ઈઝરાયલની એક મહિલા શીરા ઈસકોવા પર સપ્ટેમ્બર, ૨૦૨૦ માં તેના પતિએ ૨૦ વાર ધારદાર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. ડોક્ટરોનું કહેવું હતું કે મહિલાનું બચવું મુશ્કેલ છે, પરંતુ પોતાની હિંમતના જેારે શીરા મોતને હરાવીને જીવી ગઈ.
આ ઘટનાના ૧૪ મહિના પછી કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં કોઈ મજબૂત કાયદો ન હોવાથી તેના આરોપી પતિને નિર્દોષ જાહેર કરી દીધો. કોર્ટના આ જજમેન્ટને લઈને આ પીડિત મહિલાએ કહ્યું હતું, ‘‘મને શરીરમાં ૨૦ વાર ચપ્પુ મારવા છતાં એટલી પીડા થઈ નહોતી, જેટલી પીડા કોર્ટનો આ નિર્ણય સાંભળીને થઈ હતી.’’
ઈઝરાયલ જેવા સંપન્ન દેશમાં પણ એવા કાયદા છે, જ્યાં એક મહિલા પર તેના પતિ દ્વારા ૨૦ વાર ચપ્પુ મારવા છતાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેાકે ઈઝરાયલ એકમાત્ર એવો દેશ નથી, પરંતુ ભારત સહિત બીજા અનેક દેશમાં મહિલા વિરોધી કાયદા આજે પણ અમલી છે.

ભારતના પતિને રેપની આઝાદી
મેરિટલ રેપનો પ્રશ્ન સતત કોઈને કોઈ રીતે ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. પરિણીત મહિલા સાથે થતી હિંસા આજે પણ બની રહી છે. ભારતમાં વૈવાહિક બળાત્કાર કાયદાની નજરમાં અપરાધ નથી એટલે કે જેા પતિ પોતાની પત્નીની મરજી વિના તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવે તો તેને અપરાધ માનવામાં નથી આવતો.
એક પીડિત મહિલાએ જ્યારે કોર્ટમાં એમ કહીને ન્યાય માંગ્યો કે તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક કૃત્ય કરે છે, ત્યારે કોર્ટે એમ કહીને તેના પતિને બળાત્કારના આ કેસમાંથી અપરાધમુક્ત કરી દીધો કે જેા પત્ની કાનૂની દષ્ટિએ વિવાહિત છે અને તેની ઉંમર ૧૮ વર્ષથી વધારે છે, તો પત્ની સાથે બળપૂર્વક અથવા તેની ઈચ્છા વિરુદ્ધ અપ્રાકૃતિક યૌન સંબંધ અથવા યૌન ક્રિયા અપરાધ અથવા બળાત્કાર નથી.
આપણા ભારતીય સમાજમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવ્યું છે, જ્યારે અહીં એક પતિ દ્વારા પત્નીની મારપીટ કરીને જબરદસ્તી રેપને કેમ અપરાધ માનવામાં નથી આવતો? શું પત્નીનો તેના દેહ પર કોઈ અધિકાર નથી? શું ૨૧ મી સદીમાં પણ લગ્ન પછી મહિલાની સ્થિતિ માત્ર પતિની દાસી જેવી છે અને શું તેનું કોઈ અસ્તિત્વ જ નથી? શું લગ્ન પછી ભારતીય પતિને કાયદાકીય રીતે પત્ની સાથે બળાત્કાર કરવાનું લાઈસંસ મળી જાય છે? જેા કોઈ પતિ તેની પત્ની સાથે મારપીટ કરીને જબરદસ્તી સેક્સ કરે, તો ભારતનો બળાત્કાર કાયદો પતિ પર લાગુ નથી થતો અને તેનું પરિણામ એ જેાવા મળે છે કે આજે મહિલાઓ મોટી સંખ્યામાં ઘરેલુ હિંસાનો શિકાર બની રહી છે.

મેરિટલ રેપ પીડિત મહિલાની કહાણી
લતા (નામ બદલ્યું છે) જણાવે છે કે તેનો પતિ રોજ દારૂના નશામાં ચકચૂર થઈને તેની સાથે જાનવરો જેવી વર્તણૂક કરે છે અને તે એક જીવતી લાશની જેમ બસ પડી રહે છે. ત્યારે તેના પતિ વધારે હિંસક બની જાય છે. દરરોજ રાત્રે તે પતિ માટે માત્ર એક રમવાના રમકડાં જેવી હોય છે, જેનો તે અલગઅલગ રીતે ઉપયોગ કરે છે.
પત્ની સાથેના ઝઘડાનું ખુન્નસ તે પત્ની પર બળાત્કાર કરીને કાઢે છે. તબિયત ખરાબ હોવા પર જેા તે ના કહી દે તો પતિ સહન નથી કરી શકતો. જેાકે હવે તે આવા સંબંધોથી ત્રાસી ગઈ છે. તેને ઈચ્છા થઈ આવે છે કે તે ક્યાંક ભાગી જાય, પરંતુ તેને ૨-૨ બાળકો ઉછેરવાના છે, તેથી તે આ અત્યાચાર સહન કરવા વિવશ થઈ ગઈ છે.
બીજી એક મહિલાનું કહેવું છે કે એક દિવસે તેના પતિએ તેની મારપીટ કરી અને તેને ઘસડીને રૂમમાં લઈ ગયો. તે સમયે તેણે પૂરી તાકાતથી પોતાની જાતને પતિથી અલગ કરવાની કોશિશ કરી, પરંતુ તે ન અટક્યો. ઘૃણાસ્પદ વાત એ છે કે તેણે તેના પ્રાઈવેટ પાર્ટમાં ટોર્ચ ઘુસાડી દીધી જેનાથી તે બેભાન થઈ ગઈ, પરંતુ પતિ દરવાજેા બંધ કરીને બહાર નીકળી ગયો. ત્યાર પછી ગમે તેમ કરીને તેની સાસરીના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડી. તે જણાવે છે કે આ ઘટના પછી તે ક્યારેય પોતાની સાસરીમાં ગઈ નથી.
સેક્સ માટે ખૂબ પરેશાન કરતો હતો
થોડા વર્ષ પહેલાં એક પત્ની દ્વારા સેક્સ માટે ના પાડતા પતિએ તેનું ગળું દબાવીને તેને મારવાની કોશિશ કરી હતી. ૩૪ વર્ષની મહિલા સંગમ વિહારમાં પોતાના પતિ અને ૨ બાળકો સાથે રહેતી હતી. બંનેના લગ્નને ૧૭ વર્ષ થઈ ગયા હતા અને બંને વચ્ચે અવારનવાર સેક્સ બાબતે ઝઘડા થતા હતા.
પત્નીનો આરોપ હતો કે લગભગ ૧ મહિના પહેલાં તેણે ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવ્યું હતું, તેથી ડોક્ટરે ૩ મહિના સુધી તેને શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી, પરંતુ પતિ અવારનવાર તેને સેક્સ માટે પરેશાન કરતો હતો. એક દિવસે તે એમ કહીને પત્નીનું ગળું દબાવવા લાગ્યો કે જેા તું મારી સાથે સેક્સ નહીં કરે તો હું તને જાનથી મારી નાખીશ. પછી કંટાળીને પત્નીઐ પોલીસને ફોન કરવો પડ્યો.
આ બધું જેાઈને પ્રશ્ન થાય છે કે આપણા સમાજમાં લગ્નને ટકાવી રાખવા અને પતિને ખુશ રાખવાની જવાબદારી માત્ર મહિલાઓ પર કેમ હોય છે? શું મહિલાના શરીર અને ઈચ્છાનું કોઈ જ મહત્ત્વ નથી?

કોર્ટની દલીલ
કોર્ટના જણાવ્યા અનુસાર એ વાત કેવી રીતે સાબિત થશે કે ઘરની ચાર દીવાલ વચ્ચે શું થયું છે? કેવી રીતે જાણ થશે કે આ પ્રકારના સેક્સમાં પત્નીની મંજૂરી હતી કે નહીં? જેાકે રેપના કેટલાક જૂઠા કેસ અદાલતમાં પહોંચ્યા છે અને તેનાથી અનેક જિંદગી બરબાદ થઈ છે. બેડરૂમની વાતોને અદાલત સુધી લઈ જવાની આ કોશિશ ખૂબ ભયજનક સાબિત થઈ શકે છે, તેથી મેરિટલ રેપને અપરાધના પરિઘમાં મૂકવો યોગ્ય નથી, કારણ કે તેનાથી લગ્ન સંસ્થા જેાખમમાં મુકાઈ શકે છે.
પરંતુ જેા એક એવી સંસ્થાનો પાયો બળાત્કાર જેવા અપરાધ પર ટકેલો હોય તો તે સંસ્થાનું તૂટી જવું ઉત્તમ રસ્તો છે. મેરિટલ રેપ કોઈ ઘરની ચાર દીવાલ વચ્ચેની વાત નથી, પરંતુ એક અપરાધ છે. પછી આ અપરાધ ભલે ને કોઈ પણ કરે તેનાથી તેનું ચારિત્ર્ય અથવા પરિભાષા બદલાતા નથી.
મેરિટલ બળાત્કારનો મુદ્દો ઘણી વાર સંસદમાં પણ ચર્ચામાં આવ્યો છે, પરંતુ તેનું પરિણામ કંઈ જ ન આવ્યું. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટ પણ પત્નીની સહમતી વિના તેની સાથે યૌન સંબંધ સ્થાપિત કરવાના કૃત્યને અપરાધ જાહેર કરવાની ના પાડી ચૂકી છે.
‘યુનિવર્સિટી ઓફ વોરવિક’ ને દિલ્લી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહેલા ઉપેન્દ્ર બક્ષી જણાવે છે, ‘‘મારા માનવા મુજબ આ કાયદાને નાબૂદ કરી દેવો જેાઈએ. છેલ્લા થોડાક વર્ષોમાં મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા અને યૌન હિંસા સંબંધિત કાયદામાં પ્રગતિ જરૂર થઈ છે, પરંતુ વૈવાહિક બળાત્કારને અટકાવવા માટે કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા.
૧૯૮૦ માં પ્રોફેસર બક્ષી જાણીતા વકીલોમાં સામેલ હતા અને તેમણે સાંસદોની સમિતિને ભારતમાં બળાત્કાર સાથે જેાડાયેલા કાયદામાં સંશોધન માટે ઘણા બધા સૂચન મોકલ્યા હતા. જેાકે સમિતિએ તેમના બધા સૂચનનો સ્વીકાર કરી લીધો હતો. સિવાય મેરિટલ રેપને અપરાધ જાહેર કરવાની વાત. સરકારે દલીલ કરી હતી કે વૈવાહિક કાયદાનું અપરાધીકરણ લગ્ન સંસ્થાને અસ્થિર કરી શકે છે અને મહિલાઓ તેનો ઉપયોગ પુરુષોને પરેશાન કરવા માટે કરી શકે છે.
વર્ષ ૨૦૧૩ માં સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિએ ભારતના આ વલણ પર ચિંતા વ્યક્ત કરતા એક ભલામણ કરી હતી કે ભારત સરકાર વૈવાહિક બળાત્કારને અપરાધ જાહેર કરે. નિર્ભયા કેસમાં થયેલા પ્રદર્શન પછી બનાવવામાં આવેલી જે.એસ. વર્મા સમિતિએ તેની ભલામણ કરી હતી. જેાકે આ મુદ્દે ઘણી બધી સમિતિ બનાવવામાં આવી, પરંતુ સ્થિતિ એવી જ રહી છે.
વર્ષ ૧૯૪૭ માં ભારતનો અડધો ભાગ આઝાદ થયો હતો, જ્યારે બાકીનો અડધો આજે પણ ગુલામ રહ્યો છે. મહિલાઓ પુરુષપ્રધાન માનસિકતા હેઠળ ગૂંગળાઈ રહી છે. એમ જેાઈએ તો ભારત માત્ર આધુનિકતાનું મહોરુ પહેરેલો છે. જેા તેની પાછળ જેાઈએ તો અસલી ચહેરો સ્પષ્ટપણે નજરે પડે છે.

પત્નીનું શરીર સંપત્તિ નથી
ભારતીય સમાજના એક મોટાભાગમાં આજે પણ પત્નીના શરીર પર તેના પતિનો હક માનવામાં આવે છે. આ કથિત હકના હિસાબે લોકો પણ માની લેતા હોય છે કે તેમને પોતાની પત્ની સાથે તેની મરજી વિરુદ્ધ પણ સેક્સ કરવાનો અધિકાર છે, કારણ કે લગ્ન પછી પત્ની તેની સંપત્તિ સમાન છે જેનો તે ઈચ્છે એ રીતે ઉપયોગ કરી શકે છે.
આ સ્થિતિમાં વૈવાહિક બળાત્કાર જેવા મુદ્દા પુરુષો માટે વાહિયાત લાગે છે, પરંતુ શું લગ્નનો અર્થ પત્ની સાથે જબરદસ્તી કરવાની આઝાદી છે? શું કાયદાનો સહારો લઈને મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારને યોગ્ય ઠેરવી શકાય છે?
હકીકતમાં જેાઈએ તો આપણા દેશમાં આજે પણ ઘરેલુ હિંસા વિરુદ્ધ કડક કાયદાનો અભાવ છે. પત્ની સાથેના બળાત્કાર વિરુદ્ધ ભારતમાં કોઈ કાયદો છે જ નહીં. તેમ છતાં અદાલતો એમ કહે છે કે મોટાભાગે મહિલાઓ કાયદાનો દુરુપયોગ કરે છે, પરંતુ આ જ કાયદો એક બળાત્કારીને પીડિતા સાથે લગ્ન કરવાની ઓફર આપે છે, જેથી તેની સજા માફ થઈ શકે.
જસ્ટિસ બોબડેએ એક સગીર છોકરી સાથે બળાત્કાર કરનાર આરોપી વ્યક્તિને પૂછ્યું હતું કે શું તે આ છોકરી સાથે લગ્ન કરવા તૈયાર છે સીજેઆઈએ વૈવાહિક બળાત્કારના એક અલગ કેસમાં બીજેા ભયાનક પ્રશ્ન એ પૂછ્યો હતો કે જ્યારે ૨ લોકો પતિ અને પત્ની તરીકે સાથે રહે છે, ત્યારે પતિ ભલે ને ગમે તેટલો ક્રૂર કેમ ન હોય, શું તેમની વચ્ચેના યૌન સંબંધને બળાત્કાર કહી શકાય છે?
શું આ પ્રકારના પ્રશ્ન ઘરેલુ હિંસાને વધારે પ્રોત્સાહન નથી આપતા? શું એક મનુષ્ય હોવા છતાં મહિલાને ‘ના’ કહેવાનો કોઈ હક નથી? પછી ભલે ને તે વ્યક્તિ તેનો પતિ જ કેમ ન હોય. પરિણીત હોવાથી રેપનો અપરાધ શું ઓછો ગંભીર થઈ જાય છે એટલે કે જેા પત્ની ૮ વર્ષની ઉપરની હોય તો પતિને વૈવાહિક બળાત્કાર માટે ‘હોલ પાસ’ મળી જાય છે. પતિ કોઈ પણ જાતના ડર વિના પોતાની પત્ની સાથે ઈચ્છે તે, ઈચ્છા મુજબ કરી શકે છે, પરંતુ તેની પર કોઈ કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે.

પતિનો હક
આજે પણ કેટલાક લોકો એવા છે, જે પત્ની સાથેના બળાત્કાર વિરુદ્ધ કાયદા બનાવવાના પક્ષમાં નથી. ‘આંસર્સ ડોટ કોમ’ એ આ મુદ્દે થઈ રહેલી ચર્ચા પર લખ્યું હતું કે પતિનો તેની પત્નીના શરીર પર પૂરો હક છે. કોઈ સેક્સ વર્કર પાસે જવાથી સારું છે, પત્ની સાથે જબરદસ્તી કરો. બીજી એક વ્યક્તિએ લખ્યું હતું કે પત્ની સાથેનો બળાત્કાર એટલો ગંભીર મુદ્દો નથી જેટલો કે કોઈ છોકરી સાથે બળાત્કાર કરવો. પત્નીએ પોતાના પતિની જરૂરિયાતનું ધ્યાન રાખવું જેાઈએ.

નાક કપાવાનો ડર
મોટાભાગના કિસ્સામાં મહિલાઓ પોતાના ઘરમાં પતિના હાથે બળાત્કારનો શિકાર બને છે, પરંતુ તે પોતાની ફરિયાદ લઈને સામે નથી આવી શકતી, કારણ કે તેમનું માનવું હોય છે કે આમ કરવાથી સમાજમાં તેમનું નાક કપાશે અને જેા કોઈ મહિલા બળવો કરીને પોતાના હક માટે બોલવા પણ ઈચ્છે તો તેના અવાજને દબાવી દેવામાં આવે છે.
પરંતુ અફસોસની વાત એ છે કે આપણી ન્યાય પ્રણાલી પણ દોષીને સાથ આપે છે. નાનાથી લઈને મોટા અધિકારીને લાંચરૂપે પૈસા આપીને ખરીદી લેવામાં આવે છે. જ્યારે પશ્ચિમી દેશોમાં મહિલાઓના હિત માટે નવા કાયદા નથી બનતા, પરંતુ જેા કાયદા બનાવવામાં આવ્યા હોય તેનું કડકાઈથી પાલન કરવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં જેા કોઈ કાયદો બનાવવામાં આવે તો પણ તેનું પાલન નથી થતું થતું, માત્ર તેનો દુરુપયોગ થાય છે.
૧૦૦થી પણ વધારે દેશમાં વૈવાહિક બળાત્કારને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ ભારત એ ૩૨ દેશની શ્રેણી છે, જ્યાં વૈવાહિક બળાત્કારને અપરાધ માનવામાં નથી આવતો. બ્રિટિશ શાસનના સમયનો આ કાયદો ભારતમાં વર્ષ ૧૮૬૦ થી લાગુ છે, જેમાં ઉલ્લેખ છે કે જેા પતિ પોતાની પત્ની સાથે બળજબરીપૂર્વક સેક્સ કરે અને પત્નીની ઉંમર ૧૮ વર્ષથી નાની ન હોય તો તેને રેપ માનવામાં નહીં આવે.
આ જેાગવાઈ પાછળ એ માન્યતા છે કે લગ્નમાં સેક્સની સહમતી છુપાયેલી હોય છે અને પત્ની આ સહમતીને પાછળથી પરત નથી લઈ શકતી, પરંતુ સ્વયં બ્રિટને પણ વર્ષ ૧૯૯૧ માં વૈવાહિક બળાત્કારને એમ કહીને બળાત્કારની શ્રેણીમાં મૂકી દીધો કે છૂપી સહમતીને હવે ગંભીરતાથી લઈ શકાય તેમ નથી, પરંતુ આપણી મહાન ભારતીય પુરુષપ્રધાન માનસિકતાએ લાંબા સમય સુધી એક વિટંબણાને જાળવી રાખી છે, જે આજે પણ ચાલુ છે.
મેરિટલ રેપનો અપવાદ આપણા કાયદા અને સમાજમાંથી પુરુષપ્રધાન માનસિકતા પ્રદર્શિત કરે છે. બ્રિટિશ સંસ્થાનો કાયદો લાગુ થયા પછી જ્યારે પહેલી વાર અપવાદને જેાડવામાં આવ્યો ત્યારે નીતિ નિર્માતાએ ચર્ચા કરી હતી કે શું કાયદાએ બળાત્કાર કરનાર પતિને બચાવવો જેાઈએ અથવા વૈવાહિક રેપને સહન કરવાથી પુરુષપ્રધાન પ્રવૃત્તિને અપવાદ કાયદેસરતા પ્રદાન કરે છે?
વૈવાહિક બળાત્કારનું પરિણામ છે કે આજે ઘણી બધી મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે. આંકડા દર્શાવે છે કે દેશમાં લગ્ન કરનાર ૧૫ થી ૪૯ વર્ષની વચ્ચેની દર ૩ માંથી ૧ મહિલા પતિના હાથે હિંસાનો શિકાર બનવાની વાત કહે છે, એક સર્વે અનુસાર ૩૧ ટકા પરિણીત મહિલાઓ સાથે તેમના પતિ શારીરિક, યૌન અને માનસિક અત્યાચાર કરતા હતા.

મહિલાઓ પર વૈવાહિક બળાત્કારની અસર
પતિ દ્વારા વૈવાહિક બળાત્કાર અને બીજા અભદ્ર દુર્વ્યવહાર મહિલામાં તાણ, આઘાત, ભાવનાત્મક સંકટ અને આત્મહત્યાના વિચારો જેવા માનસિક સ્વાસ્થ્ય પ્રભાવ પેદા કરે છે. વૈવાહિક બળાત્કારનું હિંસક કૃત્ય બાળકોના સ્વાસ્થ્ય અને મનોસ્થિતિને પ્રભાવિત કરે છે.
એક તરફ પારિવારિક હિંસક વાતાવરણ તો બીજી તરફ રોજબરોજની આવી ઘટના મહિલાને અસર કરે છે તેની સાથે બાળકોનો યોગ્ય ઉછેર કરવાની તેની ક્ષમતાને પણ કમજેાર પાડી શકે છે. પરિચિત અથવા અપરિચિત વ્યક્તિ દ્વારા બળાત્કારનો શિકાર બનેલી પીડિતાની સરખામણીમાં વૈવાહિક બળાત્કારનો શિકાર બનેલી પીડિતા પર વારંવાર બળાત્કારનો શિકાર બનવાની શક્યતા વધારે રહે છે.
આ વાત ચોંકાવી દેનારી છે, પરંતુ વાસ્તવમાં એ છે કે આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જેા મહદ્અંશે એમ માને છે કે એક ભારતીય મહિલા લગ્ન પછી ઘણી બધી વસ્તુ સાથે પોતાના પતિ માટે ક્યારેય પૂરી ન થનાર, બદલી ન શકનાર અને હંમેશાં માટે સહમતીને સોંપનાર હોય છે, જેને માત્ર મોત સમાપ્ત કરી શકે છે.
ભારતીય બંધારણનો અનુચ્છેદ ૧૪ એ સુનિશ્ચિત કરે છે કે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદાની સમક્ષ સમાનતા અથવા ભારતના વિસ્તારની અંદર કાયદાના સમાન સંરક્ષણથી ઈન્કાર નહીં કરે, પરંતુ ભારતીય અપરાધિક કાયદો મહિલાઓ, તેમાં પણ ખાસ કરીને એવી મહિલાઓ સાથે ભેદભાવ કરે છે, જેમના પતિ દ્વારા તેમના પર બળાત્કાર કરવામાં આવે છે. જેાકે બંધારણ બધાને એક તરફ સમાનતાની ગેરન્ટી આપે છે.
આધુનિક સમાજમાં હવે દરેક સ્તરે મહિલાઓની ભાગીદારી તથા બરાબરીની કોશિશ થઈ રહી છે અને આ કોશિશનો શ્રેય પુરુષો આગળ વધીને લઈ રહ્યા છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે મેરિટલ રેપને અપરાધ જાહેર કરવામાં આવે. આ કાયદા અંતર્ગત એવી તમામ મહિલાઓ સાથે થતી બળાત્કારની ઘટનાને સામેલ કરી શકાય છે જેા ક્યારેક પરિણીત રહી હોય અથવા પરિણીત, ડિવોર્સી, પતિથી અલગ થઈને રહેતી હોય, તેમજ એવી મહિલાઓ તેમજ લિવિંગ પાર્ટનર સાથે તેની ઈચ્છા વિરુદ્ધ પતિ અથવા જીવનસાથી દ્વારા બળજબરીપૂર્વક યૌન સંબંધ બનાવવા અથવા બીજી કોઈ પણ પ્રકારની યૌન હિંસા વિરુદ્ધ જેાગવાઈ હોવી જેાઈએ.
સરકારે મહિલાઓના સન્માન અને અધિકારોના રક્ષણ માટે પત્ની સાથે પતિ દ્વારા થતા બળપૂર્વકના યૌનાચારને બળાત્કારની શ્રેણીમાં સામેલ કરવાની દિશામાં સકારાત્મક પગલાં ભરવા પડશે, નહીં તો હારી-થાકીને મહિલાઓને પણ આ જ પુરુષપ્રધાન વ્યવસ્થામાં રોજ મરીમરીને જીવવા વિવશ થવું પડશે. કુલ મળીને જેાઈએ તો વૈવાહિક બળાત્કારને અપરાધની શ્રેણીમાં ન મૂકવાની વાત પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાને વધારે મજબૂત બનાવશે.
– મિની સિંહ.

વધુ વાંચવા કિલક કરો....