દિવાળી દીવાઓનો તહેવાર છે. આ દિવસે જેા રંગોળી પણ બનાવવામાં આવે તો પ્રકાશનું આ પર્વ વધારે દીપી ઊઠે છે. દિવાળીના દિવસે દરેક ઘરમાં રંગોળી બનાવવાની પરંપરા રહી છે. આ દિવસે લોકો પોતાના ઘરની સાફસફાઈ કરે છે, તેને સજાવે છે અને ઘરના આંગણામાં રંગોળી બનાવે છે.
દીપાવલીના દિવસે ઘરના પ્રવેશદ્વાર પર સુંદર રંગોળી બનાવીને લોકો અતિથિઓનું સ્વાગત કરતા હોય છે. આ દિવસે ફરસ પર બનાવેલી વિવિધ પ્રકારની રંગોળી સ્થાનિક વિસ્તારની કલાના મહત્ત્વને અલગઅલગ રીતે પ્રસ્તુત કરે છે. મૂળ રીતે રંગોળી કમળ, માછલી, પક્ષીઓ અને સાપ, હાથી વગેરેના રૂપે બનાવવામાં આવે છે, જેને મનુષ્યો, પ્રાણીઓ અને કુદરત વચ્ચેના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.
કેટલીક રંગોળી એટલી સુંદર બનાવેલી હોય છે કે તેને જેાઈને એવું લાગતું હોય છે કે જાણે વાસ્તવમાં રંગોનું એક સુંદર સંયોજન સ્વયંમાં એક અલગ રૂપ લઈને અવતરિત થયું ન હોય.
રંગોળીમાં ૨ ત્રિકોણ બનાવવામાં આવે છે, જેમાં ચારેય બાજુ ૨૪ પાંખડી બનાવવામાં આવે છે અને ત્યાર પછી બહાર એક વર્તુળ બનાવવામાં આવે છે. ઘણી વાર કમળની પાંખડીઓને ત્રિકોણ આકારમાં પણ બનાવવામાં?આવે છે. ઉત્તર બિહારમાં રંગોળીમાં પગ બનાવવામાં આવે છે, જેનો આગળનો ભાગ દરવાજા તરફ બનાવવામાં આવે છે.

અલગ રાજ્ય અલગ રંગોળી
ભારતના દરેક રાજ્યમાં રંગોળી બનાવવાની રીત અલગઅલગ હોય છે. આંધ્રપ્રદેશમાં અજદળ કમળના રૂપે ઘણી રીતે રંગોળી બનાવવામાં આવે છે. તામિલનાડુમાં હૃદયના આકારનું કમળ બનાવવામાં આવે છે, જેમાં ૮ તારા બનાવવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં કમળને વિવિધ આકાર આપીને રંગોળી બનાવવામાં આવે છે જેમ કે શંખ કમળ, શેલ કમળ અને તબક જેનો અર્થ છે એક એવી થાળી, જેમાં કમળની ૮ પાંખડીઓને સારાપણાનું પ્રતીક માનવામાં આવે છે.
ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં રંગોળીમાં કમળની ૧૦૦૧ પ્રકારની ડિઝાઈન જેાવા મળે છે. ઉપરાંત સ્વસ્તિક અને શંખ બનાવવાની પરંપરા પણ રહી છે, જે સંપૂર્ણપણે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવે છે.
પૂરા ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ ઉલ્લાસથી ઊજવવામાં આવે છે અને આ દિવસે બનાવવામાં આવતી રંગોળીને સ્વયંમાં ખુશીઆનંદનું પ્રતીક માનવામાં આવે છે. કેટલીક રંગોળીઓ જ્યોમેટ્રિક આકાર જેમ કે વર્તુળ, ત્રિકોણ વગેરેમાં હોય છે સાથે કમળ, માછલી, વૃક્ષો અને વેલના સ્વરૂપે પણ બનાવવામાં આવે છે.

રંગોળીની સામગ્રી
રંગોળી બનાવવામાં ઘણા પ્રકારની સામગ્રીનો ઉપયોગ થતો હોય છે, જેમ કે રંગેલા ચોખા, લાકડાનો ભૂકો, ફૂલ, ચોખાનો લોટ, દાળ, પાંદડાં વગેરે. પૂરા ભારતમાં રંગોળીના સૌથી ઉત્તમ રંગ સફેદને માનવામાં?આવે છે. આમ પણ સફેદ રંગ શાંતિના પ્રતીક તરીકે ઓળખાતો હોય છે. મહદ્અંશે રંગોળી ચોખાના લોટ અથવા તેના દ્રાવણમાંથી બનાવવામાં આવતી હોય છે. જેને ‘એપન’ પણ કહેવામાં આવે છે. ચોખાને પૂરા ભારતમાં પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે.
રંગોળીમાં વપરાતો બીજેા સારો રંગ પીળો હોય છે. તેથી હળદર પાઉડર અથવા પીળા રંગથી રંગોળીનો બહારનો ભાગ બનાવવામાં આવે છે. કેસરિયો અને લીલા રંગને પણ સારા રંગમાં સામેલ કરવામાં આવે છે.
આમ તો બજારમાં રંગોળી માટેના ઘણા બધા રંગો મળતા હોય છે, પરંતુ જ્યાં સુધી દિવાળીની વાત છે તો આ પ્રસંગ પર મહદ્અંશે ચોખાથી રંગોળી બનાવવાની પરંપરા રહી છે. તેમ છતાં જેા તમે તેમાં રંગ ભરવા ઈચ્છતા હોય તો ચોખાને વિભિન્ન રંગથી રંગીને પ્રવેશદ્વારના ફરસ પર રંગોળી બનાવી શકો છો. આ રીતે સુંદર રંગોળીથી સજાવેલા આંગણાને જેાઈને મહેમાનો પણ ખુશ થશે.
– ડો. અનીતા સહગલ વસુંધરા.

વધુ વાંચવા કિલક કરો....