વાર્તા – રોચિકા અરુણ શર્મા
‘‘મમ્મી અને પપ્પા બીજા બધા સંબંધને નિભાવતાંનિભાવતાં પોતાના સંબંધને તો જાણે બિલકુલ ભૂલી ગયા હતા. તેમણે કદાચ એકબીજાના મનની ઈચ્છા અને ખુશી જાણવાની કોશિશ કરી હશે…’’
‘‘મનેહવે માની હાલત જેાઈને દુખ પણ નથી થતું. હું પણ જાણું છું કે તે પરેશાન છે, તનમન બંનેથી. તેમ છતાં પણ કોણ જાણે કેમ મને તેમને મળવાની કે તેમના હાલચાલ જાણવાની કોઈ ઈચ્છા નથી થતી.’’ મુસ્કાન આજે ફરી તેની મમ્મીના વ્યવહારને યાદ કરીને દુખી થઈ ગઈ.
‘‘ગમે તેમ પણ તે તારી મમ્મી છે, તેમણે તને ઉછેરીને મોટી કરી છે, તને જન્મ આપ્યો છે અને તારું અસ્તિત્વ પણ તેમના લીધે છે.’’ એશાએ કહ્યું.
‘‘હું જાણતી હતી કે મારી વાત સાંભળીને તું એમ જ કહીશ. હું સ્વીકારું છું કે મારા માતાપિતાએ મને જન્મ આપ્યો છે, મમ્મીએ મને ૯ મહિના પોતાની કૂખમાં રાખી છે, મને ઉછેરીને મોટી કરી છે અને મને એ લાયક બનાવી કે હું મારા પગ પર ઊભી રહી શકું. આત્મનિર્ભર બની શકું. હું પણ સમજુ છું કે મારી પર તેમનો ઉપકાર છે કે તેમણે ક્યારેય દીકરાદીકરીમાં કોઈ ભેદ નથી રાખ્યો. અમને બંને ભાઈબહેનને એકસમાન રીતે ઉછેર્યા છે. વળી…’’ કહેતા તે મૌન થઈ ગઈ હતી અને એક નજરે પગના અંગૂઠાથી જમીન પર કંઈક ખોતરવાનો પ્રયત્ન કરવા લાગી હતી.
આ સમયે એશા તેના ચહેરા પર આવેલા ભાવ વાંચવાની કોશિશ કરી રહી હતી. તેના હોઠ જાણે કંઈક કહેવા ઈચ્છતા હતા, પરંતુ આંખો ચુપ રહેવાનું કહી રહી હતી.
તે મનોમન બળી રહી હતી, તેની આંખો પણ આંસુથી ચમકતી હતી અને નસકોરા ફૂલી ગયા હતા. તેના ચહેરા પરના ભાવ દર્શાવી રહ્યા હતા જાણે મનમાં દબાવી રાખેલા જૂના ઘા ફરી તાજા થયા ન હોય. તે આંખોમાં આવેલા આંસુને પોતાના દિલમાં ઉતારી રહી હતી.
છેલ્લા ૧ વર્ષથી એક જ ઓફિસમાં કાર્યરત આ બંને સાહેલીએ એક એપાર્ટમેન્ટ શેર કર્યો હતો. એશાએ મુસ્કાનને આટલી ઉદાસ પહેલાં ક્યારેય જેાઈ નહોતી.

સમજ માં નહોતું આવી રહ્યું કે તેની સાથે આગળ વાત કરે કે નહીં, એશા દ્વિધામાં હતી, તેથી તે ચુપ રહી. એટલામાં મુસ્કાનના ફોનની રિંગ ફરીથી વાગી. તેણે સ્ક્રીન પર જેાયું અને નજર ફેરવી લીધી. ફોનની રિંગ વાગતી રહી, પણ તેણે ફોન ન ઉઠાવ્યો. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, જેને તે એશાથી છુપાવવાની કોશિશ કરી રહી હતી. તેની નજર તો લેપટોપમાં કેન્દ્રિત હતી, પરંતુ ધ્યાન લેપટોપની સ્ક્રીન પર નહોતું. તે અંદર ને અંદર તૂટી રહી હતી. એશા ચાદરમાં અડધું મોં ઢાંકીને તેને જેાઈ રહી હતી.
એશા ઊભી થઈ અને તેની પાસે ગઈ, પછી તેનો હાથ પોતાના હાથમાં લીધો ત્યારે તે ધ્રૂસકેધ્રૂસકે રડી પડી, ‘‘હું શું કરું, તું જ કહે. તું કહે છે કે મારી પણ મમ્મી પ્રત્યે કોઈ ફરજ છે. હું પણ બધી ફરજ પૂરી કરવા ઈચ્છુ છું, પરંતુ મારે ૩૬ નો આંકડો છે મારી મા સાથે.’’
‘‘કેવી વાતો કરે છે મુસ્કાન? ભલા આવું તે કોઈ બોલી શકે પોતાની સગી મમ્મી માટે?’’
‘‘શું કર્યું છે મમ્મીએ મારા માટે? મને જન્મ આપ્યો, જમવાનું આપ્યું, કપડાં આપ્યા, મને મોટી કરી બસ. તેમણે માત્ર પોતાની ફરજ પૂરી કરી છે.’’
‘‘બીજું શું કરી શકે છે માતાપિતા આ બધા સિવાય? તું કહેવા શું ઈચ્છે છે?’’
‘‘બાળકો માટે ખોરાક-કપડાં અને રહેવા માટે મકાન બધું નથી હોતું, તેમને પ્રેમ પણ જેાઈતો હોય છે. સોશિયલ સિક્યોરિટી શું જરૂરી નથી બાળકો માટે?’’
‘‘પરંતુ તું આ બધું કેમ કહી રહી છે? એવું તે શું થયું છે?’’
‘‘થયું તો ઘણું બધું છે. અમે બંને ભાઈબહેન હંમેશાં માતાપિતાના પ્રેમ માટે તરસતા રહ્યા, પરંતુ તેમના એકબીજા સાથેના ઝઘડા ક્યારેય પૂરા થયા નહીં આજ દિન સુધી. સમજાતું નથી કે તેમણે લગ્ન કર્યા જ કેમ. લાગે છે તેમણે ક્યારેય એકબીજાને પ્રેમ કર્યો જ નથી.’’
‘‘પપ્પા તેમના માતાપિતા અને નાના ભાઈબહેનની જવાબદારીમાં વ્યસ્ત રહ્યા, મમ્મી પરણીને પપ્પાના ઘરે આવી ગઈ, પણ પપ્પાએ તેમનું કંઈ જ ધ્યાન ન રાખ્યું. તે ઘરમાં માત્ર ૨૪ કલાકની નોકરાણી બનીને રહી.

‘‘સંયુક્ત પરિવાર હતો અમારો, દાદાદાદી, કાકાફોઈ, પપ્પા, મા, હું અને મારો મોટો ભાઈ. અમે બધા સાથે રહેતા હતા. કહેવા પૂરતો તો ખાતોપીતો. હસતોરમતો પરિવાર, હસતોરમતો પરિવાર, પરંતુ માત્ર દુનિયાની સામે, ત્યાં એકબીજા સાથેનો પ્રેમ અને સાચી ખુશી તો ક્યારેય દેખાઈ નહોતી. મેં મારી માને પપ્પા સાથે ક્યારેય હસીને વાત કરતા નથી જેાઈ. બંને વચ્ચેના એકબીજા સાથેના વાદવિવાદભર્યા વાર્તાલાપ ઘણું ખરું ઘરમાં તાણનું વાતાવરણ રાખતા હતા.
‘‘ઘણું ખરું મા હંમેશાં પિતાજી સાથે કોઈ પણ વાત સીધી રીતે કરતી નથી. ન જાણે પોતાના ૨૫ વર્ષના લગ્નજીવનમાં પણ તે પિતા સાથે સહજ વ્યવહાર કેમ કરી શકી નથી. પપ્પાને એવું લાગે છે કે જાણે મા તેમના માતાપિતા તથા પૂરા પરિવારની મજાક બનાવી રહી છે. ન જાણે કેવી કેમેસ્ટ્રી છે બંનેની એકબીજા સાથેની. તારો પરિવાર અને મારો પરિવારમાંથી હજી સુધી બહાર આવી શક્યા નથી તેઓ. ૫ વર્ષની હતી હું ત્યારથી માને દાદી સાથે વિભિન્ન રીતરિવાજને નિભાવતા હું જેાઈ રહી છું.’’
‘‘દાદીને બધા રીતરિવાજ પોતાના હિસાબે કરાવવા હોય છે અને મા પણ ઘણું ખરું કોઈને કોઈ ભૂલ કરતી હોય છે. બસ પછી શું, દાદી તેમને ખૂબ ખરુંખોટું સંભળાવા લાગતા કે આ જ શિખડાવ્યું છે તારી માએ, કોઈ રીતરિવાજની તો જાણ નથી, બસ બાંધી દીધી છે અમારા ગળે.’’
‘‘મા બધું સાંભળીને દુખી થઈને ચુપ રહેતી હતી. ક્યારેય તેણે સામે જવાબ પણ આપ્યો નહોતો. જેા જવાબ આપે તો પણ કોના ભરોસે. પપ્પાએ જાણે તેને પિયરના ખૂંટાથી છોડીને અહીં સાસરીના ખૂંટા સાથે બાંધી દીધી હતી.’’
‘‘લગ્નનું પવિત્ર બંધન પુરુષ તથા મહિલા પરસ્પરનો એવો અતૂટ સંબંધ હોય છે, જે પ્રેમની કળીઓથી ગુંથાયેલો હોય છે, જેમાં વિશ્વાસની સુગંધ હોય છે, જે જિંદગીને સુગંધિત કરતી હોય છે, પરંતુ તે બંને વચ્ચે તો આ સંબંધ આજદિન સુધી બન્યો નથી. મા તથા પિતા તો બીજા બધા સંબંધોને નિભાવતા નિભાવતા પોતાના સંબંધને ખૂબ પાછળ છોડી દીધો છે. તેમણે ભાગ્યે જ એકબીજાના મનની ખુશીને જાણવાનો પ્રયત્ન કર્યો હશે.’’
‘‘માને પોતાની સાસરીમાં પ્રેમ મળ્યો નથી. હજી સુધી તે પણ પોતાના પિયર પ્રત્યેના પ્રેમથી બંધાયેલી છે. જેાકે હું એમ નથી કહેતી કે તેણે પોતાના માતાપિતાને ભૂલી જવા જેાઈએ, પરંતુ તે પપ્પાના પરિવારને હજી સુધી પણ અપનાવી નથી શકી.’’
‘‘પપ્પાનું માનવું છે કે જે રીતે આજે પણ તે પોતાના પિયરના સગાંસંબંધી સાથે પ્રેમથી બંધાયેલી છે, તેવી રીતે પપ્પાના પરિવારના લોકોને કેમ મળતી નથી.’’
‘‘પરંતુ કોઈ પણ સંબંધ એકતરફી ન હોઈ શકે ને?’’ એશાએ કહ્યું.
‘‘આપણા રીતરિવાજ અને પરંપરા જે એકબીજાને જેાડનાર અને ખુશીઓને વધારવાનું એક માધ્યમ હોય છે, પરંતુ અહીં પરંપરા એ બંને પરિવારને ક્યારેય એક થવા નથી દીધા. પપ્પાના પરિવારે હંમેશાં માના પરિવારને પોતાનાથી ઊતરતો સમજ્યો છે અને માનું અપમાન કર્યું છે.’’
‘‘દાદી પણ પૂરો સમય માને કોઈને કોઈ મહેણાંટોણાં મારતા રહે છે. ક્યારેક-ક્યારેક મા પપ્પાને આ વાતની ફરિયાદ પણ કરે છે, પરંતુ તેઓ કંઈ જ કરી નથી શકતા. સ્થિતિ એવી છે કે એક તરફ મા અને બીજી તરફ પપ્પાનો પૂરો પરિવાર.’’
‘‘જ્યારે હું નાની હતી કદાચ ૫ અથવા ૬ વર્ષની ત્યારે મા મને ખૂબ મારતી હતી. મારી સમજમાં આવતું નહોતું કે મારી ભૂલ કઈ છે. બસ મને મારવામાં આવતી અને હું રડતી, ચીસો પાડતી, જાઉં તો પણ ક્યાં. પછી પોતાની માને ચોંટી જતી.’’ મુસ્કાન ફરીથી ડૂસકા ભરીને રડવા લાગી.
‘‘અરે મુસ્કાન, કેમ નાની વાતે આટલું મોટું સ્વરૂપ આપી રહી છે. આ બધી વાત ખૂબ સામાન્ય છે અને દરેક ઘરમાં આવું થતું રહે છે. તે જમાનો એવો હતો, લોકો રીતરિવાજ, સગાંસંબંધી અને પરંપરાને નિભાવતા હતા તેમાં તારી માનો શું દોષ છે? પરંતુ હા, તું કેમ પોતાનાથી દૂર થઈ ગઈ છે?’’ એશાએ થોડા કડક લહેકામાં કહ્યું.
‘‘હશે જમાનો એ પ્રકારનો. મારી માએ તો પોતાનું ઘર છોડીને અહીં આવીને પપ્પાના પરિવાર સાથે સંબંધ જેાડ્યો હતો, પરંતુ તેમણે પણ માને દિલથી અપનાવી પણ નથી ને, માત્ર તેનો ઉપયોગ કર્યો છે.’’
‘‘મારી મા ભણેલીગણેલી હતી તે જમાનામાં પણ. તે લગ્ન પહેલાં નોકરી પણ કરતી હતી. જેાકે લગ્ન પછી શહેર બદલાઈ ગયું. પપ્પાનો પરિવાર થોડો જુનવાણી વિચારોનો હતો. તેથી મા તેમાં ક્યારેય તાલમેલ બેસાડી ન શકી. કદાચ અંદર ને અંદર તે ઘુંટાતી રહી અને પપ્પા સાથે ક્યારેય ખૂલીને તેણે આ વિશે વાત ન કરી અને પપ્પાએ પણ જાણવા ઈચ્છ્યું જ નહીં કે મા શું ઈચ્છે છે. તેમણે પોતાના પૂરા પરિવારની જવાબદારી મા પર નાખી દીધી. કહેવા પૂરતો સંયુક્ત પરિવાર, પરંતુ અહીં બધા જાણે એકબીજાના દુશ્મન, બધા અહીં પોતપોતાનો લાભ જેાઈ રહ્યા હતા.’’
‘‘હા, તેમાં ભૂલ તારા પપ્પાની પણ છે, તો પછી તું માત્ર માને દોષ કેમ આપી રહી છે?’’ એશાએ ઉગ્ર સ્વરમાં પૂછ્યું.
‘‘તારો પ્રશ્ન પણ ઠીક છે, કહેવાય છે ને અન્યાય સહન કરનાર કરતા પણ વધારે દોષી હોય છે, તેથી દોષ તેને આપી રહી છે.’’ મુસ્કાને કહ્યું.
‘‘મા ક્યારેય પોતાના મનની વાત કહી ન શકી, મનોમન બળતી રહી અને પપ્પાને દોષ આપતી રહી. ખૂલીને ક્યારેય બોલી ન શકી, પરંતુ આ બધામાં મારો અને મારા ભાઈનો શું વાંક છે?’’
‘‘અમને બંનેને એટલા બધા મારવામાં આવતા કે જાણે બધી ભૂલ અમારા બંને ભાઈબહેનની ન હોય. પૂરા પરિવારનો ગુસ્સો અમારા પર મા ઉતારતી હતી.’’
‘‘તો પછી તારા પપ્પાએ તમારા બચાવ માટે કઈ જ કર્યું નહીં?’’

‘‘કોને નવરાશ અને ચિંતા હતી અમારા માટે કે તેઓ કઈ કરે? તેમને માત્ર પોતપોતાના ઈગોને સેટિસફાઈ કરવા હતા. તેમને માત્ર એ જ દર્શાવતા રહેવું હતું કે પોતે સર્વશ્રેભ છે, મા એમ વિચારતી હતી કે પોતે આટલી ભણેલીગણેલી હોવા છતાં ગૃહસ્થીની ઘંટીમાં પિસાઈ રહી છે. જ્યારે પપ્પા એમ વિચારતા કે ઘરે બેસીને તે કરે છે શું, ભણેલીગણેલી છે છતાં વ્યવહાર તો નથી જાણતી. ત્યાર પછી એકબીજા પ્રત્યેની ખીજ એ અમારા બાળપણને નરક બનાવી દીધું હતું. બાળકો એકબીજા પ્રત્યેના પ્રેમનું પરિણામ અને ઓળખ હોય છે, પરંતુ તેમના એકબીજા સાથેના ઝઘડાએ અમારી ખુશી અને હાસ્યને છીનવી લીધા હતા.’’
‘‘આ સંબંધને નિભાવી શકાય તેમ નહોતું તો પછી કેમ આ પરિવારને છોડીને તે પપ્પાથી અલગ ન થઈ ગઈ. પોતે કમાઈને અમને બંને બાળકોને તે સારી રીતે ઉછેરી શકી હોત.’’
‘‘તું કહે છે તેટલું સરળ નથી હોતું મુસ્કાન આ બધું.’’ એશાએ કહ્યું, ‘‘ડિવોર્સ લેવા અથવા પતિથી અલગ થવું ખૂબ જટિલ પ્રક્રિયા હોય છે. લોકો શું કહેશે, ક્યાં રહીશ, શું પોતાના માતાપિતા ફરીથી સ્વીકાર કરી લેશે? ન જાણે આવા ખૂબ સારા પ્રશ્નો હોય છે એક મહિલાની સામે, માત્ર રૂપિયા કમાઈ લેવા બધું નથી હોતું મુસ્કાન. વળી, આપણી સંસ્કૃતિ પણ પરિવારથી આ વિખૂટા પડવાને માન્યતા નથી આપતી અને તે પણ એક પેઢી પહેલાંના સમયમાં?’’
‘‘અને બાળકો સાથેનો દુર્વ્યવહાર, તેમની સાથેની મારપીટ અને દરેક જગ્યાએ તેમને મહોરા બનાવીને પતિપત્નીનું એકબીજા સાથે બદલો લેવું શું યોગ્ય છે? આ બધી બાબતોથી બાળકોને બચાવનાર પણ કોઈ નથી હોતું?’’
કદાચ તેં આવું વાતાવરણ જેાયું નહીં હોય એશા, પરંતુ હું જ્યારથી સમજણી થઈ છું ત્યારથી માનો માર અને મહેણાંટોણાં સહન કર્યા છે. જ્યારે પણ પપ્પા અથવા ઘરના બીજા કોઈ સભ્ય પર તેને ગુસ્સો આવતો, ત્યારે મને તે કઈ જ કહેતી નહોતી, પરંતુ બલિનો બકરો હું અને મારો ભાઈ બની જાય છે. ક્યારેક વેલણથી તો ક્યારેક ચંપલ જે કંઈ તેના હાથમાં આવતું તેનાથી અમારી પિટાઈ થઈ જતી. જેમ કે તમે સંતાનો કોના છો, ખૂબ જિદ્દી પરિવાર છે તો પછી તું કેવી રીતે સુધરી શકે છે, ઘરની અસર પડશે જ ને. બાપ પર ગયા છો. તેમણે કોઈનું સાંભળ્યું છે આજ દિન સુધી કે તમે સાંભળનાર છો, વગેરે વગેરે.
‘‘મારું કહેવું છે કે બાળકો માબાપ પર નહીં જાય તો બીજા કોના પર જશે. આસપાસના વાતાવરણ અને જિન્સની અસર તો પડશે જ ને તેમના પર, પરંતુ તેમાં બાળકોનો શું દોષ છે?’’
‘‘કેમ તેઓ બાળકોને સ્વીકારી નથી શકતા? કેમ શોધતા રહે છે માત્ર અમારામાં બધી ખૂબીઓને, જ્યારે તેમણે ક્યારેય ઘરના વાતાવરણ અને એકબીજા સાથેના વ્યવહારને સારો રાખવાની કોશિશ કરી ન હોય.’’ મુસ્કાનના ચહેરા પર ન જાણે ખૂબ સારા પ્રશ્નાર્થચિહ્્ન અંકિત થઈ ગયા હતા.
‘‘એવું થોડું હોય છે મુસ્કાન. સામાન્ય રીતે દરેક વ્યક્તિ ખુશ રહેવા ઈચ્છતી હોય છે, શું કોઈ જાણીજેાઈને પોતાના જ ઘરમાં આગ લગાવે છે? પરંતુ ઘણી વાર પરિસ્થિતિઓ જ એવી બની જાય છે કે આપણે ઈચ્છવા છતાં કઈ કરી નથી શકતા. મને તારી માની સ્થિતિ પણ આવી જ દેખાઈ રહી છે, શું કરે બિચારી? એકલી પૂરા પરિવારનો સામનો કેવી રીતે કરી શકે, જ્યારે તારા પપ્પાનો તેને કોઈ સાથ નહોતો.’

હું સ્વીકારું છું કે તારી વાત સાચી છે, શું કરે તે પણ બિચારી? પરંતુ શું પોતાના બંને બાળકો સાથે ખરાબ વ્યવહાર કરીને તેની સમસ્યાનું સમાધાન થઈ ગયું?
‘‘તે ભણેલીગણેલી હતી, તેણે એટલું તો વિચારવું જેાઈતું હતું કે તે અમને કેવી જિંદગી આપી રહી છે? અમે તેને પ્રેમ કરતા હતા. વળી. તેના સિવાય અમારું હતું પણ કોણ આ દુનિયામાં.’’
‘‘એક વાર માને કાકાએ કઈ ખરુંખોટું કહ્યું અને બહાર ચાલ્યા ગયા. જ્યારે માએ પપ્પાને બધું જણાવ્યું ત્યારે પપ્પાએ એમ કહી દીધું કે હવે હું પણ કંટાળી ગયો છું તારી આ રોજરોજની ફરિયાદથી. તારે સાથે રહેવું હોય તો રહે અથવા મારા ઘરમાંથી નીકળી જાય. માએ મારા ભાઈને તે દિવસે ખૂબ માર્યો હતો. તેના હાથમાં સ્ટિક હતી અને ભાઈ ડાયનિંગ ટેબલની ચારેય બાજુ ડરનો માર્યો દોડી રહ્યો હતો. માનું ગુસ્સાથી ભરેલું મોં હું કદી ભૂલી શકીશ નહીં, તે સમયે હું કદાચ ૬ વર્ષની હતી. હું પણ ડરની મારી ચીસો પાડી રહી હતી. બસ આ જ રીતે અમે બંને ભાઈબહેન મોટા થયા છીએ.’’
‘‘પરંતુ શું તે સમયે તમે ત્રણેય ઘરમાં એકલા હતા? તમારા દાદાદાદી ક્યાં હતા તે સમયે મુસ્કાન?’’
‘‘બધા ત્યાં જ હતા, પરંતુ કોઈને અમારી ચિંતા નહોતી. મા પર તેઓ બધાને દબાવતા હતા જ, ઉપરથી પિતાનું પણ દબાણ ખરું. માનું કોઈના પર કંઈ ચાલતું નહોતું, તેથી અંતે બધાનો ગુસ્સો તે અમારી પર ઉતારી દેતી હતી. ભાઈની પિટાઈ થતી જેાઈને હું પણ ખૂબ ડરી જતી. ક્યારેક મા મને કઈ ઊંચા અવાજે બોલતી તો હું તેની સામે હાથ જેાડીને ઊભી રહી જતી, જેથી ગમે તે રીતે પિટાઈથી બચી શકું.’’
‘‘તેમ છતાં તેને અમારી પર દયા આવતી નહોતી. મને હાથ જેાડીને ઊભી રહેલી જેાઈને વધારે જેારથી બૂમો પાડવા લાગતી અને કહેતી કે કેમ આ રીતે હાથ જેાડીને ઊભી છે, આ દુનિયા તને પણ છોડશે નહીં, પૂરી જિંદગી તારે પણ બધાની સામે હાથ જેાડવા પડશે.’’
‘‘શું ક્યારેય તમારી મા તમને પ્રેમ કરતી નહોતી?’’ એશાએ તેની આંખમાં જેાતા પૂછ્યું.
‘‘જ્યારે મારપીટ કરતી અને તેનો ગુસ્સો શાંત થતો, ત્યારે આઈસ ક્યૂબ લઈને મારા ફેસ તથા પીઠ પર જે મારના નિશાન પડી ગયા હોય તેના પર લગાવતી અને પછી ખૂબ રડતી. મને સોરી પણ કહેતી, પરંતુ જ્યારે ફરીથી ગુસ્સો આવતો, ત્યારે તે જ મારપીટ ફરીથી શરૂ થઈ જતી.’’ કહેતાંકહેતાં મુસ્કાનની આંખો આંસુથી છલકાઈ ગઈ. તેના ફેસની ઉદાસીનતા તેના ગુલાબી હોઠોને બેરંગ કરી રહી હતી.
‘‘તેનો અર્થ એ કે તે તમને પ્રેમ કરતી હતી, તેથી તે સ્વયં પણ માર્યા પછી રડતી હતી. આખરે તે પણ એક માનવી જ છે ને, જેને માણસ સમજવામાં આવી નહોતી, તો પછી તેની પાસેથી માનવતાની આશા પણ કેવી રીતે રાખી શકાય?
‘‘બની શકે કે તું સાચી છે, પરંતુ તારી મા પોતાની અંદરના ગુસ્સા અને ગુંગળામણને રોકી શકતી ન હોય અને આ લાચારીની આગમાં સળગીને પોતાના હોશ ગુમાવી દેતી હશે. જેાકે કારણ ગમે તે હોય, પરંતુ હું સામાન્ય માણસ પણ બની ન શકી, માત્ર માના હુકમની ગુલામ બની રહી. પૂરો સમય એ ડર સતાવતો રહેતો કે ક્યાંક મા નારાજ ન થઈ જાય, નહીં તો પિટાઈ કરશે. આ સ્થિતિમાં હું પણ મારા મનની વાત અને ઈચ્છાઅનિચ્છા કોને કહું?’’

મુસ્કાન ડૂસકેડૂસકે રડી રહી હતી. જેાકે એશા પણ આજે તેને ખૂલીને રડી લેવા ઈચ્છતી હતી. તેમ છતાં તે ઈચ્છતી હતી કે તે મા સાથે વાત કરે, તેની ખામીઓને ન શોધે.
તું પૂર આવેલી નદી જેવી થઈ ગઈ છે, જેનો પ્રવાહ માત્ર તબાહી મચાવી શકે છે. મુસ્કાન હવે શાંત થઈ જા, નહીં તો પોતાની મા ઘણુંબધું કહી બેસીશ આજે. એક વાર બોલી લીધા પછી તે વાતને મોંમાં પાછી લઈ શકાતી નથી ને? તેની અંદરના તોફાનને એકવાર શાંત થવા દેવું જરૂરી છે એમ વિચારીને એશાએ કહ્યું, ‘‘મુસ્કાન તું બોલતી જા, હું સાંભળતી રહીશ અને તે પણ કોઈ પણ જાતની સલાહ આપ્યા વિના.’’
મુસ્કાન રડીરડીને થાકી જતી ત્યારે થોડું શાંત રહીને ફરીથી દુખ સાથે કહેવા લાગતી. અંતે જ્યારે તે એક ખાસ મુદ્દા પર આવી ત્યારે એશા ઊંડા વિચારોમાં પડી ગઈ.
‘‘મુસ્કાન, પરંતુ દરેક માબાપનું એક સપનું હોય છે કે પોતાના બાળકોના લગ્ન કરાવે અને પોતાના સંતાનને ગૃહસ્થ બનાવે. તો પછી શું તું પૂરી જિંદગી કુંવારી રહેવા ઈચ્છે છે? કેમ સંતાન પેદા કરવા નથી ઈચ્છતી? તું તારા પ્રેમનો બાગ હજી પણ સજાવી શકે છે. રોહિત છે ને તારા જીવનમાં. તે પણ તારી સંમતિની રાહ જેાઈ રહ્યો છે. તેના માતાપિતા પણ તને મળી ચૂક્યા છે. તેઓ પણ તને કેટલી પસંદ કરે છે. લગ્ન કર્યા પછી તમે બંને સાથે ઓફિસ આવજા કરજેા અને પ્રેમના વરસાદનો આનંદ માણજેા. આ તમારું પ્રેમલગ્ન હશે, ન કોઈ પાબંધી કે ન કોઈ ગૂંગળામણ.’’
‘‘હા, પરંતુ પોતાની માનું શું કરું? તે કહે છે કે તારે એરેન્જ્ડ મેરેજ કરવાના છે નહીં તો લોકો શું કહેશે? આજે પણ તેમને સગાંસંબંધી અને સમાજની પડી છે, તેમને મારી ભાવના સાથે કોઈ સંબંધ નથી. ભાઈના તો એરેન્જ્ડ મેરેજ હતા જ, પરંતુ શું પરિણામ મળ્યું? પપ્પા અને અમારી વિધવા ફોઈએ તેને તથા તેની પત્નીને ક્યારેય એક થવા ન દીધા. ભાઈ અને ભાભી પણ તેમને પોતાની સાથે કેવી રીતે રાખે, જ્યારે તેઓ વાતવાતમાં ભાભી પર કોઈને કોઈ આરોપ મૂકતા રહેતા હતા. અમે બંને ભાઈબહેન ક્યારેય તેમની સામે પોતાની વાત રજૂ કરી ન શક્યા. આખરે ભાભીએ જ ભાઈથી ડિવોર્સ લઈ લીધા. જેાકે હવે ભાઈએ પોતાની સાથે કામ કરતી એક છોકરી સાથે બીજા લગ્ન કરી લીધા છે અને મારા માતાપિતાથી અલગ ઘર રાખીને પત્ની સાથે રહેવા લાગ્યો છે.

‘‘હવે મા પણ નથી સમજતી. જે જિંદગી પોતે જીવી છે, તે જ અમને પણ આપવા માંગે છે. માત્ર જૂઠા દેખાવ અને માનપ્રતિભાને બચાવવા માટે મારા એરેન્જ્ડ મેરેજ કરાવી દેવા ઈચ્છે છે. બધા સગાંસંબંધીને એકઠા કરીને રીતરિવાજને અનુસરવા માંગે છે અને તેમનો બોજ મારી પર નાખી દેવા ઈચ્છે છે, જ્યારે ખરું જેાતા તો અમારા પોતાના પરિવાર અને સગાંસંબંધીમાં મનમેળ નથી. બીજી તરફ રોહિતના સગાંસંબંધી હશે. આજે લગ્નના સાક્ષી બનશે અને કાલથી આરોપપ્રત્યારોપ, પછી અમે બંને પણ પૂરી જિંદગી તારા સંબંધીઓ અને મારા સંબંધીઓ કરતા રહીશું અને જિંદગી આ રીતે પૂરી થઈ જશે.’’
‘‘જેાકે મા તો આજે પણ પપ્પાને સપોર્ટ કરી રહી છે, અમને નહીં. જ્યારે બંને તો ક્યારેય ખુશીઆનંદમાં ન રહી શક્યા છે કે ન ક્યારેય એકબીજાને જેાઈને હસ્યા છે. એવું લાગે છે કે અમે તેમના પ્રેમનું ફળ નથી, એક બળાત્કારનું પરિણામ છીએ. મા સ્વયં બીમાર રહે છે અને હવે મને કદાચ માનસિક રીતે બીમાર કરી દેશે. તે સ્વયં પોતાના માટે અવાજ ઉઠાવી શકી નથી. જ્યારે જુઓ ત્યારે પપ્પાની ફરિયાદ મેનેજ કર્યા કરે છે. હું પણ શું કરું, કયા સંબંધને છોડી દઉં અને કોને નિભાવું?’’
‘‘ઓહ, આ વાત છે. કહે તું શું ઈચ્છે છે?’’ એશાએ કહ્યું.
‘‘હું કુંવારી રહેવાનું પસંદ કરીશ, મારા માતાપિતાની જેમ પરિણીત નહીં. જેા હું લગ્ન કરીશ તો પણ તે માત્ર અમારા માટે હશે.’’ મુસ્કાનની આંગળીઓ લેપટોપના કીબોર્ડ પર ચાલી રહી હતી અને આંખો સ્ક્રીન પર કંઈ શોધી રહી હતી.
લગભગ ૫ મિનિટ પછી તેણે લેપટોપ શટડાઉન કર્યું અને હસીને કહ્યું, ‘‘માને ફોન કરીને પોતાનો નિર્ણય જણાવી દઉં છું કે લગ્ન તો હું મારા હિસાબે અને જ્યારે, જ્યાં મારી ઈચ્છા થશે ત્યાં કરીશ.’’
એશાએ હસીને તેના તરફ જેાયું. મુસ્કાન પણ હસી, કદાચ આજે વર્ષોની તેની ઉદાસીનતા દૂર થઈ ગઈ હતી.
પછી તેણે માને ફોન કર્યો, ‘‘મા હું અને રોહિત કોર્ટમેરેજ કરી રહ્યા છીએ, અમને તમારા અને તમારા બધાના સગાંસંબંધી અને રીતરિવાજમાં કોઈ રસ નથી. મારા મિત્ર આ લગ્નના સાક્ષી બનીને પોતાના હસ્તાક્ષર કરશે.’’
‘‘આ તું ખૂબ ખોટું કરી રહી છે. એક તો અમને અમારા હિસાબે કોઈ છોકરો જેાવા ન દીધો કે લગ્નની અગાઉથી કોઈ જાણ પણ ન કરી તેમજ ન અમને આમંત્રિત કર્યા છે. શું આ દિવસો જેાવા માટે તને દીકરા સમાન ઉછેરી છે, ભણાવીગણાવી છે?’’
‘‘તેં અને પપ્પાએ તો માત્ર પોતાની ફરજ નિભાવી છે, મારા માટે સ્પેશિયલી કંઈ જ કર્યું નથી, તેથી મારી પર અહેસાન દર્શાવવાની કોશિશ ન કરી. પકડી રાખ પપ્પાને અને દાદી દ્વારા સ્થાપિત કરેલી રૂઢિઓને. હું ઈચ્છતી હતી કે હવે તું તારી દીકરીને સપોર્ટ કરીને ઘરમાં અને પોતાનામાં બદલાવ લાવશે. હવે તને શાનો ડર છે? તારા બાળકો તારી સાથે છે, પરંતુ ના તને એ જ બધા ફાલતુ રીતરિવાજને અનુસરીને જીવવાની આદત પડી ગઈ છે, પરંતુ હું હવે આ બધા બંધનમાં વધારે સમય રહેવાની નથી, બાય.’’
‘‘પરંતુ મુસ્કાન સાંભળ તો ખરી… સામેથી અવાજ આવ્યો, પરંતુ મુસ્કાન ફોન કાપી ચૂકી હતી.’’
માને ઘણી વાર તેને ફોન કર્યો, પરંતુ મુસ્કાને તો ઉઠાવ્યો જ નહીં કે ન તે પોતાની માના વોટ્સએપ મેસેજનો જવાબ આપી રહી હતી.
૧૫ દિવસ કેવી રીતે પસાર થયા તેની જાણ ન થઈ. જેાકે મુસ્કાને આ સમય શોપિંગમાં પસાર કર્યો.
આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે તેને કોર્ટમાં નવોઢાના પહેરવેશમાં પહોંચવાનું હતું. તે પહેલાંથી બુક્ડ કરવામાં આવેલા બ્યૂટિપાર્લરમાં ગઈ. બ્યૂટિશિયન તેનો મેકઅપ કરી રહી હતી, ત્યારે તે મનોમન ખૂબ ખુશી અનુભવી રહી હતી જાણે વર્ષોની ગુલામીમાંથી આજે જાણે મુક્તિ મળવાની ન હોય. તેના દિલની ખુશી ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. ક્યારેક તે સામેના અરીસામાં પોતાને જેાઈને હસી પડતી. તે ખૂબ આતુરતાથી રાહ જેાઈ રહી હતી કે ક્યારે પોતે અને રોહિત એક થઈ જાય અને પ્રેમની દુનિયા વસાવી લે. જ્યાં માત્ર પોતે અને રોહિત જ હોય. દોષ અને ખામીઓ શોધનાર બીજું કોઈ ન હોય.
‘‘તમારી આંખમાં આઈલાઈનર ખૂબ ઊભરીને આવી ગયા છે મુસ્કાન મેમ. જરા તમારી આંખ અરીસામાં જુઓ તો.’’ બ્યૂટિશિયને આંખોનો મેકઅપ સમાપ્ત કરતા કહ્યું.
જેવું તેણે અરીસામાં જેાયું ત્યારે લિપસ્ટિક લગાવેલા તેના હોઠ હસી પડ્યા. તેને જાણ નહોતી કે પોતે પણ ક્યારેક આટલી સુંદર દેખાઈ શકે છે.
‘‘ખરેખર મનની ખુશી ચહેરાની રંગતને વધારે સુંદર બનાવી દે છે.’’ મુસ્કાન ધીરેથી ગણગણી.
‘‘હા મેમ, તમે કંઈ કહ્યું?’’
‘‘ના કઈ નહીં, તું તારું કામ ચાલુ રાખ.’’

‘‘વચ્ચે તેનો ફોન રણકી ઊઠ્યો. કદાચ રોહિતનો ફોન હશે, એમ વિચારીને તેણે ફોનના સ્ક્રીન પર જેાયું. સ્ક્રીન પર ‘મોમ’ બ્લિંક થઈ રહ્યું હતું. જેાઈને તેણે ફોનને સ્વિચ ઓફ કરી દીધો અને ફરીથી બ્યૂટિશિયન પાસે મેકઅપ કરાવવા લાગી.
૩ કલાકમાં મુસ્કાન નવોઢાના ડ્રેસમાં તૈયાર થઈ ગઈ. એશા સલૂનની બહાર તેની રાહ જેાઈ રહી હતી.
‘‘વાહ, લવલી… કેટલી સુંદર દેખાઈ રહી છે તું મુસ્કાન.’’ એશાએ પોતાના મોબાઈલથી તેનો ફોટો પાડી લીધો. થોડી વારમાં રોહિત પણ પોતાના કેટલાક મિત્રો સાથે ગાડીથી ત્યાં પહોંચી ગયો.
પછી કોર્ટ સુધી પહોંચતા બંનેના લગભગ ૨૫ મિત્રો એકઠા થઈ ગયા હતા.
રજિસ્ટ્રાર ઓફિસમાં જેવું તેમનું નામ અને નંબર બોલવામાં આવ્યા ત્યારે તે બંને રૂમની અંદર ગયા. કેટલાક કાગળો પર બંનેએ હસ્તાક્ષર કર્યા. મેરેજ રજિસ્ટ્રારે પણ સોગંદનામા પર હસ્તાક્ષર કર્યા અને ૩ સાક્ષીઓના પણ હસ્તાક્ષર લેવામાં આવ્યા, જેઓ તેમની ઓફિસના કોલીગ અને મિત્રો હતા.
હવે રોહિત અને મુસ્કાન કાયદેસરના પતિપત્ની બની ગયા હતા. પછી મેરેજ રજિસ્ટ્રાર સહિત તેમના મિત્રોએ તેમને ખૂબ સારા અભિનંદન અને શુભેચ્છા આપ્યા.
ત્યાંથી રવાના થઈને બંને પોતાના નવા ઘરમાં પહોંચ્યા જ્યાં તેમણે બધાથી અલગ પોતાની નવી દુનિયા વસાવી હતી. રોહિતે પણ લગ્ન પહેલાં એક નાનકડો સેમીફર્નિશ્ડ ફ્લેટ ખરીદી લીધો હતો. પછી બધા મિત્રો તેમને ફ્લેટ પર છોડીને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. હવે રોહિત અને મુસ્કાન આલિંગનમાં જકડાઈને એકબીજાની સામે પ્રેમથી જેાઈ રહ્યા હતા. રૂમમાં મધુર સંગીત વાગી રહ્યું હતું. નવું ઘર અને લગ્નની ખુશીમાં રાત ક્યાં પસાર થઈ ગઈ તેની જાણ ન થઈ. સવારની ચા બનાવીને પોતાના વાળ બાંધીને મુસ્કાને કામ માટે કમર કસી લીધી હતી. બંનેએ સાથે મળીને આ મકાનને પોતાનું ઘર બનાવ્યું હતું તેથી ખૂબ ખુશ હતા. •

વધુ વાંચવા કિલક કરો....