ચિલાડુ

સામગ્રી :
૧ કપ ચોખા બનેલા
૧ કપ મકાઈનો લોટ
૨ ચપટી કસૂરી મેથી
૧ નાની ચમચી દેગી મરચું
જરૂર પૂરતું દેશી ઘી
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચોખાને અડધા કલાક માટે પાણીમાં પલાળી દો. એક કડાઈમાં ૧/૨ ચમચી ઘી નાખીને ગરમ કરો. તેમાં પલાળેલા ચોખા નાખો અને ૨ કપ પાણી રેડીને ઊભરો આવે ત્યાં સુધી તેજ આંચ પર પકાવો. પછી ૫-૬ મિનિટ ધીમી આંચ પર ઢાંકીને પકાવો. ઠંડું થવા માટે અલગ મૂકી દો. મકાઈના લોટનું ખીરું બનાવીને તેમાં મીઠું અને કસૂરી મેથી મિક્સ કરો. તવો ગરમ કરીને થોડું ઘી લગાવો. પાણીના છાંટા મારીને કપડાથી લૂછી લો. લોટનું ખીરું તવા પર ફેલાવો અને ઉપરથી ચોખાનું લેયર લગાવો. હવે ઘી લગાવો એક તરફથી ચઢ્યા પછી ઉપરથી દેગી મરચું લગાવો અને પછી ફેરવીને બંને તરફથી થોડું શેકીને ચટણી કે દહીં સાથે ચોખાથી ગાર્નિશ કરીને ગરમાગરમ પીરસો.

રિચી રાઈસ

સામગ્રી :
૨ કપ પાલક
૧ કપ ચોખા
૨ મોટી ચમચી ચીઝ
૧ પાપડ
૧ ટમેટું સમારેલું
૧ ડુંગળી સમારેલી
૨-૩ કળી લીલું લસણ સમારેલું
૧ લીલી ડુંગળી સમારેલી
૧ મોટી ચમચી ઘી
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચોખાને પકાવીને ઠંડા થવા દો. પાલકને બાફીને ઠંડી થવા પર મિક્સરમાં પીસી લો. પાલકમાં પાણી ન હોવું જેાઈએ. પેસ્ટ ઘટ્ટ થવી જેાઈએ. ફ્રાઈંગપેનમાં ઘી નાખીને ડુંગળી અને લસણને હળવી ફ્રાય કરીને ટમેટાં નાખીને હળવા ફ્રાય કરો. હવે પાલકની પેસ્ટ, ચોખા, મીઠું નાખી દો. ચોખાને વધારે ન ફેરવો નહીં તો તૂટી શકે છે. તેને બાઉલમાં નાખીને ચીઝ અને પાપડથી ગાર્નિશ કરીને સર્વ કરો.

ટેસ્ટી ટાર્ટલેટ્સ

સામગ્રી :
૧ કપ મગ, ચણા મિક્સ
૪-૫ મોટી ચમચી બૂંદી
૪ બ્રાઉન બ્રેડપીસ
૨ નાની ચમચી માખણ
૧ ચીઝ ક્યૂબ
૧ બટાકું બાફેલું
૧ નાની ચમચી ચાટ મસાલો
કાળાં મરી પાઉડર સ્વાદ મુજબ
૨ મોટી ચમચી જુવાર દાણા સ્પ્રાઉટ્સ
૧ નાની ચમચી ટોમેટો સોસ
૨ ચમચી કોથમીર સમારેલી
સંચળ સ્વાદ મુજબ.

રીત :
બ્રેડને ગોળગોળ કાપીને માખણ લગાવીને તવા પર બંને તરફથી શેકો. એક બાઉલમાં બધી સામગ્રી નાખીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ગોળ કાપેલી બ્રેડ સ્લાઈસ પર સજાવો. કોથમીર અને સોસથી સજાવીને સર્વ કરો.

મંગોડી ફિંગર્સ

સામગ્રી :
૧ કપ મગ સ્પ્રાઉટ્સ
૨ બાફેલા બટાકા
૧ લાલ કેપ્સિકમ સમારેલું
૧ લીલું કેપ્સિકમ સમારેલું
૧૦૦ ગ્રામ ગાજર સમારેલું
૧૦૦ ગ્રામ ફ્રેન્ચબીન્સ સમારેલી
૨ લીલી ડુંગળી સમારેલી
૪-૫ લીલાં મરચાં સમારેલાં
૧/૨ કપ કોર્નફ્લોર ખીરું
આમચૂર સ્વાદ મુજબ
ગરમ મસાલો કે ચાટ મસાલો
મીઠું સ્વાદ મુજબ.

રીત :
કોર્નફ્લોરના ખીરાને છોડીને બાકીની સામગ્રીને મિક્સ કરીને આ મિશ્રણની લાંબી પાતળી ફિંગર્સ બનાવી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરીને ફિંગર્સને કોર્નફ્લોરના ખીરામાં લપેટીને સોનેરી થાય ત્યાં સુધી તળી લો. કડાઈમાંથી સીધી બટરપેપર પર મૂકો જેથી બટરપેપર વધારાનું તેલ શોષી લે. પછી ચટણી સાથે ગરમાગરમ પીરસો.

સ્પાઈસી વર્મી ટ્રીટ

સામગ્રી :
૨ કપ વર્મિસિલી
૧ કપ સાબુદાણા
૧/૨ ચમચી હળદર
૨ ટમેટાં
૧ ડુંગળી લંબાઈમાં સમારેલી
૧ કપ ગાજર, બીન્સ અને કોબીજ સમારેલી
૨ મોટી ચમચી માખણ
૧/૨ મોટી ચમચી બિરયાની મસાલા
૨ કપ પાણી
થોડું જીરું
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ફ્રાઈંગપેનમાં માખણ ગરમ કરીને જીરું શેકો. પછી ડુંગળી નાખીને હળવી શેકો. તે પછી ટમેટાં ફ્રાય કરો. હવે બધા શાકભાજી નાખીને સોફ્ટ થાય ત્યાં સુધી ફેરવતા રહો. પછી હળદર અને બિરયાની મસાલા નાખો. વર્મિસિલી નાખીને ૪ કપ પાણી અને મીઠું નાખીને પાણી સુકાય ત્યાં સુધી ઢાંકીને ચડાવો. સાબુદાણા ધોઈને નાખો અને ૨ મિનિટ ઢાંકીને ધીમી આંચ પર પકાવો. ગરમાગરમ સર્વ કરો.

ચીઝી ટોરટિલા

સામગ્રી :
૧ કપ મલ્ટિગ્રેન લોટ
થોડું દૂધ
૩-૪ ક્યૂબ્સ ચીઝ
થોડી મિક્સ વેજ બારીક સમારેલ
૧/૨ નાની ચમચી બેકિંગ પાઉડર
૨ મોટી ચમચી ધી
૧ ડુંગળી સમારેલી
મીઠું સ્વાદ મુજબ.

રીત :
લોટમાં બેકિંગ પાઉડર અને મીઠું મિક્સ કરીને નવશેકા દૂધથી ગૂંદી લો. પૂરણ માટે બધા શાકભાજીને મીઠું નાખીને મિક્સ કરી લો. હવે લોટના લૂઆ બનાવીને એક બાજુ મૂકી દો. દરેક લૂઆને ૪-૫ ઈંચ સુધી ગોળ વણીને વચ્ચે શાકભાજીનું મિશ્રણ મૂકીને ચારેબાજુથી બંધ કરી દો. પછી હળવા હાથથી વણીને રોટલીનો આકાર આપીને તવો ગરમ કરીને બંને તરફ ઘી લગાવીને શેકો. તવા પરથી ઉતારીને તરત ચીઝથી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો