૩૮ વર્ષની નતાશા પોતાનું બૂટીક ચલાવતી હતી. કોરોના પહેલાં બૂટીકમાં સારું એવું કમાતી હતી, પણ કોરોનાના લીધે ધંધો એવો ચોપટ થયો કે દુકાન વેચવી પડી. દુકાન વેચાઈ જવાથી નતાશા સ્ટ્રેસમાં રહેવા લાગી. તેની સહનશક્તિ ઘટવા લાગી છે, જેથી પતિ સાથે દરેક નાનીનાની વાતે તેનો ઝઘડો થતો. ઘરે બેસી રહેવાથી નતાશાની ઈટિંગ પેટર્ન પણ બદલાઈ ગઈ. જે નતાશા પહેલાં ૫૫ કિલોની હતી, આજે તેનું વજન ૮૬ કિલો થઈ ગયું. સ્ટ્રેસના લીધે તે બહારથી કંઈ ને કંઈ મસાલેદાર ઓર્ડર કરીને મંગાવીને ખાતી. તેને લાગે છે તેનાથી તેનો સ્ટ્રેસ ઓછો થશે, પરંતુ એવું નથી થતું. તેને અરીસામાં સ્વયંને જેાઈને નફરત થઈ ગઈ. કોરોનાના લીધે બિઝનેસ ઠપ થઈ જવાથી એંક્ઝાઈટી ડિસઓર્ડરનો શિકાર થઈ અને તે પછી ઈટિંગ ડિસઓર્ડરનો. તે તેની સેલ્ફ ઈમેજને લઈને પરેશાન રહે છે.

ઈમોશનલ ઈટિંગ શું છે
ઈમોશનલ ઈટિંગ એક એવી ટેવ છે જ્યારે તમે કેટલીય વાર નકારાત્મક લાગણીમાંથી બહાર આવવાના ચક્કરમાં વધારે ખાવા લાગો છો. ક્યારેક-ક્યારેક અડધી રાતે ભૂખ લાગવાથી તમે ફ્રિજમાં ખાવાનું શોધવા લાગો છો. ન મળતા પિઝા, બર્ગર, પાસ્તા અને કોણ જાણે શું-શું ઓર્ડર કરો છો. કેટલીય વાર તમે ગુસ્સા, ઉદાસી, પાર્ટનરથી બ્રેકઅપ અથવા મનમાં ચાલતી ઉટપટાંગ વાતથી ડરીને ખાવા લાગો છો. જે પણ મળ્યું નફાનુકસાન જાણ્યા વિના ખાવા લાગો છો અને પછી પસ્તાવાની આગમાં બળો છો કે હાય, આટલું બધું કેમ ખાધું.

૨૬ વર્ષનો દેવાંગ ગ્રેજ્યુએશન કરીને ૪ વર્ષથી નોકરી શોધે છે, પરંતુ હજી સુધી તે સફળ ન થઈ શક્યો, જેથી તે સ્ટ્રેસમાં રહે છે. તેની અંદર નેગેટિવિટી આવી ગઈ છે કે હવે તેને નોકરી નહીં મળે અને આ સ્ટ્રેસમાં તે બહારથી પિઝા, પાસ્તા, મોમોસ વગેરે ઉટપટાંગ વસ્તુ મંગાવીને ખાય છે. પેટ ફુલ થવા છતાં તેનું કંઈ ને કંઈ ખાવાનું મન થાય છે અને પછી ગિલ્ટી અનુભવે છે કે કેમ ખાધું.
હકીકતમાં, ઘરપરિવાર અને મિત્રો તરફથી પણ નોકરી કરવાનું એવું દબાણ છે કે તે પરેશાન રહે છે અને લાગણીશીલ થઈને કંઈ ને કંઈ ખાતો રહે છે. ડોક્ટરનું કહેવું છે કે ખાવા અને ભૂખનો આપણા ઈમોશન અને સ્ટ્રેસ સાથે નજીકનો સંબંધ છે. ક્યારેક-ક્યારેક એવું થાય છે કે જ્યારે આપણે સારું અનુભવીએ છીએ, ત્યારે આપણને કંઈ જ ખાવાનું મન નથી થતું, પરંતુ જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે ઈમોશનલ ઈટિંગ કરીએ છીએ, જેને સ્ટ્રેસ ઈટિંગ પણ કહેવાય છે. તેમાં વ્યક્તિ વધારે ખાય છે. હાઈ કેલરી ફૂડ ખાય છે. જેમ કે ફાસ્ટ ફૂડ, ફ્રાય ફૂડ, ચોકલેટ, આઈસક્રીમ, મીઠાઈ, કેક, મન નથી હોતું તેમ છતાં ખાય છેે, કારણ કે સ્ટ્રેસમાં છે.

ઈમોશનલ ઈટિંગના નુકસાન
ઈમોશનલ ઈટિંગથી હેલ્થ પર ખરાબ અસર થાય છે, જેમ કે સ્થૂળતા, અસ્થમા, સાંધાની સમસ્યા, હૃદય રોગ, ટાઈપ ૨ ડાયાબિટીસ, યોગ્ય પોષક તત્ત્વોની કમી. ઈમોશનલ ઈટિંગ સમસ્યાથી ડીલ કરવાની ખોટી રીત છે. બીજી બાજુ બિંઝ ઈટિંગ એક બીમારી છે.

બિંઝ ઈટિંગ શું છે
સામાન્ય રીતે આપણે ભોજનની વચ્ચે ગેપ રાખીએ છીએ, પણ બિંઝ ઈટિંગની સમસ્યા જેને થાય છે તે સતત ખાય છે. વધારે ખાવાથી અસહજ અનુભવે છે, તેમ છતાં કંટ્રોલ નથી થતો. બિંઝ ઈટિંગ દરમિયાન તમે કોઈની સામે નહીં, એકલા ખાઓ છો, કારણ કે ખરાબ લાગે છે. તેને બિંઝ ઈટિંગ કહેવાય છે. ‘કોફી વિથ કરણ’ શોમાં એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ સોનમ કપૂર પણ પોતાના વેટ લોસ વિશે જણાવી ચૂક્યા છે કે બંને ઈમોશનલ ઈટર રહી ચૂક્યા છે. બિહારના કટિહાર જિલ્લાનો રહેવાસી ૩૦ વર્ષનો રફીક અદનાન ઈટિંગ ડિસઓર્ડર ‘બુલિમિયા નર્વોસા’ થી પીડિત છે. તેનું વજન ૨૦૦ કિલોગ્રામ છે.

ઈમોશનલ ઈટિંગ જીવનો દુશ્મન બની શકે છે
દિલ્લીમાં ઈટિંગ ડિસઓર્ડર્સ એક્સપર્ટ અને સીનિયર કંસલ્ટન્ટ સાઈકિએટ્રિસ્ટ ડો. સંજય ચુઘ કહે છે કે કેટલીય વાર ઈમોશનલ ઈટિંગ કાબૂ બહાર થઈને ઈટિંગ ડિસઓર્ડરમાં ફેરવાઈ જાય છે અને કેટલીય વાર ઈટિંગ ડિસઓર્ડરનું જેાખમ વધારે છે. બોલીવુડ સિંગર અદનાન સામીનું ઈમોશનલ ઈટિંગના લીધે વજન ૨૩૦ કિલોગ્રામ થઈ ગયું હતું.

ખાવાની મજા ન બની જાય સજા
આપણે ભોજન પેટ ભરવા માટે ખાઈએ છીએ જેને પોઝિટિવ ઈટિંગ કહેવાય છે, કારણ કે ખોરાક આપણા શરીર માટે એટલો જ જરૂરી છે જેટલી કે ઊંઘ. પોઝિટિવ ઈટિંગમાં બ્રેનમાં ડોપામાઈન નામનું કેમિકલ તરત વધી જાય છે અને આપણને સ્ટ્રેસથી મુક્તિ અપાવે છે. ભૂખ લાગતા આપણું મગજ કામ કરવાનું બંધ થઈ જાય છે અને જ્યારે આપણું પેટ ભરાઈ જાય છે ત્યારે મગજ પણ સારી રીતે ચાલે છે. તેની વિપરીત નેગેટિવ ઈટિંગમાં વ્યક્તિ સ્ટ્રેસમાં ડૂબીને વારંવાર કોઈ ખાસ પ્રકારની ફૂડ આઈટમ ખાધા કરે છે. ક્યારેક ચિપ્સ તો ક્યારેક બર્ગરપિઝા ખાતા રહેવાથી નેગેટિવિટી જતી નથી, પરંતુ જ્યાંની ત્યાં રહે છે.

ઈમોશનલ ઈટિંગના લક્ષણ
અચાનક ભૂખ લાગવી, કંઈ ને કંઈ ખાવાની ઈચ્છા થવી, ખાધા પછી પણ પેટ ખાલી હોવાનો અહેસાસ અને ફરી ખાવું, ઓવર ઈટિંગ કર્યા પછી પસ્તાવું, આ બધા લક્ષણ ઈમોશનલ ઈટિંગના છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનમાં છપાયેલા એક સર્વે મુજબ, પુરુષોની સરખામણીમાં મહિલાઓ ઈમોશનલ ઈટિંગની વધારે શિકાર થાય છે. પારિવારિક જવાબદારી, લોકોના મહેણાં, ઓફિસનું ટેન્શન, હેલ્થ ઈશ્યૂ થતા ફાસ્ટ ફૂડ અને આઈસક્રીમ ખાવાથી પરેજ નથી કરતા. ખોરાકનો બગાડ ન થાય, તેના માટે વધેલો ખોરાક પણ તે ખાઈ જાય છે. કેટલીય વાર આપણે ફૂડ ક્રેવિંગને મજાકમાં ટાળી દઈએ છીએ કે થોડું વધારે ખાવાથી કંઈ નથી થતું, પણ ઈમોશનલ ઈટિંગ મજાકનો નહીં, ચિંતાનો વિષય છે. એક સર્વે મુજબ, ૨૦૧૫-૧૬ ની સરખામણીમાં ૨૦૧૯-૨૧ માં ૨૩ ટકા પુરુષો અને ૨૪ ટકા મહિલાઓની સ્થૂળતા વધી ગઈ. બીજી બાજુ ૨૦૧૫-૧૬ માં ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં ૨.૧ થી ૩.૪ ટકા ઓવરવેટ થઈ ગયા.
ન્યૂટ્રિશનિસ્ટ્સ કહે છે કે સામાન્ય રીતે જેાવા મળે છે કે નેગેટિવ ઈમોશનમાં વહીને લોકો વધારે ઈમોશનલ ઈટિંગ કરવા લાગે છે. જેવી ઈમોશનની ઊથલપાથલ થાય છે હોર્મોન્સનું બેલેન્સ પણ બગડવા લાગે છે. તાણની સ્થિતિમાં કાર્ટિસોલ હોર્મોન્સ તેની સાથે લડવા માટે સામે આવે છે. આ લડાઈ માટે શરીરને વધારે એનર્જીની જરૂર પડે છે. આ સ્થિતિમાં બોડી કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુને ખાવાની ડિમાન્ડ કરે છે. આ ઈમોશનલ ઈટિંગ જેવી મુસીબતનું અસલી કારણ છે. જેા ઈમોશનલ ઈટિંગથી બચવા માંગો છો તો ભૂખ લાગવા પર એક ગ્લાસ પાણી તમને આ સમસ્યાથી છુટકારો અપાવી શકે છે.

ઈમોશનલ ઈટિંગથી બચવાના વિકલ્પ શોધો
ઈમોશનલ ઈટિંગની ટેવ છે તો હાઈ શુગર અથવા ફેટવાળા ફૂડના બદલે હેલ્ધિ ડાયટ લો. ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન સામેલ હોય. એક્સર્સાઈઝ કરો. તાણ દૂર કરવા તમારા મનપસંદ પુસ્તક વાંચો. સંગીત સાંભળો. મિત્રો સાથે ફોન પર વાત કરો અથવા કોઈ ગેમ રમો. આ રીતે ખાવાથી ધ્યાન હટશે અને તમે ઈમોશનલ ઈટિંગથી બચશો.
– મિની સિંહ.

વધુ વાંચવા કિલક કરો....