મને તારી ઈર્ષા થાય છે

વાર્તા – પૂનમ અહમદ.

વિપિન અને હું ડાઈનિંગટેબલ પર નાસ્તો કરી રહ્યા હતા.
અચાનક મારા મોબાઈલની રિંગ વાગી. કામવાળી લતાનો ફોન હતો.
‘‘મેડમ, આજે હું નહીં આવું. થોડું કામ છે.’’
મેં કહ્યું, ‘‘સારું.’’
પણ મારો મૂડ ખરાબ થઈ ગયો.
વિપિને અંદાજ લગાવી લીધો.
‘‘શું થયું આજે રજા પર છે?’’
મેં કહ્યું, ‘‘હા.’’
‘‘કોઈ વાત નહીં નીરા, ટેક ઈટ ઈઝી.’’ મેં ઊંડા શ્વાસ લઈને કહ્યું,
‘‘ખૂબ મુશ્કેલી થાય છે… દર અઠવાડિયે ૧-૨ રજા હોય જ છે.
૮ વર્ષ જૂની મેડ છે… કંઈ બોલવાની ઈચ્છા નથી થતી.’’
‘‘હા, ઠીક છે ને તો પરેશાન ન થા. તું કંઈ ના કરીશ.’’
‘‘સારું, કામ કેવી રીતે થશે? સફાઈ વિના, વાસણ ધોયા વિના કામ ચાલશે શું?’’ ‘‘કેમ નહીં ચાલે? તું ખરેખર કંઈ ના કરીશ, નહીં તો બેકપેન વધી જશે…
કંઈ કરવાની જરૂર નથી… લતા કાલે આવશે ત્યારે બધું સાફ કરી દેશે.’’
‘‘તું કેવો છે? કેટલું સરળ છે શું કાલ માટે કામ રહેવા દઉં?’’

‘‘અરે, બહુ સરળ છે. જેા જમવાનું બનાવી દીધું છે. શૈલી કોલેજ ગઈ છે, હું પણ ઓફિસ જઈ રહ્યો છું. શૈલી અને હું હવે સાંજે જ આવીશું. તું એકલી જ પૂરો દિવસ. ઘર સાફ જ છે. કોઈ નાનું બાળક તો છે નથી ઘરમાં કે ઘર ગંદું કરે. વાસણની જરૂર છે તો બીજા કાઢી લે. બસ આરામ કર, ખુશ રહે, આ તો ખૂબ નાની વાત છે. તે માટે શું વહેલી સવારે મૂડ ખરાબ કરવાનો.’’

હું વિપિનનો શાંત, સૌમ્ય ચહેરો જેાતી રહી ગઈ.
૨૫ વર્ષનો સાથ છે અમારો. આજે પણ મને તેમની પર, તેમની માનસિકતા પર પહેલાંની જેમ જ પ્રેમ આવી જાય છે.
હું તેમને જે રીતે જેાઈ રહી હતી, એ જેાઈને તે હસવા લાગ્યા.
બોલ્યા, ‘‘શું વિચારવા લાગી?’’
મારા મોઢામાંથી કોણ જાણે કેમ નીકળ્યું, ‘‘તું જાણે છે, મને ઈર્ષા થાય છે તારી?’’
વિપિન હસવા લાગ્યો, ‘‘સાચું? પણ કેમ?’’ હું પણ હસવા લાગી.
તે બોલ્યો, ‘‘જણાવ તો?’’ મેં ના માં માથું હલાવી દીધું.
તેણે ઘડિયાળ તરફ જેાઈને કહ્યું, ‘‘હવે જાઉં છું, આજે ઓફિસમાં પણ આ વાત પર હસવું આવશે કે મારી પત્નીને જ મારી ઈર્ષા થાય છે. ભાઈ, વાહ શું વાત કહી. સાંજે આવું ત્યારે કહેજે.’’ વિપિન ઓફિસ ગયો.

મેં ઘરમાં આમતેમ ફરીને જેાયું.
હા, ઠીક જ કહી રહ્યો હતો વિપિન. ઘર સાફ જ છે, પણ હું ટેવથી મજબૂર છું. કિચનમાં પૂરો દિવસ એઠાં વાસણ નથી જેાઈ શકતી.
વિચાર્યું કે વાસણ ધોઈ દઉં.
પછી કચરાપોતાં કરીશ. કામ કરતાંકરતાં મારી કહેલી વાત વારંવાર મગજમાં આવી રહી હતી.
હા, એ સત્ય છે કે ક્યારેક-ક્યારેક વિપિનના સૌમ્ય, કેરફ્રી, મસ્તમૌલા સ્વભાવના લીધે ઈર્ષા થાય છે. તે આવો જ છે.
તેને કેટલીય વાર કહ્યું છે કે વિપિન, તારી અંદર કોઈ સંતનું દિલ છે કે શું, નહીં તો શું આ શક્ય છે કે માણસ કોઈ પણ પરિસ્થિતિમાં ચિંતિત ન થાય? એવું પણ નથી કે તેણે ક્યારેય કોઈ દુખ નથી જેાયું.

ઘણું સહન કર્યું છે, પણ દરેક પરિસ્થિતિમાંથી બહાર આવી જાય છે.
જાણે કોઈ ગંદું કપડું ધોઈને સૂકવીને હાથ ધોઈ લીધા.
જ્યારે મૂડ ખરાબ હોય છે બસ થોડી વાર ચુપચાપ બેસે છે અને પછી સ્વયંને સામાન્ય કરીને તે જ વાતો.
કેટલીય વાર હું તેની છેડતી કરું છું કે મનમાં કોઈ ગુરુમંત્ર વાંચે છે કે શું?
રાત્રે ઊંઘતી વખતે અમને બંનેને કોઈ વાત પરેશાન કરતી હોય તો હું પૂરી રાત ઊંઘતી નથી અને તે આરામથી ઊંઘી જાય છે.

વિપિનની ઊંઘવાની ટેવથી ક્યારેક-ક્યારેક મનમાં થાય કે કદાચ, હું વિપિન જેવી હોત તો કેટલી સરળતાથી જીવન જીવી લેત, પણ ના, મને તો એક વાત પરેશાન કરે તો સુખશાંતિ છીનવાઈ જાય છે.
જ્યાં સુધી કે તેનો ઉકેલ ન આવે, પણ વિપિન સવારે ઊઠીને સેટ પર જવા માટે તૈયાર.
વિદેશમાં અભ્યાસ કરતો અમારો દીકરો પર્વ.
જેા સવારથી રાત સુધી ફોન ન કરે તો હું ઉદાસ થઈ જાઉં છું, પણ વિપિન કહેશે, ‘‘અરે, બિઝી હશે. તેણે બધું જાતે મેનેજ કરવું પડે છે. જ્યારે નવરાશ મળશે ત્યારે ફોન કરશે, નહીં તો તું જ ફોન કરી લે. પરેશાન થવાની શું વાત છે? આટલું ના વિચારીશ.’’

હું આંખો કાઢું છું તો હસવા લાગે છે, ‘‘હા, હવે એવું જ કહીશ ને કે તું મા છે, માનું દિલ વગેરેવગેરે.
પણ ડિયર, હું પણ તેનો પિતા છું, પરેશાન થવાથી વાત બનતી નથી, બગડી જાય છે.
હું ચિડાઈને કહેતી, ‘‘સારું, ગુરુદેવ.’’ જ્યારે ખાવાની વાત થાય, મારી દરેક મિત્ર, મારી મમ્મી, બાળક બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કે ખાવાના મામલામાં વિપિન જેવો સાદો માણસ કદાચ જ કોઈ હશે.

કેટલીય સાહેલી તો ઘણી વાર કહેતી, ‘‘નીરા, તને જેાઈને ઈર્ષા થાય છે… તને કેટલો સારો પતિ મળ્યો છે… કોઈ નખરા નથી.’’
હા, તો આજે હું એ જ વિચારી રહી છું કે વિપિનથી ઈર્ષા થાય છે, જે ખાવાનું પ્લેટમાં છે, તે શોખથી ખાશે.
માત્ર દાળભાત પણ રસ લઈને ખાશે કે હું તેનું મોં જેાયા કરું છું કે શું ખરેખર તેને મજા આવે છે ખાવામાં.

અમે ત્રણેય જેા કોઈ મૂવી જેાવા જઈએ અને મૂવી ખરાબ હોય તો શૈલી અને હું કારમાં મૂવીની ટીકાટિપ્પણી કરીશું.
વિપિનને પૂછીશું કે કેવી લાગી તો કહેશે કે સારી તો નહોતી, પણ હવે શું મૂડ ખરાબ કરવાનો.
ટાઈમપાસ કરવા ગયા હતા ને, કરી આવ્યા, આ ફિલોસોફી પર હસવું આવી જાય છે.
હદ તો ત્યારે થાય છે જ્યારે અમારા નજીકના સંબંધીએ નિરર્થક વાતે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. અમારા સંબંધ હંમેશાં માટે ખરાબ થઈ ગયા.

હું કેટલાય દિવસ પરેશાન રહી, બીજી તરફ થોડી વાર ચુપ રહીને તેણે મને પ્રેમથી સમજાવી, ‘‘નીરા, બસ તેમને ભૂલી જા. આપણે તેમને કંઈ ખોટું નથી કહ્યું. જેા કોઈ પોતાનું દિલ દુભાવે તો તે પોતાનું ક્યાં થયું. પોતાનાથી તો પ્રેમ, સહયોગ મળવો જેાઈએ ને… જે આટલા વર્ષથી માનસિક દુખ આપી રહ્યા હતા, તેમનાથી દૂર થતા ખુશ થવું જેાઈએ કે જૂઠા સંબંધથી આઝાદી મળી, આવા સંબંધી શું કામના જે મનને કારણ વિના ઠેસ પહોંચાડે.’’
વિપિન વિશે વિચારતાં-વિચારતાં મેં તમામ કામ પૂરા કરી દીધા હતા.

આજે મારી જ કહેલી વાતમાં મારું ધ્યાન હતું.
આવા અગણિત ઉદાહરણ છે જ્યારે મને લાગે છે કદાચ, હું વિપિન જેવી હોત.
દરેક વાતને તેની જેમ વિચારતી.
હા, મને તેના જીવવાના અંદાજથી ઈર્ષા થાય છે, પણ આ ઈર્ષામાં મારો અમર્યાદિત પ્રેમ છે, સન્માન છે, ગર્વ છે, ખુશી છે, તેની માનસિકતાએ મને જીવનમાં કેટલીય વાર મારા લાગણીશીલ મનને નિરાશામાંથી બહાર કાઢી છે.
સાંજે વિપિન જ્યારે ઓફિસેથી પાછો આવ્યો ત્યારે સામાન્ય વાતચીત પછી તેણે કિચનમાં જેાયું, તો હસવા લાગ્યો, ‘‘હું જાણતો હતો તું નહીં માને. બધા કામ કરીશ… આ બધું કેમ કર્યું?’’

‘‘જ્યારે જાણે છે કે નહીં માનું તો એ પણ જાણતો હશે કે મને પૂરો દિવસ ઘર ગંદું નથી ગમતું.’’
‘‘સારું, ઠીક છે તબિયત તો સારી છે ને?’’
‘‘હા.’’ તે ફ્રેશ થઈને આવ્યો, મેં ચા બનાવી લીધી હતી.
ચા પીતાંપીતાં હસ્યો, ‘‘ચાલ, જણાવ તને મારી ઈર્ષા કેમ થાય છે? વિચાર્યું હતું, ઓફિસેથી ફોન કરીને પૂછીશ, પણ કામ ઘણું હતું. હવે જણાવ.’’
‘‘તું દરેક સ્થિતિમાં તાલમેલ સ્થાપિત કરે છે, તેથી ઈર્ષા થાય છે. બહુ થયું, આજે ગુરુમંત્ર આપી દે, નહીં તો તારા જીવવાના અંદાજ પર મને રોજ ઈર્ષા થશે.’’ કહીને હું હસવા લાગી.

વિપિને મને જેાઈને કહ્યું, ‘‘જીવનમાં જેા આપણી ઈચ્છાનુસાર ન થાય, તેને ચુપચાપ સ્વીકારી લો.
જીવન જીવવાનો આ એકમાત્ર ઉપાય છે, ‘ટેક લાઈફ એઝ ઈટ કમ્સ.’’’
હું તેને એકીટશે જેાઈ રહી હતી.
સાદા શબ્દ કેટલા ઊંડા હતા.
હું તનમનથી તે શબ્દોને આત્મસાત કરી રહી હતી.
અચાનક તેણે મશ્કરી કરતા પૂછ્યું, ‘‘હવે પણ મારી ઈર્ષા થશે?’’ હું હસી પડી.

હેપી ન્યૂ યર

વાર્તા – પૂનમ અહમદ.

નિયા ઓફિસ માટે તૈયાર થઈ રહી હતી.
માધવી એમ તો ડ્રોઈંગરૂમમાં પેપર વાંચી રહી હતી પણ તેનું પૂરું ધ્યાન પોતાની વહુ નિયા તરફ જ હતું.
લાંબી, સુડોળ કાયા, ખભા સુધી કપાવેલા વાળ, સારા પદ પર કાર્યરત અત્યાધુનિક નિયા તેમના પુત્ર વિવેકની પસંદ હતી.
માધવીને પણ આ પ્રેમલગ્નમાં કોઈ કમી શોધવાનું કારણ નહોતું મળ્યું.
તે પણ એટલી સમજ તો રાખે છે કે એકમાત્ર યોગ્ય પુત્રે એમ જ કોઈ યુવતી પસંદ નહીં કરી હોય.
તેમણે મૂક સહમતી આપી દીધી હતી પણ ખબર નહીં કેમ તેમને નિયાથી દિલથી એક અંતર અનુભવાતું હતું.

તે સ્યવં ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં એકલી રહેતી હતી.
પતિ શ્યામ વર્ષો પહેલાં સાથ છોડી ગયા હતા.
વિવેકની નોકરી મુંબઈમાં હતી.
તેણે જ્યારે પણ સાથે રહેવાનું કહ્યું હતું, માધવીએ એમ કહીને ટાળી દીધું હતું. ‘‘આખું જીવન અહીં તો વિતાવ્યું છે, આડોશપાડોશ છે, સંગીસાથી છે. ત્યાં મુંબઈમાં કદાચ મારું મન ન લાગે. તમે બંને તો ઓફિસમાં રહેશો આખો દિવસ. હમણાં એમ જ ચાલવા દે, જરૂર પડી તો તારી પાસે જ આવશે બીજું કોણ છે મારું.’’

વર્ષમાં એકાદ વાર તે મુંબઈ આવી જાય છે પણ અહીં તેમનું મન ખરેખર નથી લાગતું. બંને આખો દિવસ ઓફિસ રહેતા.
ઘરે પણ લેપટોપ કે ફોન પર વ્યસ્ત દેખાતા.
સાથે બેસીને વાતો કરવાના સમયે બંને પાસે મોટાભાગે સમય નથી હોતો.
ઉપરથી નિયાનું પીયર પણ મુંબઈમાં જ હતું.
ક્યારેક તે પિયર જતી રહેતી હતી તો ઘર તેમને વધારે ખાલી લાગતું.

નવું વર્ષ આવવાનું હતું.
આ વખતે તે મુંબઈ આવેલી હતી. નિયાએ પણ ફોન પર કહ્યું હતું, ‘‘અહીં આવવું જ તમારા માટે ઠીક રહેશે. મેરઠની ઠંડીથી પણ તમે બચી જશો.’’
નિયાથી તેમના સંબંધ કડવાશભર્યા તો બિલકુલ પણ નહોતા પણ નિયા તેમની સાથે ખૂબ ઓછી વાત કરતી હતી. માધવીને લાગતું હતું કે કદાચ વિવેક તેમને જબરદસ્તી મુંબઈ બોલાવી લે અને નિયાને કદાચ તેમનું આવવું પસંદ ન હોય.
નિયાની વિચારસરણી ખૂબ આધુનિક હતી.
‘‘પતિપત્ની બંને કામકાજી હોય તો ઘરબહાર બંનેના કામ બંને મળીને જ સંભાળે છે.’’
આ માધવીએ નિયાના મોઢે સાંભળ્યું હતું તો તેની સ્પષ્ટવાદિતા પર ખૂબ આશ્ચર્ય થયું હતું.
નિયાને તે મનોમન ખૂબ તપાસતી-પારખતી અને તેની વાતો પર મનોમન દંગ રહી જતી.
વિચારતી, વિચિત્ર મોં-ફાટ છોકરી છે.
આધુનિકતા અને આત્મનિર્ભરતાએ આ છોકરીઓનું મગજ બગાડી દીધું છે.
કાલે જ કહેતી હતી, ‘‘વિવેક, હું ખૂબ થાકી ગઈ છું. તું જ બધાનું જમવાનું પીરસી દે.’’
તેમને તો થાકેલાહારેલા પુત્ર પર તરસ આવી ગઈ.
બસ, લાગે જ તો છે. અને પછી તેમણે બધાનું જમવાનું ટેબલ પર લગાવ્યું.

ગયા રવિવારની સવારે ઊઠતા જ કહી રહી હતી, ‘‘વિવેક, આજે પૂરો દિવસ રેસ્ટનો મૂડ છે, શ્યામાના હાથનું ભોજન કરવાનો મૂડ નથી. નાસ્તા બહારથી લઈ આવ અને લંચ પણ ઓર્ડર કરી દે.’’
માધવીએ પૂછી લીધું, ‘‘નિયા, હું બનાવી આપું કંઈ?’’
નિયાએ હંમેશાંની જેમ સંક્ષિપ્ત ઉત્તર આપ્યો, ‘‘ના મા, તમે રેસ્ટ કરો.’’
મારી સાથે તો ખબર નહીં કેમ આટલું ઓછું બોલે છે આ છોકરી.

હજી ૨ વર્ષ જ તો થયા છે લગ્નને. સાસુવહુવાળો કોઈ ઝઘડો પણ ક્યારેય નથી થયો, પછી આટલી ગંભીર કેમ રહે છે.
એવી પણ શું સમજીવિચારીને વાત કરવાની, માધવી પોતાની વિચારસરણીની મર્યાદામાં ગૂંચવાયેલી રહેતી.
માધવીને મુંબઈ આવ્યે ૧૦ દિવસ જ થઈ રહ્યા હતા.
નિયા નવા વર્ષે બધા મિત્રોને ઘરે બોલાવીને પાર્ટી કરવાના મૂડમાં હતી.
વિવેક પણ ખૂબ ઉત્સાહિત હતો પણ બીજી જ ક્ષણે શું થઈ જાય. કોને ખબર.

સાંજે અચાનક બાથરૂમમાં માધવીનો પગ લપસી ગયો તો તેણે ચીસ પાડી.
વિવેક અને નિયા ભાગી આવ્યા, પીડાના લીધે માધવીની આંખમાં આસુ આવી ગયા હતા.
તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.
પ્લાસ્ટ ચડાવવામાં આવ્યું.
માધવીને આ લાચારીમાં રડવું આવી રહ્યું હતું.
ઘરે આવીને પણ ૨-૩ દિવસ ઊંઘી ન શકી.
ખૂબ બેચેની હતી.
ડોક્ટરને ઘરે જ બોલાવવામાં આવ્યા.
તેમનું બ્લડપ્રેશર હાઈ હતું, પૂર્ણ આરામ અને દવા માટે નિર્દેશ આપીને ડોક્ટર જતા રહ્યા.

વિવેક તેમને આરામ કરવા માટે કહીને લેપટોપ પર વ્યસ્ત થઈ ગયો.
માધવીને આ તકલીફમાં જીવવાની ટેવ પાડવામાં થોડા દિવસ લાગી ગયા.
પહેલાં નિયાએ ના પાડવા છતાં પણ કંઈ ને કંઈ આમતેમ કરતા પોતાનો સમય વિતાવી લેતી હતી, હવે તો એકલાપણું અને વધતું લાગી રહ્યું હતું.
એક સન્ડે તે ચુપચાપ પોતાના રૂમમાં આડી પડી હતી.
અચાનક તેમને મન થયું કે વોકરની મદદથી ડ્રોઈંગરૂમ સુધી જઈને બતાવે.
આ ટૂ બેડરૂમ ફ્લેટ હતો.
તે ખૂબ હિંમતથી વોકરના આધારે પોતાના રૂમની બહાર નીકળી તો તેમને બાળકોના રૂમમાંથી નિયાનો અવાજ સંભળાયો.
તેમનો દરવાજો સંપૂર્ણ રીતે બંધ નહોતો.
ન ઈચ્છવા છતાં પણ તેમણે નિયાની વાત પર ધ્યાન આપ્યું.

નિયા ઊંચા અવાજે કહી રહી હતી, ‘‘મા તારી છે, તારે વિચારવું જેાઈએ.’’
માધવીને ઊંડો આઘાત લાગ્યો, મન દુખી થયું કે તેનો અર્થ મારો અંદાજ સાચો હતો કે નિયાને મારું અહીં આવવું પસંદ નથી.
હવે? આટલું સ્વાભિમાન તો મારામાં પણ કે પુત્ર-વહુના ઘરે અનિચ્છનીય નહીં રહું. પછી નિર્ણય લીધો કે જલદીથી પાછી જતી રહીશ.
એકલી રહી લઈશ પણ અહીં નહીં આવે.
તેથી નિયા એટલી ગંભીર રહે છે.
તેમની આંખમાંથી મજબૂરી અને અપમાનથી આંસુ વહેવા લાગ્યા. ચુપચાપ પોતાના રૂમમાં આવીને આડી પડી ગઈ.
થોડી વાર પછી નિયા તેમના માટે સાંજની ચા લઈને આવી તો તેમણે તેના ચહેરા પર નજર પણ નહોતી કરી.
નિયાએ કહ્યું, ‘‘મમ્મી, ઊઠો ચા લાવી છું.’’
‘‘લઈ લઈશ, તું મૂકી દે.’’ નિયા ચા મૂકીને જતી રહી.

માધવીનું દિલ ભરાઈ આવ્યું, કોઈ તેમને પૂછનાર પણ નહોતું કે તે કેમ ઉદાસ, દુ:ખી છે.
થોડીવારમાં તેમણે ઠંડી થતી ચા પી લીધી અને વિવેકને બૂમ પાડી.
વિવેક આવીને ગંભીર મુદ્રામાં બેસી ગયો.
તેમને પુત્ર પર ખૂબ તરસ આવી.
વિચાર્યું, કેવી રીતે પિસાય છે પુત્ર મા અને પત્ની વચ્ચે.
પુત્ર પણ શું કરે.
ના તે પુત્રની ગૃહસ્થીમાં તાણનું કારણ નહીં બને, વિચારીને માધવી બોલી, ‘‘વિવેક પ્લાસ્ટર કાઢતા જ મારી ટિકિટ કરાવી દેજે.’’
વિવેક ચોંક્યો, ‘‘શું થયું, મા?’’
‘‘બસ, જવાનું મન થયું છે?’’
‘‘સારું જઈ જાય, જતી રહેજે.
હજી તો ટાઈમ લાગશે.’’ કહીને વિવેક જતો રહ્યો.

માધવીને કંઈ સમજાયું નહીં તો ‘હેપી ન્યૂ યર’ કહેતા હસીને હાથ ફેલાવી દીધા...

ઠંડો નિસાસો નાખતા માધવી પોતાના વિચારોમાં ડૂબતી ગઈ.
૨૭ ડિસેમ્બરની સાંજે ત્રણેય સાથે ડિનર કરી રહ્યા હતા.
માધવીએ એમ જ પૂછી લીધું, ‘‘બેટા, તારી ન્યૂ યર પાર્ટીનું શું થયું?’’
‘‘નિયાએ કેન્સલ કરી દીધી, મા.’’
‘‘કેમ? તમે લોકો તો એટલા ખુશ હતા?’’
બસ, નિયાએ ના પાડી દીધી.
‘‘પણ કેમ, બેટા?’’ ‘‘બધા આવશે, શોરબકોર થશે, તમે ડિસ્ટર્બ થશો, તમને આરામની જરૂર છે.’’ નિયાએ જવાબ આપ્યો.
‘‘અરે ના, મને તો ગમશે, ઘરમાં રોનક રહેશે, ખૂબ કંટાળો આવી રહ્યો છે મને તો, તમે લોકો આરામથી નવા વર્ષનું સ્વાગત કરો, મજા આવશે.’’
નિયા આશ્ચર્યચકિત હતી, ‘‘ખરેખર? મા? તમે ડિસ્ટર્બ નહીં થાઓ?’’
‘‘જરાય નહીં.’’ નિયાએ હસીને થેંક્સ મા કહ્યું તો માધવીને સારું લાગ્યું.
પછી કહ્યું, બસ, મારા જવાની ટિકિટ પણ કરાવી દે હવે.

નિયાએ કહ્યું, ‘‘ના, હજી તો તમારી ફિઝિયોથેરપી પણ થશે થોડા દિવસ.’’
માધવી ઉફ, કહીને ચુપ થઈ ગઈ.
પહેલી નજરે તો બધું સામાન્ય હતું પણ માધવી ગમગીન હતી.
હવે માધવીથી દિવસો નહોતા વીતી રહ્યા.
ક્યારેકક્યારેક લાચારી, બેચેની થઈ જતી.
મન નહોતું લાગી રહ્યું હવે.
વહુ તેમને રાખવા નથી ઈચ્છતી, પુત્ર મજબૂર છે, આ વાત દિલને ખટકતી રહેતી હતી.

૩૧ ડિસેમ્બરની પાર્ટીની તૈયારીમાં નિયા વ્યસ્ત થઈ ગઈ.
વિવેક પણ દરેક વાતમાં, દરેક કામમાં શક્ય સાથ આપી રહ્યો હતો.
બંનેના નજીકના ૧૫ મિત્રો આવવાના હતા.
બેઠાબેઠા જેટલું શક્ય હતું માધવી પણ મદદ કરી રહી હતી.
ખાવાની વસ્તુઓ બનાવી લીધી હતી, કેટલીક ઓર્ડર કરી દીધી હતી.
બપોર સુધી બધી તૈયારી પછી લંચ કરીને માધવી થોડીવાર પોતાના રૂમમાં આવીને આડી પડી ગઈ.
હજી ૩ વાગ્યા હતા.
૨૦ મિનિટ માટે તેમની આંખ પણ લાગી ગઈ.
ઊઠી તો ચાની ઈચ્છા થઈ પણ પછી વિચાર્યું કે પુત્ર-વહુ આરામ કરી રહ્યા હશે, તેઓ થાકી ગયા હશે.
તેથી તે સ્વયં ચા બનાવી લેશે.
વોકર સાથે ધીમેથી ઊઠી તો પુત્ર-વહુના રૂમમાંથી ઊંચા અવાજેા સાંભળીને ડરી ગઈ, તેઓ સાંભળવાનો પ્રયાસ કરવા લાગી કે શું પછી મારી હાજરીને લઈને બંનેમાં ઝઘડો થઈ રહ્યો છે?
રાત્રે તો પાર્ટી છે અને હવે આ ઝઘડો, તે પણ તેના કારણે? આંસુ વહી નીકળ્યા.

નિયાનો અવાજ ખૂબ સ્પષ્ટ હતો, ‘‘માને કહેવા દો, તું કેવી રીતે માને પાછા મોકલવા માટે તૈયાર છે, મા આટલા શાંત, સ્નેહાળ છે, તેમનાથી કોઈને શું તકલીફ હોઈ શકે? તે આખો દિવસ એકલા રહે છે, તેમનું મન નહીં લાગતું હોય ત્યારે તે દિવસે પોતાની ટિકિટ કરાવવા માટે કહ્યું હશે.
મેં મારી ઓફિસમાં વાત કરી લીધી છે.
જ્યાં સુધી તેમનું પ્લાસ્ટર નહીં દૂર થાય હું વર્ક ફ્રોમ હોમ કરી રહી છું.
ખૂબ જરૂરી હશે કોઈ દિવસ ત્યારે જતી રહીશ.
તું દીકરો થઈને પણ તેમને મોકલવાની વાત કેવી રીતે માની જાય છે? બીજું કોણ છે તેમનું? તે હવે ક્યાંય નહીં જાય, અહીં રહેશે આપણી સાથે.’’
મનમાં ઊઠેલા ભાવના ઉતારચઢાવથી વોકર પકડીને માધવીના તો હાથ ધ્રુજી ગયા.
ચુપચાપ આવીને બેડ પર ધમ્મ દઈને બેસી ગઈ કે તે શું વિચારી રહી હતી અને હકીકત શું હતી.
તે કેટલું ખોટું વિચારી રહી હતી.

શું તેણે પોતાના મનની મર્યાદા એટલી સીમિત કરી લીધી હતી કે નિયાના ગંભીર સ્વભાવ, તેની આધુનિકતાને જ તપાસવા-પારખવામાં લાગેલી રહી.
તેના મનના ઊંડાણ સુધી તો તે પહોંચી જ ન શકી.
ઓહ તે દિવસે પણ નિયા આ જ કહી રહી હતી કે મા તારી છે, તારે વિચારવું જેાઈએ. સાચું જ તો છે ઘણીવાર આંખ જે જુએ છે, કાન જે સાંભળે છે તે જ હકીકત નથી હોતી.
તે તો નિયાના ઓછું બોલવા, ગંભીર સ્વભાવને પોતાની ઉપેક્ષા સમજતી રહી પણ આ તો નિયાનો સ્વભાવ છે, શું બૂરાઈ છે તેમાં? તેના દિલમાં તો તેના માટે એટલું પોતાનાપણું અને પ્રેમ છે, આજે નિયા જેવી વહુ મેળવીને તો તે ધન્ય થઈ ગઈ.

આંખથી હવે કંઈ સ્પષ્ટ નહોતું દેખાતું, બધું ધૂંધળું થઈ ગયું હતું. ખુશી અને સંતોષનાં આંસુ જેા ભર્યાં હતાં આંખમાં. ત્યારે નિયા ચા લઈને અંદર આવી ગઈ.
માધવીને વિચારમગ્ન જેાઈ, પૂછ્યું, ‘‘શુ વિચારી રહી છે મા?’’
માધવીને કંઈ સમજાયું નહીં તો ‘હેપી ન્યૂ યર’ કહેતા હસીને હાથ ફેલાવી દીધા.
કંઈ ન સમજવા છતાં તેમની આગોશમાં સમાતા કહ્યું, ‘‘આ શું મા, અત્યારથી?’’
માધવી ખૂલીને હસી પડી, ‘‘હા, અચાનક પોતાના દિલમાં અત્યારથી નવા વર્ષનો ઉલ્લાસ, ઉત્સાહ અનુભવી રહી છું.’’
નવા વર્ષનું સ્વાગત નવી ઉમંગથી કરવા માટે માધવી હવે સંપૂર્ણ રીતે તૈયાર હતી.
નિયાના માથા પર પોતાનો સ્નેહભર્યો હાથ ફેરવીને હસીને ચાનો આસ્વાદ માણવા લાગી.

હાય હાય વિદાય કેવી રીતે આવે રડું

કટાક્ષિકા – પૂનમ પાઠક.

આજે બનીને આવી જ ગયો મારો લગ્નનો વીડિયો.
બધા ફંક્શન, ૧-૧ રીતરિવાજ ખરેખર કેટલી મજા આવે છે જેાવાની…
સૌથી છેલ્લે વિદાયની રસમ.
‘ઓહ, કેટલું રડી છું હું…’ વિચારતાવિચારતા મારું ગાંડુ મન લગ્નનાં મંડપ નીચે જઈને ઊભું રહ્યું….
‘‘જેા, અત્યારથી સમજાવી દઉં છું કે વિદાય સમયે તારું રડવું ખૂબ જરૂરી છે નહીં તો અમારી ઘણી બદનામી થશે. લોકો કહેશે કે દીકરીને ક્યારેય પ્રેમ નહીં આપ્યો હોય ત્યારે જ તો જતી વખતે બિલકુલ ન રડી.
બરાબર સમજી લે નહીં તો ખબર પડે તે સમયે પણ ખીખી કરીને હસી રહી છે,

‘‘મંડપની નીચે કોઈ વાતે મારા જેારથી હસતાં માં નું પ્રવચન શરૂ હતું. પણ કેમ મા, એકમાત્ર છોકરો અને તે પણ મારી પસંદનો… સારી જેાબ અને પૈસાવાળો. સાસુસસરા એટલા સીધા કે જેા હું રડીશ તો તે પણ મારી સાથે રડી પડશે. પછી કેમ ન હસતાંહસતાં વિદાય થઈ જાઉં.’’

‘‘અરે નાક કપાવીશ કે શું? શુક્લા કુળની છોકરીઓ વિદાય સમયે પૂરો મહોલ્લો માથે ઉઠાવી લે છે. જેાયું નહોતું થોડાક વર્ષ પહેલા તારી ફોઈના લગ્નમાં તે કેટલી રહી હતી?’’
‘‘મા, ફોઈ તો એટલે રડ્યા હતા કે તમે લોકોએ તેમના લગ્ન તેમની પસંદ પ્રમાણે ન કરાીને ખડૂશ બુઢ્ઢા સાથે કરાવી દીધા હતા… બીચારી મોં ફાડીને ન રડતી તો શું કરતી?’’
‘‘તારી માંની શીખ ગાંઠ બાંધી લે છોકરી… આપણા કુળમાં વિદાયમાં ન રડવાને અપશુકન માને છે.’’ દાદીએ પણ માંની વાતને સમર્થન આપતા આંખો કાઢી.
મરતી શું ન કરે. વિદાયની તો ખબર નથી પણ અત્યારે મનેે એ વિચારીને જ રડવું આવી ગયું હતું કે વિદાય પર કેવી રીતે રડીશ.

‘‘બોલ ને રિંકુ, શું કરું જેનાથી મને રડવું આવી જાય?’’ મેં મારી સાહેલીને હચમચાવી નાખી.
‘‘અરે ભલા એ કેવી રીતે કહી શકું. થોડીક પ્રેક્ટિસ કર કદાચ કામ લાગી જાય.’’ ‘‘શું કહું, ઘણીવાર અરીસામાં જેાઈને રડવાની પ્રેક્ટિસ કરી ચૂકી છું, પણ દરેક વખતે અરીસામાં જેાઈને રડવાની પ્રેક્ટિસ કરી ચૂકી છું, પણ દરેક વખતે નિષ્ફળ રહી. શું કરું યાર, નહીં રડું તો મોટી બબાલ થશે. દાદી, ફોઈ, કાકી, ત્યાં સુધી કે મમ્મીએ પણ ખાસ સલાહ આપી છે કે સ્ટેજ પર બેઠી ખાલી હેં હેં ન કરતી રહું, પણ વિદાય પર ખરેખર કાયદાથી રડું પણ ખરી.’’

‘‘આ કાયદાથી રડવું શું હોય છે? રડવું તો રડવું હોય છે અને પછી મેં રડવાના વિષય પર કોઈ પીએચડી થોડું કરી રાખ્યું છે, જેા તને ટિપ્સ આપું.’’ રિંકુ ચિડાઈ ગઈ.
‘‘કંઈક તો કર યાર, જેા વિદાયમાં ન રડી તો ખૂબ હાંસી ઉડશે. મારે ત્યાં જ્યાં સુધી મહોલ્લાના છેલ્લા ઘર સુધી રડવાની ચીસો ન પહોંચી જાય ત્યાં સુધી વિદાયની રસમ પૂરી નથી માનવામાં?આવતી. મારા મામીની છોકરી તો ગયા વર્ષે એટલું રડી કે સવારની જાન બપોર સુધી વિદાય થઈ હતી. હા, એ વાત જુદી છે કે તેનું લફડું ક્યાંક બીજે ચાલી રહ્યું હતું અને લગ્ન ક્યાંક બીજે થઈ રહ્યા હતા. પણ હું શું કરું, મારા તો લગ્ન પણ મારી પસંદથી થઈ રહ્યા છે. ક્યાંય કોઈ અવરોધ નહીં, કોઈ જબરદસ્તી નહીં. તો આખરે રડું કેવી રીતે હું? ’’ મેં મારું દુખડું સંભળાવતા તેને વિનંતી કરી.
‘‘સારું જેાઉં છું કે શું કરી શકાય છે.’’ રિંકુએ ગંભીર થતા કહ્યું.

૨ દિવસ પછી જ રિંકુએ બોલતા ઘરમાં પ્રવેશી, ‘‘ખુશખબરી છે તારા માટે, મળી ગઈ રડવાની જાદુઈ ચાવી. ચાલ મારી સાથે. જેાકે ૭ દિવસની ટ્રેનિંગ છે, પણ મેં વાત કરી છે કે અમને થોડી જલદી છે. તો, ડબલ ચાર્જ પર તે આપણું રજિસ્ટ્રેશન કરી લેશે.’’
‘‘શું વાત કરી રહી છે ટ્રેનિંગ અને તે પણ રડવાની?’’ મારું મોં આશ્ચર્યથી ખૂલ્લું રહી ગયું.
‘‘હા મેરી જાન.’’ હસી હસીને રિંકુ બેવડ વળી ગઈ હતી,

‘‘વિદાયમાં બરાબર રડવાની આ સમસ્યા હવે માત્ર તારી નથી, પણ એક રાષ્ટ્ર્રીય સમસ્યા બની ગઈ છે… આજકાલ દુલહનને પોતાની પસંદના દુલહા જે મળવા લાગ્યા છે. હવે તેમને રડવું આવે પણ તો કેવી રીતે? આ જ સમસ્યાથી છુટકારો અપાવતું આ ટ્રેનિંગ સેન્ટર. જેા દુલહનની સાથે તેની સાહેલીઓને પણ રડતાં શીખવાડે છે.’’
‘‘તેનો અર્થ હવે હું બરાબર રડી શકીશ.’’ મારી ખુશીનો કોઈ પાર નહોતો.
થોડી જ વારમાં આપણે શહેરના પ્રસિદ્ધ મોલની અંદર ખુલ્લા તે ટ્રેનિંગ સેન્ટરમાં હતા.
‘‘જુઓ, સૌથી પહેલા આ ચાર્ટને બરાબર સ્ટડી કરો. તેમાં રડવાની કેટલી રીતોનો ઉલ્લેખ છે. દરેક રડવાનો અલગઅલગ ચાર્જ છે.’’

રિસેપ્શન પર બેઠી મેડમે હસીને અમને એક ચાર્ટ પકડાવ્યો.
રડવાની રીતોને જેાઈને અમારી આંખ પહોળી થતી ગઈ.
સિમ્પલ રડવું એટલે કે શાલીનતાથી ધીમેધીમે રડવું. ચાર્જ ૫૦૦૦,
મગરમચ્છની જેમ રડવું એટલે કે એક પણ આંસુ ટપકાવ્યા વિના માત્ર રડવાનો અવાજ કાઢવો. ચાર્જ ૪૦૦૦,
પૂરની જેમ રડવું એટલે કે જેાર જેારથી રડવું જાણે પૂર આવ્યું હોય. ચાર્જ ૩૫૦૦
ભેંકડો તાણીતાણીને રડવું એટલે કે અટકી અટકીને બૂમો પાડીને જાણે ક્યાંક બોમ્બનો વિસ્ફોટ થઈ રહ્યો હોય. ચાર્જ ૩૦૦૦,
ડૂંસકા રડવું એટલે ડૂંસકા ભરીને રડવું. ચાર્જ ૨૫૦૦,
ભળતું રડવું એટલે કે બધી સાહેલીઓ સહિત એકસાથે રડવું. ચાર્જ ૨૦૦૦.
કેટલીય વાર સુધી ચર્ચા વિચારણા કર્યા પછી મેં મગરમચ્છી રડવાનું પસંદ કર્યું, કારણ કે મારું તો લક્ષ જ અવાજ કરીને રડવાનું હતું.
મારા આંસુ ખૂબ કિંમતી હોવાથી હું એક પણ નષ્ટ કરવા નહોતી ઈચ્છતી.
તેથી ડબલ ચાર્જ એટલે કે રૂપિયા ૮૦૦૦ જમા કરીને મેં રડવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી.

એક મોટા હોલમાં કાચના પાર્ટીશન હતા.
બનનારી દુલહનો તેમાં પોતપોતાની રીતે રડવામાં લાગી હતી.
એક વાત તો પાકી હતી કે કેટલાયનું હાસ્યાસ્પદ રડવું જેાઈ સામેવાળીને હસવું આવી જાય એ નક્કી હતું.
ભલે, મને તેનાથી શું… આખરે વિદાયનો તે શુભ દિવસ આવી ગયો.
પરંતુ લગ્નની બધી રસમો નિભાવી અને આખી રાત જાગતા રહેવાના લીધે મારી હાલત પહેલા જ એટલી ખરાબ થઈ ગઈ કે રડવું આવવા લાગ્યું.
જેા તે જ સમયે વિદાયનો સમય નક્કી હોત તો કસમથી હું ખૂબ રડતી, પણ વિદાયના મુર્હૂતમાં હજી થોડો સમય બાકી હતો.

તેથી મેં નક્કી કરી રાખ્યું હતું કે વિદાય સમયે મારો ઘૂંઘટ ખૂબ લાંબો રહેશે જેથી હું આરામથી રડવાના અવાજ કાઢી શકું.
વિદાયની ઘડીએ મા રડતાં રડતાં મને વળગીને મને પણ રડવા માટે ઉશ્કેરવા લાગી. મેં પણ અચાનક ઊંચા અવાજમાં રડવાનું શરૂ કરી દીધું પણ વોલ્યૂમ થોડોક વધી જવાથી લોકો સાથે મને પણ મારો અવાજ થોડો વિચિત્ર લાગ્યો.
તેથી ૧-૨ લોકોને મળીને થોડી વાર પછી હું ચુપ થઈ ગઈ.
ત્યારે ૮-૧૦ વર્ષના એક તોફાની બાળકે કમેન્ટ કરી, ‘‘હમણાં તો તમે એટલા જેારથી રડી રહ્યા હતા… હવે કેમ નથી રડતા?’’
કદાચ મારા રડવા પણ તેને મજા આવી રહી હતી.

ગુસ્સો તો તેની ઉપર એટલો આવ્યો કે એક તો એટલી મુશ્કેલીથી રડી રહી અને તેની પણ એટલી મજાક ઉડાવી રહ્યો બધાની સામે.
પરંતુ સમય જેાઈને મેં કોઈ પ્રતિભાવ ન આપ્યો.
ત્યારે અચાનક કાકીએ ખેંચીને મને છાતીએ વળગાડી લીધી અને આ… આ… આ… ના અવાજ સાથે ચીસ પાડી.

‘‘આટલું ન રડીશ મારી લાડો, અમે તને જલદી બોલાવી લઈશું.’’
કહેતા કાકીએ મોડા સુધી મને વળગાડી રાખી એ જાણ્યા વિના કે તેમની સાડીમાં લાગેલી સેફ્ટીપિન એટલી જેારથી મને વાગી રહી છે…
જેમતેમ તેમનાથી જીવ છોડાવ્યો અને હું પાછી ફરી તો જેાયું તે તોફાની બાળક મારા ઘૂંઘટની અંદર જેાઈ રહ્યું છે.
મેં તેને એકીટશે જેાઈને ભગાડવાનો પ્રયાસ કર્યો કે ક્યાંક ફરીથી કંઈક ઊલટુંસીધું ન બકી દે, પણ તે મારાથી ડરવાના બદલે ઊલટું મને ઘૂરી રહ્યો.
આખરે હું ત્યાંથી નીકળી ગઈ.

ત્યારે તેણે પગ ફસાવીને મને મોંના જેારે પાડી દીધી.
હવે મારી ખૂબ ખરાબ હાંસી ઊડી હતી.
મને પાડ્યા પછી તે જેારજેારથી હસી રહ્યો હતો.
તેને હસતા જેાઈ મને મારી હારનો પીડાજનક અહેસાસ થયો અને ઈજા પણ ખૂબ થઈ હતી.
તેથી હવે મને ખરેખર રડવું આવવા લાગ્યું અને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
લોકો આવતા ગયા અને ગળે લગાવીને મને ચુપ કરાવતા ગયા, પણ મારે ન ચુપ થવું હતું અને ન થઈ.

સૌથી વધારે આશ્ચર્ય મારી સહેલી રિંકુને થઈ રહ્યું હતું કે બધાના રડવા પર ખડખડાટ હસનારી હું આખરે મારી વિદાયના પ્રસંગે આટલું રિઅલ કેવી રીતે રડી પડી.
પરંતુ તે સમયે જે પણ થયું ભલું થાય તે બાળકનું કે મારી વિદાયને તેણે યાદગાર બનાવી દીધી અને પછી અમારો વીડિયો પણ શું યાદગાર બન્યો.

બસ આટલી જ વાત

વાર્તા – નીરજા શ્રીવાસ્તવ ‘નીરુ’

‘‘સાહિલ, મારી કિટી પાર્ટી ૧૧ વાગ્યાની હતી… હું મોડી પડી ગઈ. જાઉં છું, તું લંચ કરી લેજે. બધું તૈયાર છે… ઓકે બાય જાનુ.’’ કહીને મૌજે સાહિલને ફ્લાઈંગ કિસ કરી અને પછી તરત જ દરવાજો ખોલીને નીકળી ગઈ.
‘‘ એક દિવસ તો મને ખૂબ મુશ્કેલીથી મળે છે… તેમાં પણ આ કરી લે તે કરી લે… શાંતિથી ઊંઘવા પણ નથી દેતી તે અને તેની કિટી.’’ સાહિલે દરવાજો બંધ કર્યો અને પછી પથારીમાં ઊંઘી ગયો.
‘‘અરે, આ પર્ફ્યૂમ.’’ તેણે પિલોને ચહેરા નીચે દબાવી દીધું.
લગ્ન પહેલાં જે પર્ફ્યૂમે તેને દીવાનો બનાવ્યો હતો આજે તે જ ઊંઘવામાં અવરોધ બની રહ્યું હતું.

સાંજે ૫ વાગે મૌજ આવી ત્યારે પોતાની જ મસ્તીમાં હતી.
કિટીમાં કરેલી મસ્તીની વાત તે જલદીજલદી સાહિલ સાથે શેર કરવા ઈચ્છતી હતી.
‘‘અરે, સાંભળને સાહિલ… અલગઅલગ ફ્લેવર્ડ ડ્રિંન્ક પીને આવી છું… કેટલી અમીર છે રાખી… કેટલા પ્રકારની ડિસિસ અને સ્નેક્સ હતા… તને ખબર છે અમે કેટલી ગેમ રમ્યા?’’
‘‘અરે યાર, મને ક્યાંથી ખબર હોય… તું પણ કમાલ કરે છે.’’ સાહિલે કહ્યું.
‘‘અમે રેંપ વોક પણ કર્યું… મારી સ્ટાઈલિંગને બેસ્ટ પ્રાઈઝ મળી.’’
‘‘સારું… તેમના ઘરમાં રેંપ પણ બનેલો છે?’’ તે હસ્યો.
‘‘પાર્ટી ઘરે ક્યાં હતી… ઈન્ટરનેશનલ ક્લબમાં હતી.’’
‘‘અરે, આટલે દૂર કાર લઈને ગઈ હતી? નવીનવી ચલાવતા શીખી છે… ક્યાંક અડાડી દીધી હોત તો?’’

‘‘માય ડિયર, કારમાં હું માત્ર રાખીના ઘર સુધી ગઈ હતી. તેના ઘરેથી તેમની ઓડીમાં ગયા હતા. શું કાર છે. મજા આવી ગઈ… કાશ આપણી પાસે પણ ઓડી હોત… પણ તારી ૪૦-૫૦ હજારની સેલરીમાં ક્યાં શક્ય છે.’’ મૌજ થોડી ઉદાસ થઈ ગઈ.
બીજી તરફ સાહિલ થોડો ગુસ્સો. મૌજ જાણેઅજાણે એવી વાતથી સાહિલનું દિલ દુભાવતી હતી. તે હંમેશાં પૈસા જોઈને પાગલ થઈ જાય છે, સાહિલ ખૂબ સારી રીતે જાણતો હતો.
ક્યારેક ક્યારેક તે કહે છે, ‘‘મૌજ તારે લગ્ન પહેલાં તારા પપ્પાને મારી સેલરી પૂછી લેવાની હતી તો આજે આ અફસોસ ન થાત.’’

‘‘સોરીસોરી સાહિલ મારો એ અર્થ બિલકુલ નહોતો. તને તો ખબર છે કે હું હંમેશાં સમજ્યાવિચાર્યા વિના જ બોલી જાઉં છું… આગળપાછળ કંઈ જ વિચારતી નથી… સોરી સાહિલ માફ કરી દે.’’
કહીને તે આંખમાં આંસુ સાથે કાન પકડીને ઊઠકબેઠક કરવા લાગતી ત્યારે સાહિલને તેની નિર્દોષતા પર હસવું આવતું અને કહેતો,
‘‘અરે યાર, રડવાનું બંધ કર. તું પણ કમાલ કરે છે…
દિલદિમાગથી હજી બાળક છે. જા હમણાં સપનાની દુનિયામાં થોડો આરામ કરી લે…
મારી મેચ શરૂ થવાની છે… સાંજે ડ્રેગન કિંગમાં ડિનર કરવા જઈશું.’’
‘‘ખરેખર?’’ કહીને મૌજે આંસુ લૂછીને સાહિલને પોતાની આગોશમાં લઈ લીધો.

સાહિલ અને મૌજે ડ્રેગન કિંગમાં ડિનર લીધું, પણ મનોમન વિચારવા લાગ્યો કે દર ત્રીજા દિવસે આવું ચાલતું રહેશે તો દર મહિને ઘર ખર્ચ કરવો મુશ્કેલ થશે…
શું કરું કોઈ બીજી રીતે ખુશ પણ નથી થતી…
માત્ર પૈસા અને કિંમતી વસ્તુ જ તેને ગમે છે…
હજી એક વર્ષ પણ નથી થયું લગ્નને…
એકાઉન્ટ બેલેન્સ વધવાનું નામ જ નથી લેતું…

એક ડ્રેસ ખરીદ્યો છે તો તેને મેચિંગ ઝૂમખા, બંગડી, સેન્ડલ, જૂતી ખરીદે છે, નહીં તો તેની તમામ સહેલી મજાક ઉડાવે…
આ કેવી સહેલીઓ જે મિત્રની મજાક ઉડાવે…
તો તેમની સાથે મિત્રતા જ કેમ રાખવી? કંઈ સમજાતું નથી…
આ મહિલાનું મગજ છે…
કામધંધો કંઈ કરવા નથી બસ માત્ર પતિના પૈસે મોજમસ્તી.
તે મૌજને કેવી રીતે સમજાવે કે તેમના પતિ ઉચ્ચ નોકરિયાત અને બિઝનેસમેન છે…
તે કેવી રીતે પીછો છોડાવે આ ગોપીવાળી મહિલાઓથી…
તેને પણ બગાડી રહી છે… કંઈક તો કરવું જ પડશે.

‘‘અરે, સાહિલ , મોઢું લટકાવીને કેમ બેઠો છે. હજી લગ્નને વર્ષ પણ નથી થયું… ક્યારેક ઘરે આવ… મૌજને નીલમ યાદ કરી રહી હતી.’’ કહીને તેનો સિનિયર અમન કેન્ટીનમાં સાહિલની બાજુમાં આવીને બેસી ગયો અને પૂછવા લાગ્યો,
‘‘ઓર્ડર આપ્યો કે નહીં?’’
‘‘ના, બસ કોઈનો ફોન હતો.’’ કહીને સાહિલે સમોસા અને ચાનો ઓર્ડર આપ્યો.

‘‘બીજું બોલ મૌજ કેમ છે? ફરવા લઈ જાય છે કે નહીં… રજા લઈને ફરવા જા… દૂર નહીં તો જયપુર કે આગ્રા જ જઈ આવ.
હું અઠવાડિયા પહેલાં ગાયબ હતો ને તો હું અને નીલમ કોઈ લગ્નમાં જયપુર ગયા હતા. જયપુરમાં ૩ દિવસ રોકાયા… નીલમે ખૂબ એન્જોય કર્યું.’’
‘‘હા, હું પણ એ જ વિચારી રહ્યો છું કે તેનો કંટાળો બજેટમાં કેવી રીતે દૂર કરી શકાય.’’
‘‘અરે યાર, શું વાત કરી રહ્યો છે… અહીં સસ્તીમોંઘી દરેક પ્રકારની હોટલ છે… બાળક અને તેના અભ્યાસનો ખર્ચ નથી…’’
‘‘હા, એ તો છે પણ…’’ વેઈટર સમોસા અને ચા મૂકી ગયો.
‘‘છોડ પણ અને બણ આ જો પિંક સિટીના પિક્સ… કેટલા સરસ છે… એક વાર મૌજને બતાવી લાવ.’’
‘‘અમન એક વાત જણાવ, નીલમ ભાભી શું સિમ્પલ જ રહે છે… મોટાભાગના તે જ જૂતાચંપલ, ટીશર્ટ, ટ્રાઉઝર…
વાળ ક્યારેક બાંધેલા તો ક્યારે ખુલ્લા, ડાર્ક મેકઅપ નહીં, જ્વેલરી નહીં…
મૌજે તો ભાભી પાસેથી ટ્રેનિંગ લેવી જોઈએ…
તેની વિચારસરણીનું સ્ટાન્ડર્ડ વધારે ઊંચુ અને ખર્ચાળ થઈ ગયું છે.’’

‘‘એટલે?’’ ચા પીતાં અમને પૂછયું. ‘‘એટલે, જશે તો ગોવા, સિંગાપુર, બેંકોક તેમાંથી બહાર નહીં. દર ત્રીજા દિવસે નવા ડ્રેસ સાથે બધું મેચિંગ જોઈએ…
તેની સાથે મેકઅપથી લોટપોટ ચહેરામાં તે મારી પત્ની ઓછી શોકેસમાં સજેલી ઢીંગલી વધારે લાગે છે તેની અમીર સાહેલી જેવી…
તે સાદાઈ, સૌમ્ય પ્રતિમા કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ…
મહિનામાં ૫-૬ વાર તો તે ડ્રેગન કિંગમાં ખાવા જાય છે.
હવે તમે સમજો, આ સૌથી મોંઘી રેસ્ટોરન્ટ છે.

એક વારના ડિનરમાં ૨-૩ હજારનું બિલ બને છે… હજી પણ કંજૂસ કહેશો?’’

‘‘યાર, આ મૌજે અમીર સાહેલી ક્યાંથી બનાવી લીધી?’’
‘‘જરા વાત સમજો. મૌજે બ્યૂટિશિયનનો કોર્ષ કરેલો છે.
તેને તો જ્યાં જુઓ ત્યાં પોતાનું જ્ઞાન શો ઓફ કરવાનો ભારે શોખ છે…
બસ તે વાત શરૂ કરે તો બસ પૂરી જ નથી કરતી.
તેથી તેમને ફ્રીમાં ટિપ્સ મળી જાય છે.
તેમાં પણ તેને સિંગિંગનો પણ ઘણો શોખ છે.
તે તેના મધુર અવાજથી બધાની જીન બની ગઈ છે.
તેની દરેક સહેલીઓને ત્યાં પ્રોગ્રામ અને લેડીઝ સંગીત, પાર્ટીનું અવારનવાર નિમંત્રણ મળે છે.
હવે હાઈ સોસાયટીમાં જવું છે તો તેમના સ્ટાન્ડર્ડનું દેખાવું પણ છે.
હવે તો તેને કાર પણ ઓડી જ પસંદ આવે છે…
આ બઘામાં મારી સેલરી સ્વાહા થઈ રહી છે.’’

‘‘સારુ, તો ઐમ વાત છે… અરે, તું પણ પાગલ છે.’’ કહીને અમન હસવા લાગ્યો.
‘‘અરે, હોશિયાર મિત્ર પહેલાં મારી વાત સાંભળ…
મને લાગે છે મૌજની સ્કિલ જેમાં છે તે માટે તેણે તૈયાર થઈને રહેવું પડે…
બીજું, મૌજ બહાર કામ કરવા ઈચ્છે છે… તેં કામ કરવાની ના પાડી છે કે શું?’’
‘‘ના… તેને બસ શોખ છે, એવું લાગે છે. ૨ વ્યક્તિ માટે હમણાં મને ૪૦-૫૦ હજાર મળી રહ્યા છે… પૂરતા નથી કે શું? પછી ભવિષ્યમાં બેબી થશે તો તેની દેખરેખ કોણ રાખશે? હવે તો માતાપિતા પણ નથી રહ્યા.’’

‘‘કેવી નાસમજ વાત કરી રહ્યો છે… બેબી થશે તો ખબર નથી તેના હજાર ખર્ચ થશે. આજકાલ એકલાની સેલરી ગમે તેટલી વધી જાય ઓછી પડે છે… તેણે કોર્ષ શીખ્યો છે તો તે બીજા સુધી પહોંચે તે સારું છે… વધારે બેસી રહેવાથી દિમાગને ખુશ પણ કેવી રીતે રાખે કોઈ?’’
‘‘જોકે ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે, સાંભળ્યું જ છે ને તેં… તું સવારે ૯ વાગે ઘરેથી નીકળીને સાંજે ૬-૭ વાગે ઘરે આવે છે… આખો દિવસ તો ઘરનું કામ નથી હોતું તો પછી તે શું કરે. તું એવું કેમ નથી વિચારતો. ખાલી ઘર ખાવા દોડે છે… કોઈ વાત કરવાવાળું હોવું જોઈએ ને… આફ્ટર ઓલ મેન ઈઝ સોશિયલ એનિમલ…’’
‘‘મેં તેને મળવાની ના નથી પાડી, પણ તેમની ખોટી ટેવ તો ન અપનાવે. તેમની ખરાબ ટેવ તો ન અપનાવે. બનાવટી લોકોને નહીં સારા લોકોને મળે.’’
‘‘અરે, તેને શોખ છે તો તેને ચાર્જ લેવાની સલાહ આપ. જે તેની સ્કિલથી ખરેખર ફાયદો ઉઠાવવા માંગે છે. તે માટે પે કરશે… આ ફીલ્ડમાં ઘણા રૂપિયા છે સમજ… નીલમ પણ ક્યારેક-ક્યારેક કહે છે કે કદાચ, તેણે પણ ટીચિંગ સેન્ટરના બદલે બ્યૂટિપાર્લર શરૂ કર્યુ હોત તો સારું રહે.’’

‘‘અચ્છા?’’ ‘‘હવે તે દિવસ દૂર નથી, જ્યારે તમે બંને તમારી ઓડીમાં મિત્રો સાથે ડ્રેગન કિંગમાં ડિનરનું આયોજન રાખશો… અને ગોવા શું સીધા બેંકોક જશો.’’ કહીને અમન હસીને ઊભો થયો.
‘‘મૌજ, આગળનો રૂમ મમ્મીના ગયા પછી ખાલી પડ્યો છે. તું તેમાં ઈચ્છે તો બ્યૂટિપાર્લર શરૂ કરી શકે છે.’’
‘‘ખરેખર?’’ મૌજ ખુશ થઈ ગઈ,
‘‘હું તને કેટલાય દિવસથી કહેવા ઈચ્છતી હતી, પણ ડરતી હતી તને ખરાબ લાગશે… તેમાં મમ્મીપપ્પાની યાદો રહેલી છે.’’
‘‘મૌજ સારી યાદ તો દિલમાં વસી હોય છે. તે હંમેશાં આપણી સાથે રહે છે… છોડ આ બધું તું તારો શોખ પૂરો કરીશ અને આવક પણ થશે. સુંદર દેખાવાની શોખીન છોકરીઓ, મહિલાઓ જાતે તારી પાસે આવશે… વાત કરવા માટે કોઈ હશે તો ખુશ પણ રહીશ. ઘરમાં નાનુ મહેમાન આવવાથી તેનું ધ્યાન પણ રાખી શકીશ… તેની સાથે પણ રહી શકીશ… મને પણ ચિંતા નહીં રહે.’’ કહીને સાહિલે મૌજના ગાલ ચૂમી લીધા.

થોડી વાર પછી સાહીલ ફરી બોલ્યો, ‘‘તારી આસપાસ અમીર મહિલાઓ સાથે મિત્રતા થઈ ગઈ છે. તારો શોખ પૂરો કરવા માટે તારે તેમની પાસે નહીં, તેમને જ તારી પાસે આવવું પડશે. તારું પાર્લર સારું ચાલશે,.. તેમના કામથી જાય તો વિઝિટિંગ ચાર્જ લેજે… તારું મન પણ લાગશે અને આવક પણ થશે… સમજ કે થોડી મહેનત કરીશ તો બસ તારી ઓડી આવી શકે છે. તું પણ ગોવા, બેંકોક ફરવા જઈ શકે છે.’’
‘‘ઓડી, બેંકોક… સાચે સાહિલ આવું થશે?’’ મૌજ સાહિલ સામે જોઈને બોલી.

જવાબમાં સાહિલે પાંપણ ફરકાવી.
તો તે બેભાન થવાનું નાટક કરતા સાહિલની આગોશમાં જઈને હસવા લાગી.
આજે સાહિલને સોમ્ય મૌજ દેખાતી હતી.
બાળક જેવી નિર્દોષ.
‘‘બસ આટલી જ વાત હતી… પહેલાં કેમ સમજાયું નહી.’’
તેણે પોતાના માથા પર હાથ માર્યો.

ડહાપણની દાઢ

કટાક્ષિકા – લીના ખત્રી.

હું બાળપણથી સાંભળીસાંભળીને કંટાળી ગઈ હતી કે તારામાં તો બિલકુલ બુદ્ધિ જ નથી.
એક દિવસ જ્યારે હું આ વાતથી ચિડાઈને રડમશ થઈ ગઈ ત્યારે મારા ફોઈએ મને ખૂબ જ પ્રેમથી સમજાવી,
‘‘દીકરી, હજી તું નાની છે, પણ જ્યારે તું મોટી થઈશ ત્યારે તને ડહાપણની દાઢ આવશે અને તે સમયે તને કોઈ નહીં કહે કે તારામાં અક્કલ નથી.’’
ફોઈની વાત સાંભળીને મારા ચહેરા પર હાસ્ય આવી ગયું અને હું રડવાનું બંધ કરીને રમવા ગઈ.
હવે હું આશ્વસ્ત હતી કે એક ને એક દિવસ મને પણ અક્કલ આવશે જ અને જેાતજેાતામાં હું મોટી થઈ ગઈ અને રાહ જેાતી રહી કે હવે તો મને જલદી ડહાપણની દાઢ આવશે.

આ દરમિયાન મારા લગ્ન પણ થઈ ગયા.
હવે સાસરીમાં પણ તે જ મહેણાં સાંભળવા મળતા કે તારામાં તો અક્કલ જ નથી.
માએ કંઈ શિખવાડ્યું જ નથી.
આ બધું સાંભળતાંસાંભળતાં સમય વીતતો ગયો, પણ ડહાપણની દાઢ ન આવી.
હવે જ્યારે ૪૦ વર્ષ પસાર કરી લીધા તો મેં આશા છોડી દીધી, પણ એક દિવસ મારી ચાવવાની દાઢમાં પીડા થવા લાગી.
આ પીડા એટલી અસહ્ય હતી કે તેના લીધે મારા ગાલ, કાન અને માથું પણ દુખવા લાગ્યા.
હું પીડાથી બેહાલ ગાલ પર હાથ મૂકીને ઓહ ઓહ કરતી ફરતી હતી.

જેણે પણ મારા દાંતના દુખાવા વિશે સાંભળ્યું તેણે કહ્યું, ‘‘અરે, તારી ડહાપણની દાઢ આવી રહી છે, એટલે જ આટલી પીડા થઈ રહી છે.’’
હું ખૂબ ખુશ થઈ કે ચાલો મોડા આવી પણ આવી તો ખરી, હવે મને પણ અક્કલ આવી જશે, પણ જ્યારે પીડાથી હાલત ખરાબ થઈ ગઈ ત્યારે મેં વિચાર્યું કે તેના કરતા તો અક્કલ વગર જ ઠીક હતી.
ડેન્ટિસ્ટ પાસે ગઈ તો તેણે જણાવ્યું તમારી છેલ્લી દાઢ કેવિટીના લીધે સડી ગઈ છે. તેને કાઢવી પડશે.
મેં ઉત્સાહમાં આવીને પૂછ્યું, ‘‘શું આ મારી ડહાપણની દાઢ હતી?’’
મારા આ સવાલ પર ડેન્ટિસ્ટ સાહેબ હસીને બોલ્યા, ‘‘હા મેડમ, આ તમારી ડહાપણની દાઢ હતી.’’
હવે બોલો મોડા આવી અને ક્યારે આવી તે મને પણ ખબર ન પડી અને સડી ગઈ.
પીડા સહન કરવાથી સારું તો એ જ હતું કે તેને પડાવી દઉં.

ડેન્ટિસ્ટે ત્રીજ દિવસે બોલાવી હતી તો હું ત્રીજા દિવસે દાઢ પડાવવા પહોંચી ગઈ.
ત્યાં દાંતની પીડાથી પીડિત, અન્ય લોકો પણ બેઠા હતા, જેમાં એક નાની ૫ વર્ષની છોકરી પણ હતી.
તેના સામેના દૂધના દાંતમાં કેવિટી હતી.
તે પણ દાંત પડાવવા માટે આવી હતી.
મેં તેનું નામ પૂછ્યું તો તે કંઈ ન બોલી.
બસ તે તેનું મોં પકડીને બેસી રહી.
તેની મમ્મીએ જણાવ્યું કે ૩ દિવસથી પીડાથી હાલત ખરાબ છે.
પહેલાં તો દાંત પડાવવા તૈયાર નહોતી, પણ જ્યારે પીડા વધવા લાગી ત્યારે બોલી ચાલ, દાંત પડાવવા.

મારો નંબર તે છોકરી પછી જ હતો.
પહેલાં તેને બોલાવી અને બેભાન કરવાનું ઈંજેક્શન માર્યું, જેથી તેના પૂરા મોં પર સોજેા આવી ગયો.
હવે મારો વારો હતો.
આમ તો તમે જાણી લો કે હું દેખાવે સ્થૂળ છું, પણ મારું દિલ એકદમ ઉંદર જેવું છે.
ભલે, મને પણ ઈંજેક્શન માર્યું અને ૧૦ મિનિટ પછી આવવાનું કહ્યું.
હું મોં પકડીને ત્યાં જ સોફા પર બેસી ગઈ.

હજી મને ચક્કર આવતા ૧૦ મિનિટ જ થઈ હતી કે મને ફરી અંદર બોલાવી અને મારી ડહાપણની દાઢ કાઢી નાખી.
જ્યારે દાઢ કાઢી ત્યારે મને પીડાનો અહેસાસ ન થયો, પણ ડેન્ટિસ્ટે દાઢની ખાલી જગ્યા પર રૂ લગાવી દીધું.
તેની પર લગાવેલી દવાનો સ્વાદ એટલો ગંદો હતો કે મેં ત્યાં ઊલટી કરી દીધી.
તેની પર નર્સે મને ગુસ્સા ભરી નજરથી જેાઈ તો હું ગાલ પકડીને બહાર આવી ગઈ.

મારો નાનો દીકરો મારી સાથે હતો, તેણે જણાવ્યું કે ડેન્ટિસ્ટ અંકલે કહ્યું છે કે ૧ કલાક સુધી રૂ કાઢવાનું નથી.
ખૂબ જ મુશ્કેલીથી એ સમય પસાર થયો અને પછી મને આઈસક્રીમ ખાવા મળ્યો.
એક બાજુથી સોજેા આવેલા મોંથી આઈસક્રીમ ખાતા હું ખૂબ જ ફની લાગતી હતી.
બાળકો મારો ચહેરો જેાઈને હસતા હતા. હવે મેં જે પીડા સહન કરી તે કરી, પણ આ તો મારી સાથે ખૂબ જ મોટો અન્યાય થયો ને કે જેા ડહાપણની દાઢની વર્ષોથી રાહ જેાતી રહી તે આવી પણ કેવી આવી.
જે પણ હોય હું તો રહી ગઈને અક્કલ વગર.

આઘાત

વાર્તા – પલ્લવી પુંડીર.

હેવલુક અંદામાનનો એક ટાપુ છે.
અહીં કેટલાય નાનામોટા રિસોર્ટ્સ છે.
વધતી જનસંખ્યાએ શહેરમાં કુદરતને નષ્ટ કરી દીધી છે, તેથી કુદરતને માણવા લોકો પૈસા ખર્ચીને ઘરથી દૂર અહીં આવે છે.
૧ વર્ષથી સૌરભ ‘સમંદર રિસોર્ટ’ માં સીનિયર મેનેજરના હોદ્દા પર કામ કરતો હતો.
રાતની શાહી ચાદર ઓઢીને સમુદ્ર પાસે બેસવું તેને ખૂબ ગમતું હતું.
રિસોર્ટની નજીક એક બીચ પણ હતો, તેથી તેણે દૂર નહોતું જવું પડતું.
પોતાનું કામ પૂરું કરી તે અહીં આવીને બેસી જતો હતો.
લોકો ઘણી વાર તેને પૂછતા કે તે અહીં રાત્રે જ કેમ બેસે છે? સૌરભનો જવાબ હોય, ‘‘રાતની શાંતિ, તેની ખામોશી મને ખૂબ ગમે છે.’’
તે તેના જીવનથી ભાગીને દૂર અહીં આવી તો ગયો હતો, પણ તેની યાદોથી પીછો છોડાવવો એટલું સરળ નહોતો.
આજે સવારે જ્યારથી પ્રજ્ઞાનો ફોન આવ્યો તે સમયથી સૌરભ પરેશાન હતો.
રાતના અંધારામાં તેના જીવનની યાદો તેની સામેથી ચલચિત્રની જેમ પસાર થઈ રહી હતી…

૪ વર્ષ પહેલાં જ્યારે સૌરભ અને શાલિનીના લગ્ન થયા હતા ત્યારે તેને લાગ્યું હતું જાણે તેણે જેાયેલું સપનું હકીકતનું રૂપ લઈને આવ્યું છે.
શાલિની અને સૌરભ ગોવામાં ૨ અઠવાડિયા હનીમૂન મનાવીને નવા જીવનની શરૂઆત કરવા દિલ્લી આવ્યા.
આટલી સારી નોકરી, શાલિની જેવી સુંદર અને સમજદાર છોકરી પત્ની રૂપે મેળવીને સૌરભ જાણે વાદળો પર સવાર હતો.
પણ સૌરભ ભૂલી ગયો હતો કે વાદળ એક ને એક દિવસ વરસે છે અને પોતાની સાથે બધું વહાવીને લઈ જાય છે.
લગ્નના ૧ વર્ષમાં જ સૌરભ તેનું અને શાલિની વચ્ચેનું અંતર જાણી ગયો.

શાલિની સુંદર હોવાની સાથેસાથે બોલ્ડ વિચારોવાળી હતી, સૌરભના વિચારોથી તદ્દન વિપરીત.
તેને ખુલ્લા હાથે ખર્ચ કરવાની ટેવ હતી, પણ સૌરભ ઓછો ખર્ચાળુ હતો.
નાનામોટા ઝઘડા તેમની વચ્ચે થતા રહેતા હતા, જેમાં જીત હંમેશાં શાલિનીની થતી હતી.
શાલિનીના વ્યક્તિત્વ સામે જાણે સૌરભનું વ્યક્તિત્વ નાના કદનું થઈ ગયું હતું.
રાત ની અંતરંગ પળોમાં પણ શાલિની સૌરભને અનેક ફરિયાદ કરતી હતી.
તેના કહેવા મુજબ સૌરભ તેને સંતુષ્ટ નથી કરતો.
શાલિનીને પાર્ટીમાં જવું ગમતું હતું, બીજી તરફ સૌરભને ત્યાં ગમતું નહોતું, પરંતુ શાલિનીની જિદ્દ આગળ તે તમામ પાર્ટીમાં જતો હતો.
પાર્ટીમાં ગયા પછી શાલિની ભૂલી જતી હતી કે તે અહીં સૌરભ સાથે આવી છે.

એક એવી જ પાર્ટીમાં સૌરભની કંપનીનો એક ક્લાયન્ટ વિમલ આવ્યો હતો.
તે શાલિનીનો કોલેજનો મિત્ર હતો તથા મોટા ઉદ્યોગપતિનો એકનો એ છોકરો હતો.
તેને મળીને તો શાલિની ભૂલી જ ગઈ કે પાર્ટીમાં અન્ય લોકો પણ છે.
વાત કરતા વિમલના હાથનો શાલિનીના ખભા પર સ્પર્શ થવો સૌરભને નહોતો ગમ્યો, પણ તેણે શાલિનીને પાર્ટીમાં કંઈ જ ન કહ્યું.

ઘરે આવીને સૌરભે શાલિની સાથે વાત કરી તો તે ગુસ્સે થઈ, ‘‘તારી વિચારસરણી જુનવાણી છે… સાચે જ, કોન્વેંટ સ્કૂલમાં ભણવાથી અંગ્રેજી તો આવડી જાય છે, પણ માનસિકતા જ નિમ્ન હોય તો શું કરવું?’’
‘‘શાલુ, તે વિમલ ખૂબ જ બદનામ વ્યક્તિ છે. તું જાણતી નથી…’’
‘‘મારે જાણવું પણ નથી… જે સફળ ન થઈ શકે તે બીજની સફળતા જેાઈને આ જ રીતે ચિડાય છે.’’ સૌરભ વાતને લાંબી કરવા નહોતો ઈચ્છતો. તેથી ચુપ થઈ ગયો.

બીજા દિવસે શાલિનીની તબિયત સારી નહોતી તો સૌરભે તેને પરેશાન ન કરી અને નાસ્તો કર્યા વગર ઓફિસ ગયો.
બપોરે શાલિનીની તબિયત પૂછવા સૌરભ લેન્ડલાઈન પર સતત ફોન કરતો રહ્યો, પણ શાલિનીએ ફોન ન ઉઠાવ્યો.
મોબાઈલ પણ શાલિનીએ ઓફ રાખ્યો હતો.
ઘણા પ્રયાસ પછી શાલિનીનો ફોન લાગ્યો. ‘‘શું થયું શાલિની? તું ઠીક તો છે ને? હું કેટલી વારથી લેન્ડલાઈન પર ફોન કરી રહ્યો હતો… તેં મોબાઈલ પણ ઓફ રાખ્યો હતો.’’
‘‘હા, હું ઠીક છું. વિમલે લંચ માટે બોલાવી હતી… ત્યાં ગઈ હતી… મોબાઈલની બેટરી ઊતરી ગઈ હતી.’’
‘‘શું… વિમલ સાથે…’’
‘‘હા, કેમ?’’
‘‘મને કહી તો શકતી હતી…’’
‘‘હવે શું આટલી નાની વાત માટે પણ તારી મંજૂરી લેવી પડશે?’’
‘‘વાત મંજૂરીની નથી. માહિતી આપવાની છે. હું જાણતો હોત તો આટલો ચિંતિત ન થાત.’’ ‘‘તને તો પરેશાન થવાનું બહાનું જેાઈએ સૌરભ.’’
‘‘ભલે, છોડ શાલિની… ઘરે વાત કરીશું.’’ રિસીવર મૂકીને સૌરભ વિચારવા લાગ્યો કે સવાર સુધી તો શાલિની ઊઠવાની હાલતમાં પણ નહોતી અને બપોરે એટલી સારી થઈ ગઈ કે બહાર લંચ કરવા ગઈ.
ફોન પર પણ તેનો વ્યવહાર સૌરભને જખમી કરી ગયો હતો.

રાત્રે તેણે શાલિની સાથે આ વિશે વાત કરવાનું નક્કી કરી લીધું.
પણ રાત્રે તો શાલિનીનો વ્યવહાર એકદમ બદલાયેલો હતો.
તેણે ઘરને સજાવેલું હતું.
ટેબલ પર એક કેક તેની રાહ જેાઈ રહી હતી.
‘‘શાલિની, આ બધું શું છે? આજે કોનો જન્મદિન છે?’’
‘‘કેક કાપવા માટે કોઈ અવસરની રાહ કેમ જેાવી… પોતાના પ્રેમને સેલિબ્રેટ કરવા માટે કેક ન કાપી શકાય કે શું?’’

શાલિનીની નશીલી આંખોમાં સૌરભ ડૂબી ગયો હતો.
બંનેએ સાથે કેક કાપી, પછી શાલિનીએ તેના હાથથી સૌરભને ડિનર કરાવ્યું.
શાલિનીએ પહેલાંથી બધું નક્કી કરી રાખ્યું હતું.
સ્લો મ્યૂઝિક વાતાવરણને વધારે રોમેન્ટિક બનાવી રહ્યું હતું.
તે રાત્રે બંનેએ એકબીજાને ખૂબ પ્રેમ કર્યો.
વહેલી સવારે શાલિની ઊઠીને નહાવા ગઈ.
હજી તે ડ્રેસિંગટેબલ પાસે પહોંચી હતી કે સૌરભે તેને પાછળથી આગોશમાં લીધી અને ચુંબનની વર્ષા કરી દીધી.
‘‘અરે છોડ ને, શું કરે છે? પૂરી રાત મસ્તી કરી છે, તેમ છતાં તારું મન ભરાયું નથી.’’ શાલિની બોલી.
‘‘હું તને જેટલો પ્રેમ કરું છું, તેટલો વધારે પ્રેમ કરવાનું મન થાય છે.’’
‘‘સારું… જેા હું આજે કંઈ માંગું તો આપીશ?’’
‘‘જીવ માંગ, પણ હમણાં મને પ્રેમ કરવા દે.’’
‘‘અરે, આટલી બેચેની… સારું સાંભળ, મેં નોકરી કરવાનો નિર્ણય લીધો છે.’’ ‘‘અરે, હું તો તને કહી ચૂક્યો છું… ઘરે બેસીને કંટાળી જવાથી તો સારું છે… સારું સમજી ગયો. સારું તું ઈચ્છે છે તો હું તારી નોકરી માટે કોઈને વાત કરીશ.’’
‘‘ના… મને નોકરી મળી ગઈ છે.’’
‘‘મળી ગઈ, ક્યાં?’’
‘‘વિમલે મને તેની ઓફિસમાં કામ કરવાની ઓફર આપી અને મેં સ્વીકારી લીધી.’’ સૌરભ સમજી ગયો હતો વિરોધ નકામો છે.

શાલિની તેને પૂછી નહોતી રહી, પણ તેને જણાવી રહી હતી.
સૌરભે શાલિનીને ભેટીને અભિનંદન આપ્યા અને તે પછી બંને એકબીજામાં સમાઈ ગયા.
શાલિનીએ વિમલની ઓફિસમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
ઓફિસના કામથી બંનેે કેટલીય વાર શહેરની બહાર જતા હતા, પણ સૌરભને ક્યારેય તેમની પર શંકા ન ગઈ, કારણ કે શંકા કરવા જેવું કંઈ નહોતું.
વિમલ સાથે દરેક ટૂરમાં તેની પત્ની રમા જતી હતી.
શાલિની તો હંમેશાં સૌરભ સાથે વિમલ અને રમાના પ્રેમની ચર્ચા પણ કરતી હતી.
એક આવી જ ટૂરમાં વિમલ અને રમા સાથે શાલિની પણ ગઈ.

આમ તો આ એક ઓફિશિયલ ટૂર હતી, પણ મનાલીની સુંદરતાએ તેમનું મન મોહી લીધું.
નક્કી થયું કે હમણાં ત્રણેય જશે.
સૌરભ પાછળથી તેમની સાથે સામેલ થવાનો હતો.
મીટિંગ પછી વિમલ અને શાલિની પાછા આવી રહ્યા હતા.
વિમલને ડ્રાઈવ કરવું ગમતું હતું, તેથી તે હંમેશાં ગાડી ચલાવતો હતો.
અચાનક એક સૂમસામ સ્થળે તેણે ગાડી ઊભી રાખી.
‘‘શું થયું વિમલ, ગાડી ખરાબ થઈ ગઈ કે શું?’’
‘‘ગાડી નહીં મારી દાનત ખરાબ થઈ છે અને તેનું કારણ તું છે શાલિની.’’
‘‘હું… હું કેવી રીતે?’’ શાલિનીએ નિર્દોષતાનું નાટક કરતા પૂછ્યું.
‘‘તું આટલી સુંદર છે તો તારી પ્રેમ કરવાની રીત પણ સુંદર હશે ને?’’ કહીને વિમલે શાલિનીનો હાથ પકડી લીધો.

‘‘મને તારી સમીપ આવવા દે… તેમાં આપણા બંનેનો જ ફાયદો છે.’’
‘‘તું પાગલ થઈ ગયો છે વિમલ?’’ શાલિનીએ હાથ છોડાવવાનું નાટક કર્યું.
‘‘ના શાલિની, હજી પાગલ નથી થયો, પણ જેા તું ન મળી તો જરૂર થઈ જઈશ.’’
‘‘ના… ના… કોઈને પાગલ કરવાનો દોષ હું મારી પર કેમ લઉં?’’
‘‘તો પછી આપણે આ હોઠને…’’ વાત અધૂરી મૂકીને વિમલ શાલિનીને તેની આગોશમાં લેવાનો પ્રયાસ કરવા લાગ્યો.
‘‘અરે… અરે… ઊભો રહે. આટલી જલદી શું છે? પહેલાં એ તો નક્કી થઈ જાય કે તેમાં મારો ફાયદો શું છે?’’
‘‘તું જે ઈચ્છે… હું તો તારો ગુલામ છું.’’

શાલિની સમજી ગઈ હતી, લોખંડ ગરમ છે અને તેની પર મારવાનો આ યોગ્ય સમય છે, તેથી બોલી, ‘‘મને નવા પ્રોજેક્ટની હેડ બનાવી દે વિમલ. બોલ, મારા માટે શું આ કરી શકીશ?’’
‘‘બસ, સમજ બનાવી દીધી.’’
‘‘મને ખોટી ન સમજ વિમલ, પણ હું આ રીતે જ તારી વાત પર વિશ્વાસ…’’
‘‘એવું છે તો પછી આ લે.’’ કહીને તે જ સમયે તેની સામે ઓફિસમાં ફોન કરીને શાલિનીની ઈચ્છાનો અમલ કર્યો.
જ્યારે શાલિનીના મનની વાત થઈ ગઈ ત્યારે વિમલના મનની વાત કેવી રીતે અધૂરી રહેતી.
તે દિવસ પછી વિમલ અને શાલિની વધારે નજીક આવી ગયા.
બંને સાથે ફરતા, ખાતાંપીતાં અને પૂરી રાત મસ્તી કરતા.
રમા હોટલના રૂમમાં એકલી પડી રહી, પણ તેણે વિમલને ક્યારેય આ વિશે કંઈ ન પૂછ્યું.

૨ અઠવાડિયા પછી તે લોકો દિલ્લી પાછા આવ્યા હતા.
સૌરભને ઓફિસમાંથી રજા નહોતી મળી, તેથી તેની મનાલીની ટૂર કેન્સલ થઈ હતી.
આ વાતનું બહાનું બનાવીને શાલિનીએ સૌરભ સામે ખોટી નારાજગીનું નાટક કર્યું હતું.
‘‘વિમલ અને રમા સાથે ફરતાં… હું હોટલમાં એકલી રૂમમાં પડખા ફેરવતી રહેતી.’’
સૌરભ બિચારો માફી માગતો રહ્યો અને પછી શાલિનીને મનાવવા માટે તેને ગમતી કિંમતી ગિફ્ટ લાવીને આપતો…
તેમ છતાં શાલિની અવારનવાર તે વાતને પકડી રાખતી હતી.
મનાલી થી પાછા આવીને શાલિનીની ચાલચલગત અને મિજાજ સતત બદલાઈ રહ્યા હતા.
હવે તો તે હંમેશાં ઘરે મોડા આવવા લાગી અને કેટલીય વાર તો તેના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી.
શાલિની હંમેશાં બહાર ખાઈને આવતી હતી.
કુક સૌરભ માટે ખાવાનું બનાવીને જતો રહેતો હતો.
જ્યારે તે ઘરે આવતી ત્યારે તેના કપડાં, બગડેલો મેકઅપ પણ તેની ફરિયાદ કરતા હતા, પણ સૌરભે તો જાણે તેની આંખ બંધ કરી લીધી હતી.
તેને તો લાગતું હતું કે તે શાલિનીને સમય આપતો નથી, તેથી તે તેનાથી દૂર થઈ રહી છે.

એક દિવસ શાલિનીએ તેને જણાવ્યું કે વિમલ અને રમા આગ્રા ફરવા જાય છે અને આપણને પણ કહ્યું છે.
સૌરભને આ વખતે પણ રજા નહોતી મળી.
સૌરભના સમજાવવા પર શાલિની વિમલ અને રમા સાથે ગઈ.
બધું શાલિનીની મરજીથી થઈ રહ્યું હતું, તેમ છતાં તેણે તેની વાતથી સૌરભને ગુનેગાર બનાવી દીધો હતો.
ગાડીમાં આગળની સીટ પર વિમલની બાજુમાં બેસેલી શાલિની સૌરભની મૂર્ખામી પર હસી રહી હતી.
‘‘હવે બસ કર શાલિની ડાર્લિંગ… બિચારો સૌરભ… હાહાહા.’’
‘‘ચાલ છોડ. તું એ કહે તને ગાડીમાં જવાનું કેમ સૂઝ્યું?’’
‘‘દિલ્લી અને આગ્રા વચ્ચેનું અંતર છે જ કેટલું અને આમ પણ લોંગ ડ્રાઈવમાં રોમાન્સની મજા જ અલગ છે જાન.’’ અને બંને સાથે હસવા લાગ્યા.
રમા પાછળની સીટ પર બેસીને તેમની આ બેશરમીની દર્શક બની રહી.

સૌરભને બીજા દિવસે જ રજા મળી હતી, પણ તે શાલિનીને સરપ્રાઈઝ આપવા માગતો હતો. તેથી શાલિનીને જણાવ્યા વગર આગ્રા પહોંચી ગયો.
લાંબાંલાંબાં ડગ ભરતા તે હોટલમાં શાલિનીના રૂમ તરફ આગળ વધ્યો.
તેના હાથમાં ખૂબસૂરત ફૂલનો ગુલદસ્તો હતો.
દિલમાં શાલિનીને ખુશ કરવાની ઈચ્છા લઈને તે રૂમનો દરવાજેા ખખડાવવાનો જ હતો કે રૂમની અંદરથી આવતો અવાજ શાલિની અને કોઈ પુરુષના હાસ્યથી તે આશ્ચર્યચકિત થયો.

સૌરભ દરવાજેા ખખડાવવા લાગ્યો. અંદરથી આવેલા અવાજે તેને સ્તબ્ધ કરી દીધો હતો.
‘‘કોણ છે… ડૂ નોટ ડિસ્ટર્બનું બોર્ડ દેખાતું નથી કે શું? જા હમણાં મારી જાનેમન સાથે બિઝી છું.’’ પણ સૌરભ દરવાજેા ખખડાવતો હતો.
દરવાજેા ખૂલતા જ અંદરનો નજારો જેાઈને સૌરભને ચક્કર આવ્યા.
બેડ પર તેની અર્ધનગ્ન પત્ની તેને અપરિચિત નજરથી જેાઈ રહી હતી.
જમીન પર પડેલા તેના કપડાં સૌરભની મજાક ઉડાડી રહ્યા હતા.
ક્યાંક કોઈ ખૂણામાં લગ્નનું બંધન મૃત પડ્યું હતું.
તેનો વિશ્વાસ તેની આ સ્થિતિ પર ડૂસકાં ભરતો હતો અને પ્રેમ તે તો પાછળના દરવાજેથી ક્યારનો બહાર જતો રહ્યો હતો.

‘‘શાલિની…’’ સૌરભે ચીસ પાડી. પણ શાલિની ચોંકી નહીં. બસ તેણે વિમલને રૂમની બહાર જવાનો ઈશારો કર્યો અને તે પડખું ફેરવીને છત બાજુ જેાતી સિગારેટ પીવા લાગી.
‘‘શાલિની… હું તારી સાથે વાત કરી રહ્યો છું. તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે છે?’’ સૌરભે ફરીથી ચીસ પાડી.
આ વખતે તેનાથી પણ જેારથી ચીસ પાડી શાલિની, ‘‘કેમ… તારી સાથે આ કેમ ન કરી શકું? એવું છે શું તારામાં જે મને બાંધી શકે?’’
‘‘તું… વિમલને પ… પ… પ્રેમ કરે છે?’’
‘‘પ્રેમ… હા… હા… તું એટલો મૂરખ છે સૌરભ, તેથી તારી પ્રગતિ આટલી સ્લો છે… આ લેવડદેવડની દુનિયા છે.

વિમલે મને કંઈક આપ્યું છે તો બદલામાં ઘણું બધું લીધું છે.
કાલે જેા તેનાથી પણ સારો ઓપ્શન મળશે તો તેને છોડી દઈશ.
આમ પણ એક વાત કહું બેડમાં પણ તે તારાથી બેસ્ટ છે.’’
‘‘તું કેટલી નિમ્ન મહિલા છે, તેની સાથે પણ દગો…’’
‘‘અરે મૂરખ, વિમલ જેવા અમીર પરિણીત પુરુષના સંબંધ વધારે લાંબા ચાલતા નથી. તે મારાથી બેસ્ટ ઓપ્શનની શોધમાં હશે. જ્યાં સુધી સાથે છે.’’
‘‘તને શરમ નથી આવતી?’’
‘‘શરમ કેવી પતિ… આ વેપાર છે… શુદ્ધ વેપાર.’’
‘‘શાલિની…’’ ‘‘અવાજ ધીરે સૌરભ. બેડ પર ઉંદર પુરુષ આજે શેર બનવાની એક્ટિંગ કરી રહ્યો છે.’’ સૌરભ રડતાંરડતાં બોલ્યો,
‘‘શાલિની, મારી સાથે આવું ન કર. હું તને ખૂબ પ્રેમ કરું .છું.’’
‘‘સૌરભ, તું મારો ઘણો સમય બરબાદ કરી ચૂક્યો છે. હવે ચુપચાપ પાછો જા.. બાકીની વાત ઘરે થશે.’’

‘‘હા… હા… જેાઈશું… આમ પણ મારું કામ સરળ કરવા માટે આભાર.’’ કહીને બહાર નીકળતા સૌરભ રમા સાથે અથડાઈ ગયો.
‘‘તમે બધું જાણતા હતા ને.’’ તેણે પૂછ્યું.
‘‘હા, હું તે પડદો છું, જેનો ઉપયોગ કરીને તે બંને તેમના સંબંધને ઢાંકવાનું કહેતા હતા.’’
‘‘તમે આટલા શાંત કેમ છો?’ ’
‘‘તમને શું લાગે છે શાલિની મારા પતિના જીવનમાં આવેલી પહેલી મહિલા છે? તે પહેલી નથી અને છેલ્લી પણ નથી.’’
‘‘તમે કંઈ કરતા કેમ નથી? આ અન્યાય ચુપચાપ કેમ સહન કરો છો?’’
‘‘તમે શું કરી લીધું? શાલિનીને સુધારી લીધી?’’
‘‘હું તેને છૂટાછેડા આપી રહ્યો છું…’’
‘‘હા… પણ હું તે નથી કરી શકતી.’’
‘‘કેમ, હું જાણી શકું છું?’’
‘‘કારણ કે હું ભૂલી ગઈ છું કે હું એક મહિલા છું, કોઈની પત્ની છું. બસ એટલું યાદ છે કે હું ૨ નાની બાળકીની મા છું. આમ પણ આ દુનિયા હવસખોરથી ભરેલી છે અને મારામાં એટલી હિંમત નથી કે હું પોતાને અને મારી દીકરીને તેમનાથી બચાવી શકું.’’

‘‘માફ કરો રમા તમારી કાયરતાને તમારી મજબૂરીનું નામ ન આપો. જે દીકરી માટે તમે આ બધું સહન કરી રહ્યા છો તેમના માટે જ તમને પ્રાર્થના કરું છું, તેમની સામે એક ખોટું ઉદાહરણ ન બનો. આ બધું સહન કરીને તમે ૨ નવી રમત તૈયાર કરી રહ્યા છો.’’ મહિલાના આ બંને રૂપથી સૌરભને ઘૃણા થઈ ગઈ હતી.
એક અન્યાય કરવો પોતાનો અધિકાર સમજતી હતી તો બીજી અન્યાય સહન કરવાને પોતાની ફરજ.
દિલ્લી છોડીને સૌરભ એટલે દૂર અંદામાન આવી ગયો હતો.
કોર્ટમાં તેનો કેસ ચાલતો હતો.
દર તારીખે સૌરભ દિલ્લી જતો હતો.
શાલિનીએ તેની પર સેક્સ સુખ ન આપવાનો આરોપ મૂક્યો હતો.
સૌરભ તેના જીવનમાં આવેલા આ ત્રાસથી છેતરાઈ ગયો હતો, પણ શાલિની જીવનમાં નિતનવા વિકલ્પ શોધીને સતત પ્રગતિની સીડીઓ ચઢતી હતી.

આજે સવારે પ્રજ્ઞા, જે સૌરભની વકીલ હતી, તેનો ફોન આવ્યો હતો.
કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી હતી, પણ તેના બદલામાં શાલિનીએ સારી એવી કિંમત વસૂલી હતી.
આર્થિક નુકસાન તો જલદી ભરપાઈ થઈ જશે, પણ માનસિક અને ભાવનાત્મક જખમ ઠીક થવામાં સમય તો લાગશે જ.
સૌરભ તેના જીવનના ટુકડા ભેગા કરીને દરિયા કિનારે બેસીને રેતી પર આ પંક્તિ લખતો હતો : ‘‘કરમાયેલા છોડને વરસાદની આશા છે, અમૃતની નહીં, પાણીની તરસ છે, મંજિલની નહીં માર્ગની શોધ છે.’’

એક બીજું આકાશ

વાર્તા – કુસુમ અગ્રવાલ.

પતિ ક્ષિતિજના ઓફિસ ગયા પછી માનસી આકાશના ઘરે આવવાની રાહ કેમ જેાતી હતી? તે બંને વચ્ચે શું સંબંધ હતો, જેનાથી ક્ષિતિજ અજાણ હતો…
અચાનક શરૂ થયેલા વરસાદે મોસમ ખુશનુમા બનાવી દીધી હતી.
માનસીએ બારીની બહાર જેાયું.
વૃક્ષછોડ પર ઝરમરતું પાણી તેમનું રૂપ નિખારી રહ્યું હતું.
આ મોસમમાં માનસીને મન થયું કે વરસાદમાં તે પણ પોતાનું તનમન ભીંજવી લે.
તેની દિનચર્યા તેણે અટકાવી દીધી. જાણે કહેતી હોય કે અમને છોડીને ક્યાં ચાલી નીકળી.
પહેલાં અમને તો મળી લે.
રોજ આ ત્રણ કામ.
હું કંટાળી ગઈ છું આ બધાથી.
સવારસાંજ બંધન જ બંધન. ક્યારેક તનનું, ક્યારેક મનનું.
જા હું તને નહીં મળું.
મનોમન નક્કી કરીને માનસીએ કામકાજ છોડીને વરસાદમાં ભીંજવાનું નક્કી કર્યું.

ક્ષિતિજ ઓફિસ ગયો હતો અને માનસી ઘરમાં એકલી હતી.
જ્યાં સુધી ક્ષિતિજ ઘરમાં રહેતો હતો, તે કોઈ ને કોઈ હલનચલન કરતો રહેતો હતો અને પોતાની સાથે માનસીને પણ તેમાં ગૂંચવેલી રાખતો હતો.
જેાકે માનસીને આ વાતથી કોઈ મુશ્કેલી નહોતી અને તે ખુશીખુશી ક્ષિતિજનો સાથ નિભાવતી હતી.
તેમ છતાં તે ક્ષિતિજના ઓફિસ ગયા પછી સ્વયંને બંધનમુક્ત અનુભવતી હતી અને મનફાવે તેમ કરતી હતી.
આજે પણ માનસી એક આઝાદ પક્ષીની જેમ ઊડવા તૈયાર હતી.
તેણે વાળમાંથી કલ્ચર કાઢીને તેને ખુલ્લા છોડી દીધા, ક્ષિતિજને તે બિલકુલ પસંદ નહોતું.
મોબાઈલને સ્પીકરથી અટેચ કરીને મનપસંદ ફિલ્મી સંગીત લગાવી દીધું, જે ક્ષિતિજની નજરમાં બિલકુલ મૂર્ખામી હતી. તેથી જ્યાં સુધી તે ઘરમાં રહેતો હતો, વગાડી ન શકાય.
એટલે કે હવે માનસી પોતાની આઝાદીના સુખને ભોગવી રહી હતી.

આજે મોસમમાં આનંદ માણવાનો સમય હતો.
તે માટે તે વરસાદમાં ભીંજવા આંગણામાં જવાની જ હતી કે ડોરબેલ રણક્યો.
વરસાદમાં કોણ હશે.
પોસ્ટમેનને તો હજી વાર છે.
ધોબી ના હોય, દૂધવાળો પણ નથી.
તો પછી કોણ છે? વિચારતીવિચારતી માનસી દરવાજાની નજીક પહોંચી.
દરવાજા પર તે વ્યક્તિ હતી, જેની તેણે કલ્પના પણ નહોતી કરી.
‘‘આવો.’’ તેણે દરવાજેા ખોલીને ખચકાટ સાથે કહ્યું અને આગંતુક અંદર આવ્યો તો તે બોલી, ‘‘પણ તે ઓફિસ ગયા છે.’’
‘‘હા, મને ખબર છે. મેં તેમની ગાડીને નીકળતા જેાઈ હતી.’’
આગંતુક તેમની સોસાયટીનો હતો, તેણે અંદર આવીને સોફા પર બેસતા કહ્યું.
આ સાંભળીને માનસી મનોમન ગણગણી કે જેાઈ જ લીધું હતું તો પછી ચાલ્યા કેમ આવ્યા…

તે મનોમન આકાશના કસમયે આવવાથી ગુસ્સે હતી, કારણ કે તેના આવવાથી તેનો વરસાદમાં ભીંજવાનો પ્રોગ્રામ રદ થઈ ગયો હતો, પણ કમને તે સોફા પર બેસી ગઈ.
શિષ્ટાચારવશ માનસીએ વાતચીત શરૂ કરી,
‘‘તમે કેમ છો? ઘણા દિવસ પછી દેખાયા.’’
‘‘તમે જેાઈ જ રહ્યા છો… બિલકુલ ઠીક છું. કામ પર જવા નીકળ્યો જ હતો કે વરસાદ શરૂ થયો. વિચાર્યું અહીં આવી જઉં, આ બહાને તમારી સાથે મુલાકાત પણ થશે.’’
‘‘સારું કર્યું આવી ગયા. તમારું જ ઘર છે. ચા-કોફી શું લેશો?’’
‘‘તમે જે પિવડાવો. તમારો સાથ અને તમારા હાથની દરેક વસ્તુ મંજૂર છે.’’
આકાશે સ્મિત કરતા કહ્યું તો માનસીનો બગડેલો મૂડ થોડોક સામાન્ય થયો, કારણ કે તે સ્મિતમાં પોતાનાપણું હતું.

માનસી ૨ કપ ચા બનાવી લાવી.
ચા દરમિયાન કેટલીક ઔપચારિક વાત થતી રહી.
આ દરમિયાન વરસાદ ઓછો થઈ ગયો.
‘‘તમારી પરવાનગી હોય તો હવે હું જઉં?’’ આકાશના ચહેરા પર તે જ સ્મિત હતું.
‘‘હા.’’ માનસીએ કહ્યું,
‘‘ક્યારેક ભાભી સાથે આવજેા.’’
‘‘જરૂર, તે આવશે તો તેને પણ લાવીશ. તમે તો જાણો છો કે તેને ક્યાંય આવવુંજવું નથી ગમતું.’’ કહેતાં આકાશનો ચહેરો ઉદાસ થઈ ગયો.
માનસીને લાગ્યું કે તેણે આકાશની દુખતી નસ પર હાથ મૂકી દીધો, કારણ કે તે જાણતી હતી કે આકાશની પત્ની માનસિક રીતે અસ્વસ્થ છે, તેથી લોકો સાથે વાત કરતા ખચકાય છે.

‘‘શું હું અંદર આવી શકું છું?’’ બીજા દિવસે પણ જ્યારે સસ્મિત ચહેરે આકાશે પૂછ્યું ત્યારે જવાબમાં માનસી પણ સ્મિત કરવા લાગી અને દરવાજેા ખોલ્યો.
‘‘ચા કે કોફી?’’
‘‘કંઈ જ નહીં… ઔપચારિકતા કરવાની જરૂર નથી. આજે પણ તમારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ તો આવી ગયો.’’
‘‘સારું કર્યું. હું પણ બોર થઈ રહી હતી.’’ માનસી જાણતી હતી કે તેને કહેવાની જરૂર નહોતી કે ક્ષિતિજ ક્યાં છે, કારણ કે નક્કી તે જાણતા હતા કે તે ઘરે નથી.
આ રીતે આકાશની અવરજવરનો સિલસિલો શરૂ થઈ ગયો.

આ સોસાયટીમાં કોઈના ઘરે આવવાજવાનો રિવાજ ઓછો હતો.
અહીં મોટાભાગની મહિલાઓ નોકરિયાત હતી કે પછી નાના બાળકોવાળી.
એક તે જ અપવાદ હતી જે ન જેાબ કરતી હતી અને ન નાના બાળકોવાળી હતી.
માનસી નો એકમાત્ર દીકરો ૧૦ મા ધોરણમાં બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.
પોતાની એકલતાથી કંટાળીને માનસી હંમેશાં એક મિત્રની જરૂરિયાત અનુભવતી હતી અને હવે તે જરૂરિયાત આકાશના આવવાથી પૂરી થવા લાગી હતી, કારણ કે તે ઘરગૃહસ્થીની વાતથી લઈને ફિલ્મ, રાજનીતિ, સાહિત્ય તમામ પ્રકારની ચર્ચા કરતા હતા.
આકાશ લગભગ રોજ ઓફિસ જતા પહેલાં માનસીને મળવા આવતો હતો અને હવે સ્થિતિ એ હતી કે માનસી ક્ષિતિજના ગયા પછી આકાશની રાહ જેાતી હતી.

એક દિવસ જ્યારે આકાશ ન આવ્યો ત્યારે બીજા દિવસે તેના આવતા જ પૂછ્યું, ‘‘શું થયું, કાલે કેમ ન આવ્યા? મેં કેટલી રાહ જેાઈ?’’ આકાશે આશ્ચર્યચકિત થઈને માનસી તરફ જેાયું અને પછી બોલ્યા, ‘‘એટલે? મેં રોજ આવવાનો વાયદો ક્યારે કર્યો?’’
‘‘તમામ વાયદા કરો એ જરૂરી નથી… આપમેળે થઈ જાય છે. હવે મને તમારી રોજ આવવાની ટેવ પડી ગઈ છે.’’
‘‘ટેવ કે પ્રેમ?’’ આકાશે સ્મિત કરતા પૂછ્યું તો માનસી ચોંકી, તેણે જેાયું કે આજે તેનું સ્મિત રોજ કરતાં અલગ છે.
માનસી ગુસ્સે થઈ ગઈ, પછી તેને લાગ્યું કે કદાચ તે મજાક કરી રહ્યો છે.
ગુસ્સા પર કાબૂ રાખતા તે હંમેશાંની જેમ બોલી, ‘‘બેસો, આજે ક્ષિતિજનો જન્મદિન છે. મેં કેક બનાવી છે. હમણાં લઈને આવું છું.’’
‘‘તમે મારી વાતનો જવાબ ન આપ્યો.’’ આકાશ ફરી બોલ્યો તો તેને વાતની ગંભીરતાનો અહેસાસ થયો.

‘‘શું જવાબ આપું.’’
‘‘કહી દો કે તમે મારી રાહ એટલે જુઓ છો કે તમે મને પસંદ કરો છો.’’
‘‘હા, બંને વાત સાચી છે.’’
‘‘એટલે પ્રેમ છે.’’
‘‘ના, મિત્રતા.’’
‘‘એક જ વાત છે. મહિલા અને પુરુષની મિત્રતાને આ જ નામ આપવામાં આવે છે.’’ આકાશે માનસી તરફ હાથ વધારતા કહ્યું.
‘‘હા, આપી શકાય.’’ માનસીએ હાથને હટાવતા કહ્યું,
‘‘કારણ કે સામાન્ય મહિલાપુરુષ મિત્રતાનો અર્થ તેને જ સમજે છે અને મિત્રતાના નામે તે કરે છે જે પ્રેમમાં થાય છે.’’
‘‘આપણે પણ સામાન્ય મહિલાપુરુષ જ છીએ.’’
‘‘હા છીએ, પણ મારી વિચારસરણી જુદી છે.’’
‘વિચારસરણી કે ડર?’’
‘‘ડર શેનો?’’
‘‘ક્ષિતિજનો. તમે ડરો છો કે ક્યાંક તેને ખબર પડશે તો?’’
‘‘ના, પ્રેમ, વફા અને સમર્પણને ડર ન કહેવાય.
હકીકતમાં ક્ષિતિજ તો તેના કામમાં એટલો બિઝી રહે છે કે હું તેની પાછળ શું કરું છું.
તે નથી જાણતો અને હું ન ઈચ્છુ તો તે ક્યારેય જાણી પણ ન શકે.’’
‘‘પછી વાંધો શું છે?’’
‘‘વાંધો માનસિકતાનો છે, વિચારસરણીનો છે.’’
‘‘માનસિકતા બદલી શકાય.’’

‘‘હા, જેા જરૂર પડે તો… પણ મારે તેની જરૂર નથી.’’
‘‘તેમાં બૂરાઈ શું છે?’’
‘‘બૂરાઈ છે… આકાશ, તમે નથી જાણતા આપણા સમાજમાં મહિલાપુરુષની મિત્રતાને ઉપેક્ષાની દષ્ટિથી જેાવાનું આ મુખ્ય કારણ છે.
જાણે છે એક મહિલા અને પુરુષ સારા મિત્ર બની શકે છે, કારણ કે તેમની વિચારસરણીનો દષ્ટિકોણ અલગ હોય છે.
તેથી વિચારોમાં ભિન્નતા આવે છે.
આ સ્થિતિમાં વાતચીત કરવાની મજા આવે છે, પરંતુ એવું નથી થતું.’’

‘‘ઘણી વાર એક મહિલા અને પુરુષ સારા મિત્ર બનવાના બદલે પ્રેમી બનીને રહી જાય છે અને પછી કેટલીય વાર પરિસ્થિતિના માર્યા એવી દિશામાં ચાલવા લાગે છે, જ્યાં કોઈ મંજિલ નથી હોતી.’’
‘‘પણ આ તો સ્વાભાવિક છે, કુદરતી છે, તેને કેવી રીતે અટકાવી શકાય?’’
‘‘પોતાના હિત માટે જે રીતે આપણે અન્ય કુદરતી વસ્તુ, જેનાથી આપણને નુકસાન થાય છે, પણ નિયંત્રણ મેળવી શકાય છે.’’
‘‘એટલે તમારી ના છે.’’ એવું લાગતું હતું જાણે કે આકાશ ઉદાસ થઈ ગયો હતો.
‘‘તેમાં ના અને હા નો પ્રશ્ન જ ક્યાં છે? મને તમારી મિત્રતા પર હજી પણ કોઈ મુશ્કેલી નથી, પણ શરત એ છે કે મારી પાસેથી અન્ય કોઈ અપેક્ષા ન રાખો.’’
‘‘બંને વાતનું સમાંતર થવું મુશ્કેલ છે.’’
‘‘જાણું છું તેમ છતાં પ્રયાસ કરજેા.’’
‘‘જઉં છું.’’
‘‘કાલે આવશો?’’
‘‘કંઈ કહી નથી શકતો.’’

સવાર ના ૧૦ વાગ્યા છે.
ક્ષિતિજ ઓફિસ ગયો છે, પણ આકાશ હજી સુધી નથી આવ્યો. માનસી ફરીથી એકલતા અનુભવવા લાગે છે.
‘લાગે છે આકાશ આજે નહીં આવે. કદાચ મારો વ્યવહાર તેમના માટે અપ્રત્યાશિત હતો, તેમને મારી વાત ગમી નહીં હોય.
કદાચ તે મને સમજી શકતા. વિચારીને માનસીએ મ્યૂઝિક ઓન કરી દીધું અને સોફા પર બેસીને એક મેગેઝિન વાંચવા લાગી.

અચાનક ડોરબેલ રણક્યો.
માનસી દરવાજા તરફ દોડી.
જેાયું તો દરવાજા પર હંમેશાંની જેમ આકાશ સ્મિત કરતો હતો.
માનસીએ પણ સ્મિત કરતા દરવાજેા ખોલ્યો.
તેણે આકાશને જેાયો.
આજે તેનું તે જ સ્મિત પાછું આવી ગયું હતું.
આજે માનસીને વિશ્વાસ થઈ ગયો કે હવે સમાજમાં મહિલાપુરુષના સંબંધની ઉડાનને નવી દિશા મળશે, કારણ કે તેને એક બીજું આકાશ મળી ગયું છે.

પ્રેમ ન માને સરહદ

વાર્તા – કૈહકશાં સિદ્દીકી

સમીરને સીએટલ આવ્યાને ૩ મહિના થયા હતા.
તે ખૂબ ખુશ હતો.
તે ડોક્ટર માતાપિતાનો નાનો દીકરો હતો.
બાળપણથી તે કુશાગ્ર બુદ્ધિ ધરાવતો હતો.
તે આઈઆઈટી દિલ્લીનો ટોપર હતો.
માસ્ટર કરતા તેને માઈક્રોસોફ્ટમાં જેાબ મળી હતી.
સ્કૂલના દિવસોથી તે અમેરિકન સીરિયલ અને ફિલ્મ જેાયા કરતો હતો.
જાણીતી સીરિયલ ફ્રેન્ડ્સ તેને મોઢે યાદ હતી.
ભારત કરતા વધારે જાણકારી તેને અમેરિકા વિશે હતી.
આખરે તે પોતાના સપનાના આ દેશમાં પહોંચી ગયો.
સીએટલની સુંદરતા જેાઈને તે મુગ્ધ થઈ ગયો.
ચારેય બાજુ લીલોતરી જ લીલોતરી, આસમાની સ્વચ્છ આકાશ, મોટાંમોટાં તળાવ અને સમુદ્ર. બધું એટલું સુંદર કે બસ જેાતા જ રહો.
મન ભરાતું નહોતું.

સમીર પૂરું અઠવાડિયું કામ કરતો અને વીકેન્ડમાં ફરવા નીકળી જતો.
ક્યારેક ગ્રીન લેક પાર્ક, ક્યારેક લેક વોશિંગ્ટન, ક્યારેક માઉન્ટ બેકર, ક્યારેક કસકેડીઅન રેન્જ, તો ક્યારેક સ્નોક્વાલ્મી ફોલ્સ.
લોજની કેટલીય જગ્યાઓ, દુનિયાભરનું ખાવાનું અહીં મળે.
તે નવીનવી જગ્યાએ ખાવા માટે જતો.
અત્યાર સુધીમાં તે ચીઝ ફેક્ટરી, ઓલિવ ગાર્ડન, કબાબ પેલેસ, સિઝલર એન સ્પાઈસ કનિષ્ક અને શાલીમાર ગ્લોરીનું ખાવાનું ચાખી ચૂક્યો હતો.
સીએટલની નજીકમાં આવેલા રેડમંડમાં તેની ઓફિસ હતી.

માઈક્રોસોફ્ટમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ અહીં રહેતા હતા.
અહીં મિક્સ વસ્તી હતી.
ગોરા, આફ્રિકન, અમેરિકન અને એશિયાઈ દેશના લોકો અહીં રહેતા હતા.
અહીં ભારત અને પાકિસ્તાનની સંખ્યા પણ વધારે હતી.
દેશી ભોજનની અહીં કેટલીય રેસ્ટોરન્ટ હતી.
તેથી સમીરે અહીં એક બેડરૂમનો એપાર્ટમેન્ટ લઈ લીધો.
ઓફિસમાં પણ ઘણા બધા ભારતીય હતા, પરંતુ મોટાભાગના દક્ષિણ ભારતીય હતા.
જેાકે કેટલાક ઉત્તર ભારતીય પણ હતા.
બધા ઈંગ્લિશમાં વાતો કરતા હતા.
તેમની સાથે હાયહેલો થઈ જતું હતું.
જેાઈને બધા એકબીજા સામે હસી પણ લેતા હતા.
અહીં એ વાત સારી હતી કે ઓળખાણ હોય કે ન હોય હસીને એકબીજાનું અભિવાદન તો કરતા જ હતા.

સમીરની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ ત્યારે તેને પ્રોજેક્ટ મળી ગયો.
૫ લોકોની ટીમ બનાવવામાં આવી હતી.
ટીમમાં એક દક્ષિણ ભારતીય, ૨ ગોરા અને એક છોકરી એમન.
સમીર એમનાથી ખૂબ પ્રભાવિત થઈ ગયો હતો.
તે ખૂબ સુંદર, લાંબી, પાતળી, ગોરી અને ભૂરાવાળ ધરાવતી, આસમાની આંખવાળી હતી.
તેનો પહેરવેશ પણ સુંદર ફોર્મલ ઓફિસ ડ્રેસ હતો.
તે વાતચીતમાં ખૂબ શાલીન હતી.
અમેરિકન લઢણમાં તે વાતો કરતી અને દેખાવે પણ અમેરિકન લાગતી હતી.
જેાકે હકીકતમાં તે ક્યાંની હતી, તે વિશે ક્યારેય વાત થઈ નહોતી.
બધા તેને એમી કહેતા હતા.
એમી કામમાં ખૂબ હોશિયાર હતી.
બધા સાથે ફ્રેન્ડલી.

જેાકે સમીર પણ બુદ્ધિશાળી અને ખૂબ સારો હતો.
દેખાવે પણ હેન્ડસમ અને બીજાને મદદરૂપ થનાર.
પછી તો ટીમમાં બધાને એકબીજા સાથે સારી મિત્રતા થઈ ગઈ હતી.
એક બપોરે સમીરે એમીને પોતાની સાથે લંચ કરવા કહ્યું અને તેણે સ્વીકાર કરી લીધો.
ત્યાર પછી બંનેએ સાથે લંચ લીધું.
સમીરે બર્ગર અને એમીએ સેલડ લીધું.
એમી હળવું લંચ કરતી હતી.
સમીરે પૂછ્યું, ‘‘અહીં સારું ખાવાનું ક્યાં મળેે છે?’’
‘‘આઈ લાઈક કબાબ પેલેસ.’’ એમીએ જવાબ આપ્યો.
સમીરને આશ્ચર્ય થયું કે અમેરિકન હોવા છતાં પણ તે ભારતીય ભોજન પસંદ કરે છે.

સમીરે જ્યારે એમીને પૂછ્યું કે શું તને ભારતીય ભોજન ગમે છે, તો તેણે જણાવ્યું હતું કે હા ઈન્ડિયન અને પાકિસ્તાની ભોજન એક જેવા જ હોય છે.
પછી જ્યારે સમીરે પૂછ્યું કે શું તું અમેરિકન છે ત્યારે એમીએ જણાવ્યું હતું કે હા, તે અમેરિકન છે, પણ દાદા પાકિસ્તાનથી ૧૯૬૦ માં અમેરિકા આવી ગયા હતા.
સમીર વિચારવા લાગ્યો કે એમીને જેાઈને તેના પહેરવેશ અને બોલચાલ પરથી કોઈ ન કળી શકે કે તે મૂળ પાકિસ્તાનની છે.
પછી તો બંને એકબીજામાં ખૂબ રસ લેવા લાગ્યા.
હવે તો બંને વીકેન્ડ સાથે પસાર કરતા હતા.

એમીએ સમીરને સીએટલ અને તેની આસપાસની જગ્યાઓ બતાવવાની જવાબદારી ઉપાડી હતી.
તે પહાડ પર ટ્રેકિંગ કરવા જતા.
આ જ બાબતમાં તેઓ માઉન્ટ રેનિયર ગયા.
સીએટલની સ્પેસ નીડલ ૧૮૪ મીટર ઊંચાઈ પર ફરતા તેમણે સ્કાઈ સિટી રેસ્ટોરન્ટમાં ભોજન લીધું.
અહીંથી શહેરને જેાવું એક સ્વપ્ન સમાન લાગતું હતું.
સીએટલી ગ્રેટ વ્હીલમાં તેઓ ડરતાંડરતાં બેઠા.
૫૩ મીટરની ઊંચાઈ હતી, પરંતુ એમીને બિલકુલ ડર નહોતો લાગ્યો, પણ ભારતમાં મેળામાં તે જ્યારે પણ બેસતો ત્યારે ખૂબ ડરતો હતો.
અહીં પારદર્શક કેબિનમાં બેસીને મધ્યમ ગતિથી ચાલતા ઝૂલાનો આનંદ માણતા તેને ડર નહોતો લાગ્યો ફેરી દ્વારા દરિયાઈ માર્ગે હ્વિદબી ટાપુ પર જવું, ત્યાંનું ઈટાલિયન ફૂડ ખાવું પણ તેને રોમાંચિત કરી રહ્યું હતું.

ભારતમાં પણ બીચ પર જતો હતો, પણ પાણી અને વાતાવરણ અહીં જેટલું સારું અને સ્વચ્છ નહોતું.
૪ લેન પહોળા પહાડી રસ્તે, ૫ હજાર ફૂટની ઊંચાઈએ જવું સરળ રહ્યું હતું, પરંતુ ભારતમાં તો પહાડી રસ્તા એટલા સાંકડા રહેતા કે ૨ ગાડીનું એકસાથે જવું પણ મુશ્કેલ બનતું હતું.
સાથે હરતાંફરતાં બંને એકબીજા વિશે સારું એવું જાણતા થઈ ગયા હતા.
જેમ કે એમીના દાદાનો પરિવાર ૧૯૪૭ માં લખનૌ, ભારતથી કરાંચી ચાલ્યો ગયો હતો.
દાદી પણ લખનૌથી દાદા સાથે લગ્ન કરીને આવ્યા હતા.
તેમના સગાંસંબંધી હજી પણ લખનૌમાં છે.

૧૯૬૦ માં તેઓ અમેરિકાના ન્યૂયોર્કમાં આવ્યા હતા.
તે સમયે એમીના પિતા અને કાકા બંને નાના હતા.
દાદાદાદીએ પોતાની સંસ્કૃતિ અનુસાર બાળકોનો ઉછેર કર્યો હતો.
અહીંનું મુક્ત વાતાવરણ બાળકોને બગાડી ન દે, તેનું તેમણે પૂરું ધ્યાન રાખ્યું હતું.
મોટા કામ પર વધારે નિયંત્રણ રાખવામાં આવ્યું હતું.
તેથી તેઓ મુલ્લા બની ગયા અને આજે પણ તેઓ ન્યૂયોર્કમાં રહે છે અને તેમને એક દીકરો પણ છે, જે એબીસીડી છે એટલે કે અમેરિકન બોર્ન કન્ફ્યૂઝ દેશી.
કાકાને વધારે ધાર્મિક થતા જેાઈને દાદાએ એમીના પિતા પર વધારે પ્રતિબંધ નહોતો મૂક્યો.
તેથી તેઓ ઈકોનોમિક્સના પ્રોફેસર બની ગયા.
જેાકે એમીની મા નેન્સી અમેરિકન હતી અને પિતાની સહાધ્યાયી પણ ખરી.
તે હવે નરગીસના નામથી ઓળખાય છે.
તેમણે ઈસ્લામ ધર્મ સ્વીકારી લીધો છે અને દાદાદાદીની દેખરેખમાં નમાઝી અને ઉર્દૂ બોલનારી વહુ બની છે.
હવે દાદા નથી રહ્યા, પણ દાદી સાથે રહે છે.
હિંદી ફિલ્મનો શોખીન અને એક સુખી પરિવાર છે.
એમીના ઉછેરમાં દેશી અને અમેરિકન સંસ્કૃતિની ઝલક જેાવા મળતી હતી.
તેથી તે સભ્ય, શિસ્તપ્રિય અને સમયની પાબંદ હતી.
તે સુંદર તો હતી જ, સાથે પોતાની સુંદરતાની કાળજી લઈને સંભાળ રાખનાર પણ હતી.

અમેરિકનની જેમ સવારે વહેલા ઊઠવું, કસરત કરવી, રાત્રે જલદી ઊંઘી જવું અને વીકેન્ડમાં ફરવા જવું તેની દિનચર્યામાં સામેલ હતું.
તેના ઘરમાં ઉર્દુ ભાષા બોલવામાં આવતી હતી.
જેાકે એમી ઉર્દૂ જાણતી જરૂર હતી, પણ બોલતી તો ઈંગ્લિશ જ હતી.
એમી વિશે જાણીને સમીરને પણ સારું લાગ્યું પછી તો સમીર એમીને પ્રેમ કરવા લાગ્યો.
તે ગમે તે કિંમતે તેને મેળવવા ઈચ્છતો હતો, પરંતુ એમીનું એક પાકિસ્તાની હોવું… શક્ય કેવી રીતે બનશે? છેલ્લા ૬ મહિનાથી બંને સાથે હતા.
એકબીજામાં રહેલો રસ હવે એકબીજાને પ્રાપ્ત કરી લેવાની ઈચ્છામાં ફેરવાઈ ગયો હતો.

એમીએ સમીરને પોતાના પરિવારજનો સાથે મળવા બોલાવ્યો.
પરિવારજનોને એમ કહીને મળાવ્યો કે તે ઓફિસનો મિત્ર છે.
અહીં એમીના દાદીને જેાઈને સમીરને પોતાના દાદી યાદ આવી ગયા.
સલવારસૂટમાં તેના દાદી જેવા તે દેખાતા હતા.
એમીના પિતા પ્રોફેસર સાહેબ ખૂબ હસમુખા હતા.
તરત તે હળીમળી ગયા.
તે ફૂટબોલના ખૂબ મોટા ચાહક હતા અને એટલ ટીમના ફેન.
જેાકે સમીરને અહીં ફૂટબોલ ગેમ થોડી વિચિત્ર લાગતી હતી.
અહીં ફૂટબોલને હાથપગ બંનેથી રમવામાં આવતો હતો.
મોટાભાગના ખેલાડીઓ બોલને હાથમાં લઈને દોડતા હતા.
એમીના મા સભ્યશાલીન મહિલા હતા.
એમી બિલકુલ પોતાની મા જેવી હતી.
એમીની માએ બિલકુલ દેશી ખાવાનું બનાવ્યું હતું.

સમીર લખનૌના છે તે સાંભળીને તેના દાદી તો ગદ્ગદ્ થઈ ગયા.
પિયરના બાળપણના કિસ્સા તેઓ સંભળાવવા લાગ્યા.
એક લાંબા સમય પછી તેઓ આટલા લાંબા સમય સુધી હિંદીમાં બોલ્યા હતા.
સમીરને પણ સારું લાગ્યું.
અહીં તો તે જ્યારથી આવ્યો હતો.
ત્યારથી મોં વાંકું કરીને એક્સેન્ટમાં બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો..
સમીરના ધ્યાનમાં આવી ગયું કે દાદી, પ્રોફેસર અને નરગિસ બધા ઉર્દુમાં જ વાતચીત કરતા હતા, પણ એમી ઈંગ્લિશમાં જવાબ આપતી હતી.
ક્યારેક-ક્યારેક હિંદીમાં પણ.
જેાકે હિંદી અને ઉર્દુ એક જેવી ભાષા છે.
જેને તે પોતાના દેશમાં પણ બોલતો સાંભળતો હતો, પરંતુ તેમની વાત તેની સમજમાં આવી જતી હતી.
અહીં તેને આત્મીયતા દેખાઈ.

બીજી તરફ એમીના પરિવારજનોને પણ સમીર સારો લાગ્યો અને તેને સમયાંતરે આવતા રહેવાનું આમંત્રણ પણ આપ્યું.
એમીએ સમીરના ગયા પછી જ્યારે ઘરના લોકોને પૂછ્યું કે સમીર તેમને કેવો લાગ્યો ત્યારે તેમણે કહ્યું કે સારો છોકરો છે.
ત્યાર પછી તેણે કહ્યું કે સમીર અને તે લગ્ન કરવા ઈચ્છે છે.
આ વાત સાંભળીને તેના દાદી તો ખુશ થઈ ગયા, કારણ કે સમીર તેમના પિયરનો હતો ને, વળી તેમને સમીર નામ પણ મુસ્લિમ લાગ્યું હતું.
પ્રોફેસરે વાંધો લીધો કે તે પાકિસ્તાની નહીં ભારતીય છે.
એમીની માએ પણ શંકા વ્યક્ત કરતા કહ્યું કે ક્યાંક તે ગ્રીન કાર્ડની લાલચમાં તો લગ્ન કરવા નથી ઈચ્છતો ને.
છોકરાનું અમેરિકન સિટીઝન હોવું જરૂરી છે.

એમીએ ધીરેધીરે સમીર વિશે બધી વાત વિસ્તારથી જણાવી કે તે ભારતીય છે અને હિંદુ પણ.
તેનો પરિવાર ભારતમાં રહે છે તેથી તે પણ ભારત પાછો જઈ શકે છે.
દાદી, પ્રોફેસર અને નરગિસ બધાએ એકસાથે લગ્નનો વિરોધ કર્યો કે એક હિંદુ સાથે લગ્ન ન થઈ શકે. એમીએ કહ્યું, ‘‘અત્યાર સુધી તો તમને બધાને તે ખૂબ ગમતો હતો, પરંતુ તે હિંદુ અને ભારતીય હોવાનું જાણ્યા પછી તરત તે કેવી રીતે ખરાબ થઈ ગયો?’’

જ્યારે કોઈ પ્રેમમાં હોય છે ત્યારે તેને ધર્મ, ભાષા, નાગરિકતા કંઈ જ દેખાતું નથી.
દેખાય છે તો માત્ર પ્રેમથી ભરેલું દિલ અને તે વ્યક્તિ જેની સાથે પોતે જીવન વિતાવવા ઈચ્છે છે.
જ્યારે બીજા લોકોને વ્યક્તિ, તેનું દિલ કે તેના ગુણ દેખાતા નથી, માત્ર ધર્મ દેખાતો હોય છે.
‘‘ડેડી, તમે અને મમ્મીએ પણ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે ને, તો પછી તમે લોકો આવું કેવી રીતે કહી શકો છો?’’
‘‘દીકરી, તારી માને અમે ઘરમાં લાવ્યા હતા અને તે અમારામાં બરાબર ભળી પણ ગઈ.
તેણે ઈસ્લામ કબૂલ કરી લીધો.
જ્યારે અહીં તો તારે બીજાના ઘરમાં જવાનું છે.
આ જ બાબતનો ફરક છે.

કાલે તે છોકરો તને હિંદુ બનાવી દેશે તો પછી તારી આખરત(મરણ પછીની જિંદગી) ગઈ ને.’’ એમીએ સમીરને પૂરી વાત જણાવી અને કહ્યું,
આપણને બંનેને કોઈ પ્રોબ્લેમ નથી તો પછી તેમને કેમ છે? આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે લગ્ન કરી શકીએ છીએ.
આપણને કોઈ અટકાવી ન શકે, પરંતુ હું ઈચ્છુ છું કે મારી ફેમિલી મારી સાથે હોય.’’
જેાકે આ તો એમીના દેશી ઉછેરની માનસિકતા હતી. સમીરે કહ્યું,
‘‘શું તું મને સાથ આપીશ?’’
‘‘છેલ્લા શ્વાસ સુધી.’’
‘‘તો પછી તારા ઘરના લોકો સાથે મારી મીટિંગ ગોઠવ.’’

સોમવારે સમીર એમીના પરિવારજનોને મળવા માટે આવ્યો.
તે શાહરુખ ખાનની ફિલ્મની ડીવીડી એમીના દાદી માટે લઈને ગયો હતો.
દાદી પણ શાહરુખ ખાનના ચાહક હતા, તેથી તે ખુશ થઈ ગયા.
જેાકે પ્રોફેસર થોડા ઠંડા જરૂર હતા.
સમીરે તેમની સામે સીએટલ ફૂટબોલ ટીમની વાત શરૂ કરી દીધી, ત્યારે તેઓ પણ સામાન્ય થઈ ગયા.
વળી એમીની મા નરગિસ માટે પણ તે કબાબ લઈને ગયો હતો.
તે પણ થોડા નોર્મલ થઈ ગયા.
પછી તેમની સમક્ષ સમીરે પોતાની ઈચ્છા વ્યક્ત કરી, ‘‘હું અને એમી એકબીજાને પ્રેમ કરીએ છીએ… જીવનભર સાથે રહેવા ઈચ્છીએ છીએ, પરંતુ તમારા બધાની મરજીથી…’’

હું અમેરિકાની નેશનાલિટી માટે આ લગ્ન નથી કરી રહ્યો.
મારી કંપનીએ મારા ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી દીધું છે, પણ હા, હું ઈન્ડિયન છું અને ભારત આવતોજતો રહીશ.
મારા પરિવારને જ્યારે પણ મારી જરૂર હશે ત્યારે હું તેમની પાસે જઈશ… આ જ રીતે જ્યારે તમને પણ મારી જરૂર હશે ત્યારે હું તમને સાથ આપીશ.
બાકી રહી ધર્મની વાત તો હું માત્ર તમને બતાવવા માટે મુસ્લિમ બની જઉં અને દિલથી હિંદુ રહું તો તમે શું કરશો? ધર્મમાં આપણે તેને યાદ કરીએ છીએ જેને ન તો તમે જેાયો છે કે ન મેં.

તેને કયા નામથી બોલાવીએ તેના પર બધી લડાઈ છે.
તેને કેવી રીતે યાદ કરીએ છીએ તેના પર કોઈ સહમતી નથી.
મનુષ્ય જેને એકબીજા પ્રત્યે પ્રેમ છે તે એટલા માટે લગ્ન નથી કરી શકતા, કારણ કે તેઓ ઉપરવાળાને અલગઅલગ નામથી બોલાવે છે અને અલગઅલગ રીતે યાદ કરે છે.’’
તેણે શાયર મીરને વાંચ્યા હતા, તેથી એક શેર જે તેને યાદ હતો તે કહી સંભળાવ્યો, ‘મત ઈન નમાઝિયો કો ખાનસાજ-એ-દી જનો, કિ એક ઈંટ કી ખાતિર યે ઢોતે હોંગે કિતને મસીત’ અરે દાદી, આ ધર્મની રૂઢિઓ અમેરિકામાં આવીને તો આપણે છોડી શકીએ છીએ ને.’’ બધા મૌન હતા.
તેઓ પણ જાણતા હતા કે સમીર સાચું કહી રહ્યો છે.

જેાકે પ્રોફેસરને મુસ્લિમ સમાજ અને તેમાં પણ સૌથી વધારે ડર ભાઈજાનનો હતો.
અમેરિકામાં પણ આપણે પાકિસ્તાન-હિંદુસ્તાન બનાવી લીધું છે, પોતાના રીતરિવાજ અને માન્યતા… જેાકે અહીં ઈન્ડિયન અને પાકિસ્તાની હળીમળીને રહે છે, પરંતુ લગ્ન તો પોતાના ધર્મમાં કરવાનું જ પસંદ કરે છે.
હા, સાથે સ્કૂલ, કોલેજ, ઓફિસની મિત્રતામાં ઘણી વાર અલગઅલગ જગ્યાના લોકો વચ્ચે લગ્ન થતા હોય છે, પરંતુ મંદિરમસ્જિદમાં મળનાર સાથીને પસંદ નથી કરતા.
અહીં પણ પ્રોફેસરને આ બધાનો ડર નહોતો, પરંતુ ભાઈજાન… દાદી પણ જાણતા હતા કે પકિસ્તાનીઓમાં તલાક વધારે થાય છે અને ભારતના લોકો સાથ નિભાવે છે.
તેમ છતાં પણ હિંદુ સાથે… એમીના પરિવારજનો સમીરના અવારનવાર આવવાજવાથી તેની સાથે ધીરેધીરે હળીમળી ગયા.

જેાકે લગ્નની વાત લગભગ ભુલાઈ ગઈ હતી. તેમ છતાં સમીર બરાબર આવતોજતો રહ્યો હતો.
તે દાદી સાથે હિંદી ફિલ્મ વિશે વાત કરતો, પ્રોફેસરની સાથે ટીવી પર ફૂટબોલ મેચ જેાતો અને તેમના લેપટોપમાં નવીનવી ગેમ ડાઉનલોડ કરી આપતો હતો.
બગીચાનું ઘાસ કાપવામાં પણ તે પ્રોફેસરને મદદ કરતો હતો, તેમજ નરગિસને પણ કિચનમાં હેલ્પ કરાવતો હતો.
અહીં બધા કામ જાતે કરવા પડે છે.
પ્રોફેસર કહેતા, ‘‘હું તો ૩ મહિલાઓ વચ્ચે એકલો પડી ગયો હતો… પણ તારા આવવાથી સારી કંપની મળી રહે છે.’’
સમીર એમીને કહેતો, ‘‘યાર એમી, હું તો તારા ઘરનો છોટુ બની ગયો, પણ હજી જમાઈ બનવાના ચાન્સ નથી દેખાતા. તું મને અંધારામાં રાખીને કોઈ પાકિસ્તાની સાથે ભાગી ગઈ તો?’’

આ સમયે તે હસીને કહેતી, ‘‘યૂ નેવર નો.’’
પ્રોફેસર પણ વિચારતા હતા કે સમીર સારો છોકરો છે, બોલચાલ અને વિચાર પણ અમારા જેવા છે.
એમીની સાથે તેની જેાડી પણ સારી લાગે છે.
બંને એકબીજા સાથે ખુશ રહેશે, તો પછી શું વાંધો તે અલ્લાહને ઈશ્વર કહે તેમાં? પૂજા કરવી તેની અંગત બાબત છે… એમીને તો તે પૂજા કરવા માટે નથી કહેતો ને… પછી તેમણે હિંમત કરીને ન્યૂયોર્કમાં રહેતા ભાઈજાન સાથે વાત કરી.
તેમને જણાવ્યું કે એમીએ છોકરો પસંદ કરી લીધો છે અને તે હિંદુસ્તાની છે.
ભાઈજાને કહ્યું, ‘‘શું પાકિસ્તાની છોકરાઓનો દુકાળ પડી ગયો છે કે હિંદુસ્તાની છોકરો પસંદ કર્યો?’’

‘‘એમીને પસંદ છે.’’
‘‘હા, તે તો અમેરિકન માની દીકરી છે ને.’’
‘‘છોકરો ખૂબ સારો છે, માત્ર તે હિંદુ છે.’’
પછી ભાઈજાન પર તો જાણે બોંબ ફૂટ્યો, ‘‘શું કહી રહ્યો છે? કાફિરને જમાઈ બનાવીશ?’’
પ્રોફેસર ડરી ગયા, ‘‘ભાઈજાન, તમે તો જાણો છો કે અહીં તો બાળકો પણ કંઈ સાંભળતા નથી, જરા કડકાઈ કરો તો ૯૧૧ પર કોલ કરીને પોલીસ બોલાવી લે છે અને મોટા થઈને તો વધારે આઝાદ થઈ જતા હોય છે.
જ્યારે આ લોકો તો આપણી પાસેથી મંજૂરી માંગી રહ્યા છે, તો શું ઓછું છે? આપણે જેા હા કહી દઈશું તો આપણું વડીલપણું પણ સચવાઈ જશે.’’ ભાઈજાનને લાગ્યું કે પ્રોફેસર સાચું કહી રહ્યા છે.

પછી તેમણે કહ્યું, ‘‘ઠીક છે, તે મુસલમાન બની જાય તો લગ્ન થઈ શકે છે.’’
‘‘ના, તે મુસલમાન બનવા તૈયાર નથી. જેાકે તે એમીને પણ ધર્મપરિવર્તન કરવા માટે નથી કહી રહ્યો.’’ ભાઈજાન ગુસ્સે થઈ ગયા,
‘‘કાફિર સાથે નિકાહ ન થઈ શકે. જેા તું આ લગ્ન કરાવીશ તો પછી મારી સાથે કોઈ સંબંધ રાખીશ નહીં… મુલ્લાને પણ પોતાના સમાજમાં માથું ઊંચું રાખીને ચાલવાનું છે, નહીં તો તેમનું સાંભળશે કોણ.’’ પ્રોફેસરને ભાઈની વાતથી ખૂબ દુખ થયું.
હાર્ટના દર્દી તો તે હતા, તેથી હાર્ટએટેક આવી ગયો.

નરગિસ અને દાદી ઘર પર જ હતા, તેથી નરગિસે એમ્બ્યુલન્સને કોલ કર્યો અને એમ્બ્યુલન્સ ડોક્ટર સાથે આવી ગઈ.
પ્રોફેસરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
એમી, નરગિસ, દાદી અને સમીર રોજ તેમને જેાવા જતા હતા.
અહીં હોસ્પિટલમાં ડોક્ટરનર્સ તેમની પૂરી સારસંભાળ લેતા હતા.
હોસ્પિટલનો રૂમ પણ ફાઈવસ્ટાર સુવિધા ધરાવતો હોય છે.
જેાકે પ્રોફેસરને અહીંનું ભોજન ગમતું નહોતું, તેથી નરગિસ તેમના માટે ઘરેથી ભોજન લાવતા હતા.

અહીં દર્દીની સારી કાળજી રાખવામાં આવતી હતી.
બિલ પણ ઈંશ્યોરન્સથી ભરાઈ જાય છે, માત્ર ૧૦-૧૫ ટકા આપવા પડે છે.
થોડા દિવસ પછી પ્રોફેસર ઘરે આવી ગયા.
જેાકે હજી પણ તેમની કાળજી લેવાની જરૂર હતી.
ખાવામાં પણ પરેજી ચાલી રહી હતી.
આ સમય દરમિયાન સમીર પણ તેમની બરાબર સારસંભાળ લઈ રહ્યો હતો.
એક દીકરાની જેમ અને ઓફિસમાં પણ એમીને કામમાં મદદ કરતો, જેથી એમી પ્રોફેસર સાહેબને વધારે સમય આપી શકે.
પ્રોફેસરના મિત્રો અને મસ્જિદના સાથી બધા એક-બે વાર આવ્યા.
જેાકે ભાઈજાને તો માત્ર ફોન પર જ ખબરઅંતર પૂછી લીધા હતા.
જેાકે બીમારીમાં કોઈ જેાવા આવે તો સારું લાગે છે.

અમેરિકામાં કોઈની પાસે સમય નથી હોતો, તેમ છતાં સમીર દરરોજ આવતો હતો.
પ્રોફેસરને પણ તે ગમતું હતું.
પ્રોફેસરને લાગતું હતું કે જેા પોતાનો દીકરો હોય તો પણ તેણે તેમની આટલી કાળજી લીધી ન હોત.
આખરે પ્રોફેસર સ્વસ્થ થઈ ગયા અને તેમણે પૂછ્યું, ‘‘શું તેં તારા પરિવારજનોને તમારા લગ્ન વિશે વાત કરી છે?’’
સમીરે કહ્યું, ‘‘હા, મેં પરિવારજનોને મનાવી લીધા છે…
શરૂઆતમાં તો બધા નારાજ હતા, પરંતુ એમી સાથે વાત કર્યા પછી બધા ખુશ થઈ ગયા.

જેાકે મારાં માતાપિતા ધર્મજાતિમાં નથી માનતા, પરંતુ એમીના પાકિસ્તાની મૂળ પર તેઓ ચોંકી ગયા હતા.
તેમ છતાં મારી ખુશી આગળ તેમને બીજી બધી વાત નાની લાગતી હતી.
અંતે બધા રાજી થઈ ગયા.
પ્રોફેસરે પોતાના સાજ થવાની પાર્ટીમાં પોતાના બધા ઓળખીતા, મિત્રોને બોલાવ્યા અને પાર્ટીમાં સમીર અને એમીની સગાઈની જાહેરાત કરી દીધી.
તેઓ જાણતા હતા કે લગ્નમાં વધારે લોકો આવશે નહીં.
પછી તો બંને પરિવારની હાજરીમાં કોર્ટમાં સાદાઈથી લગ્ન થઈ ગયા અને રિસેપ્શન હોટલમાં રાખ્યું, જેમાં બંનેની ઓફિસના સહકર્મી, નરગિસ અને પ્રોફેસરના મિત્ર, પાડોશી અને બીજા ઓળખીતા સામેલ થયા, પરંતુ ભાઈજાન અને તેમના જેવી માનસિકતા ધરાવતા લોકો ન આવ્યા.
હવે ૨ પ્રેમી પતિપત્ની બની ગયા.
સત્ય તો એ છે, પ્રેમને કોઈ પણ સરહદ અવરોધતી નથી કે ન તો ભાષા કે ધર્મ.

પોઝિટિવ નેગેટિવ

વાર્તા – વીણા શ્રીવાસ્તવ

પતિ મલય સાથે લગ્નનાં ૧૨ વર્ષ પછી તૃષા એવું તે કયું રહસ્ય જાણી ગઈ કે વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ… તૃષા મલયના ઉપેક્ષાભર્યા વ્યવહારથી ખૂબ આશ્ચર્યચકિત હતી.
જ્યારે જુઓ ત્યારે તે માત્ર એક જ રટણ કર્યા કરતો કે તૃષા હું ડિવોર્સ ઈચ્છુ છું, પરસ્પર સંમતિથી.
પછી તે વિચારવા વિવશ બની જતી કે અરે, મલયને શું થઈ ગયું છે કે તે પૂરો સમય ડિવોર્સ ડિવોર્સનું રટણ કર્યા કરે છે, પરંતુ મલયને આ બાબતે કંઈ પૂછવાની ક્યારેય તેણે હિંમત નહોતી કરી.
પછી વિચારતી કે તે જાતે જ જણાવશે કારણ અને પછી ચુપચાપ પોતાના કામમાં તે મશગૂલ થઈ જતી.
‘‘મલય, આવી જાઓ ભોજન પીરસી દીધું છે.’’ ડાઈનિંગ ટેબલ સેટ કરતા તૃષાએ મલયને બૂમ પાડી ત્યારે તે તરત જ તૈયાર થઈને આવી ગયો.

તૃષાએ તેની પ્લેટમાં જમવાનું પીરસ્યું અને ખૂબ પ્રેમથી તેની સામે જેાવા લાગી.
કદાચ તે તેના મોઢેથી રસોઈનાં વખાણ સાંભળવા ઈચ્છતી હતી, કારણ કે તેણે ખૂબ પ્રેમથી મલયનું મનપસંદ ભોજન બનાવ્યું હતું, પરંતુ એવું લાગતું હતું જાણે કે તે ખૂબ કંટાળા સાથે જમી રહ્યો હોય.
તેના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની બેચેની હતી.
જાણે કે અંદર ને અંદર ઘૂંટાઈ રહ્યો ન હોય.
ગમે તે રીતે ભોજન પૂરું કરીને તેણે જલદીથી હાથ ધોઈ લીધા.
એટલામાં તૃષાએ તેનું પર્સ અને રૂમાલ લાવીને આપ્યા.
‘‘તું વિચારી લેજે, જે મેં કહ્યું છે તેના વિશે…
અને હા, સમયસર મોહકને લેવા સ્કૂલે જતી રહેજે.
હું ગાડી મોકલી દઈશ. આજે તેની બસ નહીં આવે.’’ કહેતા તે ગાડીમાં બેસી ગયો અને ડ્રાઈવર ગાડી સ્ટાર્ટ કરીને આગળ વધ્યો.
‘આજકાલ આ તે કેવો વિરોધાભાસ છે મલયના વ્યવહારમાં… એક તરફ ડિવોર્સની વાત કરે છે તો બીજી તરફ ઘરપરિવારની પણ તેને ચિંતા રહે છે… કોણ જાણે શું થઈ ગયું છે તેને.’ વિચારતા તૃષા પોતાના બાકી રહી ગયેલા કામ પતાવવા લાગી, પરંતુ તેનું મન કોઈ કામમાં નહોતું લાગી રહ્યું.
શું હવે જરા પણ પ્રેમ નથી રહ્યો તેના દિલમાં મારા માટે કે ડિવોર્સ લેવા અધીરો થયો છે? શું કરું…

છેલ્લાં ૧૨ વર્ષથી અમે એકબીજા સાથે ખુશીઆનંદમાં રહીએ છીએ…
ક્યારેય એવું નહોતું લાગ્યું કે તેને મારા વિશે કોઈ ફરિયાદ હોય અથવા તો મારાથી કંટાળી ગયો છે.
હંમેશાં તેને મારી ચિંતા રહેતી હતી.
ક્યારેક કહેતો કે આજકાલ તું તારી હેલ્થની કાળજી નથી લેતી…
કેટલી કમજેાર થઈ ગઈ છે.
આ શબ્દો સાંભળીને ખુશીથી તેનું મન નાચવા લાગતું અને આ ખુશીમાં વધારો ત્યારે થયો જ્યારે લગ્નના ૩ વર્ષ પછી તેને પોતાના શરીરમાં બીજા એક જીવના આગમનના ભણકારા અનુભવાયા.
તેણે શરમાઈને મલયને આ વાત જણાવી, ત્યારે તેણે ખુશીના માર્યા તેને ઊંચકી લીધી હતી અને પછી ગોળગોળ ફેરવવા લાગ્યો હતો.
મોહકના જન્મ પર મલયની ખુશીનો પાર નહોતો.
જ્યારે જુઓ ત્યારે તેને સૂચન આપતો હતો કે જેા તૃષા મારો દીકરો રડે નહીં, હું સહન નહીં કરી શકું.
આ સાંભળીને તેને હસવું આવતું કે હવે ભલા બાળક રડે નહીં એવું કેવી રીતે બની શકે.
જેાકે મોહક માટેનો મલયનો એકાધિકાર જેાઈને તે ખુશ તો થતી સાથે તેને ચિંતા પણ થતી અને ત્યાર પછી તન્મયતાથી પોતાના કામમાં વ્યસ્ત થઈ જતી.
પછી વિચારતી કે ક્યાંક એવું તો નથી કે મલય હવે મારાથી મુક્તિ મેળવવા ઈચ્છે છે.

શું હવે મારી સાથે તેને ગૂંગળામણ થવા લાગી છે?
અરે, હજી તો લગ્નના માત્ર ૧૨ વર્ષ થયા છે.
હજી તો જીવનનો લાંબો પંથ અમારે એકબીજા સાથે ચાલીને પસાર કરવાનો છે.
પછી કેમ તે મ્યૂચ્યુઅલ ડિવોર્સની વાત કરે છે? શું મારી સાથે રહેવું તેને અસહ્ય બની રહ્યું છે? મારા પ્રેમમાં કોઈ ઊણપ તો નથી આવી ને…

હું તો આજે પણ તેની એ જ પહેલાંની તૃષા છું, જેના ૧-૧ હાસ્ય પર મલય ઓવારી જતો હતો.
ક્યારેક મારા લહેરાતા કાળા વાળમાં તે મોં છુપાવી લેતો હતો…
તે ઘણી વાર કહેતો હતો કે તારી સાગર જેવી ઊંડી વાદળી આંખમાં ડૂબી જવાનું મન થઈ આવે છે.
તારું આ નાજુક શરીર મને તારા આલિંગનમાં જાણે ખેંચી રહ્યું છે…
તારા શરીરની માદક સુગંધમાં હું મારું સુખ ભૂલવા લાગું છું.
આટલો ભરપૂર પ્રેમ કરનાર પતિ આખરે ડિવોર્સ કેમ ઈચ્છે છે? ના, હું ડિવોર્સ માટે ક્યારેય મંજૂર નહીં થાઉં, આખરે મેં પણ તેને ભરપૂર પ્રેમ કર્યો છે.

પરિવારજનોના તીવ્ર વિરોધ છતાં પણ જ્ઞાતિજતિની ઊંચી દીવાલને નજરઅંદાજ કરીને અમે બંનેએ એકબીજાને અપનાવ્યા છે.
તૃષા વિચારી રહી હતી.
ભૂતકાળ તૃષાની આંખ સામે કોઈ સિનેમાની જેમ દેખાઈ રહ્યો હતો. ‘‘પપ્પા, હું મલય સાથે લગ્ન કરવા ઈચ્છુ છું.’’
‘‘મલય, કોણ મલય?’’ પપ્પા થોડા ચોંકી ગયા.
‘‘આપણો મલય બીજું કોણ? તમે પણ તેને બાળપણથી ઓળખો છો… અહીં તે ભાઈ સાથે રમીને મોટો થયો છે અને હવે એન્જિનિયર પણ બની ગયો છે… અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજા સાથે જીવન જીવવા ઈચ્છીએ છીએ.’’ તૃષાએ દઢતાથી કહ્યું.

પિતા મનોજ ગુસ્સામાં લાલપીળા થઈ ગયા.
જેાકે તે પોતાના ગુસ્સા માટે જાણીતા હતા.
તેમણે જેારથી બૂમ પાડતા કહ્યું, ‘‘તારી હિંમત કેવી રીતે થઈ આટલી મોટી વાત કહેવાની… ક્યારેય વિચાર્યું છે કે તેની હેસિયત જ ક્યાં છે આપણી બરાબરી કરવાની? અરે, ક્યાં આપણે બ્રાહ્મણ અને તે કુર્મી ક્ષત્રિય, આપણા અને તેના કુળની તો કોઈ બરાબરી જ ન થઈ શકે.
આમ પણ દીકરીને તો પોતાનાથી કોઈ ઊંચા ખાનદાનમાં આપવામાં આવે છે, જ્યારે તેનું કુળ તો આપણાથી નિમ્ન શ્રેણીનું છે.
તૃષા પણ ખૂબ ઘમંડી છોકરી હતી.
પિતાજીના અસીમિત લાડપ્રેમે તેને જિદ્દી બનાવી દીધી હતી.
તેથી તેણે તરત જ જવાબ આપી દીધો, મેં કોઈ જાતિ વિશેષને પ્રેમ નથી કર્યો પપ્પા, માણસને કર્યો છે અને મલય પણ કોઈ ઉચ્ચ જાતિ કરતા અનેક ગણો ઊંચો છે, કારણ કે તે એક સારી વ્યક્તિ છે, જેને પ્રેમ કરીને મેં કોઈ અપરાધ નથી કર્યો.
મનોજે કલ્પના પણ નહોતી કરી કે તેમની લાડકી દીકરી તેમના વિરોધમાં આ રીતે ઊભી થશે. તેમને તો પોતાના ઉચ્ચ કુળ પર ખૂબ ગર્વ હતો.
તેમના વડવાઓ પોતાના સમયના મોટા જાગીરદાર હતા, પણ હવે તો જાગીરદારી રહી નહોતી, તેમ છતાં પણ કહેવાય છે ને કે હાથી મરે તો પણ ૯ લાખનો…
મનોજના સંદર્ભમાં આ કહેવત સંપૂર્ણ રીતે લાગુ પડે છે.

તે પોતાના શહેરના ખૂબ જાણીતા વકીલ હતા.
લક્ષ્મીએ તો જાણે તેમની પર પોતાની બધી કૃપા વરસાવી હતી.
તૃષા પણ તેમની એકમાત્ર લાડકી છોકરી હતી.
પોતાના મોટાભાઈ તનયને પણ તે ખૂબ વહાલી હતી.
તનય ભારતીય પ્રશાસનિક સેવામાં પસંદ થઈને ઉચ્ચ સચિવ પદ પર આસામમાં ફરજ બજાવી રહ્યો હતો.
મનોજને પોતાના કુળ તથા પોતાનાં બાળકો પર ખૂબ અભિમાન હતું.
તે વિચારી શકતા નહોતા કે તેમની દીકરી આ રીતે તેમને ઝાટકો આપી શકે છે.
તેમના માનવા અનુસાર, મલયના પરિવારની તેમના પરિવાર સાથે કોઈ સરખામણી થઈ શકે તેમ નહોતી.

મલયના પિતા અનિલ કૃષિ વિભાગમાં ક્લાસ ટૂ અધિકારી હતા.
તેમની રહેણીકરણી પણ સારી હતી.
પરિવાર શિક્ષિત હતો.
બંને પરિવાર વચ્ચે સંબંધ સારા હતા.
મલય પણ સારો સંસ્કારી યુવક હતો, પરંતુ બંને પરિવાર વચ્ચે જાતિકુળની જે દીવાલ હતી, તેને તોડવી એટલી સરળ નહોતી.
આ કારણસર તે પોતાની દીકરીના લગ્ન કેવી રીતે પોતાનાથી નિમ્ન કુળમાં કરે.
અવારનવાર મનોજ તેના ઉચ્ચ કુળનાં વખાણ કરતા અનિલને પરોક્ષ રીતે તેમની નિમ્ન જાતિનો અહેસાસ પણ કરાવી દેતા હતા.
અનિલ પણ આ બધી વાતને સમજતા હતા, પરંતુ શાલીનતાવશ મૌન રહેતા હતા. જ્યારે
મનોજે દીકરી તૃષાને પોતાની જિદ્દ પર અડગ રહેતી જેાઈ ત્યારે તેમણે અનિલ સાથે વાત કરી અને ત્યાર પછી પોતાની સહમતીથી એક સાદા સમારંભમાં કેટલાક પસંદગીના લોકોની ઉપસ્થિતિમાં દીકરીના મલય સાથે લગ્ન કરાવી દીધા.
જ્યારે તૃષાની વિદાય થઈ ત્યારે તેમણે ‘હવે આ ઘરના દરવાજા તારા માટે હંમેશાં માટે બંધ થઈ ગયા છે.’ કહીને તૃષા માટે પ્રતિબંધની એક રેખા દોરી દીધી હતી.
તેમણે દીકરીજમાઈ સાથેનો પોતાના સંબંધનો હંમેશાં માટે અંત લાવી દીધો હતો.
તેનાથી વિપરીત મલયના પરિવારે પ્રેમપૂર્વક હાથ ફેલાવીને તેમને આવકાર્યા હતા.

ત્યારથી ૧૨ વર્ષનો સમય પસાર થઈ ગયો હતો, પરંતુ પિયરમાં તે આવી શકી નહોતી.
જ્યારે પણ શ્રાવણ મહિનો આવતો ત્યારે તેને પિયરની અચૂક યાદ સતાવતી હતી.
તે વિચારતી કે કદાચ આ વખતે તો પપ્પા તેને બોલાવશેની આશા બળવત્તર બનતી અને કાનમાં ગીત ગુંજવા લાગતું. ‘‘અબકી બરસ ભેજેા ભૈયા કો બાબુલ સાવન મેં લીજે બુલાય રે, લૌટેગી જબ મેરે બચપન કી સખિયા દીજે સંદેશાં ભિજાય રે.’’
આમ ને આમ ૧૨ વર્ષ વીતી ગયા, પરંતુ પિયરમાં કોઈ આમંત્રણ ન આવ્યું.
કદાચ તેના પિતાએ તેને પોતાની દીકરી માનવાથી ઈન્કાર કરી દીધો હતો, કારણ કે હવે તે બીજી જ્ઞાતિની થઈ ગઈ હતી.

દીકરો મોહક જે હવે ૯ વર્ષનો થઈ ગયો હતો. તે ઘણી વાર પૂછતો, ‘‘મારા મિત્રોને તો નાનાનાની, મામામામી બધા છે. રજાઓમાં તે બધા તેમના ઘરે પણ જાય છે. તો પછી હું કેમ નથી જતો? શું મારા નાનાનાની અને મામામામી નથી?’’
તે સમયે તૃષાની આંખમાં આંસુ આવી જતા, પરંતુ દીકરા સમક્ષ તે લક્ષ્મણ રેખાનો ઉલ્લેખ પણ નહોતી કરી શકતી, જેા પોતાના દંભી પિતાએ દોરી હતી અને જેને ઈચ્છવા છતાં પણ ઓળંગી શકતી નહોતી.

ડ્રાઈવર ગાડી લઈને આવી ગયો હતો.
પછી જ્યારે તે મોહકને સ્કૂલેથી લઈને પાછી આવી, ત્યારે તેણે મલયને પોતાના રૂમમાં કોઈ પેપર શોધતા જેાયો.
તૃષાને જેાઈને તેનો ચહેરો થોડો શ્યામ પડી ગયો.
પોતાના હાથના પેપરને થોડા છુપાવતા તે રૂમમાંથી બહાર જવા લાગ્યો. ‘‘શું થયું મલય, આટલા અપસેટ કેમ છો અને આ પેપર ક્યાં છે?’’
‘‘ક્યાંય નહીં તૃષા… થોડા જરૂરી પેપર છે… તું ચિંતા ન કર.’’ કહીને મલય ચાલ્યો ગયો.
ત્યાર પછી તો તૃષાના મનમાં ઘણી બધી શંકાકુશંકા ઊઠવા લાગી. તે વિચારવા લાગી કે ક્યાંક આ ડિવોર્સના પેપર તો નથી ને…

૧૨ વર્ષમાં તેણે મલયને આટલો ભ્રમિત ક્યારેય નહોતો જેાયો. શું મલયને હવે તેના માટે એટલો પ્રેમ પણ નહોતો, જેટલા પ્રેમની તેને તેની પાસેથી અપેક્ષા હતી? શું તે કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરવા લાગ્યો છે અને મારાથી દૂર જવા ઈચ્છે છે? કેમ મલય આટલો દુખી થઈ ગયો છે? ક્યાં ભૂલ થઈ ગઈ હશે તેનાથી? શું ઊણપ રહી ગઈ છે મારા પ્રેમમાં? જેવા ઘણા બધા પ્રશ્નોની શૃંખલા તેને સતાવવા લાગી.
મલયના પ્રેમમાં તેણે પોતાને એટલી આત્મસાત કરી લીધી હતી કે તેને પોતાની આસપાસની પણ કોઈ ખબર નહોતી રહેતી.

પિયરની યાદ પર જાણે એક સૂક્ષ્મ ચાદર પડી ગઈ હતી. ‘ના…ના…’
મારે તપાસ કરવી પડશે કે કેમ મલય મને ડિવોર્સ આપવા ઈચ્છે છે?’ તે વિચારવા લાગી, ‘ઠીક છે, આજે ડિનર પર હું તેને પૂછીશ કે એવો કયો અદશ્ય પડછાયો તે બંને વચ્ચે આવી ગયો છે.
તે કોઈ બીજાને પ્રેમ કરવા લાગ્યો હોય તો ઠીક છે, તેણે સ્પષ્ટ રીતે કહી દેવું જેાઈએ.
કમ સે કમ બંને વચ્ચે જે અંતર વધી રહ્યું છે તેને ઘટાડવા માટે પ્રયાસ તો કરી જ શકાય ને.’’
સાંજના ૫ વાગ્યા હતા.

મલયના આવવાનો સમય થઈ ગયો હતો.
તેણે હાથ-મોં ધોઈને હળવો મેકઅપ કરી લીધો, સાડી બદલી લીધી, મોહકને જગાડીને તેને દૂધ પીવા માટે આપી દીધું અને પછી તેને હોમવર્ક કરવા બેસાડી દીધો. તે રસોડામાં જતી રહી, મલય માટે નાસ્તો બનાવવા.
મલયને તો આવતા જ કકડીને ભૂખ લાગતી હતી.
આ બધા કામકાજ તૃષાની દિનચર્યા બની ગયા હતા, પરંતુ બીજી તરફ મલય સાંજનો નાસ્તો પણ બરાબર નહોતો કરી રહ્યો.
જે કંઈ બનાવ્યું હોય તે કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના ચુપચાપ ખાઈ લેતો હતો.
એવું લાગતું હતું જાણે કે તે કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો હોય. જરૂર કોઈ વાત છે જે તેને અંદરોઅંદર ખાઈ રહી હતી.

તેણે વિચાર્યું, ‘કેવી રીતે તોડું મલયના આ મૌનને…’
નાસ્તાના ટેબલ પર ફરીથી મલયે પોતાનો તે જ પ્રશ્ન ફરી રજૂ કર્યો, ‘‘શું વિચાયું છે તમે?’’
‘‘શેના વિશે?’’
તેણે પણ અજાણ બનતા પ્રશ્ન ઉછાળી દીધો.
‘‘ડિવોર્સ વિશે બીજું શું.’’
મલયનો સ્વર ગંભીર હતો.
તેનો બોલવાનો લહેકો દર્શાવતો હતો કે આ તો છુપાવેલી ગંભીરતા છે. ‘‘ખૂલીને બોલ મલય, આ ડિવોર્સ-ડિવોર્સનું શું રટણ કરે છે…
શું હવે તમે મારાથી કંટાળી ગયા છો? શું મારા માટે તમારો પ્રેમ ગાયબ થઈ ગયો છે કે પછી બીજી કોઈ મળી ગઈ છે?’’
કટાક્ષભર્યા લહેકામાં તેણે પૂછ્યું. ‘‘ના તૃષા, એવી કોઈ જ વાત નથી. માત્ર એમ જ મારી જાતને તારો ગુનેગાર સમજી રહ્યો હતો.

મારા માટે તારે તારા પરિવારજનોને હંમેશાં માટે છોડવા પડ્યા, જ્યારે મારો પરિવાર તો મારી સાથે છે.
હું જ્યારે ઈચ્છુ ત્યારે તેમને મળી શકું છું, મોહકનો પણ તેના મોસાળ સાથે કોઈ પરિચય નથી. તે તો મોસાળના સંબંધને જાણતો પણ નથી.
મને તેને તેના સ્વજનોથી દૂર કરવાનો શું અધિકાર હતો.’’ કહેતા મલય ચુપ થઈ ગયો.

‘‘૧૨ વર્ષ પછી તને આ બધી વાતોની કેમ યાદ આવી? મને પણ આ સંબંધને ગુમાવવાનું દુખ છે, પરંતુ મારા દિલમાં તમારા માટેના પ્રેમ સિવાય બીજું કંઈ નથી… ઠીક છે, જીવનમાં માતાપિતાનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું હોય છે, પરંતુ જ્યારે તે લોકો પોતાની દીકરીને બીજા કોઈના હાથમાં સોંપીને પોતાની જવાબદારીથી મુક્ત થઈ જાય છે ત્યારે પ્રેમ હોય કે ન હોય દીકરીએ તો તે સંબંધ નિભાવવા પડે છે, કારણ કે તેમના માનસન્માનનો અહીં પ્રશ્ન હોય છે, પછી ભલે ને દીકરીએ તે સન્માનની કિંમત પોતાનો જીવ આપીને જ કેમ ન ચૂકવવી પડે.

ક્યારેક-ક્યારેક દહેજના લીધે કેટલીય છોકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે અને ત્યારે તેમની પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ જ બાકી રહેતું નથી.
આપણે બંને એકબીજા પ્રત્યે સમર્પિત છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ તેમાં ખોટું શું છે અને મારા પિતાની દીકરી પણ જીવિત છે પછી ભલે ને તેમનાથી દૂર હોય.’’
તૃષાની દલીલે મલયને નિરુત્તર કરી દીધો.
રાત્રે જમીને મલય તેના રૂમમાં ઊંઘવા જતો રહ્યો.

મોહકને ઊંઘાડીને તૃષા પણ તેની પાસે આવીને ઊંઘી ગઈ અને પ્રેમાળ નજરથી મલયને જેાવા લાગી.
પછી મલય પણ તેને પોતાની આગોશમાં લઈને તેના હોઠ પર ચુંબનનો વરસાદ વરસાવવા લાગ્યો.
પછી તો તૃષાનું શરીર પણ ઓગળવા લાગ્યું, તેણે પણ તેની છાતીમાં પોતાનું મોં છુપાવી લીધું. એટલામાં મલય એક ઝાટકે તેનાથી અલગ થઈ ગયો, ‘‘ઊંઘી જા તૃષા, મોડી રાત થઈ ગઈ છે.’’ કહીને પડખું ફરીને તે ઊંઘવાનો પ્રયાસ કરવા લાગ્યો.

તૃષા આશ્ચર્યથી મલયને જેાવા લાગી કે શું થયું તેને.
તે કેમ મારાથી દૂર જવા ઈચ્છે છે? જરૂર તેના જીવનમાં બીજી છોકરી આવી છે.
તેથી તે મારાથી આટલો કંટાળીને દૂર જઈ રહ્યો છે.
પછી તે મનોમન ડૂસકાં ભરવા લાગી.
સવારની દિનચર્યાનો પ્રારંભ થયો.
મલયને ચા બનાવીને આપી મોહકને પણ સ્કૂલે મોકલી દીધો.
પછી સ્નાન કરીને નાસ્તાની તૈયારી કરવા લાગી.
રાતના વિષયમાં ન તો તેણે કંઈ પૂછ્યું ન મલયે કંઈ કહ્યું.
ચહેરા પર એક અપરાધભાવ ચોક્કસ છલકી રહ્યો હતો.
લાગતું હતું જાણે કે તે કંઈ કહેવા ઈચ્છી રહ્યો છે, પરંતુ કોઈ અદશ્ય શક્તિ જાણે તેને રોકી રહી હતી.

બીજી તરફ તૃષાની બેચેની વધી રહી હતી કે શું કરું, કેવી રીતે જાણી શકું કે એવી તે કઈ પરેશાની છે કે મલય વારંવાર ડિવોર્સની વાત કરે છે…
તપાસ તો કરવી પડશે.
મલયના ઓફિસ ગયા પછી તેણે તેના સામાનને ચેક કરવાનું શરૂ કર્યું.
ક્યાંક કોઈ પુરાવા મળી જાય.
એટલામાં તેને તેની ડાયરી મળી ગઈ અને તે વાંચવા લાગી.
ડાયરીના દરેક પાનાં પર તો તૃષા વિશે લખ્યું હતું, ‘‘હું તૃષાથી દૂર નથી રહી શકતો. તે મારી જિંદગી છે, પરંતુ હું શું કરું મજબૂરી છે. મારે તેનાથી દૂર જવું પડશે. હવે હું તેને વધારે નથી છેતરી શકતો.’’

તૃષા આ પંક્તિઓ વાંચીને ચોંકી ગઈ કે મલયની મજબૂરી શું હશે, પરંતુ આ પંક્તિઓને વાંચીને ખબર પડે છે કે બીજા કોઈના તેની જિંદગીમાં હોવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, તો પછી તે કેમ ડિવોર્સની વાત કરે છે? તેના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું એટલામાં તેની નજર મલયના મોબાઈલ પર પડી, ‘‘અરે, આ તો પોતાનો મોબાઈલ ભૂલીને ઓફિસ જતો રહ્યો છે.
ચાલો જેાઈ લઉં, કદાચ કોઈ ભાળ મળી જાય.
પછી તેણે મલયના કોન્ટેક્સને જેાવાનું શરૂ કર્યું.
તે ડોક્ટર ધીરજનું નામ વાંચીને તે ચોંકી ગઈ.
૧ અઠવાડિયાથી સતત તેમની સાથે મલયની વાત થઈ રહી હતી.
ડોક્ટર ધીરજ પાસે મલયને શું કામ હશે, તે વિચારવા લાગી, ‘‘કોલ કરું… કદાચ કોઈ જાણકારી મળી શકે અને પછી તેણે કોલનું બટન દબાવી દીધું.
‘‘હેલો, મલય તમારે તમારી કાળજી લેવી પડશે, જેમ કે તમે જાણો છો તમને એચઆઈવી પોઝિટિવ છે. ઈલાજ શક્ય છે, પણ તે ખૂબ ખર્ચાળ છે. સારવાર ક્યાં સુધી ચાલશે તે વિશે કંઈ જ કહી શકાય તેમ નથી, પરંતુ તમે પરેશાન ન થશો. કુદરતે ઈચ્છ્યું તો બધું સારું થશે.’’ ડોક્ટર ધીરજ સમજ્યા હતા કે મલયે ફોન કર્યો છે તેથી તેમણે બધું જણાવી દીધું.
હવે તૃષાને પણ પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો હતો.
તેની આંખ આંસુઓથી છલકાઈ ગઈ કે આ જ વાત છે જે મલય મારાથી છુપાવી રહ્યો છે.
તે વિચારવા લાગી કે આ ઈંફેક્શન તેને થયું કેવી રીતે.
તે તો હંમેશાં મારી પાસે જ રહેતો હતો.
પછી ભૂલ ક્યાં થઈ ગઈ? શું કોઈ બીજા સાથે મલયે સંબંધ બનાવી લીધો હશે…
આજે તે બધી વાતનો ખુલાસો થઈને રહેશે.
તેણે મનોમન નક્કી કરી લીધું.

મોહક સ્કૂલેથી આવી ગયો હતો.
તેને ખાવાનું ખવડાવીને ઊંઘાડી દીધો અને તે પરિસ્થિતિ વિશે વિચારવા લાગી કે ના, ના, આ બીમારીના લીધે હું મલયને ડિવોર્સ ન આપી શકું.
જ્યારે ઈલાજ શક્ય છે તો પછી બંનેના અલગ થવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો.
સાંજે તેણે મલયનું પહેલાંની જેમ હસીને સ્વાગત કર્યું.
તેને ગમતો નાસ્તો પણ કરાવ્યો.
જ્યારે તે થોડો ફ્રી થયો ત્યારે તેણે વાત શરૂ કરી, ‘‘મલય, ડોક્ટર ધીરજ પાસે તમે કઈ બીમારીની સારવાર કરાવી રહ્યા છો?’’ સાંભળીને મલય ચોંકી ગયો,
‘‘કોણ ધીરજ ચોપડા? હું આ નામના કોઈ ડોક્ટરને નથી ઓળખતો…
કોણ જાણે તું કયો રાગ આલાપવા બેસી ગઈ છે, ગુસ્સો તેના સ્વરમાં સ્પષ્ટ રીતે જેાઈ શકાતો હતો.

‘‘ના મલય, આ કોઈ રોગ નથી… મારાથી કંઈ છુપાવીશ નહીં, મને બધી જાણ થઈ ગઈ છે. તું ફોન ઘરે ભૂલી ગયો હતો અને મેં તેમાં ડોક્ટર ચોપડાના ઘણા કોલ્સ જેાયા ત્યારે મનમાં શંકા થઈ અને મેં તેમને ફોન લગાવ્યો હતો. તેઓ સમજ્યા કે તું બોલી રહ્યો છે અને પૂરી હકીકત જણાવી દીધી, સાથે એમ પણ કહ્યું કે આ બીમારીની સારવાર ખૂબ મોંઘી છે, પરંતુ શક્ય છે. હા, સાજ થઈ જવાના સમયની કોઈ સીમા નથી. આ કારણસર તું ડિવોર્સ પર ભાર મૂકી રહ્યો હતો ને… પહેલાં જ બતાવી દેવું હતું ને… છુપાવવાની જરૂર ક્યાં હતી.’’

હવે મલય ભાંગી પડ્યો. તેણે તૃષાને ગળે લગાવી લીધી અને પછી ધીરેથી તેને પૂરી વાત જણાવી, ‘‘તું તો જાણે છે તૃષા કે ગયા મહિને હું ઓફિસના એક સેમિનારમાં ભાગ લેવા સિંગાપુર ગયો હતો. મારી સાથે મારા બીજા ૨-૩ સહકર્મી પણ હતા. અમને એક હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. અમારે અઠવાડિયું ત્યાં રહેવાનું હતું અને મને તારાથી આટલા બધા દિવસ દૂર રહેવું મુશ્કેલ લાગી રહ્યું હતું, તેમ છતાં પણ હું મારા મનને સમજાવતો રહ્યો. દિવસ તો પસાર થઈ જતો હતો, પરંતુ રાત્રે તારા આલિંગનનું બંધન મને ઊંઘવા દેતું નહોતું અને હું તારી યાદોમાં તડપીને રહી જતો હતો.’’
‘‘એક દિવસ ખૂબ વરસાદ પડી રહ્યો હતો. મારા બધા સાથી નીચે હોટલના બારમાં બેસીને ડ્રિન્ક લઈ રહ્યા હતા. હું પણ ત્યાં જ હતો. જ્યાં મોજમસ્તીના બીજા સાધન પણ ઉપલબ્ધ હતા, સાથે રાત પસાર કરવા માટે આ હોટલમાં છોકરીઓ પણ સપ્લાય કરવામાં આવતી હતી. અલગઅલગ રૂમમાં બધી વ્યવસ્થા રહેતી હતી. તારી ગેરહાજરી મને ખૂંચતી હતી. પછી રાત્રે મેં પણ એક રૂમ બુક કરાવી લીધો અને ત્યાર પછી પતનની ખાઈમાં હું પડતો ગયો.’’

‘‘આ ઈંફેક્શન તે દિવસની ભેટ છે. બાદમાં મને ખૂબ પસ્તાવો થયો કે મેં આ શું કરી દીધું. નાના મારા આ જ જઘન્ય અપરાધની જેટલી પણ સજા મળે તેટલી ઓછી છે. મેં ફરીથી તેની સાથે કોઈ સંપર્ક ન કર્યો. સાથીએ મારી ઉદાસીની મજાક પણ ઉડાવી, તેમનું કહેવું હતું કે પત્ની તો ઘરની વસ્તુ છે. તે ક્યાં જવાની છે. આપણે તો થોડી મજા લઈ રહ્યા છીએ, પરંતુ હું આ ભૂલને ફરીથી કરવા ઈચ્છતો નહોતો. માત્ર તારી પાસે ચાલ્યો આવ્યો.’’

‘‘પછી એક દિવસ ઓફિસમાં હું બેભાન થઈ ગયો અને ખૂબ મુશ્કેલથી મને ભાન આવ્યું. મારા સહયોગી મને ડોક્ટર ચોપડા પાસે લઈ ગયા. તેમણે મારો બ્લડ ટેસ્ટ કરાવ્યો ત્યારે મને આ બીમારીની જાણ થઈ. હું સમજી ગયો કે આ ભેટ મને સિંગાપુરમાંથી મળી છે. પછી હું અપરાધબોજથી ભરાઈ ગયો. પૂરો સમય હું વિચારતો રહેતો કે મારે તારા જીવનમાંથી ક્યાંક દૂર ચાલ્યા જવું જેાઈએ. તેથી હું ડિવોર્સની વાત કરી રહ્યો હતો. એ વાત જાણવા છતાં કે મારો અને તારો પ્રેમ એટલો મજબૂત છે કે તે સરળતાથી નહીં તૂટે.’’ કહેતા મલય ધ્રુસકેધ્રુસકે રડી પડ્યો.

તૃષા પણ હતપ્રત થઈ ગઈ કે આટલો મોટો દગો? શું મલય મારા બદલે કોઈ બીજાની પડખે ચાલ્યો ગયો.
શું તે સમયે તેની આંખ પર વાસનાની પટ્ટી બંધાયેલી હતી.
ત્યાર પછી તરત જ તેણે પોતાની ફરજ નક્કી કરી લીધી કે ના તે મલયનો સાથ નહીં છોડે.
તેને તૂટવા નહીં દે, પતિપત્નીનો સંબંધ એટલો કાચો થોડો હોય છે કે સામાન્ય ઝટકામાં તૂટી જાય.
તેણે મલયને પૂરા દિલથી પ્રેમ કર્યો છે.
તે આ પ્રેમને ગાયબ થવા નહીં દે. માણસ છે, ભૂલ થઈ તો તેની સજા પૂરી જિંદગી આપ્યા કરવી એ ક્યાંનો ન્યાય… ના ક્યારેય નહીં.
તે મલયના પોઝિટિવને નેગેટિવ કરી દેશે.
આ બીમારીની સારવાર મોંઘી છે તો શું થયું, આ કારણસર તે પોતાના પ્રેમને તો મરવા નહીં દે.
પછી તેણે મલયને પોતાના આલિંગનમાં પ્રેમથી લઈ લીધો.
આ સમયે તેનો બ્લાઉઝ મલયના આંસુથી ભીંજાઈ રહ્યો હતો.

મીઠું ઝેર

વાર્તા – સિદ્ધાર્થ જૈન

લાખ સમજાવ્યા છતાં રોહિતે કોલગર્લ સાથે સંબંધ ચાલુ રાખ્યા.
એક દિવસ જ્યારે તેની પત્નીની તબિયત લથડી અને ડોક્ટરે તેને એચઆઈવીની તપાસ કરાવવાનું કહ્યું ત્યારે તેં ચોંકી ગઈ…
રવિવારની સવારે ૬ વાગે એલાર્મના અવાજે મારી ઊંઘ ઉડાડી દીધી.
મારું પાર્કમાં ફરવા જવાનું મન તો નહોતું, પણ માનસી અને વંદનાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાના મજબૂત ઈરાદાએ મને પથારી છોડવાની પ્રેરણા આપી.
લગભગ ૬ મહિના પહેલાં વંદનાના પતિ રોહિત સાથે મારો પરિચય એક પાર્ટીમાં થયો હતો.
તે મહાશય એવો હસમુખ અને ખુશમિજાજ નીકળ્યો કે તે જ દિવસથી અમે સારા મિત્ર બની ગયા.
ટૂંક સમયમાં માનસી અને વંદના પણ સારી સાહેલી બની ગઈ.
પછી તો અમારું એકબીજાના ઘરે આવવુંજવું વધતું ગયું. લગભગ ૨ અઠવાડિયા પહેલાં રોહિતને પોતાના એક સહયોગી મિત્રની જાનમાં સામેલ થઈને દેહરાદૂન જવાનું થયું.
તબિયત સારી ન હોવાથી વંદના તેની સાથે નહોતી જવાની.
‘‘મોહિત, તું મારી સાથે ચાલ. આપણે ૧ દિવસ માટે મસૂરી ફરી લઈશું.’’ પૂરો ખર્ચ હું કરીશ.
લાલચ આપીને તેણે મને પણ પોતાની સાથે આવવા રાજી કરી લીધો હતો.
ફરવા માટે એકલા તેની સાથે ઘરથી બહાર નીકળીને મને જાણ થઈ કે તે તો એક ખાસ પ્રકારની મોજમસ્તીનો શોખીન પણ છે.

દિલ્લીથી જાનની બસ ઊપડવાના થોડા સમયમાં મેં નોટ કરી લીધું હતું કે નિશા નામની એક સુંદર અને સ્માર્ટ છોકરી સાથે તેની મિત્રતા થોડી જરૂર કરતા વધારે ગાઢ છે.
તે બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા.
‘‘આ નિશા સાથે તારું શું ચક્કર ચાલી રહ્યું છે?’’ રસ્તામાં એક જગ્યાએ ચા પીતા મેં તેને બાજુમાં લઈ જઈને પૂછ્યું.
‘‘જેા તું જાણીજેાઈને વંદનાને મારી કોઈ જ ફરિયાદ નહીં કરે, તો હું તને સાચું જણાવીશ.’’ તેણે મારી પીઠ પર મિત્રતાના ભાવમાં ૧ ધબ્બો મારીને જવાબ આપ્યો.
‘‘તારું સીક્રેટ મારી પાસે હંમેશાં સેફ રહેશે.’’ હું પણ મજાકિયા અંદાજમાં હસી પડ્યો.
‘‘થેન્ક્યૂ. આજકાલ આ શહેનશાહની સરભરા આ નિશા નામની મિત્ર જ કરી રહી છે. તારું પણ તેની સાહેલી સાથે ચક્કર ચલાવું?’’

‘‘અરે ના, આવા ચકકર ચલાવવામાં મન કોઈ રસ નથી.’’ મેં ડરીને જવાબ આપ્યો.
‘‘અરે, ચક્કર ન ચલાવતો, પણ હસીબોલી તો લેજે તે રૂપલલના સાથે.’’
મજાકિયા અંદાજમાં મારી કમર પર બીજેા એક ધબ્બો માર્યા પછી તે નિશા અને તેની સાહેલી તરફ ચાલ્યો ગયો.
નિશાની સાહેલી શિખા વધારે સુંદર તો નહોતી, પણ તેનામાં એક ગજબની સેક્સ અપીલ હતી.
ટ્રાવેલિંગ દરમિયાન તે ખૂલીને મારી મિત્ર બની ગઈ ત્યારે જાનમાં સામેલ થવાની મારી મજા તો અનેકગણી વધી ગઈ.

બીજા દિવસે સવારે જાન સાથે પાછા ન ફરતા અમે બંને ટેક્સીથી મસૂરી પહોંચી ગયા.
જે હોટલમાં અમે રોકાયા ત્યાં નિશા અને શિખાને પહેલાંથી હાજર જેાઈને મને આશ્ચર્ય થયું.
‘‘આ બંને સાથે મસૂરીમાં ફરવાની મજા અલગ હશે.’’ આમ કહીને રોહિતે મારી સામે પહેલી વાર નિશાને પોતાના આલિંગનમાં જકડી લીધી.
મિત્રોની માનસિકતા અને તેમના વ્યવહારનો આપણી પર ખૂબ પ્રભાવ પડતો હોય છે.
પત્ની માનસીને છેતરીને બીજી કોઈ છોકરી સાથે ચક્કર ચલાવવાનો વિચાર તો ક્યારેય મારા મનમાં આવ્યો જ નહોતો.
આ તો રોહિતની કંપનીની અસર હતી કે શિખાના સાથની કલ્પના કરીને મારા મનમાં ગલી થવા લાગી હતી.
અમે પૂરો દિવસ તે બંને સાથે મસૂરીમાં ફર્યા.
રાત્રે રોહિત તો આ બંનેના રૂમમાં ચાલ્યો ગયો અને ત્યાર પછી શિખા મારા રૂમમાં આવી ગઈ.
રોહિત સાથે મેં જે દારૂ પીધો હતો તેના નશાએ મારા મનમાં બધા ખચકાટ અને ડરને ગાયબ કરી દીધા હતા.
તે ક્ષણે એ વિચાર મારા મનમાં ન આવ્યા કે હું કોઈ ખોટું કામ કરી રહ્યો છું કે પછી માનસી સાથે દગો કરી રહ્યો છું.
શિખાએ સંપૂર્ણ સમર્પણ પહેલાં જ પોતાના પર્સમાંથી ૧ કોન્ડોમ કાઢીને મારા હાથમાં પકડાવી દીધો.
તેના આ કરતૂતથી મને એક જેારદાર ઝાટકો લાગ્યો.
તરત જ મારા મનમાં વિચાર આવ્યો કે શિખા તો એક કોલગર્લ છે અને ત્યાર પછી જેાતજેાતામાં તેની સાથે મોજમસ્તી કરવાનું ભૂત મારા માથા પરથી ઊતરી ગયું.
‘‘હવે મારું મન બદલાઈ ગયું છે. પ્લીઝ, તું ઊંઘી જા.’’ પલંગ પરથી ઊતરતા હું બાલ્કની તરફ ચાલવા લાગ્યો.
‘‘આર યૂ શ્યોર?’’ તે મને વિચિત્ર નજરથી જેાઈ રહી હતી.
‘‘બિલકુલ.’’ ‘‘સવારે રોહિત સમક્ષ કોઈ પણ પ્રકારની ફરિયાદ તો નહીં કરો ને?’’ ‘‘અરે ના.’’ ‘‘પણ જેા મન થાય તો મને ગમે ત્યારે જગાડી દેજેા.’’ ‘‘શ્યોર.’’ ‘‘પૈસા માંગવાની ઝંઝટ તો ઊભી નહીં કરો ને?’’ ‘‘ના.’’ તેના પ્રોફેશનલ કોલગર્લ હોવા વિશે મારો અંદાજ સાચો નીકળ્યો.

બીજા દિવસે સવારે મારી વિનંતી પર શિખા અમારી વચ્ચે યૌન સંબંધ ન બનવાની વાત રોહિત અને નિશાને ક્યારેય ન જણાવવા રેડી થઈ ગઈ.
સવારે ઊઠીને રોહિતે આંખમાં મસ્તીભરી ચમક ભરીને મને પૂછ્યું, ‘‘કેવું રહ્યું, મજા આવીને મારા મિત્ર? મસૂરીથી પૂરા સંતુષ્ટ થઈને જઈ રહ્યા છીએ ને?’’
‘‘બિલકુલ.’’ મેં થોડા શરમાઈને જવાબ આપ્યો ત્યારે તે ખડખડાટ હસવા લાગ્યો.
‘‘આ કિસ્સામાં તો મારો દષ્ટિકોણ બિલકુલ સ્પષ્ટ છે, મિત્ર મહિનામાં ૧-૨ વાર મોંનો સ્વાદ બદલી લો તો પછી પત્નીથી કંટાળો નથી આવતો.’’
‘‘તમે સાચું કહી રહ્યા છો ગુરુદેવ.’’
‘‘ચેલા, બીજી એક વાત પણ સ્પષ્ટ કરી દઉં કે હવે પછીની આ પ્રકારની ટ્રીટ તારા તરફથી રહેશે.’’
‘‘શ્યોર, પરંતુ…’’
‘‘પણ શું?’’
‘‘મારે આ રસ્તે ન આવવું હોય તો ક્યાંક તું મારાથી નારાજ તો નહીં થાય ને?’’ ‘‘હવે તેં લોહી ચાખી લીધું છે. તેથી તું પણ મારી સાથે મોજમસ્તી કરવા માટે આવતો જ રહીશ.’’ આ મજાક પર તેનું જેારથી હસવું મને ન ગમ્યું.
અમે બંને પાછા દિલ્લી આવી ગયા ત્યારે જેાયું તો વંદનાની તબિયત વધારે વણસી ગઈ હતી.
‘‘ખાંસીતાવ હજી પણ હતા. રાત્રે પેટ ખરાબ થવાથી ખૂબ કમજેારી અનુભવાઈ રહી હતી.’’ પોતાની બીમારીના લક્ષણ જણાવતા વંદનાના અવાજમાં પણ ખૂબ કમજેારી દેખાઈ રહી હતી.
‘‘તેં જરૂર કંઈ ખાઈ લીધું હશે.’’ રોહિતે તેનું માથું ચૂમતા કહ્યું.
‘‘તમે મારી તબિયતને હળવાશમાં લઈ રહ્યા છો… તમને મારી ચિંતા છે કે નહીં?’’ કહેતાં વંદના રડી પડી.
‘‘હું આરામ કરતા પહેલાં તને ડોક્ટરને બતાવી લાવું છું.’’ રોહિતનું આ આદર્શ પતિનું બદલાયેલું રૂપ જેાઈને મેં મનોમન તેના કુશળ અભિનયના વખાણ કરી લીધા.

વંદનાની તબિયત અઠવાડિયાની સારવાર પછી પણ જ્યારે ન સુધરી તો હું તે બંનેને મારા વિસ્તારના એક જાણીતા ડોક્ટર ઉમેશ પાસે લઈ ગયો.
ડોક્ટર ઉમેશે વંદનાની તપાસ કર્યા પછી કેટલાક ટેસ્ટ લખી આપ્યા અને ત્યાર પછી ગંભીર લહેકામાં રોહિતને કહ્યું, ‘‘એચઆઈવીનો ટેસ્ટ તમારે પણ કરાવવો પડશે.’’ ડોક્ટરની વાત સાંભળીને વંદનાએ જેા ડર, ગુસ્સા અને નફરતના ભાવ આંખમાં લાવીને રોહિત સામે ગુસ્સાભરી નજરથી જેાયું હતું.
તે રુંવાડાં ઊભા કરી દેનારા દશ્યને હું આજીવન ભૂલી નહીં શકું.
ડોક્ટરની વાત સાંભળીને હું મનોમન ખૂબ ખરાબ રીતે ડરી ગયો હતો.
તે રાત્રે મેં મનોમન ક્યારેય અયોગ્ય રસ્તે ન જવાનું વચન સ્વયંને આપી દીધું.
ક્ષણિક મોજમસ્તી માટે પોતાના તથા સ્વજનોના જીવનને દાવ પર લગાવવા શું સમજદારીની વાત છે?’’ પણ રોહિત અને વંદના બંનેનો એચઆઈવીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તેથી તેમના ૩ વર્ષના દીકરા રાહુલની એચઆઈવી તપાસ કરાવવાની જરૂર ન રહી.

સતત ચાલુ રહેલા તાવખાંસીના લીધે તેને ટીબી થવો નક્કી હતું.
અંદાજ લગાવવામાં આવ્યો કે આ બીમારી તેને પોતાના સસરા પાસેથી મળી હતી, જેમનું મૃત્યુ થોડા સમય પહેલાં થયું હતું.
જેાઈને મને ખૂબ અફસોસ થાય છે કે આ પૂરા ઘટનાક્રમ પરથી પણ રોહિતે કોઈ બોધપાઠ લીધો નહોતો.
ઘણી વાર લગ્ન પછી પતિપત્નીના સંબંધ વધારે મજબૂત નથી હોતા, પરંતુ રોહિત સમજવા તૈયાર નહોતો કે કોલગર્લ સાથે સંબંધ બનાવીને પોતાની અને પત્નીની જિંદગી જેાખમમાં મૂકવી કેટલી ભયજનક છે.

આજકાલ વંદના સાથે પણ તેના ખૂબ ઝઘડા થતા હતા. ‘‘હું આમતેમ મોં મારનાર આ વ્યક્તિને મારી સાથે ઊંઘવાનો અધિકાર હવેથી ક્યારેય નહીં આપું.’’
માનસી પાસેથી મને જાણવા મળ્યું કે હવે વંદના તેના આ કઠોર નિર્ણય પર અડગ રહેશે.
રોહિત મને મળતા જ વંદનાની ફરિયાદ કરવા લાગે છે.
‘‘તે મને પોતાની પાસે આવવા નથી દેતી. સત્યાનાશ જજેા આ ડોક્ટર ઉમેશનું, જેણે વંદનાના મનમાં એચઆઈવીનો વહેમ નાખ્યો. મારી મૂરખ પત્નીની જિદ્દ છે કે હું દર મહિને તેને એચઆઈવીથી મુક્ત હોવાનો મારો રિપોર્ટ લાવીને બતાવું, નહીં તો બીજા રૂમમાં જઈને ઊંઘી જાઉં.’’
‘‘જેાકે તેનું ડરવું અને ગુસ્સો થવું પોતાની જગ્યાએ બરાબર છે. એચઆઈવીનું ઈંફેક્શન માત્ર તારી પત્નીને જ નહીં, પણ આવનાર સંતાનને પણ આ ભયજનક બીમારી આપી શકે છે.’’
‘‘તું તો જાણે છે કે આ કિસ્સામાં હું સુરક્ષિત રહેવાનું પૂરેપૂરું ધ્યાન રાખું છું ને.’’
‘‘હવે આવા ખોટા કામ સંપૂર્ણ રીતે છોડી જ દે ને.’’
‘‘તું એવો દૂધે ધોયેલો નથી કે મને આવા લેક્ચર આપી રહ્યો છે.’’ તે ચિડાઈને નારાજ થઈ ગયો ત્યારે હું પણ મૌન થઈ ગયો.

વંદનાનું સ્વાસ્થ્ય ધીરેધીરે સુધરી રહ્યું હતું.
હવે તે અમારી સાથે ફરવા પણ આવવા લાગી હતી.
મેં માનસીના વ્યક્તિત્વને આકર્ષક બનાવવાની જવાબદારી પોતાની પર લઈ લીધી છે.
સ્થૂળતા ઘટાડવા માટે હું તેને હંમેશાં ઉત્સાહિત કરતો રહું છું.
તે નિયમિત રીતે બ્યૂટિપાર્લર જાય તેવો આગ્રહ પણ હું કરી રહ્યો છું.
એલાર્મનો અવાજ સાંભળીને માનસી ઊઠવા ઈચ્છતી હતી, પરંતુ મેં તેને આલિંગનમાં કેદ કરીને છાતી સાથે લગાવી દીધી.
થોડી મિનિટના રોમાન્સ પછી મેં તેને પથારી છોડવાની મંજૂરી આપી.

માનસીએ મારા કાન નજીક મોં લાવીને પ્રેમાળ લહેકામાં કહ્યું,
‘‘તમે ખૂબ બદલાઈ ગયા છો.’’
‘‘મારામાં આવેલો બદલાવ શું તને પસંદ નથી?’’ મેં તેને છેડતા પૂછ્યું ત્યારે તે શરમાઈને બાથરૂમમાં ચાલી ગઈ.
માનસીની વાતમાં પણ સચ્ચાઈ છે.
તેને જેાતા મારું મન લાગણીશીલ થઈ જાય છે.
ત્યાર પછી તેને આલિંગનમાં લીધા વિના મનને શાંતિ નથી થતી.
પરંતુ મોજમસ્તીનો શોખીન રોહિત પરસ્ત્રી સાથે યૌન સંબંધ બનાવવાની ટેવ છોડતો નહોતો.
મારા લાખ સમજાવ્યા છતાં પણ આ મીઠા ઝેરના જેાખમ સામે તે આંખ આડા કાન કરી રહ્યો હતો.
જે દિવસે તેનો એચઆઈવીનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો, તે દિવસે શું તે પસ્તાશે નહીં? તેના જેવા ખુશમિજાજ વ્યક્તિનું એઈડ્સનો શિકાર બનીને પોતાની જવાબદારી અધૂરી છોડીને આમ દુનિયામાંથી વિદાય થવું.
ખરેખર ખૂબ મોટી ટ્રેજેડી હશે.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો