વાર્તા - ડો. અનીતા સહગલ ‘વસુંધરા’
દિવાળીનો તહેવાર નજીકમાં જ હતો, તેથી ક્યારેક-ક્યારેક ફટાકડાના અવાજ સંભળાતા હતા. વાતાવરણ ખૂબ સુંદર હતું. પોતાના શાનદાર રૂમમાં આદવિક શાંતિથી ઊંઘી રહ્યો હતો. એટલામાં તેના ફોનની ઘંટડી વાગી. ઊંઘમાં થોડી આંખ ખોલીને તેણે સમય જેાયો. રાત્રિના ૨ વાગ્યા હતા. તે વિચારવા લાગ્યો કે આ સમયે કોનો ફોન આવ્યો હશે.
પછી બબડતા હાથ લંબાવીને સાઈડ ટેબલ પર મૂકેલા ફોનને ઉઠાવ્યો અને બોલ્યો, ‘‘હેલો.’’
‘‘હા, શું તમે આદવિક બોલી રહ્યા છો?’’
‘‘હા, હું આદવિક બોલી રહ્યો છું. તમે કોણ?’’
‘‘આદવિક હું સિટી હોસ્પિટલમાંથી બોલી રહ્યો છું. શું તમે નિર્વેદને ઓળખો છો? અમને તમારો નંબર તેમના ઈમર્જન્સી કોન્ટેક્ટમાંથી મળ્યો છે.’’
‘‘જી, નિર્વેદ મારો મિત્ર છે. શું થયું છે તેને? બેડ પરથી ઊઠતા આદવિકે ગભરાયેલા સ્વરમાં કહ્યું.
‘‘આદવિક તમારા મિત્રને હાર્ટએટેક આવ્યો છે.’’
‘‘હવે કેવું છે તેને?’’
‘‘તે હવે ઠીક છે... જેાખમથી બહાર છે...’’
‘‘હું હમણાં જ આવું છું.’’
‘‘ના, હમણાં આવવાની જરૂર નથી. અમે તેમને ઊંઘનું ઈંજેક્શન અપાવી દીધું છે. તેઓ સવાર પહેલા જાગશે નહીં. તમે સવારે ૧૧ વાગ્યા પહેલાં આવી જજે. ત્યાં સુધીમાં ડોક્ટર પણ આવી જશે અને તમારી તેમની સાથે વાત થશે.’’
‘‘ઠીક છે.’’ કહીને આદવિકે ફોન મૂકી દીધો અને ફરીથી બેડ પર ઊંઘવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ ઊંઘ તેની આંખથી કોસો દૂર હતી. સમાચાર સાંભળીને તેનું મન બેચેન થઈ ગયું હતું. તે ફરી એક વાર ઊંઘવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ ઊંઘની જગ્યાએ તેની આંખોમાં વસી ગયા હતા ૨૦ વર્ષ પહેલાંના એ દિવસો જ્યારે આદવિક એન્જિનિયરિંગ કરવા ગયો હતો. એક મધ્યમવર્ગીય પરિવારનો મોટો દીકરો હોવાથી આદવિક પાસેથી તેના પરિવારને ખૂબ આશા હતી અને તે પણ પોતાના પગ પર શક્ય તેટલા વહેલો ઊભો થઈને પોતાના ભાઈબહેનના શિક્ષણમાં માતાપિતાને મદદ કરવા ઈચ્છતો હતો.