થોડા દિવસ પહેલાં અમારા ઘરે મહેમાન આવ્યા સાથે તેમનો ૬ વર્ષનો દીકરો નંદન પણ હતો. તેણે આઈસક્રીમની માગણી કરી, જ્યારે ઋતુ તો ઠંડકની ચાલતી હતી. પછી મેં ના પાડી ત્યારે તેણે ગુસ્સામાં ડાઈનિંગ ટેબલ પર પડેલી કિંમતી પ્લેટ તોડી નાખી અને પોતાની મા આગળ આળોટીને આઈસક્રીમની જિદ્દ કરવા લાગ્યો. મને તેની આ હરકત બિલકુલ ન ગમી. જેા આ સમયે મારું બાળક હોત તો મેં ક્યારની તેની ધોલાઈ કરી દીધી હોત, પરંતુ તે મહેમાન હતા, તેથી હું ચુપ રહી. મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેના આ તોફાનને મસ્તી માનીને તેની મા હસતી રહી. અચાનક મારા મોંમાંથી નીકળ્યું કે બાળકને એટલી પણ છૂટ ન આપવી જેાઈએ કે તે પોતાની જિદ્દમાં તોડફોડ કરવા લાગે અથવા બીજા આગળ પોતાના માબાપને શરમમાં મૂકે. ત્યારે મારા આ સંબંધીએ પ્રેમથી બાળકને પોતાના ખોળામાં લેતા કહ્યું, ‘‘કોઈ વાત નહીં બહેન, મારા બાળકે કંઈક તોડી નાખ્યું તો શું થયું? અમે તમારા ઘરે આવી પ્લેટ મોકલાવી દઈશું. તેના પપ્પા પોતાના આ લાડકા માટે જ કમાય છે.’’

તેમની વાત સાંભળીને હું સમજી ગઈ કે બાળકના જિદ્દી હોવા માટે ગુનેગાર આ બાળક નહીં, પરંતુ તેના માતાપિતા છે, જેમણે તેને આટલો માથે ચઢાવીને રાખ્યો છે. હકીકતમાં, આપણા સમાજમાં એવા માતાપિતા હોય છે, જેમના માટે પોતાના બાળકથી વહાલું બીજું કોઈ નથી હોતું. ભૂલ તેમના બાળકની હોય, તેમ છતાં તે તેના માટે પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે પણ ઝઘડી પડે છે. જ્યારે માતાપિતા પોતાના બાળકની દરેક યોગ્ય અયોગ્ય માગણી પૂરી કરતા હોય તો પરિણામ એ આવે છે કે બાળક જિદ્દી બની જાય છે. બાળકને બગાડવા અને જિદ્દી બનાવવામાં માતાપિતાની ભૂમિકા સૌથી વધારે રહે છે. જેાકે હકીકતમાં, આ એક રીતે તો તેમના ઉછેરની નિષ્ફળતાનું સૂચક હોય છે.

ધ્યાન રાખો
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે આ પ્રકારના બાળકો જેા બાળપણથી જિદ્દી હોય છે. ત આગળ જતા પોતાનો સ્વભાવ નથી બદલી શકતા. માતાપિતા વધારે પડતા લાડપ્રેમમાં તેમની દરેક જિદ્દ પૂરી કરતા હોય છે, પરંતુ સમાજ તેમની હરકતોને સહન નથી કરી શકતો. આવા બાળકો મોટા થઈને ગુસ્સેલ અને ઝઘડાખોર સ્વભાવના બની જાય છે. તેથી તમે ઈચ્છો કે તમારા બાળકનું ભવિષ્ય આનંદમય રહે અને જીવનભર તે વ્યવહારકુશળ રહે તો તેને જિદ્દી બનતા અટકાવો.

એમ વિચારીને માતાપિતા બાળકોની તમામ માગણી પૂરી કરે છે કે જેા જિદ્દ પૂરી કરવામાં નહીં આવે તો તે ગુસ્સેલ બની જશે, પરંતુ આમ કરવાથી બાળકને જિદ્દ કરવાની ટેવ પડશે. તે રડીને અથવા નારાજગી દર્શાવીને પોતાની માગણીને પૂરી કરાવતા શીખી જાય છે. માની લો કે તમે બજારમાંથી ચોકલેટ લઈને આવ્યા છો. તમારા ઘરમાં ૩ બાળકો છે. તમે બધાને ૧-૧ ચોકલેટ આપો છો, પરંતુ તમારું બાળક વધુ એક ચોકલેટ માંગવા લાગે છે અને ન મળતા ગુસ્સે થઈને એક ખૂણામાં જઈને બેસી જાય છે. પછી તેને ખુશ કરવા તમે તેની માગણી પૂરી કરો છો. આ સ્થિતિમાં બાળક મનોમન ખુશ થાય છે, કારણ કે તેણે તમારી નબળાઈ પકડી લીધી છે અને ત્યાર પછી તેને પોતાની દરેક માગણી પૂરી કરવા માટે એક હથિયાર મળી ગયું છે. હવે તેની સમજમાં આવી ગયું છે કે તમે તેને રડતા જેાઈ શકવાના નથી.

બાળકના જિદ્દી થવાના કારણ
માતાપિતાનો વ્યવહાર : જેા પેરન્ટ્સ બાળક સાથે યોગ્ય વ્યવહાર ન કરતા હોય અને તેને વાતવાતમાં ઠપકો આપતા હોય કે તેની પર ગુસ્સો કરતા હોય તો તે બાળક જિદ્દી બની શકે છે. વાલીઓનો આવો વ્યવહાર તેમના મગજ પર અસર કરે છે. બાળકને નજરઅંદાજ કરવું અને તેની વાતને ન સાંભળવી તેને જિદ્દી બનાવી શકે છે. આ સ્થિતિમાં તે તેના પેરન્ટ્સનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ પ્રકારની હરકતો કરવા લાગે છે. એટલં જ નહીં, પેરન્ટ્સ દ્વારા પોતાના બાળકોને હદથી વધારે પ્રેમ કરવો પણ તેને જિદ્દી બનાવી દે છે.

આસપાસનું વાતાવરણ : નાના બાળકોના જિદ્દી થવાનું કારણ કોઈ શારીરિક સમસ્યા, ભૂખ ન લાગવી અથવા પોતાની તરફ બધાનું ધ્યાન આકર્ષિત કરવાનું હોઈ શકે છે, પરંતુ મોટા થતા બાળકના જિદ્દી થવા પાછળ મોટાભાગે પારિવારિક વાતાવરણ, વધારે લાડપ્રેમ, હંમેશાંનો ઠપકોગુસ્સો અથવા ભણતરનું બિનજરૂરી દબાણ હોય છે.

શારીરિક શોષણ : ઘણી વાર કેટલાક બાળકોને પોતાના જીવનમાં શારીરિક શોષણ જેવી અપ્રિય ઘટનામાંથી પસાર થવું પડે છે, જેના વિશે તેમના માતાપિતાને જાણ નથી હોતી. આવી ઘટનાની બાળકના મન પર ખૂબ ખરાબ અસર થાય છે. ત્યાર પછી આવા બાળકો બધાથી દૂરદૂર રહેવા લાગે છે. તે ચિડાયેલા રહેવા લાગે છે અને માતાપિતાની વાતને માનવાથી ઈન્કાર કરવાનું શરૂ કરી દે છે. તેઓ દરેક વાત પર જિદ્દ કરવા લાગે છે અથવા બિલકુલ મૌન થઈ જાય છે.

તાણ : બાળકોને સ્કૂલ, મિત્રો અથવા ઘરમાંથી મળતી તાણ જિદ્દી બનાવે છે. તે એવો વ્યવહાર કરવા લાગે છે કે તેમને સંભાળવા મુશ્કેલ થઈ જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્મોકિંગ : ક્યારેક-ક્યારેક બાળકોના જિદ્દી થવા પાછળ માનું ગર્ભવતી થયા પછી સિગારેટ અને આલ્કોહોલનું સેવન કરવું કારણરૂપ બને છે.

માતાપિતાએ શું કરવું જેાઈએ
દિલ્લીમાં રહેતી ૩૬ વર્ષની પ્રિયા ગોયલ જણાવે છે, ‘‘છેલ્લા દિવસોમાં મારી એક સાહેલી પોતાના દીકરા પ્રત્યૂષને લઈને મને મળવા મારા ઘરે આવી હતી. પ્રત્યૂષ દિવસભર મારી દીકરીની સાઈકલ ચલાવતો રહ્યો. ઘરે પરત જતી વખતે તે સાઈકલ પર બેસી ગયો અને તેને પોતાની સાથે ઘરે લઈ જવાની જિદ્દ કરવા લાગ્યો. જેાકે તે સમયે તેની માએ થોડું કડકાઈથી કામ લીધું અને તેને કહી દીધું કે જેા તે વાત નહીં માને તો તેને ઘરે પાછો નહીં લઈ જાય. પછી બાળકે તરત સાઈકલની જિદ્દ છોડી દીધી અને પોતાની માના ખોળામાં આવીને બેસી ગયો.’’ બાળક જિદ્દી ન બને તે માટે ક્યારેક-ક્યારેક આપણે થોડી કડકાઈ પણ બતાવવી જેાઈએ. બાળપણથી બાળકોમાં ટેવ પાડો કે તેમની દરેક જિદ્દને પૂરી કરવામાં નહીં આવે અને તેઓ જેા ન માને તો તમે તેમને ગુસ્સો બતાવીને ઠપકો આપી શકો છો.

જિદ્દી બાળકોનું મનોવિજ્ઞાન સમજવું પડશે
પેરન્ટ્સ માટે જરૂરી છે કે તે પોતાના બાળકને સમજેા. હકીકતમાં બાળક પહેલાંથી પોતાના મનમાં વિચારો કરે છે કે જેા તે પોતાના પિતાને આ વિશે વાત કરશે તો તેમનો જવાબ શું હશે અને જેા માને કહેશે તો તે કેવી પ્રતિક્રિયા આપશે. બાળક પોતાની જૂની હરકત અને તેના પરિણામ વિશે વિચારીને નવી હરકત કરે છે. આ સ્થિતિમાં માતાપિતાએ પણ પહેલાંથી સમજીને રિએક્શન આપવું પડશે કે બાળકને સારી વાત શીખવવામાં આવે. સામાન્ય રીતે બાળક પોતાની મા સામે જિદ્દ કરે છે અથવા તે મહેમાનો આગળ જિદ્દ કરવા લાગે છે, કારણ કે તેને ખબર હોય છે કે આ સમયે તેની જિદ્દ જરૂર પૂરી કરવામાં આવશે. પરંતુ ધ્યાન રાખો કે તમારે તેની ખોટી હરકત પર વધારે બૂમો ન પાડવી જેાઈએ. તેમાં પણ ખાસ બીજા સામે તેમને ઠપકો ન આપવો જેાઈએ કે મારપીટ પણ ન કરવી જેાઈએ. આખરે તેનું પણ માનસન્માન હોય છે. જેા તમે એવું કરશો તો બની શકે કે તે તમને પરેશાન કરવા તેની આ હરકત ફરીથી કરી શકે છે.

જિદ્દી બાળકને કેવી રીતે સંભાળશો
યેલ યુનિવર્સિટીના સર્ટિફાઈડ એક્સપર્ટ સાગરી ગોંગાલાના જણાવ્યા અનુસાર, જિદ્દી બાળકો ખૂબ વધારે સેન્સિટિવ હોય છે. તે એ વાત પ્રત્યે વધારે સેન્સિટિવ હોય છે કે તમે તેમને કેવી રીતે ટ્રીટ કરી રહ્યા છો. તેથી તમારા ટોન, બોડી લેંગ્વેજ અને શબ્દોના પ્રયોગ પર ખાસ ધ્યાન આપો. તમારી સાથે વાત કરતી વખતે તેઓ કંફર્ટેબલ ફીલ કરશે તો તેમનો તમારા પ્રત્યેનો વ્યવહાર સારો થશે, પરંતુ તેમને કંફર્ટેબલ ફીલ કરાવવા માટે ક્યારેક-ક્યારેક તેમની સાથે ફન એક્ટિવિટીમાં પણ સામેલ થાઓ.

તેમને સાંભળો અને સંવાદ સ્થાપિત કરો
જેા તમે ઈચ્છો છો કે તમારું બાળક તમારી વાત માને તો સૌપ્રથમ તમારે તેની વાત સાંભળવી પડશે. ધ્યાન રાખો એક જિદ્દી બાળકની માનસિકતા ખૂબ મજબૂત હોય છે. તે પોતાનો પક્ષ રજૂ કરવા માટે વાદવિવાદ કરવા ઈચ્છે છે. જેા તેને લાગે કે તેની વાતને સાંભળવામાં નથી આવી રહી ત્યારે તેની જિદ્દ વધી જાય છે. જેા બાળક કંઈક કરવાનું ના પાડી રહ્યું હોય તો પહેલા એ સમજવાનો પ્રયાસ કરો કે તે એવું કેમ કહે છે. શક્ય છે કે તેની જિદ્દ સાચી પણ હોય.

તમારા બાળક સાથે કનેક્ટ થાઓ
બાળક પર કોઈ પણ કામ માટે દબાણ ન કરો. જ્યારે તમે બાળક પર દબાણ કરો છો ત્યારે તરત તેનો વિરોધ વધે છે અને ત્યાર પછી તે એ જ કરે છે જેને તે કરવા ઈચ્છે છે. આ સ્થિતિમાં સૌથી ઉત્તમ એ છે કે બાળકને સમજવાનો પ્રયાસ કરો. જ્યારે તમે બાળકને અહેસાસ અપાવશો કે તમે તેની કેર લો છો, તમે તેના વિશે વિચારી રહ્યા છો, તે જે ઈચ્છે છે તેને તમે પૂરું કરી રહ્યા છો, ત્યારે તે પણ તમારી વાત માનવા લાગશે.

તેને ઓપ્શન આપો
તમે સીધા શબ્દોમાં બાળકને ના પાડશો કે આ નથી કરવાનું કે આ કામ કરવા પર તેને સજા મળશે તો તે તમારી આ વાતનો વિરોધ કરશે. તેનાથી વિપરીત જેા તમે તેને સમજાવતા ઓપ્શન આપશો તો તે તમારી વાતને જરૂર માનશે. ઉદાહરણરૂપે, જેા તમે તમારા બાળકને એમ કહેશો કે ૯ વાગે તારે ઊંઘી જવાનું છે તો તે ના પાડી દેશે, પરંતુ તમે એમ કહેશો કે ચાલ હવે આપણે ઊંઘવા જઈએ અને આજે તારે સિંહની વાર્તા સાંભળવી છે કે પછી રાજકુમારની વાર્તા સાંભળવી છે? આ સ્થિતિમાં બાળક ક્યારેય ઊંઘવાની ના નહીં પાડે, પરંતુ તમારી પાસે ખુશીખુશી ઊંઘવા માટે આવશે.

યોગ્ય ઉદાહરણ રજૂ કરો
આમ પણ બાળક જે જુએ છે, તે જ કરે છે. તેથી તમારે એ વાતને સુનિશ્ચિત કરવી પડશે કે તેને યોગ્ય વાતાવરણ મળે છે કે નહીં. જેા તમે ઘરના વૃદ્ધોવડીલો પર કોઈ વાત પર ચિડાઈને ગુસ્સો કરો છો કે ઊંચા અવાજે બોલો છો, તો તમારું બાળક પણ તે જ શીખશે. આ સ્થિતિમાં તમારે જિદ્દી બાળકને સંભાળવા માટે તમારા ઘરનું વાતાવરણ એવું બનાવવું પડશે, જેનાથી તે સમજી શકે કે ઘરના વડીલોની વાત માનવી જેાઈએ.

તેમની જિદ્દ પૂરી ન કરો : મોટાભાગે બધી જિદ્દ પૂરી થવાના લીધે બાળકો વધારે જિદ્દી બની જાય છે. બાળકોને અહેસાસ અપાવો કે તેની જિદ્દને હંમેશાં પૂરી કરી શકાય તેમ નથી. જેા તમારું બાળક કોઈ દુકાનમાં અથવા કોઈ બીજાના ઘરે જઈને કોઈ રમકડાની માગણી કરે અને રમકડું ન મળતા ચીસો પાડીને ગુસ્સો કરવા લાગે, ત્યારે તેની તરફ બિલકુલ ધ્યાન ન આપો. તમારા એમ કરવાથી તેની સમજમાં આવશે કે તેની જિદ્દથી તેને કંઈ મળવાનું નથી.

ક્યારેક-ક્યારેક સજા પણ આપો
બાળકોને શિસ્તમાં રાખવા કેટલાક નિયમ બનાવવાની પણ જરૂરી છે. જેા તે કંઈ ખોટું કરે અથવા જિદ્દ કરતા અનૈતિક વ્યવહાર કરે તો તેમને સજા કરવાનું ન ભૂલો. તમે તેમને પહેલાંથી જણાવો કે જેા તે એવું કરશે તો તેણે તેનું પરિણામ ભોગવવું પડશે. બાળકને સજા આપવાનો હેતુ એ નથી કે તમે તેની પર ગુસ્સે થાઓ અથવા તેની ધોલાઈ કરો, પરંતુ તેને કોઈ વસ્તુ અથવા સુવિધાથી વંચિત કરીને પણ તેને સજા આપી
શકો છો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....