સમરમાં ઘણી બધી વસ્તુમાં બદલાવ કરવા પડે છે, જેમ કે ખાણીપીણી, પહેરવેશ, હેરસ્ટાઈલથી લઈને મેકઅપની રીત સુધ્ધામાં પણ બદલાવ જરૂરી બની જાય છે. સમરમાં સનટેન, પરસેવો, ચીકણાપણું જેવી સમસ્યા સ્કિનની સુંદરતાને બગાડી નાખે છે. આ જ કારણસર સમરમાં મેકઅપ કરવો કોઈ પડકારથી કમ નથી હોતો, પરંતુ પરેશાની ત્યારે વધી જાય છે જ્યારે તમારે કોઈ પાર્ટી અથવા જરૂરી બિઝનેસ મીટિંગમાં જવાનું હોય. પરસેવા અને ચીકાશના લીધે સમરમાં મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવો મુશ્કેલ હોય છે, તેથી સમરમાં મેકઅપ કરતી વખતે કોસ્મેટિક્સને સમજદારીથી પસંદ કરો.

ક્લીંઝિંગ માટે ઓઈલ ફ્રી ફેસવોશ
પરસેવાની સમસ્યા સમરમાં સામાન્ય હોય છે અને તે મેકઅપ ખરાબ થવાનું કારણ બની શકે છે. આ પરેશાનીને ઓછી કરવા માટે ઓઈલ ફ્રી ફેસવોશ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. તમે અઠવાડિયામાં ૧ અથવા ૨ વાર પરસેવા અથવા સ્કિન પરના ઓઈલની સમસ્યાને કંટ્રોલ કરવા માટે ઘરેલુ વસ્તુ જેમ કે મુલતાની માટી, વેસણ, લીમડો, લીંબુ, મસૂરની દાળ વગેરેનો ઉપયોગ પણ કરી શકો છો.

ટોનિંગ માટે ગુલાબજળ
ટોનર સ્કિનની ગંદકીને દૂર કરવા અને સ્કિનના પોર્સમાં ખેંચાણ લાવવાનું કામ કરે છે. સમરમાં તમે ટોનર તરીકે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. ગુલાબજળ સોફ્ટલી સ્કિન પરના વધારે પડતા ઓઈલને નિયંત્રિત કરે છે સાથે સ્કિનને મોઈશ્ચરાઈઝ પણ કરે છે. પરસેવાની સમસ્યા અને સ્કિનની રૂક્ષતાની પરેશાની બંને માટે તે ઉપયોગી થાય છે.

૩૦ એસપીએફવાળું સનસ્ક્રીન
સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્કિનમાં ફાઈનલાઈન્સ, કસમયની કરચલીઓ, કાળા ચકામા, સનટેન તથા સનબર્નનું કારણ બની શકે છે. આ સ્થિતિમાં સમરમાં જેા તાપમાં બહાર જવાનું થાય તો ઘરમાંથી બહાર નીકળવાની ૧૫-૨૦ મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવી લેવું જેાઈએ. સનસ્ક્રીન લોશનની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે જેા તમારી સ્કિન ઓઈલી હોય તો જેલ બેઝ અથવા એક્વા બેઝ લોશન લેવું જેાઈએ, પરંતુ જેા તમારી સ્કિન ડ્રાય હોય તો મોઈશ્ચરાઈઝર બેઝ સનસ્ક્રીન લોશન લો, પરંતુ ધ્યાન રાખો કે તે ૩૦ એસપીએફ કરતા વધારેની હોય.

વોટરપ્રૂફ પ્રાઈમરનો ઉપયોગ
જ્યારે ફેસ પર મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો વારો આવે છે ત્યારે સૌપ્રથમ પ્રાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે. તેને સ્કિન મુજબ ક્રીમ, જેલ અથવા સ્પ્રે રૂપે ઉપયોગમાં લઈ શકાય છે. કોઈ પણ મેકઅપ માટે પ્રાઈમર બેઝની જેમ કામ કરી શકે છે. તે એક સ્મૂધ અને ફ્લોલેસ મેકઅપ લુક મેળવવામાં મદદ કરે છે. સાથે તે મેકઅપને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે. તેને તમે મોઈશ્ચરાઈઝર લગાવવાની ૫ મિનિટ પછી ફેસ પર એપ્લાય કરો અને તેની ૫ મિનિટ પછી મેકઅપ કરો. જેાકે સમરમાં વોટરપ્રૂફ પ્રાઈમરનો ઉપયોગ સારો વિકલ્પ રહે છે.

લાઈટ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ
કેટલીક મહિલાઓ સમરમાં મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાથી દૂર રહે છે. હકીકતમાં, ઘણી વાર મહિલાઓ એમ સમજે છે કે મોઈશ્ચરાઈઝરથી સ્કિનમાં ચીકાશ અથવા પરસેવાની સમસ્યા થઈ શકે છે અને મોઈશ્ચરાઈઝર માત્ર ઠંડીની ઋતુ માટે હોય છે, જ્યારે વાસ્તવમાં તેવું નથી, સમરમાં પણ સ્કિનને ભીનાશ અને મોઈશ્ચરાઈઝરની જરૂર રહે છે. માત્ર ધ્યાન એટલું જ રાખવાનું છે કે મોઈશ્ચરાઈઝર સામાન્ય હોય અથવા તેનો ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવે.

પાઉડર ફાઉન્ડેશન લગાવો
સમરમાં મેકઅપ કરતી વખતે ફાઉન્ડેશનનો ઉપયોગ ઉત્તમ રહેશે. હકીકતમાં પાઉડર ફાઉન્ડેશન તમારી સ્કિનમાં એક્સ્ટ્રા ઓઈલ પ્રોડક્શનને અટકાવી શકે છે અને સ્કિન સાથે ચોંટીને તમારા મેકઅપને લાંબા સમય સુધી જાળવી રાખી શકે છે. સમરમાં એમ પણ પરસેવો ખૂબ થાય છે, તેથી લિક્વિડ અથવા ક્રીમ બેઝ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાથી દૂર રહો. આ જ રીતે શિયર અથવા શાઈની ફાઉન્ડેશનનો ઉપયોગ ન કરો.
સમરમાં હેવી ફાઉન્ડેશન લગાવવાથી દૂર રહો. જેા તે હેવી હશે તો ફેસ પર વધારે પરસેવો થશે અને પોર્સ પણ બંધ થશે, જેનાથી સ્કિન પેચી દેખાશે સાથે ખીલ અને ફોલ્લીની સમસ્યા પણ થઈ શકે છે. જેા સમરમાં ફાઉન્ડેશનનો યૂઝ કરવાની ઈચ્છ ન હોય તો તમે ફાઉન્ડેશનની જગ્યાએ એલોવેરા જેલ, ગુલાબજળ, ઉત્તમ ક્વોલિટીની બીબી ક્રીમ, સીસી ક્રીમ જેવા વિકલ્પ પસંદ કરી શકો છો. તે ઉપરાંત સ્કિન પર માત્ર પ્રાઈમર પણ લગાવી શકો છો.

લૂઝ પાઉડર
સમરમાં નોર્મલ સ્કિન ધરાવતી મહિલાઓની સ્કિન પણ ઓઈલી થઈ જાય છે. આ સ્થિતિમાં મેકઅપને જાળવી રાખવો અને ફ્રેશ રાખવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ આ પ્રોબ્લેમથી લૂઝ સેટિંગ પાઉડરની મદદથી બચી શકાય છે. મેકઅપ બેઝ બનાવ્યા પછી લૂઝ પાઉડરથી ફેસને હળવેહળવે બ્રશ કરવાથી લોંગલાસ્ટિંગ અને મેટ મેકઅપ મળે છે.

ઓઈલ બ્લોટિંગ શીટ્સનો ઉપયોગ
સમરમાં પરસેવાની સાથે ચીકાશની સમસ્યાથી દરેક મહિલા પરેશાન રહે છે. આ સ્થિતિમાં જે મેકઅપને ઓઈલી થવાથી બચાવવો હોય તો બ્લોટિંગ સીટ્સ અથવા બ્લોટિંગ પેપરનો ઉપયોગ સારો રહે છે. બ્લોટિંગ પેપર ટિશ્યૂ પેપર જેવું હોય છે, જે સ્કિન પરના એક્સ્ટ્રા ઓઈલને શોષી શકે છે. તેનો ઉપયોગ કરીને સ્કિન પરથી પરસેવો અથવા ઓઈલને દૂર કરી શકાય છે. બ્લોટિંગ શીટ્સને તમે સાથે રાખી શકો છો અને જ્યારે પણ તમને લાગે કે ફેસ પર ઓઈલ જમા થઈ રહ્યું છે ત્યારે તમે આ શીટ્સનો ઉપયોગ કરીને તેને સેટ કરી શકો છો. તેના ઉપયોગથી મેકઅપ પણ લોંગલાસ્ટિંગ રહી શકે છે.

ફિનિશિંગ સ્પ્રે
ફિનિશિંગ સ્પ્રે અથવા સેટિંગ સ્પ્રે મેકઅપનો લાસ્ટ ટચ છે. તે મેકઅપને સેટ કરી દે છે, જેનાથી મેકઅપ લાંબા સમય સુધી ઠીક રહી શકે છે. જ્યારે મેકઅપ પૂરો થઈ જાય ત્યારે આ સ્પ્રેથી ફાઈનલ ટચઅપ કરીને મેકઅપ સેટ કરો.

સમરમાં આઈ મેકઅપ
સમરમાં હેવી આઈ મેકઅપ કરવાથી દૂર રહો. જરૂર હોય ત્યારે જ મેકઅપ કરો. શક્ય હોય ત્યાં સુધી વોટરપ્રૂફ અને સ્મજ પ્રૂફ પ્રોડક્ટનો ઉપયોગ કરો. વધારે ગરમી હોય તો માત્ર કાજલ અને મસકારા લગાવવા સારા રહેશે. કાજલ, મસ્કારા અથવા લાઈનર ત્રણે એકસાથે લગાવવાના બદલે ત્રણેમાંથી માત્ર કોઈ એક પણ લગાવી શકો છો.
આઈ મેકઅપ કરતી વખતે આઈશેડો માટે લાઈટ તથા ન્યૂટ્રલ શેડ્સને પસંદ કરો.
સમરમાં બ્લેકના બદલે સોફ્ટ બ્રાઉન કલરના મસકારા લગાવો. ઈચ્છો તો ટ્રાન્સપેરન્ટ મસકારા પણ લગાવી શકો છો.
કાજલ લગાવતા પહેલાં આંખની નીચેના એરિયાને કોમ્પેક્ટ પાઉડરથી સારી રીતે સેટ કરી શકો છો.
સમરમાં આઈમેક માટે શિમરનો ઉપયોગ ન કરો.
આંખની પાસે વધારે પાઉડર લગાવવાથી બચો.
આંખોના વોટરલાઈન એરિયામાં લિક્વિડ આઈલાઈનર ન લગાવો.
તમે ઈવનિંગ પાર્ટીમાં જઈ રહ્યા છો તો આઈ મેકઅપ માટે વાર્મ ચોકલેટ, સ્લેટી ગ્રે અથવા નેવી બ્લૂ શેડ્સની પસંદગી કરો. સમરમાં આ આઈ મેકઅપ તમને કૂલ લુક આપશે.

સમરમાં લિપ મેકઅપ
સમરમાં હેવી લિપ મેકઅપથી દૂર રહો. ડેલી મેકઅપ માટે માત્ર લિપગ્લોસ જ પૂરતું છે. સમરમાં લિપસ્ટિક લગાવતી વખતે મેટના બદલે ક્રીમી લિપસ્ટિક લગાવો.
હોઠ પર હળવો પ્રાઈમર અથવા ફાઉન્ડેશન લગાવો, જેથી લિપસ્ટિક લાંબા સમય સુધી જળવાઈ રહે. કોઈ પણ લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર લિપબામ લગાવો. લાઈટ શેડની લિપસ્ટિકનો વધારે ઉપયોગ કરો, પરંતુ લિપ લાઈનર લગાવવાનું ભૂલશો નહીં.
સમરમાં લાઈટ કલરની લિપસ્ટિક લગાવો. પિંક, પીચ જેવા લાઈટ શેડ્સની લિપસ્ટિક સમરમાં તમને યંગ અને ફ્રેશ લુક આપશે.

મેકઅપને લોંગલાસ્ટિંગ બનાવવાની ટિપ્સ
શક્ય હોય ત્યાં સુધી વોટરપ્રૂફ અને સ્મજપ્રૂફ મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરો. તેનાથી તમારો મેકઅપ જલદી ખરાબ થશે નહીં.
બ્રાઈટની જગ્યાએ લાઈટ મેકઅપને મહત્ત્વ આપો, જે થોડું આમતેમ થવા પર પણ ખરાબ દેખાશે નહીં.
સ્કિનને તાજી તથા હાઈડ્રેટેડ રાખવા માટે ફેસ મિસ્ટ સ્પ્રેનો ઉપયોગ કરો. જેા તમે તાપમાં લાંબા સમય સુધી ફરી રહ્યા છો તો વચ્ચેવચ્ચે ફેસ મિસ્ટ સ્પ્રે તમને ફ્રેશનેસનો અનુભવ કરાવશે.
તમારી સાથે બ્લોટિંગ પેપર જરૂર રાખો, જેથી ફેસ પરના પરસેવાને કંટ્રોલ કરી શકાય છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....