વાર્તા – પૂનમ અહમદ
‘‘હાય, આ કેટલો હેન્ડસમ છે યાર. તેની કિલર સ્માઈલ. કોઈ છોકરો આટલો હેન્ડસમ કેવી રીતે હોઈ શકે છે. દિલ તેને જેાઈને ગાર્ડન ગાર્ડન થઈ ગયું. ક્યાંક કોઈ દિવસ તેને જેાઈને મારું હાર્ટ ફેલ ન થઈ જાય. જેા ક્યાંક હું કોલેજમાં જ તેને એકીટશે જેાતા મારો જીવ આપી દઉં ને, તો મારા ઘરવાળાને કહી દેજેા કે તમારી છોકરી પ્રેમમાં શહીદ થઈ ગઈ.’’
હા… હા… મેં કદાચ આજે થોડો વધારે ડ્રામા કરી દીધો હતો. મારી બેસ્ટી પૂજાએ પીઠ પર ધોલ મારતા કહ્યું, ‘‘તું કેટલી બકવાસ કરે છે. રોહન ઘણો સારો છોકરો છે. કેટલો સોબર છે. જેા, તું સુધરી જા. એકદમ જેન્ટલમેન છે.’’
મને તારી કે કોઈની કોઈ વાતથી ફરક નથી પડતો. મેં કહ્યું, ‘‘કુછ કુછ હોતા હૈ પૂજા, તું નહીં સમજે.’’
‘‘તું મૂવી ઓછી જેાવાનું રાખ, બધા ડાયલોગ અમારે સાંભળવા પડે છે.’’
‘‘શું કરું યાર.’’ કહેતા હું ગણગણી, ‘‘તેને ન જેાઉં તો મારા મનને શાંતિ નથી થતી, એક તેના સિવાય દિલને કોઈ ગમતું જ નથી, ક્યાંક મને પ્રેમ તો નથી થઈ ગયો.’’
અમારી સાથે ચુપચાપ બેસેલી અનીતાએ પોતાના કાન પર હાથ મૂકતા કહ્યું, ‘‘યાર, તારી પરથી તેનો નશો કેવી રીતે ઉતારીએ. રોહનને ખબર જ નહીં હોય કે તેના પ્રેમમાં આપણે કેવાકેવા નાટક જેાઈએ છીએ. સાંભળ સોનિકા, તું રોહન પાસે જા, તેને તારા દિલની વાત બિન્ધાસ્ત કહી દે, પછી તું જાણે ને તે જાણે.’’ કહી, ‘‘હમ બોર હો ચૂકે સનમ…’’ તેણે પણ ગણગણાવ્યું. અમે એકબીજાને ગીતમાં જવાબ આપીએ છીએ.
રોહન હાલમાં તેના મિત્ર શિવિન સાથે કેન્ટીનમાં ચા પી રહ્યો હતો અને હું મારી સાહેલીઓ પૂજા અને અનીતા સાથે એક ખૂણામાં બેસીને સમોસાનો આસ્વાદ માણી રહી હતી. અમે આ કોલેજમાં બી.એ. ના ફ્રેશર્સ હતા અને રોહન અમારાથી ૧ વર્ષ સીનિયર હતો. જેાકે અમારું વચ્ચેવચ્ચે રેગિંગ થતું રહેતું હતું, સીનિયર ગમે ત્યારે અચાનક આવી જતા. વધારે નહીં, ઈન્ટ્રોડક્શન લેવા માટે આવે છે, એવું કહેતા પણ અમારી પાસે ઘણું બધું કરાવી લેતા હતા. ૨-૩ દિવસમાં જ જ્યારે સીનિયર અમને મળવા આવ્યા, તે સીનિયરમાંથી એક રોહન પણ હતો. બસ હું તો તેને જેાઈને જ ઘાયલ થઈ ગઈ. તે સમયથી સાહેલીઓની ગાળો ખાઈ રહી છું, પણ કોઈ ફરક ન પડ્યો.
નવોનવો જેાશ છે, ગર્લ્સ કોલેજથી સીધા કો-એજ્યુકેશનમાં આવ્યા. કોલેજમાં છોકરા દેખાય છે, જરા સારું લાગે છે. દિલમાં ઠંડકનો અહેસાસ થાય છે. હમણાં જ તો આપણે ૧૨ મા ધોરણ સુધી સ્કૂલ યુનિફોર્મમાં ફરતા હતા, હવે થોડી લાઈફ લાઈફ જેવી લાગે છે, નહીં તો સ્કૂલ માટે તૈયાર થતી વખતે હું એટલી એક્સસાઈટ નહોતી થઈ જેટલી કોલેજ આવતા તૈયાર થઉં છું. ખબર હતી કે જે યુનિફોર્મ રાતે પ્રેસ કર્યો છે, તે જ પહેરવાનો છે. હવે તો રોજ નવું નવું પહેરવાનું. ક્યારેક ટાઈટ જિન્સ સાથે શોર્ટ ટોપ, કુરતી સાથેનો દેશી લુક, ક્યારેય હોટ શોર્ટ્સ તો ક્યારેક ‘કુછ કુછ હોતા હૈ’ની અંજલી તો ક્યારેક ટીનએજ જેવા કપડાં પહેરવાની ખરી મજા તો હવે આવી છે. રોહનને જેાઈને બધા હીરો યાદ આવે છે.
ક્યારેક તેનો સાઈડ ફેસ ઋતિક જેવો લાગે, ક્યારેક નાક વરુણ ધવન જેવું લાગે, ક્યારેક વાળ જ્હોન અબ્રાહમ જેવા લાગે. ક્યારેક શારરૂખ જેવો સ્ટાઈલિસ્ટ લાગે છે.
પૂજા અને અનીતાને ક્યારેક-ક્યારેક મારી પર તરસ આવે છે, કહેતી, ‘‘હાય, ગર્લ્સ કોલેજમાં સારી એવી હતી, જ્યારથી અહીં આવી છે દિમાગથી સટકી ગઈ છે.’’
ક્યારેક કહેતી, ‘‘સોનિકા, ક્યાંક તું રોહનના પ્રેમમાં બદનામ ન થઈ જતી, તારી આંખો ડહાપણ કરે છે. તારા મનની પૂરી કહાણી કહી
દે છે.’’
તે બંને મારાથી ઓછી ફિલ્મ નહોતી જેાતી. ભરપૂર ફિલ્મી સ્ટાઈલમાં જ્ઞાન આપતી રહેતી. ફિલ્મના શોખીન તો અમે ત્રણેય હતા. અમે બાળપણની એક જ ગલીમાં રહેતી સાહેલીઓ હતી. હું છાતી પર હાથ મૂકીને ઠંડા શ્વાસ લેતા કહેતી, ‘‘બદનામ થઈશ તો શું નામ નહીં થાય.’’
મારી જીગરજાન બહેનપણી માથું પકડી લેતી, પછી કહેતી, ‘‘તું ગર્લ્સ કોલેજમાં ભણવાલાયક છે. અહીં આવતા જ તેં તો છોકરાબાજી શરૂ કરી દીધી. બિચારો કેટલો સારો છોકરો છે. તને નજર ઉઠાવીને જેાતો સુધ્ધાં નથી અને તું જાણે કોઈ દિવસ આંખોથી જ મારી દઈશ, એવી નજરે જુએ છે.’’
‘‘હાય, તું થોડી શરાફત છોડી દે. થોડી મજા આવે.’’
એટલામાં અમે જેાયું કે રોહન અને શિવિન કેન્ટીનમાંથી જવા લાગ્યા. પછી મારું મન કેન્ટીનમાં ક્યાં લાગવાનું હતું. મેં કહ્યું, ‘‘ઊઠો, ખાઈ લીધા સમોસા.’’
બંને મને ઘૂરતી ઊભી થઈ ગઈ. અમે જેવા ક્લાસમાં ગયા, ખબર પડી કે પ્રોફેસર આવ્યા નથી. આ અમારો હિંદીનો લેક્ચર હતો. એક નજર જેાયું તો સીનિયર ક્લાસમાં આવી રહ્યા હતા. પૂજાની હાલત તેમને જેાઈને ઓલરેડી બગડી ગઈ.
મને રોહન પણ પાછળ આવતા દેખાયો તો મેં પૂજાને ધીરેથી કહ્યું, ‘‘અરે જુઓ, પલાશ પણ છે, બસ તેની પર ધ્યાન આપો ડર નહીં લાગે.’’
પૂજાએ ચિડાઈને મને ચૂંટલી ભરી કે મારા મોંથી સીઈઈનો અવાજ નીકળી ગયો. સીનિયર્સનું ધ્યાન ખેંચાયું. તેમાં એક છોકરી પણ હતી. બોલી, ‘‘કેમ, કોને જેાઈને સીસી કરી રહી છે?’’
મને તો મન થયું કહી જ દઉં, આ જે તારી પાછળ ઊભો છે ને. બસ તેને જેાઈને જ સીસી કરું છું આજકાલ, પણ હું બોલી, ‘‘મને ઈજા થઈ હતી.’’
રોહને પૂછ્યું, ‘‘કેવી રીતે? ક્યાં તું ઠીક તો છે ને?’’
હાય, રોહને મને બધાની સામે પૂછ્યું. મેં અચાનક વિજયીભાવથી પૂજા અને અનીતા સામે નજર કરી. તેમને તો જાણે કરંટ જ લાગ્યો હતો. મન તો થયું, કે નજર સામેથી બધા ગાયબ થઈ જાય અને હું અને રોહન કોઈ ફિલ્મી સીનની જેમ એકબીજાની આંખોમાં આંખ પરોવતા ગાતા રહીએ, ‘‘આંખો કી ગુસ્તાખિયાં માફ હો…’’
તે સીનિયર છોકરી ફરી બોલી, ‘‘અરે, તને શું થયું?’’
મેં કહ્યું, ‘‘હવે ઠીક છું.’’ કહેતાંકહેતાં મેં રોહન સામે જેાયું, તે શિવિનના કાનમાં કંઈક કહી રહ્યો હતો. મને લાગ્યું કાશ તે તેને કહી રહ્યો છે કે આ સોનિકા મને ખૂબ પસંદ છે. કાશ, એ જ કહેતી હોય.
કોલેજમાં સોનિકા રોહનને જેાતી રહી ગઈ. તે હેન્ડસમ હતો, પણ રોહન તેનાથી દૂરદૂર રહેતો. તેની આ વર્તણૂકથી સોનિકા પરેશાન રહેવા લાગી, પણ તેને શું ખબર હતી કે જે રોહન માટે તેના દિલમાં પ્રેમ હતો, તે કંઈક અલગ જ નીકળ્યો…
સીનિયર્સ ગીત સાંભળતા રહ્યા. એક છોકરી અંજુને ડાન્સ કરવા કહ્યું. સીનિયર્સને શું ખબર હતી કે અંજુ રસ્તા પર જાનમાં પણ શરૂઆતથી છેલ્લે સુધી નાચે છે. તે લગ્નમાં ડાન્સ કરવા માટે જ જાય છે. તે ગીત ગાવા લાગી, ‘મેં તેરી દુશ્મન, દુશ્મન તું મેરા…’ અને નાગણ બનીને એક ખૂણામાં એવો ડાન્સ કર્યો કે સીનિયર્સ ડરી ગયા, ‘‘બોલ્યા, ઊભી રહે બહેન.’’ અને ક્લાસમાંથી બહાર નીકળી ગયા. અમે બધા હસીહસીને પાગલ થઈ ગયા.
‘‘અંજુ, આજે તારા નાગણ ડાન્સે બધાને બચાવી લીધા. અંજુ, તું આ રીતે જ નાગણ બનીને ડરાવતી રહે.’’
આ પૂરા એપિસોડમાં મારી એક નજર રોહન પર હતી. બીજી નાગ પર. રોહનને અંજુનો નાગણનો ડાન્સ જેાઈને ગભરામણ થઈ હતી. તેણે ફરી શિવિનના કાનમાં કંઈકસ કહ્યું હતું. મને લાગ્યું, કદાચ એવું જ કહ્યું હશે કે આ સોનિકા કેટલી સોબર છે, મને તો આવા ડાન્સવાળી છોકરીઓ ગમતી નથી. કદાચ એ જ કહ્યું છે રોહને. આ દરમિયાન રોહન અને મારી નજર મળી. મેં સ્મિત કરવામાં એક ક્ષણ ન બગાડી અને જ્યારે તે પણ સ્મિત કરવા લાગ્યો તો મને આશા દેખાઈ કે હા, ફ્યૂચરમાં અમારું કંઈક થઈ શકે છે.
સીનિયર્સના ગયા પછી મેં કહ્યું, ‘‘અનીતા, તને ખબર છે રોહન મને જેાઈને હસ્યો અને તેં સાંભળ્યું ને કે તેણે પૂછ્યું કે મને ઈજા થઈ કે શું. મને લાગે છે કે મને જેાઈને તેને પણ કંઈક થાય હૈ.’’
અનીતા બોલી, ‘‘સપનાં જેાવાના બંધ કર, તેણે એવી કોઈ વાત પૂછી નથી લીધી.’’
‘‘તું ઈર્ષાળુ છે.’’ કહીને મેં ગણગણાવ્યું, ‘‘કુછ કુછ હોતા હૈ…’’
પૂજા અને અનીતાએ પોતાના કાન પર હાથ મૂકી લીધો.
ધીરેધીરે અભ્યાસ શરૂ થઈ ગયો હતો. સીનિયર્સ હવે કોઈ ને કોઈ પ્રોગ્રામમાં આવતા રહેતા. મને ખબર પડી કે રોહન કોલેજની કલ્ચરલ કમિટીનો ભાગ છે. મેં પણ મારું નામ લખાવી દીધું.
મેં તેના ગ્રૂપમાં સામેલ થવા માટે ખૂબ પ્રયાસ કર્યા. હવે કોલેજના કોઈ પણ પ્રોગ્રામની તૈયારીમાં હું તેની આગળપાછળ ફરતી રહેતી તો પૂજા અને અનીતા મને વારંવાર કહેતી, ‘‘થોડો અભ્યાસ પણ કરી લે, રોહનનો રેંક હંમેશાં ફર્સ્ટ આવે છે કોલેજમાં દરેક વસ્તુમાં. ફેલ ન થતી.’’
હું હોશિયાર હતી. હું જેટલો સમય ભણવા બેસતી, તરત જ કામ પતાવી લેતી, જેથી અભ્યાસથી જલદી ફ્રી થઈને રોહન વિશે વિચારી શકું.
મેં એક દિવસ પૂજાને કહ્યું, ‘‘પૂજા, સારા છોકરાઓ પણ પ્રપોઝ કરતા શરમાય છે. હું જ રોહનને એક દિવસ આઈ લવ યૂ કહી દઉં?’’
આ વખતે કદાચ અનીતા અને પૂજાને મારી શકલ પર દયા આવી, બોલી, ‘‘સારું, વેલેન્ટાઈન-ડે આવી રહ્યો છે, કહી દેજેા.’’
બંને ચતુર છે. વેલેન્ટાઈન-ડે આવવામાં ૨ મહિના બાકી હતા. મને હસવું આવ્યું, ‘‘તમે કંઈ લાંબો સમય નથી વિચાર્યો. બહુ મોડું થશે નહીં.’’
અમે ત્રણે ખડખડાટ હસ્યા. મેં કહ્યું, ‘‘યાર, મારું મન કરે છે. હું તેનો મિત્ર શિવિન હોત, કદાચ હું છોકરો હોત. જે રીતે તે તેના મિત્રના ખભા પર હાથ મૂકીને વાત કરે છે, તેના ગળામાં હાથ નાખે છે, મારું મન કરે છે, હું પણ એક છોકરો બની જાઉં અને તેની આસપાસ જ રહું.’’
બંનેએ પોતપોતાનું માથું પકડી લીધું.
આ વખતની ઠંડી મને કંઈક અલગ જ લાગતી હતી, મીઠીમીઠી વાત. અમે ત્રણે કોલેજ ચાલતા આવતાજતા. ઠંડીમાં રોહનને ચહેરો જાણે મારી સાથેસાથે ચાલતો. વેલેન્ટાઈન પહેલાંની સાંજ જાણે મને એક બેચેની થઈ ગઈ. મારી તૈયારીઓ જેાઈને મમ્મીપપ્પા અને ભાઈએ મને ઘૂરતા જેાઈ, મમ્મીએ જ્યારે કહ્યું કે કાલે જે અભ્યાસ ન થવાનો હોય તો રજા પાડી લે તો હું મનોમન બોલી, ના મમ્મી, અભ્યાસ કેમ નહીં થાય. બધી વસ્તુ એક બાજુ, આ બધું એક બાજુ ચાલતું રહે છે. એક્ઝામ આવવાની છે, હું એક પણ પીરિયડ મિસ નથી કરી શકતી અને હું તે સમયે મારા એરિંગ્સ જે કાલે પહેરવાની હતી, છુપાવતા અભ્યાસ કરવા લાગી.
મસ્ત તૈયાર થઈને જ્યારે પૂજા અને અનીતા સાથે કોલેજ જવા નીકળી ત્યારે તે બંને બસ મને જેાઈને હસતી જ રહી. આગળ જતા રોહનના ગ્રૂપની સીનિયર છોકરી રેખા પણ અમારી સાથે આવવા લાગી. તે ખૂબ વાતોડિયણ હતી. મને લાગ્યું તેની પાસેથી રોહન વિશે ચાલતાંચાલતાં જાણકારી મેળવી શકું છું. હકીકતમાં, મારું મન થતું કે કોઈ મારી સાથે રોહનની વાત કરતું રહે. મેં વાત ચાલુ કરી, ‘‘રેખા, મને તમારું ગ્રૂપ ખૂબ ગમે છે, તમે લોકો અભ્યાસની સાથે અન્ય વસ્તુમાં પણ કેટલા એક્ટિવ રહો છો.’’
‘‘અરે, એ તો રોહન અને શિવિનની મહેનત હોય છે.
’’મારું દિલ આ નામથી ધબકવા લાગ્યું. કહ્યું, ‘‘હા, બંને સારા મિત્રો છે.’’
રેખાએ કહ્યું, ‘‘હા ભાઈ, મિત્ર શું, બંને વચ્ચે ઘણું બધું છે. ખૂબ પ્રેમ છે. ૭ મા ધોરણથી બંને સાથે છે.’’
અનીતાએ પૂછ્યું, ‘‘ઓહ, આટલા જૂના મિત્રો છે?’’
‘‘હા, તમને લોકોને ખબર નથી કે બંને પાર્ટનર્સ છે, ગે છે, હવે તો તેમના ઘરવાળાએ, કોલેજના મિત્રોઐ આ વાત સ્વીકારી લીધી છે કે બંનેનો સાથ છૂટશે નહીં. શરૂઆતમાં ખૂબ વિવાદ થયો. હવે બધા થાકી ગયા. અમે બંનેને ખૂબ પ્રેમ કરીએ છીએ. તમને ત્રણેયને કેવી રીતે કોઈ વાત ખબર હશે, તમે લોકો તો પોતાનામાં જ મસ્ત રહો છો.’’
મારું દિલ જાણે ધબકતું બંધ થયું. આ શિવિન તો મારો શોક નીકળ્યો. હાય, સાચે હું છોકરો હોત. આ શું થયું. પૂજા અને અનીતાએ મારી સામે જેાયું. બંને હસવું રોકવાની કોશિશ કરી રહી હતી. તે દિવસે કોલેજનો રસ્તો લાંબા લાગ્યો.
કોલેજ પહોંચીને રેખા તેના મિત્રો પાસે જતી રહી, હું સીધી કેન્ટીન જઈને એક ખૂણામાં બેસી ગઈ. આ બંને પણ મારી પાછળપાછળ આવી રહી હતી.
મેં આ બંને સામે ગુસ્સાથી જેાતા કહ્યું, ‘‘તમને બહુ હસવું આવે છે. મારું દિલ તૂટી ગયું અને તમે હસી રહ્યા હતા.’’
બંને બેશરમ ખડખડાટ હસી, ‘‘યાર, તારો ચહેરો જેાવાલાયક હતો.’’
અનીતાએ કહ્યું, ‘‘યાર સોનુ, તું દુખી ન થા.’’
મેં એક ઠંડો શ્વાસ લેતા કહ્યું, ‘‘શું દુખી થવા જેવી વાત નથી? આટલી નાની લવસ્ટોરી કોની હોય છે?’’
એટલામાં રોહન પોતાના મિત્રો સાથે આવ્યો અને દૂર બેસી ગયો. તે બધાએ અમને જેાઈને હાથ બતાવ્યો. અમે પણ હાથ બતાવ્યો.
અનીતાએ મારી છેડતી કરી, ‘‘સોનુ, શું રોહનને જેાઈને હજી પણ કંઈક થાય હૈ?’’
‘‘યહ મુહબ્બત હૈ જાની. કુછકુછ હોતા રહેગા.’’
‘‘વો પ્યાર હૈ કિસી ઔર કા, ઉસે ચાહતા કોઈ ઔર હૈ…’’ મેં ગણગણાવ્યું તો બંનેએ ફરી પોતાના કાન પર હાથ મૂકી દીધા. <<<<<.





