દુનિયાનો સૌથી સુંદર અને મજબૂત સંબંધ મા અને બાળકનો હોય છે. મા પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ આપી શકે છે. આમ પણ બાળક પોતાની મા સાથે સૌથી વધારે નજીક હોય છે અને ઈમોશનલી પણ કનેક્ટેડ હોય છે. એક મા જ બાળકને સારી રીતે સમજી શકે છે. કોઈ પણ બાળક પોતાની દરેક સમસ્યા સૌપ્રથમ પોતાની મા સાથે શેર કરવા ઈચ્છે છે. મા અને બાળકનો આ સંબંધ ખૂબ સુંદર અને અનોખો હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક કેટલીક માતા અજાણતા પોતાના સંતાન પ્રત્યે એવો વ્યવહાર કરવા લાગે છે, જેથી બાળક ન માત્ર માનસિક રીતે માથી ન માત્ર દૂર થાય છે, પણ બંને વચ્ચે ભાવનાત્મક લગાવ પણ ઓછો થઈ જાય છે. આ સ્થિતિમાં માએ નીચેની વાત પર ધ્યાન આપવું જેાઈએ :

પોતાના કોઈ એક બાળકને વધારે પ્રેમ આપવો
જેા કોઈ મહિલાને ૨ અથવા ૨ કરતા વધારે બાળકો હોય અને માનું વધારે ધ્યાન માત્ર એક પર રહેતું હોય અથવા એકને વધારે મહત્ત્વ આપતી હોય અને બીજાને સમાનરૂપે પ્રેમ આપી શકતી ન હોય તો આ તેની ખૂબ મોટી ભૂલ છે. આવું કરીને તે ન માત્ર પોતાના એ સંતાનને સ્વયંથી, પણ પોતાના ભાઈબહેનથી પણ દૂર કરે છે. બાળકો આમ પણ ખૂબ લાગણીશીલ હોય છે. જ્યારે તેમને મા દ્વારા ઈગ્નોર કરવામાં આવે છે અથવા ઠપકો કે ગુસ્સો મળે છે, ત્યારે તેમનામાં હીનભાવનાનો વિકાસ થાય છે જે તેમના ભવિષ્ય માટે નુકસાનકારક બને છે. તેથી ઈચ્છનીય છે કે માએ પોતાના બધા બાળકોને હંમેશાં એકસમાન પ્રેમ કરવો જેાઈએ.

દર વખતે બાળકને જ દોષ આપવો
માતાપિતા પણ માણસ જ છે અને તે પણ ભૂલો કરી શકે છે, પરંતુ કેટલાક ઘરમાં માબાપ હંમેશાં પોતાને સાચા માનતા હોય છે અને બાળકને દોષી માનીને ઠપકો આપતા રહેતા હોય છે. જેા તમે પણ દરેક વાતમાં સ્વયંને સાચા અને પોતાના સંતાનને ખોટા ઠેરવવાની કોશિશ કરો છો તો આવો વ્યવહાર તમારા બંનેના સંબંધ માટે યોગ્ય નથી. તેનાથી બાળકના મનમાં તમારા પ્રત્યે બળવાની ભાવના ઘર કરી જાય છે, જે આગળ જતા તેને વિકૃત માનસિકતાની વ્યક્તિ બનાવી શકે છે. મા ખાસ તો મમતા અને પ્રેમની પ્રતિમૂર્તિ હોય છે અને કોઈ પણ વાત પોતાના બાળકને પ્રેમથી સમજાવી શકે છે, તેથી પોતાના બાળક પ્રત્યે ક્યારેય કઠોર વલણ ન અપનાવો, પણ તેની સાથે પ્રેમપૂર્વક ડીલ કરો.

મિત્રની ભૂમિકા
એક સમજદાર માએ પોતાના બાળકો માટે ક્યારેક-ક્યારેક મિત્રની ભૂમિકા પણ ભજવવી જેાઈએ. તેની સાથે વાતો કરીને તેમના મનના વિચારો સમજવા જેાઈએ. આમ કરવાથી બંને વચ્ચેનો સંબંધ મજબૂત બને છે.
જેાકે એ વાતની પણ તમને જાણ હોવી જેાઈએ કે ક્યારે પોતાના સંતાન સાથે મિત્ર બનીને વ્યવહાર કરવાનો છે અને ક્યારે એક માની ભૂમિકા ભજવવાની છે, કારણ કે જેા તમે દરેક સમયે મિત્રતા દર્શાવશો તો તેનો વ્યવહાર તમારા પ્રત્યે બદલાઈ શકે છે.

બાળકની લાગણી સમજેા
તમે હંમેશાં પોતાની વાત પર અડગ રહેતા હોય અને ચિડાઈ જતા હોય તો તમારું બાળક તમારી સાથે ખૂલીને વાત નહીં કરી શકે. જેા તમારું બાળક કોઈ વાત પર તમારાથી નારાજ હોય તો તેને મનાવવાનો પ્રયાસ જરૂર કરો. જેા તમે તેને દુખી છોડી દેશો તો તે તમારા માટે સારું નહીં રહે. તમે તેને સમજવો પછી પ્રેમથી આલિંગનમાં લઈ લો. આમ કરવાથી તમારું બાળક વધારે મજબૂતાઈથી તમારી સાથે જેાડાયેલું રહેશે.

પોઝિટિવ એપ્રોચ
તમારા બાળકનો ઓવરઓલ વ્યવહાર કેવો છે અથવા તે કેટલી સકારાત્મક માનસિકતા અને શિસ્તવાળું બાળક છે તો ઘણે બધે અંશે માનો બાળક પ્રત્યેનો સકારાત્મક વ્યવહાર અને તેના ઉછેરની ભેટસ્વરૂપ હોય છે. કેટલીક શોધ જણાવે છે કે જેા બાળકોનું પોતાની મા સાથે પોઝિટિવ બોન્ડ હોય છે તેઓ પોતાની યુવાવસ્થામાં પણ સંતુલિત મનવાળા અને યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ હોય છે. મા સાથેના સારા સંબંધને જીવતા મોટાભાગના બાળકો હિંસા અથવા ક્રોધથી દૂર રહેતા હોય છે.

મા સાથે મજબૂત સંબંધ
બાળક જેવું વાતાવરણ ઘરમાં જુએ છે, તેવું જ પોતાના જીવનમાં અપનાવતું હોય છે. કેટલીક નવી શોધ દર્શાવે છે કે જેા બાળકોની પોતાની મા સાથે સ્ટ્રોંગ રિલેશનશિપ હોય છે, તેઓ હંમેશાં પોતાની માની ફીલિંગ્સની કદર કરતા હોય છે. જેા તેમની મા અને તેમના પપ્પા વચ્ચે કોઈને કોઈ વાતે ઝઘડા થતા રહેતા હોય અથવા તેમના પિતા હિંસક વ્યવહાર કરતા હોય તો આવા બાળકોને પોતાની માની ભાવનાની વધારે સારી સમજ રહેતી હોય છે.

બાળક ઈમોશનલી સ્ટ્રોંગ બને છે
કોઈ પણ બાળકનો સૌથી વધારે લગાવ પોતાની મા સાથે હોય છે. તે માત્ર ભોજન માટે પોતાની મા પર નિર્ભર નથી હોતું, પરંતુ તેની સાથે તેનું ઈમોશનલી એટેચમેન્ટ પણ હોય છે. આ કારણસર મા સાથેનો બાળકનો સંવાદ તેના માનસિક અને ભાવનાત્મક વ્યવહારને પ્રભાવિત કરતો હોય છે. જ્યારે બાળકને ઘરમાં સારું વાતાવરણ, માનો સપોર્ટ અને ભરપૂર પ્રેમ મળતો હોય ત્યારે તે પોતાને સુરક્ષિત અનુભવે છે અને તેનામાં જીવન પ્રત્યે પોઝિટિવ થિંકિંગ પેદા થાય છે. જેા ઘરમાં બાળક સાથે વાતો કરીને તેની દરેક સમસ્યાનું સમાધાન શોધી આપતી હોય અને બાળકની હિંમત વધારતી હોય તો આવા બાળકો ઈમોશનલી સ્ટ્રોંગ બને છે. અમેરિકાની ઈલિનોઈસ યુનિવર્સિટીના સ્ટડી અનુસાર જ્યારે બાળક પોતાની મા સાથે રમતું હોય છે, ત્યારે તે સમય દરમિયાન મા અને બાળક બંને એકબીજાના સંકેતોનો સહજતાથી જવાબ આપી રહ્યા હોય છે. આ સકારાત્મક વાતચીત બાળકના હેલ્ધિ સોશિયલ અને ઈમોશનલી ડેવલપમેન્ટમાં હેલ્પ કરે છે.

બાળકને પ્રેમથી સમજવો
મા અને બાળકનો સંબંધ ખૂબ મજબૂત હોય છે, પરંતુ સમયની સાથે દરેક સંબંધમાં થોડા બદલાવ થતા રહે છે. આ બદલાવને સ્વીકારીને તમે આગળ વધી શકો છો. તેથી એક ઉંમર પછી બાળક સાથે હંમેશાં એક મિત્રની જેમ રહો, જેથી તે પોતાની વાત તમારી સાથે કોઈ પણ જાતના ડર વિના શેર કરી શકે. જ્યારે તમારા બાળકથી કોઈ ભૂલ થાય તો ગુસ્સામાં ઠપકો આપવાના બદલે તેને પ્રેમથી સમજાવો. આમ કરવાથી તે તમારી વાતને સારી રીતે સમજશે અને તમારી વચ્ચેનો સંબંધ મજબૂત બનશે.

બાળકને સમય આપો
આજના સમયમાં મોટાભાગની મહિલાઓ જેાબ કરતી હોય છે. આ સ્થિતિમાં ઘર અને કામની વચ્ચે સમય કાઢવો ખૂબ મુશ્કેલ હોય છે, તેથી તે પોતાના બાળકને પૂરતો સમય નથી આપી શકતી. જેા તમારી સ્થિતિ પણ આવી હોય તો પરેશાન થશો નહીં. માત્ર એ કોશિશ કરો કે ઘરમાં તમારી પાસે જેટલો પણ સમય હોય તેને બાળક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો. યાદ રાખો યોગ્ય રીતે વાત ન થઈ શકવાના લીધે સંબંધમાં અંતર આવી જાય છે, સાથે બાળકોના ભટકી જવાનું જેાખમ પણ રહે છે. તેથી તમે જ્યારે પણ ઘરમાં હો તો ફોનમાં બિઝી રહેવાના બદલે શક્ય તેટલો વધારે સમય બાળક સાથે વાત કરો. તેની સાથે એન્જેય કરો,

ખાવાનું બનાવો અથવા બાળકને કંઈક નવું શિખવાડો
હંમેશાં પોતાના બાળકના બર્થ-ડેના દિવસે તેને સૌથી પહેલાં વિશ કરો. આમ કરવાથી તમારા બાળકને એ વાતનો અહેસાસ રહેશે કે તેનું તમારી જિંદગીમાં ખૂબ મહત્ત્વ છે. તે દિવસે પોતાના બાળક માટે કંઈક સ્પેશિયલ કરો. તેને ગમતી વસ્તુ ખરીદીને તેને ગિફ્ટમાં આપો. તેને ગમતી જગ્યાએ તેને ફરવા લઈ જાઓ. પૂરા પરિવાર સાથે પિકનિકનો પ્રોગ્રામ પણ તમે બનાવી શકો છો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....