પ્રોફેશનલ વર્લ્ડમાં મહિલાઓ માટે ગર્ભાવસ્થાનો સમય પડકારરૂપ હોય છે. માત્ર શારીરિક રીતે જ નહીં, પણ આ સમયે તેમની સમક્ષ માનસિક રીતે અનેક પડકાર છે. ગર્ભાવસ્થા દરમિયાન આવતા પડકારોમાંથી એક નોકરીના સ્તરે અનુભવાતો પડકાર છે. આ સંદર્ભમાં એક અભ્યાસમાં એ વાત સામે આવી કે ગર્ભાવસ્થા દરમિયાન મોટાભાગની મહિલાઓને નોકરીમાંથી બરતરફ થવાનો ડર સતાવતો હોય છે. મોટાભાગની નોકરિયાત મહિલાઓને એવું લાગતું હોય છે કે ગર્ભવતી થવાથી તેમની નોકરી પર જેાખમ ઊભું થઈ શકે છે. તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી શકે છે, જ્યારે પિતા બનનાર પુરુષોને તો હંમેશાં નોકરી અથવા તેમના કાર્યસ્થળે પ્રોત્સાહન મળતું હોય છે.

શું કહે છે અભ્યાસ અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીની શોધ સાથે જેાડાયેલ આ કારણને એપ્લાઈડ મનોવિજ્ઞાનની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાં એ વાતને સમર્થન આપવામાં આવ્યું છે કે મા બનનાર મહિલાઓ એવું અનુભવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન તથા બાદમાં કાર્યસ્થળ પર તેમનું યોગ્ય રીતે સ્વાગત કરવામાં નથી આવતું. આ અભ્યાસમાં જેાવા મળ્યું છે કે જ્યારે નોકરિયાત મહિલાઓએ પોતાની પ્રેગ્નન્સીનો ઉલ્લેખ મેનેજર અથવા સહકર્મીઓ સામે કર્યો ત્યારે તેમને કરિયરના ક્ષેત્રમાં પ્રમોશન આપવાના દરમાં ઘટાડો જેાવા મળ્યો હતો. મહિલા સશક્તીકરણના આ સમયગાળામાં જ્યારે મહિલાઓ દરક ક્ષેત્રે સફળતા મેળવી રહી છે, ત્યારે આ પ્રકારના ખુલાસા થોડા હતોત્સાહિત કરે છે, પરંતુ આ વાસ્તવિકતા છે. ક્યાંક ને ક્યાંક ઘરપરિવારની સાથે કાર્યસ્થળની બેવડી જવાબદારી વચ્ચે મહિલાની કરિયર પાછળ રહી જાય છે. તે ઈચ્છવા છતાં બંને ક્ષેત્રમાં એકસાથે ઉત્તમ પરિણામ નથી આપી શકતી.

એ હકીકત પણ ન નકારી શકાય કે લગ્ન પછી એક મહિલાનું પ્રાકૃતિક દાયીત્વ પોતાના પરિવાર તરફ હોય છે. વડીલોની સેવા, પતિ તથા બીજા પરિવારજનોની સારસંભાળ, બાળકોનો ઉછેર જેવા કામ તેને નિભાવવા પડે છે. ઉપરાંત લગ્ન પછી પરિવારને આગળ વધારવો પણ એક સામાજિક જવાબદારી રહે છે. આમ પણ સામાન્ય ભારતીય ઘરમાં એક મા પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે દરેક પ્રકારના હિતનું ખાસ ધ્યાન રાખે. ગર્ભાવસ્થા અને ત્યાર પછીના ૧-૨ વર્ષ મહિલાને પોતાની સાથેસાથે આવનાર નવા મહેમાનની સુરક્ષા અને જરૂરિયાતોનું પણ પૂરું ધ્યાન રાખવાનું હોય છે. આ સ્થિતિમાં જેા તેને ઘર તરફથી પૂરો સપોર્ટ, સારું વાતાવરણ, આવવાજવા એટલે કે ટ્રાન્સપોર્ટની ઉત્તમ સુવિધા ન મળે, તો એક નવી મા માટે બધું મેનેજ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

એક તરફ તેની પાસેથી ઘરના કામ કરવા અને પરિવારની પૂરી જવાબદારી પણ નિભાવવાની અપેક્ષા રાખવામાં આવતી હોય છે, જ્યારે બીજી તરફ ઓફિસમાં એમ્પ્લોયર પણ પોતાના કામમાં કોઈ બેદરકારી સહન કરી શકતા નથી. મા ભલે ને પોતાની કરિયરના કોઈ પણ સ્થાને કેમ ન હોય, જ્યારે બાળકના જન્મ અને ઉછેરની જવાબદારી આવે છે, ત્યારે પિતાની સરખામણીમાં એક મહિલા પર અનેક જવાબદારીઓ આવી જાય છે અને આ સમય દરમિયાન તેણે ઘણા ત્યાગ કરવા પડતા હોય છે. તેણે પોતાની કરિયરના બદલે પોતાના પરિવારને પ્રાથમિકતા આપવી પડે છે. નોકરિયાત મહિલાઓની સંખ્યમાં ઘટાડો વિશ્વબેંકના એક રિપોર્ટ પર નજર નાખીએ તો ભારતમાં નોકરિયાત મહિલાઓની સંખ્યા સતત ઘટી રહી છે.

કાર્યક્ષેત્રમાં ભાગીદારીના કિસ્સામાં ભારતની મહિલાઓ ૧૩૧ દેશમાં ૧૨૧ માં સ્થાન પર છે. જેાકે આ ધર્મના લીધે પણ છે, કારણ કે માત્ર ગર્ભધારણ અથવા બાળકો નહીં, ધાર્મિક પાખંડ પૂરા કરવામાં પણ નોકરિયાત મહિલાઓને રાહત આપવામાં નથી આવતી અને તેમને ઘર, પરિવાર, પતિ અને બાળકોની સાથે ધાર્મિક રીતરિવાજ પણ પૂરા કરવા પડે છે, જેથી તેમનામાં કામ વિશે વિચારવાની અથવા ઘરે કામ કરવાની કોઈ ક્ષમતા નથી રહેતી. વર્ષ ૨૦૦૪-૦૫ માં દેશમાં લગભગ ૪૩ ટકા મહિલાઓ નોકરિયાત હતી. થોડા આ પ્રકારના આંકડા વર્ષ ૧૯૯૩-૯૪ માં પણ હતા, પરંતુ ૨૦૧૬-૧૭ માં જ્યારે દેશ નવા કીર્તિમાન રચી રહ્યો હતો, ત્યારે નોકરિયાત મહિલાઓનો આંકડો ૨૭ ટકાથી પણ ઓછો થઈ રહ્યો હતો. આપણે દેશથી સારી સ્થિતિ તો નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશની છે. જેમજેમ દેશમાં ધર્મનો પ્રચાર વધી રહ્યો છે. તેમતેમ મહિલાઓની નોકરી પણ ઘટી રહી છે. મહિલાઓને તો મંદિરોમાંથી નવરાશ નથી મળતી. વિશ્વબેંકના રિપોર્ટ અનુસાર ૨૦૧૧-૧૨ ની વચ્ચે વિભિન્ન કારણોસર ૧.૯૭ કરોડ મહિલાઓએ નોકરી છોડી દીધી હતી. જેાકે એ વાત અલગ છે કે જે મહિલાઓ કામ કરી રહી છે. તેઓ પોતાની લાયકાતના ઝંડા લહેરાવી રહી છે, પરંતુ આ સંખ્યા સંતોષકારક નથી. ગ્લોબલ જેન્ડર ૨૦૧૫-૧૬ ના રિપોર્ટ અનુસાર ૧૪૪ દેશમાં કરવામાં આવેલા સર્વેમાં ભારત ૧૩૬ મા નંબરે રહ્યું હતું.

ભારતમાં મહિલા કાર્યબળની ભાગીદારી માત્ર ૨૭ ટકા છે, જે વૈશ્વિક સરેરાશની સરખામણીમાં ૨૩ ટકા ઓછી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર ૫ માંથી ૪ કંપનીમાં ૧૦ ટકાથી ઓછી મહિલા કર્મચારી કામ કરી રહી છે. ભારતની મોટાભાગની કંપની પણ મહિલાઓની જગ્યાએ પુરુષ કર્મચારીઓની ભરતી કરવી પસંદ કરે છે. મેટરનિટી બેનિફિટ એક્ટ ૨૦૧૬ અંતર્ગત પ્રેગ્નન્સી દરમિયાન મળતી રજાને ૧૨ અઠવાડિયાથી વધારીને ૨૬ અઠવાડિયા કરવામાં આવી છે, જેથી મહિલાઓને તાણથી મુક્તિ અપાવી શકાય. જેાકે હજી પણ અસંગઠિત ક્ષેત્રમાં આ તાણની સ્થિતિ તો જળવાઈ રહી છે, પરંતુ સરકારી નોકરીમાં મહદ્ અંશે મહિલાઓ આ તાણમાંથી બહાર આવી રહી છે. હકીકતમાં, મેટરનિટી લીવના વધતા દબાણના લીધે કંપનીઓ મહિલાઓની ભરતી કરવાથી દૂર રહેતી હોય છે.

જેાકે મોટી કંપનીઓ આ કિસ્સામાં સકારાત્મક વલણ અપનાવતી હોય છે. તેઓ આ એક્ટમાં કરવામાં આવેલા બદલાવનું સમર્થન કરતા મહિલાઓની ભરતીમાં કોઈ કાપ નથી મૂકી રહી, પરંતુ ખરી મુશ્કેલી તો નાની અન મધ્યમ કદની કંપનીમાં છે. આ કંપનીમાં મહિલાઓને ઓછી સેલરી આપવા જેવી રીત અપનાવવામાં આવતી હોય છે અથવા તો તેમના હાયરિંગને ઘટાડી દેવામાં આવતું હોય છે. એમ્પ્લોયરનો પક્ષ પણ જુઓ જે કોઈ મહિલા પ્રેગ્નન્સી પછી ૬ મહિના માટે લીવ પર ચાલી જાય અને એમ્પ્લોયરને તેના સ્થાને બીજા કોઈને રાખવાની જરૂર ન પડે ત્યારે તેનો અર્થ એ પણ માની શકાય કે મહિલાકર્મી જે કામ કરી રહી હતી તે ન બરાબર હતું અને તેના ન હોવાથી કોઈને કોઈ ફરક નહીં પડે. માની લો કે કોઈ કંપની અથવા એક સરકારી યુનિવર્સિટીમાં કોઈ મહિલા કામ કરી રહી છે અને તેને ડિલિવરી પછી ૬ માસની લીવ પર જવું પડ્યું. ત્યાર પછી તેણે એકદોઢ વર્ષની પેઈડ લીવ લીધી. આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે આટલા લાંબા સમય સુધી પણ કંપનીનું કામ ચાલી જ રહ્યું હોય છે એટલે કે તેની પાસે કોઈ મહત્ત્વનું કામ નથી તેમ માની શકાય.

કાર્યાલયમાં તેની ઉપયોગિતા પણ ન બરાબર ગણાય. તેની હાજરી અથવા ગેરહાજરીથી કંપની અથવા યુનિવર્સિટીને કોઈ ખાસ ફરક નથી પડતો, પરંતુ જે તેના સ્થાને કોઈ બીજાને એડહોક પર રાખવો પડે તો પછી એમ માની શકાય કે કંપનીને આ ગેરહાજર મહિલાના લીધે નવો એમ્પ્લોય રાખવા પર ખર્ચ કરવો પડ્યો છે. આ સ્થિતિમાં એમ્પ્લોયર પોતાની સુવિધા જેાતા ભવિષ્યમાં મહિલા એમ્પ્લોયને ઓછામાં ઓછી નોકરી પર રાખવાનું શરૂ કરી દેશે અથવા તો તેની સેલરી શરૂઆતથી જ ઓછી રાખશે જેથી ભવિષ્યમાં તેને વધારે નુકસાન સહન ન કરવું પડે. મહિલાઓ આ બાબતે ચિંતિત રહે છે. પારિવારિક માળખું છે મદદરૂપ મહિલાઓને આ બધી મુશ્કેલીનો સામનો કરવામાં ઘર અને ઓફિસમાં એક સારી સપોર્ટ સિસ્ટમ મદદ કરી શકે છે. જેા બોસ વુમન હોય તો તેઓ આ બધી મુશ્કેલીને વધારે સારી રીતે સમજી શકે છે. આ જ રીતે પરિવારનો સહયોગ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

આજના સમયમાં જે રીતે સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે તે જેાતા તો બાળકોને ઉછેરવા મુશ્કેલ બની રહ્યા છે. એક અભ્યાસ અનુસાર એક નાનું બાળક ફેમિલીમાં?આવવાથી મહિલાના રોજગાર પર નકારાત્મક અસર થાય છે, પરંતુ પરિવારમાં જેા કોઈ વડીલ હોય તો નોકરિયાત મહિલાનું નોકરી કરવું સરળ થઈ જાય છે. આ જ રીતે મા બનનાર મહિલાઓ પ્રત્યે તેમની કરિયર સાથે જેાડાયેલા પ્રોત્સાહનને ઘટાડવા ન જેાઈએ. તેનાથી વિપરીત માતાપિતા બંનેએ સામાજિક તથા કરિયરને લગતી શક્ય ઐટલી વધારે સહાયતા પ્રદાન કરવી જેાઈએ, જેથી કામ અને પરિવાર સાથે જેાડાયેલી જવાબદારીને તેને સારામાં સારી રીતે નિભાવવામાં મદદ મળી રહે. જેાકે આ સમયગાળામાં પિતાની ભૂમિકા પણ ઝડપથી બદલાઈ રહી છે. તેઓ પણ જાણે છે કે ૨ વ્યક્તિ કમાનાર હશે તો જ વધારે સારી રીતે રહી શકાશે. તેથી હવે તેઓ પણ પોતાની પત્નીને સપોર્ટ કરી રહ્યા છે. તેમ છતાં જ્યાં સુધી રૂઢિવાદી માનસિકતા બદલાશે નહીં ત્યાં સુધી વાસ્તવમાં સ્થિતિને બદલી શકાશે નહીં. શું છે સમાધાન જેા પોતાની કરિયર સાથે પ્રેગ્નન્ટ થવું હોય તો પ્રયાસ કરો કે ૩૫ વર્ષ પછી આ સ્થિતિ આવે, કારણ કે આ સમય સુધીમાં છોકરી પોતાના વ્યવસાય સાથે જેાડાયેલા હુન્નરને સારી રીતે શીખી ચૂકી હોય છે. તે પોતાની કરિયરના કિસ્સામાં સેટલ અને દરેક રીતે મેચ્યોર રહેતી હોય છે. તેનામાં એટલી હોશિયારી આવી જાય છે કે તે ઘરે બેસીને કામ કરીને પણ આપી શકે છે.

આમ પણ આજે ટેક્નોલોજીનો જમાનો છે. એમ્પ્લોયર પણ તેને સપોર્ટ આપવા માટે તૈયાર રહે છે, કારણ કે તે કંપની માટે ઘણું બધું કરી ચૂકી હોય છે. પરંતુ ૨૭-૨૮ વર્ષની ઉંમરમાં જે છોકરી પ્રેગ્નન્ટ થઈ જાય અને એમ્પ્લોયર તેને કામ શીખવી રહ્યો હોય તો આ સ્થિતિ એમ્પ્લોયર માટે ખૂબ નુકસાનનો સોદો સાબિત થતો હોય છે. જે છોકરી માર્કેટિંગના ફીલ્ડમાં હોય તો જાહેર છે કે નાની ઉંમરમાં તેના માટે વધારે દોડધામનું કામ હશે, જ્યારે ઉંમર વધતા તે સુપરવાઈઝર બની ગઈ હોય છે. આ જ રીતે કોઈ ફીલ્ડમાં ઉંમર વધવા પર થોડી સ્થિરતાનું કામ મળી જાય છે. આ સ્થિતિમાં જે તે ૨-૪ કલાક માટે પણ આવીને પોતાના મહત્ત્વના કામ પતાવીને જતી રહે તો એમ્પ્લોયરનું કામ ચાલી જાય છે. આ સ્થિતિમાં તેમની સાથે કામ કરનાર છોકરીઓને પણ સમસ્યા થઈ શકે છે, કારણ કે જે છોકરી પરિણીત હોય છે અને પ્રેગ્નન્ટ થઈ જાય છે તો તેને એકસાથે ૬ માસની રજા મળી જાય છે, પરંતુ ૨૦૦ માંથી જેા ૧૪૦ છોકરી એવી હોય છે જે અપરિણીત હોય છે અથવા તો પ્રેગ્નન્ટ નથી હોતી તો તેમના માટે આ એક પ્રકારના લોસની વાત છે. ભલા તેમનો શું વાંક હતો કે તેમને કામના પડકારો સહન કરવા પડ્યા. અપરિણીત મહિલાઓ માટે તો આ એક ભેદભાવ છે.

આ બધું જેાતા સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિમાં કોઈ પણ એમ્પ્લોયર મેલ કંન્ડિડેટ્સને વધારે મહત્ત્વ આપશે અને પોતાનું નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કરશે. આ સ્થિતિમાં તેણે એક તો પોતાની પ્રોડક્ટની કિંમતમાં વધારો કરવો પડશે અને ત્યારે સોસાયટી દ્વારા અપ્રત્યક્ષ રીતે તે ખર્ચ વહન કરવા સક્ષમ બની શકશે અથવા તો આ સમસ્યાનું સમાધાન એ છે કે સમાજ સ્વયં આગળ આવે અને આ ખર્ચ વહન કરે કે પછી જેણે કાયદા બનાવ્યા છે તેઓ એટલે કે સરકાર આ સમસ્યાનું યોગ્ય સમાધાન લાવે.

– ગરિમા પંકજ

વધુ વાંચવા કિલક કરો....