વાર્તા – રિતુ વર્મા
પાયલ બાલ્કનીમાં ઊભીઊભી ઝરમરઝરમર વરસતા વરસાદને નિહાળી રહી હતી. તે મનોમન સ્વયંને દોષ આપી રહી હતી કે આજે પણ તે જયંતને બરાબર નાસ્તો ન કરાવી શકી. પાયલ બાળપણથી દરેક કામને પરફેક્ટ કરવા ઈચ્છતી હતી. જેા કોઈ કામ તેનાથી ખોટું થઈ જાય તો તે સ્વયંને દોષ આપવા બેસી જતી હતી. આમ તો પાયલ ૪૨ વર્ષની સામાન્ય દેખાવની મહિલા હતી. તેને પોતાની ઘણી બધી વાતથી અસંતોષ હતો. તેને પોતાના રંગથી લઈને વાળ સુધ્ધાથી પ્રોબ્લેમ હતો.
આજે પાયલની સોસાયટીમાં ત્રીજનું ફંક્શન હતું. તમામ લેડીઝ સુંદર રીતે તૈયાર થઈને આવી હતી. પાયલે પણ પ્રસંગના હિસાબે લીલા રંગની શિફોનની સાડી પહેરી હતી, પરંતુ પાયલને ખુશી નહોતી. તેણે જેાયું તો નિધિ ૫૦ વર્ષની ઉંમરમાં પણ ૩૦ વર્ષની દેખાતી હતી. જ્યારે પૂજાની સ્કિન બિલકુલ કાચ જેવી ચમકતી હતી. ચારુની આંખ નીચે કોઈ ડાર્ક સર્કલ નહોતા, તો અંશુ પોતાની અદાઓથી પૂરી મહેફિલના પ્રાણ બની ગઈ હતી. બીજી તરફ ઊર્જા તેના સુંદર વાળને આમતેમ લહેરાવી રહી હતી ત્યારે પાયલને પોતાના વાળ પર શરમ આવી રહી હતી.
કેટલા ભરાવદાર, મુલાયમ વાળ હતા તેના, પરંતુ બાળકોના જન્મ પછી મુંબઈના પાણીના લીધે અને બાકીની કસર હાઈપોથાઈરોડિઝમે પૂરી કરી દીધી હતી. પોતાના ઝાડુ જેવા ડ્રાય વાળને તે અરીસામાં જેાવા નહોતી ઈચ્છતી. શું દોષ હતો તેનો કે કુદરતે બધા પ્રોબ્લેમ તેના નામે કરી દીધા હતા.
એટલામાં મ્યૂઝિક શરૂ થયું અને તમામ બ્યૂટિ સ્ટેજ પર ડાન્સ કરવા લાગી. પાયલ પણ પોતાની સાડી સંભાળતી સ્ટેજ પર જઈને નાચવા લાગી. એટલામાં પૂજા તેની નજીક આવતા બોલી, ‘‘અરે પાયલ તું આ સાડી પહેરીને કેમ આવી છે? કોઈ ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસ પહેરીને આવી હોત તો તને ડાન્સ કરવામાં બિલકુલ અસુવિધા ન થતી.’’
સાંભળીને પાયલ ફિક્કું હસી અને કહ્યું, ‘‘હા, તું આ ક્રોપ ટોપ અને પ્લાઝોમાં ખૂબ સ્માર્ટ દેખાઈ રહી છે.’’

અચાનક પાયલની નજર સામે લગાવેલા અરીસા પર પડી. વિખેરાયેલા વાળ અને આંખોની નીચે ડાર્ક સર્કલ. અરીસામાં સ્વયને જેાઈને તેનો મૂડ ખરાબ થઈ ગયો.
નીચે આવીને તેણે જેવો કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ ઉઠાવ્યો કે અંશુ ડાન્સ કરતાંકરતાં તેની નજીક આવતા બોલી, ‘‘અરે પાયલ હવે પછી સાડી થોડી નીચે બાંધજે, જે રીતે નિધિએ બાંધી છે, પણ યાર તું તારું પેટ થોડું ઓછું કર યાર.’’ કહીને અંશુ જતી રહી.
તે પછી પાયલ થોડો સમય બેસી રહી, પરંતુ તેનું મન ઉદાસ રહ્યું.
ઘરે આવીને સૌપ્રથમ તેણે પતિ જયંતને પૂછ્યું, ‘‘કેવી દેખાઉં છું હું?’’
જયંતે એક નજર તેની પર નાખતા કહ્યું, ‘‘જેવી રોજ લાગે છે.’’
પાયલ બોલી, ‘‘શું તમને એવું લાગે છે કે હું સમય પહેલાં વૃદ્ધ થઈ ગઈ છું.’’
જયંતે ચિડાઈને કહ્યું, ‘‘૪૨ વર્ષની મહિલા વૃદ્ધ નહીં તો શું યુવાન લાગે?’’
‘‘વિચિત્ર છો તમે પણ.’’ પાયલ રડતાંરડતાં બોલી અને ત્યાર પછી આ જ મનોસ્થિતિમાં તેણે જમવાનું બનાવ્યું, જે ખૂબ સ્વાદહીન બન્યું હતું.
જયંત અને બાળકોએ મોં બગાડીને ખાધું. દીકરી રિદ્ધિમા બોલી, ‘‘નિધિ આંટી એટલું સરસ ખાવાનું બનાવે છે કે વાત ન પૂછો અને એક તમે છો કે દાળ પણ બરાબર નથી બનાવી શકતા.’’
જયંતે થોડા ગુસ્સાભર્યા સ્વરમાં કહ્યું, ‘‘તારી મમ્મીને રડવામાંથી નવરાશ મળે તો ધ્યાન આપી શકે ને ખાવાનું બનાવવા પર.’’
પાયલ તરત બાથરૂમમાં જતી રહી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. જ્યારે મન થોડું હળવું થયું ત્યારે તે બાથરૂમમાંથી બહાર આવી. પાયલની લાલ આંખ જેાઈને જયંત સમજી ગયો કે આજે તે ફરીથી રડી છે. પછી તેની નજીક આવીને જયંતે કહ્યું, ‘‘અરે પાયલ, ક્યાં સુધી આ બધું કરતી રહીશ? તું જેવી છે તેવી મને ગમે છે.’’
પાયલ બોલી, ‘‘બસ ઠીક લાગુ છું ને… હું પણ જાણું છું કે હું બીજા જેવી સુંદર નથી કે ન એટલી સ્માર્ટ છું.’’
જયંત કોઈ જવાબ આપ્યા વિના પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
પાયલને ખૂબ ગૂંગળામણ થઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પછી તેણે ચંપલ કાઢ્યા અને બહાર ટહેલવા નીકળી ગઈ. ટહેલતાં ટહેલતાં પાયલ સામેના પાર્કમાં પહોંચી ગઈ. પાર્કમાં ખુશીઆનંદમાં લોકોની ભીડ હતી. કેટલાક દોડી રહ્યા હતા, કેટલાક યોગા કરી રહ્યા હતા તો કેટલાક એકબીજા સાથે વાત કરતા ચાલી રહ્યા હતા. પાયલે પોતાના કપડાં જેાયા, કદાચ તે ઘરના કપડામાં ત્યાં આવી હતી, જ્યારે બીજા લોકો ટ્રેક સૂટ કે પેન્ટમાં હતા.
પાયલ ફરીથી પોતાની જાતને ખરુંખોટું સંભળાવવા લાગી. પછી ચાલતાંચાલતાં જ્યારે પગ દુખવા લાગ્યા ત્યારે તે એક જગ્યાએ જઈને બેસી ગઈ. એટલામાં એક ૨૬-૨૭ વર્ષનો આકર્ષક યુવાન આવીને બરાબર પાયલની બાજુમાં બેસી ગયો અને બોલ્યો, ‘‘લાગે છે અહીં પહેલી વાર ફરવા આવ્યા છો.’’
પાયલને લાગ્યું જાણે કે તેણે વિચિત્ર કપડાં પહેર્યા છે, એટલે કદાચ આ છોકરો તેની મજાક ઉડાવી રહ્યો છે. તેમ છતાં તેણે પૂછી લીધું, ‘‘મારા કપડાં જેાઈને પૂછી રહ્યા છો?’’
છોકરાએ કહ્યું, ‘‘અરે આ ડ્રેસ તમારી પર ખૂબ શોભી રહ્યો છે. હું અહીં આવતા દરેક સુંદર ચહેરાની ખબર રાખું છું. તમે અહીં પહેલી વાર દેખાયા છો, એટલે પૂછી લીધું.’’
પાયલના મોં પર પરાણે સ્મિત રેલાઈ ગયું અને બોલી, ‘‘શું તમે મારા વિશે કહી રહ્યા છો?’’
છોકરો બોલ્યો, ‘‘બાય ધ વે મારું નામ અકુલ. હું સામેના ગુલમહોર પાર્કમાં રહું છું.’’
પાયલ બોલી, ‘‘અરે હું પણ ત્યાં જ રહું છું. મારું નામ પાયલ છે.’’
થોડી વાર પછી પાયલ ત્યાંથી ઊઠીને ટહેલવા લાગી. આ સમયે તેનું મન ફૂલ જેવું હળવું થઈ ગયું. એક આકર્ષક નવયુવાને આજે તેને સુંદર કહી હતી. પછી તે ગીત ગણગણતી ખુશીખુશી ઘરે પહોંચી અને બધા માટે મિલ્ક શેક બનાવ્યો.
તેને જેાઈને જયંતે હસીને કહ્યું, ‘‘આ જ રીતે ખુશ રહે, ખૂબ સારી લાગે છે.’’
બીજા દિવસે પાયલે જલદીજલદી ડિનર બનાવ્યું અને રાતના ડિનર પછી પાર્ક તરફ ચાલી નીકળી. પાર્કમાં અકુલ તેના મિત્રો સાથે એક્સર્સાઈઝ કરી રહ્યો હતો. પછી પાયલ પણ પાર્કમાં ચાલવા લાગી. એટલામાં પાછળથી અકુલનો અવાજ આવ્યો, ‘‘પાયલ એક મિનિટ ઊભા રહો.’’
પાયલને અકુલનું આ રીતે પોતાનું નામ લઈને બોલાવવું થોડું વિચિત્ર જરૂર લાગ્યું, પરંતુ ગમ્યું.
અકુલે પાયલને કહ્યું, ‘‘તમે પણ ફિટનેસ બેન્ડ લઈ લો. તેનાથી તમને તમારા ગોલ સેટ કરવામાં સરળતા રહેશે.
બંને ચાલતાંચાલતાં વાતો કરવા લાગ્યા. જેાતજેાતામાં ૧ કલાક પસાર થઈ ગયો, પરંતુ પાયલને ત્યારે ભાન થયું, જ્યારે તેના ઘરેથી તેની દીકરીનો ફોન આવ્યો, ‘‘મમ્મી, હજી કેટલું ચાલીશ? અમે બધા તારી રાહ જેાઈ રહ્યા છીએ.’’
પાયલ અને અકુલ સાથે ચાલતાંચાલતાં સોસાયટીમાં પાછા આવી ગયા. પછી તો આ તેમનો રોજનો નિયમ બની ગયો. પાયલના આવતા જ અકુલ તેના મિત્રોને બાય કહીને પાયલ સાથે ચાલવા લાગ્યો.
જેાકે પાયલ અને અકુલ વચ્ચે કોઈ સામ્યતા નહોતી, તેથી તેમની પાસે ખૂબ વાતો રહેતી હતી. અકુલ વાત કરતાંકરતાં પાયલના થોડાક એવા વખાણ કરતો કે પાયલનો બીજેા દિવસ ખૂબ સારો જતો.
પાયલને જે વખાણની આશા તેના પતિ પાસેથી હતી તે વખાણ તેને અકુલ પાસેથી મળી રહ્યા હતા. અકુલ પાયલની જિંદગીમાં ટોનિકનું કામ કરી રહ્યો હતો.

એક દિવસે અકુલ પાર્કમાં ન આવ્યો, ત્યારે પાયલ ખૂબ ઉદાસ થઈ ગઈ. પછી જ્યારે બીજા દિવસે પણ અકુલ પાર્કમાં ન આવ્યો તો પાયલ પાર્કમાં ફર્યા વિના જ ઘરે પાછી આવી ગઈ. ઘરે આવતા જ કારણ વિના જ પતિ સાથે લડી પડી.
પાયલ રોજ પાર્કમાં જતી, પરંતુ ફરવા કરતા વધારે પાયલની આંખ અકુલને શોધતી રહેતી હતી. થોડા દિવસ પછી તેણે મનને સમજાવી લીધું કે હવે અકુલ નહીં જ આવે. જેાકે બંનેએ એકબીજાના ફોન નંબર પણ લીધા નહોતા. આમ તો પાયલ અને અકુલ વચ્ચે કોઈ ગાઢ સંબંધ નહોતો, પરંતુ અકુલ પાયલ માટે ટોનિક સમાન હતો. એ ટોનિક જે પાયલની મંદ પડી ગયેલી જિંદગીની ગાડીને ચલાવવામાં સહાયક હતું.
હવે પાયલ વિચારવા લાગી કે કદાચ પોતાનાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે. ક્યારેક તે વિચારતી કે ક્યાંક અકુલ તેની સાથે મજાક કરતો હશે અને તે તેને સાચું માની બેઠી હોય. તેમ છતાં પાયલ રોજ કોણ જાણે કેમ પાર્કમાં જતી હતી. તેને હવે અહીં ફરવામાં તેને મજા આવતી હતી. તેણે પોતાના માટે એક ટ્રેકસૂટ પણ ખરીદી લીધો હતો. ધીરેધીરે તે અકુલને ભૂલવા લાગી. એક દિવસે પાયલ ફરી રહી હતી, ત્યારે પાછળથી અચાનક અવાજ આવ્યો, ‘‘હાય યંગ લેડી.’’
તરત પાયલે પાછળ ફરીને જેાયું તો અકુલ ઊભોઊભો હસી રહ્યો હતો.
પાયલે ચિંતિત સ્વરે કહ્યું, ‘‘ક્યાં ચાલ્યા ગયા હતા.’’
અકુલે કહ્યું, ‘‘મારા હોમટાઉન ગયો હતો.’’
આ સમયે પાયલના મોંમાંથી અચાનક નીકળી ગયું, ‘‘શું તમે જાણો છો, કેટલા મિસ કર્યા છે તમને મેં?’’
અકુલે મજાકભર્યા અંદાજમાં હસતાંહસતાં કહ્યું, ‘‘તે કેમ ભલા? આખરે તમે છો કોણ મારા?’’
સાંભળીને પાયલ શરમાઈ ગઈ અને કંઈ જ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. હવે ફરીથી પાયલની જિંદગી ખીલી ઊઠી હતી.

પાયલ રોજ ફરવા માટે પાર્કમાં જતી હતી, પરંતુ ટહેલવા કરતા વધારે પાયલની આંખો અકુલને શોધતી રહેતી હતી. તેણે પોતાના મનને સમજાવી લીધું કે હવે અકુલ નહીં આવે…

એક દિવસે પાયલનો મૂડ ખરાબ દેખાઈ રહ્યો હતો. અકુલે પૂછ્યું, ‘‘શું થયું પાયલ?’’
પાયલે રડમશ ચહેરો બનાવતા કહ્યું, ‘‘છેલ્લા ૨ મહિનાથી હું કેટલી મહેનત કરી રહી છું. તેમ છતાં મારી સ્કિન તથા વેઈટ પર કોઈ અસર નથી થઈ રહી.’’
‘‘બરાબર લાગી રહ્યા છો તમે, એક ૪૦ વર્ષના મહિલા દેખાવ છો?’’
પાયલે અકુલ સામે જેાઈને ઉદાસ થતા કહ્યું, ‘‘શું હું ખરેખર ૪૦ વર્ષની દેખાઉં છું?’’
અકુલે આશ્ચર્યથી પૂછ્યું, ‘‘તમે કેટલા વર્ષના દેખાવા ઈચ્છો છો?’’
પાયલ બોલી, ‘‘પરંતુ તમે મને હંમેશાં યંગ લેડી અને બ્યૂટિફુલ જેવું કોણ જાણે શું શું બોલો છો. શું બધા છોકરા આવા જ હોય છે, પહેલા જયંત પણ તમારી જેમ મારા ખૂબ વખાણ કરતા હતા અને હવે તેમને કોઈ ફરક નથી પડતો.’’
અકુલે હસીને કહ્યું, ‘‘તમને મારા અથવા જયંતના વખાણની શું જરૂર છે? જેા હું કહું કે તમે ૫૦ વર્ષના દેખાઓ છો તો શું તમે માની લેશો અને જેા હું તમને એમ કહું કે તમે ૨૦ વર્ષના દેખાઓ છો તો પણ શું તમે માની લેશો?’’ શું તમારી કોઈ અલગ ઓળખ નથી કે પછી તમારું અસ્તિત્વ માત્ર બાહ્ય સુંદરતા પર ટકેલું છે?’’
પાયલે કડવા સ્વરમાં કહ્યું, ‘‘આ જ્ઞાનની વાત રહેવા દો હવે, જ્યારે દુનિયાભરની ખામીઓ તમારામાં હોય ને તો તમને મારી વાત સમજાશે.’’

અકુલે કહ્યું, ‘‘તમે ખોટા છો પાયલ, તમે કેવા દેખાવ છો, તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે અંદરથી શું અનુભવો છો… આ વાતની રૂક્ષતા, થોડું વજનનું વધવું કે પછી ચહેરા પર પિગમેન્ટેશન એક ઉંમર પછી દેખાતી સામાન્ય વાત છે… આ બધી વસ્તુને તમારી ઓળખ ન બનાવો. સૌપ્રથમ તમારી જાતને પ્રેમ કરતા શીખો. તમારી અંદરની મહિલાને વહાલ કરો, તમે તેને ખૂબ નફરત કરી છે… મારા અથવા જયંતના વખાણની તમારે કોઈ જરૂર નથી. તમને જરૂર છે સ્વપ્રશંસાની… જેા કોઈ ઊણપ કે ખામી હોય તો તે દિલથી સ્વીકારો અને તેને સુધારવાનું કામ કરો અને જેા કંઈ કરી શકો તેમ ન હોય તો જિંદગીમાં ખુશીખુશી આગળ વધતા રહો… તમે જેવા છો તેવા જ સારા છો, તમને તમારા પતિ અથવા મારા વખાણના ટોનિકની કોઈ જરૂર નથી.’’
‘‘ક્યારેક સ્વપ્રશંસા પણ કરો. વિશ્વાસ રાખો તમને કોઈ પણ ટોનિકની આજીવન જરૂર નહીં પડે. સ્વયંને દિલથી પ્રેમ કરો, કોઈ ભૂલ થઈ જાય તો પોતાની જાતને માફ કરો. આમ કરશો તો જિંદગી ખૂબ આનંદમય અને ખુશીથી ભરેલી રહેશે… જિંદગીને ખૂલીને જીવવા માટે પોતાનાથી ઉત્તમ સાથી બીજું કોઈ નથી હોતું, કારણ કે એકમાત્ર તમે જ છો જે બાળપણથી લઈને વૃદ્ધત્વ સુધી તમારી સાથે રહો છો. બાકીના લોકો તમારા જીવનની રેલગાડીમાં આવશે અને જશે, કેટલાક તમારા વખાણ કરશે તો કેટલાક ટીકા. ક્યાં સુધી તમે તમારી જિંદગીનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં મૂકતા રહેશો… તો પછી ચાલો, આજથી એક નવી શરૂઆત કરો અને પોતાની સાથે પોતાનો જ એક નવો પરિચય કરાવો.’’
અકુલની આ વાત સાંભળીને પાયલે હસીને કહ્યું, ‘‘ઠીક છે મારા જ્ઞાની બાબા… હવેથી આ પાયલને બીજા કોઈના વખાણના ટોનિકની જરૂર નહીં પડે, પરંતુ તમારી મિત્રતાની જરૂર ચોક્કસ રહેવાની છે.’’
અકુલ અદાથી માથું ઝુકાવતા બોલ્યો, ‘‘ઓલવેઝ એટ યોર સર્વિસ.’’

વધુ વાંચવા કિલક કરો....