતાપિતાની દેખરેખ માટે લગ્ન ન કર્યા. લગ્નની ઉંમર નીકળી ગઈ, પણ મા બનવાની ઈચ્છા તેણે આ રીતે પૂરી કરી. આ રીતે તાજેતરમાં મધ્ય પ્રદેશની એક જાણીતી રેડિયો કલાકાર પણ કુંવારી મા બની છે. અભિનેત્રી સુષ્મિતા સેન, એકતા કપૂર, રવીના ટંડન વગેરે ફિલ્મ સ્ટાર્સે કુંવારી હોવા છતાં બાળક દત્તક લીધા, તેમનો ઉછેર કર્યો અને તેમને પોતાનું નામ આપ્યું.

અધિકારમાં કોઈ ફરક નથી
સમય બદલાય છે તો નૈતિકતાના ચાલતા માપદંડ પણ તે મુજબ બદલવા જેાઈએ. આપણે ત્યાં કાનૂને હવે મહિલાને મા બનવાની આઝાદી આપી છે. તે કુંવારી છે, પરિણીત છે, એકલી છે, તેનાથી એક મહિલાના મા બનવાના અધિકારમાં કોઈ ફરક નથી પડતો. ત્યાં સુધી કે હવે સ્કૂલોમાં પણ બાળકના પિતાનું નામ જણાવવું જરૂરી નથી. ૬ જુલાઈ, ૨૦૧૫ ના રોજ સુપ્રીમ કોર્ટે બાળક પર માના નૈસર્ગિક અધિકાર પર મહોર મારતા કુંવારી માને કાયદાકીય ઓળખ આપી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં કહ્યું કે કુંવારી માને બાળકના રક્ષક બનવા માટે પિતાની મંજૂરી લેવી જરૂરી નથી. એટલું જ નહીં, કોર્ટે પણ કહ્યું છે કે જેા કોઈ કુંવારી અથવા એકલી રહેતી મા બાળકના જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરે છે તો માત્ર એક અરજી કરતા તેને તેના બાળકનું જન્મ પ્રમાણપત્ર મળશે.
એક કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એવા બાળકના જન્મ પ્રમાણપત્ર મેળવવામાં આવતી સમસ્યા પર વિચાર કરતા નિર્ણય કર્યો હતો. કોર્ટે કહ્યું કે હજી સુધી અરજકર્તા માને પોતાના ૫ વર્ષના બાળકનું જન્મ પ્રમાણપત્ર નથી મળ્યું, જે આગળ જઈને બાળક માટે સમસ્યા બનશે. કોર્ટ સરકારને નિર્દેશિત કરે છે કે તે તરત તે માને તેના બાળકનું જન્મ પ્રમાણપત્ર અપાવડાવે. કોર્ટે કહ્યું કે સ્કૂલમાં બાળકના એડમિશન અને પાસપોર્ટ મેળવવા માટે અરજી કરતી વખતે પિતાનું નામ આપવું જરૂરી નથી, પરંતુ આ બંને બાબતમાં જન્મ પ્રમાણપત્ર આપવું પડે છે. માની ઓળખ વિશે ક્યારેય શંકા નથી રહી. કાયદો ગતિશીલ હોય છે અને તેણે સમય સાથે ચાલવું જેાઈએ. કોર્ટે કહ્યું કે જ્યારે પણ એકાકી રક્ષક કે કુંવારી મા પોતાના ગર્ભથી જન્મેલા બાળકનું જન્મ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે અરજી કરશે ત્યારે જવાબદાર અધિકારી માત્ર એક અરજી લઈને તેને જન્મ પ્રમાણપત્ર આપશે. આ સુનિશ્ચિત કરવું રાજ્યની ફરજ છે કે કોઈ પણ નાગરિકને આ બાબતે સમસ્યા ન થાય કે તેના માતાપિતાએ તેના જન્મને રજિસ્ટર નથી કરાવ્યું.

અધિકાર અને આઝાદી
જેાકે આ અધિકાર અને આઝાદી પછી પણ સામાન્ય ઓછું ભણેલીગણેલી અને આર્થિક રીતે બીજા પર નિર્ભર મહિલા કુંવારી મા બનવાનું રિસ્ક નથી ઉઠાવતી. મહિલાઓ પ્રેમમાં ગર્ભધારણ કર્યા પછી પ્રેમી પર જલદી લગ્ન કરવાનું દબાણ કરે છે. ક્યારેક-ક્યારેક પ્રેમી તે છોકરી સાથે લગ્ન કરવા નથી માંગતો અને છોડીને ભાગી જાય છે. એવામાં છોકરી કોઈ પ્રાઈવેટ ડોક્ટરના ક્લિનિકમાં ગર્ભપાત કરાવે છે અથવા મહિના વધારે થવાથી જે ગર્ભપાત ન થઈ શકે તો બાળક પેદા કરીને ગમે ત્યાં મૂકી દે છે. દેશભરમાં આવા હજારો નવજાત પોલીસને રોજ ઝાડીઓમાં, નાળામાં અથવા સૂમસામ જગ્યા પર રડતા મળે છે, જેને મા પેદા કરીને મરવા માટે ફેંકી દે છે. કેટલાય નવજાત બાળકને કૂતરા ખાઈ જાય છે.
દિલ્લી સહિત દેશભરના અનાથાશ્રમમાં એવા બાળકોની સંખ્યા વધી રહી છે, જે પોતાની મા દ્વારા પેદા કરીને ફેંકી દેવામાં આવે છે. અનેક અનાથાશ્રમે પોતાના દરવાજા પર પારણા મૂકી રાખ્યા છે. આ પારણામાં અવારનવાર કોઈ ને કોઈ નવજાત બાળક મળે છે. સાઉથ દિલ્લીની કેટલીય નાનીનાની પ્રાઈવેટ હોસ્પિટલમાં એક બીજેા ધંધો ડોક્ટર, નર્સ, દાયણ અને બાળક વેચનારની ટીમની સાંઠગાંઠમાં ચાલી રહ્યો છે. આ હોસ્પિટલમાં કુંવારી માની ડિલિવરી કરાવવામાં આવે છે અને પેદા થયેલા નવજાતને તરત બાળક વેચનાર ટીમના સભ્યના હવાલે કરી દેવામાં આવે છે. આ ટીમ શહેરના તે અનાથાશ્રમ પર નજર રાખે છે જ્યાં સંતાનહીન માતાપિતા બાળક દત્તક લેવા માટે આવે છે.

પ્રક્રિયા સરળ નથી
‘કારા’ ની ગાઈડલાઈન કડક હોવાથી બાળક દત્તક લેવું સરળ પ્રક્રિયા નથી અને તેના માટે કપલે કેટલાય વર્ષ રાહ જેાવી પડે છે, કેટલીય મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને બાળક પણ મોટી ઉંમરનું મળે છે. એવામાં બાળક વેચનાર ટીમના સભ્ય આવા માતાપિતા સાથે નવજાત બાળકનો સોદો કરે છે. આ સોદો દોઢ લાખ રૂપિયાથી ૫ લાખ રૂપિયા સુધીમાં નક્કી થાય છે, તેમાંથી ક્યારેક-ક્યારેક બાળક પેદા કરનાર માને રકમનો થોડો ભાગ આપવામાં આવે છે, પણ મોટાભાગે આપવામાં નથી આવતો. તેને આ વાત સંતોષજનક લાગે છે કે અનિચ્છિત બાળકથી તેને મુક્તિ મળી ગઈ. હોસ્પિટલવાળા બાળકના જન્મ પ્રમાણપત્ર પર તે મહિલાનું નામ ચઢાવી દે છે જે બાળક ખરીદે છે.
કાનૂન દ્વારા મહિલાને લગ્ન પહેલાં અથવા લગ્ન પછી મા બનવા અને પોતાના બાળકના પેરન્ટ હોવાનો અધિકાર આપવા છતાં ભારતીય સમાજ અને પરિવારમાં હજી પણ કુંવારી માને ધિક્કારની નજરે જેાવામાં આવે છે, તેની પર ટિપ્પણી કરવામાં આવે છે, ખાસ કરીને નાના શહેર અને કસબામાં મોટાભાગે મહિલાઓ ન ઈચ્છવા છતાં બાળકને પોતાનાથી અલગ કરવાની પીડા સહન કરે છે. તે મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે જે ધર્મ, સમાજ અને પરિવારના બંધનથી સ્વયંને મુક્ત કરીને પોતાના પેદા કરેલા શિશુ સાથે ખુશીખુશી જીવી રહી હોય. આ તસવીરને વધારે સારી બનાવવાની કોશિશ થવી જેાઈએ, જેથી કોઈ મહિલા મા બનવાથી વંચિત ન રહે અને કોઈ બાળક અનૈતિક ન કહેવાય.
– નસીમ અંસારી કોચર.

વધુ વાંચવા કિલક કરો....