ગ્રિલ્ડ પનીર વિથ મેંગો

સામગ્રી સેલડની :
૨૫૦ ગ્રામ ગ્રિલ્ડ ટોફુ ટુકડામાં
૧ નાની કેરી ટુકડામાં
૨ મોટી ચમચી દાડમના દાણા
૧ ડુંગળી સમારેલી
થોડું બ્લેક ઓલિવ
૧૦૦ ગ્રામ લેટ્યૂસ લીવ્સ.

સામગ્રી ડ્રેસિંગની :
૧ મધ્યમ આકારની કેરીનો ગર
૧/૨ કપ પાણી
૧/૪ કપ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ
૨ મોટી ચમચી મધ
૩-૪ ચમચી એપ્પલ વિનેગર
૧/૪ નાની ચમચી ચિલી ફ્લેક્સ
૧/૨ નાની ચમચી કાળાં મરી પાઉડર
મીઠું સ્વાદ મુજબ.

રીત ડ્રેસિંગની :
તમામ સામગ્રીને એકસાથે બ્લેન્ડ કરી લો. એક પ્લેટમાં લેટ્યૂસ લીવ્સ, કેરી, ડુંગળી, બ્લેક ઓલિવ, દાડમના દાણા અને ટોફુ મૂકો. ડ્રેસિંગથી સજાવીને સર્વ કરો.

વધતો શાકાહાર પ્રત્યે પ્રેમ

કેટલાક મહિના પહેલાં મારા મિત્રે કહ્યું કે તેનો દીકરો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગે છે, પણ તેને મંજૂર નથી, કારણ કે તે તેના દીકરાને મીટ અને ઈંડાં સાથે કામ કરવા દેવા નહોતો માંગતો. મને તે સમયે ચંદ્રશેખર ભૂનિયાનો કિસ્સો યાદ આવ્યો. તે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમને લાગ્યું કે શાકાહારી માટે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવો અશક્ય છે, કારણ કે તેમણે પશુને કાપતા અને પકાવતા શીખવું પડે છે. તેમણે મંત્રીઓ, ઓફિસર અને પોતાના સમાજના લોકોને પત્ર લખવાના શરૂ કર્યા કે આ જરૂરિયાત ખોટી છે. તેમણે દિલ્લી આવીને તેની દલીલ કરી. તેમનું કહેવું હતું કે કેટલાક વર્ગ માત્ર શાકાહારી ભોજન જ ખાય છે અને તે વર્ગના વિદ્યાર્થીઓ હોટલ મેનેજમેન્ટના કોર્સમાં મીટ પકાવતા શીખીને શું કરશે, જ્યારે તે આજીવન શાકાહારી ભોજન જ બનાવશે. આ તેમની માર્કેટ ડિમાન્ડ, પરિવારની ઈચ્છા, કૌટુંબિક મૂલ્યની વિરુદ્ધ છે. મેં જાતે સ્કૂલમાં બાયોલોજી સબ્જેક્ટ નહોતો લીધો, કારણ કે તેમાં પશુઓની ચીરફાડ કરવી પડતી હતી.

એક તબક્કામાં ચાલવું : હોટલ મેનેજમેન્ટ કોર્સમાં ૪૦ થી વધારે વિષય હોય છે, જેમાં કાયદો, ફ્રંટ ઓફિસની દેખરેખ, ટિકટિંગ, રહેવાની સુવિધા, રૂમનું બુકિંગ, માંસાહારી ભોજન બનાવવું વગેરે શીખવું અનિવાર્ય બનાવીને અન્ય ક્ષેત્રની માહિતીથી અજાણ રાખવા યોગ્ય નથી. તેને પ્રાથમિકતા આપવાના ચક્કરમાં શાકાહારી પાકકલાને વિશ્વમાં ફેલાતા અટકાવે છે. જેાકે હોટલ મેનેજમેન્ટ કોર્સમાં જાણીતી તમામ સંસ્થા માંસાહારી જ છે, તેથી તેમને શાકાહારીના નિયમ અને સંવેદનશીલતાનું ધ્યાન નથી રહેતું. તે શાકાહારી ભોજનમાં માંસાહારી વસ્તુ ખાસ તો ઈંડાંનો ઉપયોગ કરતા નથી ખચકાતા. શાકાહારી આંદોલન હવે દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હવે હજારો હોટલ માત્ર શાકાહારીની ખૂલી છે. કેટલીક રેસ્ટોરન્ટ, એરલાઈન્સ અને પર્યટન શિપ માત્ર શાકાહારી ભોજન પીરસે છે. શાકાહારી કુકિંગ શીખીને લોકો સરળતાથી આ ક્ષેત્રમાં નોકરી મેળવી શકે છે. આપણા દેશના અનેક ઉત્સવ, લગ્ન પ્રસંગમાં માત્ર શાકાહારી ભોજન હોય છે. અહીં સારા ટ્રેન્ડ થયેલા શેફની ખૂબ જરૂરિયાત છે.

કોર્સમાં શરત ન હોય : જેા માત્ર શાકાહારીઓને શરત વિના હોટલ મેનેજમેન્ટ કોર્સમાં લેવામાં આવે તો તેમને સારું ટેલેન્ટ પણ મળશે, કારણ કે ૧૨ મા ધોરણમાં સારા માર્ક્સ મેળવનાર અનેક વિદ્યાર્થીઓ આ ક્ષેત્ર વિશે વિચારતા પણ નથી. આ કોર્સ માત્ર શાકાહારીઓ માટે સ્થાન લાવે તો ગૃહિણીઓ પણ આ કોર્સ કરવાનું પસંદ કરશે. ઢાબા અને નાની રેસ્ટોરન્ટમાં જે માત્ર શાકાહારી ભોજન પીરસે છે, ઘણી વાર ક્વોલિટી સારી નથી હોતી, કારણ કે અહીં શિક્ષણની કમી રહે છે. મને સારા, સસ્તા, સ્વચ્છ, રસ્તા કિનારે બનતા શાકાહારી ભોજનની જગ્યાનો અભાવ સ્પષ્ટ દેખાય છે, કારણ કે મારે ટ્રાવેલિંગ ઘણું રહે છે. ચંદ્રશેખરના પ્રયાસનું પરિણામ એ આવ્યું કે અમદાવાદ, ભોપાલ અને જયપુરની કેટલીક હોટલ મેનેજમેન્ટ સંસ્થાએ અલગ શાકાહારી કિચન બનાવવાનો નિર્ણય લીધો છે. જે શાકાહારીઓ માટે સારા સમાચાર છે.

– મેનકા સંજય ગાંધી

સૂરણની ખીચડી

સામગ્રી :
૫૦૦ ગ્રામ સૂરણ
૨ ચમચી તેલ
૧ ચમચી જીરું
૧ ચમચી તલ
૧ ચમચી તજ-લવિંગનો ભૂકો
૧૦૦ગ્રામ સીંગદાણા
૧ લીંબુ
૨ ચમચી ખાંડ
૪ ચમચી કોપરાની છીણ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
સૂરણની છાલ કાઢીને છીણી નાખો. તેમાં મીઠું અને પાણી નાખી રહેવા દો. થોડી વાર પછી ૩ થી ૪ વાર ધોઈ નાખો. ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી, તેમાં જીરું, તલ અને તજ-લવિંગનો ભૂકો નાખો અને સૂરણની છીણ વઘારો. સીંગને અધકચરી ખાંડીને નાખો અને ધીમા ગેસ પર ચડાવો. મીઠું નાખો. ચડી જાય એટલે લીંબુ અને ખાંડ નાખો. ખીચડી થઈ જાય એટલે એક વાસણમાં કાઢી, તેની પર કોપરાની છીણ ભભરાવો.

સક્કરપારા

સામગ્રી :
૧ કપ મેંદો
૨ ચમચી માખણ
૧/૨ કપ બૂરું ખાંડ
૩/૪ કપ ખમણેલું લીલું કોપરું
૧ ચમચી ઈલાયચીનો ભૂકો
૩ થી ૪ ચમચી દૂધ
ઘી જરૂર મુજબ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મેંદામાં માખણ, મીઠું, ખાંડ, કોપરું અને ઈલાયચીનો ભૂકો નાખો. દૂધથી લોટ બાંધો. લોટ ઢીલો રાખો. લોટનો રોટલો વણી, કાપા કરી ગરમ ઘીમાં તળો.

ઘઉંની ચકરી

સામગ્રી :
૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ
૧ ચમચી તલ
૧/૪ કપ દહીં
તેલ જરૂર મુજબ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ઘઉંના લોટની પોટલી બાંધી, પ્રેસર કૂકરમાં મૂકો, લોટને વરાળથી બાફો. ત્યાર પછી લોટની પોટલી છોડી, લોટ છૂટો કરી, તેમાં આદું, મરચાં, મીઠું, તલ, દહીં અને થોડું તેલ નાખી તેલ બાંધો. સેવના સંચાથી ચકરીની ડાળીથી પ્લેટમાં ગોળ ચકરી પાડી, ગરમ તેલમાં તળો.

કટલેટ

સામગ્રી :
૫૦ ગ્રામ ફણસી
૫૦ ગ્રામ ગાજર
૨૫૦ ગ્રામ બટાકા
૧૦૦ ગ્રામ લીલા વટાણા
૫૦ ગ્રામ ચોળી
તેલ જરૂર મુજબ
૧/૨ ચમચી રાઈ
૧ ચમચી તલ
૧ ચમચી આદું-મરચાની પેસ્ટ
૧/૪ કપ કોથમીર
૧/૨ નંગ લીંબુ
૧ ચમચી ખાંડ
૨ ચમચી આરાલોટ
ટોસ્ટનો ભૂકો
૨ બ્રેડની સ્લાઈસ
૧ ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ફણસી, ગાજર, ચોળી ઝીણા સમારો. તેમને બટાકા, વટાણા સાથે વરાળથી બાફવા. બટાકાને છોલીને છીણી નાખો. ગેસ પર એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી, તેમાં રાઈ નાખો. તલ, આદું, મરચાં, કોથમીર નાખી હલાવો. લીંબુનો રસ કાઢીને નાખો. ખાંડ નાખો. આરાલોટ નાખીને હલાવો, જેથી બરાબર મિક્સ થાય. તેમાં ૧ ચમચી ટોસ્ટનો ભૂકો નાખો. આરાલોટ અને કોથમીર બરાબર ચડી જાય ત્યારે શાકમાં ગરમ મસાલો, જરૂરી ટોસ્ટનો ભૂકો, બ્રેડનો ભૂકો ને મીઠું નાખી, બધા મસાલા સાથે મિક્સ કરી ગેસ બંધ કરો. બીબાથી કટલેટ પાડો. ટોસ્ટના ભૂકામાં રગદોળી, ગેસની આંચ વધારી, ગરમ તેલમાં કટલેટ તળવી.

લીલવાની કચોરી

સામગ્રી :
૨૫૦ ગ્રામ લીલવા
નાનો ટુકડો આદું
૮ થી ૧૦ લીલાં મરચાં
તેલ જરૂર મુજબ
૧/૨ ચમચી રાઈ
૧ ચમચી તલ
ચપટી સાજીના ફૂલ
૧ બટાકું
૫૦ ગ્રામ પૌંઆ
૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ચમચી લીંબુના ફૂલ
૨ ચમચી ખાંડ
૧ ચમચી ગરમ મસાલો
કાજુ, દ્રાક્ષ
૩૦૦ ગ્રામ ઘઉંનો લોટ
૩ ચમચી રવો
૧ ચમચી બૂરું ખાંડ
૧/૨ ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
લીલવાને ધોઈને અધકચરા ક્રશ કરો. લીલાં આદું, મરચાં પણ ક્રશ કરો. પછી એક વાસણમાં તેલ લઈ રાઈ, તલ, લીલાં મરચાં અને આદું નાખી, લીલવા વઘારવા. તેમાં મીઠું નાખો. સાજીના ફૂલ પાણીમાં ઓગાળીને નાખો. લીલવા ઓછા હોય તો બટાકા બાફીને, છીણીને નખાય. પૌંઆ ધોઈને નખાય. લીલવા ચડી જાય એટલે બધો મસાલો નાખો. ઘઉંના લોટમાં રવો, બૂરું ખાંડ, ૨ ચમચી તેલ અને લીંબુનો રસ નાખીને લોટ બાંધો. પૂરી વણી, મસાલો ભરી, કચોરી વાળી, ગરમ તેલમાં તળો. તૈયાર છે ગરમા ગરમ કચોરી.

ફણગાવેલી મગ દાળના ઢોકળા

સામગ્રી :
૧ કપ ફણગાવેલી મગ દાળ
૫૦ ગ્રામ પાલકના પાંદડાં
૧ ઈંચ ટુકડો આદું
૩ લીલાં મરચાં
૧/૪ કપ જાડું વેસણ
૧ મોટી ચમચી તેલ
૧ પાઉચ ઈનો ફ્રૂટ સોલ્ટ
મીઠું સ્વાદ મુજબ.

સામગ્રી વઘારની :
૧ મોટી ચમચી રિફાઈન્ડ ઓઈલ
૧ નાની ચમચી રાઈ
૧ નાની ચમચી જીરું
૮-૧૦ લીમડાના પાંદડાં
૨ લીલાં મરચાં લંબાઈમાં સમારેલા
ચપટી હિંગ પાઉડર
૨ મોટી ચમચી કાચું નાળિયેર છીણેલું.

રીત :
ફણગાવેલી મગની દાળ, પાલકના પાંદડાં, આદું અને લીલાં મરચાંને મિક્સરમાં ક્રશ કરો. તેમાં વેસણ નાખો અને વ્યવસ્થિત મિક્સ કરો. હવે સ્વાદાનુસાર મીઠું નાખો. એક પ્લેટમાં તેલ લગાવો. જેા મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો થોડું પાણી નાખો. તેલને હળવું ગરમ કરો. તેમાં ઈનો નાખો અને તેને મિશ્રણમાં મિક્સ કરો. હળવા હાથથી મિશ્રણ ફેરવો. ઓઈલી પ્લેટમાં મિશ્રણ રેડો અને વરાળમાં ૧૦-૧૨ મિનિટ પકાવો. ઠંડું કરીને મનોચ્છિત આકારમાં કાપો. એક કડછીમાં તેલ ગરમ કરી રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. લીમડો અને લીલાં મરચાં પણ નાખો. આ વઘારને ઢોકળા પર રેડો. ઉપરથી નાળિયેર ભભરાવીને સર્વ કરો.

યોગર્ટ ડ્રીમ

સામગ્રી :
૧ કપ દહીં
૨ મોટી ચમચી મધ
૧ કપ મીઠા ભાત બનેલા
૨૦-૨૫ ગ્રામ કિસમિસ
૪ નાની ચમચી નાળિયેર પાઉડર
૨ મોટી ચમચી ક્રીમ.

રીત :
ચોખાને ૧ કલાક માટે પાણીમાં પલાળો. કડાઈમાં ૨ કપ પાણી અને ૨ ચમચી મધ નાખીને ઉકાળી લો. ઠંડું થવા દો. એક બાઉલમાં દહીં, ચોખા, કિસમિસ, ૨ ચમચી નાળિયેર પાઉડર અને ક્રીમ મિક્સ કરો. બચેલા નાળિયેર પાઉડરથી સજાવીને ઠંડીઠંડી સર્વ કરો.

ક્રંચી વેજિસ

સામગ્રી :
૩ કપ બટાકા બાફેલા
૨ કપ ઓટ્સ
૩ ચમચી કોર્નફ્લોર
૨ કપ દહીં
૧/૨ કપ લીલી ચટણી
લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ
તેલ શેલો ફ્રાય માટે
૬ કળી લસણ પેસ્ટ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
૧ કપ ઓટ્સને ૧ કપ દહીંમાં અડધો કલાક માટે પલાળી દો. પછી પાણી અલગ કરીને બાફેલા બટાકામાં મિક્સ કરો. તેમાં લસણ પેસ્ટ, મીઠું, મરચું, કોર્નફ્લોરને બરાબર મિક્સ કરો. ૧ કપ ઓટ્સ એક પ્લેટમાં લો. મિશ્રણને ગોળગોળ નાનીનાની ટિક્કી બનાવી લો. બટાકાના મિશ્રણને ઓટ્સમાં લપેટો. ફ્રાઈંગપેનમાં ૨ ચમચી તેલ નાખીને ગરમ કરો. ટિક્કી બંને તરફથી સોનેરી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો. દહીં અને ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો