૨૦૧૭માં પતિ અરબાઝ ખાનથી ડિવોર્સ લઈ ચૂકેલી ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરાએ તાજેતરમાં પોતાના ૧૭ વર્ષના દીકરા અરહાનનો જન્મ દિવસ ઉજવ્યો. ૪૬ વર્ષની મલાઈકા હાલમાં તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને બંને જલદી લગ્ન કરવા વિશે વિચારી રહ્યા છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ જણાવ્યું હતું કે ડિવોર્સ પછી ફરીથી પ્રેમ મેળવવો તેના માટે ખાસ છે. તેના માનવા અનુસાર આ એક કમાલનું ફીલિંગ છે, કારણ કે જ્યારે લગ્નજીવન તૂટી રહ્યું હતું, ત્યારે તે જાણતી નહોતી કે બીજી વાર તેણે આ સંબંધમાં જવું કે નહીં. જેાકે અત્યારે તો તેને ખુશી છે કે તેણે સ્વયંને ફરીથી આ તક આપી છે અને યોગ્ય નિર્ણય લીધો છે. તેના જણાવ્યા અનુસાર ડિવોર્સ પછી બીજા લગ્ન એક મહિલાનો અંગત નિર્ણય હોય છે, જેની પર કોઈને આપત્તિ ન હોવી જેાઈએ.

જેાકે એ વાત સાચી છે કે ડિવોર્સ પછી કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં પરિવર્તન આવે છે, તેમાં પણ ખાસ તો મહિલાઓની જિંદગી લગભગ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે, કારણ કે સંબંધ વિચ્છેદમાં પતિ તરફથી મળતી તકલીફોથી તે આઝાદ થઈ જાય છે, પરંતુ બીજી સમસ્યા એ હદે વધી જાય છે કે જાણે તેની જિંદગીમાં કોઈ ભૂકંપ આવી ગયો ન હોય. આ સ્થિતિમાં ડિવોર્સી મહિલા જેા બીજા લગ્ન વિશે વિચારે તો ખરેખર તેની મુશ્કેલીઓ વધી જાય છે. આજના સમયગાળામાં ઝડપથી વધી રહેલા ડિવોર્સ એટલો ગંભીર વિષય નથી જેટલું કે તે પછી ડિવોર્સી મહિલાની જિંદગીમાં આવનારી સમસ્યા છે. નીચે જણાવેલા ઉદાહરણ પર મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાડી શકે છે :

નીરાના ડિવોર્સને ૨ વર્ષ થઈ ગયા છે. પતિના દગાએ તેને જિંદગીના દરિયામાં અધવચ્ચે લાવીને ઊભી કરી દીધી છે. ૧૫ વર્ષની દીકરી શૈલીની મા નીરાને હવે દીકરી સાથે પોતાના ભવિષ્યની પણ ચિંતા સતાવી રહી છે. ડિવોર્સની કાનૂની પ્રક્રિયામાં અટવાઈને તેણે એક તરફ સમયની બરબાદી વેઠી છે, જ્યારે બીજી તરફ પોતાની શાંતિ પણ ગુમાવી દીધી છે. અત્યારે તે એક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચરની નોકરી કરી રહી છે, પરંતુ ભવિષ્યની અસલામતી ઘણી વાર તેના મનને બેચેન કરી દે છે. તે બીજા લગ્ન કરવા માટે ઈચ્છુક છે, પરંતુ જાણે છે કે બીજા લગ્નની આ યાત્રા એટલી સરળ પણ નથી.

પિંક સિટી જયપુરની રહેવાસી કોમલ ગુપ્તાના ડિવોર્સનું મુખ્ય કારણ તેના પતિનો હિંસક વ્યવહાર હતો. ત્યાં સુધી કે અંતરંગ પળોમાં પણ તેને પોતાના પતિનો હિંસક વ્યવહાર સહન કરવો પડતો હતો. ડિવોર્સની અટપટી અને કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી કોમલ મનોમન તૂટી ગઈ છે. તેને હવે કોઈના સહારાની જરૂર છે, પરંતુ ૮ વર્ષના દીકરા આશુ સાથે તેને કોઈ અપનાવશે, તેની પર તેને આશંકા જરૂર છે. નીરા અને કોમલ જેવી ઘણી બધી મહિલાઓ છે, જે કોઈ ને કોઈ મજબૂરીના લીધે પતિથી ડિવોર્સ લઈને અલગ તો થઈ છે, પરંતુ આગળની જિંદગીની યાત્રા તેના માટે ખૂબ મુશ્કેલ પ્રતીત થાય છે. તે બાળકોના ભવિષ્યની સાથ પોતાના ભવિષ્ય પ્રતિ પણ ભયભીત છે.

ડિવોર્સ પછી થનારી સમસ્યા
હીનદષ્ટિવાળી સામાજિક માનસિકતા : ભલે ને આપણો સમાજ આજે ટેક્નિકલ જ્ઞાન તથા રહેણીકરણી, પહેરવેશ વગેરેથી ખૂબ આધુનિક થઈ ગયો છે, પરંતુ હકીકત એ છે કે સમાજની માનસિકતા આજે પણ દાયકા જૂની રહી છે. આ કારણ રહ્યું છે કે ડિવોર્સી મહિલાઓને આજે પણ હીનદષ્ટિથી જેાવામાં આવે છે, પછી ભલે ને તે ગમે તે વર્ગની કેમ ન હોય. તેને તેજતર્રાર, નિર્લ્લજ અને ચાલાક મહિલાની પદવી આપી દેવામાં આવે છે, જાણે તેણે ખૂબ ખુશીથી પોતાના પતિથી ડિવોર્સની પસંદગી ન કરી હોય.

વ્યક્તિગત જીવનમાં ચંચુપાત : સમાજમાં મહિલાપુરુષના બેવડા માપદંડના લીધે મોટાભાગે મહિલાઓને ડિવોર્સ માટે સંપૂર્ણ રીતે દોષી જાહેર કરવામાં આવે છે. તેની તકલીફને સમજવાનું તો દૂર, લોકો તેને મહેણાંટોણાં મારવાથી પણ દૂર નથી રહેતા. ડિવોર્સના લીધે તેમને આડોશપાડોશ, સગાંસંબંધીના કટાક્ષનો સામનો કરવો પડે છે. આમ પણ આપણો તથાકથિત સભ્ય સમાજ એક પુરુષની સરખામણીમાં મહિલાના વ્યક્તિગત જીવનમાં વધારે રસ ધરાવે છે. આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે તેમની પર્સનલ લાઈફમાં લોકોનો ચંચુપાત વધારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની જાય છે.

આર્થિક નિર્ભરતા : આજે મોટાભાગની મહિલાઓ આર્થિક રીતે પોતાના પતિ પર નિર્ભર હોય છે, પરિણામે ડિવોર્સ પછી પણ પોતાના ભરણપોષણ માટે તેણે પતિની તરફ જેાવું પડે છે. કોર્ટ દ્વારા પતિ પાસેથી અપાવવામાં આવતું ભરણપોષણ ભથ્થું ઘણી વાર તેમના ખર્ચા માટે અપૂરતું હોય છે.

શારીરિક તથા માનસિક શોષણ : ડિવોર્સી મહિલાના વર્કપ્લેસ પર તેમનું શારીરિક તથા માનસિક શોષણ થવાની શક્યતા વધી જાય છે. આમ પણ પુરુષપ્રધાન સમાજ હોવાથી પુરુષ વિનાના ઘરની મહિલાઓને સરળ શિકાર માનવામાં આવે છે, જેમને થોડી લાગણી દર્શાવીને કોઈ પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. પરિણામે ઘરમાં સગાંસંબંધી તથા બહાર બોસની લોલુપ નજર ડિવોર્સી મહિલા પર કેન્દ્રિત રહે છે. આમ મહિલાઓઐ દરેક પગલે ફૂંકીફૂંકીને ચાલવું પડે છે.

વધતી જવાબદારી : જે રીતે ૨ પૈડાની ગાડી પોતાના બોજને સરળતાથી ઉઠાવવામાં સક્ષમ હોય છે, તે જ રીતે પતિપત્ની પણ સાથે મળીને સહજતાથી પોતાની ગૃહસ્થીની ગાડીને ચલાવી શકે છે, પરંતુ એકલી મહિલા માટે ગૃહસ્થીની બધી જવાબદારી સંભાળવી એટલી સરળ નથી હોતી. ઘરબહારના કામ, બાળકોનો ઉછેર, આવકની વ્યવસ્થા કરતાંકરતાં તેની હાલત ખરાબ થવા લાગે છે. આ સ્થિતિમાં વધતી જવાબદારીનું દબાણ તેના ડિવોર્સી જીવનને મુશ્કેલીમાં મૂકી દે છે.

બીજા લગ્નમાં આવતી અડચણ : પુરુષવાદી માનસિકતાનો ગુલામ એવો આપણો સમાજ આજે પણ ડિવોર્સી મહિલાને શંકાની નજરથી જુએ છે. તેથી તેની સાથે દાંપત્ય સંબંધ જેાડતા પહેલાં પોતાના સ્તરે તેના ડિવોર્સના કારણોની તપાસ કરી લેવામાં આવે છે કે ડિવોર્સનું જણાવવામાં આવેલું કારણ શું વાજબી હતું કે નહીં. આ સ્થિતિમાં ડિવોર્સી મહિલાના ચારિત્ર્ય પર પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, જેથી તેની સમસ્યા વધવી સ્વાભાવિક છે. પરંતુ કહેવાય છે ને કે જ્યારે ખાંડણીમાં માથું મૂક્યુ પછી દસ્તાનો ડર કેવો. જ્યારે ડિવોર્સ લેવાનું નક્કી કરી લીધું તો પછી આવનારી મુશ્કેલીથી ડરવાનું કેમ.

લગ્નના ૭ વર્ષ પછી પોતાના પતિથી ડિવોર્સ લઈ ચૂકેલી રીના પોતાની ડિવોર્સ પછીની જિંદગી પર પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે કે ડિવોર્સ પછીનું જીવન મુશ્કેલ જરૂર છે, પરંતુ અશક્ય નથી. આમ પણ ડિવોર્સ પહેલાં તેનું જીવન એક દુખભરી કહાણી સિવાય કંઈ જ નહોતું. પતિ અને સાસરીના લોકોએ તેનું તથા તેની બાળકીનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. હવે તે ક્યારેય પોતાના પતિ પાસે પરત જવા તૈયાર નથી. પોતાની ૬ વર્ષની દીકરી સાથે જિંદગીને ખુશીખુશી જીવવા ઈચ્છે છે. જેાકે રીના બીજા લગ્નની પણ ઈચ્છા ધરાવે છે, પરંતુ તેની શરત એ છે કે તેની દીકરીને પિતાનો પ્રેમ મળે. જેાકે લગ્નના નામે પોતાની સ્વતંત્રતાને ગિરવી મૂકવી તેને પસંદ નથી. ડિવોર્સી હોવું કોઈ ગુનો નથી. કોઈ વાજબી કારણસર જેા તમે ડિવોર્સ લઈ લીધા હોય તો જિંદગીને એક કાળા ડાઘની જેમ નહીં, પરંતુ કુદરતની અણમોલ ભેટ માનીને જીવો. તમારી સકારાત્મક માનસિકતાથી આવનારા પડકારોનો હસીને સામનો કરો અને અબળા નહીં, પરંતુ એક સબળા બનીને સમાજમાં પોતાના અસ્તિત્વ અને ગરિમા જાળવી રાખો. અહીં જણાવેલા ઉપાય આ કામમાં તમને મદદરૂપ બનશે :

ભવિષ્યની પ્રાથમિકતા નક્કી કરો : કોઈ પણ જાતના દબાણ વિના પોતાના ભવિષ્યની પ્રાથમિકતા નક્કી કરો. યાદ રાખો કે જિંદગી માત્ર તમારી છે, તેથી તેને જીવવાની રીત અને કુશળતા પણ તમારી હોવી જેાઈએ. સમજીવિચારીને જિંદગીને બીજી તક આપો અને કોઈ પણ જાતના ડર વિના, પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રયાસ કરો.

ભવિષ્ય માટે સકારાત્મક માનસિકતા : ક્યારેક-ક્યારેક એવું થાય છે કે ૨ વ્યક્તિ એકસાથે નથી રહી શકતી, પરંતુ તેનો અર્થ એ નથી કે જિંદગી હવે પૂરી થઈ ગઈ છે. જિંદગી હંમેશાં બીજી તક આપતી હોય છે અને તે પણ પહેલાંથી વધારે સારી. તેથી લોકો શું કહેશે તે વાતને મનમાંથી કાઢી નાખો અને લોકો દ્વારા કરવામાં આવતી ટીકાટિપ્પણી પર ધ્યાન ન આપો, કારણ કે લોકો બોલવાના જ છે અને તેમનું તે જ કામ હોય છે. તેથી સકારાત્મક બનીને જિંદગીને નવા નામે જીવવાની કોશિશ કરો.

આત્મનિર્ભર બનો : આર્થિક રીતે સ્વયંને મજબૂત બનાવવાની કોશિશ કરો. પોતાના શિક્ષણ અને પ્રતિભા અનુસાર રોજગારની તક શોધો અને પોતાના પગ પર મજબૂતાઈથી ઊભા થવાનો પ્રયત્ન કરો.

બાળકો સાથે મજબૂત બોન્ડિંગ બનાવો : ગમે તેટલી સમસ્યા કેમ ન હોય બાળકોને નજરઅંદાજ ન કરો. તેમની સાથે ખુશીઆનંદની પળો જરૂર વિતાવો. આમ કરવાથી બાળકો સાથે તમારો સંબંધ પણ મજબૂત બનશે અને તમે પણ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જશો. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં બાળકોને વિશ્વાસમાં લેવા ખૂબ જરૂરી છે, નહીં તો તેમનો ગુસ્સો અથવા ઉદાસીનતા તમારા કોઈ પણ નિર્ણય પર ભારે પડી શકે છે. તેથી તમારા બાળકો સાથે મજબૂત બોન્ડિંગ બનાવો.

આત્મવિશ્વાસ વધારો : ડિવોર્સ લઈને તમે કંઈ ખોટું નથી કર્યું, પરંતુ તમારી સાથે જે ખોટું થઈ રહ્યું હતું તેનો વિરોધ કરીને તમે તમારી માનસિક તાકાત બતાવી છે તેમ સમજેા. ભલે ને સમાજ થોડા સમય પછી તમારા દષ્ટિકોણને સાચો માને, પરંતુ સ્વયં પોતાના આ નિર્ણય સાથે મજબૂતાઈથી ઊભા રહો અથવા પોતાને કારણ વિનાના આરોપ અને દોષથી મુક્ત કરીને ખુલ્લી હવામાં શ્વાસ લો અને પોતાના દરેક નિર્ણય પર વિશ્વાસ રાખો.

કરો એ જ જે તમને લાગે સાચું : ડિવોર્સ લીધા પછી એકલા રહેવું છે કે પછી પોતાને બીજી તક આપીને લગ્ન કરી લેવા છે તે નિર્ણય તમારો પોતાનો હોવો જેાઈએ. મુશ્કેલીના ડરથી ભાગશો નહીં, પરંતુ ચુસ્તીથી પોતાની સમસ્યાનું સમાધાન શોધવા તત્પર રહો, કારણ કે લોકો પણ એવા લોકોને સાથ આપે છે, જેમાં પોતાના માટે લડવાની તાકાત હોય. તેથી જેા તમે પણ તૈયાર થઈ ગયા હોય તો ડિવોર્સ પછીની યાત્રા તમારા માટે સરળ રહેશે.
– પૂનમ પાઠક.

વધુ વાંચવા કિલક કરો....