આપણી સ્કિન નાજુક અને સંવેદનશીલ હોય છે. તેની પર પર્યાવરણની સીધી અસર થાય છે. તેથી આપણે તેને સ્વસ્થ, સ્વચ્છ, ચમકદાર અને યુવાન જાળવી રાખવા માટે વધારે કાળજી લેવાની જરૂર છે. તેના માટે આપણે લોશન, ક્રીમ વગેરેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીની ટેવમાં સુધારો કરતા નથી, જેથી સ્કિનને સ્વસ્થ અને યુવાન રાખવામાં અસમર્થ રહીએ છીએ અને કસમયે સ્કિન પર કરચલી આવી જાય છે. આ સ્થિતિમાં સમસ્યાથી બચવા માટે સ્કિનને ડિટોક્સીફાઈ કરવી જરૂરી છે.
એલોવેરા
ચમકદાર સ્કિન માટે એલોવેરાનો ઉપયોગ કરવો ફાયદાકારક હોય છે. તે કરચલીને ઓછી કરી ખીલની સમસ્યાને ઠીક કરે છે, સાથે તે સ્કિનને સ્વસ્થ અને સ્મૂથ બનાવીને નવી ચમક પ્રદાન
કરે છે.
હળદર
સ્કિન માટે હળદરનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે, સાથે તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખીલને ઠીક કરી ફેસની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે.
પાણી
ચમકતી સ્કિન માટે રોજ ઓછામાં ઓછા ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી સ્કિન પર નિખાર
આવે છે.

ફળ
ફળોનું સેવન પણ સ્કિનની ચમક જાળવી રાખે છે. વિટામિન સી યુક્ત ફળોને આહારમાં સામેલ કરીને સ્કિનની રક્ષા કરી શકો છો અને તેને ચમકદાર બનાવે છે. ફળોમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે સ્કિનને યુવાન રાખવામાં મદદરૂપ થાય છે.
દહીં
દહીં અનેક પ્રકારના ગુણથી સમૃદ્ધ છે. તેના સેવન કરવાથી માત્ર સ્વાસ્થ્ય જ નહીં સ્કિનને પણ લાભ થાય છે. દહીં સ્કિનની ઈલાસ્ટિસિટીને બૂસ્ટ કરે છે, સાથે તમે ઈચ્છો તો દહીંનો ઉપયોગ ફેસ પેક તરીકે કરી શકો છો. તે સ્કિનના ડિટોક્સીફિકેશનની પ્રક્રિયામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી શરીરના ઝેરી પદાર્થ બહાર નીકળે છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.
બ્રોકલી
બ્રોકલીની ગણતરી સુપરફૂડમાં કરવામાં આવે છે. તે ન માત્ર એન્ટિઓક્સિડેન્ટ પરંતુ વિટામિન-સીથી પણ સમૃદ્ધ હોય છે. તેમાં ઝિંક અને કોપર પણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા બધા પોષક તત્ત્વો સ્કિનને હેલ્ધિ રાખે છે. શરીરમાં કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનની ઊણપ પૂરી કરવા બ્રોકલીને આહારમાં સામેલ કરો. તે ઉપરાંત બ્રોકલીમાં ઈંફેક્શન સામે લડવાની ક્ષમતા હોય છે અને તે ઈમ્યૂનિટી વધારે છે.

દાડમ
દાડમને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, સાથે તે સ્કિન પર નિખાર લાવવામાં પણ મદદ કરે છે. દાડમમાં હાઈપરપિગમેન્ટેશનની સાથેસાથે ડાઘધબ્બાને અટકાવવાની ક્ષમતા હોય છે. તેનો એન્ટિએજિંગ ગુણ ફેસની કરચલીને ઓછી કરવામાં મદદ કરે છે. તે સિવાય શરીરમાં હીમોગ્લોબિનનું સ્તર વધારવામાં દાડમનો જ્યૂસ લાભદાયક હોય છે, તેની સ્કિનટોન પર પણ અસર થાય છે.
કારેલા
કારેલા ભલે ને સ્વાદમાં કડવા હોય, પરંતુ સ્કિન પર ગ્લો લાવવામાં તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિપિગમેન્ટેશન રહેલા છે, જે સ્કિનનું રક્ષણ કરે છે અને જે સ્કિનના ગ્લોને જાળવી રાખવામાં મદદ કરે છે.
કાકડી
કાકડીનો ઉપયોગ શરૂઆતથી સ્કિન પર ગ્લો વધારવા અને તેને ટાઈટ કરવા માટે કરવામાં આવે છે. તેનો રસ સિલિકાથી ભરપૂર હોય છે, જે રંગ નિખારવા અને સ્કિન પર ચમક લાવવા માટે ઓળખાય છે. પાણીથી ભરપૂર કાકડી સ્કિન પર ભેજ જાળવી રાખે છે.

ગ્રીન ટી
વજન ઘટાડવા સિવાય સ્કિન પર ચમક લાવવા માટે ગ્રીન ટીનું નિયમિત સેવન કરી શકો છો. તેમાં પોલીફેનોલ્સ નામનું કંપાઉન્ડ હોય છે, તે સ્કિનમાં બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન વધારવામાં મદદ કરે છે. આ એક સારું એન્ટિઓક્સિડેન્ટ પણ છે જે સ્કિનને યુવાન બનાવી રાખે છે.
નિયમિત એક્સર્સાઈઝ કરો :
નિયમિત એક્સર્સાઈઝ કરવાથી શરીરને ડિટોક્સીફાય કરવામાં મદદ કરે છે.
એક્સર્સાઈઝના લીધે આવતો પરસેવો ટોક્સિન અને ઈમ્પ્યૂરિટીને બહાર કાઢે છે.
પરસેવો સ્કિનને ડિટોક્સીફાય કરવાનો ઉત્તમ વિકલ્પ છે.
ફેસ પર ચમક વધારવા માટે હેલ્ધિ ડાયટની સાથેસાથે યોગાસન કરવું પણ જરૂરી છે. તેથી રોજ સવારે ઊઠીને કપાલભાતિ અને અનુલોમવિલોમ જેવા પ્રાણાયામ જરૂર કરો.
ભરપૂર ઊંઘ લો

રાતે વધારે સમય સુધી ફોનનો ઉપયોગ ન કરો, કારણ કે તે તમારો ઊંઘવાનો સમય બગાડે છે.
તમારી પસંદના પુસ્તકો વાંચો, જેથી સારી ઊંઘ આવે.
મોડી રાત સુધી જાગવાથી ફેસની ચમક ફિક્કી પડે છે. જેા ગ્લોઈંગ કે ચમકદાર સ્કિન મેળવવી હોય તો ઓછામાં ઓછા ૮ કલાકની ઊંઘ લો.
કોઈ પણ ટેન્શનથી દૂર રહો.
આ રીતે સ્કિન ડિટોક્સીફાય કરો
સ્કિનને ડિટોક્સ કરવા અને શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર કાઢવાની સૌથી સારી રીત નિયમિત પુષ્કળ પાણી પીઓ. પાણીની બોટલ હંમેશાં સાથે રાખો, જેથી પૂરો દિવસ પાણી પીને સ્વયંને હાઈડ્રેટ કરી શકો.
કોઈ પણ ખાટા ફળો કે કાકડીની સ્લાઈસ કાપી શકો છો અને તેને પાણીની બોટલમાં નાખી શકો છો, જેથી તમને વિટામિન મળી શકે, જે ડિટોક્સીફાઈંગ પ્રક્રિયામાં મદદ
કરે છે.
દિવસની શરૂઆત ગ્રીન જ્યૂસથી કરી શકો છો, જેમાં કેળાં, કાકડી અને અનેનાસ
સામેલ છે.
રાતે ઊંઘતા પહેલાં અને સવારે ઊઠ્યા પછી ફેસ અને સ્કિનને સાફ કરવી જરૂરી છે, જેથી ઊંઘતી વખતે સ્કિન પર રહેલી ગંદકીને દૂર કરી શકાય.
શરીરને સ્વસ્થ અને યુવાન રાખવા માટે શરીરને માત્ર બહારથી સાફ નહીં, પરંતુ અંદરની ગંદકીને દૂર કરવા શરીરને ડિટોક્સ કરવાની જરૂર છે. તેના માટે કેટલાક ખાદ્યપદાર્થ અને પીણાનું સેવન કરવું, વધારે પાણી પીવું અને લીલા શાકભાજી ખાવા ખૂબ જરૂરી છે તેમજ કેટલાક પદાર્થનો ત્યાગ કરવો પડે છે જેમ કે દારૂ, તળેલા પદાર્થ, ખાંડ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોસેસ્ડ ફૂડ વગેરે, કારણ કે ઝેરી પદાર્થના લીધે તાણ વધી જાય છે.
સ્કિન પર ગ્લો વધારવા માટે ફેસ પર વધારે પ્રમાણમાં કેમિકલયુક્ત પદાર્થોનો ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી સ્કિનને નુકસાન થાય છે.
– શોભા કટારે





