૩૨ વર્ષની મોના અને ૩૭ વર્ષની નેહા ૨ અપરિણીત બહેનો હતી. મોના જ્યાં હસતીરમતી મુક્ત વિચારો ધરાવતી યુવતી હતી અને નેહા ધીરગંભીર અને પોતાનામાં જ મગ્ન રહેતી છોકરી. નેહાને મુંબઈમાં જેાબ મળી અને તે ત્યાં એકલી રહેવા લાગી. થોડા સમય પછી મોનાને પણ વોઈસ ઓવર આર્ટિસ્ટની નોકરી મુંબઈમાં જ મળી ગઈ. નેહા ખુશ હતી કે તેણે હવે એકલા નહીં રહેવું પડે. બંનેએ એક ઘર ભાડે લઈને સાથે રહેવા લાગી. નેહાની નોકરીનો સમય નિશ્ચિત હતો. તે રોજ સવારે ૮ વાગે નીકળતી અને સાંજે ૬ વાગે ઘરે આવતી, જ્યારે મોનાના કામનો સમય નિશ્ચિત નહોતો. કેટલીય વાર તેને રેકોર્ડિંગ માટે સાંજે જવું પડતું અને રાત્રે પાછા આવતી તો ક્યારેક બપોરે નીકળીને બીજા દિવસે સવારે આવતી. નેહાને મોનાના લીધે ટેન્શન રહેતું અને ડિર્સ્ટ્બ પણ થતી. મોના ઘરખર્ચમાં સમાન ભાગ નહોતી આપતી. સમયની સાથે મોનાએ બીજા પ્રોજેક્ટ હાથ પર લીધા. તેની સેલરી પણ નેહા કરતા વધી ગઈ અને તેનો એક બોયફ્રેન્ડ પણ બની ગયો, જે ઘણી વાર ઘરે આવતો હતો.
એક બાજુ નાની બહેનની સેલરી વધવી અને બીજી બાજુ તેની જીવન જીવવાની રીત નેહાને નહોતી ગમતી. શરૂઆતમાં નેહાએ બધું સહન કર્યું, પણ એક દિવસે તેની ધીરજ ખૂટી ગઈ. બંને બહેનો વચ્ચે ઝઘડો થયો અને મોનાએ બીજેા રૂમ લઈને રહેવાનો નિર્ણય લીધો. નેહાએ પણ તેને રોકી નહીં. બંને બહેનો અલગ રહેવા લાગી અને વાતચીત પણ બંધ થઈ ગઈ. આ વાતને ૨ મહિના વીતી ગયા. એક દિવસ બંને બહેનની કોમન ફ્રેન્ડે મોનાને કહ્યું કે નેહા ૩ દિવસથી બીમાર છે. તેને તાવ આવ્યો છે. મોનાએ ઓફિસમાંથી રજા લીધી અને તરત જ બહેન પાસે પહોંચી ગઈ. તેણે દિલથી બહેનની સેવા કરી. નેહાની તબિયત સારી થઈ તો તેણે નાની બહેનને ગળે લગાવી લીધી. બંનેએ મતભેદ દૂર કર્યા. નેહાએ મોનાને સાથે રહેવા બોલાવી લીધી. મોના ધ્યાન રાખતી હતી કે નેહાને કઈ વાત ખરાબ લાગે છે. તે બોયફ્રેન્ડને ઘરે બોલાવતી નથી. ઘરખર્ચમાં પૂરો સહયોગ કરતી અને નેહાએ પણ બહેનની નાનીનાની ભૂલ પર ધ્યાન આપવાનું છોડી દીધું.

સાથે રહેવાના અનેક લાભ
ખરેખર સાથે રહેવાના અનેક લાભ છે, પરંતુ સંબંધ કોઈ પણ હોય તાલમેલ બેસાડવો જરૂરી છે. એકબીજા માટે પ્રેમ અને કેર હશે ત્યારે જ તમે ખુશ રહેશો. કેટલાક વર્ષ પહેલાં રાજધાની દિલ્લીની નજીક નોઈડામાં ૭ મહિનાથી ભૂખીતરસી એક ઘરમાં બંધ ૨ બહેનોના મૃત્યુ થઈ ગયા હતા. મોટી બહેન ૪૨ વર્ષની અનુરાધા બહલના કુપોષણના લીધે કેટલાય અંગો કામ કરવાના બંધ થઈ ગયા હતા અને પછી હાર્ટએટેકથી તેનું મૃત્યુ થઈ ગયું. અનુરાધાની નાની બહેન ૩૮ વર્ષની સોનાલી બહલની હાલત પણ સારી નહોતી અને તેનું પણ મૃત્યુ થઈ ગયું. બંને બહેનોએ પોતાના જ ઘરમાં સ્વયંને બંધ કરી લીધા હતા. બંને અપરિણીત હતી.
બંને બહેનોના નાના ભાઈ વિપિન બહલ પત્ની અને બાળકો સાથે નોઈડામાં જ રહેતા હતા. તે અને તેમના મામા બંને બહેનોનું ધ્યાન રાખતા હતા, પણ બોલચાલના લીધે બંને બહેનો તેમની સાથે સહયોગ નહોતી કરી રહી. જ્યારે બંને બહેને તેમની સાથે સહયોગ કરવાનું બંધ કરી દીધું ત્યારે તે લોકોએ પણ સંપર્ક ઓછો કરી દીધો. બંને બહેને પોતાની સાથે એક કૂતરું રાખ્યું હતું, તેનું મૃત્યુ લગભગ અઢી મહિના પહેલાં થયું હતું, બંને શિક્ષિત હતી. અનુરાધાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું શિક્ષણ પૂરું કર્યા પછી પીએચ.ડી. કર્યું હતું, પરંતુ માતાપિતાના મૃત્યુ પછી તેણે પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દીધું હતું. સોનાલીએ ઈતિહાસ વિષયમાંથી પીએચ.ડી. કર્યું હતું.

નાનીનાની વાતને દિલથી ન લગાવો
સ્વાભાવિક છે એકલતા અને વિખવાદના લીધે તેમની આ હાલત થઈ. તેથી જરૂરી છે કે ૨ અપરિણીત બહેનો સાથે રહે છે તો તેઓ એકબીજાને મોટિવેટ કરતા રહે, લોકોને મળતા રહે અને પરસ્પર હસીમજાક કરતા રહે. જીવનને સારી રીતે જીવવાનો પ્રયાસ કરે. નાનીનાની વાતને દિલથી ન લગાવે. ૨ અપરિણીત નોકરિયાત બહેનો જ્યારે સાથે રહે છે ત્યારે તેમણે આ વાતનું ધ્યાન રાખવું જેાઈએ.
ઘરના ભાગ : તમે તમારા પૈતૃક ઘરમાં રહો છો તો ધ્યાન રાખો કે તેની પર તમારા બંનેનો સમાન અધિકાર છે. જેા ઘરમાં ૨ રૂમ છે તો બંને ૧-૧ રૂમ લઈ લો અને ડ્રોઈંગરૂમને કોમન રાખો. વધારે રૂમ છે તો તે પ્રમાણે ભાગ પાડો. ઘરના સામાન પર બંનેનો હક છે. તમે બંને ભાડાના ઘરમાં રહો છો તો હંમેશાં ભાડું અડધુંઅડધું વહેંચી લો. શક્ય છે કે કોઈ બહેન વધારે કમાય છે અને કોઈ ઓછું, તેમ છતાં પૈસાની બાબતમાં હિસાબ ક્લીયર રાખો.
કામની વહેંચણી : કામ પણ અડધુંઅડધું વહેંચી લો. તમે બંને પતિપત્ની નથી કે કોઈ એક બહેન ઘરના કામ કરે અને બીજી કમાય. અહીં બંનેએ ઓફિસ જવાનું છે અને એકબીજાની સુવિધાનું ધ્યાન રાખી કામ વહેંચી લો. કામને લઈને જ્યારે બહેનો વચ્ચે ઝઘડા થશે ત્યારે સાથે રહેવું મુશ્કેલ થઈ જાય છે. તમારે સમજવું પડશે કે સાથે રહેવાનો લાભ એ છે કે કોઈની તબિયત ખરાબ છે અથવા તેને અર્જન્ટ ક્યાંક જવાનું છે તો એવામાં બહેન તેની કેર કરશે, ભોજન બનાવશે અને ઘર સાફ રાખશે.
પૈસાનો હિસાબ : કમાઉ બહેનોએ પરસ્પર પૈસાની બાબતમાં બિલકુલ ક્લીયર રહેવું જેાઈએ. જે રીતે તમે સાહેલી સાથે ફરવા જાઓ છો અને પોતાનો ખર્ચ જાતે કરો છો એ રીતે બહેન સાથે પણ હિસાબ રાખો.
સાથે ફરવા જવાનો પ્લાન : તમે બંને એકલા છો તો જીવનમાં પરિવર્તન અને રોમાંચ લાવવા માટે ક્યારેક-ક્યારેક ફરવા નીકળવું જેાઈએ. ક્યાં અને કેવી રીતે જવું છે એ વાતને લઈને એકબીજાની પસંદ અથવા ઈચ્છાને પણ માન આપો. સફર દરમિયાન એકબીજને સરપ્રાઈઝ ગિફ્ટ આપો.
બોયફ્રેન્ડ : બંને બહેનમાંથી કોઈનો બોયફ્રેન્ડ કે મેલ ફ્રેન્ડ છે તો બીજી બાજુથી સચેત રહેવાની જરૂર છે. તમે આ વિશે તમારી બહેન સાથે ડિસ્કસ કરો અને એક મર્યાદા જાળવી રાખો. તે છોકરાને ઘરે ઓછો જ બોલાવો. તમે તેને બહાર રેસ્ટોરન્ટ અથવા એવી કોઈ જગ્યાએ મળી શકો છો, જ્યાં બેસીને દુનિયાભરની વાત કરી શકો. જે આગળ લગ્ન કરવાનો ઈરાદો છે તો બહેનને પહેલાંથી પૂરી માહિતી આપો. તમે અચાનક બહેનને પોતાનો નિર્ણય જણાવશો તો સંબંધમાં તાણ આવશે. બહેનને આ બાબતમાં સાહેલી સમજે. સાથે મળીને છોકરા વિશે જાણકારી મેળવો ત્યારે જ આગળ પગલું ભરો.
થોડીક મસ્તી-મજાક જરૂરી : અપરિણીત અને નોકરિયાત બહેનો હોવાનો મતલબ એ નથી કે તમે બંને માત્ર સીરિયસ ટોપિક પર ચર્ચા કરો અથવા પોતપોતાના કામમાં વ્યસ્ત રહો. તમારે તમારા માટે સમય કાઢવો જ જેાઈએ. જ્યારે તમે એકબીજા સાથે સમય વિતાવો, મસ્તી કરો, હસીમજાક કરો, મૂવી જેાવા જાઓ. આ રીતે બંને બહેનો વચ્ચેનો સંબંધ મજબૂત બને છે અને મન પણ ખુશ રહે છે.
એકબીજાના કામને માન આપો : બંને બહેનોએ એકબીજાના કામને રિસ્પેક્ટ આપવી જેાઈએ. માની લો કે તમે કોઈ કોર્પોરેટ ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પર છો, જ્યારે બહેન કોઈ સામાન્ય કામ કરે છે અથવા કોઈ પ્રકારના સોશિયલ વર્ક અથવા ફ્રીલાન્સ જેાબમાં છે તો ક્યારેય બહેનને નીચું બતાવવાની કોશિશ ન કરો. બંને એકબીજાના કામને માન આપો અને આ વાતનો અહેસાસ અપાવો. આવું કરવાથી તમારો સંબંધ મજબૂત બનશે.
ઘરના અન્ય સભ્ય સાથે સંબંધ : તમે બંને ભલે અલગ રહો છો અને ખુશ છો, પણ તેનો મતલબ એ નથી કે બીજાથી દૂર રહો. ઘરના અન્ય સભ્ય અથવા સગાંસંબંધી સાથે સારો સંબંધ જાળવીને ચાલવામાં જ સમજદારી છે. ઘરમાં પણ ગેટટુગેધર કરતા રહો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....