નિશાએ આ દિવાળીમાં પોતાના માટે ખૂબ સુંદર ડ્રેસ લીધો હતો. નેટનો દુપટ્ટો અને લહેરિયા ડિઝાઈનવાળા આ લાઈટ પિંક સ્લીવલેસ ડ્રેસમાં તે ખૂબ સુંદર દેખાતી હતી, પણ જ્યારે સાંજે તૈયાર થતી વખતે તેણે ડ્રેસ મુજબ હેરસ્ટાઈલ બનાવવાની કોશિશ કરી ત્યારે તેનો લુક સારો ન આવ્યો. તેના હેર ડ્રાય અને નિસ્તેજ લાગતા હતા, જેમાં તે સ્ટાઈલ સૂટ નહોતી કરતી. પછી તેણે હેર ખુલ્લા રાખવાનું વિચાર્યું તો પણ તે સારા નહોતા લાગતા.
હકીકતમાં, દિવાળીથી જસ્ટ પહેલાં નિશા એક એક્ઝામ આપવા લખનૌ ગઈ હતી અને પછી આવીને શોપિંગ કરવા લાગી. તેથી તે તેના હેરનું ધ્યાન ન રાખી શકી અને જ્યારે સુંદર દેખાવાનો સમય આવ્યો ત્યારે હેરના લીધે તેનો લુક બગડી ગયો.
તહેવાર એક એવો પ્રસંગ છે જ્યારે દરેક છોકરી કે મહિલા સૌથી સુંદર દેખાવા માંગે છે. રંગબેરંગી નવા કપડાં સાથે સ્ટાઈલિશ અથવા ખુલ્લા હેરમાં આકર્ષક દેખાવા ઈચ્છે છે, જ્યારે તહેવારમાં આપણો મોટાભાગનો સમય તૈયારી અને વ્યસ્તતામાં પસાર થાય છે. આ સંજેાગોમાં પોતાના હેરની સંભાળ લેવા માટે સમય કાઢવો મુશ્કેલ થઈ જાય છે.
તહેવારમાં આકર્ષક દેખાવા માટે છોકરીઓ હેર ખુલ્લા રાખે છે અને ખુલ્લા હેર સારા લાગે તેની તૈયારી પહેલાંથી કરવી પડે છે. તહેવારના આગમનથી થોડા સમય પહેલાંથી એક હેર કેર રૂટિન અપનાવવાની જરૂર છે, જેથી તમે સારી હેરસ્ટાઈલ બનાવી શકો અથવા ખુલ્લા હેર
રાખી શકો
. તહેવાર પહેલાં આ રીતે હેર કેર કરો :
ખોરાક પર ધ્યાન આપો
પૌષ્ટિક ખોરાકનું સેવન કરવું સૌથી મહત્ત્વપૂર્ણ છે. વિટામિન સી, આયર્ન અને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થનું સેવન તમારા માથાની સ્કિનને સ્વસ્થ બનાવે છે અને હેરને ખરતા અટકાવવામાં મદદ કરે છે. તે સિવાય ખોરાકમાં વધારે ઓમેગા થ્રી અને ઓમેગા ૬ વાળા ખાદ્યપદાર્થ જેમ કે ઈંડાં, બદામ અને અખરોટ સામેલ કરો.
હેરને નિયમિત ટ્રિમિંગ કરાવો
નિયમિત ટ્રિમ કરાવવું સ્વસ્થ હેરકેરનો એક જરૂરી ભાગ છે. દર ૭-૮ અઠવાડિયામાં હેરને ટ્રિમ કરાવવાથી દ્વિમુખી હેરને મૂળ સુધી વધતા અટકાવવામાં મદદ મળે છે, જેથી હેર તૂટવા અને નિસ્તેજ થવા લાગે છે. નિયમિત ટ્રિમ્સ હેરનો વિકાસ કરે છે અને હેરને એક ફ્રેશ, જીવંત રૂપ આપે છે. તેનાથી હેર મજબૂત બને છે અને તમે નવીનવી સ્ટાઈલ બનાવી શકો છો.
નિયમિત સફાઈ
શેમ્પૂથી નિયમિત સફાઈ કરવી જરૂરી છે ખાસ તહેવાર દરમિયાન એવું કરવું ખૂબ જરૂરી છે. આ સમયે તમે માર્કેટમાં ખરીદી કરવા જાઓ છો અને ધૂળમાટી સંપર્કમાં આવે છે. તમે હેરમાં કોઈ કેમિકલ ટ્રીટમેન્ટ લીધી છે તો તમારા ક્લીંઝરમાં પીએચ સંતુલન અને મોઈશ્ચરાઈઝિંગ પ્રભાવ હોવો જેાઈએ. જે મહિલાઓ કે છોકરીઓ રોજ હેર વોશ કરે છે તેમના માટે સલ્ફેટ મુક્ત શેમ્પૂ જરૂરી છે. તેની સાથે એવું શેમ્પૂ પસંદ કરો, જે તમારા હેરના પ્રકાર સાથે મેળ ખાય અને તમારી કોઈ પણ સમસ્યા જેમ કે ડેન્ડ્રફ અથવા ડ્રાયનેસનું સમાધાન લાવે. ધીરેધીરે તમારા સ્કેલ્પમાં શેમ્પૂ લગાવો અને ગંદકી, વધારે તેલ વગેરેને દૂર કરવા માટે તેને માલિશ કરો. હવે નવશેકા પાણીથી બરાબર વોશ કરો. તમારા હેરને પૂરો દિવસ સિલ્કી રાખવા માટે ફળ કે લીંબુ જેવા સુગંધિત શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો.
હેર કંડિશનિંગ
હેરને નિયમિત કંડિશનિંગ કરવામાં આવે તો તે હેરની કાળજી માટે સૌથી અસરકારક સાબિત થાય છે. તમારે બસ થોડા એલોવેરામાં નાળિયેર તેલ ગરમ કરવાનું છે. પછી આંગળીઓની મદદથી તેલનેે હેર પર લગાવો. તે જગ્યાએ વધારે લગાવો જે વધારે ડ્રાય અને શુષ્ક છે. કંડિશનરને થોડી વાર સુધી પોતાનો જાદૂ બતાવવા દો, જેથી તે તમારા હેરમાં પ્રવેશ કરીને તેને હાઈડ્રેટ કરી શકે. તેનાથી તમારા હેરની સમસ્યા દૂર થશે. એલોવેરા અને નાળિયેરનો મેળ ન માત્ર તમારા હેરને પોષણ આપશે અને તેને સ્વસ્થ પણ રાખશે, પરંતુ એલોવેરાના કંડિશનિંગ અસરના લીધે તમારા હેર સિલ્કી રહેશે. તેથી તમારા માટે કોઈ પણ ઉત્સવની ટ્રેન્ડી હેરસ્ટાઈલ બનાવવામાં સરળતા રહેશે. તમારા હેરને નિયમિત બ્રશ કરવાથી તમારા હેરને સાફ કરવામાં મદદ મળશે. પહોળા દાંતાવાળા કાંસકાથી બ્રશ કરવાની સાચી ટેક્નિક સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરશે, જેથી હેરની ડ્રાયનેસ ઓછી થશે. તેનાથી તમારા હેર ફ્રેશ અને સ્ટાઈલિશ બનશે.
હેર માસ્ક લગાવો
તહેવારમાં સ્ટાઈલિંગ માટે હેરને તૈયાર કરવા માટે ૬-૭ દિવસ પહેલાં હેર માસ્ક લગાવવું પણ જરૂરી છે, કારણ કે તમારા હેર જેટલા વધારે હાઈડ્રેટેડ થશે એટલા સારા. હેર માસ્ક તરીકે તમે મેંદી પણ લગાવી શકો છો અથવા અન્ય કેટલાય પ્રકારના હેર માસ્ક છે જેમ કે એલોવેરા અને નાળિયેર તેલનો માસ્ક, મેંદી અને આમળાનો હેર માસ્ક, મધ અને ઈંડાનો હેર માસ્ક, એવોકાડો અને ઓલિવ?ઓઈલ હેર માસ્ક, નાળિયેર તેલ અને ઈંડાનો હેર માસ્ક અને હેરમાં તેલ લગાવવું. હેરને ભેજયુક્ત રાખવા માટે તેલનો ઉપયોગ કરો. તેલ તમારા હેરને મોઈશ્ચરાઈઝ કરે છે. તેનાથી તમારી હેરસ્ટાઈલ સારી દેખાય છે. જે દિવસોમાં તમે હેર માસ્ક નથી લગાવતા તે દિવસોમાં હેર વોશ કર્યા પછી તેમાં થોડી વાર માટે તેલ લગાવો. થોડા પ્રમાણમાં તેલ લો અને આંગળીની મદદથી ગોળાકાર મોશનમાં માલિશ કરો. રાતે ઊંઘતાં પહેલાં હેરમાં તેલથી માલિશ કરો. તેનાથી ડ્રાય અને નિસ્તેજ હેર થોડા જ દિવસમાં ઠીક થઈ જશે.
તેલના મિશ્રણને સ્કેલ્પ અને હેર પર સારી રીતે લગાવીને હેરને ૧૦ મિનિટ માટે ગરમ ટુવાલમાં લપેટો અને પછી છોડી દો. સવારે હળવા હેર ક્લીંઝરથી ધોઈ લો. તમે જરૂર મુજબ નાળિયેર તેલ, સરસવ તેલ, આમળા, બદામ અથવા એવું હર્બલ તેલ પસંદ કરો જે હેરના મૂળમાં પ્રવેશ કરે છે, મૂળ મજબૂત બનાવે છે અને જરૂરી પોષક તત્ત્વો પ્રદાન કરે છે. તે હેરના વિકાસને ઉત્તેજિત કરીને પ્રાકૃતિક ચમક પ્રદાન કરે છે.

હેરને સિલ્કી બનાવો
સિલ્કી હેર તહેવાર દરમિયાન તમારી સુંદરતાને વધારે ખાસ બનાવે છે. તેના માટે નીચેની સામગ્રીનો ઉપયોગ કરો :
૧ ઈંડું, ૧ ચમચી એલોવેરા જ્યૂસ અને કેટલાક ટીપાં લીંબુનો રસ એક સ્વચ્છ કાચની વાટકીમાં મિક્સ કરો અને સ્વચ્છ અને કોરા હેર પર લગાવો. હેરને શાવર કેપથી ઢાંકીને એક કલાક માટે રાખો. પછી હળવા શેમ્પૂથી ધોઈ લો અને હેરને સુકાવા દો.
હીટિંગ ટૂલ્સનો ઓછો ઉપયોગ
તહેવારમાં હેરસ્ટાઈલ બનાવવા માટે સામાન્ય રીતે હીટિંગ ટૂલ્સનો વધારે ઉપયોગ થાય છે, પરંતુ હીટિંગ ટૂલ્સથી સ્ટાઈલ કરવાથી તમારા હેરમાં પ્રાકૃતિક ભેજ નથી રહેતો. તેથી બ્લોડ્રાઈંગ, સ્ટ્રેટનિંગ અને કલરથી દૂર રહો. તે ઉપરાંત તમે એલોવેરા અને નાળિયેર તેલ જેવા પ્રાકૃતિક તત્ત્વો અપનાવો છો તો તેનાથી ન માત્ર તમારા હેરને જરૂરી ડિટોક્સ ટ્રીટમેન્ટ મળશે, પરંતુ તે મજબૂત અને સ્વસ્થ બનશે.
તહેવારના દિવસે હેર કેર
તહેવારના દિવસે કોઈ સારા શેમ્પૂથી હેર વોશ કરો. પછી કંડિશનરનો ઉપયોગ કરીને તેને પ્રાકૃતિક રીતે સુકાવા દો. હેર તૈયાર થઈ જાય તો તમારા ડ્રેસ મુજબ એક સુંદર, સ્ટાઈલિશ, પણ સરળ હેરસ્ટાઈલ બનાવો. તહેવાર દરમિયાન આપણે સતત કેટલાય પ્રસંગ માટે તૈયાર થવાનું હોય છે. એવામાં પ્રયાસ કરો કે તમે રોજ અલગઅલગ હેરસ્ટાઈલ બનાવો.
હેર કલર કરો
હેર પર કલર લગાવીને ડિફરન્ટ લુક આપી શકો છો અને તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. બજારમાં મળતા કલરનો ઉપયોગ કરી શકો અથવા મેંદી કે બીટનો રસ ટ્રાય કરો. તે પ્રાકૃતિક રીતે તમારા હેરને બ્લેક કરીને આકર્ષક બનાવશે અને કંડિશનર પણ કરશે. બીટના રસનો ઉપયોગ કર્યા પછી તમારા હેર પર પાણીનો ઉપયોગ ન કરવો અને ધ્યાન રાખો કે એક વાર જ્યારે તમે તમારા હેર પર પાણીનો ઉપયોગ કરશો તો રંગ નહીં રહે.
હેરને ધીરેથી કોમ્બ કરો
હેરના બિનજરૂરી તૂટવા અને ખેંચાવાથી બચવા માટે હેરને ધીરેથી કોમ્બ કરો. કંડિશનર લગાવ્યા પછી પહોળા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરો. છેડાથી શરૂઆત કરો અને ધીરેધીરે કોઈ પણ ગાંઠને દૂર કરતા ઉપરની તરફ વધો. હેર ઓછા ખરશે.
તહેવાર દરમિયાન જ્યારે તમે રોજ નવી હેરસ્ટાઈલ બનાવવા માટે હીટનો ઉપયોગ કરો છો તો તે તમારા હેર માટે હાનિકારક છે. તેની વિપરીત તમે પહેલાંથી હેરની કાળજી લેશો તો તમે તમારી રીતે હેરસ્ટાઈલ કરી શકશો અને હીટિંગ ટૂલ્સની જરૂર નહીં પડે.
– ગરિમા પંકજ.





