વાર્તા – અર્ચના ત્યાગી.

નિધિના લગ્નને ૫ વર્ષ થયા હતા. સાસુસસરા અને પતિ નિતિન સાથે તેણે સામંજસ્ય બેસાડી લીધો હતો, પરંતુ તેની ઘમંડી નણંદ નિકિતા હજી માનતી નહોતી કે નિધિ તેમના ઘરની પરંપરા નિભાવી રહી છે.
નિકિતા કોઈ ને કોઈ વાતે મોં ચડાવીને બોલતી, ‘‘ભાભી, અમારે અહીં આવું જ થાય છે.’’
તેની આ જ વાત નિધિને ગમતી નહોતી. શરૂઆતમાં પોતાના રૂમમાં જઈને રડતી હતી. પતિ નિતિનને જણાવ્યું તો તેણે કહીને ટાળી દીધું, ‘‘તેની વાતને દિલ પર ના લે, ઘરમાં બધાથી નાની છે, બધાની લાડલી હોવાથી થોડી આખાબોલી છે. નજરઅંદાજ કરવાનું રાખ.’’
નિધિ સમજી નથી શકતી કે કોઈ તેને કંઈ કહેતું કેમ નથી. શું તેણે બીજા ઘરે જવાનું નથી, પરંતુ બધું આ રીતે ચાલુ રહ્યું. ન નિધિ સમજી અને ન નિકિતાએ તેને ઘરના રીતરિવાજ શીખવ્યા.
આજે નિધિનો દીકરો પહેલી વાર સ્કૂલ જઈ રહ્યો હતો. બધા એવા ઉત્સાહિત હતા જાણે કોઈ તહેવાર હોય. નિધિએ તેને સ્કૂલ યુનિફોર્મ પહેરાવીને તૈયાર કરી દીધો. તેના વાળ ઓળી રહી હતી એટલામાં નિકિતા વાટકીમાં કંઈક લઈને આવી અને ચમચીથી તેને ખવડાવવા લાગી. ધ્રુવ ના પાડતો હતો. નિધિએ કહ્યું, ‘‘દીદી બાળક છે, તેનું મન નથી, સ્કૂલેથી આવીને ખાઈ લેશે.’’
નિકિતા ગુસ્સે થઈ, ‘‘ભાભી, અમારે અહીં આવું જ થાય છે. જ્યારે કોઈ પહેલી વાર ઘરથી બહાર કોઈ કામ માટે જાય છે, ગળ્યું દહીં ખાઈને જ જાય છે.’’
નિધિ કંઈ બોલે તે પહેલાં નિતિને આવીને ધ્રુવને ઊંચકી લીધો અને પોતાની આંગળીમાં ગળ્યું દહીં લઈને ધ્રુવના હોઠ પર લગાવી દીધું, ‘‘સ્કૂલ જવામાં મોડું થાય છે.’’ કહીને ધ્રુવને લઈને ચાલ્યો ગયો.
નિધિ રૂમમાં જતી રહી. નિકિતા હજી બોલી રહી હતી, ‘‘મારી શું ભૂલ છે. ભાઈ બધું ભૂલી ગયા છે. પહેલી વાર ઓફિસ ગયા હતા ત્યારે પણ ગળ્યું દહીં માંગીને ખાઈ ગયા હતા. તેમનો દીકરો મારો પણ ભત્રીજેા છે, શું હું તેને દહીં ન ખવડાવી શકું?’’
પપ્પાએ તેને બૂમ પાડી ત્યારે તે ચુપ થઈ. નિધિ આ ઘટનાથી કંટાળી ગઈ હતી, પરંતુ કોઈ સમાધાન નહોતું આવતું.
સંજેાગવશાત્ તે દિવસે તેની મમ્મીનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે તેના ભાઈભાભી વિદેશથી પાછા આવવાના છે. ભાઈ વિદેશમાં નોકરી કરતો હતો. તેણે ત્યાં જ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે બંને પહેલી વાર ઘરે આવી રહ્યા હતા.
મમ્મી ઈચ્છતી હતી કે પૂરા રીતરિવાજથી નવી વહુનું સ્વાગત કરવામાં આવે. તેથી તેમણે નિધિને ઘરે બોલાવી હતી. ઘર તે જ શહેરમાં હતું, તેથી નિતિન તે દિવસે સાંજે નિધિને ઘરે મૂકી આવ્યો.

બીજા દિવસે ભાઈભાભી આવ્યા. દરવાજા પર તેના ભાઈ વિકાસ સાથે ઊભી છોકરી જેાઈને નિધિ દંગ રહી ગઈ. તેણે લાલ રંગની સાડી પહેરી હતી. માથા પર પાલવ હતો અને કપાળ પર લાલ રંગની બિંદી લગાવી હતી. કોઈ પણ રીતે તે વિદેશી છોકરી નહોતી લાગતી. મમ્મીપપ્પા તો તેને જેાઈને ખુશખુશ થઈ ગયા. નિધિ પણ તેનાથી પ્રભાવિત થઈ ગઈ.
વિકાસ બોલ્યો, ‘‘અરે ભાઈ, હવે ઘરની અંદર તો આવવા દો. શું બહાર જ ઊભા રાખશો.’’
નિધિએ સ્મિત કરતા બંનેને અંદર આવવાનો ઈશારો કર્યો. ઘરના ઉમરા પર રંગોળી બનાવીને, ચોખાથી ભરેલો એક કળશ મૂક્યો હતો. નવી વહુએ પગ અંદર મૂકતા પહેલાં તેને હાથમાં ઉઠાવી લીધો.
નિધિ તરત તેના હાથમાંથી કળશ લઈને ઉમરામાં મૂકતા બોલી, ‘‘ભાભી અમારે અહીં કળશને પગથી પાડીને ઘરની અંદર પ્રવેશ કરે છે.’’
નવી વહુએ સ્મિત કરતા એવું જ કર્યું અને વિકાસ સાથે અંદર આવી ગઈ. બાકીની વિધિ પૂરી કર્યા પછી બધાએ જમી લીધું અને નિધિ માના રૂમમાં ઊંઘવા ગઈ. મમ્મી હજી બહાર હતી. ભાભી રૂમમાં આવ્યા. નિધિના ઈશારા કરવાથી તેની પાસે બેસી ગઈ. નિધિનો હાથ પકડીને બોલી, ‘‘થેંક્યૂ દીદી, તમે મને જણાવ્યું કે ઘરની અંદર આવવાની વિધિ કેવી રીતે થાય છે. હું તો ઊંધું કરી રહી હતી.’’
નિધિ આશ્ચર્યચકિત હતી કે ભાભી હિન્દી સારું બોલે છે. ભાભીએ નિધિનો હાથ પકડ્યો તો તે તેને ભાન થયું, ‘‘દીદી જ્યાં સુધી હું અહીં છું. તમે અહીં રહો. મારે હજું ઘણું બધું શીખવું છે ઘરના રીતરિવાજ. હવે આ જ મારો પરિવાર છે.
ભાભીની વાતથી નિધિને કંઈ યાદ આવ્યું. તેનો વ્યવહાર… જ્યારે નિકિતા તેને પોતાના ઘર વિશે કંઈ બોલતી હતી ત્યારે તેણે ક્યારેય ભાભીની જેમ નિકિતાની વાતને સહજતાથી નથી લીધી.
નિધિએ ભાભીના હાથ પર હાથ મૂકીને કહ્યું, ‘‘કોશિશ કરીશ ભાભી, તમારા જવા સુધી રહેવાની. તમે પણ સમજદાર છો. થોડા દિવસ અહીં રહેશો તો જેાઈને બધું શીખી જશો. હમણાં ઊંઘી જાઓ, કાલે વાત કરીશું.’’
ભાભી ગુડ નાઈટ બોલીને ગઈ. નિધિની આંખમાં ઊંઘ નહોતી. તેની સામે તે ઘટના ફરી રહી હતી જ્યારે તેના અને નિકિતાના ઝઘડા થતા હતા.

બીજા દિવસે નિધિ ઊઠીને આગળની વિધિ વિશે મમ્મી સાથે વાત કરી રહી હતી. ફોનની રિંગ રણકી. તેણે ફોન ઉઠાવ્યો, નિકિતાનો ફોન હતો. નિકિતા કંઈ બોલે તે પહેલાં નિધિ બોલી, ‘‘દીદી, મને ખબર છે આપણા ઘરમાં વહુ વધારે સમય પિયરમાં રોકાતી નથી, પણ ૨ દિવસ નવી ભાભી સાથે રોકાઉં છું. તમે છો તેથી મને ઘરની ચિંતા નથી.’’
બીજી બાજુ નિકિતા હસી, ‘‘હું કાલે આવી રહી છું ભાઈ સાથે તમને લેવા માટે, કોઈ બહાનું નહીં ચાલે ભાભી, અમારે અહીં આવું જ થાય છે.’’
નિધિ પણ હસી રહી હતી, કદાચ ૫ વર્ષમાં પહેલી વાર ખૂલીને હસી હતી. નિધિનો પૂરો દિવસ હસતાંહસતાં વીત્યો. બીજા દિવસે નિતિન, નિકિતા અને ધ્રુવ તેને ઘરે લઈ જવા આવ્યા. ભાભીએ ઉતાવળ કરી, પરંતુ નિતિન નિધિને સાથે લઈ ગયો. આ વખતે પહેલી વાર સાસરી જતી નિધિના મન પર કોઈ બોજ નહોતો. રસ્તામાં કારમાં વાત કરતા બધા ખુશ હતા. નિકિતા ખૂબ ઉત્સુકતાથી નવી વહુની વાત સાંભળી રહી હતી. નિધિએ તેની છેડતી કરી, ‘‘હવે લગ્ન કરવાનો નંબર તમારો છે, નિકિતા દીદી. તેથી ધ્યાનથી બધું સાંભળી રહ્યા છો.’’
‘‘એવું નથી ભાભી, કંઈ વિચારી રહી હતી.’’ નિકિતાએ નિધિની વાતનો જવાબ આપ્યો.
‘‘અમને પણ જણાવો કે એવી કંઈ વાત છે.’’ નિધિએ ફરી છેડતી કરી.
નિકિતાએ વાત ટાળતા કહ્યું, ‘‘અરે, છોડો ને ભાભી. તમે આ બધી વાતને માનતા નથી.’’
નિધિની ઉત્સુકતા વધી ગઈ, ‘‘તમે કહીને તો જુઓ.’’ તે હસતા બોલી.
ધ્રુવને ભૂખ લાગી હતી. નિતિને કારને સાઈડમાં ઊભી રાખી અને ધ્રુવને લઈને દુકાને ગયો.
નિકિતા અને નિધિ થોડી વાર કારમાંથી ઊતરીને બહાર આવ્યા. સામે જેાઈને નિકિતા અચાનક બાળકની જેમ કૂદી પડી, ‘‘અરે ભાભી, આ તે જ જગ્યા છે જ્યાં પરમ દિવસે સત્સંગ યોજશે. ૨ વર્ષ પછી દેવીજી પધારી રહી છે..
નિધિને યાદ આવ્યું, ‘‘અચ્છા તે જ, જેમના દ્વારા ધ્રુવના પહેલા જન્મદિવસે ઘરમાં સત્સંગ કરાવ્યો હતો.’’
નિકિતાએ આશ્ચર્યથી નિધિ સામે જેાતા કહ્યું, ‘‘તમને યાદ છે? આ વખતે તમે પણ સાથે આવજેા.’’
નિધિએ કમને હા પાડી.
મમ્મીની તબિયત સારી નહોતી, તેથી નિધિને જ નિકિતા સાથે સત્સંગમાં જવું પડ્યું. નિકિતા સક્રિયતાથી વ્યવસ્થા જેાઈ રહી હતી. શહેરના બીજા લોકો પણ હતા આયોજનમાં. સત્સંગ પૂરો થવાનો હતો કે વાવાઝોડું આવ્યું. પ્રવચન સાંભળવા આવેલા લોકો હોબાળો કરવા લાગ્યો. બધા જલદીજલદી નીકળવા ઈચ્છતા હતા. જેાતજેાતામાં સત્સંગ ખાલી થઈ ગયું. આયોજક પણ ચાલ્યા ગયા. નિતિન કાર લઈને બહાર ઊભો હતો, તેથી નિકિતા અને નિધિ પણ કારમાં બેસીને ઘરે આવી ગયા.

થોડી વાર પછી પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે કેટલીય મહિલાઓના ઘરેણાં અને પર્સ ગાયબ થઈ ગયા. સવાર થતા જ પોલીસ સ્ટેશન બોલાવ્યા. રાત જેમતેમ વીતી. સવારે પોલીસ સ્ટેશનમાં બધા આયોજક હતા. પોલીસ સતત પૂછપરછ કરી રહી હતી. તેનું કહેવું હતું કે દેવીજી અને તેમના લોકો કે પછી આયોજક બંનેમાંથી કોઈ આ લૂંટમાં સામેલ છે.
‘‘દેવીજી આવું ક્યારેય ન કરી શકે. તેમણે તો પોતાની સંપત્તિ પણ આશ્રમને દાનમાં આપી દીધી છે.’’ નિધિ બોલી.
પોલીસ ઈન્સ્પેક્ટરે તેને શાંત રહેવાની સલાહ આપતા જણાવ્યું કે દેવીજી એક મોટી સજા ભોગવીને આવેલી મહિલા છે. છેતરપિંડીના કેસમાં કેટલાય વર્ષ જેલમાં હતી. જેલથી છૂટીને તેણે ભગવાનના પ્રવચન આપીને છેતરપિંડી શરૂ કરી હતી. પોલીસને માહિતી મળી હતી, તેથી સત્સંગ પરિસરમાં પોલીસકર્મી સામાન્ય કપડાં પહેરીને ફરતા હતા.
બધો સામાન દેવીજીના શિષ્યો પાસેથી મળ્યો છે. નિકિતા ઘરે પહોંચી તો મમ્મીપપ્પાની નજરનો સામનો ન કરી શકી. તેને સામાન્ય થવામાં કેટલાય દિવસ થયા. નિધિ પૂરો સમય તેની સાથે હતી અને એક પરિવર્તન અનુભવી રહી હતી કે નિકિતા હવે વાતવાતમાં બોલવાનું ભૂલી ગઈ છે કે ભાભી, અમારે અહીં આવું જ થાય છે.

વધુ વાંચવા કિલક કરો....