ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે કુકિંગ કરવું છોકરીઓનું કામ છે, છોકરાઓનું નહીં, પણ કુકિંગ માત્ર એક કામ નથી, પણ કલા છે, જે કોઈ પણ શીખી શકે છે. છોકરાઓએ કેમ શીખવું જેાઈએ અને તે કેટલું કામ આવે છે, તેનો અંદાજ પણ તેમને નથી હોતો. આવો જાણીએ, આ કલા શીખીને તમે કેટલા ફાયદામાં રહો છો :
સમાનતાનો મામલો
ઘણી વાર ઘરવાળા છોકરીઓને કુકિંગ, કિચનના કામ શીખવાની સલાહ આપે છે, જ્યારે છોકરાઓ પણ આ કામ સારી રીતે કરી શકે છે. હોટલ, રેસ્ટોરન્ટમાં પણ હંમેશાં છોકરાઓ જ શેફની ભૂમિકા ભજવે છે. તેથી એ ટેગ રિમૂવ થઈ જવું જેાઈએ કે આ કોનું કામ છે. તેની સાથે જ્યારે દરેક વાતમાં સમાનતા હોય છે તો તેમાં પણ સમાનતાનો અધિકાર હોવો જેાઈએ.
પરિવર્તન સારું છે
ઘરમાં હંમેશાં મા, પત્ની અથવા બહેન જ ભોજન બનાવે છે. આ સ્થિતિમાં તેઓ પણ રોજ જમવાનું બનાવીને કંટાળી જાય છે. તમે તેમને તમારા હાથથી બનાવેલું ભોજન ખવડાવશો તો તેમને પણ ગમશે. જેા તમે સંપૂર્ણ ભોજન ન બનાવી શકો તો જમતી વખતે રોટલીપરોઠાં શેકી શકો છો. તમને તે ગરમ ખવડાવે છે તો તમારી પણ ફરજ બને છે કે તમે તેમને પણ ગરમ ભોજન કરાવો. તેથી થોડું પરિવર્તન આવે અને પછી ઘરના માહોલને મહેસૂસ કરો. તમે જાતે કંફર્ટ ફિલ કરશો.
નિર્ભરતા ઓછી થશે
છોકરાઓ ખાણીપીણીને લઈને હંમેશાં નિર્ભર રહે છે. પછી ભલે ને મા પાડોશમાં ગઈ હોય કે પત્ની પિયર. એવામાં કુકિંગ ન આવડતા મુશ્કેલી પડે છે. તેથી થોડુંઘણું શીખીને બીજા પર નિર્ભરતા ઓછી કરી શકો છો. તે ઉપરાંત ઘરે એકલા રહેતા મિત્રોને બોલાવીને પાર્ટી કરી શકો છો, જેમાં તમે તમારા હાથથી બનેલું ભોજન તેમને પીરસી શકો છો. તેનાથી તેમને શાખ અને ખુશી મળશે.
વેરાઈટી મળે છે
બધાના હાથનો સ્વાદ અને બનાવવાની રીત અલગ હોય છે. એવામાં છોકરાઓને ભોજન બનાવતા આવડશે તો ઘરવાળાનો પણ નવા સ્વાદથી પરિચય થશે. તેની સાથે ભોજનમાં વેરાઈટી પણ મળશે. તે ઉપરાંત ઘરમાં મહેમાન આવવાના હોય તો પતિ પોતાની પત્ની અથવા માની કુકિંગ કરવામાં મદદ કરી શકે છે. તેનાથી તેમનું કામ પણ ઓછું થશે અને ભોજન પણ સરળતાથી બની જશે.
સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે
છોકરીઓને હંમેશાં એવા છોકરા પસંદ હોય છે જે તેમનું ધ્યાન રાખે. તેથી લગ્ન પછી તમે એક દિવસ કિચનની જવાબદારી લઈ શકો છો અને પત્નીને આ જવાબદારીથી મુક્ત કરી શકો છો. તેનાથી તેમને પણ અલગ અનુભવ થશે અને પરસ્પર તાલમેલ અને પ્રેમ વધશે. તેની સાથે બંને મળીને ભોજન બનાવી શકે છે અને સાથે સમય પણ વિતાવી શકશે તથા કામ પણ બોજ નહીં લાગે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
આજકાલ નોકરી અથવા અભ્યાસ કરવા માટે બહાર બીજા શહેરમાં જવું પડે છે. એવામાં હોસ્ટેલ અને મેસનું ભોજન કરવું મજબૂરી બની જાય છે અને રોજ બહારનું ખાવાનું મોંઘું પડે છે. કુકિંગ આવડતું હશે તો તમે જાતે ભોજનની વ્યવસ્થા કરી શકો છો. તેનાથી ઘરનું બનેલું હેલ્ધિ ભોજન ખાઈ શકશો અને સ્વસ્થ પણ રહેશો.
શરૂઆત કેવી રીતે કરશો
હવે વાત આવે છે કે છોકરાઓ કુકિંગની શરૂઆત કેવી રીતે કરે? તેની સરળ રીત છે. શરૂઆતમાં ઈસ્ટેંટ ફૂડ બનાવો જેમ કે વેજ સેન્ડવિચ, મેગી વગેરે. પછી ધીરેધીરે પૌંઆ, પુલાવ, નૂડલ્સ વગેરે બનાવો. પછી સરળ શાક બનાવતા શીખો. પછી લોટ બાંધતા, રોટલી બનાવતા પણ શીખી લો. એક વાર શરૂઆત કરશો તો પછી મન પણ લાગશે અને મજા પણ આવશે.
– કર્ણિકા મિશ્રા.





