લગ્નના દિવસ દરેક નવોઢા માટે ખાસ હોય છે. આ ખાસ પ્રસંગે નવોઢા પોતાની સુંદરતા નિખારવાની એક પણ તક હાથમાંથી જવા દેવા માંગતી નથી. નવોઢા લાખ ઈચ્છે ડિઝાઈનર કે પછી તરુણ તહેલાણી દ્વારા બનાવવામાં?આવેલ લગ્નનો ડ્રેસ પહેરવાની, તો કોઈને પણ ઈચ્છા થાય કે તે કરીના કપૂર ખાન જેવા ફિલ્મી વેડિંગ વેર પોતાના લગ્નમાં પહેરે, પરંતુ લાખો રૂપિયાનો આ ડ્રેસ ખરીદવાની તાકાત બધામાં નથી હોતી, માત્ર એક દિવસ માટે પહેરવાના કપડાં પર લાખોનો ખર્ચ કરવો શું યોગ્ય છે? આ સ્થિતિમાં તમે વેડિંગ વેર ખરીદવાના બદલે તેને રેન્ટ પર લાવવાની સ્માર્ટ રીત અપનાવો, જેથી વધારે રૂપિયા ખર્ચ્યા વિના તમે ઈચ્છાનુસાર વેડિંગ વેર પસંદ કરી શકો.
ઓનલાઈન રેન્ટ પર વેડિંગ ડ્રેસ
આમ તો કેટલીક શોપ્સમાં વેડિંગ વેર મળે છે, પરંતુ તેની સંખ્યા ખૂબ ઓછી હોય છે, જ્યારે કેટલીક ખાસ ઓનલાઈન વેબસાઈટ પરથી તમે ભારતના કોઈ પણ ખૂણેથી પોતાના માટે વેડિંગ વેર મંગાવી શકો છો. આ વેબસાઈટ પર વેરાઈટીની સાથે તમને ખાસ ડિઝાઈનર વેર સરળતાથી મળશે. ઓનલાઈન વેડિંગ વેરને રેન્ટ પર લેવા વેબસાઈટને ગૂગલ પર શોધો અને ઓપ્શન જુઓ.
વેડિંગ વેરમાં વેરાઈટી મળશે
રેન્ટ પર વેડિંગ વેર ઉપલબ્ધ કરાવતી વેબસાઈટ પર તમને વેડિંગ વેરમાં અનેક વેરાઈટી મળશે, જેમ કે બ્રાઈડલ લહેંગાચોલી, વેડિંગ સાડી, સરારા, સાડી ગાઉન, બ્રાઈડલ અનારકલી, ઈન્ડો વેસ્ટર્ન બ્રાઈડલ વેર વગેરે. કેટલીક વેબસાઈટ પર સંગીત, મેંદી, પીઠી, રિસેપ્શન જેવા પ્રસંગ અનુસાર આઉટફિટ ઉપલબ્ધ હોય છે તો કેટલીક વેબસાઈટ પર ડિઝાઈનર અને એક્ટ્રેસના લુક સાથેના વેડિંગ વેર મળશે.
આઉટફિટનું રેન્ટ કેટલું હશે
આમ તો અલગઅલગ વેબસાઈટ પર વેડિંગ વેરના અલગઅલગ રેટ હોય છે, પરંતુ સામાન્ય રીતે એમ કહી શકાય કે કેટલીક વેબસાઈટ પર રૂપિયા ૫૦ હજારના આઉટફિટ તમને ૪ થી ૫ હજારના રેન્ટ પર મળી શકે છે. જ્યારે કેટલીક પર તેનાથી ઓછી કે વધારે કિંમત હોઈ શકે છે. રેન્ટની સાથે તમારે ડિપોઝિટ આપવાની હોય છે, જેને આઉટફિટના ઉપયોગ પછી તમને પરત કરી દેવામાં આવે છે.