મારી પુત્રવધૂની ઉંમર ૩૧ વર્ષ છે. લગ્નના ૬ વર્ષ થયા છે, પણ તે હજી સુધી મા નથી બની શકી. દીકરા અને વહુની ઘણી તપાસ અને સારવાર કરાવી, પણ સમસ્યા દૂર ન થઈ. હવે વહુ પણ ખૂબ ઉદાસ રહેવા લાગી છે. ક્યારેક-ક્યારેક કારણ વિના રડવા લાગે છે. કૃપા કરીને કોઈ ઉપાય જણાવો?
કોઈ પણ મહિલા માટે મા બનવું જીવનનો સૌથી સુખદ અનુભવ હોય છે. તે જેાતા તમારી પુત્રવધૂની મનોસ્થિતિ સમજી શકાય છે. તમારી વાતો પરથી લાગી રહ્યું છે કે માતૃત્વએ તેમને તાણગ્રસ્ત બનાવી દીધા છે. તમારે તેમને આ સ્થિતિમાંથી બહાર લાવવા પડશે, કારણ કે તાણ તો નિ:સંતાનપણાની સમસ્યાને વધારે ઘેરી બનાવે છે. તાણના કારણે પ્રજનનતંત્ર સંબંધી ઘણી સમસ્યા ઊભી થાય છે. વિશ્વભરના ૫૦ ટકા કેસમાં મુખ્યત્વે તાણ અને અન્ય માનસિક સમસ્યા જ કારણરૂપ હોય છે. હવે તમે તેમને કોઈ સારા મનોચિકિત્સકને બતાવો. તેમને ખુશ રાખવાના શક્ય પ્રયાસ કરો. બની શકે કે તેમનું મા ન બનવાનું કારણ માનસિક હોય.
હું મારી સ્થૂળતાના લીધે ગર્ભધારણ નહોતી કરી શકી, પણ હવે જ્યારે મેં મારું વજન ઘટાડી દીધું છે તેમ છતાં પણ ગર્ભધારણ કરવામાં સમસ્યા થાય છે. શું ગર્ભધારણ કરવા માટે હવે આઈવીએફ જ એકમાત્ર વિકલ્પ બાકી રહ્યો છે?
સ્થૂળતાના લીધે ગર્ભધારણ કરવામાં સમસ્યા થાય છે, પણ એવું નથી કે સ્થૂળ મહિલાઓ ક્યારેય મા નથી બનતી. હવે તો તમે તમારું વજન પણ ઘટાડી દીધું છે. તમે સૌપ્રથમ તો કોઈ સારા સ્ત્રીરોગ નિષ્ણાતને મળીને વંધ્યત્વનું કારણ જાણો. આઈવીએફ જ વંધ્યત્વની સારવારનો એકમાત્ર વિકલ્પ નથી. આ સમસ્યાના ઘણા કારણ હોય છે. જ્યારે સમસ્યાનું ચોક્કસ નિદાન અને સારવાર કરાવવામાં આવશે તો સ્વાભાવિક રીતે તમે ગર્ભધારણ કરી શકશો. ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં દવા, હોર્મોન્સ થેરપિ, આઈયૂઆઈ ખૂબ અસરકારક સાબિત થાય છે. ક્યારેક-ક્યારેક માત્ર જીવનશૈલીમાં પરિવર્તન કરવાથી પણ વંધ્યત્વની સમસ્યા દૂર થાય છે. જે આ બધા પ્રયાસ કરવા છતાં પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો આઈવીએફ ટેક્નિકની મદદ લઈ શકો છો.