વાર્તા – પૂનમ અહમદ

રાહુલે કોલેજથી ફોન કર્યો, ‘‘મા, આજે ૩ વાગ્યા સુધીમાં મારા મિત્રો આવશે.’’
રૂપાએ પૂછ્યું, ‘‘કયા મિત્રો?’’
‘‘મારું જૂનું ગ્રૂપ.’’
‘‘કયું ગ્રૂપ? નામ જણાવ, કયા કયા મિત્રો છે તારા?’’
‘‘અરે મા, કૃતિકા, નેહા, અનન્યા, મોહિત, અમિત આ બધા લોકો આવશે.’’
‘‘શું અનન્યા પણ છે?’’ માએ પૂછ્યું.
‘‘હા, મા.’ રાહુલે જવાબ આપ્યો.
‘‘પરંતુ તે અહીં… આપણા ઘરે?’’
‘‘ઓહ મા, તેમાં આશ્ચર્યની વાત ક્યાં છે? તમને દરેક વાતમાં આશ્ચર્ય થતું હોય છે.’’
‘‘સારું, તું આવી જ.’’ કહીને રૂપાએ ફોન મૂકતા વિચાર્યું. સાચું કહી રહ્યો છે રાહુલ. મને આશ્ચર્ય થાય છે, આજકાલના બાળકોની માનસિકતા પર કે કેવી છે આ યુવા પેઢી. કેટલી સહજતાથી રિએક્ટ કરે છે દરેક નાનીમોટી વાત પર, પરંતુ હા મોટી વાત પર પણ.
અનન્યા અને રાહુલ બાળપણથી સાથે ભણી રહ્યા હતા. આગળ જતા અનન્યાએ સાયન્સ લઈ લીધું હતું. જ્યારે રાહુલે કોમર્સ, પરંતુ બંને વચ્ચે ખૂબ મજબૂત મિત્રતા હતી. રાહુલ અને અમિતના માતાપિતા બંને પોતાના યુવા બાળકોના મિત્ર બનીને રહેતા હતા. રાહુલથી ૩ વર્ષ મોટી સુરભિ સીએ કરી રહી હતી.
રાહુલ પણ તે જ લાઈન પર ચાલી રહ્યો હતો. બાળકોની હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહેલી રૂપા અંદાજ લગાવી ચૂકી હતી કે રાહુલ અને અનન્યા વચ્ચે મિત્રતાથી વધારે કંઈક છે. રાહુલ અનન્યા સાથે ક્યાંક બહાર જતો ત્યારે અમિત ઘણી વાર તેને છેડતા કહેતો કે ગયો તારો દીકરો તેની ગર્લફ્રેન્ડ સાથે. તે સમયે રાહુલ પણ હસીને શાંતિથી કહેતો, ‘‘હા સારી મિત્ર છે તે મારી.’’
રાહુલ માતાપિતાને આટલું જ કહી શકતો હતો બાકી અમિત અને રૂપાએ અંદાજ લગાવી દીધો હતો. ઘણી વાર રૂપા આ વિષયે કડકાઈથી કામ લેવાનું વિચારતી, પરંતુ ત્યાર પછી આધુનિક બાળકો અને આધુનિક વાતાવરણ જેાઈને પોતાને સમજાવી લેતી હતી. જેાકે રાહુલ ખૂબ સંસ્કારી અને ભણવામાં હોશિયાર હતો. સ્પોર્ટ્સમાં પણ તે બધાથી આગળ રહેતો હતો. અનન્યા સાથેની તેની મિત્રતાને લઈને ઘરમાં કંકાસ થાય તેવું રૂપા ઈચ્છતી નહોતી.
પછી અચાનક ફોન પર થતી રાહુલની વાતો પરથી રૂપાએ અંદાજ લગાવ્યો કે હવે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. રૂપાથી રહેવાયું નહીં, તેથી પૂછી લીધું, ‘‘રાહુલ શું થયું છે? કોઈ ઝઘડો થયો છે કે શું અનન્યા સાથે?’’
‘‘હા મા, બ્રેકઅપ થઈ ગયું છે.’’ રાહુલે કહ્યું.
‘‘કેમ શું થયું?’’ મા બોલી.
‘‘અરે, આ બધું છોડો ને મા.’’
‘‘અરે, કંઈક તો જણાવ?’’
રાહુલ હસીને બોલ્યો, ‘‘જેટલું જરૂરી હોય તેટલું તમને જણાવી રહ્યો છું ને, બસ.’’
રૂપાએ મનોમન વિચાર્યું કે તે સાચું કહી રહ્યો છે. પોતાના વિશે જેટલું જણાવવા જેટલું હોય છે તેટલું પૂછ્યા વિના જણાવી દે છે ને. ચાલો ઠીક છે, યુવાન બાળકોને એમ પણ વધારે પૂછવું ન જેાઈએ. હજી તેઓ બાળકો છે ને, થઈ ગઈ હશે કોઈ વાત.
તે દિવસ પછી રૂપા ઘણી વાર રાહુલના ચહેરાના ભાવને તપાસતી પારખતી કે પોતાનો દીકરો ક્યાંક ઉદાસ તો નથી ને. પછી એક દિવસ જ્યારે રાહુલ તેની પાસે ઊંઘી રહ્યો હતો ત્યારે રૂપાએ તેને વહાલ કરતા પૂછ્યું, ‘‘અનન્યા સાથે તારી આટલી ગાઢ મિત્રતા હતી, તો તને દુખ થયું હશે ને?’’
રાહુલે પણ સ્વીકાર્યું હતું, ‘‘હા, મા, દુખી થયો હતો હું.’’
રૂપાએ આગળ જણવા ઈચ્છ્યું, ‘‘શું થયું હતું?’’
‘‘અરે, આ બધું હવે રહેવા દે ને મા.’’
‘‘સારું ઠીક છે.’’
આ વાતના ૩ મહિના પછી રાહુલની નવી ગર્લફ્રેન્ડ વિશે રૂપાને જાણ થઈ. મિતાલીએ રાહુલની સાથે માટુંગામાં આવેલી પોદ્દાર કોલેજમાં એડમિશન લીધું હતું. બંને સાથે ટ્રેનમાં જતા હતા. ઘરે આવીને પણ તે મિતાલી સાથે ફોન પર વાતોમાં વ્યસ્ત રહેતો.
આ સમયે સુરભિ રાહુલને છેડતી, ‘‘અરે રાહુલ, નવી ગર્લફ્રેન્ડ બનાવવામાં ૩ મહિના પણ ના લાગ્યા તને? ક્યાં છે અનન્યા આજકાલ?’’
‘‘એન્જિનિયરિંગ કરી રહી છે બેંગલુરુમાં.’’
‘‘તારી વાત થતી હશે ને તેની સાથે?’’
‘‘હા.’’
‘‘ખરેખર.’’
‘‘બીજું શું? વાત થતી રહે છે મોબાઈલ પર. વીડિયો ચેટિંગ પણ થાય છે.’’
સાંભળીને રૂપા પણ ચોંકીને બોલી, ‘‘પરંતુ તું કહી રહ્યો હતો કે તારું તો બ્રેકઅપ થઈ ગયું છે તેની સાથે.’’
અમિતે પણ વાતમાં ભાગ લીધો, ‘‘ખબર નહીં તારો લાડકો કેવી કેવી વાર્તા સંભળાવતો રહે છે અને તું પણ ધ્યાનથી સાંભળતી રહે છે.’’
રાહુલે ગંભીરતાથી કહ્યું, ‘‘પપ્પા, જૂઠું તો નથી બોલતો હું માની સામે, અનન્યા સાથે વાત થતી રહે છે. તેમાં જૂઠું કેમ બોલું?’’
લોકડાઉનના દિવસોમાં તે અહીં મુંબઈમાં હતી અને અમે લોકો ઘણી વાર છુપાઈને મળી લેતા હતા. માસ્ક લગાવીને બધાએ ખૂબ એન્જેય કર્યું હતું. રાહુલે આ રહસ્ય જણાવી દીધું.
રાહુલના બીજા મિત્રોની સાથે મિતાલી પણ ઘરે આવતી રહેતી હતી. સુંદર, સ્માર્ટ છોકરી હતી તે, રૂપાને અનન્યાની જેમ મિતાલી પણ ગમતી હતી.
સુરભિએ એક દિવસ હસતાંહસતાં કહ્યું, ‘‘મા, તમે રાહુલની દરેક ગર્લફ્રેન્ડને વહુ રૂપે જેવા લાગો છો. મને મજા આવે છે આ બધું જેાઈને.’’
રૂપા ચોંકી ગઈ, પરંતુ કંઈ બોલી નહીં. અમિતે પણ કહ્યું, ‘‘હજી તમારા દીકરાઐ જલદી ગર્લફ્રેન્ડ બદલી છે, થોડો સમય થવા દે. કેટલી જલદી સપના જેાવાનું શરૂ કરી દે છે તું.’’
ઘરમાં હસીમજાક ચાલતા રહ્યા. મજાકનું નિશાન મોટાભાગે રાહુલની છોકરીઓ સાથેની મિત્રતા રહેતી.

હજી રૂપા વિચારીને આશ્ચર્ય અનુભવી રહી હતી કે આજે અનન્યા કેવી રીતે ઘરે આવી રહી છે અને આટલી નિકટતા પછી બ્રેકઅપ અને આજે ફરીથી ઘરે આવવા તૈયાર… પહેલા પણ ઘણી વાર તે ઘરે આવતીજતી રહેતી હતી. બ્રેકઅપ પછી પણ તે કેવી રીતે રાહુલ સાથે વાત કરી લે છે.
રાહુલ કોલેજથી આવ્યો. રૂપા તેના ચહેરા પરના ભાવને વાંચવા લાગી. તે રોજની જેમ ફ્રેશ થઈને ખાવાનું ખાઈને તેની પાસે બેસી ગયો. રૂપા મનોમન બેચેન જરૂર હતી. પછી તેણે પૂછી લીધું, ‘‘રાહુલ, શું તારી અનન્યા સાથે વાતચીત નોર્મલ થાય છે?’’
‘‘હા, બીજું શું મા?’’
‘‘પરંતુ તારું બ્રેકઅપ…’’ રૂપા બોલી.
‘‘ઓહ મા, તમે દરેક વાતને કેમ આટલી સીરિયસલી લો છો? અરે મા, એક સારી મિત્રતા ક્યારેય તૂટતી નથી, કોઈ વાત પર અમારું બ્રેકઅપ થઈ ગયું તો તેનો અર્થ એ નથી કે આટલી જૂની અને સારી મિત્રતાને ભૂલી જઉં. હવે અનન્યા મારી પહેલાથી વધારે સારી મિત્ર છે.’’

રાહુલ હજી વાત કરી જ રહ્યો હતો એટલામાં તેના બધા મિત્રો આવી ગયા. રૂપા માટે આ ઘટના અદ્ભુત હતી. તેણે પોતાના જમાનામાં એ જ જેાયું હતું કે મિત્રો તો દૂર, માસી, મામા પણ એક વાર નારાજ થયા પછી વર્ષો સુધી મનમાં ગુસ્સો ભરેલો રાખતા હતા. એક વાર તેની માસી માને મળવા માટે બાળકો સાથે આવી હતી. તે સમયે માની કિટી પાર્ટી આવી અને તેમાં તે બહેનને પણ લઈ જવા ઈચ્છતી હતી, પરંતુ બહેનનું કહેવું હતું કે તે ૪ મહિના પછી આવી છે, તેથી માએ કિટી પાર્ટીમાં ન જવું જેાઈએ. જેાકે મા તે દિવસોમાં કિટી પાર્ટીની ઈન્ચાર્જ પણ હતી, તેથી મા તો ગઈ.
માસી આમ તો ૧૦ દિવસ માટે આવી હતી, પરંતુ માત્ર ૩ દિવસમાં જતી રહી અને તે હજી સુધી મા સાથે વાત નથી કરતી.
બધાએ રૂપાને નમસ્તે કર્યું. રાહુલ પણ બધાને જેાઈને ખૂબ ખુશ થઈ ગયો હતો. આ સમયે રૂપા અનન્યાને એક નજરે જેાઈ રહી હતી. અનન્યા સુંદર, સ્માર્ટ હતી, પરંતુ રૂપાને તેનું હસવું આજે પહેલાં કરતા વધારે આકર્ષક લાગી રહ્યું હતું.
પોતાના ખાસ અંદાજમાં અનન્યાએ હસીને પૂછ્યું, ‘‘આંટી કેમ છો? અંકલ અને સુરભિ દીદી મજામાં છે ને?’’
રૂપાએ જવાબ આપ્યો, ‘‘બધા મજામાં છે. તમે બધા બેસો, હું પાણી લઈને આવું છું.’’
અનન્યા તરત બોલી, ‘‘આંટી, તમે બિલકુલ પરેશાન ન થશો, અમને કઈ પણ જેાઈતું હશે તો જાતે લઈ લઈશું. અમે બધા કંઈ ને કંઈ પોતાની સાથે લાવ્યા છીએ. તમે મારી બનાવેલી આ ડિશને ટેસ્ટ કરો.’’
ટેસ્ટ કરતા રૂપાને વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગી, પછી તે બોલી, ‘‘ઠીક છે, તમે બધા બેસીને વાત કરો.’’ પછી રૂપા પોતાના રૂમમાં આવીને ઊંઘી ગઈ.
બધા વાતોમાં વ્યસ્ત થઈ ગયા, પરંતુ રૂપાના કાન અનન્યાના અવાજ પર કેન્દ્રિત હતા. રૂપાને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આજકાલના બાળકો પોતાની તૂટી ગયેલી મિત્રતાને કેટલી સહજતાથી સામાન્ય રીતે અપનાવી લે છે. ક્યાંય કોઈ મહેણાંટોણાં નહીં, ક્યાંય પણ એકબીજાને નીચું બતાવવાની કોશિશ નહીં, કેટલી સરળતા છે તેમના મનમાં… એ જ આત્મીયતા અને એ જ હસીમજાક.
અનન્યાનું એ જ જૂનું ખડખડાટ હસવું ડ્રોઈંગરૂમમાં ગુંજી રહ્યું હતું અને રૂપા પોતાના બેડ પર પડખાં ફેરવી રહી હતી. જેાકે તેણે આજે ૨૫ વર્ષ પછી પણ પોતાના દિલના ઘાને તાજા રહેવા દીધા હતા. તે વિચારવા લાગી ક્યાં આ બાળકો અને ક્યાં તે… વર્ષો જૂનો ઘા ફરીથી ડંખવા લાગ્યો.
પછી યાદો એક પછી એક નજરની સામે આવવા લાગી… તેના ઘરની સામે હતું તેના બાળસખા રોહનનું ઘર. બંનેએ યુવાવસ્થામાં પગ મૂક્યો ત્યારે બંનેના દિલમાં મિત્રતા સાથે પ્રેમના અંકુર પણ ફૂટવા લાગ્યા હતા. તે મનોમન રોહન સાથે લગ્ન કરવાનું સપનું જેાવા લાગી હતી, પરંતુ પોતાના માતાપિતાનું એકમાત્ર સંતાન એવા રોહને પોતાના માતાપિતાની ઈચ્છા સામે પોતાનું માથું ઝુકાવી દીધું, ત્યારે તડપી ઊઠી હતી રૂપા કે કાયર, દગાખોર… ખબર નહીં શું શું કહ્યું હતું તેણે રોહનને.
તે સમયે રોહનના માતાપિતાએ રોહનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, ‘‘અમે આપણા સમાજની છોકરીને જ વહુ બનાવીશું. મિત્રતા સુધી ઠીક છે, પરંતુ લગ્ન નહીં થઈ શકે તારા રૂપા સાથે. અમે ઊંચી જાતિના છીએ અને તું કાયસ્થ…’’
રોહને ખૂબ સમજાવ્યા હતા તેમને, પરંતુ આખરે તેણે હાર માનવી પડી હતી.
બીજી તરફ રૂપાના મનની સ્થિતિને જાણતા તેના માતાપિતાએ પણ મુંબઈથી આવેલા અમિતનું માંગું સ્વીકારી લીધું. રૂપાએ પણ મન પર પથ્થર મૂકીને પોતાના હોઠ બંધ રાખ્યા હતા અને અમિત સાથે લગ્ન કરીને લખનૌથી મુંબઈ આવી ગઈ હતી.
તેનું પિયરમાં આવવું ન બરાબર થઈ ગયું હતું. તે જાણતી હતી કે પિયરમાં જતા ગમે ત્યારે રોહનનો ભેટો થઈ જશે. આજે તેના પણ પત્ની અને ૨ બાળકો હતા, પરંતુ રૂપા જ્યારે પણ પિયર જતી ત્યારે તેને મળવાથી દૂર રહેતી. એક દિવસ રોહન સામે મળી ગયો. તે તેની સાથે વાત કરવા આગળ વધ્યો, પરંતુ તેણે એવી નફરતભરી નજર તેની પર નાખી કે રોહનના આગળ વધતા પગલાં અટકી ગયા. પછી આવા કેટલાય પ્રસંગ આવ્યા. રૂપાના નાના ભાઈબહેનના લગ્ન થયા ત્યારે તે સપરિવાર પિયરમાં ગઈ હતી.
લગ્નમાં જ્યારે રોહન અને તેના પરિવારનો સામનો થયો ત્યારે પોતાની નજર ફેરવી લીધી તેણે. તે સમયે સંપૂર્ણપણે રૂપાએ રોહનને નજરઅંદાજ કરી દીધો હતો.
રોહન ઘણી વાર તેની તરફ આવ્યો, પરંતુ રૂપા પીઠ ફેરવીને ત્યાંથી ચાલી ગઈ હતી અને લગ્ન સંપન્ન થતા તરત મુંબઈ પરત આવી હતી. તેના પતિ અમિતે તે સમયે આશ્ચર્યથી પૂછ્યું પણ હતું, ‘‘શું વાત છે, તારું પિયરમાં બિલકુલ મન ન લાગ્યું?’’
સાંભળીને રૂપા ફિક્કું હસી હતી. પછી ભાઈઓના બાળકો થયા અને પિતાનું પણ મૃત્યુ થઈ ગયું. હવે તે ઈચ્છવા છતાં માની પાસે રોકાઈ શકતી નહોતી. તેનું દુખ આટલા વર્ષો પછી આજે પણ તેના દિલમાં જરૂર હતું…

આજે જ્યારે અનન્યાનું હસવું રૂપાને સંભળાઈ રહ્યું હતું, ત્યારે તેને ખૂબ દુખ થઈ રહ્યું હતું. અમિત જેવો પ્રેમ કરનારો પતિ હતો, ૨ સુંદર બાળકો પણ હતા. જેાકે પિતા હવે રહ્યા નહોતા અને મા બીમાર રહેવા લાગી હતી… જ્યારે પણ તેને પિયરમાં આવવા માટે કહેતી ત્યારે તે તરત જવાબ આપી દેતી. જ્યારે રોહનને તે એક અપરાધીની જેમ જેાતી હતી હંમેશાં અને એક અનન્યા હતી, આ જ ઉંમર હતી તેની પણ તે સમયે… તે આ તૂટી ગયેલા સંબંધનો આજ દિન સુધી શોક મનાવી રહી હતી જ્યારે આ અનન્યા… એકબીજા સાથેનો પ્રેમનો સંબંધ તૂટી ગયો તો પણ તેણે રાહુલ સાથેની મિત્રતાને કેવી રીતે જાળવી લીધી છે. રૂપા જાણતી હતી કે રાહુલ ખૂબ લાગણીશીલ અને વિશ્વાસપાત્ર છોકરો હતો. હવે રાહુલ સાથેની અનન્યાની મિત્રતા તેને અતૂટ દેખાઈ રહી હતી. તે વિચારવા લાગી કે અનન્યા પણ કેટલી ખુશ છે. તેની પાસે રાહુલના રૂપમાં એક સારો મિત્ર હંમેશાં રહેશે જ્યારે તે કેટલી મૂરખ છે. જ્યારે પણ રોહન તેની પાસે આવ્યો હતો ત્યારે તેણે પોતાનું મોં ફેરવી લીધું હતું. બાળપણના એક સારા મિત્રને તેણે હંમેશાં માટે ગુમાવી દીધો હતો.
એટલામાં અનન્યાનો અવાજ સંભળાયો ત્યારે રૂપા વિચારોમાંથી બહાર આવી ગઈ. અનન્યા રૂમના દરવાજા પર ઊભી રહીને પૂછી રહી હતી, ‘‘આંટી, તમે કહો તો બધા માટે હું ચા બનાવી લાવું?’’
રૂપા જાણે તંદ્રામાંથી ઊઠીને બોલી, ‘‘અરે ના…ના, તમે બધા બેસો બેટા, હું બનાવું છું.’’
‘‘ના આંટી, તમે આરામ કરો, હું બનાવું છું ને. તમે મીઠી ચા પીઓ છો ને?’’ કહેતા અનન્યા કિચન તરફ આગળ વધી ગઈ.
બહારથી રાહુલનો અવાજ સંભળાઈ રહ્યો હતો, ‘‘અન્નુ, જરા વ્યવસ્થિત બનાવજેા.’’ તે અનન્યાને ચીડવી રહ્યો હતો.
કિચનમાંથી અનન્યા પણ તેને બરાબર જવાબ આપી રહી હતી. રૂપાને યાદ આવી રહ્યો હતો તેના વ્યવહારથી દુખી, અપમાનિત રોહનનો ચહેરો. આ બાળકોએ આજે તેને ઘણું બધું શીખવી દીધું હતું.
તેણે વિચાર્યું, હવે પછી જ્યારે પણ રોહનનો સામનો થશે ત્યારે તેને ખુશીથી મળશે. આ વિચાર આવતા જ તેને પોતાનાં વર્ષો જૂનાં ઘા રુઝાતાં લાગ્યાં.

વધુ વાંચવા કિલક કરો....