મા દીકરીનો સંબંધ ખૂબ પ્રેમાળ સંબંધ હોય છે. દરેક મા દિલથી ઈચ્છે છે કે પોતાની દીકરી તેની સાસરીમાં ખૂબ ખુશ રહે, તેથી તે તેને બાળપણથી સારા સંસ્કાર આપે છે, પરંતુ સમયની સાથે આ શિખામણમાં ઘણો ફરક આવી ગયો છે. આધુનિક પરિપ્રેક્ષ્યમાં લગ્નના માપદંડ બદલાઈ ગયા છે. પહેલાંના સમયમાં છોકરીને એક નવા તથા અજાણ્યા સાસરીના વાતાવરણને સમજવામાં અને તાલમેલ બેસાડવામાં સમસ્યા થતી હતી, જ્યારે હવે છોકરાછોકરી વચ્ચે તાલમેલ બેસી જાય અને બંને એકબીજાને પસંદ કરતા હોય તો લગ્નને સફળ માનવામાં આવે છે. આજકાલ નવી પેઢી પાસે જ્ઞાન અને અનેક ડિગ્રી હોય છે, પરંતુ વ્યવહારિક બુદ્ધિનો અભાવ હોય છે. લગ્ન પછી પતિપત્ની બંનેએ ખૂબ જવાબદારી નિભાવવી પડે છે, તે માટે બંને વચ્ચે પરસ્પર સહયોગ ખૂબ જરૂરી છે, પરંતુ જેાવા મળે છે કે છોકરીઓ પતિપત્નીના પવિત્ર સંબંધને ભૂલીને નાનીનાની વાતમાં એકબીજાને નીચું દર્શાવવાના પ્રયત્નમાં વયસ્ત રહે છે. લગ્નને સફળ બનાવવામાં એક તરફ પતિપત્ની બંનેની સમજદારી કામ લાગે છે, જ્યારે બીજી તરફ ઘરના અન્ય લોકોનું સકારાત્મક વલણ ખૂબ મદદરૂપ થાય છે.

મતભેદ વધારે મોબાઈલ
પતિપત્નીના સંબંધમાં મોટાભાગે ફોનના લીધે કડવાશ આવી જાય છે. આજકાલ ફોનના માધ્યમથી છોકરીના પિયરના લોકો, મિત્રો વગેરે એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે અને દરેક સમયે દીકરીનો ફોન ચાલુ રહે છે. ન્યાયાધિકારી માલિની શુક્લાનું કહેવું છે કે આજકાલ દીકરી પોતાની સાસરીની દરેક નાનીમોટી વાતને પોતાની ફ્રેન્ડ અથવા અન્ય લોકો સાથે ડિસ્કસ કરે છે અને ત્યાર પછી તેઓ તેની પર પોતાના સલાહસૂચન થોપે છે. તે ઘણી વાર એવી સલાહ આપે છે કે તારે સાસરીમાં બિલકુલ દબાવાની જરૂર નથી. તારે બસ બહાર ફરવા જતા રહેવાનું.બધી જ વાબદારી માત્ર તારી થોડી છે, જેવી ઉશ્કેરણીજનક વાતો કરીને તેના મનમાં ઊલટુંસીધું ભરતા રહે છે. પછી આ પ્રકારની વાત પતિપત્ની વચ્ચે ગેરસમજ પેદા કરીને તેમના સંબંધમાં તિરાડ પાડે છે. જેાકે દરેક ઘરપરિવારની પોતાની એક અલગ જીવનશૈલી હોય છે, પોતાનું બજેટ હોય છે તેમજ પ્રાથમિકતા પણ હોય છે. સુખીસંપન્ન પરિવારમાંથી આવેલી આરુષિ સાસરીમાં પગ મૂકતા જ ક્યારેક પડદા બદલવાની વાત કરતી, ક્યારેક સોફા તો ક્યારેક પતિ સમક્ષ ગાડી લેવાની ડિમાન્ડ કરતી. તે સમયે તેનો પતિ અમોલ તેને પ્રેમથી સમજવવાનો પ્રયત્ન કરતો, પરંતુ આરુષિની ફ્રેન્ડ્સ અને સંબંધી તેને રોજ ફોન પર કહેતા રહેતા કે તારા ઘરના પડદા કેટલા જૂના થઈ ગયા છે, સોફા કોણ જાણે કયા જમાનામાં ખરીદ્યા હશે, આવી ઘણી બધી વાતોએ બંને વચ્ચેના પ્રેમભર્યા સંબંધમાં તિરાડ પાડી દીધી.

ઝઘડાનાં નાનાંમોટાં કારણ
અમોલનું માનવું હતું કે દેવું કરીને ઘી ન પીવું જેાઈએ. તે પોતાના ભવિષ્ય માટે જાગૃત હતો. તે પ્લાનિંગ મુજબ ફ્લેટ ખરીદવા બચત કરી રહ્યો હતો, પરંતુ આરુષિની રોજરોજની બિનજરૂરી ડિમાન્ડના લીધે બંને વચ્ચેના સંબંધ વણસી ગયા હતા. આજે આરુષિ તેના પિયરમાં રહે છે અને તે ઘડીને દોષ આપી રહી છે, જ્યારે તેણે વાહિયાત વાતોમાં આવીને પોતાના સુખી સંસારમાં આગ લગાવી લીધી.

ડિસ્ટ્રિક્ટ જજ રૂપા મહર્ષિ જણાવે છે કે ફોનના લીધે બીજાના અનાધિકૃત હસ્તક્ષેપ દીકરીના જીવનમાં કડવાશ પ્રસરાવે છે. આ બીમારી હવે શહેરથી ગામડામાં પહોંચી છે. ઘરેલુ હિંસાના કેસમાં સલાહસમજૂતીના પ્રયાસમાં ઝઘડાના નાનામોટા કારણ સામે આવે છે, જેનું કારણ સતત સંપર્કમાં રહેવું હોય છે. તેમનું કહેવું છે કે આજકાલ વીડિયોકોલની સગવડથી પિયરના લોકોની નજર રહે છે અને દીકરીને કિચનમાં જેાતા તેના હિતેચ્છુ બનીને બહેન કે ભાઈ કહેશે, ‘‘તારી સાસુનું મેનેજમેન્ટ બિલકુલ સારું નથી. તે બેઠાંબેઠાં ગપ્પાં માર્યા કરે છે અને મારી લાડકી પરસેવો પાડી રહી છે.’’
‘‘શું પાર્ટીમાં તારી નણંદે તારો ડ્રેસ પહેર્યો હતો અને પહેરીને જૂનો કરી દીધો. હવે જ્યારે તું પહેરીશ ત્યારે બધા વિચારશે કે આ ડ્રેસ તેં જ નીરજ પાસેથી માંગીને પહેર્યો છે.’’
‘‘રોહન પૂરો દિવસ તેની મા અને ભાઈભાભીની આગળપાછળ ફરતો રહે છે.’’
‘‘અરે, તેં તારો હાર તારી સાસુને કેમ પહેરવા આપ્યો?’’
‘‘તેમને ગમતો હતો, એટલે મેં આપ્યો. મેં પણ મમ્મીનો હાર પહેર્યો હતો ને… દીદી, આવી નકામી વાત ન કરો.’’ તેણે ફોન મૂકી દીધો.

તેમને કોણ સમજાવે
મમતામઈ મોહથી ભરેલા આ હિતેચ્છુનો દેખાવ કરનારને કોણ સમજાવે કે હવે તમારી દીકરી સમજદાર છે. તે મેનેજ કરી લેશે. દરેક ઘરના પોતાના રીતરિવાજ અને નિયમ હોય છે. જેા દીકરી ખુશ છે, તેને થોડું વધારે કામ કરવું પડે છે, તે સાસરીના લોકોના દિલમાં હંમેશાં માટે પોતાનું મજબૂત સ્થાન બનાવશે અને તેના માટે તેમને પણ વખાણ સાંભળવા મળવાના છે કે તેમણે દીકરીને કેટલા સારા સંસ્કાર આપ્યા છે. ઉન્નાવ નિવાસી ઉર્વશીના લગ્ન ૬ મહિના પહેલાં લખનૌના સુદેશ સાથે ખૂબ ધામધૂમથી થયા હતા, પરંતુ લગ્નના માત્ર થોડા જ મહિનામાં બંનેના ઝઘડા કોર્ટ સુધી પહોંચી ગયા. જ્યારે સમજૂતી માટે તેઓ પ્રોબેશન અધિકારી પાસે ગયા તો કાઉન્સેલિંગ દરમિયાન ઉર્વશીએ જણાવ્યું કે ભાભીએ નવો લહેંગો ખરીદ્યો ત્યારે તેમની સામે તે નીચું દેખાવા નહોતી ઈચ્છતી. તેના પિતરાઈ ભાઈના લગ્ન હતા, તેથી તે નવો લહેંગો ખરીદવાની જિદ્દ કરી રહી હતી. તે સમયે સુદેશનું કહેવું હતું કે લગ્નનો લહેંગો કે કોઈ સારી સાડી પહેરી લે. નવા લહેંગા પર ૪૦-૫૦ હજાર રૂપિયાનો ખર્ચ કરવો મૂર્ખતા છે. આમ પણ લગ્નનો લહેંગો તેં એક વાર પહેર્યો છે. પછી આ મુદ્દે વિવાદ વધતો ગયો અને તે ઘર છોડીને પિયર જતી રહી. પછી વકીલ જે પ્રમાણે સલાહ આપતા રહ્યા તે પ્રમાણે તે એકબીજા પર દોષારોપણ કરતા રહ્યા.

કાયદાનો દુરુપયોગ
કાનપુરના કિડવાઈ નગરની ઉચ્ચ શિક્ષિત સીમાના લગ્ન પ્રયાગરાજના દિલીપ સાથે થયા. બંનેએ લવમેરેજ કર્યા હતા. જેાકે પરિવારજનો ખૂબ સમજદાર હતા. બંને ખૂબ પ્રેમથી ૧ વર્ષ સુધી સાથે રહ્યા, પછી બહારના લોકોની વાતમાં આવતા બંને વચ્ચે ઝઘડા શરૂ થયા. એક દિવસ કોઈ વાતે દિલીપે નારાજ પત્નીનો હાથ પકડી લીધો. પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ કરી દીધો. કાઉન્સેલિંગ સમયે સોમાએ જણાવ્યું કે દિલીપ તેને ખૂબ પ્રેમ કરે છે. તેણે તેને ક્યારેય મારી નથી. બધા કહે છે કે દરેક સમયે તું કામમાં વ્યસ્ત રહે છે. તને મારી સાથે વાત કરવાની ફુરસદ ક્યાં છે. પૂરા દિવસ માટે કામવાળી બાઈ રાખી લે અને આરામથી રહે. ધીરેધીરે બીજા લોકોની શિખામણથી તેણે ઘરના કામકાજ કરવાના બંધ કર્યા અને તે પછી આ જ કારણસર ઘરમાં તાણ, અવ્યવસ્થા, ઝઘડા થવા લાગ્યા અને થોડા સમય પછી હસતોરમતો પરિવાર તૂટવાની અણી પર પહોંચી ગયો.
‘‘ગુંજ… ગુંજ ક્યાં છે તું? સવારસવારમાં ફોન પર વ્યસ્ત. મારું શર્ટ પ્રેસ નથી કર્યુ. બટન પણ નથી લગાવ્યું.’’ રાહુલે ગુસ્સામાં બૂમ પાડી.
ગુંજના કોલીગનો ફોન હતો. તેને ખૂબ અપમાન લાગ્યું અને તે ગુસ્સામાં બોલી, ‘‘તમને મેં કેટલી વાર કહ્યું છે કે જ્યારે હું ફોન પર વાત કરતી હોઉં ત્યારે તમે આ રીતે બૂમો ન પાડો, પરંતુ ભલા તમે ક્યાં માનો છો.’’
રાહુલ નારાજ થઈને ઓફિસ ચાલ્યો ગયો. ગુંજનો મૂડ ખરાબ હતો. તેથી સાસુએ નાસ્તો બનાવ્યો, એટલે રાહુલ નારાજ થયો. તે સમયે સાસુએ પણ ચાર વાત સંભળાવી હતી. આ ઘટનાથી રાહુલનો મૂડ દિવસભર ખરાબ રહ્યો. ઓફિસમાંતેનું મન ન લાગ્યું અને કામમાં ભૂલો થવાથી બોસનો ઠપકો સાંભળવો પડ્યો. ભૂલનો સ્વીકાર કરવાના બદલે ગુંજ વિચારતી રહી કે શું રાહુલ તેનો શર્ટ પ્રેસ નથી કરી શકતો? પછી ગુંજ દરેક સમયે રાહુલને પોતાના કામ જાતે કરવાનું કહેતી. રાહુલને આ વાત બિલકુલ ન ગમી. તે ગુંજના વ્યવહારથી ખૂબ દુખી થતો હતો. ધીરેધીરે બંનેના સંબંધમાં કડવાશ વધી. એકબીજા વચ્ચેની નાનકડી અણસમજના લીધે તિરાડ પડી ગઈ. તેનું માનવું હતું કે પતિમાં એટલી સમજ તો હોવી જેાઈએ કે પત્ની ફોન પર કોઈ જરૂરી કોલ પર હશે. દીકરીની દરેક તકલીફ પર બીજાનું દુખી થવું સ્વાભાવિક અને યોગ્ય છે, પણ સાસરીની નાનીનાની વાતમાં દીકરીનો પક્ષ લેવા પર સંબંધમાં કડવાશ આવવામાં સમય નથી લાગતો.

એક નવી સમસ્યા
એક નવી સમસ્યા એ છે કે આજકાલ છોકરીઓને ઘર સંભાળવાની જવાબદારી ઉઠાવવાનું એમ કહીને શીખવવામાં નથી આવતું કે તેને બીજાના ઘરે જવાનું છે અને ત્યાં તેને બધા કામ કરવા પડશે ને, તો અત્યારે આરામ કર. લગ્ન પછી જીવનભર કામ કરવાના જ છે.આ જ કા રણસર છોકરીઓ લગ્નને પોતાના સપના પૂરા કરવાનું સાધન માનવા લાગી છે, પરંતુ જ્યારે લગ્ન પછી તેના સપનાં જવાબદારીની નીચે જમીનદોસ્ત થાય છે ત્યારે તે પોતાના વૈવાહિક જીવનથી ચીડાવા લાગે છે અને તેને સાસરી પક્ષની દરેક વ્યક્તિ પોતાના દુશ્મન જેવી લાગે છે, જેનો શિકાર મુખ્યત્વે સાસુ અથવા પતિ બને છે, કારણ કે છોકરીઓનો મોટાભાગનો સમય ઘરમાં તેમની સાથે પસાર થાય છે. લગ્ન પછી છોકરીઓ સાસરીમાં આવતા પતિ અને ઘરે પોતાનો પૂરો અધિકાર જમાવવા ઈચ્છે છે. આ સ્થિતિમાં છોકરો જેા મા, બહેન, ભાઈ કોઈને પણ જેા થોડા દિવસ સુધી પ્રાથમિકતા આપે અથવા આર્થિક મદદ કરવા ઈચ્છે તો છોકરી પરેશાન થઈને નાનકડી વાતને મોટું સ્વરૂપ આપીને ઘરમાં અશાંતિ ફેલાવે છે. લગ્નનો અર્થ છે જવાબદારી અને એકબીજા સાથેનો તાલમેલ, તેથી છોકરી પતિ અને પરિવારની જવાબદારી નિભાવતી હોય અને તાલમેલ બેસાડીને રહેતી હોય તો તેને જેાઈને તેના પિયરના લોકોએ ખુશ થવાની જરૂર છે ન કે પરેશાન થવાની. બીજા લોકોએ સમજદારી દર્શાવતા દીકરી અને તેની સાસરીના લોકોના ઘરમાં ચંચુપાત ન કરતા દીકરીને તાલમેલ બેસાડીને રહેવાની શિખામણ આપવી જેાઈએ. પરંતુ હા, એક વાત જરૂરી છે કે દીકરીએ પણ સાસરીમાં પોતાની સાથે થતા અન્યાય, અત્યાચાર અને દુર્વ્યવહારને સહન કરવાના નથી અને તેના વિરોધમાં પોતાનો મજબૂત અવાજ પણ ઉઠાવવાનો છે. આ વાતને ખાસ સમજાવવાની એટલી જ આવશ્યકતા છે.
– પદ્મા અગ્રવાલ.

વધુ વાંચવા કિલક કરો....