લગ્ન સીઝન શરૂ થઈ ગઈ છે. નવવધૂ પાસે પહેલી વાર સામાન્ય રીતે ગળ્યું બનાવવાની પરંપરા રહી છે, પરંતુ આજકાલ પૂરી ડિશ બનાવવાની ફેશન છે. આજકાલની છોકરીઓ સામાન્ય રીતે નોકરિયાત હોય છે, જેથી તેને ભોજન બનાવવા અથવા શીખવાની તક નથી મળતી.
તેથી લગ્ન પછી સાસરીમાં પહેલી રસોઈ બનાવવામાં કોઈ સમસ્યા ન થાય તેના માટે જરૂરી છે કે તમે પહેલાંથી કુકિંગની થોડીઘણી તૈયારી કરીને જાઓ. અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે સાસરીમાં પહેલી રસોઈ બનાવવામાં તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે :
પહેલાંના જમાનામાં નવવધૂ પાસે પહેલી વાર ગળ્યું બનાવાતું હતું, આજકાલ કંપ્લીટ મીલ બનાવવામાં આવે છે, તેના માટે જરૂરી છે કે તમે પહેલાંથી મગજમાં એક મીલ પ્રિપેર કરીને જાઓ.
સામાન્ય રીતે ટોમેટો સૂપ બધાને ભાવે છે. જ્યારે તમે સ્ટાર્ટરથી શરૂઆત કરો તો ૧ કિલો ટામેટાના સૂપમાં એક સૈશે રેડિમેડ નૌર સૂપ મિક્સ કરો. તેનાથી સૂપનો સ્વાદ અને ઘટ્ટ બનશે. સૂપમાં નાખવા માટે સૂપ સ્ટિકના બદલે બ્રેડના ક્યૂબ્સ રોસ્ટ કરીને નાખો.
સ્ટાર્ટરમાં કોઈ નવો પ્રયોગ કરવાના બદલે પાપડ મસાલા બનાવો. પાપડને વચ્ચેથી ૪ ભાગમાં તોડી લો, પછી તેને તેલમાં શેકી અથવા રોસ્ટ કરીને સર્વ કરો. કાકડી, ટામેટાં, ડુંગળી, લીલાં મરચાંના સેલડને પાપડ પર રાખવાના બદલે પ્લેટમાં સર્વ કરો. આ રીતે પાપડ જલદી નરમ નહીં થાય.
મેનકોર્સમાં પનીરનું શાક પસંદ કરો, કારણ કે પનીરનું શાક મોટાભાગે બધાને ભાવે છે, સાથે શાકને ઘટ્ટ બનાવવા માટે તરબૂચ, શક્કરટેટીનાં બી, કાજુ, સિંગ, તલ અથવા રોસ્ટેડ વેસણમાંથી કોઈ એકનો પ્રયોગ કરો.
શાકની ગ્રેવીમાં તરી લાવવા માટે આખા મસાલાને ૧ મોટી ચમચી દહીં અથવા મલાઈ ફીણીને તેલમાં નાખો.

પરોઠાં, પૂરી અથવા રોટીમાંથી તમે જે પણ બનાવો તેમાં પાલક પ્યોરી નાખીને દૂધથી લોટ બાંધો. તેનાથી પૂરી, પરોઠાનો રંગ અને સ્વાદ બંને ટેસ્ટી બનશે.
તમારી પૂરી, પરોઠાં અથવા રોટી ગોળ નથી બનતી તો વણ્યા પછી તેને કોઈ મોટી વાટકીથી કાપી લો.
ડેઝર્ટમાં સોજી અથવા ગાજરનો હલવો, ગાજર અથવા કેસરની ખીર જેવી સરળ વસ્તુ બનાવવાનો પ્રયાસ કરો. સોજીને પાણીના બદલે દૂધમાં પકાવો. આ રીતે ખીર ઘટ્ટ કરવા માટે મિલ્ક પાઉડરનો ઉપયોગ કરો. આ રીતે હલવો અને ખીર બંનેનો સ્વાદ લાજવાબ અને ટેક્સ્ચર ક્રીમી થશે.
પ્લેન ગાજર, મૂળા, કાકડીનો સેલડ બનાવવાના બદલે સ્પ્રાઉટ અથવા પીનટ સેલડ બનાવવાનો પ્રયાસ કરો. તેના માટે કાકડી, ગાજર, કેપ્સિકમ વગેરેને ૧ ચમચી ઓલિવ ઓઈલમાં ૨-૩ મિનિટ રોસ્ટ કરો. પછી ચાટમસાલો, કાળાં મરી, સંચળ અને લીંબુનો રસ નાખીને સર્વ કરો. શક્ય હોય તો વચ્ચે ટામેટાનું એક ફૂલ બનાવીને મૂકો.
બાળકો માટે નૂડલ્સ, પાસ્તા જેવી કોઈ ડિશ બનાવો. તેનાથી બાળકો તમારા ફેન થઈ જશે, સાથે પરિવારમાં કોઈ વડીલ સાદો ખોરાક ખાનાર છે તો તેમના ડાયટનું ધ્યાન રાખતા દલિયું, ખીચડી બનાવો.
– પ્રતિભા અગ્નિહોત્રી.

વધુ વાંચવા કિલક કરો....