રાતના ૨ વાગ્યા હતા. સામાન્ય ઠંડી પડી રહી હતી. દશેરા અને દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ હતી. ધનબાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર ખૂબ ભીડ હતી. જેાકે તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા, જે તહેવાર પર દિલ્લીથી ધનબાદ આવ્યા હતા. ધનબાદ, બેકારો અને આસપાસના બાળકો ધોરણ ૧૨ પછી આગળના અભ્યાસ માટે દિલ્લી જતા હતા. આ એરિયામાં કોઈ સારી કોલેજ ન હોવાથી બાળકો પોતાના ઉજ્જ્વળ ભવિષ્ય માટે સ્કૂલ પછી દિલ્લી જવા ઈચ્છતા હતા. વળી, દિલ્લીમાં કોચિંગની પણ સારી સુવિધા મળતી હતી. અહીંથી તેઓ એન્જિનિયરિંગ, મેડિકલ વગેરેનું કોચિંગ લેતા હતા. કેટલાક તો ટેન્થ પછી તરત દિલ્લી ચાલ્યા જતા હતા અને હવે રજાઓ પછી તેઓ પરત દિલ્લી જઈ રહ્યા હતા.

તે બધા કાલકા મેલના આવવાની રાહ જેાઈ રહ્યા હતા. તેમાંથી ઘણા બધા પાસે રિઝર્વેશન નહોતું, તેઓ વેઈટિંગ ટિકિટ લઈને કોઈ પણ થ્રી ટાયરમાં ચઢી જવાના હતા. જ્યારે જેમની પાસે રિઝર્વેશન હતા તેમની બર્થ પર ૪-૫ જણ કોઈ પણ રીતે એડજસ્ટ થઈને દિલ્લી પહોંચી જતા. જેાકે આ પ્રકારની મુસાફરીની તેમને ટેવ હતી, મોટાભાગે રજાઓ પછી અહીં આવા દશ્યો જેાવા મળતા હતા. કેટલાક શ્રીમંત ઘરના છોકરા તાત્કાલિક અથવા એજન્ટ પાસેથી બ્લેકમાં ટિકિટ લઈ લેતા તો કેટલાક એસી કોચમાં જતા હતા, પરંતુ મોટાભાગના બાળકો તો થ્રી ટાયર કોચમાં જતા હતા. આમ પણ બધા માટે રિઝર્વેશન શક્ય પણ નથી હોતું.

રાત્રિના ૧૧ વાગ્યા હતા અને હજી ટ્રેનના આગમનને ૧ કલાકનો સમય બાકી હતો. ટ્રેન થોડી લેટ હતી. રોહિત ખભા પર બેગપેક લટકાવીને ચાલી રહ્યો હતો. તેની નજર કોઈ પરિચિતને શોધી રહી હતી. જેની પાસે રિઝર્વેશન ટિકિટ હોય. એટલામાં તેની નજર મનોજ પર પડી ત્યારે તેને પૂછ્યું, ‘‘તને શું બર્થ મળી ગઈ છે?’’

‘‘અરે ના યાર, પરંતુ આપણા મહોલ્લાની સુનીતાને તો તું ઓળખે જ છે ને? એસ-૭ કોચમાં તેનું રિઝર્વેશન છે. જેા તે આવી જ રહી છે, તેના પપ્પા સાથે.’’ પ્લેટફોર્મ પર તે દીકરી સાથે આવીને ઊભા રહ્યા. મનોજે તેમને કહ્યું, ‘‘અંકલ નમસ્તે. તમારે જવું હોય તો જઈ શકો છો. અમે છીએ ને. સુનીતાને કોઈ મુશ્કેલી નહીં પડવા દઈએ.’’
એટલામાં એનાઉન્સ થયું, ‘‘કાલકા મેલ પોતાના નિશ્ચિત સમયથી ૪૫ મિનિટ લેટ ચાલી રહી છે… મુસાફરોની અસુવિધા બદલ અમે દુખી છીએ.’’

સુનીતાએ કહ્યું, ‘‘હા પપ્પા. હવે તમે જાઓ. થોડી વારમાં આપણી પાડોશની મનીષા પણ આવશે. તેની બર્થ મારા કોચમાં છે… વળી બીજા પણ ઘણા ઓળખીતા ફ્રેન્ડ્સ છે. તમે ચિંતા ન કરો અને ઘરે જાઓ. અમે બધું મેનેજ કરી લઈશું.’’

સુનીતા ના પપ્પા આવી ગયા. થોડી વારમાં મનીષા પણ આવી ગઈ. રોહિત, મનોજ, સુનીતા અને મનીષા ચારેય એક કોલોનીમાં રહેતા હતા, પરંતુ અલગઅલગ સેક્ટરમાં. બંને છોકરા એન્જિનિયરિંગના સેકન્ડ યરમાં હતા, જ્યારે છોકરીઓ ગ્રેજ્યુએશન કરી રહી હતી. આ બધામાં સુનીતા સૌથી શ્રીમંત પરિવારની હતી. રોહિત અને મનોજના પિતા કોલ ઈન્ડિયામાં ક્લાર્ક હતા, મનીષાના પિતા કોલ ઈન્ડિયામાં લેબર ઓફિસર અને સુનીતાના પિતા કોન્ટ્રાક્ટર. સુનીતાના પિતા દેશના ઘણા બધા ભાગમાં કોલસા સપ્લાય કરતા હતા.
રોહિતે કહ્યું, ‘‘મારી અને મનોજ પાસે રિઝર્વેશન ટિકિટ નથી. તમે મદદ કરજેા. તમે બંને બર્થ પર બેસી જજે અને બીજા બર્થ પર અમે બંને બેસીશું. જે ભાડું શેર કરવાનું થશે તો તે પણ શેર કરી લઈશું.’’

સુનીતાએ કહ્યું, ‘‘શું મૂર્ખ જેવી વાત કરી રહ્યા છો? શું આવું પહેલી વાર થયું છે? આ પહેલા પણ તમે લોકો અમારા બર્થ પર ગયા છો ને, શું ત્યારે અમે તમારી પાસેથી પૈસા લીધા હતા? તો પછી આવી વાત ન કરો, પરંતુ આ વખતે અમને બંનેને લેડીઝ ક્વોટામાં બર્થ મળી છે.’’
મનીષા બોલી, ‘‘હા, એસ-૭ માં બર્થ નંબર ૧ થી ૮ લેડીઝ ક્વોટા છે. અમે શેર કરી લઈશું, પરંતુ બીજી મહિલાઓએ હોબાળો મચાવ્યો તો શું કરીશું?’’
મનોજે કહ્યું, ‘‘અમે પહેલા પણ આ સિચ્યુએશનનો સામનો કરી ચૂક્યા છીએ. અમે હેન્ડલ કરી લઈશું, ચિંતા ન કરો.’’

ટ્રેન આવતા બધા કોચમાં જઈને બેસી ગયા. લેડીઝ ક્વોટામાં એક વૃદ્ધ મહિલા પણ હતી. તેણે કહ્યું, ‘‘તમે બંને છોકરા અહીં ન બેસી શકો.’’ સુનીતાએ કહ્યું, ‘‘અરે આંટી તમે અહીંના લાગો છો. તમે જાણતા હશો કે આ સીઝનમાં સ્ટુડન્ટ અહીંથી દિલ્લી જતા હોય છે અને ટ્રેનમાં ભીડ પણ એટલી છે કે એડજસ્ટ કરવું પડે છે.’’
‘‘સારું ઠીક છે, પરંતુ ચુપચાપ બેસજેા. તમે લોકો ન ઊંઘો છો કે ન બીજાને ઊંઘવા દો છો.’’ થોડી વારમાં ટીટી આવ્યો, ટિકિટ ચેક કર્યા પછી તેણે છોકરાઓને કડક અવાજમાં કહ્યું, ‘‘તમે અહીં ન બેસી શકો. એક તો વેઈટિંગની ટિકિટ, ઉપરથી લેડીઝ ક્વોટામાં આવીને બેસી ગયા છો. હવે પછીના સ્ટેશને તમે કોચમાંથી ઊતરી જજેા.’’

મનોજે કહ્યું, ‘‘કદાચ તમે અમને ઓળખતા નથી. તમારો દીકરો પણ આવતા વર્ષે દિલ્લી જશે ભણવા માટે. તેનું એવું રેગિંગ કરીશ કે તે રડતાંરડતાં પાછો આ જ ટ્રેનમાં ધનબાદ આવશે. હવે તમારી મરજી.’’
ટીટીએ કહ્યું, ‘‘તમે ઈચ્છો તે કરો. હું મુગલસરાઈમાં ઊતરી જઈશ, આગળ તમે જેાઈ લેજેા.’’
‘‘અરે આગળ અમે જેાઈ લઈશું. તમે તમારા આવનાર રિલીવરને કહી દો કે અમને તે પરેશાન ન કરે તો સારું રહેશે.’’

સવારના ૭ વાગે ટ્રેન મુગલસરાઈ પહોંચી. અહીં ટ્રેન થોડો સમય રોકાઈ. રોહિત અને મનોજ બંને પ્લેટફોર્મ પર ઊતરીને ટી-સ્ટોલ પર સિગારેટ પીવા લાગ્યા. તેમને જેાઈને સુનીતા અને મનીષા પણ પ્લેટફોર્મ પર ઊતરી ગયા. સુનીતાએ મનીષાને કહ્યું, ‘‘ચાલ, સિગારેટના ૧-૨ કશ આપણે પણ મારી લઈએ.’’
‘‘અરે આવી જાઓ, તમે પણ પીઓ.’’ મનોજે કહ્યું અને ચા વાળા પાસેથી ૨ કપ ચા લઈને તેમને આપી.

સુનીતાએ કહ્યું, ‘‘અને સિગારેટ?’’
મનોજે પોતાની સિગારેટ લંબાવતા કહ્યું, ‘‘લે ૨ કશ તું પણ મારી લે અને મનીષાને જેાઈતી હોય તો…?’’
‘‘ના, મારે નથી જેાઈતી.’’ મનીષા બોલી.
સુનીતાએ કહ્યું, ‘‘હું શેર નહીં કરું. મારે અલગ સિગારેટ જેાઈએ.’’
મનોજે તેને સિગારેટ સળગાવીને આપી. ૨-૩ કશ માર્યા પછી સુનીતાએ સિગારેટ ફેંકીને પોતાના સેન્ડલથી બુઝાવી દીધી.
આ જેાઈને મનોજે કહ્યું, ‘‘તને પીતા જેાઈને નથી લાગતું કે તું પહેલી વાર પી રહી છે. તેં તો મારી સિગારેટ બરબાદ કરી નાખી.’’
‘‘પૈસા જેાઈએ છે તારી સિગારેટના?’’
‘‘તારી સાથે બોલવું પણ નકામું છે.’’
પછી બધા ફરીથી ટ્રેનમાં આવીને બેસી ગયા.

રાત્રિના લગભગ ૯ વાગે ટ્રેન દિલ્લી પહોંચી. ચારેયે એક ટેક્સી કરી લીધી અને મનીષા તથા સુનીતાને તેમની હોસ્ટેલ પર ડ્રોપ કરીને મનોજ અને રોહિત તેમની હોસ્ટેલ પહોંચી ગયા. આમ પણ ચારેય એક જ શહેર અને કોલોનીના રહેવાસી હતા, તેથી રજામાં ટ્રેનમાં આવવુંજવું સાથે રહેતું હતું. જેાકે મનોજ અને રોહિતની બ્રાંચ અલગ હતી, જ્યારે મનીષા અને સુનીતા એક જ બ્રાંચમાં હતા, તેથી તેમની વચ્ચે સારી મિત્રતા હતી. બંનેમાં સુનીતા સ્વભાવે થોડી ફ્રેંક અને ડોમિનેટિંગ હતી. કોઈની સાથે ન ગમતો વિવાદ થઈ જાય અથવા મનીષાને કોઈ પરેશાન કરતું ત્યારે તે તેને પ્રોટેક્ટ કરતી હતી. જેાકે મનીષા થોડી અંતર્મુખી હતી.

આ રીતે તેઓ ચારેય ક્યારેક ટ્રેનમાં મળતા તો ક્યારેક કોઈ મોલ અથવા મલ્ટિપ્લેક્સમાં, ત્યારે લાંબા સમય સુધી એકબીજા સાથે વાતો કરતા. મનોજ અને મનીષાના સ્વભાવ એકબીજાથી અલગ હતા, છતાં બંને એકબીજાની નજીક આવી ગયા હતા. પછી મનોજ અને રોહિતે પોતાનું બીટેક પૂરું કરી લીધું અને મનીષા તથા સુનીતાએ પીજી. મનોજે નોઈડામાં નોકરી જેાઈન કરી લીધી અને મનીષા સાથે માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને કોર્ટમેરેજ કરી લીધા. રોહિત અને સુનીતા પણ તેમના લગ્નમાં આવ્યા હતા.

એક વર્ષ પછી બંને અમેરિકા ચાલ્યા ગયા. મનોજ એચ ૧ બી પર જેાબ મેળવીને ગયો હતો અને મનીષા આરશ્રત વિઝા પર. થોડા સમય પછી મનીષાને પણ નોકરી કરવાની મંજૂરી મળી ગઈ. તેમને ૨ દીકરી હતી. જેાકે મનીષાને વર્ક ફ્રોમ હોમ હતું અને તે તેના માટે એક વરદાનથી ઓછું નહોતું. વર્ક ફ્રોમ હોમ હોવાથી તે પોતાની દીકરીઓનું પણ ધ્યાન રાખી શકતી હતી. આ સમયગાળામાં રોહિત અને મનોજ તેમજ મનીષા અને સુનીતા વચ્ચે નિયમિત સંપર્ક પણ જળવાઈ રહ્યો હતો. ખાસ કરીને મનીષા અને સુનીતા વચ્ચે.

બીજી તરફ રોહિત અને સુનીતાએ પણ પુણેમાં નોકરી જેાઈન કરી લીધી હતી. થોડા મહિના પછી બંનેના લગ્ન થયા હતા. આ લગ્ન તેમના માતાપિતાની સહમતીથી થયા હતા. થોડા દિવસ પછી રોહિત અને સુનીતા પણ કેનેડા ચાલ્યા ગયા. આ સમયે પણ મનીષા અને સુનીતા વચ્ચે સારો સંપર્ક જળવાઈ રહ્યો.
હવે મનીષા અને મનોજના સંબંધમાં થોડી ખટાશ આવવા લાગી હતી. મનોજ રોજ રાત્રે દારૂ પીતો અને મનીષાને પણ પીવા માટે આગ્રહ કરતો, પરંતુ મનીષા તેના આગ્રહ છતાં પીતી નહોતી. આ વાતથી મનોજ નારાજ થઈ જતો અને અપશબ્દો બોલવા લાગતો.

ધીરેધીરે તેમની વચ્ચે કડવાશ વધતી ગઈ, પરંતુ મનીષાએ સુનીતા સામે પોતાનું દુખ વ્યક્ત કર્યું નહોતું. એક વાર મનોજે મનીષા પર હાથ સુધ્ધાં ઉપાડી દીધો હતો. આ રીતે લડતાઝઘડતા લગભગ ૧૦ વર્ષ પસાર થયા.

એક વાર જ્યારે મનીષા અને સુનીતા વીડિયો કોલ પર ચેટ કરી રહ્યા હતા, ત્યારે મનોજે કોલબેલ વગાડ્યો. મનીષાને દરવાજેા ખોલવામાં થોડી વાર થઈ. તેણે હાથમાં ફોન પકડીને દરવાજેા ખોલ્યો હતો.
દરવાજેા ખોલતા જ મનોજ તેની પર ગુસ્સો ઉતારવા લાગ્યો, ‘‘વિચ, તને ડોર ખોલવામાં આટલું મોડું કેમ થયું?’’
મનીષાએ તરત ફોન કાપી નાખ્યો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું અને સુનીતાને વાતને સમજવામાં વાર ન લાગી. પછી સુનીતાને પોતાની ખાસ સાહેલી મનીષાની ચિંતા થવા લાગી. થોડા દિવસ પછી તે સ્વયં મનીષાને મળવા અમેરિકા આવી ગઈ અને ૨ દિવસ ત્યાં રોકાઈ.

આ સમયે મનીષા અને મનોજ વચ્ચે વાતચીત માત્ર હા નામાં થતી રહેતી હતી. જ્યારે મનોજ ઓફિસે ગયો અને બાળકો સ્કૂલે ત્યારે એકાંત મળતા સુનીતાએ મનીષાને પૂછ્યું, ‘‘મનોજ આજકાલ થોડો નારાજ દેખાઈ રહ્યો છે, કોઈ ખાસ વાત હોય તો મને કહે?’’
‘‘ના, કોઈ ખાસ વાત નથી. કાલથી અમે એકબીજાથી નારાજ છીએ અને વાતચીત લગભગ બંધ છે, પરંતુ આપમેળે ૧-૨ દિવસમાં બધું ઠીક થઈ જશે.’’
‘‘આર યૂ સ્યોર? તું કહે તો મનોજ સાથે વાત કરીને પૂછી લઉં?’’
‘‘ના, ના, તેની જરૂર નથી. ક્યાંક એવું ન બને કે વાત વધારે વણસી જાય… હું મેનેજ કરી લઈશ.’’
‘‘ઓકે. તેમ છતાં જરૂર પડતા હું અથવા રોહિત તને મદદરૂપ થઈશું તો અમને ખૂબ ખુશી થશે.’’
પછી સુનીતા કેનેડા પરત આવી ગઈ. તેણે રોહિતને મનોજ અને મનીષા વિશે જણાવ્યું.
સુનીતાને કહ્યું, ‘‘હું મનીષાને ખૂબ પહેલાંથી અને ખૂબ સારી રીતે ઓળખું છું. તે અંતર્મુખી છે અને પોતાના મનની વાત કોઈને જણાવતી નથી. રોહિત, શું આપણે તેને મદદ ન કરવી જેાઈએ?’’
‘‘જરૂર કરવી જેાઈએ, પરંતુ શરત એ છે કે તે મદદ માંગે પછી. આમ પણ પતિપત્ની વચ્ચે ચંચુપાત કરવો ઠીક નથી. હાલ પૂરતું લેટ અસ વેઈટ એન્ડ વોચ.’’

થોડા દિવસ પછી સુનીતાએ મનીષાને ફોન કર્યો. ફોન તેની દીકરીએ ઉઠાવ્યો. સુનીતાને દીકરીનો અવાજ સંભળાયો, ‘‘મમ્મા, સુનીતા આંટીનો ફોન છે, શું કહું?’’
‘‘કહી દે, મમ્મી ઊંઘી ગઈ છે.’’
સુનીતાએ ફોન કાપી નાખ્યો. તેને દાળમાં કંઈક કાળું લાગ્યું. એક તો આ મનીષાના ઊંઘવાનો સમય નહોતો અને બીજું એ કે મનીષાનો અવાજ થોડો રડમશ હતો. તેની સમજમાં આવી ગયું કે જરૂર આજે મનીષા સાથે કંઈક ખોટું થયું હશે.
રોહિત ક્યારેક મનોજને ફોન કરતો ત્યારે રોહિત પણ અનુભવતો કે તેને વાતચીત કરવામાં કોઈ રસ નથી. થોડો સમય આડીઅવળી વાતો કરીને મનોજ કહેતો કે પછી વાત કરીશું, પરંતુ પછી મનોજ ક્યારેય તેને કોલ કરતો નહોતો. રોહિત તેને ૧૦-૧૫ દિવસના અંતરાળે હાલચાલ પૂછી લેતો હતો.
થોડા દિવસ પછી એક વાર સુનીતાએ મનીષાને ફોન કરીને પૂછ્યું, ‘‘સારું છે ને મનીષા? તું સામેથી ક્યારેય ફોન કરતી નથી.’’
‘‘શું કહું તને. હવે તો જીવવું એક મજબૂરી બની ગયું છે, તેથી જીવી રહી છું.’’
‘‘આવું કેમ બોલી રહી છે? હજી તારી ઉંમર ક્યાં છે? આગળ ખૂબ લાંબી જિંદગી પડી છે. જીવનમાં સુખદુખ તો આવતાજતા રહેશે.’’
‘‘અરે દુખ તો સહન કરી લઈશ, પરંતુ મારું જીવન હવે નાસૂર બની ગયું છે સુનીતા.’’ મનીષાએ કહ્યું.

‘‘એવું કંઈ જ નથી… આજકાલ દરેક પીડાનો ઈલાજ છે. એકવાર તું કહે તો ખરી?’’
મનીષાને થોડો સમય મૌન જેાઈને સુનીતાએ કહ્યું, ‘‘અરે, તું ચુપ કેમ થઈ ગઈ છે? જ્યાં સુધી કંઈ કહીશ નહીં, ત્યાં સુધી તારી તકલીફની મને જાણ કેવી રીતે થશે? આમ પણ મને થોડો અહેસાસ છે કે મનોજ તને જરૂર કરતા વધારે પરેશાન કરી રહ્યો છે.’’
પછી મનીષાએ ડૂસકા ભરતા કહ્યું, ‘‘૨-૨ દીકરી છે અને તેમના માટે જીવવું મારી મજબૂરી બની ગયું છે. પહેલા વાત માત્ર અપશબ્દો સુધી સીમિત રહેતી હતી, જ્યારે હવે તે દીકરીઓ સામે પણ મારી પર હાથ ઉપાડે છે અને તે પણ કારણ વિના.’’
‘‘આખરે તે શું ઈચ્છે છે તારી પાસેથી?’’
‘‘તું જાણે છે કે મારે વર્ક ફ્રોમ હોમ હોય છે મને ઘરથી બહાર જવાની જરૂર નથી હોતી… મને વધારે પડતા ભભકા પસંદ નથી.’’
‘‘મનોજ ઈચ્છે છે કે હું જીન્સશર્ટ્સ, ટીશર્ટ પહેરું, સ્વિમિંગ સૂટ પહેરીને સ્વિમ કરું, તેની અને તેના બીજા મિત્રો સાથે દારૂ પીઉં અને ડાન્સ કરું, પરંતુ આ બધું મારાથી થઈ શકે તેમ નથી. તેની સાથે ક્યાંક પાર્ટીમાં જાઉં છું ત્યારે હું ઈન્ડિયન ડ્રેસમાં હોઉં છું.’’
‘‘તેમાં ખોટું શું છે? તેના માટે તને કોઈ ફોર્સ ન કરી શકે.’’
‘‘આ બધી પુસ્તકોની વાત છે. પ્રેક્ટિકલ લાઈફમાં તે શક્ય નથી હોતું. હવે મનોજને તેની સાથે કામ કરતી પરિણીત ક્રિશ્ચિયન મહિલા અમાન્ડા મળી ગઈ છે, જે તેને ગમી ગઈ છે. ક્યારેક તે અમારા ઘરે આવે છે, ત્યારે તેની સામે પણ તે મારું અપમાન કરે છે.’’
‘‘તું આ બધું સહન કેમ કરે છે?’’
‘‘ન કરું તો શું રોજ તેના હાથનો માર ખાઉં?’’
‘‘તું અમેરિકામાં રહીને પણ આવી વાતો કરે છે? હા, એક કોલ ૯૧૧ પર કરી દે… તેનું બધું ઘમંડ ઊતરી જશે.’’
‘‘ના, મારાથી નહીં થઈ શકે.’’
‘‘તો પછી મર મરીમરીને.’’ કહેતા સુનીતાએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો.

આ ઘટનાના થોડા દિવસ પછી સુનીતા અને રોહિત અમેરિકા ગયા. જેાકે તેઓ નજીકના શહેરની હોટલમાં રોકાયા હતા. પછી સુનીતાએ મનીષાને ફોન કર્યો. આ સમયે મનીષાનો ફોન બેડરૂમમાં હતો અને તેની મોટી દીકરી ત્યાં જ હતી. તેણે કહ્યું, ‘‘વન મિનિટ આંટી, હું મમ્માને આપું છું.’’
ફોન વીડિયો કોલ હતો. દીકરી ફોન લઈને લિવિંગ રૂમમાં આવી જ્યાં મનોજ અને અમાન્ડા દારૂ પીને મ્યૂઝિક પર ડાન્સ કરી રહ્યા હતા. મનીષા અમાન્ડાને ઘરમાંથી બહાર કાઢી મૂકવા મનોજને કહી રહી હતી. મનોજ મનીષાને અપશબ્દો બોલી રહ્યો હતો અને કહેતો હતો, ‘‘તે જશે નહીં, તારે જવું હોય તો જઈ શકે છે.’’ ત્યાર પછી મનીષાને ઘસડીને બહાર કાઢવા લાગ્યો. આ સમયે અમાન્ડા પણ તેને સાથ આપી રહી હતી. મનીષાને દરવાજાની બહાર કાઢીને મનોજે દરવાજેા બંધ કરી દીધો. બીજી તરફ સુનીતા આ બધું જેાઈ રહી હતી અને રેકોર્ડ પણ કરી રહી હતી.
સુનીતાથી આ બધું સહન ન થયું અને તેણે ફોન કાપી નાખ્યો અને તરત ૯૧૧ પર કોલ કરીને પૂરી વાત જણાવી દીધી. થોડી મિનિટમાં મનીષાના ઘરે પોલીસ પહોંચી ગઈ અને પૂછ્યું, ‘‘અહીં મનીષા કોણ છે?’’
‘‘હું જ છું. શું વાત છે?’’
‘‘અમને સુનીતાએ ફોન કરીને તમને મદદ કરવા કહ્યું છે. સાથે સુનીતાએ અમને વીડિયો ક્લિપ પણ મોકલી છે. તમે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવો.’’ પછી પૂછ્યું, ‘‘મનોજ કોણ છે?’’
‘‘તે મારા પતિ છે અને અંદર છે.’’
પોલીસે ડોરબેલ વગાડતા મનોજે દરવાજે ખોલ્યો ત્યારે પોલીસને સામે જેાઈને ખૂબ ડરી ગયો.
પોલીસે કહ્યું, ‘‘તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.’’
પોલીસ મનોજને લઈ ગઈ. સુનીતાએ ફોન પર મેસેજ મોકલ્યો હતો કે તું બંને દીકરીને લઈને મારી પાસે કેનેડા આવી જા અને અહીં પોતાની એક નવી જિંદગી શરૂ કર. •

વધુ વાંચવા કિલક કરો....