આજકાલની શહેરી જિંદગીમાં આપણે એટલા ફાસ્ટ થઈ ગયા છીએ કે આ દોડાદોડીમાં કુદરતથી દૂર થઈ રહ્યા છીએ, પરંતુ થોડીક મહેનત કરવામાં આવે તો આપણે આપણા નાનકડા ઘરમાં કુદરતની સુંદરતા ઉતારી શકીએ છીએ. જેા તમારા ઘરમાં ટેરેસ હોય તો ત્યાં અને જેા ટેરેસ ન હોય તો ઘરની બાલ્કનીમાં રંગબેરંગી ફૂલોનો બગીચો બનાવી શકો છો, પરંતુ યાદ રાખો કે શહેરની નર્સરીમાં છોડવા મોંઘા મળતા હોય છે, સાથે કૂંડાં પણ સસ્તા નથી હોતા. પરંતુ ચિંતા ન કરો, કારણ કે વેસ્ટ મટીરિયલમાંથી આપણે છોડવા લગાવવાની ડિઝાઈનર અને યૂનીક આઈટમ્સ બનાવી શકીએ છીએ. આ વિશે ‘ન્યૂ આર્ક સ્ટુડિયો’ નોઈડાની આર્કિટેક નેહા ચોપરાએ નીચે મુજબની ટિપ્સ આપી છે :
જૂના ટાયર : જૂના ટાયરોનો ઉપયોગ કરીને તમે ટેરેસ અથવા બાલ્કનીના ગાર્ડન માટે અલગઅલગ આઈટમ્સ બનાવી શકો છો તમે ટાયરનો ઉપયોગ છોડવાના પ્લાન્ટ્સ બનાવવામાં કરી શકો છો અથવા તેને રંગીન અને સુંદર ઓવરલેપિંગ સીટમાં ફેરવી શકો છો. તેના માટે તમારે ટાયરને સાફ કરવા, તેની પર પેઈન્ટ લગાવવો અથવા તેને કવરિંગ કરવા વગેરે કરવું પડશે. આ કરવામાં એક વાર થોડો ખર્ચ જરૂર થાય છે, પણ આવા ટાયર વર્ષો સુધી સુંદરતા વધારે છે.
પ્લાસ્ટિક બોટલ : પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરીને તમે તમારા ગાર્ડન માટે વોટરિંગ કેન, પ્લાન્ટ્સ અને લાઈટ ફિક્સચર્સ બનાવી શકો છો. તમે અલગઅલગ આકાર અને રંગોની બોટલનો ઉપયોગ કરી શકો છો અને તેને સુંદર રીતે આકાર આપીને ટેરેસ અથવા બાલ્કની ગાર્ડન સજાવી શકો છો. તેના માટે પ્લાસ્ટિકની બોટલને ઉપરથી કાપી નાખો અને તેના તળિયે એક કાણું પાડો, જેથી પાણી બહાર નીકળી શકે. બોટલમાં માટી ભરો અને તેમાં તમારા મનગમતા છોડ લગાવો. તમે આવી બોટલને દીવાલ પર લટકાવી શકો છો.
ટિન કેન : ટિનના કેન, જૂના ડબ્બા, ડ્રમ વગેરેને પણ યોગ્ય શેપમાં કાપીને રંગથી સજાવીને કૂંડાની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. માત્ર એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તેમાં કાણા પાડતી વખતે તે તૂટી ન જાય.
માટીના વાસણ : માટીના માટલા અથવા વાસણોને ફેંકી દેવાના બદલે તેને પેઈન્ટ કરીને તેનો કૂંડાની જેમ ઉપયોગ કરી શકાય છે. માત્ર ખીલી વગેરેથી તેના તળિયામાં કાણું કરતી વખતે તે તૂટી ન જાય તેનું ધ્યાન રાખવાનું હોય છે.
જૂતાનું રેક : જૂના જૂતાના રેકમાં પણ તમે ઘણા બધા નાના કૂંડા મૂકી શકો છો. તેમને વિવિધ રંગથી સજાવીને તેની સુંદરતા વધારી શકો છો. એટલું જ નહીં, તમે તમારા જૂના જૂતાનો પણ નાના કૂંડાની જેમ ઉપયોગ કરી શકો છો. બૂટ્સ વગેરેમાં સજેલા છોડ ખૂબ સુંદર દેખાતા હોય છે.
ઈંડાના કાર્ટન : જેા કાર્ટનમાં ઈંડાં મૂકવામાં આવે છે તેને પણ તમે વિવિધ રંગથી સજાવીને અથવા કાચની સામગ્રીથી સજાવીને તમારા ટેરેસ ગાર્ડનને વધારે સુંદર બનાવી શકો છો.
લોખંડની ફ્રેમ : ઘર બનાવતી વખતે જે સળિયા અથવા બીજું લોખંડ વધે તેની ફ્રેમ બનાવીને તેની પર રંગ કર્યા પછી તેનો ટેરેસ અથવા બાલ્કનીમાં કૂંડા વગેરે મૂકવા માટે ઉપયોગ કરી શકો છો.
જૂની સાડીનો ઉપયોગ : જે મહિલાઓ પોતાની જૂની સાડીથી બોર થઈ ગઈ હોય, તેઓ તેનો ઉપયોગ ફોટોફ્રેમ તરીકે કરી શકે છે. પોતાની સાડીના સૌથી સુંદર ભાગ જેમ કે પાલવ, હાથીઘોડા કે ફ્લો વગેરેની સુંદર પેટર્ન બનાવીને તેની ફોટોફ્રેમ દીવાલ પર લટકાવી શકો છો. જેા કોઈ સોફા વગેરે મૂક્યા હોય તો જૂની સાડી વગેરેથી તેના કુશન પણ બનાવી શકો છો.
લાઈટિંગ : ટેરેસ ગાર્ડનને ત્યાંની લાઈટિંગ ખૂબ રોમેન્ટિક બનાવી દે છે. જેા તમે તમારા ટેરેસ ગાર્ડન માટે શેડ બનાવ્યો હોય તો તેની ફ્રેમ અથવા સ્ટેન્ડ પર ચારે બાજુ લાઈટની સીરિઝ લપેટીને તેને સુંદર બનાવી શકો છો. આજકાલ બજારમાં લાલટેનરૂપી લાઈટો મળવા લાગી છે. તેનો પણ તમે સજાવટમાં ઉપયોગ કરી શકો છો અથવા કોઈ જૂનું લાઈટ સ્ટેન્ડ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.
પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે પોતાના છોડવાને ગરમી અને સૂર્યના તાપથી જરૂર બચાવો. છત અથવા બાલ્કનીની દીવાલ પર એવો પેઈન્ટ કરાવો જે ગરમીને શોષી લે અને છોડવા બળી જવાથી બચી જાય. જેા તમે લાંબા સમય માટે બહાર જઈ રહ્યા હોય તો પોતાના છોડવાની નજીક પાણીમાં બરાબર ભીંજવેલી બોરી એ રીતે મૂકો કે માટીમાં ભીનાશ લાંબા સમય સુધી જળવાઈ રહે.
– સુનીલ શર્મા.





