જૂના સમયમાં શૌચાલય અને બાથરૂમ ઘરની બહાર આંગણાના એક ખૂણામાં બનાવવામાં આવતા હતા, જેની સામે વહેલી સવારે કોઈ આંગણાની સીડી પર બેસીને પોતાનો વારો આવે તેની રાહ જેાતું તો કોઈ શૌચાલયની બહાર ઊભા રહીને. ઘરની મહિલાઓ સવારે ખૂબ વહેલા ઊઠીને નિત્યક્રિયાથી મુક્ત થતી હતી, જેથી ૯ વાગ્યાની આસપાસ જ્યારે ઘરના પુરુષો ઓફિસ કે કામ ધંધા પર જવા તૈયાર થતા હોય ત્યારે તેમને શૌચાલય અને બાથરૂમ ખાલી મળી શકે.
આ શૌચાલયમાં ઉભડક બેસવાની વ્યવસ્થા રહેતી હતી. જેાકે આજે પણ મોટાભાગના લોકો આ બેઠક વ્યવસ્થાને ઉત્તમ માને છે, કારણ કે તેનાથી પગ અને ઘૂંટણને સારી કસરત મળી જાય છે અને પેટ સુચારુ રહે છે. તે સમયના શૌચાલયમાં માત્ર એક નળ અને એક નાનો ડબ્બો રહેતા હતા. નિત્યક્રિયામાંથી પરવારીને હાથ ધોવા માટે બહાર લગાવેલા વોશબેસિનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ રીતે બાથરૂમમાં પણ એક અથવા ૨ નળ, એકાદ ડોલ, એક મગ અને ખૂણામાં લગાવેલી નાનકડી લાકડાની પાટલી પર સાબુ વગેરે મૂકવાની વ્યવસ્થા રાખવામાં આવતી હતી. પાછળની દીવાલ પર એક ખીલી કે હૂક લગાવવામાં આવતો, જેની પર ટુવાલ તેમજ કપડા લટકાવવામાં આવતા હતા. જેાકે વડીલોને નહાવા માટે એક નાનકડું સ્ટૂલ મૂકી દેવામાં આવતું હતું. જ્યારે ઘર આંગણા વિનાના બનવા લાગ્યા અને ઘરની સાઈઝ પણ નાની અને બે માળની થવા લાગી ત્યારે શૌચાલય અને બાથરૂમ ઘરની સીડીની નીચે બનવા લાગ્યા. ત્યારે તેની ઊંચાઈ અને સાઈઝ પણ વધારે નાના થયા. હાથ-મોં ધોવા માટે વોશબેસિન બાથરૂમની બહાર રહ્યા.

આધુનિક યુગના બાથરૂમ
હવે મહાનગરોમાં જ નહીં, પરંતુ નાના શહેરોમાં પણ ફ્લેટ સિસ્ટમનું ચલણ વધી ગયું છે, જ્યાં શૌચાલય અને બાથરૂમ મુખ્ય રૂમની બહાર નહીં, પરંતુ એટેચ્ડ થઈ ગયા છે. એટલું જ નહીં, આજે ઘરના દરેક બેડરૂમ સાથે ટોઈલેટ-બાથરૂમ એચેટ બનવા લાગ્યા છે, જેનાથી નિત્યક્રિયા માટે હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી પડતી. સવારે બેડ પરથી ઊઠો અને બાથરૂમમાં આંખ ખોલો, બસ એટલું જ અંતર રહી ગયું છે. પહેલા બાથરૂમમાંથી જલદી નીકળવાની મજબૂરી હતી, પરંતુ હવે બધાના પર્સનલ રૂમમાં બાથરૂમ છે તેથી ઉતાવળ દૂર થઈ ગઈ છે. હવે ઈચ્છો ઐટલો સમય પોટ પર બેસી રહો અને શાંતિથી હળવા થઈ જાઓ. હવે હાથ-મોં ધોવા માટે વોશબેસિન પણ અંદર જ ઉપલબ્ધ હોય છે અને સ્નાન માટે બાથટબ પણ સંપૂર્ણ સજાવટ સાથે તમને આમંત્રવા તૈયાર હોય છે. આજે ઘણા બધા લોકો સવારનું છાપું પણ બાથરૂમમાં વાંચી લેતા હોય છે, જ્યારે મોબાઈલ ફોન પર ગૂગલ સર્ચ અને વોટ્સએપ ચેટ બધું પોટ પર બેઠાંબેઠાં થઈ રહ્યું છે. એકાદ કલાક બાથરૂમમાં ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર જ નથી રહેતી.

સ્પેશિયલ ઈન્ટીરિયર
જૂના જમાનાના ઘરોમાં એક તરફ ધૂંધળો પ્રકાશ આપતા બલ્બ બાથરૂમમાં લગાવી દેવામાં આવતા હતા, જ્યારે હવે નવા જમાનાના બાથરૂમ એલઈડી લાઈટથી ઝગમગવા લાગ્યા છે. ભલે ને આપણે બાથરૂમમાં સવારમાં માત્ર થોડો સમય પસાર કરીઐ, પણ ત્યાં ઘણા બધા કામ થાય છે. જેમ કે હાથ-મોં ધોવા, શૌચ, સ્નાન, શેવિંગ, મેકઅપ, હેરકલર, હેર ડ્રેસિંગ બધું હવે બાથરૂમમાં થતું હોય છે. હવે બાથરૂમ એક એવી જગ્યા બની ગઈ છે જ્યાં નિત્યક્રિયા પછી પણ તમે હળવાશ અનુભવી શકો છો. બાથટબનું સુગંધીદાર સ્નાન તમને સવારમાં તાજગીથી ભરી દે છે. અહીં તમે ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા સાથે શાવરનું સુખ લઈ શકો છો, દીવાલ પર લગાવેલો અરીસો તમારી સુંદરતામાં વૃદ્ધિ કરે છે, તો પછી આ જગ્યાને થોડો લક્ઝરી લુક આપવામાં આવે તો કેટલું સારું રહે?
ઘરના બજેટમાંથી થોડીક રકમ જેા બાથરૂમ પર ખર્ચીને તેને વધારે આરામદાયક અને સુવિધાથી સજ્જ બનાવવામાં આવે તો તેમાં ખોટું પણ શું છે? જ્યારે તમે તમારા ઘરને તમારી ગમતી અને અનુકૂળ રીતે સજાવીને રાખવા ઈચ્છો છો તો ખૂબ જરૂરી બની જાય છે કે તમારા ઘરનો દરેક ભાગ ભવ્ય રીતે ચમકે. આ વાત માટે સૌપ્રથમ બાથરૂમના ઈંટીરિયર પર ધ્યાન આપો. બાથરૂમના ઈંટીરિયરમાં લાઈટ, કલર, ફ્લોરિંગ વગેરે મહત્ત્વપૂર્ણ હોય છે. આજકાલ બજારમાં બાથરૂમની સજાવટ માટેની એવી ઘણી બધી વસ્તુ ઉપલબ્ધ છે જે ઓછા પૈસામાં તમારા બાથરૂમને લક્ઝરી લુક આપી શકે છે.

લાઈટ્સ
આમ પણ બાથરૂમની રોનક લાઈટ્સથી હોય છે. યોગ્ય રીતે લગાવેલી લાઈટ્સ જગ્યાને ઝગમગાવી દે છે, તેથી સૌપ્રથમ બાથરૂમના લાઈટિંગ પર ધ્યાન આપો. તમારા બાથરૂમમાં એક મેઈન એલઈડી લાઈટ કરાવો. વાઈટ કલરથી બાથરૂમ ચમકદાર લાગશે અને અરીસામાં તમારો ચહેરો સ્પષ્ટ દેખાશે તેમજ પૂરતો પ્રકાશ હોવાથી તમે બાથરૂમના દરેક ખૂણાની સફાઈ પણ સારી રીતે કરી શકશો. આ જ રીતે દીવાલ પર કલાત્મક લેમ્પ લગાવો, તે પણ બાથરૂમને ખૂબ સુંદર અને કલાત્મક લુક આપે છે. બાથરૂમ મિરરની ઉપર જેા મિરરને ફોક્સ કરતી લાઈટ લગાવેલી હશે તો તેનાથી તમારા બાથરૂમનો ઓવરઓલ લુક ખૂબ આકર્ષક લાગશે. તમારા બાથરૂમમાં બાથટબ છે અને તમે તેમાં બેસીને રિલેક્સ ફિલ કરો છો તો બાથટબની ઉપર યલો લાઈટવાળો લેમ્પ શેડ લગાવો, જેથી પાણીમાં રિલેક્સ કરતી વખતે માત્ર તેના ડિમ પ્રકાશમાં મનને શાંતિ મળે.

ફ્લોરિંગ
બાથરૂમના ફ્લોરિંગમાં તમે ટાઈલ્સ લગાવો કે પથ્થર, તે ચમકદાર હોવા જેાઈએ. વોશબેસિન એરિયાના કાઉન્ટરમાં પણ તમે ચમકતો પથ્થર લગાવી શકો છો. આજકાલ બ્લેક કલર અથવા બ્લેક ડિઝાઈનનું ફ્લોરિંગ ચલણમાં છે, જે બાથરૂમને સ્ટાઈલિશ બનાવે છે. જેા તમારા બાથરૂમની સાઈઝ નાની છે તો તેને સ્પેસિયસ લુક આપવા માટે તમે લાઈટ કલરનું ફ્લોરિંગ કરાવો. બાથરૂમને રિચ લુક આપવા માટે વુડન ડેકોરનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ થીમ અંતર્ગત વુડન શેલ્ફ, રિલેક્સિંગ સ્ટૂલ, ચેર વગેરેનો ઉપયોગ થઈ રહ્યો છે.

અરીસો
અરીસો બાથરૂમની રોનકમાં ચાર ચાંદ લગાવી દે છે. જેાકે અરીસો બાથરૂમ માટે ખૂબ જરૂરી પણ છે. વોશબેસિનની ઉપર સિલ્વર અથવા ગોલ્ડન લાઈનિંગ ધરાવતો સ્ટાઈલિશ અરીસો અને તેની પર ઝૂકેલો સિલ્વર અથવા ગોલ્ડન લેમ્પ તમારા બાથરૂમને ખૂબ રિચ લુક આપશે. બજારમાં અનેક વેરાઈટીના મિરર ઉપલબ્ધ છે. તમારા બાથરૂમની ફરસ અને દીવાલોને મેચિંગ કરીને તમે કોઈ સારા અરીસાની પસંદગી કરી શકો છો. કલાત્મક સજાવટવાળો અરીસો અથવા ફૂલો અને વેલબુટ્ટાથી સજાવેલો અરીસો જ્યારે તમારી સામે હશે તો તેમાં તમારો ચહેરો ચમકશે.

બાથટબ
તમારું બાથરૂમ સ્પેશિયલ હશે તો તેમાં લગાવેલું બાથટબ બાથરૂમને સંપૂર્ણ રીતે લક્ઝરી લુક આપે છે. એક મોટું ટબ જે તમારા કંફર્ટ લેવલ અનુસાર હોય, તે બાથરૂમમાં લગાવો. જેમાં ઠંડા અને ગરમ પાણીની વ્યવસ્થા હોય, સાથે હેન્ડ શાવર પણ હોય. બજારમાં બ્લેક, વાઈટ, મરૂન, બ્લૂ જેવા અનેક આકર્ષક રંગમાં બાથટબ ઉપલબ્ધ હોય છે, જે તમારા બાથરૂમને લક્ઝરી લુક આપે છે. ક્લાસી ટચ આપવા માટે તમે વુડન ફિનિશનું બાથટબ પણ લગાવી શકો છો. ઈચ્છો તો ગ્લાસમાંથી બનેલું બાથ ક્યૂબિકલ લગાવો, જેનો સૌથી મોટો લાભ એ છે કે નહાતી વખતે પાણી પૂરા બાથરૂમમાં નથી ફેલાતું અને બાથરૂમની સાફસફાઈમાં વધારાનો સમય નથી ખર્ચવો પડતો.

વુડન લુક
તમે તમારા બાથરૂમને વુડન લુક પણ આપી શકો છો. તેમાં એવા કબાટ બનાવડાવો જેમાં તમે સામાન તો મૂકી જ શકો, સાથે તે દેખાવમાં પણ સ્ટાઈલિશ હોય. તેના માટે તમે એક એવો ખૂણો પસંદ કરો જે પાણીથી દૂર હોય તેમજ ત્યાં ઊધઈ લાગવાનો ડર પણ ન રહે. ત્યાં સનમાઈકા લગાવીને એક સુંદર કબાટ બનાવડાવો, જેમાં તમારી જરૂરિયાતનો સામાન મૂકી શકાય. બાથરૂમની સફાઈમાં ઉપયોગમાં લેવાતા વાઈપર, ફ્લોર બ્રશ, પોતા, ક્લીનર, હાર્પિક, સોપ વગેરે માટે બાથરૂમમાં એક અલગથી કેબિન હોવી જેાઈએ, જેથી આ સામાન બાથરૂમના કોઈ ખૂણામાં સામે પડેલો ન દેખાય. બાથરૂમમાં બધું જ વ્યવસ્થિત રાખવા માટે ખૂણામાં કબાટ લગાવો, તે તમારા ફેસવોશ, ટોયલેટરીઝ અને ટૂથબ્રશને પૂરા સિંકમાં વિખેરાયેલા પડી રહેવાથી બચાવશે.

ગ્લાસ બનાવે ખાસ
બાથરૂમને લક્ઝરી લુક આપવા માટે પથ્થરની દીવાલના સ્પા માટે ગ્લાસ એટલે કે કાચનો ઉપયોગ ઉત્તમ વિકલ્પ છે. તેનાથી વિઝન તો ક્લીયર રહે જ છે, સાથે સાફસફાઈના દષ્ટિકોણથી પણ તે સગવડભર્યું રહે છે. એટલું જ નહીં, જેા તમારા ઘરનો એરિયા વધારે મોટો ન હોય તો સ્વાભાવિક છે કે તમારું બાથરૂમ પણ નાનું હશે. આ સ્થિતિમાં ગ્લાસની મદદથી તમે બાથરૂમને સ્પેશિયલ બનાવી શકો છો. ગ્લાસમાંથી બનેલા વોશબેસિન, શાવર સ્ટોલ અથવા પાર્ટિશનને પણ બાથરૂમમાં લગાવી શકો છો. બારીઓ અને કાઉન્ટરટોપ્સ માટે તમારી પાસે ફ્રાસ્ટેડ કલાસનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ગ્લાસ થીમ હોય તો તમે ટિંટેડ ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં વધારેમાં વધારે એકથી બે રંગનો ઉપયોગ એક સમયે કરી શકાય છે. ગ્લાસ થીમનો ઉપયોગ કરતી વખતે જેા ક્રોમ ફિનિશના નળ અને ફિક્સરનો ઉપયોગ કરવામાં આવે તો બાથરૂમ વધારે સુંદર દેખાશે.

પ્લાન્ટ્સથી કરો સજાવટ
મોટાભાગે લોકોનું માનવું હોય છે કે બાથરૂમનું વાતાવરણ એવું નથી હોતું કે ત્યાં છોડવા મૂકી શકાય, જ્યારે હકીકત એ છે કે બાથરૂમની સૌથી સારી સજાવટ છોડવાથી થાય છે. બાથરૂમમાં હ્યૂમિડિટી વધારે રહેતી હોય તો કોઈ એવા પ્લાન્ટ્સની પસંદગી કરો જે આ પ્રકારના વાતાવરણમાં એડજસ્ટ થઈ શકે. આર્કિડ્સ અને લીલીના છોડ આ પ્રકારના વાતાવરણ માટે પરફેક્ટ છે. પરંતુ જેા વધારે પાંદડાવાળા પ્લાન્ટ્સ તમારે જેાઈતા હોય તો ફર્ન અથવા પોથોસના પ્લાન્ટ પણ સારા રહે છે. પ્લાન્ટ્સ બાથરૂમની ઈંટીરિયર ડિઝાઈનને એક નવો અને આકર્ષક લુક આપે છે. બર્ડ્સ નેસ્ટ ફર્ન, પોથો, ટિલેંડસિયા અથવા એર પ્લાન્ટ, એલોવેરા, સ્ટેગ હોર્ન ફર્ન જેવા છોડ તમને એક રીતે કુદરતના સ્પર્શનો અહેસાસ કરાવે છે. છોડના લીધે તમે પણ સ્વયંને કુદરતના સાનિધ્યમાં અનુભવી શકો છો અને ફ્રેશ રહી શકો છો, પરંતુ યાદ રહે, આ પ્લાન્ટ્સ નાના, સુંદર, કલાત્મક પોટમાં હોવા જેાઈએ.
– નસીમ અંસારી કોચર.

વધુ વાંચવા કિલક કરો....