કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઈ શકે છે. તે જ રીતે લગ્નની પણ કોઈ નિશ્ચિત ઉંમર નથી હોતી, કોઈ પણ ઉંમરે કરી શકાય છે અને પતિપત્ની વચ્ચે ઉંમરમાં અંતર કેટલું હોવું જેાઈએ, તેનો અંદાજ નથી લગાવી શકાતો, કારણ કે પ્રેમ સૌપ્રથમ થતો હોય છે, જેમાં માનસિક અને શારીરિક એટ્રેક્શન સામેલ હોય છે. તેમાં ઉંમરનું અંતર કોઈ સંબંધને કેટલું પ્રભાવિત કરે છે, તેને સમજવું મુશ્કેલ હોય છે, કારણ કે ઉંમરના અંતરની અસર માત્ર સેક્સ સમયે થાય છે. જે સેક્સ જરૂરી ન હોય, તો લગ્ન કોઈ પણ ઉંમરે ગમે તેટલા ફરક સાથે પણ કરી શકાય છે અને તેની અસર સંબંધના બોન્ડિંગ પર ક્યારેય નથી થતી.
આ જ કારણસર ક્રિકેટર સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર વચ્ચે ૬ વર્ષનો એજ ગેપ છે. અંજલિ સચિન કરતા ૬ વર્ષ મોટી છે. પ્રિયંકા ચોપરા અને નિક જેાનાસની વચ્ચે પણ ૧૦ વર્ષનો એજ ગેપ છે, જેમાં પ્રિયંકા નિક કરતા ૧૦ વર્ષ મોટી છે. દિલીપકુમાર અને સાયરા બાનો વચ્ચે ૨૨ વર્ષનો એજ ગેપ રહ્યો છે અને તેમની જેાડી હિંદી સિનેમા ઈન્ડસ્ટ્રીનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી હતી. આ જ રીતે ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચે ૧૩ વર્ષ, રાજેશ ખન્ના અને ડિંપલ વચ્ચે ૧૬ વર્ષ, કબીર બેદી અને પ્રવીણ દુસાંજની વચ્ચે ૨૯ વર્ષ તથા મિલિંદ સોમાન અને અંકિતા કંવર વચ્ચે પણ ૨૫ વર્ષનો એજ ગેપ છે. આવા તો એજ ગેપના અનેક ઉદાહરણ છે અને આ બધાનો સંબંધ ઘણો સારો ચાલી રહ્યો છે.
પરિવર્તન આવી રહ્યું છે
જેાકે ભારતમાં લાંબા સમયથી ઉંમરના ગેપને લગ્ન માટે જરૂરી માનવામાં આવ્યો છે, જેમાં પતિનું પત્ની કરતા મોટા હોવું જરૂરી માનવામાં આવે છે, પરંતુ સમયની સાથે તેમાં પરિવર્તન આવી રહ્યું છે અને હવે ઉંમરના ગેપને એટલો જરૂરી સમજવામાં નથી આવતો. એટલાંટા યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચ મુજબ પતિપત્ની વચ્ચેના ૫ વર્ષ સુધીના એજ ગેપને યોગ્ય માનવામાં આવ્યો છે. આ રિસર્ચ અનુસાર જે કપલ્સની વચ્ચેનો એજ ગેપ ૫ વર્ષનો હોય છે, તેમનામાં ડિવોર્સની શક્યતા ૧૮ ટકા હોય છે, જે કપલ્સ વચ્ચે એજ ગેપ ૧૦ વર્ષનો હોય છે, તેમનામાં ડિવોર્સની સંભાવના ૩૯ ટકા અને જે એજ ગેપ ૨૦ વર્ષનો હોય તો ડિવોર્સની શક્યતા ૯૫ ટકા રહે છે.
લગ્નમાં એજ ગેપની પરિભાષા નથી હોતી
આ વિશે હીલિંગ સર્કલના મેરેજ કાઉન્સેલર આરતી ગુપ્તા જણાવે છે કે મેરેજમાં એજ ગેપની કોઈ પરિભાષા ન હોવી જેાઈએ, કારણ કે ૨ વ્યક્તિની વ્યક્તિગત ભાવના અલગ હોય છે, જેમાં તેમની આસપાસનું વાતાવરણ, શિક્ષણ, જેાબ, રહેણીકરણી વગેરે ઘણી બધી વાતો જેાડાયેલી હોય છે. પહેલા લોકો વિચારતા હતા કે એકની ઉંમર વધારે હોવા પર તે વધારે પરિપક્વ રહેશે, જેમાં છોકરાનું મોટા હોવું જરૂરી માનવામાં આવતું હતું. તે સમયે પુરુષ આધિપત્ય ધરાવતા સમાજની આ જ માન્યતા હતી. જેાકે હવે એવું નથી, કારણ કે ગ્લોબલાઈઝેશન અને વુમન એમ્પાવરમેન્ટના લીધે આ બધું હવે ખાસ મહત્ત્વ ધરાવતું નથી. હવે ૨ લોકોનું એકબીજા સાથે ગઠબંધન થઈ રહ્યું છે અને તે બંનેનું એકબીજા સાથે કંફર્ટ લેવલ પણ હોય છે. તેમની પરિપક્વતા કેટલી છે, તેમના વિચારો કેવા છે વગેરે બધું ફ્લેક્સિબલ થઈ ગયું છે, જેમાં કોઈને પણ જજ કરવાની જરૂર નથી.
હાલમાં ઘણી બધી જગ્યાએ છોકરીઓ છોકરાઓ કરતા મોટી હોવા છતાં લગ્નો થઈ રહ્યા છે અને તેમનું લગ્નજીવન પણ સારું ચાલી રહ્યું છે. બધા માનતા હોય છે કે છોકરીઓ છોકરાઓ કરતા વધારે મેચ્યોર હોય છે. પહેલાં પણ જેાવા મળ્યું છે કે મહિલાઓમાં જન્મથી અમુક બાબત વણાયેલી હોય છે, જેમાં ઘર, સંબંધો, બાળકો બધાને સંભાળતા પતિના પૈસાથી પરિવાર ચલાવતી હોય છે. જેાકે મારી પાસે મેડિકલી કોઈ પ્રમાણ નથી કે છોકરીની ઉંમર નાની હોવા પર સેક્સ્યુઅલી અથવા રિપ્રોડક્શનમાં તે વધારે સારી હોય છે. હું આ વાત સાથે સહમત નથી.
શિક્ષિત હોવું જરૂરી
ભારત સરકારે મહિલાઓની લગ્નની કાનૂની ઉંમર ૧૮ વર્ષથી બદલીને ૨૧ કરવાનું બિલ સંસદમાં રજૂ કર્યું, જ્યારે પુરુષો માટેની ઉંમર ૨૧ વર્ષની જ રહેશે, શું આ નિર્ણયથી જનસંખ્યા કંટ્રોલમાં રહેશે? પૂછતા અંજલિ જણાવે છે કે જનસંખ્યા કંટ્રોલ થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે, કારણ કે હું અર્બન એરિયામાં રહું છું અને એ વાત પણ સાચી છે કે છોકરીઓની લગ્નની ઉંમર વધારવા પર જનસંખ્યા પર થોડી અસર જેાવા મળે છે, કારણ કે તેમનામાં જનસંખ્યા બાબતે જાગૃતિ વધી શકે છે. જેાકે ગામડામાં ખૂબ નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન થાય છે અને બર્થ કંટ્રોલની સુવિધા પણ ત્યાં નથી હોતી. આ સ્થિતિમાં કાયદો બનાવીને અને છોકરીઓને શિક્ષિત કરીને આ બાબતે કંટ્રોલ કરી શકાય છે.
દરેક ઉંમરમાં લગ્નની પરિભાષા અલગ
મોટી ઉંમરમાં લગ્ન કરનારાની સંખ્યા આજે વધી રહી છે, તેના કારણ વિશે પૂછતા આરતી જણાવે છે કે આજકાલ લોકો મોટી ઉંમરમાં લગ્ન કરી રહ્યા છે, જે સારી વાત છે. તેમાં તેઓ સેક્સ માટે લગ્ન નથી કરી રહ્યા હોતા. તેઓ પોતાનો એક વિશ્વાસુ સાથી ઈચ્છતા હોય છે, સેટલ થવા ઈચ્છતા હોય છે, તેઓ પોતાની જિંદગીને કોઈની સાથે શેર કરવા ઈચ્છે છે અને આ વાત કોઈ પણ દષ્ટિએ ખોટી પણ નથી. આ રિલેશનશિપમાં લગ્નની પરિભાષા અલગ હોય છે. યંગ એજમાં લગ્ન કરવાનો અર્થ છે કે છોકરા અને છોકરી મેચ્યોર થઈ ગયા છે, તેમની બાળકો પેદા કરવાની ઉંમર છે અને પરિવારને પણ આગળ વધારવાનો છે. આ બધી જરૂરિયાત પૂરી કરવા માટે ૨ પરિવાર એકસાથે આવે છે અને છોકરાછોકરીના લગ્ન થાય છે.
કારણ ડોમિનેશન
અંજલિ જણાવે છે કે ઉંમરનું અંતર માત્ર ડોમિનેશન માટે હોય છે, જ્યાં પુરુષ પોતાને મહિલા કરતા મોટો હોવાથી બુદ્ધિશાળી, વધારે ભણેલોગણેલો સમજે છે અને પોતાની વાતોને પત્નીને મનાવવાની કોશિશ કરે છે, પરંતુ અહીં સમજવું જરૂરી છે કે હવે એ દિવસો નથી રહ્યા. અહીં હું અર્બન પરિવેશની વાત કરી રહી છું, કારણ કે હું મોટા શહેરમાં રહું છું, જ્યારે ગામડા અને નાના શહેરોમાં આજે પણ છોકરાની ઉંમર છોકરી કરતા મોટી હોવાને યોગ્ય માનવામાં આવે છે. હવે તેમાં પણ બદલાવ આવી રહ્યા છે, પરંતુ સંપૂર્ણપણે બદલાવ આવવામાં સમય લાગશે. સમાજ અને પરિવાર જેટલા જલદી તેને સમજી લે, પોતાની માનસિકતા બદલી નાખે અને પ્રવાહમાં વહેવા માટે તૈયાર થઈ જાય તેટલા જ પરિવારમાં સુખશાંતિ જળવાઈ રહેશે, પરંતુ જેટલો તેનો વિરોધ કરશે તેટલો જ પરિવાર તૂટતો જશે અને આજે ઘણા બધા ઘર વિરોધના લીધે તૂટી રહ્યા છે.
મેન્ટલ અને ઈમોશનલ કંપેટિબિલિટી જરૂરી
આરતી જણાવે છે કે ઘણા બધા લોકો મારી સામે એજ ગેપને લઈને પોતાની સમસ્યાનો ઉલ્લેખ કરતા હોય છો અને મારે તેમને સમજાવવું પડે છે કે દરેક ઉંમરની માનસિકતા અને જરૂરિયાતો અલગઅલગ હોય છે. આજે જમાનો સમાનતાનો બની રહ્યો છે અને બંનેએ પોતાનામાં પરિપક્વતા જાતે જ લાવવી પડે છે. એજ ગેપ કરતા વધારે મેન્ટલ અને ઈમોશનલ કંપેટિબિલિટીનું હોવું ખૂબ જરૂરી છે. મારા અને મારા પતિ વચ્ચે મોટો એજ ગેપ છે, પરંતુ તેમણે મને લગ્ન પછી સારું શિક્ષણ લેવા માટે પ્રોત્સાહન અને સહયોગ આપ્યો. આમ પણ રિલેશનશિપને નિખારવી પડે છે.
મારું યૂથને કહેવું છે કે એક્સેપ્ટિંગ, એડજસ્ટમેન્ટ, કોમ્પ્રોમાઈઝ, લવ, ગિવિંગ એન્ડ રિસીવિંગ વગેરે બધી વસ્તુ હ્યૂમન રિલેશનશિપને જાળવી રાખવામાં મદદરૂપ બને છે. આ બધાને અપનાવવાની કોશિશ કરો, જેથી તમારી વચ્ચે એક મજબૂત સંબંધ જળવાઈ રહે. સફળ લગ્ન માટે પતિપત્નીમાં એજ ગેપ કરતા વધારે મહત્ત્વપૂર્ણ એકબીજા માટે પ્રેમ, માનસન્માન અને સમજદારી હોવી જરૂરી છે.
– સોમા ઘોષ.





