વાર્તા – ગરિમા પંકજ

૧૨ વર્ષની સ્વરા સાંજે રમીને પાછી આવી. ડોરબેલ વગાડ્યો ત્યારે સામે કોઈ અજાણ્યા યુવકને જેાઈને આશ્ચર્યમાં પડી ગઈ. ત્યાં સુધીમાં અંદરથી તેની મા સુદીપા બહાર આવી અને હસીને દીકરીને કહ્યું, ‘‘બેટા, આ તારી મમ્માના ફ્રેન્ડ અવિનાશ અંકલ છે. નમસ્તે કરો.’’
‘‘નમસ્તે મમ્માના ફ્રેન્ડ અંકલ.’’ કહીને ધીરેથી હસીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ અને હસીને કંઈક વિચારવા લાગી.
થોડી વાર પછી તેનો ભાઈ વિરાજ પણ ઘરે આવ્યો. તે સ્વરાથી ૨-૩ વર્ષ મોટો હતો.
વિરાજને જેાતા જ સ્વરાએ પ્રશ્ન કર્યો, ‘‘ભાઈ, તમે મમ્માના ફ્રેન્ડને મળ્યા?’’
‘‘હા મળ્યો, ખૂબ યંગ અને ચાર્મિંગ છે. તે ૨ દિવસ પહેલાં પણ આવ્યા હતા. તે દિવસે તું ક્યાં હતી?’’
‘‘આ બધું છોડો ભાઈ. તમે મને એ જણાવો કે, તે મમ્માના બોયફ્રેન્ડ થયા ને?’’
‘‘આ શું કહી રહી છે પાગલ, તે માત્ર ફ્રેન્ડ છે. એ વાત અલગ છે કે આજ સુધી મમ્માની સાહેલીઓ ઘરે આવતી હતી. પહેલી વાર કોઈ છોકરા સાથે મિત્રતા કરી છે મમ્માએ.’’
‘‘એ તો હું કહી રહી છું કે તે બોય પણ છે અને મમ્માના ફ્રેન્ડ પણ એટલે તેઓ બોયફ્રેન્ડ થયા ને.’’ સ્વરાએ હસીને કહ્યું.
‘‘વધારે મગજ ન દોડાવ. હવે ભણવા બેસી જા.’’ વિરાજે તેના પર રોફ જમાવતા કહ્યું.
થોડી વાર પછી અવિનાશ ચાલ્યો ગયો ત્યારે સુદીપાની સાસુએ પોતાના રૂમમાંથી બહાર આવતા થોડા નારાજગીભર્યા સ્વરમાં કહ્યું, ‘‘વહુ, શું વાત છે, તારો આ બોયફ્રેન્ડ હવે અવારનવાર ઘરે આવવા લાગ્યો છે?’’
‘‘અરે ના મમ્મી તે બીજી વાર આવ્યો છે અને તે પણ ઓફિસના કામ બાબતે.’’
‘‘પરંતુ વહુ તું તો કહેતી હતી કે તારી ઓફિસમાં મોટાભાગની મહિલાઓ છે અને જે પુરુષ છે તે મોટી ઉંમરના છે, જ્યારે આ છોકરો તારાથી નાનો દેખાઈ રહ્યો છે.’’
‘‘મમ્મી અમે સરખી ઉંમરના છીએ. અવિનાશ મારાથી માત્ર ૪ મહિના નાનો છે, એક્ચ્યુઅલી અમારી ઓફિસમાં અવિનાશની હમણાં જ ટ્રાન્સફર થઈ છે. પહેલા તે હેડ ઓફિસ મુંબઈમાં હતો, તેથી તેનું પ્રેક્ટિકલ નોલેજ ખૂબ વધારે છે. ક્યારેક કોઈ મદદની જરૂર પડે છે ત્યારે તે તરત મદદ કરવા તૈયાર થઈ જાય છે. તેના આ સ્વભાવના લીધે ખૂબ જલદી બધાનો મિત્ર બની ગયો છે. સારું મમ્મી, હવે કહો આજે જમવામાં શું બનાવું?’’
‘‘તને ગમતું કંઈ પણ બનાવી લે વહુ, પણ સાંભળ છોકરાઓ સાથે જરૂર કરતા વધારે હળવુંમળવું સારી વાત નથી.. હું તારા ભલા માટે કહી રહી છું વહુ બેટા.’’
‘‘અરે મમ્મી તમે ચિંતા ન કરો. અવિનાશ ખૂબ સારો છોકરો છે.’’ કહેતા હસતાંહસતાં સુદીપા અંદર જતી રહી, પરંતુ સાસુના ચહેરા પર અણગમો જળવાઈ રહ્યો હતો.

રાત્રે જ્યારે સુદીપાનો પતિ અનુરાગ ઘરે આવ્યો ત્યારે જમ્યા પછી સાસુએ અનુરાગને પોતાના રૂમમાં બોલાવ્યો અને ધીમા અવાજમાં તેણે અવિનાશ વિશે બધું જણાવી દીધું.
અનુરાગે માને સમજાવવાની કોશિશ કરી, ‘‘મા આજના સમયમાં મહિલા અને પુરુષની મિત્રતા સામાન્ય વાત છે. આમ પણ તમે જાણો છો કે સુદીપા કેટલી સમજદાર છે. તમે ટેન્શન કેમ લો છો?’’
‘‘બેટા મારા આ વૃદ્ધ શરીરે એટલી મોટી દુનિયા જેાઈ છે કે તું વિચારી પણ ન શકે. મહિલાપુરુષની મિત્રતા એટલે ઘી અને આગની મિત્રતા અને આગને પ્રજ્જ્વલિત થતા વાર નથી લાગતી. મારી ફરજ હતી તને સમજાવવાની, તેથી તને સમજાવી દીધું.’’
‘‘ડોન્ટ વરી મા એવું કંઈ જ નહીં થાય. સારું હવે હું જાઉં છું ઊંઘવા.’’ અવિનાશ મા પાસેથી ઊઠીને આવી ગયો, પરંતુ કયાંક ને ક્યાંક તેમની કહેલી વાત લાંબા સમય સુધી તેના મનમાં ચકરાવા લાગી. જેાકે તે સુદીપાને ખૂબ પ્રેમ કરતો હતો અને તેની પર તેને પૂરો વિશ્વાસ હતો, પરંતુ આજે જે રીતે માએ શંકા વ્યક્ત કરી હતી તે વાતને સંપૂર્ણપણે ઈગ્નોર કરી શકતો નહોતો.
રાત્રે જ્યારે ઘરના બધા કામ પતાવીને સુદીપા રૂમમાં આવી ત્યારે અવિનાશે તેને છંછેડતા કહ્યું, ‘‘મા કહેતી હતી કે આજકાલ તમારી કોઈ છોકરા સાથે મિત્રતા થઈ ગઈ છે અને તે આપણા ઘરે પણ આવે છે.’’
પતિના ભાવને સમજતા સુદીપાએ પણ તે જ અંદાજમાં જવાબ આપ્યો, ‘‘હા, તમે સાચું સાંભળ્યું છે. એમ તો મા એમ પણ કહી રહ્યા હશે કે ક્યાંક મને તેની સાથે પ્રેમ ન થઈ જાય અને હું તમને ચીટ કરવા ન લાગું.’’
‘‘હા માનું વિચારવું એ જ છે, પરંતુ મારું નથી. ઓફિસમાં મારે પણ મહિલા સહકર્મીઓ સાથે વાત કરવી પડે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હું બીજું કંઈ વિચારું. હું મજાક કરી રહ્યો હતો.’’
‘‘આઈ નો, એન્ડ આઈ લવ યૂ.’’ પ્રેમથી સુદીપાએ કહ્યું.
‘‘ઓહ ચાલો આ બહાને આ શબ્દો આટલા દિવસ પછી સાંભળવા મળ્યા.’’ અવિનાશે તેને આલિંગનમાં લેતા કહ્યું.

સુદીપા ખડખડાટ હસી પડી. પછી બંને લાંબા સમય સુધી પ્રેમભરી વાત કરતા રહ્યા.
આ રીતે સમય પસાર થવા લાગ્યો. અવિનાશ ઘણું ખરું સુદીપાના ઘરે આવતોજતો રહેતો હતો. ક્યારેક-ક્યારેક તેઓ ક્યાંક બહાર જતા હતા. જેાકે અનુરાગને કોઈ આપત્તિ નહોતી, તેથી સુદીપા પણ પોતાની આ મિત્રતાને એન્જેાય કરવા લાગી હતી. સાથે ઓફિસના કામ પણ સરળતાથી પતી જતા હતા.
હવે સુદીપા ઓફિસ સાથે ઘરને પણ ખૂબ સારી રીતે સંભાળી લેતી હતી. તેથી આ બાબતે પણ અનુરાગને પત્ની સામે કોઈ ફરિયાદ નહોતી.
પરંતુ મા ઘણી વાર દીકરાને ટોકતી રહેતી, ‘‘આ સારું નથી થઈ રહ્યું અનુરાગ. તને ફરીથી કહી રહી છું, તારી પત્નીને બીજા કોઈની સાથે આટલી નજીક જવા દેવી સારી વાત નથી બેટા.’’
‘‘અરે મા, એક્ચ્યુઅલી સુદીપા ઓફિસના કામમાં અવિનાશની હેલ્પ લે છે. બંને એક જ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને એકબીજાને સારી રીતે સમજે છે, તેથી સ્વાભાવિક છે કે કામની સાથેસાથે થોડો સમય સાથે પસાર કરી લે છે. તેમાં તેને ટોકવામાં મને ઠીક નથી લાગતું. મા અને તારી વહુ આટલું કમાય પણ છે ને. યાદ કર મા જ્યારે સુદીપા ઘરે રહેતી હતી ત્યારે ઘર ચલાવવા માટે આપણને મુશ્કેલી પડતી હતી. આખરે બાળકોને પણ સારું શિક્ષણ આપી શકાય તેના માટે સુદીપાનું નોકરી કરવું જરૂરી છે. વળી તે ઘર સંભાળ્યા પછી કામ કરવા બહાર જઈ રહી છે, તેથી નાનીનાની વાતમાં તેને રોકટોક કરવી સારી નથી લાગતી.’’
‘‘બેટા, હું તારી વાત સમજી રહી છું, પરંતુ તું મારી વાત નથી સમજતો. જેા થોડું નિયંત્રણ પણ જરૂરી છે દીકરા, નહીં તો ક્યાંક પાછળથી તારે પસ્તાવું ન પડે.’’ માએ મોં બનાવતા કહ્યું.
‘‘ઠીક છે મા હું વાત કરીશ.’’ કહીને અનુરાગ ચુપ થઈ ગયો.
એક જ વાતને વારંવાર કહેવામાં આવે તો તે ક્યાંક ને ક્યાંક મગજ પર અસર કરે છે. આવું જ કંઈક અનુરાગ સાથે પણ થવા લાગ્યું હતું. જ્યારે કામના બહાને સુદીપા અને અવિનાશ શહેરની બહાર જતા ત્યારે અનુરાગનું દિલ બેચેન થઈ જતું. ઘણી વાર તેને લાગતું કે સુદીપાને અવિનાશ સાથે બહાર જતા રોકે અથવા ઠપકો આપે, પરંતુ તે આવું કરી શકતો નહોતો. આખરે તેની ગૃહસ્થીની ગાડી સારી રીતે દોડી રહી હતી, તેની પાછળ ક્યાંક ને ક્યાંક સુદીપાની મહેનત હતી.

બીજી તરફ દીકરા પર પોતાની વાતની અસર ન થતી જેાઈને અનુરાગના માબાપે પોતાના પૌત્ર અને પૌત્રી એટલે કે બાળકોને ઉશ્કેરવા શરૂ કરી દીધા. પછી એક દિવસ બંને બાળકોને બેસાડીને તે તેમને સમજાવવા લાગ્યા, ‘‘જુઓ દીકરાઓ તમારી મમ્માની અવિનાશ અંકલ સાથે મિત્રતા થોડી વધારે વધી રહી છે. શું તમને બંનેને નથી લાગતું કે મમ્મા તમને અથવા પપ્પાને પોતાનો પૂરો સમય આપવાના બદલે અવિનાશ અંકલ સાથે બહાર ફરવા ચાલી જાય છે?’’
‘‘દાદી મમ્મા ફરવા નહીં, પરંતુ ઓફિસના કામથી અવિનાશ અંકલ સાથે જાય છે.’’ વિરાજે વિરોધ કર્યો.
‘‘ભાઈની વાત જવા દો દાદી, પરંતુ મને પણ એવું લાગે છે કે જાણે મમ્મા સાચે અમને ઈગ્નોર કરવા લાગી છે. જ્યારે જુઓ ત્યારે તે અંકલ અમારા ઘરે આવી જાય છે અથવા આવીને મમ્માને લઈ જાય છે. આ યોગ્ય નથી.’’
‘‘હા દીકરા, હું તેથી જ કહી રહી છું કે થોડું ધ્યાન આપ. તારી મમ્માને કહે કે પોતાના મિત્ર સાથે નહીં, પરંતુ તમારી સાથે સમય પસાર કરે.’’
તે દિવસે રવિવાર હતો. બાળકોના કહેવા પર સુદીપા અને અનુરાગ તેમને લઈને વોટરપાર્ક જવાના હતા.
બપોરે ઊંઘીને જેવા બંને બાળકો તૈયાર થવા લાગ્યા ત્યારે માને ન જેાતા દાદી પાસે પહોંચી ગયા પછી કહ્યું, ‘‘દાદી મમ્મા ક્યાં છે… દેખાતી નથી?’’
‘‘તમારી મા તો ગઈ છે પોતાના ફ્રેન્ડ સાથે.’’
‘‘તેનો અર્થ એ કે અવિનાશ અંકલ સાથે?’’
‘‘હા.’’ દાદીએ કહ્યું.
‘‘પરંતુ તેને અમારી સાથે આવવાનું હતું. શું અમારા કરતા બોયફ્રેન્ડ વધારે મહત્ત્વનો થઈ ગયો છે?’’ કહેતા સ્વરાએ પોતાનું મોં ફુલાવી દીધું. વિરાજ પણ ઉદાસ થઈ ગયો.

લોઢું ગરમ જેાઈને દાદીએ હથોડો મારી દેવાના આશયથી કહ્યું, ‘‘આ વાત હું કહી રહી છું આટલા સમયથી કે સુદીપા માટે પોતાના બાળકો કરતા વધારે મહત્ત્વપૂર્ણ તે પારકો માણસ બની ગયો છે. તારા બાપની સમજમાં કઈ આવતું નથી.’’
‘‘મા પ્લીઝ એવું કંઈ જ નથી. કોઈ જરૂરી કામ આવી ગયું હશે.’’ અનુરાગે સુદીપાના બચાવમાં કહ્યું.
‘‘પરંતુ પપ્પા, અમારું દિલ રાખવા કરતા બીજું કયું જરૂરી કામ હોઈ શકે છે ભલા?’’ કહેતા વિરાજ ગુસ્સામાં ઊભો થઈ ગયો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી દરવાજેા બંધ કરી દીધો.
સ્વરાએ પણ ચિડાઈને કહ્યું, ‘‘લાગે છે મમ્માને હવે અમારા કરતા વધારે પ્રેમ અવિનાશ અંકલ સાથે થઈ ગયો છે.’’ પછી તે પણ પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ.
સાંજે જ્યારે સુદીપા પાછી આવી ત્યારે ઘરમાં બધાનો મૂડ ઓફ હતો. સુદીપાએ બાળકોને સમજાવવાની કોશિશ કરતા કહ્યું, ‘‘તમારા અવિનાશ અંકલના પગમાં ગંભીર ઈજ થઈ હતી, તેથી હું તેમને લઈને હોસ્પિટલ ગઈ હતી.’’
‘‘મમ્મા આજે અમે તમારું કોઈ જ બહાનું સાંભળવા નથી ઈચ્છતા. તમે તમારું વચન તોડ્યું છે અને તે પણ અવિનાશ અંકલ માટે થઈને. હવે અમારે કોઈ વાત નથી સાંભળવી.’’ કહેતા બંને ભાઈબહેન ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા.
સ્વરા અને વિરાજ માની અવિનાશ સાથેની આ આત્મીયતાને પસંદ કરતા નહોતા. તે હવે પોતાની જ માથી દૂરદૂર રહેવા લાગ્યા હતા. ગરમીની રજાઓ પછી બાળકોની સ્કૂલ ખૂલી ગઈ અને વિરાજ પણ પોતાની હોસ્ટેલ ચાલ્યો ગયો.
બીજી તરફ સુદીપાના સાસુસસરાએ આ મિત્રતાનો ઉલ્લેખ તેના માબાપ સામે પણ કર્યો. સુદીપાના માબાપ પણ આ મિત્રતાની વિરોધમાં જ હતા. પછી માએ સુદીપાને સમજવ્યું ત્યારે પપ્પાએ આ અનુરાગને સલાહ આપી કે તેણે આ કિસ્સામાં સુદીપા પર થોડી કડકાઈ દાખવવી જેાઈએ અને અવિનાશની સાથે બહાર જવાની મંજૂરી ક્યારેય ન આપવી જેાઈએ.

આ સમયગાળામાં સ્વરાની મિત્રતા સોસાયટીના જ એક છોકરા સુજય સાથે થઈ ગઈ. તે સ્વરાથી ૨-૪ વર્ષ મોટો હતો એટલે કે તેના ભાઈ વિરાજની ઉંમરનો હતો. તે જૂડોકરાટેમાં ચેમ્પિયન અને ફિટનેસ ફ્રીક છોકરો હતો. સ્વરા તેની બાઈક રેસિંગથી પણ ખૂબ પ્રભાવિત હતી. તે બંને એક જ સ્કૂલમાં ભણી રહ્યા હતા, તેથી સાથે સ્કૂલે જવાઆવવા લાગ્યા. જેાકે સુજય બીજા છોકરાઓ જેવો નહોતો. તે સ્વરાને બધી વાત જણાવતો હતો. તેને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપતો અને સ્કૂટી ચલાવતા પણ શીખવતો. હવે સ્વરાને સુજય સાથે ખૂબ ગમવા લાગ્યું હતું.

એક દિવસ સ્વરા સુજયને પોતાની સાથે ઘરે લઈને આવી. સુદીપાએ તેને સારી રીતે આવકાર આપ્યો. બધાને સુજય સારો છોકરો લાગ્યો, તેથી કોઈએ પણ સ્વરાની વધારે પૂછપરછ ન કરી. હવે સુજય પણ અવારનવાર ઘરે આવવા લાગ્યો. તે સ્વરાના મેથ્સના પ્રોબ્લેમને પણ સોલ્વ કરી દેતો અને તેને જૂડોકરાટે પણ શીખવતો હતો.
એક દિવસ સ્વરાએ સુદીપાને કહ્યું, ‘‘મમ્મા, તમે જાણો છો, સુજય એક સારો ડાન્સર પણ છે. તે કહી રહ્યો હતો કે તે મને ડાન્સ શિખવાડશે.’’
‘‘આ ખૂબ સારી વાત છે. તમે બંને બહાર લોનમાં અથવા પોતાના રૂમમાં જઈને ડાન્સની પ્રેક્ટિસ કરી શકો છો.’’
‘‘મમ્મા તમને અથવા ઘરમાં બીજા કોઈને કોઈ આપત્તિ તો નથી ને?’’ સ્વરાએ પૂછ્યું.
‘‘અરે ના બેટા. સુજય એક સારો છોકરો છે. તે તને સારી વાત શીખવે છે. તમે બંને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો છો, તો પછી અમને આપત્તિ કેમ હોય? બસ બેટા એક વાતનું ધ્યાન રાખજે સુજય અને તું ફાલતુ વાતમાં પોતાનો સમય પસાર ન કરતા. કામની વાત શીખો, હરોફરો, રમો, તેમાં ખોટું કંઈ જ નથી?’’
‘‘ઓકે થેંક્યૂ મમ્મા.’’ કહીને સ્વરા ખુશીખુશી ત્યાંથી ચાલી ગઈ.
હવે સુજય દર રવિવારે સ્વરાના ઘરે આવી જતો અને બંને ડાન્સ પ્રેક્ટિસ કરતા. સમય આ રીતે પસાર થતો ગયો. એક દિવસ સુદીપા અને અનુરાગ કોઈ કામસર બહાર ગયા હતા.

ઘરમાં સ્વરા દાદાદાદી સાથે એકલી હતી. આ સમયે કોઈ કામસર સુજય ઘરે આવ્યો ત્યારે સ્વરા તેની પાસેથી મેથ્સના થોડા પ્રોબ્લેમ સોલ્વ કરવા લાગી. એટલામાં અચાનક સ્વરાને દાદીના જેારજેારથી કણસવાના અને બાથરૂમમાં પડી જવાના અવાજ સંભળાયા.
સાંભળતા સ્વરા અને સુજય દોડીને બાથરૂમ પાસે પહોંચી ગયા. જેાયું તો દાદી ફરસ પર બેભાન પડ્યા હતા. સ્વરાના દાદાને ઓછું સંભળાતું હતું અને તેમના પગમાં પણ તકલીફ હતી. તે પોતાના રૂમમાં ઊંઘી ગયા હતા. સ્વરા ગભરાઈને રડવા લાગી ત્યારે સુજયે તેને હિંમત આપી અને તરત એમ્બ્યુલન્સ માટે ફોન કરી દીધો. સ્વરાએ પોતાના મમ્મીડેડીને ઘટના વિશે ફોન પર જણાવી દીધું. આ સમયગાળામાં સુજય જલદી દાદીને લઈને નજીકની હોસ્પિટલ ભાગ્યો. જેાકે તેણે સૌપ્રથમ પોતાના ઘરેથી થોડા પૈસા મંગાવી લીધા. હોસ્પિટલ પહોંચીને તેણે ખૂબ સમજદારી સાથે દાદીને એડમિટ કરાવી દીધા અને પ્રાથમિક સારવાર શરૂ કરાવી દીધી. હકીકતમાં તેમને હાર્ટએટેક આવ્યો હતો. ત્યાં સુધીમાં સ્વરાના મમ્મીપપ્પા પણ હોસ્પિટલ આવી ગયા.

ડોક્ટરે સુદીપા અને અનુરાગ સામે સુજયના વખાણ કરતા કહ્યું, ‘‘આ છોકરાએ જે સ્ફૂર્તિ અને સમજદારીથી તમારી માને હોસ્પિટલ પહોંચાડ્યા તે ખરેખર વખાણવાલાયક છે. જેા અહીં લાવવામાં મોડું થઈ ગયું હોત તો સમસ્યા ગંભીર થઈ ગઈ હોત અને તેમનો જીવ પણ જેાખમમાં મુકાઈ ગયો હોત.’’
સુદીપાએ આગળ વધીને સુજયને વહાલથી આલિંગનમાં લઈ લીધો. અનુરાગ અને તેના પપ્પાએ પણ ભીની આંખે સુજયનો આભાર માન્યો. બધાની સમજમાં આવી ગયું હતું કે બહારના એક છોકરાએ આજે તેમના પરિવાર માટે કેટલું મોટું કામ કર્યું હતું. થોડા સમય પછી સ્થિતિ સુધરતા સ્વરાના દાદીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
ઘરે પાછા આવતા દાદીએ સુજયનો હાથ પકડીને રડમશ સ્વરમાં કહ્યું, ‘‘આજે મને ખબર પડી ગઈ છે કે મિત્રતાનો સંબંધ આટલો સુંદર હોય છે. તેં મારો જીવ બચાવીને આ વાતનો મને અહેસાસ કરાવી દીધો છે કે મિત્રતાનો અર્થ શું હોય છે?’’
‘‘અરે દાદી, આ મારી ફરજ હતી.’’ સુજયે હસીને કહ્યું.
ત્યારે દાદીએ સુદીપા તરફ જેાઈને શરમભર્યા સ્વરમાં કહ્યું, ‘‘મને માફ કરી દે વહુ. મિત્રતા તો મિત્રતા જ છે, પછી તે બાળકોની હોય કે મોટાની. તારી અને અવિનાશની મિત્રતા પર શંકા કરીને મેં મોટી ભૂલ કરી દીધી છે. આજે હું સમજી શકું છું કે તમારી મિત્રતા પણ કેટલી લાગણી અને પ્રેમભરી હશે. જેાકે અત્યાર સુધી હું સમજી શકી નહોતી.’’
સુદીપાએ આગળ વધીને સાસુને ભેટતા કહ્યું, ‘‘મમ્મી તમે મોટા છો. તમારે મારી માફી માંગવાની જરૂર નથી. તમે અવિનાશને જાણતા નહોતા, તેથી તમારા મનમાં પ્રશ્નો ઊઠી રહ્યા હતા અને તે સ્વાભાવિક પણ હતું, પરંતુ હું તેને ઓળખું છું, તેથી તેની સાથેના સંબંધને છુપાવ્યા વિના તમારી સામે લઈને આવી હતી. એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા.
સુદીપાએ દરવાજેા ખોલ્યો તો સામે હાથમાં ગુલદસ્તો અને ફળ લઈને અવિનાશ ઊભો હતો. ડરેલા સ્વરમાં તેણે પૂછ્યું, ‘‘મેં સાંભળ્યું છે કે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હવે કેમ છે તેમને?’’
‘‘બસ તને યાદ કરી રહ્યા હતા.’’ હસતાંહસતાં સુદીપાએ કહ્યું અને તેનો હાથ પકડીને તેને અંદર લઈ આવી. •

વધુ વાંચવા કિલક કરો....