કટાક્ષિકા – લીના ખત્રી.

હું બાળપણથી સાંભળીસાંભળીને કંટાળી ગઈ હતી કે તારામાં તો બિલકુલ બુદ્ધિ જ નથી.
એક દિવસ જ્યારે હું આ વાતથી ચિડાઈને રડમશ થઈ ગઈ ત્યારે મારા ફોઈએ મને ખૂબ જ પ્રેમથી સમજાવી,
‘‘દીકરી, હજી તું નાની છે, પણ જ્યારે તું મોટી થઈશ ત્યારે તને ડહાપણની દાઢ આવશે અને તે સમયે તને કોઈ નહીં કહે કે તારામાં અક્કલ નથી.’’
ફોઈની વાત સાંભળીને મારા ચહેરા પર હાસ્ય આવી ગયું અને હું રડવાનું બંધ કરીને રમવા ગઈ.
હવે હું આશ્વસ્ત હતી કે એક ને એક દિવસ મને પણ અક્કલ આવશે જ અને જેાતજેાતામાં હું મોટી થઈ ગઈ અને રાહ જેાતી રહી કે હવે તો મને જલદી ડહાપણની દાઢ આવશે.

આ દરમિયાન મારા લગ્ન પણ થઈ ગયા.
હવે સાસરીમાં પણ તે જ મહેણાં સાંભળવા મળતા કે તારામાં તો અક્કલ જ નથી.
માએ કંઈ શિખવાડ્યું જ નથી.
આ બધું સાંભળતાંસાંભળતાં સમય વીતતો ગયો, પણ ડહાપણની દાઢ ન આવી.
હવે જ્યારે ૪૦ વર્ષ પસાર કરી લીધા તો મેં આશા છોડી દીધી, પણ એક દિવસ મારી ચાવવાની દાઢમાં પીડા થવા લાગી.
આ પીડા એટલી અસહ્ય હતી કે તેના લીધે મારા ગાલ, કાન અને માથું પણ દુખવા લાગ્યા.
હું પીડાથી બેહાલ ગાલ પર હાથ મૂકીને ઓહ ઓહ કરતી ફરતી હતી.

જેણે પણ મારા દાંતના દુખાવા વિશે સાંભળ્યું તેણે કહ્યું, ‘‘અરે, તારી ડહાપણની દાઢ આવી રહી છે, એટલે જ આટલી પીડા થઈ રહી છે.’’
હું ખૂબ ખુશ થઈ કે ચાલો મોડા આવી પણ આવી તો ખરી, હવે મને પણ અક્કલ આવી જશે, પણ જ્યારે પીડાથી હાલત ખરાબ થઈ ગઈ ત્યારે મેં વિચાર્યું કે તેના કરતા તો અક્કલ વગર જ ઠીક હતી.
ડેન્ટિસ્ટ પાસે ગઈ તો તેણે જણાવ્યું તમારી છેલ્લી દાઢ કેવિટીના લીધે સડી ગઈ છે. તેને કાઢવી પડશે.
મેં ઉત્સાહમાં આવીને પૂછ્યું, ‘‘શું આ મારી ડહાપણની દાઢ હતી?’’
મારા આ સવાલ પર ડેન્ટિસ્ટ સાહેબ હસીને બોલ્યા, ‘‘હા મેડમ, આ તમારી ડહાપણની દાઢ હતી.’’
હવે બોલો મોડા આવી અને ક્યારે આવી તે મને પણ ખબર ન પડી અને સડી ગઈ.
પીડા સહન કરવાથી સારું તો એ જ હતું કે તેને પડાવી દઉં.

ડેન્ટિસ્ટે ત્રીજ દિવસે બોલાવી હતી તો હું ત્રીજા દિવસે દાઢ પડાવવા પહોંચી ગઈ.
ત્યાં દાંતની પીડાથી પીડિત, અન્ય લોકો પણ બેઠા હતા, જેમાં એક નાની ૫ વર્ષની છોકરી પણ હતી.
તેના સામેના દૂધના દાંતમાં કેવિટી હતી.
તે પણ દાંત પડાવવા માટે આવી હતી.
મેં તેનું નામ પૂછ્યું તો તે કંઈ ન બોલી.
બસ તે તેનું મોં પકડીને બેસી રહી.
તેની મમ્મીએ જણાવ્યું કે ૩ દિવસથી પીડાથી હાલત ખરાબ છે.
પહેલાં તો દાંત પડાવવા તૈયાર નહોતી, પણ જ્યારે પીડા વધવા લાગી ત્યારે બોલી ચાલ, દાંત પડાવવા.

મારો નંબર તે છોકરી પછી જ હતો.
પહેલાં તેને બોલાવી અને બેભાન કરવાનું ઈંજેક્શન માર્યું, જેથી તેના પૂરા મોં પર સોજેા આવી ગયો.
હવે મારો વારો હતો.
આમ તો તમે જાણી લો કે હું દેખાવે સ્થૂળ છું, પણ મારું દિલ એકદમ ઉંદર જેવું છે.
ભલે, મને પણ ઈંજેક્શન માર્યું અને ૧૦ મિનિટ પછી આવવાનું કહ્યું.
હું મોં પકડીને ત્યાં જ સોફા પર બેસી ગઈ.

હજી મને ચક્કર આવતા ૧૦ મિનિટ જ થઈ હતી કે મને ફરી અંદર બોલાવી અને મારી ડહાપણની દાઢ કાઢી નાખી.
જ્યારે દાઢ કાઢી ત્યારે મને પીડાનો અહેસાસ ન થયો, પણ ડેન્ટિસ્ટે દાઢની ખાલી જગ્યા પર રૂ લગાવી દીધું.
તેની પર લગાવેલી દવાનો સ્વાદ એટલો ગંદો હતો કે મેં ત્યાં ઊલટી કરી દીધી.
તેની પર નર્સે મને ગુસ્સા ભરી નજરથી જેાઈ તો હું ગાલ પકડીને બહાર આવી ગઈ.

મારો નાનો દીકરો મારી સાથે હતો, તેણે જણાવ્યું કે ડેન્ટિસ્ટ અંકલે કહ્યું છે કે ૧ કલાક સુધી રૂ કાઢવાનું નથી.
ખૂબ જ મુશ્કેલીથી એ સમય પસાર થયો અને પછી મને આઈસક્રીમ ખાવા મળ્યો.
એક બાજુથી સોજેા આવેલા મોંથી આઈસક્રીમ ખાતા હું ખૂબ જ ફની લાગતી હતી.
બાળકો મારો ચહેરો જેાઈને હસતા હતા. હવે મેં જે પીડા સહન કરી તે કરી, પણ આ તો મારી સાથે ખૂબ જ મોટો અન્યાય થયો ને કે જેા ડહાપણની દાઢની વર્ષોથી રાહ જેાતી રહી તે આવી પણ કેવી આવી.
જે પણ હોય હું તો રહી ગઈને અક્કલ વગર.

વધુ વાંચવા કિલક કરો....