વાર્તા – ગરિમા પંકજ
બેમાળના મકાનના ઉપરના માળે પોતાની પેરાલાઈઝ મા સાથે એકલો બેઠેલો અનિલ સ્વયંને લાચર અનુભવી રહ્યો હતો. મા ઊંઘતી હતી. રૂમ વેરણછેરણ પડ્યો હતો. તેને પોતાની તબિયત પણ ઠીક નહોતી લાગતી. સવારના ૧૧ વાગી ગયા હતા. પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો ગયો. આ સ્થિતિમાં ઊઠીને નાસ્તો બનાવવો તેના માટે સરળ નહોતો. આમ પણ છેલ્લા ઘણા દિવસથી નાસ્તાના નામે તે બ્રેડ, બટર અને દૂધ જ લઈ રહ્યો હતો.
હિંમત કરીને ફ્રેશ થઈને અનિલ કિચનમાં ગયો. દૂધ અને બ્રેડ પૂરા થઈ ગયા હતા. ઘરમાં એવું કોઈ નહોતું, જેને બહાર મોકલીને દૂધ મંગાવી શકાય. પછી જાતે જ કરિયાણાની દુકાન સુધી પહોંચ્યો અને દૂધ, મેગી અને બ્રેડ ખરીદીને ઘરે આવી ગયો.
પત્ની સંજનાના ગયા પછી તે આવું બધું ખાઈને જ જિંદગી જીવી રહ્યો હતો. ઘરે આવીને તેણે દૂધ ગરમ કરવા મૂક્યું અને બ્રેડ શેકવા લાગ્યો.
એટલામાં માનો અવાજ સંભળાયો, ‘‘બેટા, જલદી આવ ને, મારે ટોઈલેટ જવું છે.’’
ગેસની આંચ થોડી ધીમી કરીને અનિલ માના રૂમ તરફ દોડ્યો, પરંતુ ત્યાં સુધીમાં મા પથારીમાં જ બધું કરી ચૂકી હતી, ‘‘અરે મા થોડી જ તો વાર થઈ, ૨ સેકન્ડમાં હું દોડતો આવ્યો, પરંતુ તમે એટલી વારમાં પથારી બગાડી નાખી.’’ તેણે થોડા ગુસ્સામાં માને કહ્યું, ‘‘હવે મારે બધું ધોવું પડશે… કામવાળી પણ નથી આવતી.’’
મા પણ કંટાળા સાથે ખૂબ દુખી દેખાતી હતી અને બોલી, ‘‘માફ કરજે બેટા, ખબર નહીં કેવી હાલત થઈ ગઈ છે મારી. હું પણ કેટલી તકલીફ આપી રહી છું તને. મને મોત પણ કેમ નથી આવી જતું.’’ તે રડવા લાગી.
‘‘આવું ન બોલ મા.’’ અનિલે માનો હાથ પકડી લીધો અને બોલ્યો, ‘‘પિતા, પહેલા જ આપણને છોડીને જતા રહ્યા છે. ભાઈ બીજા શહેરમાં ચાલ્યો ગયો અને સંજના બીજા કોઈની સાથે ભાગી ગઈ. હવે મારું છે જ કોણ તારા સિવાય. જેા તું પણ જતી રહીશ તો પછી હું બિલકુલ એકલો પડી જઈશ.’’
અનિલની આંખો પણ ભરાઈ આવી હતી. આ સમયે તેને સંજનાની યાદ તડપાવતી હતી. તે વિચારવા લાગ્યો, જ્યારે સંજના હતી ત્યારે કેટલી સહજતાથી બધું સંભાળી લેતી હતી. માની તબિયત ત્યારે પણ ખરાબ રહેતી હતી, પરંતુ સંજના એ રીતે માની સેવા કરતી કે તકલીફો હોવા છતાં તે ખુશ રહેતી હતી. જેાકે તે સમયે નાનો ભાઈ અને પિતા પણ હતા, તેમ છતાં ઘરના કામકાજ મિનિટોમાં થઈ જતા હતા.
અનિલની આંખો સામે સંજનાનો હસતો ચહેરો આવી ગયો, જ્યારે તે લગ્ન કરીને અહીં આવી હતી, ત્યારે તે એક નવોઢા બનીને ખૂબ ઉત્સાહથી ઘરમાં આમતેમ ફરતી હતી, પરંતુ અનિલ તેના ભોળપણને મૂર્ખામીનું નામ આપતો હતો. ગમે તે સમયે તેને ગુસ્સામાં ઝાટકી નાખતો હતો. તે ઘરમાંથી એક પણ પગલું બહાર મૂકતી ત્યારે અનિલ પૂરું ઘર માથે લઈ લેતો હતો. તેની સાહેલીઓ સુધ્ધાને તે મળવા દેતો નહોતો. પછી સમયની સાથે ચપળ હરણી જેવી સંજના પાંજરામાં કેદ બુલબુલ જેવી ઉદાસ થઈ ગઈ હતી. હવે ખુશીની જગ્યાએ તેની આંખમાંથી પીડા છલકવા લાગી હતી, તેમ છતાં કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વિના તે પૂરો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી.

આજે અનિલને તે દિવસ યાદ આવી રહ્યો હતો, જ્યારે સંજનાની હાજરીમાં એક વાર તેને તાવ આવી ગયો હતો. તે સમયે તેના લગ્નને વધારે સમય થયો નહોતો. તે દિવસે સંજના પૂરો દિવસ તેના હાથેપગે માલિશ કરતી રહી હતી. અનિલ ક્યારેક સંજનાને માથું દબાવવાનું કહેતો, ક્યારેક કંઈક ખાવાનું મંગાવતો તો ક્યારેક મેગેઝિન વાંચીને સંભળાવવાનું કહેતો. દરેક સમયે સંજનાને પોતાની સેવામાં વ્યસ્ત રાખતો.
એક દિવસ તેના મનના વિચારો જાણવા માટે અનિલે પૂછ્યું, ‘‘મારી આ બીમારીના લીધે તને પરેશાની નથી થઈ રહી ને? ક્યાંક તારી પાસેથી વધારે કામ તો નથી કરાવી રહ્યો ને?’’
તે સમયે સંજના કંઈ જ નહોતી બોલી માત્ર હસી હતી, ત્યારે અનિલે તુલસી દાસનો દોહો સંભળાવતા કહ્યું હતું, ‘‘ધીરજ, ધર્મ, મિત્ર, અરૂનારી… આપદ કાલ પરખિયે ચારી… શું તને ખબર છે આ દોહાનો અર્થ?’’
‘‘ના, તમે જણાવો તેનો અર્થ?’’ સંજનાએ આંખો ગોળગોળ ફેરવતા પૂછ્યું ત્યારે અનિલે સમજાવ્યું, ‘‘તેનો અર્થ છે ખરાબ સમયમાં ધીરજ, ધર્મ, મિત્ર અને મહિલાની પરીક્ષા થાય છે. તમારા ખરાબ સમયમાં પત્ની તમારો સાથ આપે છે કે નથી આપતી તે જેાવું જરૂરી છે. તેનાથી તેની પરીક્ષા થાય છે.’’
પછી સંજના વિશે વિચારતા લાંબા સમય સુધી અનિલ આ જ રીતે બેસી રહ્યો. એટલામાં તેને યાદ આવ્યું કે તેણે ગેસ પર ધીમી આંચે દૂધ ગરમ કરવા મૂક્યું છે. પછી દોડતો કિચનમાં ગયો અને જેાયું તો અડધાથી વધારે દૂધ ઊકળીને બહાર ઢળી ગયું હતું. હવે તે માથું પકડીને બેસી ગયો, કારણ કે કિચનની સફાઈનું કામ વધી ગયું હતું. તે વિચારવા લાગ્યો કે હવે દૂધ પણ ફરીથી લાવવું પડશે. બીજી તરફ માએ બગાડેલી પથારીની સફાઈ પણ તેણે જ કરવાની હતી.
બધાં કામ પતાવતાંપતાવતાં બપોરના ૨ વાગી ગયા. અનિલને દૂધ સાથે બ્રેડ ખાતાંખાતાં ફરીથી જૂના દિવસો યાદ આવવા લાગ્યા.
સંજનાને તેના માટે પિતાએ પસંદ કરી હતી. તે સુંદર, ભણેલીગણેલી અને સુશીલ છોકરી હતી, જ્યારે અનિલ કપડાંનો હોલસેલ વેપારી હતો.
અનિલના ઘરમાં રૂપિયાપૈસાની કોઈ કમી નહોતી, તેમ છતાં સંજના જેાબ કરવા ઈચ્છતી હતી. તે આ બહાને ખુલ્લી હવામાં શ્વાસ લેવા ઈચ્છતી હતી, પરંતુ અનિલે તેની આ વિનંતી નકારી દીધી હતી. અનિલને ડર લાગતો હતો કે સપના જેા બહાર જશે કે પોતાની સાહેલીઓને મળશે તો તેઓ તેને ઉશ્કેરશે. આ વિચારીને તેણે તેના જેાબ કરવા અને સાહેલીઓને મળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
એક દિવસે અનિલ દુકાનેથી જલદી ઘરે આવી ગયો હતો. તેણે જેાયું તો કપડાં પ્રેસ કરતાંકરતાં સંજના પોતાની કોઈ સાહેલી સાથે વાતો કરી રહી હતી. અનિલ ધીમા પગલે રૂમમાં દાખલ થયો અને પલંગ પર બેસીને છુપાઈને સંજનાની વાત સાંભળવા લાગ્યો.
સંજના પોતાની સાહેલીને કહી રહી હતી, ‘‘મીના, સાચું કહું તો ક્યારેક-ક્યારેક દિલમાં થઈ આવે છે કે અનિલને છોડીને ક્યાંક દૂર જતી રહું. ક્યારેક-ક્યારેક મન ખૂબ પરેશાન થઈ જાય છે, પરંતુ તે સમયે સુનયના દીદીનો વિચાર આવે છે. તે ખૂબ સુંદર છે. તેમ છતાં વિધવા હોવાથી તેમના ક્યાંય લગ્ન નથી થઈ શકતા. તે કેટલા લાચાર અને એકલા રહી ગયા છે. આમ પણ એક મહિલા માટે બીજા લગ્ન કરવા સરળ નથી હોતા. ક્યારેક મન બીજા લગ્ન સ્વીકારતું નથી, તો ક્યારેક સમાજ. એક વાત જણાવું મીના…’’
હજી સંજનાની વાત પૂરી પણ નહોતી થઈ કે અનિલે ગુસ્સામાં બૂમ પાડી ઊઠ્યો, ‘‘સંજના, ફોન મૂક. હું કહું છું કે અત્યારે જ ફોન મૂકી દે.’’
સંજનાએ પણ ડરના માર્યા ફોન મૂકી દીધો.
અનિલે ખેંચીને એક જેારદાર થપ્પડ મારી દીધી. સંજના પલંગ પર બેસીને ડૂસકા ભરીને રડવા લાગી. ફરીથી અનિલે તેના કાનમાં તુલસીદાસનો એક દોહો સંભળાવ્યો, ‘‘ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી, યે સબ તાડન કે અધિકારી…’’
સાંભળીને સંજનાએ પ્રશ્નાર્થભરી નજરે અનિલ સામે જેાયું ત્યારે અનિલે ફરીથી ગુસ્સામાં બૂમ પાડી, ‘‘જાણે છે આ દોહાનો અર્થ શું છે? નથી જાણતી ને. તેનો અર્થ છે કે મહિલાઓને સમજણ આપવા માટે મારવી જરૂરી છે. તેઓ અત્યાચારની અધિકારી છે અને મને તારા જેવી મહિલાઓને મેથી પાક આપતા ખૂબ સારી રીતે આવડે છે. પતિને પૂરા મહોલ્લામાં બદનામ કરતી ફરે છે. સાહેલીઓની સામે મારી ખોદણી કરે છે. જઈશ મને છોડીને? શું નથી આપ્યું મેં તને? મૂરખ મહિલા બોલ શું નથી આપ્યું? કહેતા અનિલે ગરમ પ્રેસ તેની હથેળી પર મૂકી દીધી.

સંજના ચીસ પાડી ઊઠી. સાંભળીને બાજુના રૂમમાંથી પિતા દોડતા આવી પહોંચ્યા અને કહ્યું, ‘‘અરે અનિલ, આ શું કરી રહ્યો છે તું? ચાલ, તારી મા દવા માંગી રહી છે.’’
પિતા અનિલને ખેંચીને લઈ ગયા. બીજી તરફ સંજના લાંબા સમય સુધી નળના પાણીની નીચે પોતાનો હાથ મૂકીને રડતી રહી. તે દિવસે તેની અંદર જરૂર કંઈક તૂટીને વિખેરાઈ ગયું અને આ મનની ઈજા ફરી ક્યારેય ઠીક ન થઈ. તે દિવસ પછી સંજનાએ પોતાની સાહેલી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હંમેશાં ખુશીઆનંદમાં રહેતી સપનાનું બધું બંધ થઈ ગયું. તે અનિલના બધા કામ કરતી, પરંતુ પોતાના મોંમાંથી એક પણ શબ્દ બોલ્યા વિના. રાત્રે જ્યારે અનિલ તેને પોતાની તરફ ખેંચતો ત્યારે તે અનુભવતી જાણે કે અનેક વીંછીએ તેને ડંખ મારી દીધો ન હોય, પરંતુ તે લાચાર હતી. તેને કોઈ માર્ગ નહોતો દેખાઈ રહ્યો આ બધાથી છૂટવાનો, આખરે કરે તો શું કરે.
આ જ રીતે જિંદગીના ૩ વર્ષ પસાર થયા. આ સમયગાળામાં તેને કોઈ બાળક પણ ન થયું. સંજના એમ પણ બાળક નહોતી ઈચ્છતી. તેનું માનવું હતું કે આટલા ગૂંગળામણભર્યા અને અત્યાચારી વાતાવરણમાં તે પોતાના બાળકને કઈ ખુશી આપશે?

એક દિવસે સાંજના સમયે સંજના શાકભાજી લેવા બજારમાં ગઈ હતી. ત્યાં અચાનક તેની મુલાકાત સહાધ્યાયી નીરજ સાથે થઈ ગઈ. તે પોતાના ભાઈ નિલય સાથે શાકભાજી અને ફળ ખરીદવા આવ્યો હતો.
સંજનાને જેાતા જ નીરજે બૂમ પાડી, ‘‘અરે સંજના, કેમ છે, ઓળખ્યો મને?’’
નીરજને જેાઈને સંજનાનો ચહેરો ખીલી ઊઠ્યો, ‘‘અરે કેમ ન ઓળખું. તું કોલેજનો પ્રાણ હતો.’’
‘‘પરંતુ તને ઓળખવામાં થોડી મુશ્કેલી જરૂર પડી. કેટલી મૂરઝાઈ ગઈ છે. બધું ઠીક તો છે ને?’’ નીરજે ચિંતિત સ્વરે પૂછ્યું ત્યારે સંજનાએ બધું સાચેસાચું જણાવી દીધું.
સંજનાને હિંમત આપતા તેનો પરિચય પોતાના ભાઈ સાથે કરાવ્યો, ‘‘આ મારો ભાઈ છે અને અહીં નજીકમાં રહે છે. તેના પત્ની સાથે ડિવોર્સ થઈ ગયા છે. તેની પત્ની ખૂબ રૂક્ષ સ્વભાવની હતી, જ્યારે તે ખૂબ કોમળ સ્વભાવનો છે. હું જયપુરમાં રહું છું, પરંતુ તને જ્યારે પણ કોઈ સમસ્યા થાય તો મારા આ ભાઈ સાથે તું ખૂલીને વાત કરી શકે છે. તે તારું પૂરું ધ્યાન રાખશે.’’
આ નાનકડી મુલાકાતમાં નિલયે પણ પોતાનો ફોન નંબર આપતા દરેક મુશ્કેલ સમયમાં તેને સાથ આપવાનું વચન આપ્યું.
આ નવી ઓળખાણથી સંજનાને જાણે એક નવો આશરો મળી ગયો. આમ પણ નિલય તેને જે નજરથી જેાઈ રહ્યો હતો, તે નજર ઘરે આવ્યા પછી પણ તેનો પીછો કરતી રહી. એક વિચિત્ર ગુરુત્વાકર્ષણ હતું તેની નજરમાં. પછી ઈચ્છવા છતાં સંજના નિલયને ભૂલી શકતી નહોતી.
આ રીતે ૪-૫ દિવસ પસાર થયા. હંમેશાંની જેમ સંજના પોતાના ઘરના કામમાં વ્યસ્ત હતી, ત્યારે અચાનક નિલયનો ફોન આવ્યો. તેનો નંબર સંજનાએ સુધા નામથી સેવ કરીને રાખ્યો હતો. સંજનાએ દોડીને ફોન ઉઠાવ્યો. જેાકે નિલયે સંજનાની ખબરઅંતર પૂછવા માટે ફોન કર્યો હતો, પરંતુ તેનો વાત કરવાનો અંદાજ એવો હતો કે સંજના ૨-૩ દિવસ સુધી ફરીથી નિલયના વિચારોમાં ખોવાયેલી રહી.

આ વખતે સામેથી તેણે નિલયને ફોન કર્યો?અને બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. હવે ખબરઅંતરથી આગળ વધીને જિંદગીના બીજા પાસા પર પણ વાત થવા લાગી હતી. પછી રોજ બપોરે લગભગ ૨-૩ વાગે બંને વાત કરતા. બંને પોતપોતાની ફીલિંગ્સ શેર કરતા અને ત્યાર પછી એક દિવસ તેમણે સાથે ભાગી જવાની યોજના બનાવી જ લીધી.
જેાકે સંજના માટે આ નિર્ણય મુશ્કેલ નહોતો. તે આમ પણ અનિલથી ખૂબ કંટાળી ગઈ હતી. અનિલ જે રીતે તેની મારપીટ કરતો, તેનું અપમાન કરતો અને જે રીતે એક ગુલામ બનાવીને રાખી હતી, તે તેના જેવી સ્વાભિમાની મહિલા માટે અસહ્ય હતું.
એક દિવસ અનિલના નામે એક પત્ર મૂકીને સંજના નિલય સાથે ભાગી ગઈ. તે ક્યાં ગઈ છે તેની જાણ તેણે અનિલને નહોતી કરી, પરંતુ કેમ છોડીને ગઈ છે અને કોની સાથે ગઈ છે આ બધી વાતની જાણકારી આ પત્રના માધ્યમથી તેણે અનિલને આપી હતી. તેણે પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખી દીધું હતું કે તે અનિલને ડિવોર્સ નહીં આપે અને તેની સાથે પણ નહીં રહે.
હવે અનિલ પાસે પસ્તાવા સિવાય બીજેા કોઈ રસ્તો નહોતો રહ્યો. આ વાતને ૨ વર્ષ પસાર થઈ ગયા હતા. અનિલની જિંદગીની ગાડી પાટા પરથી ઊતરી ગઈ હતી. તેના મનની બેચેનીની અસર તેની દુકાન પર થઈ રહી હતી અને તેનો વ્યવસાય લગભગ બંધ જેવો થઈ ગયો હતો. પછી પિતાનું મૃત્યુ થયું. ઘરની સ્થિતિ જેાઈને અનિલના ભાઈએ લવમેરેજ કરી લીધા અને બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયો.
હવે અનિલ એકલો જ પોતાની બીમાર મા સાથે જિંદગીની રેતાળ ધરતી પર પોતાના કર્મોની સજા ભોગવવા વિવશ થઈ ગયો હતો.

વધુ વાંચવા કિલક કરો....