‘‘ટૂમિનિટ નૂડલ્સ.’’ એટલે કે મેગીને તો બધા જાણો છો, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાભરમાં કેટલા પ્રકારના નૂડલ્સ ખવાય છે? હા, અનેક પ્રકારના. કોઈ સ્વચ્છ સફેદ, તો કોઈ પાતળી સૂતળી જેવા અથવા કોઈ પહોળી રિબન જેવા બનેલા હોય છે. કેટલાક લોટમાંથી બનેલા હોય છે તો કેટલાક ચોખા, મેંદા, બટાકા, ઈંડા, શક્કરિયા અથવા કોળામાંથી બનેલા. તે સિવાય બીજા પણ જાતજાતના નૂડલ્સ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. આકાર અને રંગમાં અલગ આ નૂડલ્સ ઘણી બધી રીતે બનાવાય છે. તેના નામ પણ અલગઅલગ.
બાળકો તેને ખુશીથી ખાય છે અને મોટા પણ તેને ખૂબ પસંદ કરે છે. નૂડલ્સ બનાવવામાં સરળ, સ્વાદિષ્ટ હોય છે તેમજ તેમાં મનગમતા શાકભાજી મિક્સ કરીને તેને પૌષ્ટિક પણ બનાવી શકાય છે.
આજે આવા જ કેટલાક પૌષ્ટિક નૂડલ્સ વિશે જાણીએ, જે ચીનની સરહદને ઓળંગીને બીજા ઘણા દેશમાં પણ લોકપ્રિય બની ગયા છે.
યૂનાન રાઈસ નૂડલ્સ
આમ તો ચોખાના નૂડલ્સ અનેક આકારના મળે છે, પરંતુ ગોળ અને સામાન્ય સ્પેગેટી ટાઈપના નૂડલ્સ સૌથી વધારે લોકપ્રિય છે, જેને યૂનાન નૂડલ્સ અથવા મી જિઆન પણ કહે છે. દક્ષિણ પશ્ચિમી ચીનના યૂનાન પ્રોવિન્સથી લોકપ્રિય થયેલા આ નૂડલ્સ મોટાભાગે ગ્લૂટેન ફ્રી ચોખા અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવે છે. નૂડલ્સમાંથી ઘણા બધા પ્રકારની ડિશિસ બનાવવામાં આવે છે જેમાં સૌથી વધારે લોકપ્રિય ‘ક્રોસિંગ ધ બ્રિજ રાઈસ નૂડલ્સ’ છે. ચિકન, પોર્ક અને મસાલા ખાસ કરીને સ્ટાર એનીજ અને આદું સાથે બનાવવામાં આવેલા સૂપ સાથે તૈયાર નૂડલ્સ પીરસવામાં આવે છે.
મી ફેન અથવા રાઈસ સેવઈયા
પાતળા નૂડલ્સ જે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં મળે છે તેને ચીનમાં ફેન અને થાઈમાં સન કહે છે. દક્ષિણ ચીનથી આવેલા આ નૂડલ્સ ખૂબ પાતળા, તૂટી જાય તેવા અને ઊજળા હોય છે. તેને બનાવવા પણ ખૂબ સરળ હોય છે. ૧૦ મિનિટ સુધી તેને ગરમ પાણીમાં ડુબાડી રાખવા પૂરતા છે. પાણી કાઢીને ઈચ્છો તો બ્રાથમાં નાખો અથવા તવા પર શાકભાજી સાથે હળવા ફ્રાય કરો. ખૂબ ફ્લેવરફુલ અને ઓછા ઓઈલી હોવાથી તે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. ફિલિપાઈન્સની પ્રખ્યાત વાનગી ‘પંસિત’ પણ રાઈસ નૂડલ્સ, શાકભાજી, ચિકન, રશ્રંપ, સોયા સોસ વગેરે સાથે ટોસ કરીને બનાવવામાં આવે છે. ‘પેડ થાઈ’ બનાવવામાં પણ આ પ્રકારના નૂડલ્સનો પ્રયોગ કરવામાં આવે છે.
હે ફન
તે જાડા અને ચપટા નૂડલ્સ છે જેને થાઈમાં સન યઈ કહેવામાં આવે છે. માન્યતા છે કે તે સર્વપ્રથમ દક્ષિણ ચીનના ગ્વાંગઝોડ પ્રાંતમાં બનેલા હતા. કેંટોનીજ ડિશ ‘ચાઉ ફન’ માં તે નૂડલ્સ મીટ અથવા વેજિટેબલ્સ સાથે ડ્રાઈ ફ્રાઈ કરવામાં આવે છે અથવા તેને થીક અને સ્ટાર્ચયુક્ત સોસ સાથે બનાવાય છે. ચોખાના લોટ અને પાણીથી બનેલા નૂડલ્સ મહદ્અંશે લાંબી સ્ટ્રિપ્સ અથવા શીટ્સ રૂપે માર્કેટમાં મળે છે જેને મનગમતા આકારમાં બનાવી શકાય છે. યીન જેન ફન અથવા સિલ્વર નીડલ નૂડલ્સ બિલકુલ સફેદ અને ખૂબ નાના આકારના હોય છે. માત્ર ૫ સેમી લાંબા અને ૫ એમએમ વ્યાસના. આ નૂડલ્સના બંને છેડા અણીદાર હોય છે. મલેશિયા અને સિંગાપોરમાં તેને રત નૂડલ્સના નામથી પણ ઓળખાય છે. રાઈસ અને પાણીના મિશ્રણનેે બારીક ચાળણીના માધ્યમથી સીધા ઊકળતા પાણીમાં નાખીને બનાવાય છે. તેને તૂટવાથી બચાવવા બનાવતી વખતે સ્ટાર્ચ પણ મિક્સ કરવામાં આવે છે.
લામિઆન અથવા હેન્ડ પુલ્ડ નૂડલ્સ
હાથથી ખેંચીને લાંબા કરવામાં આવેલ ચાઈનીઝ નૂડલ્સ. ઘઉંના લોટ, મીઠું અને પાણીથી બનાવવામાં આવતા આ નૂડલ્સમાં ક્યારેક-ક્યારેક લચીલાપણું આપવા માટે આલ્કલાઈન પણ મિક્સ કરવામાં આવે છે. બન્યા પછી તે ખૂબ મુલાયમ, ચીકણા હોય છે અને તેને હંમેશાં તાજા પીરસવામાં આવે છે. ઉત્તર પશ્ચિમી ચીનની પ્રસિદ્ધ વાનગી ‘ડાનડાન નૂડલ્સ’ માં આ નૂડલ્સને ઉપયોગમાં લેવામાં આવે છે.

ફન જી અથવા ગ્લાસ નૂડલ્સ
ખૂબ પાતળા, લાંબા અને લગભગ પારદર્શી આ નૂડલ્સના રંગમાં ભિન્નતા, તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતી સ્ટાર્ચ સામગ્રી પર નિર્ભર કરે છે. મગ, બીન્સ, બટાકા, શક્કરિયા અથવા સાબુદાણાના હિસાબે તે સફેદ, સામાન્ય સ્લેટી અથવા ભૂરા રંગના હોઈ શકે છે. આ નૂડલ્સને ૩ થી ૫ મિનિટ માટે ઉકાળીને કે ગરમ પાણીમાં પલાળી રાખ્યા પછી ઉપયોગમાં લઈ શકાય છે.
મીસુઆ
ચીનના ફુઝિઆન રાજ્યના પાતળા નમકીન અને બધાથી લાંબા નૂડલ્સ છે મીસુઆ. ભીના લોટને ૩૦ મીટર સુધી ખેંચીને આ નૂડલ્સ બનાવવામાં આવે છે. ચીનમાં જન્મદિવસની પાર્ટીમાં આ નૂડલ્સને સર્વ કરવામાં આવે છે. ચાઈનીઝ માન્યતાના હિસાબે આ નૂડલ્સને લાંબી ઉંમર સાથે જેાડવામાં આવે છે. આ નૂડલ્સને સૂપ સાથે સર્વ કરાય છે કે ઓછી આંચ પર શાકભાજી સાથે ટોસ કરીને પણ તૈયાર કરવામાં?આવે છે.
ચાઉમિન
ચાઉમિનના આપણે બધા પણ દીવાના છીએ. ચાઉમિન શબ્દનો અર્થ છે ફ્રાઈડ નૂડલ્સ. દેખાવમાં પાતળા અને ક્રિસ્પી નૂડલ્સ સૌપ્રથમ ગ્વાંગડોંગ ચીનમાં બનાવવામાં આવ્યા હતા. તેને બનાવતા પહેલાં તેને બાફવા જરૂરી રહે છે, તેની થીકનેસના હિસાબે ૨ થી ૬ મિનિટ સુધી. તેને ઠંડા પાણીથી ધોઈને અને પાણી કાઢીને મનગમતા શાકભાજી, ઈંડા અથવા માંસ સાથે ટોસ કરીને તૈયાર કરવામાં આવે છે.
વાનટોન નૂડલ્સ
પાતળા આકારના આ નૂડલ્સ ઈંડાં, પાણી અને લાઈવોટર (સોડિયમ અથવા પોટેશિયમ હાઈડ્રોક્સાઈડનું મિશ્રણ) થી બનાવવામાં આવે છે. આ નૂડલ્સને તેના આકાર અને રંગના લીધે એન્જલ હેર પાસ્તા પણ કહેવામાં આવે છે. દક્ષિણ ચીન અને હોંગકોંગમાં બનાવવામાં આવતા આ નૂડલ્સને થોડો સમય પાણીમાં ઉકાળીને ઠંડા પાણી નીચે રાખવામાં આવે છે. કૈંટોની ડિશ ‘રશ્રંપ વાનટોન’ પણ લોકોને ખૂબ ગમતા હોય છે.
નાઈફ કટ નૂડલ્સ
આ પ્રકારના નૂડલ્સની સ્ટ્રેંડ દર બીજા સ્ટ્રેંડના આકાર અને લંબાઈથી અલગ હોય છે. ઉલ્લેખનીય છે કે લાંબા અનુભવ પછી કોઈ પણ શેફને આ નૂડલ્સ બનાવવામાં નિપુણતા મળે છે. બીજા નૂડલ્સની સરખામણીમાં આ નૂડલ્સ મોટા હોય છ. નૂડલ્સના બંને છેડા ખરબચડા હોય છે.
લામિઆન
મુલાયમ, સિલ્કી અને ચાઉમિનથી થોડા મોટા આ એગ નૂડલ્સને બનાવવાની રીત અલગ હોય છે. તેનો શાબ્દિક અર્થ છે ટાસ્ડ નૂડલ્સ. તેને સૌપ્રથમ બાફવા પડે છે, પછી ખૂબ ઓછો સોસ, રાંધેલા શાકભાજી અને માંસ સાથે ટોસ કરી લેવામાં આવે છે.
– ચેતના વર્ધન.





