તમે તરસ્યા કાગડાની વાર્તા જરૂર સાંભળી હશે, જેણે માટીના ઘડાના તળિયે થોડુંક પાણી જેાયું હતું. પછી પાણી પીવા માટે તેણે કાંકરા લાવીને ઘડામાં નાખ્યા અને તેનાથી જ્યારે પાણી ઉપર આવી ગયું ત્યારે તેણે પોતાની તરસ પાણી પીને છીપાવી. બરાબર આ જ કહાણી છે બચતની. પૈસા કમાવવા મુશ્કેલ છે, પરંતુ બચતના મહત્ત્વને સમજ્યા પછી યોગ્ય પગલાં ભરીને આ કામ સરળતાથી કરી શકાય છે. તમારા તરફથી આ દિશામાં ભરાયેલું એક નાનકડું પગલું પણ આગળ જતા તમારા માટે મોટી ઉપલબ્ધિ બની જશે. જેા તમારું બાળક બાળપણમાં બચતના મહત્ત્વને સમજી લેશે તો તે પોતાના જીવનની મોટામાં મોટી સમસ્યાનો સામનો સરળતાથી કરશે. જે માતાપિતા પોતાના બાળકોમાં બચતની ટેવ બાળપણમાં પાડે છે તે પોતાના બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવી દે છે. બચતનું મહત્ત્વ સમજી લીધા પછી તેમને પૈસાની કિંમત ખબર પડશે અને તેમની ખર્ચ કરવાની રીતમાં પણ ભારે બદલાવ આવી જશે. જેા તમારું બાળક બચતના મહત્ત્વને જાણતું ન હોય તો આજે આ વિષયે તેને શિક્ષિત કરવાનું શરૂ કરી દો. તાજેતરની મહામારીએ સ્પષ્ટ કરી દીધું છે કે કોણ જાણે ક્યારે મોટી રોકડ રકમની જરૂર પડી જાય અને તે સમયે કોઈની પાસે પૈસા માંગવાની નવરાશ નથી હોતી કે ન તો સગવડ. તેથી એક મોટી રોકડ બચત દરેક સમયે પોતાની પાસે રાખવી જરૂરી બની જાય છે.

પૈસાની કિંમત સમજાવો
મોંઘવારીના આ સમયગાળામાં જરૂરી છે કે બાળકો પૈસાની કિંમત અથવા મહત્ત્વ સમજે. તમે તેમને સમજાવો કે તમે પૈસા કમાવા માટે કેટલી મહેનત કરો છો. તેમને એ વાત પણ સમજવવાની કોશિશ કરો કે તેઓ જે પણ માગણી કરી રહ્યા છે તેના માટે પૈસા ભેગા કરવામાં તમે દિવસમાં કેટલા કલાક મહેનત કરો છો. તેમને સમજાવો કે નકામા ખર્ચની ટેવ તેમને દેવાની જાળમાં ફસાવી શકે છે.

બધી માગણી પૂરી ન કરો
દરેક માબાપ પોતાના બાળકને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે અને તેમની દરેક ઈચ્છા પૂરી કરવા ઈચ્છે છે, પરંતુ જેા તમે ઈચ્છો છો કે તમારું બાળક શિસ્તમાં રહે અને મહેનતથી કમાયેલા પૈસાનું મહત્ત્વ સમજે તો તેની દરેક નાનીમોટી માગણીને તરત પૂરી કરવી તેના ભવિષ્ય માટે યોગ્ય નથી. જેા તમે એવા પેરન્ટ્સ છો, જે પોતાના બાળકની દરેક નાની-મોટી માગણીને તરત પૂરી કરો છો, તો તમારે તમારી આ ટેવને છોડવાની જરૂર છે, કારણ કે પાછળથી તમારું આ વલણ તમારા બાળક માટે મુસીબત બની શકે છે. તે જિદ્દી બની શકે છે, તોફાની બની શકે છે. પોતાની જરૂરિયાત પર કાબૂ ન રાખી શકવાના લીધે કોઈ ગુનાઈત પ્રવૃત્તિમાં ફસાઈ શકે છે. તેથી તમે પણ તમારા બાળકને બાળપણથી જરૂરિયાત અને લક્ઝરી વચ્ચેના ફરકને સમજાવો. એટલે કે કઈ વસ્તુ ખરીદવી જેાઈએ અથવા શું ખાવું જરૂરી છે તેમજ કઈ વસ્તુની ખરીદી ટાળી શકાય તેમ છે, બાળકોને આ બધી વાત સમજાવવી એમ પણ ખૂબ જરૂરી છે. જેાકે આ વાત બાળકોને તરત નહીં પરંતુ ધીરેધીરે સમજાવો.

બાળકોને બચત માટે ગલ્લો આપો
તમારા ઘરે આવતા મહેમાન જતી વખતે તમારા બાળકોના હાથમાં પૈસા જરૂર આપતા હશે, નાની, કાકા, મામા, માસી પાસેથી પણ બાળકોને અવારનવાર થોડાઘણા પણ પૈસા મળતા હશે. તે ઉપરાંત તમે પણ તેમને ખિસ્સાખર્ચી માટે પૈસા આપતા હશો. પ્રશ્ન એ છે કે તમારું બાળક આ પૈસા બચાવીને રાખે છે કે પછી બધા પૈસા ખર્ચી નાખે છે? જેા તે પૈસા બચાવીને રાખતું હોય તો નિશ્ચિત રહો, તેનું ભવિષ્ય સુરક્ષિત છે, પરંતુ જેા તે બધા પૈસા મોજમસ્તી અથવા મનપસંદ વસ્તુની ખરીદીમાં ઉડાવી દેતું હોય તો તેની આ ટેવ આગળ જતા ખૂબ ભયજનક સાબિત થઈ શકે છે. જેા તમે ઈચ્છો છો કે તમારું બાળક બચત કરતા શીખે તો તેને બાળપણથી પૈસાનો યોગ્ય ઉપયોગ કરતા શીખવો. તેને સમજાવો કે થોડા પૈસા ખર્ચવા અને થોડા બચાવી રાખવા. તેમને બચત પ્રત્યે આકર્ષિત કરવા કોઈ કાર્ટૂન કેરેક્ટરવાળા બચતના ગલ્લા લાવી આપો. આ ગલ્લામાં થોડા થોડા પૈસા નાખવાથી તેમનામાં સરળતાથી બચતની ટેવ વિકસિત કરી શકાય છે. તેમને ગલ્લાનો રણકાર હંમેશાં ગલ્લામાં થોડાક પૈસા નાખવા પ્રેરિત કરશે.

બચતખાતું ખોલાવો
તમારા બાળકોને બચતની ટેવના લાભ જણાવો. તમે તેમને જણાવી શકો છો કે કેવી રીતે મહિના દરમિયાન બચાવેલા પૈસાનું રોકાણ કરી શકાય છે. તેને સાથે બેંકમાં લઈ જાઓ અને કાયદેસર તેનું પણ એકાઉન્ટ ખોલાવો. આજકાલ બેંકમાં બાળકોના નામથી ખાતા ખોલાવવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમના પોતાના ખાતામાં તેમને પૈસા જમા કરતા શીખવો. આજે કરેલી નાનીનાની બચત તેમની આવતી કાલની મોટી જરૂરિયાત પૂરી કરી શકે છે.

બરબાદીના નુકસાન સમજાવો
ઘણા બધા બાળકો પોતાના પેન્સિલ, પેપર, રબર અથવા બીજી વસ્તુને બિનજરૂરી બરબાદ કરતા હોય છે. પેન્સિલ થોડી નાની થઈ નથી કે ગઈ ડસ્ટબિનમાં અથવા નોટબુકમાં માત્ર થોડીક લાઈન લખીને બાકીના પૂરા પેજ ખાલી છોડી દે છે. તમે તેમને સમજવવાની કોશિશ કરો કે કાગળ વૃક્ષોને કાપવાથી બને છે અને જેા બાળક કાગળ બરબાદ કરી રહ્યું હોય તો તે એક નવા ઝાડને કાપવાની તૈયારી કરી રહ્યું છે. તેમને સમજાવો કે વૃક્ષોથી આપણને જીવન જીવવા માટે ઓક્સિજન મળે છે, તેથી તેમનું રહેવું જરૂરી છે. આ રીતે વાર્તાના માધ્યમથી તમે તમારા બાળકની વસ્તુને બરબાદ કરવાની ટેવ સુધારી શકો છો.

બિનજરૂરી ખર્ચના નુકસાન સમજાવો
બાળકોના બિસ્કિટ, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક, પિઝા, બર્ગર, મોમોઝ અથવા રમકડાની જિદ્દ પૂરી કરતાંકરતાં તમારા ઘરનું બજેટ ખોરવાઈ જાય છે. ફાસ્ટફૂડની ટેવથી બાળકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. તેઓ જિદ્દી, સ્થૂળ અને આળસુ થઈ જાય છે. તેમને લાગતું હોય છે કે તેઓ જે પણ માગણી કરશે તેને પૂરી કરવા માટે તમે હંમેશાં સક્ષમ છો. તેથી બાળકોને જણાવો કે તમે પૈસા કમાવા માટે કેટલી મહેનત કરી રહ્યા છો.
તેમને એ વાત સમજાવવામાં મદદ કરો કે પૈસા ન હોવાની સ્થિતિમાં તમારા કયા જરૂરી કામ અટકી જશે. તેમાં બાળકોની સ્કૂલની ફી, દાદાદાદીની દવા, પાળેલા પ્રાણીના ખોરાકપાણી, વીજળીપાણી વગેરેના બિલ, ગ્રોસરીનું બિલ વગેરે સામેલ કરો. બાળકો હંમેશાં પોતાના પેરન્ટ્સ અથવા દાદાદાદી સાથે ખૂબ વધારે જેાડાયેલા હોય છે. તેમના દ્વારા સમજાવવામાં આવેલા ફાલતુ ખર્ચ બંધ કરવાની વાતને તેઓ સરળતાથી સમજી જાય છે અને પોતાનામાં બચતની ટેવને ડેવલપ કરી શકશે.

બજેટ બનાવવામાં બાળકોને પણ સામેલ કરો
તમે તમારા જીવનસાથી અથવા માતાપિતા સાથે ઘરનું માસિક બજેટ બનાવતા હોય તો આ પ્રક્રિયામાં બાળકોને પણ સામેલ કરો. તમારી ચિંતા, પૈસાની મુશ્કેલી અથવા દેવાની સ્થિતિ સમજ્યા પછી થોડા મહિનામાં શક્ય છે કે તમારું બાળક પોતાના નકામા ખર્ચાની ટેવ છોડી દે. તે પોતાની પોકેટ મની બચાવીને ઘર ખર્ચમાં મદદરૂપ થવા લાગે આ એક સારી સાઈન છે.

બચતના પૈસાથી ગિફ્ટ અપાવો
બાળકોએ કરેલી બચતના પૈસાથી તેમની જરૂરિયાતની વસ્તુ ખરીદો. શક્ય છે કે ઘણા બધા દિવસોથી તમારા ઘરમાં ટેબલલેમ્પ માટે બાળક જિદ્દ કરી રહ્યું છે અથવા ભણવા માટે ટેબલખુરશી સ્ટોરીબુક્સ વીડિયો ગેમ્સ વગેરેની માગણી કરી રહ્યું છે તો આ સ્થિતિમાં તેણે કરેલી બચતના પૈસાથી તેને આ વસ્તુ અપાવો. આમ કરવાથી બાળકોમાં ગર્વની લાગણી પેદા થશે અને તેનામાં બચત કરવાનો ઉત્સાહ વધશે. પોતાના પૈસાથી આવેલી વસ્તુની સારસંભાળ પણ તે પૂરા દિલથી કરશે.

બાળકોને ક્રિએટિવ બનાવો
ઘરની જૂની ચીજવસ્તુમાંથી કોઈ ને કોઈ ઉપયોગી વસ્તુ બનાવીને બાળકોને બતાવો અને તેમને પણ એવું કરવા પ્રોત્સાહન આપો, જેમ કે કોલ્ડ ડ્રિંક્સની ખાલી બોટલમાંથી પેન સ્ટેન્ડ બનાવવું, આઈસક્રીમ સ્ટિકમાંથી ટેબલ લેમ્પ બનાવવો અથવા તૂટેલા રમકડામાંથી ક્રાફ્ટ બનાવવા જેવા કામ ખુશીથી કરે છે. આ રીતે બાળકોને તેમની જૂની વસ્તુનો ફરીથી ઉપયોગ કરતા શીખવો. તેમને પેન્સિલ અથવા રબર સંપૂર્ણ રીતે વપરાઈ જાય પછી નવી પેન્સિલ અને રબરનો ઉપયોગ કરવાનું કહો. પેન્સિલ નાની થઈ ગઈ હોય તો તેને કોઈ જૂની પેનની આગળ જેાડીને ઉપયોગ કરવા કહો. તેમને સમજાવવાની કોશિશ કરો કે કેવી રીતે બિનઉપયોગી વસ્તુમાંથી નવી અને આકર્ષક વસ્તુ બનાવી શકાય છે. આમ કરવાથી તમારું બાળક ક્રિએટિવ પણ બનશે. તેની સાથે તેનામાં બાળપણથી કોઈ પણ વસ્તુને મહત્ત્વ આપવાનો ગુણ વિકસિત થશે.

ખિસ્સાખર્ચ કમાઓ
દર મહિને બાળકોને આપવામાં આવતા ખિસ્સાખર્ચ ઉપરાંત તેમને ખિસ્સાખર્ચ કમાવા પ્રોત્સાહિત કરો. આમ કરવું ગમે તે રીતે શક્ય બની શકે છે. જેા તેઓ ઘરના કેટલાક કામ કરે તો બદલામાં તમે તેમને થોડાક પૈસા આપી શકો છો. રૂમ સાફ કર્યા પછી કે હોમવર્કમાં નાના ભાઈબહેનને મદદ કરવા પર પણ તમે તેમને ભેટમાં થોડા પૈસા આપી શકો છો, જેને તેઓ પોતાના બચતના ગલ્લામાં નાખી શકે. કયા કામના કેટલા પૈસા આપવા તે કામના પ્રકાર પર નિર્ભર હોવું જેાઈએ. પૈસા મળવાથી બાળકો આમ પણ ખૂબ ઉત્સાહિત થતા હોય છે અને તેમને શ્રમના મહત્ત્વ અને પૈસાની કિંમતની પણ સમજણ વિકસે છે.

બચત માટે ઈનામ
જ્યારે પણ તમારું બાળક પોતાનું આર્થિક લક્ષ્ય પ્રાપ્ત કરે, ત્યારે તેને ઈનામ આપવા વિશે જરૂર વિચારો. ઈચ્છો તો આ ઉપલબ્ધિ પર તેને કોઈ નવો ડ્રેસ ખરીદી આપો, કેક અથવા આઈસક્રીમ ખવડાવવા લઈ જાઓ કે પછી કમ્પ્યૂટર કે ટીવી જેાવા માટે થોડો વધારે સમય આપો. જે રીતે કંપનીમાં પીએફમાં ઉમેરો કરવામાં આવે છે, તે જ રીતે તેમણે કરેલી બચતમાં તમે તેમણે બચાવેલા નાણાં જેટલા નાણાં ઉમેરી શકો છો.

ધર્મ
આજકાલ ધર્મના નામે સૌથી વધારે બરબાદી થઈ રહી છે અને પરિવારો પોતાની વર્ષોની કરેલી બચતને કોઈ ધાર્મિક કાર્યમાં વેડફી નાખતા હોય છે, જેનો કોઈ લાભ નથી હોતો. જેા ધર્મ પાછળ વાપરવામાં આવતી નાનીનાની રકમને બચાવવામાં આવે તો દર વર્ષે તમે એક મોટી રકમ બચાવી શકશો, તેઓ હંમેશાં ધ્યાન રાખો કે કોઈ તમને ધર્મના નામે લૂંટી તો નથી રહ્યું ને.
– રાજેશ.

વધુ વાંચવા કિલક કરો....