કટાક્ષિકા – ડો. જયા આનંદ
સલોનીના લગ્ન માટે બધા તેની પાછળ પડ્યા હતા કે લગ્ન તો સમયસર થઈ જવા જેાઈએ, નહીં તો સારો પતિ નહીં મળે. સલોનીએ પણ તેના માટે કેેટલાય વ્રતઉપવાસ કરી લીધા. હવે તે રાહ જેાઈ રહી હતી કે કોઈ રાજકુમાર આવશે, તેને ઘોડા પર બેસાડીને લઈ જશે અને ત્યાર પછી તેની જિંદગી બનશે સપના જેવી. આખરે તેની પ્રતીક્ષા પૂરી થઈ અને રાજકુમાર આવી ગયો ઘોડા પર નહીં, પરંતુ કારમાં બેસીને.
હા તો લગ્ન પહેલાંની સ્થિતિ પણ જણાવવી જરૂરી છે. સગાઈ પછી સલોનીને આ રાજકુમાર સાહેબે વારંવાર ફોન કરવા શરૂ કરી દીધા. કલાકો સુધી વાતો કરવી અને પત્ર પણ લખવા. સલોનીને પણ હવે એક ભણેલોગણેલો, દેખાવડો યુવાન મળી ગયો હતો, તેથી તે પણ ખૂબ ખુશ હતી. થોડા સમય પછી લગ્ન પણ થયા. સલોનીનો ચહેરો ખુશમિજાજ રહેવા લાગ્યો હતો.

બીજી તરફ રાજકુમાર સાહેબ પણ શરૂઆતમાં હીરોની જેમ રોમેન્ટિક હતા, પરંતુ પતિ બનતા જ મગજનો પારો હાઈ થઈ ગયો ૭ મા આસમાન પર કે હું પતિ છું. સલોની પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી કે આ શ્રીમાનને થયું છે શું. અત્યાર સુધી ખૂબ સારી રીતે હસતા અને ખુશખુશ રહેતા હતા જનાબ, પરંતુ પતિ બનતા નાક-ભ્રમરો સંકોચીને બેસી ગયા હતા. પ્રેમના મહેલમાં હુકમની પરીક્ષા થોડીક ન પચી, પરંતુ વાત લગ્નની છે તો હજમ તો કરવી જ પડે ને સાહેબ. આ વાત વિચારીને સલોનીએ પોતાનું પૂરું પાચનતંત્ર ઠીક કરી લીધું.
પરંતુ પતિને આ વાત કેવી રીતે પચે કે પત્નીનું પાચનતંત્ર સારું થઈ ગયું છે, તેથી હવે કંઈક કરવું પડશે, નહીં તો પતિ બનવાનો શું લાભ.
‘‘કપડાં કેમ નથી સૂકવ્યા હજી સુધી… મશીનમાં સડી જશે.’’ પતિ મહાશયે પોતાનું ભોંપુ વગાડ્યું.
સલોનીએ ચોંકીને કહ્યું, ‘‘ભૂલી ગઈ હતી.’’
‘‘કેવી રીતે ભૂલી ગઈ ફેસબુક, વોટ્સએપ, પુસ્તકો તો યાદ રહે છે… તો પછી આ કામ કેવી રીતે ભૂલી ગઈ.’’
‘હવે ભૂલી ગઈ તો ભૂલી ગઈ. ભૂલને સુધારી લઈશ.’ સલોનીએ મનમાં કહ્યું.
‘‘આ ભૂલવું સૌથી મોટી ભૂલ છે, હવે જા, કોઈ કામ ન કર, મારું કામ હું જાતે જ કરી લઈશ.’’ પતિ મહાશયે જાહેરાત કરી લીધી.
‘ઠીક છે શ્રીમાન કરી લો જાતે જ, ખૂબ સારું. આમ પણ મને કપડાં સૂકવવા પસંદ નથી.’’ સલોનીએ મનમાં વિચાર્યું.
સાંભળીને શ્રીમાને મોં ફૂલાવી દીધું… હવે તેઓ વાત નહીં કરે અને તે પણ થોડા કલાક માટે નહીં, પણ પૂરા ૩-૪ દિવસ વાત નહીં કરે… આટલી મોટી ભૂલ કરી છે ને સલોનીએ. હવે સલોનીને કેવી રીતે પચે. એસિડિટી થવાની છે જ, ફરીથી માથાનો દુખાવો.

એક વાર સલોની પતિ મહાશયની ઓફિસની ટૂર પર સાથે ગઈ હતી. પતિ મહાશયે રાત્રે ગેસ્ટહાઉસના રૂમમાં સાબુ માંગ્યો. સલોનીએ સાબુદાની પકડાવી દીધી, પરંતુ આ શું તેમાં સાબુનો નાનકડો ટુકડો હતો. પછી પતિ મહાશયનો ગુસ્સો સાતમા આસમાને ચઢી ગયો અને પૂરા એક અઠવાડિયા સુધી વાત ન કરી. ઓફિસની ટૂરમાં ફરવા આવેલી સલોનીનું ફરવું ગેસ્ટહાઉસમાં પૂરું થઈ ગયું… કારણ કે તેણે ખૂબ મોટી ભૂલ કરી દીધી હતી ને.
આ ઘટના પછી ક્યારેય સાથે સાબુ લઈ જવાનું સલોની ભૂલી નહીં.
પતિ મહાશયની તો છાતી તેમાં પણ ગર્વથી પહોળી થઈ ગઈ કે સલોનીની આટલી મોટી ભૂલને તેણે સુધારી હતી. બીજી તરફ સલોની પણ વિચારી રહી હતી કે પતિની આ રીતે મોં ફુલાવી લેવાની ભૂલને તે ધીરેધીરે સુધારી લેશે, પરંતુ પતિ તો ક્યાં સુધરવાના હતા. તેમનું મોં ફુગ્ગા જેવું ફૂલ્યું તો પછી જલદી દબાવીને બેસાડી દેવાશે નહીં, આખરે પતિ છે ને.
સલોની એક વાર ખૂબ ખુશીથી ફરવા ગઈ હતી. પતિ મહાશયે ઊંચી એડીના સેન્ડલ ખરીદ્યા. સલોની સેન્ડલ પહેરીને જેવી ફરવા નીકળી ત્યારે ઊંચી એડીનું એક સેન્ડલ તૂટી ગયું અને પતિ મહાશય રિસાઈ ગયા અને મહેણું માર્યું, ‘‘ક્યારેય આટલી ઊંચી એડીના સેન્ડલ પહેર્યા નથી તો પછી કેમ ખરીદ્યા? ચાલ હવે બોરિયાબિસ્તર બાંધી લે, પાછા જઈએ.’’
સાંભળીને સલોની ચોંકી ગઈ… આટલી નાની વાતમાં આટલો મોટો ઝઘડો… આખરે વાત સેન્ડલની હતી, તો બીજા લઈ લેવાશે, પરંતુ ના… એક વાર પતિ મહાશયનું મોં વાંકું થઈ ગયું તો પછી સીધું થવામાં સમય તો લાગશે, પરંતુ સલોનીને પણ આવા વાંકા મોંને સીધું કરતા સારી રીતે આવડતું હતું. સોરી કહીને તેણે ઘટનાને ભુલાવી દીધી અને પતિ મહાશયને આડીઅવળી વાત કરીને ફેરવી લીધો.
ક્યારેક-ક્યારેક પતિ મહાશયનો સ્વર ચાસણીમાં લપેટાયેલો રહે છે, પરંતુ આવું ખૂબ ઓછું થતું હતું, કારણ કે તેઓ હિટલરના પૌત્ર હતા ને. એક વાર ખૂબ પ્રેમથી સલોનીને તેના જન્મદિવસ પર ફરવા જવાનું વચન આપીને ઓફિસ ચાલ્યા ગયા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે સલોનીને તૈયાર થવામાં માત્ર ૫ મિનિટનું મોડું થયું ત્યારે તે ખૂબ ગુસ્સે થયા. નાકમોં ચઢાવીને લઈ તો ગયા શોપિંગ મોલમાં, પણ પૂરો સમય કંઈ જ બોલ્યા નહીં. તે સમયે સલોનીએ પોતાના બદનસીબને દોષ આપ્યો કે આવો નમૂનો પતિ મળ્યો છે તો પછી આવું જ થાય ને.

સલોની પતિની રાહ જેાઈ રહી હતી કે પતિ ટૂર પરથી આવી જાય પછી સાથે ભોજન લઈશું, પરંતુ પતિ મહાશય છેક ૧૧ વાગે?આવ્યા. જેવું સાંભળ્યું કે સલોનીએ ખાધું નથી તો પછી જેારથી ગુસ્સામાં ઠપકો આપી દીધો અને ત્યાર પછી પૂરી રાત મોં ફેરવીને ઊંઘી ગયા. સલોનીએ ફિલ્મોમાં આવા જ દશ્યો જેાયા હતા, પરંતુ અહીં હકીકત જુદી હતી. તે દિવસ અને આજનો દિવસ સલોનીએ હવે પતિની રાહ જેાયા વિના ખાવાનો નિયમ બનાવી લીધો હતો… વિચાર્યું કે કોણ ભૂખ્યા પેટને લાત મારે અને ભૂખ્યા પેટ રહેવાથી આમ પણ ક્યાં લાડવા મળવાના હતા.
ક્યારેક-ક્યારેક ભ્રમ મનુષ્યને પોતાની લપેટમાં લઈ લેતો હોય છે. સલોનીને લાગ્યું કે પતિનો ત્રિકોણ હવે સરળ કોણમાં બદલાવા લાગ્યો છે, પરંતુ ભ્રમ તો ભ્રમ હોય છે, હકીકત ક્યાં હોય છે. સલોનીને હવે લાગ્યું કે તેનો એકનો એક પતિ પણ હવે સલોનો થઈ ગયો છે, પરંતુ દેખાવ અને ગુણમાં ફરક હોય છે… ચહેરાથી સુંદર અને ગુણ… એટલામાં કટાક્ષ સાંભળવા મળ્યો, ‘‘આજકાલ બસ લખવાવાંચવામાં વ્યસ્ત રહે છે, થોડા ઘરના કામકાજ પણ મન લગાવીને કર્યા કર તો વાંચવાલખવાની કોઈ જરૂર નહીં પડે.
સાંભળીને સલોનીએ થોડા ઊંચા સ્વરમાં કહ્યું, ‘‘દેખાતું નથી, હું કેટલું કામ કરું છું.’’
હજી બોલી રહે તે પહેલાં પતિ મહાશયે પોતાનું મોં ફુલાવી દીધું. એમ વિચારીને કે ભણીગણીને સલોનીનું મગજ ખરાબ થઈ ગયું છે.
પછી સલોનીએ પણ નક્કી કરી લીધું કે આ વખતે પતિને નહીં મનાવેે, પરંતુ હંમેશાંની જેમ સલોનીએ તેને ફરીથી મનાવી લીધો, ‘‘તુમ રૂઠી રહો મેં મનાતા રહું.’’ આ ગીત સલોનીની જિંદગીમાં લિંગ બદલીને વાગી રહ્યું હતું અને ધૂમધડાકાથી વર્ષોથી વાગતું રહ્યું હતું.
એક દિવસ સલોનીએ પોતાની માતા સામે દિલની વ્યથા કહી દીધી, ‘‘અરે મા, પપ્પા તો આવા છે નહીં…’’

માતા સાંભળીને હસ્યા અને કહ્યું, ‘‘બેટી, તારા પપ્પા ખૂબ સારા છે, પરંતુ પતિ કેવા છે તેનું દુખ હું તારી સામે કેવી રીતે વ્યક્ત કરું… મારી દુખતી નસ પર તેં હાથ મૂકી દીધો છે. હકીકતમાં, આ પતિ નામની પ્રજાતિ હોય છે જ એવી… આ પ્રજાતિમાં કોઈ પણ જૈવિક વિકાસની અવધારણા લાગુ નથી થતી, તેથી જે છે, જેવા છે, તેમની સાથે વાદવિવાદ કરતા રહો… આ વાદવિવાદનો ક્યારેય અંત આવવાનો નથી. આમ પણ છોકરાઓ પ્રેમી, ભાઈ, મિત્ર, પિતા દરેક રૂપે સારા હોય છે, પરંતુ પતિ બનતા જ દેવતા તેમની પર સવાર થઈ જાય છે. સલોનીએ માતા આવવી સાંભળ્યું હતું, પરંતુ દેવતા… હવે તેને પેલું ગીત યાદ આવ્યું, ‘ભલા હૈ બુરા હૈ, જૈસા ભી હૈ મેરા પતિ મેરા…’
‘‘પરંતુ માતા, એક મહિલાના અધિકારોનું શું અને મહિલા વિશેની ચર્ચાનો પ્રશ્ન?’’ સલોનીએ પૂછ્યું.
‘‘સલોની દીકરી, ભલે ને તારો પતિ ત્રિકોણ હોય, પરંતુ ત્રણ ખૂણા વાળા સમોસા તને ખવડાવે છે ને.’’
‘‘હા મા, તે તો ખવડાવે છે.’’
‘‘બસ તો પછી કોઈ આપત્તિ નથી, તેની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખ અને પોતાના કામ ધીરેધીરે કરતી રહે.’’ માતાએ પતિનો અર્થ સમજાવી દીધો.
સલોનીએ એક ઠંડા શ્વાસ લીધા અને મોંમાંથી નીકળી ગયું, ‘ઓહ આ પતિ.’ •

વધુ વાંચવા કિલક કરો....