કટાક્ષિકા – મિનિસિંહ.

‘‘હેપી બર્થ-ડે માઈ જાન.’’ માથાને ચૂમતા મારા પતિદેવ અમિતે ખૂબ પ્રેમથી મને જગાડી, ત્યારે હું આળસ મરડતા તેમને ‘થેંક્યૂ’ કહીને બેઠી વળી ગઈ. એટલામાં મારા બંને બાળકો ‘હેપી બર્થ-ડે મોમ… હેપી બર્થ-ડે મોમ…’ કહેતા મારા ગળે લટકીને ઝૂલવા લાગ્યા ત્યારે હું ધન્યધન્ય થઈ ગઈ કે હાય, હું કેટલી નસીબદાર છું કે મારા પતિ અને બાળકોને મારો બર્થ-ડે યાદ રહ્યો છે.
‘‘મમ્મા… આ બર્થ-ડે પર તમે ૪૦ ના થઈ જશો ને?’’ મારી ૧૮ વર્ષની દીકરી નિયતિ બોલી, ત્યારે અમિત હસી પડ્યા અને બોલ્યા, ‘‘હા, બર્થ-ડે પછી આપણી ઉંમર ૧ વર્ષ આગળ દોડી જાય છે, પરંતુ તારી મમ્મીની ઉંમર પાછળની તરફ ભાગી રહી છે.’’
અમિતની વાત પર બાળકો ખડખડાટ હસવા લાગ્યા. મેં અમિતની સામે ઘૂરીને જેાયું, ત્યારે તેઓ શરમજનક રીતે બોલ્યા કે તેમના કહેવાનો અર્થ એ છે કે મારી સ્કિન જેાઈને મારી ઉંમરની ખબર જ નથી પડતી.
‘‘આ વખતે મમ્માના બર્થડે પર આપણે ગ્રેટ સેલિબ્રેશન કરીશું, ખરું ને પપ્પા?’’ મારા ૧૬ વર્ષના દીકરા અંકુરે પૂછ્યું, ‘‘બર્થ-ડે પર આપણે કોનેકોને બોલાવીશું?’’
‘પેલી કામિનીને તો બિલકુલ નહીં’ હું મનોમન બબડી, પરંતુ જણાવવું પડશે ને તેને કે બર્થ-ડે હું હોટલ રીજેન્ટામાં ઊજવવાનો છું. જેાજે ને તે કેવી બળીને રાખ થઈ જશે. ઘણું બધું બતાવતી રહે છે કે તેની બર્થ-ડે તે હંમેશાં મોટીમોટી હોટલમાં ઊજવે છે. આ વખતે હું પણ તેને બતાવી દઈશ કે જેા હું પણ તારાથી ઓછી નથી.’’ મોં મચકોડતા બોલી.
વિચાર્યું કે પહેલા ફોન કરીને તેને બર્થ-ડે વિશે જણાવી દઈશ, તો મારા દિલને શાંતિ થશે, પરંતુ એટલામાં મારા વિચારોને બ્રેક મારતા અમિત બોલ્યો, ‘‘પાર્ટી આપણા ઘરે જ રાખીએ તો કેવું રહે?’’
‘‘ના પપ્પા, ઘરે નહીં, પાર્ટી હોટલમાં રાખો.’’ અંકુર બોલ્યો.
મારું પણ એ જ માનવું હતું. હવે ઘરમાં રાખવાથી કોને જાણ થશે. હોટલમાં પાર્ટી રાખીશું તો ૧૦ લોકોને જાણ થશે અને ત્યાર પછી ફેસબુક પર મારે મારા બર્થ-ડેના ફોટો પણ અપલોડ કરવાના છે. અંતે નક્કી થયું કે અમિત ઓફિસે જતા પહેલા હોટલ પર જઈને વાત કરી લેશે અને નિયતિ કેકનો ઓર્ડર આપી દેશે, પરંતુ આજે ૩૧ ડિસેમ્બર છે, તેથી હોટલ રીજેન્ટામાં કદાચ એન્ટ્રિ મળે.
વિચારી લીધું હતું કે આજે બર્થ-ડે પર હું શું પહેરીશ. એ જ, રેડ કલરનો વનપીસ ડ્રેસ, જે મેં ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યો હતો મારા માટે. અરે, એમ પણ અમિતની પસંદ ક્યાં એટલી સારી હોય છે, તેથી મારું શોપિંગ હું જાતે કરું છું. મારા ગત બર્થ-ડે પર તે એટલો ફિક્કા રંગનો ડ્રેસ ઉઠાવી લાવ્યા હતા કે શું કહેવું, એટલે આ વખતે મેં જાતે મારા માટે ઓનલાઈન ડ્રેસ મંગાવી લીધો હતો. સાથે મેચિંગ એરિંગ્સ અને બ્રેસલેટ પણ મંગાવ્યા હતા. ચંપલ પણ માર્કેટમાં જઈને જાતે લાવી હતી.
‘‘આજે મમ્માના બર્થ-ડે પર ચોકલેટ ટ્રફલ કેક આવશે. તમને ગમે છે ને મમ્મા?’’ મોંમાંથી લાળ ટપકાવતા અંકુર બોલ્યો.
‘‘ના, ચોકલેટ નહીં, બ્લૂ બેરી ચીઝ કેક આવશે, કારણ કે તે પપ્પાને ગમે છે.’’

નિયતિની વાત પર અંકુરે ગુસ્સે થતા કહ્યું, ‘‘ના મમ્માને અને મને ચોકલેટ ટ્રફલ કેક પસંદ છે, તેથી આજે તે જ કેક આવશે બસ.’’
આ વાત પર બંને ઝઘડવા લાગ્યા અને એકબીજા પર ઓશિકા મારવાના શરૂ થઈ ગયા. એક ચોકલેટ ટ્રફલ કેકની જિદ્દ પર મક્કમ અને તે બીજી બ્લૂ બેરી ચીઝ કેક પર, પણ સાચું કહીએ તો મને આ બંનેમાંથી એક પણ કેક પસંદ નહોતી. મારી પસંદ હંમેશાંથી વેનિલા રહી છે, પરંતુ આ બંનેને પાગલની જેમ ઝઘડતા જેાઈને મને ચીડ ચડી અને મનમાં થયું કે તેમને કહું કે બેશરમો… બર્થ-ડે મારો છે કે તમારો, તમારી પસંદને મારી પર જબરદસ્તી થોપી રહ્યા છો બધા.
‘‘સારું સારું, હવે ઝઘડવાનું બંધ કરો.’’ બંનેને શાંત પાડતા અમિતે કહ્યું, ‘‘એક કામ કરીએ, બંને કેક મંગાવી લઈએ. આખરે આજે મારી વહાલી પત્નીનો બર્થ-ડે છે ને.’’ પછી મારી દાઢી પકડીને વહાલથી હલાવતા અમિતે આંખ મારી ત્યારે હું શરમાઈને લાલ થઈ ગઈ અને મારો દુપટ્ટો સરખો કરતા ઊઠીને ચા બનાવવા ગઈ ત્યારે અમિતે મારો હાથ પકડી લીધો અને રોમેન્ટિક અંદાજમાં ગણગણવા લાગ્યા, ‘હુજૂર ઈસ કદર ભી ન ઈતરા કે ચલિયે… ખુલ્લેઆમ આંચલ ન લહેરા કે ચલિયે…’
‘‘અરે પપ્પાને જુઓ કેટલા રોમેન્ટિક થઈ ગયા છે.’’ ગોળગોળ આંખો ફેરવતા અંકુર બોલ્યો, ત્યારે નિયતિ પણ ખીખી કરીને કહેવા લાગી, ‘‘હા, જુઓને મમ્મી પણ કેવી જૂના જમાનાની હીરોઈનની જેમ શરમાઈ રહી છે.’’

બાળકો ની વાતો સાંભળીને મેં તરત હાથ છોડાવી લીધો અને ખોટો ગુસ્સો બતાવતા કહ્યું, ‘‘જા, જઈને ભણવા બેસી જાઓ. સવારથી બસ બર્થ-ડે કરી રહ્યા છો. બીજા કોઈ કામકાજ છે કે નહીં તમારે લોકોને?’’
પરંતુ જિદ્દી અંકુર તેના પપ્પાની પાછળ પડી ગયો, ‘‘બોલો ને પપ્પા, આજે મમ્માને તમે કઈ ગિફ્ટ આપવાના છો?’’
અંકુરની વાત પર અમિતે આંખ મારતા કહ્યું, ‘‘આજે રાત્રે તારી મમ્માને એક સ્પેશિયલ ગિફ્ટ આપીને ખુશ કરી દઈશ.’’
પપ્પાની વાત સાંભળીને બંને બાળકો હાઈફાઈ કરીને ખડખડાટ હસી પડ્યા. ગુસ્સામાં મેં અમિત તરફ જેાતા કહ્યું કે શું જરૂર હતી બાળકો સામે આટલા રોમેન્ટિક બનવાની. આદત છે અમિતની. બાળકોની સામે શરૂ થઈ જાય છે, પરંતુ સમજતા નથી કે આજના બાળકો, બાળકો નથી રહ્યા, મોટાના કાન કાપે તેવા બની ગયા છે. તે બધું જાણતા હોય છે અને ગૂગલ બાબા છે જ જ્ઞાન પીરસવા માટે. તો પછી કોઈને કંઈ પૂછવા જવાની જરૂર ક્યાં છે? પરંતુ એક અમિત છે, જે પોતાની લાગણી પર કાબૂ નથી રાખી શકતા. સાચું કહું છું, બાળકોની સામે હું શરમાઈ જાઉં છું અને અમિત બચીને નીકળી જાય છે.
જવા દો હવે, હું ચા બનાવવા જવા લાગી ત્યારે નિયતિએ એમ કહીને મને રોકી દીધી કે આજે હું બર્થ-ડે ગર્લ છું એટલે મારે કોઈ પણ કામ કરવાના નથી.
‘‘બિલકુલ, આજે મારી પત્ની બર્થ-ડે ગર્લ છે તેથી તું સ્પેશિયલ ફીલ કર. ખાવાનું અમે બાપબેટી મળીને બનાવી લઈશું, ઓકે.’’ મોં પહોળું કરીને બગાસુ ખાતા અમિતે કહ્યું.
‘‘ઓહ, ના ના, તમે લોકો શું બનાવશો, તેનાથી તો મારું કામ વધી જશે.’’ મનોમન વિચારીને તરત બોલી ઊઠી.’’ અરે સમય કેટલો લાગે છે ખાવાનું બનાવવામાં. હું બનાવી લઈશ, તમે લોકો કોઈ બીજા કામ કરો. જેમ કે ઘરને થોડું વ્યવસ્થિત કરી લો, મશીનમાં કપડાં ધોવા માટે નાખી દો વગેરે.
પરંતુ આ આળસુથી તો તે પણ નહીં થાય, હું જાણતી હતી. આ લોકોને માત્ર મોટીમોટી વાતો કરતા આવડે છે, બીજું કંઈ નહીં, પરંતુ આજે મારા બર્થ-ડે પર હું મૂડ બગાડવા નહોતી ઈચ્છતી, તેથી ચુપચાપ જેવી કિચનમાં જવા લાગી કે નિયતિ તરત બોલી આજે મારો બર્થ-ડે છે, તેથી યૂટ્યૂબ પર જેાઈને તે જ મારા માટે કંઈક સ્પેશિયલ બનાવશે, પણ બનાવશે શું, મારું મગજ ખાશે. વધારામાં પૂરું કિચન વેરવિખેર કરશે તે અલગ.
‘‘સારું સારું ઠીક છે, બનાવી લેજેા પછી.’’ કહીને હું કિચનમાં જઈને બધાને ચાનાસ્તો આપવાની તૈયારીમાં લાગી ગઈ. બીજા રૂમમાંથી બંને બાળકોની વાત સંભળાઈ રહી હતી કે આજે મારા બર્થ-ડે પર શું સ્પેશિયલ કરવાનું છે. જેાકે અમિત સવારથી જ પોતાના ફોન પર વ્યસ્ત હતા. ખબર નહીં શું જેાતા રહે છે આખો દિવસ. પુરુષોને તો બસ મોટી મોટી વાતો કરતા આવડે છે, પરંતુ જ્યારે અમલ કરવાની વાત આવે છે ત્યારે હજારો બહાના બનાવી લે છે કે અરે, આજે મીટિંગમાં બિઝી હતો કે પછી બીજા કોઈ…
ગુસ્સો પણ ખૂબ આવતો હતો કે આ ત્રણેય પાસે કોઈ કામકાજ નથી કે શું, સવારથી માત્ર બકવાસ કરી રહ્યા છે, પરંતુ કિચનમાં આવીને બાળકોએ હેપી બર્થ-ડે મોમ બોલીને મોમ હું આ કામ કરી દઉં? લાવો હું પેલું કામ પતાવી દઉં, ‘‘કહ્યું હોત તો મને ખૂબ ખુશી થઈ હોત કે આજે મારા બર્થ-ડે પર બાળકો મને કેટલું બધું મહત્ત્વ આપી રહ્યા છે. આ જ રીતે જેા અમિતે પણ કહ્યું હોત કે આજે મારી જાનનો હેપી બર્થ-ડે છે અને આ ખુશીમાં બીજી એક કપ ચા થઈ જાય. તો અંદરથી હું ખીલી ઊઠી હોત. જ્યારે આ લોકો માત્ર બર્થ-ડે, બર્થ-ડે બોલીને પોતાની ચલાવી રહ્યા છે. અરે, હું ભૂલી ગઈ કે મારે કામિનીને મારા સ્પેશિયલ બર્થ-ડે વિશે પણ જણાવવાનું હતું. પછી વિચાર્યું, શું કહું તેને? હા, એમ કહીશ કે ભૂલથી તને ફોન લાગી ગયો.
‘‘હેલો.’’ સામેથી કામિની બોલી.
‘‘અરે કામિની, ભૂલથી તને ફોન લાગી ગયો? સોરી યાર, હું તો… હોટલ રીજેન્ટામાં ફોન લગાવી રહી હતી… એવું છે કે આજે મારો બર્થ-ડે છે, અમિત મને હોટલમાં પાર્ટી આપી રહ્યા છે. મેં ખૂબ ના પાડી, પણ તે કહે છે કે આજે તેઓ પોતાની જાનનો બર્થ-ડે હોટલ રીજેન્ટામાં જ ઊજવશે.’’ બોલીને હું હસવા લાગી.
સાંભળીને તેના દિલમાં આગ લાગી ગઈ હશે.
‘‘અચ્છાઅચ્છા તું આરામ કર.’’ પણ જાણો છો હવે તેને આરામ ક્યાંથી મળવાનો? કારણ કે મેં તેની ઊંઘ હરામ કરી દીધી હતી ને. વિચારતી હશે બિચારી કે હાય, આ કેવી રીતે થઈ ગયું. અનુ તેની બર્થ-ડે પાર્ટી આટલી મોટી હોટલમાં ઊજવવા જઈ રહી છે અને મને બોલાવી પણ નહીં. હા, નહીં જ બોલાવું, શું તેં મને બોલાવી હતી તારી બર્થ-ડે પાર્ટીમાં? જ્યારે જુઓ ત્યારે મોંઘામોંઘા કપડાં અને ઘરેણાં બતાવીને મને બાળતી રહે છે, પરંતુ આજે હું તેને બાળીશ, જેાજે ને. પોતાની બર્થ-ડેના બધા ફોટા ફેસબુક પર અપલોડ કરીને તેને બાળીબાળીને રાખ કરી દઈશ. આ બધું વિચારીવિચારીને હું મનોમન હસી રહી હતી કે પાછળથી અમિતે આવીને મને આલિંગનમાં જકડી લીધી અને કાનમાં ધીરેથી બોલ્યા, ‘‘મારી જાન, બોલ. આજે તારે ગિફ્ટમાં શું જેાઈએ છે?’’

પરંતુ આ આળસુઓથી આટલું પણ નહીં થાય તેની ખબર હતી મને. આ લોકોને તો માત્ર મોટીમોટી વાતો કરતા આવડે છે, બીજું કંઈ નહીં, પણ આજે મારા બર્થ-ડે પર હું મારો મૂડ બગાડવા નહોતી ઈચ્છતી…

સાંભળી ને થોડો ગુસ્સો પણ આવી ગયો કે ગિફ્ટ શું પૂછીને આપવામાં?આવે છે? પરંતુ મેં પણ સામે એવા રોમેન્ટિક અંદાજમાં કહ્યું, ‘‘પ્રેમથી તમે જે પણ આપશો, તે મને ગમશે.’’ આમ તો હું ઈચ્છતી હતી કે તમે મને ડાયમંડ રિંગ આપો, જેથી હું પેલી કામિનીને બતાવી શકું, પરંતુ ગિફ્ટ માંગવી પણ ઠીક નથી ને. અમે પ્રેમાલાપમાં હજી ડૂબવા જઈ જ રહ્યા હતા કે નિયતિ ફોન લઈને આવી ગઈ કે તેની મિત્ર મને બર્થ-ડે વિશ કરવા ઈચ્છે છે.
‘‘થેંક્યૂ બેટા.’’ બોલીને હું હસી અને ફોન નિયતિને પકડાવી દીધો. સવારથી નિયતિનું બસ એક કામ ચાલી રહ્યું હતું. તે પોતાના બધા મિત્રો પાસેથી મને બર્થ-ડે વિશ કરાવી રહી હતી અને હવે ‘થેંક્યૂ બેટા’ કહીકહીને મારું મોં દુખવા લાગ્યું હતું.
બીજી તરફ અંકુર પણ દર ૨ મિનિટે આવીને બોલ્યા કરતો હતો, ‘‘મમ્મા, જેા તને આ ડિઝાઈનની કેક પસંદ છે કે પછી આ ડિઝાઈનની.’’
‘‘અરે ભાઈ કેકને કાપીને ખાવાની છે. પછી શું ફરક પડે છે કે તેની ડિઝાઈન કેવી છે.’’ અમિત બોલી ઊઠ્યા.
પરંતુ મારે કામિનીને બતાવવાનું હતું, તેથી મેં સૌથી સુંદર ડિઝાઈન પર પોતાની આંગળી મૂકી દીધી અને કહ્યું કે આ કેકનો ઓર્ડર કરી દે.
સાચું કહું તો હવે આ લોકોની વાતથી મને માથું દુખવા લાગ્યું હતું. સવારથી માત્ર વાતો જ વાતો થઈ રહી હતી, કોઈ ઠોસ કામ થઈ રહ્યું નહોતું. ઘર આમ અસ્તવ્યસ્ત પડ્યું હતું. બાળકો હજી પણ મોબાઈલમાં ચોંટેલા હતા. અમિત પણ ન જાણે કઈ વાતમાં ખોવાયેલા હતા. આ બધું જેાઈને મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ મેં પોતાના મનને સમજાવ્યું કે બિલકુલ શાંત રહે. આજે તારો બર્થ-ડે છે.
‘‘મમ્મા.’’ નિયતિએ ફરીથી બૂમ પાડતા આવી ત્યારે મારો કાન ધ્રૂજી ઊઠ્યો કે આ છોકરી પણ ખૂબ બૂમો પાડી રહી છે. કેટલી વાર તેને કહ્યું છે કે જરા ધીરેથી બોલ, પરંતુ કઈ સમજતી નથી.
‘‘આ લે, અદિતિ તને બર્થ-ડે વિશ કરવા ઈચ્છે છે.’’ કહીને ફોનને તેણે મારા કાન પર ચોંટાડી દીધો અને મારે પણ સામે ફરી એક વાર થેન્ક્યૂ બેટા બોલવું પડ્યું. પોતાના મિત્રો સાથેની લાંબીલાંબી વાતચીત પછી નિયતિ બોલી કે તેના બધા મિત્ર મારા બર્થ-ડેની પાર્ટી માંગી રહ્યા છે, શું કરું તેમને પાર્ટી આપી દઉં? નિયતિ એવી રીતે પૂછી રહી હતી કે જાણે પોતાના મિત્રોને પાર્ટી આપવા ઈચ્છે છે.
‘‘અરે બિલકુલ…’’ ખૂબ ઉત્સાહભર્યા અંદાજમાં અમિત બોલી ઊઠ્યા, ‘‘અરે, આજે તારી મમ્મીનો બર્થ-ડે છે ભાઈ, તો પછી પાર્ટી બનં છે ને. આપી દે, આપી દે.’’
‘‘સાચે પપ્પા, આપી દઉં પાર્ટી?’’ નિયતિની આંખ ચમકી ઊઠી. પછી તરત તેણે ફોન કરીને પોતાના બધા મિત્રોને જણાવી દીધું કે આજે શિકાગો પિઝા હાઉસમાં અનલિમિટેડ પિઝા પાર્ટી છે.

હવે અંકુર પણ ક્યાં પાછળ રહેનાર હતો. તે કહેવા લાગ્યો, ‘‘તો હું પણ મારા બધા મિત્રોને પિઝા હટમાં પાર્ટી આપીશ.’’
‘‘હા હા, તને પણ ક્યાં કોઈએ મનાઈ કરી છે. તું પણ પોતાના મિત્રોને પિઝા પાર્ટી આપી દે.’’ કહેતા અમિત જેારજેારથી હસવા લાગ્યા.
પરંતુ મને ગમ્યું નહીં, કારણ કે આ વખતે હું પોતાનો બર્થ-ડે ઘરના લોકો સાથે ઊજવવા ઈચ્છતી હતી. ગત વર્ષે કોરોનાના કહેરથી હું મરતાંમરતાં બચી હતી, તેથી વિચાર્યું હતું કે આ વખતે બધી કસર એકસાથે પૂરી કરી લઈશ.
ઓફિસ જતા સમયે ફરી એક વાર અમિતે મને બર્થ-ડે વિશ કરતા કહ્યું, ‘‘આજે આપણે બંને હોટલ રીજેન્ટામાં કેન્ડલ લાઈટ ડિનર કરીશું. હું ઓફિસેથી જલદી આવી જઈશ. તૈયાર રહેજે.’’
ઠીક છે. આમ પણ અમને પતિપત્નીને સાથે એકલા સમય પસાર કરવાની તક ક્યાં મળે છે, તો આ બહાને અમિતની સાથે ગોલ્ડન ટાઈમ સ્પેન્ડ કરવાની તક મળી જશે મને, એમ વિચારીને હું ખુશ થઈ ગઈ. સાચું કહું તો અમને મહિલાઓને આમ પણ એડજસ્ટ કરવાનું ખૂબ સારી રીતે આવડતું હોય છે. આમ પણ બાળપણથી આ બધી વાત અમને શીખવવામાં આવતી હોય છે ને.
તૈયાર થઈને અરીસામાં મેં પોતાને ન જાણે કેટલી વાર જેાઈ લીધી અને હસીને બોલી ઊઠી, અનુ, તને કોઈ હક નથી બનતો કે તું મારા જેટલી સુંદર દેખાય. આમ હું પોતાના ગુણગાન નથી ગાતી, પરંતુ કોલેજમાં બધા મને શ્રીદેવી કહીને બોલાવતા હતા, ખબર નહીં કેમ? કારણ કે દેખાવમાં હું બિલકુલ તેના જેવી દેખાતી હતી?
એટલામાં ડોરબેલ વાગી ત્યારે દોડીને મેં દરવાજેા ખોલ્યો એમ વિચારીને કે કદાચ અમિત આવી ગયા હશે, પરંતુ સામે ધોબીને જેાઈને મારો મૂડ ઓફ થઈ ગયો. મનમાં થઈ આવ્યું કે તેને કહી દઉં કે આ જ સમય મળ્યો છે તને અહીં આવવાનો?
ધોબીએ ઉપરથી નીચે સુધી મને જેાતા કહ્યું, ‘‘અરે મેડમ, લાગે છે તમે ક્યાંક જઈ રહ્યા છો, તેથી હું કપડાં લેવા બાદમાં આવું?’’
‘‘ના, હવે આવ્યા છો તો કપડાં લઈને જાઓ.’’ મેં કહ્યું અને કપડાં લેવા અંદર ચાલી ગઈ.
સાંજે ૭ વાગી ગયા હતા, પરંતુ હજી સુધી અમિતનો કોઈ અતોપતો નહોતો, હું તેમને ફોન લગાવવા જઈ રહી હતી કે તેમનો ફોન આવી ગયો. હજી બોલવા જઈ રહી હતી કે ક્યારની હું તૈયાર થઈને બેઠી છું, ક્યારે આવો છો? પરંતુ એટલામાં ફોનમાં બીજા કોઈનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ, ‘‘હેપી બર્થ-ડે ભાભી… ઓળખ્યો મને? અરે હું અનિલ રસ્તોગી.’’
‘‘અરે હા, થેંક્યૂ ભાઈ સાહેબ.’’ બોલીને હું ફોન મૂકવા જઈ રહી હતી કે ૧-૧ કરીને અમિતની ઓફિસના બધા મિત્રો મને બર્થ-ડે વિશ કરવા લાગ્યા. સાચું કહું તો હવે મને પોતાના બર્થ-ડેથી ચીડ ચડવા લાગી હતી કે હું પેદા કેમ થઈ. સવારથી હેપી બર્થ-ડે સાંભળીસાંભળીને મારા કાન પાકી ગયા હતા અને સામે થેન્ક્યૂ બોલીબોલીને મારું મોં દુખવા લાગ્યું હતું.
અમિતને કઈ કહું તે પહેલાં તેઓ કહેવા લાગ્યા, ‘‘અરે અનુ, સાંભળ ને… અહીં ઓફિસના બધા મિત્રો તારા બર્થ-ડેની પાર્ટી માંગી રહ્યા છે. ખબર નહીં તેમને કેવી રીતે જાણ થઈ ગઈ કે આજે તારો બર્થ-ડે છે. કહી રહ્યા છે કે આજે ભાભીનો બર્થ-ડે છે તો પાર્ટી બને છે. હવે તું જ કહે શું કરીશું?’’
હું શું કહું ભલા, પરંતુ હવે મારો પારો ચઢવા લાગ્યો હતો, કારણ કે બહાર જવા માટે હું ક્યારની તૈયાર થઈને બેઠી હતી.
તું કહે તો અહીં ઓફિસની પાસે એક ઉત્તમ હોટલ છે, તેમાં તેમને પાર્ટી?આપી દઉં છું. ચાલ ને એક ઝંઝટ પતી. આ લોકો પણ યાદ રાખશે કે મેં પોતાની જાનના બર્થ-ડે પર તેમને પાર્ટી આપી હતી. ખરું ને?’’
પ્રશ્ન પણ અમિત કરી રહ્યા હતા અને જવાબ પણ તેઓ આપી રહ્યા હતા. મેં પણ ગુસ્સામાં કહી દીધું કે જેવું તમને ઠીક લાગે તેવું કરો. સાચું કહું છું હવે મને ખૂબ ચીડ ચઢવા લાગી હતી. સવારથી સ્પેશિયલ હેપી બર્થ-ડેની મૃગતૃષ્ણામાં હું ખૂબ ખુશ થઈ રહી હતી, જ્યારે અહીં તો જુઓ…
‘‘ઠીક છે, તો તું પોતાનો બર્થ-ડે એન્જેય કર, હું આવું છું, શાંતિથી.’’ કહેતા અમિતે ફોન કાપી નાખ્યો અને હું અરીસાની સામે ઊભીઊભી પોતાને છેતરાયેલી અનુભવી રહી હતી કે પોતાનો બર્થ-ડે એન્જેય કરું, પણ કોની સાથે?
એટલામાં દરવાજેા ખટખટાવાનો અવાજ સાંભળીને મને લાગ્યું કે ક્યાંક અમિત આવ્યા નહીં હોય ને, પરંતુ સામે કામિનીને જેાઈને ખચકાઈને ઊભી રહી ગઈ. જેાકે તેને જાણ થઈ ગઈ હતી કે મેં માત્ર ફેંકાફેંક કરી છે. આખરે તેને પતિ પણ અમિતની ઓફિસમાં કામ કરતો હતો અને તેના તથા મારા બાળકો પણ મિત્ર હતા. મેં જેાયું તો કામિનીના હાથમાં કઈ હતું.
‘‘શું થયું, હોટલ રીજેન્ટામાં જગ્યા ખાલી નહોતી કે શું.’’ બોલીને તે હસી, ત્યારે મારું દિલ બળવા લાગ્યું, ‘‘પોતાના બર્થ-ડે પર ભલે ને કેક ન હોય, પેસ્ટ્રીને કાપી લો.’’ મનમાં બોલતા તેણે ચપ્પુ મારા તરફ લંબાવ્યું ત્યારે મનમાં થઈ આવ્યું કે આ જ ચપ્પુથી તેની હત્યા કરી નાખું અને ફાંસી પર લટકી જાઉં, કારણ કે આવી જિંદગી કરતા મોત સારું, પરંતુ તરત વિચાર આવશે કે ચાલો, ઓછામાં ઓછું કામિની મને બર્થ-ડે વિશ કરવા આવી છે ને.

બાળકો આવતા જ એમ કહીને સૂવા ચાલ્યા ગયા કે આજે મમ્માના બર્થ-ડે પર તેમને ખૂબ મજા આવી અને અમિતે આવતાની સાથે એમ કહીને મને આલિંગનમાં લઈ લીધી, ‘‘અનુ તને ખબર છે, કેટલી મોટી કેક મંગાવી હતી મેં… અરે ફોટો લેવાનું ભૂલી ગયો, નહીં તો તને પણ જેાવા મળ્યું હોત કે કેટલી ભવ્ય રીતે તારા બર્થ-ડેની ઉજવણી કરી હતી. જવા દે હવે, કહે, તું ખુશ છે ને, અમે બધાએ કેટલી શાનદાર રીતે તારા બર્થ-ડેને સેલિબ્રેટ કર્યો.
અમિતે ખૂબ ઉત્સાહભર્યા અંદાજમાં કહ્યું ત્યારે લાગ્યું કે કહી દઉં કે ક્યાં સેલિબ્રેટ કર્યો છે મારો બર્થ-ડે? ન મેં કેક કાપી છે, ન કોઈ પાર્ટી થઈ છે તો પછી કેવો બર્થ-ડે? હવે મારી સહનશક્તિની પરીક્ષા થઈ રહી હતી, પરંતુ હું મૌન રહી. તેઓ કહેવા લાગ્યા કે મોડી રાત થઈ ગઈ હતી અને જ્વેલર્સની બધી દુકાનો બંધ થઈ ગઈ હતી, તેથી મારા બર્થ-ડેની ગિફ્ટ તેઓ કાલે આપશે. નથી જેાઈતી મારે કોઈ ગિફ્ટ. મને હવે એકલી રહેવા દો બસ.’’
મનમાં થઈ રહ્યું હતું કે દિલ ખોલીને રડી લઉં, પરંતુ હું રૂદનને અટકાવવાની કોશિશ કરી રહી હતી. ક્યાંક સાંભળ્યું હતું કે જ્યારે તમને રડવું આવે અને તમે કોઈની સામે રડવા ઈચ્છતા ન હોય તો પોતાની આંખ પહોળી કરવાનો પ્રયત્ન કરશો તો રડવું નહીં આવે, પરંતુ ના આજે હું રડીશ અને તેમ કરતા મને કોઈ રોકી નહીં શકે. પછી પોતાના રૂમમાં જઈને ઊંધા સૂતા હું ડૂસકા ભરીભરીને રડવા લાગી અને મારા મોંમાંથી નીકળી ગયું. ‘‘હાય મારો બર્થ-ડે.’’

વધુ વાંચવા કિલક કરો....