વાર્તા – પૂનમ અહમદ
સવાર ની ચા પીતા મેં ફેસબુકની અપડેટ્સ જેાવા માટે ફોન ઓન કર્યો તો સૌથી પહેલી સુમિની પોસ્ટ જેાઈ. તેણે માત્ર એટલું જ લખ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે. મને ઘણું વિચિત્ર લાગ્યું કે એવું લખીને જાત કોણ બતાવે. મનમાં કેટલાય સવાલ ઊભા થયા જેમ કે શું આ કોઈની લાઈફમાં વધતી એકલતા ન કહેવાય કે તે હવે આખી દુનિયાના લોકો સમક્ષ પોતાનું સુખદુખ વહેંચવા મજબૂર છે? માણસની આજુબાજુ તેના મનની વાત સાંભળનારા લોકો ઓછા થઈ રહ્યા છે, જે પણ લોકો આસપાસ છે, તે બધા પોતપોતાના ફોનમાં દૂરની દુનિયાના લોકો સાથે જેાડાઈ રહેવામાં પોતાની ખુશી શોધે છે. નજર સામે બેઠી વ્યક્તિને ઈગ્નોર કરી, તેની વાતને નજરઅંદાજ કરે છે.
સુમિને મળ્યે મને પણ ઘણો સમય થયો હતો, કોરોના સમયે લોકોને જેા એકબીજાથી દૂર કર્યા, લોકોને એકલા રહેવાની આદત થઈ ગઈ છે. આ ગાળામાં લોકોએ પોતાનો નવરાશનો સમય સોશિયલ મીડિયા પર વિતાવ્યો, પણ હવે લાઈફ નોર્મલ થવા છતાં આપણે તે જ સોશિયલ મીડિયા પર અટકી રહ્યા છીએ. સુમિને મળવું સરળ નથી લાગતું. તે મુંબઈના એક ખૂણામાં રહે છે, હું બીજા ખૂણામાં, પણ આજે મેં તેને સરપ્રાઈઝ આપવાનું નક્કી કરી લીધું હતું. મેં તેને તરત ફોન કર્યો, બર્થ-ડે સોંગ ગાઈને વિશ કર્યું. તે હસવા લાગી.
મેં કહ્યું, ‘‘જેા આજે ફેમિલી સાથે બિઝી છે તો કોઈ વાંધો નહીં, પણ જેા ફ્રી છે તો ચાલ બીચ પર કોઈ જગ્યાએ લંચ કરીએ.’’
સુમિએ કહ્યું, ‘‘ફેમિલી સાથે તો ડિનર થશે, દિવસે ફ્રી છું, પેલેડિયમ મળીએ.’’
પેલેડિયમ મોલ તેના અને મારા ઘરના રસ્તામાં આવે છે. અમે પહેલાં પણ ત્યાં જ મળતા હતા. બંનેનો રસ્તો લાંબો નથી લાગતો. આજે મને વારંવાર સુમિનું ધ્યાન આવી રહ્યું હતું. એવો કોઈ દિવસ નથી જતો જ્યારે તે ૩-૪ પોસ્ટ શેર ન કરે. ક્યારેક કંઈ ખાધું તો તેની પોસ્ટ, ક્યારેક પોતાની, ક્યારેક બીજાની. હું જેટલા પણ લોકોને ઓળખું છું, સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ સુમિ છે. એક દીકરો મલય છે, જે જેાબ કરે છે, તેના પતિ સંજયને અનેક વાર મળી છું. જ્યારે પણ મળે, સજ્જન, સભ્ય લાગે.
‘પંજાબ ગ્રિલ’ ની બહાર એક મોડર્ન સ્ટાઈલિશ વન પીસ ડ્રેસ પહેરેલી સુમિ ખૂબ સુંદર રીતે તૈયાર થઈ હતી. મેં તેને હગ કરીને વિશ કરીને ગિફ્ટ આપતા કહ્યું, ‘‘બ્યૂટિફુલ લાગે છે. લાગે છે આજે તારો જન્મદિવસ છે.’’
તે ખુશ હતી. અમે એક ખૂણામાં બેસી ગયા. ઓર્ડર આપતા રહ્યા. ખાતા રહ્યા. મેં તેને ફરી તે જ સવાલ પૂછ્યો, જે આજકાલ મને પરેશાન કરે છે, ‘‘સુમિ, તું સોશિયલ મીડિયા પર કેમ અચાનક વધારે એક્ટિવ રહે છે, પણ સારું થયું, આજે તેં ફેસબુક પર તારો બર્થ-ડે લખીને જણાવી દીધું, નહીં તો હું તો ભૂલી જ ગઈ હતી. આમ પણ તું સોશિયલ મીડિયા પર બધી વાત જણાવી દે છે.’’
‘‘હા, દીયા ખબર છે, હવે યાદ પણ કોણ રાખે છે, એટલે લખ્યું અને જેા ને, ફાયદો જ થયો. આજે કેટલા સમય પછી આપણે બંને ફ્રેન્ડ્સ બેસીને વાત કરી રહ્યા છીએ. તને યાદ નહોતું. જેા હું પોસ્ટ ન કરતી તો શું હું આજે આ ખાસ દિવસે ફ્રેન્ડને મળી શકતી.’’
સુમિની વાતમાં દમ હતો. તે મારી ૧૦ વર્ષ જૂની ફ્રેન્ડ છે. અમે પહેલાં એક જ સોસાયટીમાં વર્ષો સાથે રહ્યા છીએ પછી તે બીજે શિફ્ટ થઈ ગઈ તો મળવાનું ઓછું થઈ ગયું અને હવે ફોન પર ક્યારેક-ક્યારેક જ વાત થતી. હું ચુપ રહી.
તે ઊંડા શ્વાસ લેતા બોલી, ‘‘યાર, લાઈફ જેવી છે તેવી ક્યારેય નહોતી વિચારી.’’
‘‘શું થયું?’’
‘‘તને નથી લાગતું કે બધા ખબર નહીં કેમ પોતાનામાં જીવી રહ્યા છે. કોઈ કોઈને મળતું નથી, વાત નથી કરતું, વાત નથી સાંભળતું.’’
‘‘હા સુમિ, આજકાલ બધા બિઝી છે.’’
‘‘પણ શેમાં? નોકરીધંધો તો પહેલાં પણ કરતા હતા. હવે ક્યાં આટલા બિઝી થઈ ગયા?’’ કહેતાંકહેતાં તેનો અવાજ રુંધાઈ ગયો.
હું ચોંકી ગઈ હતી. તેથી મેં પૂછ્યું, ‘‘સુમિ, શું થયું? બધું ઠીક તો છે?’’
‘‘દીયા, મારી ડિપ્રેશન, એંક્ઝાઈટીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.’’
‘‘શું?’’ હું ખાતાંખાતાં અટકીને તેનો ચહેરો જેાવા લાગી કે આ એટલી હસમુખ છે. તેને ડિપ્રેશન કેવી રીતે થઈ શકે છે. મને ખૂબ દુખ થયું. પૂછ્યું, ‘‘સુમિ, શું થયું?’’
‘‘ખબર નહીં દીયા, અચાનક તબિયત ખરાબ રહેવા લાગી, ખબર નહીં કેમ એકલતા અનુભવું છું. સંજય અને મલય પોતાની દુનિયામાં મસ્ત. જ્યારે નાના શહેરથી મુંબઈ આવી હતી, આંખોમાં એક અલગ જ સપના હતા. હવે તો બધા તૂટી ગયા. ક્યારેક વિચારું છું કે જેા વર્કિંગ હોત તો કદાચ મારી લાઈફમાં કેટલાક લોકો હોત, એક સોશિયલ સર્કલ હોત, કંઈક તો હોત…’’
‘‘ના, સુમિ એવું નથી. તે સમયે અન્ય વાતનું સ્ટ્રેસ હોત. અન્ય જવાબદારી હોત.’’
‘‘પણ આ એકલતા તો ન હોત ને?’’
‘‘આટલા લોકો એકલતાનો શિકાર છે, બધા ઘરમાં નથી બેઠા, વર્કિંગ પણ છે. આ માત્ર તારી જ સમસ્યા નથી.’’
‘‘થાકીને સોશિયલ મીડિયા પણ ક્યારેક કોઈ પોસ્ટ તો ક્યારેક કોઈ પોસ્ટ શેર કરું છું. લોકો ત્યાં તરત જેાડાઈ જાય છે. થોડું હસીમજાક ચાલે છે તો સારું લાગે છે. કમ સે કમ એક સ્માઈલ તો આવે છે ફની પોસ્ટ પર નહીં તો ક્યારેક-ક્યારેક લાગે છે કે હસ્યે કેટલો સમય વીતી ગયો. તું બોલ, વિરાજ અને વંશા કેમ છે?’’
‘‘વિરાજની તો ત્યાં જ ઓફિસ, ટૂરનું રૂટિન. વંશા આજકાલ અઠવાડિયામાં ૩ દિવસ વર્ક ફ્રોમ હોમ કરે છે, પૂરો દિવસ પોતાના રૂમમાં. તેને પણ કામનું ખૂબ સ્ટ્રેસ રહે છે. ક્યારેક-ક્યારેક તો માત્ર વોશરૂમ અને ખાવા માટે પોતાના રૂમની બહાર નીકળે છે. વીકેન્ડ આરામ કરે છે અથવા પોતાના મિત્રો સાથે બહાર જાય છે.’’
‘‘તને કંટાળો નથી આવતો? ફ્રી સમયમાં શું કરે છે?’’
‘‘બસ તારી જેમ જ બોર થવા લાગી હતી તો કેટલાક ક્લાસિસ જેાઈન કરી લીધા અને ઘરે નાના બાળકોના ડાન્સ ક્લાસિસ લેવા લાગી છું. શું કરું યાર ક્યાંક તો મન લાગવું જેાઈએ ને.’’
‘‘અરે વાહ, કથક શિખવાડે છે? તું ડાન્સમાં તો એક્સપર્ટ છે? પણ તું શેના ક્લાસ કરી રહી છે?’’
‘‘ગિટાર વગાડતા શીખી રહી છું. કેટલાય દિવસથી મન હતું કે ગિટાર શીખું. ત્યાં એક સારું ગ્રૂપ પણ બની ગયું છે. હવે આ જમાનો આપણી મમ્મી, નાનીનો નથી કે હંમેશાં આજુબાજુમાં કોઈ ગપસપ કરવા હાજર હોય. હવે તો એકલતાથી છુટકારો મેળવવા માટે રસ્તા શોધવાના છે. કેટલીય વાર વિચારું છું કે મમ્મીને આજે પણ સોશિયલ મીડિયાની જરૂર નથી. કેટલીય વાર તેને કહું છું કે આવ મમ્મી, તમને ફોન પર જ શિખવાડી દઉં છું તો કહે છે કે નથી શીખવું, નહીં તો જ્યારે આવીશ, હું પણ તેમાં જ બિઝી મળીશ. તારી વાત જેા અત્યારે બેસીને સાંભળું છું. પછી કોને સંભળાવીશ?’’
સુમિ આ વાત સાંભળીને ખૂબ હસી. મેં ફરી કહ્યું, ‘‘યાર એક વાત તો છે કે જ્યારે પણ તું કોઈ પોસ્ટ શેર કરે છે, કેટલીય કોમેન્ટ આવે છે. હું બધી વાંચુ છું અને હસું પણ છું. તે દિવસે તો તારા ડ્રેસ પર કોઈએ કવિતા જ લખી દીધી હતી.’’
‘‘હા, નવો ડ્રેસ હતો, પહેરીને જ્યારે સંજયને બતાવવા ગઈ તો ફોનમાં જ બિઝી રહેતા. મેં કહ્યું કે ડ્રેસ કેવો છે તો બોલ્યા કે પહેલા પણ જેાયો છે, સારો જ છે.’’
અમે બંને આ વાત પર ખૂબ હસ્યા. તેણે કહ્યું, ‘‘અત્યારે આ વાત પર હસી રહી છું, તે દિવસે તો ગુસ્સો આવ્યો હતો, પછી પોસ્ટ શેર કરી તો લોકોના હસીમજાક પર હસવા લાગી હતી. ભલે ફેસબુકને આપણે ફેકબુક કહીએ, કેટલીક ક્ષણની એકલતા દૂર થાય છે.’’
‘‘સગાંસંબંધીને હળવામળવાનું થાય છે?’’
‘‘ના યાર, ક્યારેક કોઈ મુંબઈ ફરવા આવે છે અને ઠેકાણું જેાઈતું હોય તો ઘરે આવી જાય છે. અમને મળવા, અમારી સાથે રહેવા માટે થોડા કોઈ આવે છે, જે અમારાથી સારી સ્થિતિમાં છે, તે આવીને ઘમંડમાં રહે છે, જે અમારાથી નિમ્ન છે તે ઈર્ષામાં બળતા રહે છે. માતાપિતા, સાસુસસરાથી જ પિયર સાસરી હોય છે. તે બધા તો રહ્યા નથી. સગાંસંબંધી હવે નામના સમજેા. ગયા મહિને એક સંબંધી ઘરે આવ્યા હતા. અમારું ઘર સી ફેસિંગ છે. તને તો ખબર છે, પૂરો દિવસ બસ ફોટા જ પડાવતા રહ્યા અને પોસ્ટ કરતા રહ્યા. તેમને બેસીને વાત કરવાની નવરાશ નહોતી. બસ ફોનમાં બિઝી રહ્યા.’’
‘‘પણ આ રીતે બીમાર થઈને નહીં ચાલે, સુમિ. ડિપ્રેશનની સ્થિતિ ન આવવી જેાઈએ. મને ખૂબ દુખ થયું. ક્યારેક-ક્યારેક માટે સોશિયલ મીડિયા પર ટાઈમ પાસ કરવામાં કોઈ ખરાબી નથી, પણ બીજું કંઈક કરવા શીખવામાં મન લગાવ તો લાઈફમાં ફરિયાદ ઓછી રહેશે અને જીવન સરળ બનશે. સુમિ, હવે સમય એવો છે કે કોઈને કોઈની જરૂર નથી. દરેક વ્યક્તિ પોતાનામાં વ્યસ્ત છે, એકલતા વધી રહી છે, પણ જીવન બીમારીની ભેટ થોડી ચઢાવી દેવાનું. થોડું હેલ્થ પર ધ્યાન આપ અને કોઈ કામમાં પોતાને વ્યસ્ત કરી જે. સારું લાગશે. જમાનો અને લોકો હવે બદલાવાના નથી. આ બધું હવે આવું જ રહેશે.’’
સુમિએ મારા હાથ પર હાથ મૂકી દીધો, થોડી ભાવુક થતા બોલી, ‘‘આ રીતે જલદીજલદી મળ્યા કર?’’
‘‘કેમ નહીં, જ્યારે તારું મન હોય, કહેજે, મળીશું. હું તો હંમેશાં મિત્રો સાથે બેસીને વાત કરવા તૈયાર રહું છું.’’
અમે લંચ કરી લીધું હતું. હું બિલ આપવા લાગી તો તેણે આપવા ન દીધું, ‘‘આ મારા જન્મદિવસની પાર્ટી છે.’’
અમે ફરીથી ગળે મળીને પોતપોતાના લક્ષ તરફ જવાની કેબ પકડી લીધી. અમે બંને આજે લગભગ ૪ કલાક સાથે હતા અને હું આ વાત પર આશ્ચર્યચકિત હતી કે એક વાર વોટ્સએપના ફેમિલી ગ્રૂપ પર ‘રીચ્ડ’ નો મેસેજ નાખીને અમે બંનેએ એક વાર પણ પોતાના ફોન બાજુ આજે જેાયું સુધ્ધાં નહીં.
મેં સુમિની છેડતી કરવા માટે એક મેસેજ કર્યો, ‘‘સુમિ, આપણે ફોટા પાડવાનું ભૂલી ગયા. કોઈ ફોટો ના પાડ્યો.’’
રડવાના ઈમોજી સાથે તેણે જવાબ આપ્યો, ‘‘હું સાચે મારી લાઈફમાં કેટલીક ક્ષણ એવી ઈચ્છુ છું કે થોડી વાર ફોન અને સોશિયલ મીડિયા ભૂલી જાઉં, પણ આ ક્ષણ મળતી જ નથી.’’
મેં તેને બસ એક કિસનું ઈમોજી મોકલ્યું. થોડી વાર પછી તેનો મેસેજ આવ્યો, ‘‘સિંગિંગ ક્લાસ જેાઈન કરીશ, વિચારી લીધું છે, ગૂગલ કરી રહી છું. હવે ગીત શીખવામાં આવે.’’
હું ખુશ હતી. મેં હાર્ટનું ઈમોજી મોકલ્યું. <<<<<.





