દેશની આઝાદીના યુદ્ધનો સાક્ષી લાલ કિલ્લો મુગલકાલીન વાસ્તુકલા, સર્જનાત્મકતા અને સુંદરતાનું અનોખું ઉદાહરણ છે. મુગલ શાસક શાહજહાએ ૧૧ વર્ષ સુધી આગ્રા એટલે અકબરાબાદથી શાસન કર્યા પછી નક્કી કર્યું કે રાજધાની દિલ્લી લાવવામાં આવે. તેણે દિલ્લીમાં લાલ કિલ્લાનો પાયો નાખ્યો. શાહજહાં એટલે ૫ મા મુગલ શહંશાહ પોતાની ન્યાયપ્રિયતા અને વૈભવવિલાસના લીધે પોતાના સમયમાં લોકપ્રિય રહ્યા. ૧૬૩૯ માં મુગલ સમ્રાટ શાહજહાંએ દુનિયાના આ સૌથી સુંદર અને ભવ્ય કિલ્લાનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. ઈતાલવી ઈતિહાસકાર નિકોલાઓ મનુચી જણાવે છે, ‘‘રાજપાટથી પોતાનું ધ્યાન વહેંચવા માટે શાહજહાં સંગીત અને નૃત્યનો સહારો લેતા હતા. વિભિન્ન સંગીત વાદ્ય અને શેરોશાયરી સાંભળવી તેમના શોખ હતા. તે પોતે પણ સારું ગાતા હતા. તેમની સાથે ગાનાર અને નૃત્ય કરતી છોકરીઓનું એક ટોળું હંમેશાં રહેતું હતું.’’
આગ્રામાં ખૂબ ભીડ હતી અને શાહજહાં માટે ત્યાં કામ કરવું મુશ્કેલ થઈ ગયું હતું, જ્યારે ‘દિલ્લી સેન્ટર ઓફ ટ્રેડ’ હતું, તેથી તેણે પોતાની રાજધાની દિલ્લીને બનાવવાનો નિર્ણય લીધો અને તેને શાહજાનાબાદ નામ આપ્યું. ૧૬ એપ્રિલ, ૧૬૪૮ એટલે લગભગ ૯ વર્ષમાં લાલ કિલ્લો બનીને તૈયાર થયો. તેણે લાલ કિલ્લાને ‘મુબારક એ કિલ્લો’ નામ આપ્યું હતું. લગભગ દોઢ કિલોમીટરના અંતરમાં ફેલાયેલા ભારતના આ ભવ્ય ઐતિહાસિક સ્મારકની ચારે બાજુ લગભગ ૩૦ મીટર ઊંચી પથ્થરની દીવાલ બનેલી છે, જેમાં મુગલકાલીન વાસ્તુકલાનો ઉપયોગ કરી ખૂબ સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે.
અમૂલ્ય વારસો
શાહજહાંના દરબારના ઉસ્તાદ હામિદ અને ઉસ્તાદ અહમદે લાલ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે જ્યારે આ કિલ્લો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે શાહજહાં જલદીમાં હતા, કારણ કે યમુનાના કિનારે કિલ્લો બની રહ્યો હતો, જ્યારે બંને ઉસ્તાદ ઈચ્છતા હતા કે પાયો પહેલાં સુકાઈ જાય પછી આગળ કામ કરશે, પરંતુ શાહજહાં નહોતા માન્યા. ત્યારે તે બંને અચાનક ગાયબ થઈ ગયા હતા. તે સમયે શાહજહાંએ ૬ મહિના રાહ જેાઈ અને પછી તેમની ઉપર ઈનામ રાખ્યું. ત્યારે બંને અચાનક સામે આવ્યા અને શાહજહાંને જણાવ્યું કે તેઓ એટલે ગયા હતા, જેથી પાયો સુકાવા માટે થોડો સમય મળી જાય. જ્યારે પાયો ચેક કર્યો ત્યારે ખબર પડી કે ખરેખર આ સમયમાં સતત યમુનાનું પાણી મળવાથી પાયો મજબૂત થઈ ગયો હતો.
લગભગ ૨૫૦ એકર જમીનમાં ફેલાયેલા આ ભવ્ય કિલ્લાના પ્રાંગણમાં કેટલીય કહાણી છુપાયેલી છે. મુગલ રાજાશાહીની સત્તા, મુગલ બેગમોની સુંદરતા અને બ્રિટિશર્સ વિરુદ્ધ સંઘર્ષની કહાણી. ૨૦૦૭ માં યૂનેસ્કો દ્વારા ઐતિહાસિક વિરાસતનું સન્માન મેળવનાર આ કિલ્લાનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે.
કેટલીક રસપ્રદ માન્યતા
આવો જાણીએ, લાલ કિલ્લા સાથે જેાડાયેલી કેટલીક રસપ્રદ માન્યતા વિશે :
ઉસ્તાદ અહમદ લાહોરી જેણે તાજમહેલ બનાવ્યો હતો તેમણે જ લાલ કિલ્લો બનાવ્યો હતો. ૧૬૩૨ માં તાજમહેલ બનાવવાનું શરૂ થયું હતું ૧૬૩૮-૩૯ સુધી શાહજહાંએ દિલ્લી આવવાનો નિર્ણય કર્યો. તેથી તાજમહેલનું કામ અટકાવ્યું અને લાલ કિલ્લો બનવાનું શરૂ થયું. લગભગ ૨૦ હજાર લોકો આગ્રાથી દિલ્લી આવ્યા અને ૧૬૪૮ સુધી ૯ વર્ષમાં આ લાલ કિલ્લો બની ગયો. ત્યાર પછી ફરીથી તેણે તાજમહેલ બનાવવાનું શરૂ કર્યું. તેથી તાજમહેલ બનવામાં ૨૨ વર્ષ થયા. મુગલ ઉર્ફે ટર્કિશ આર્કિટેક્ચરવાળા લાલ કિલ્લાનું આઉટર યૂનિટ મતલબ બાઉન્ડ્રી વોલ્સ લગભગ ૧૪ મીટર ઊંચી છે. પૂરો કિલ્લો કુલ ૨૫૦ એકરમાં ફેલાયેલો છે. તેને બનાવવા માટે લાલ પથ્થર ધૌલપુરથી અને માર્બલ મકરાનાથી આવ્યા હતા. લાલ પથ્થરના લાલ રંગના લીધે તેને લાલ કિલ્લો નામ આપવામાં આવ્યું. તે ગાળામાં લાઈટ નહોતી, એવામાં યમુનાનું પાણી ખેંચવું સરળ નહોતું. એવામાં શાહબુર્જ નામના બુર્જના ઢાળથી યમુનાનું પાણી પૂરું અંદર આવતું હતું. તે પાણી પૂરા કિલ્લાની અંદર ફેલાઈ જતું હતું. શાહબુર્જ એવું બનાવ્યું હતું કે તે યમુનાનું પાણી ખેંચી લેતું હતું અને અસદ બુર્જથી પાછું યમુનામાં જતું હતું. પૂરા કિલ્લામાં યમુનાનું પાણી પડતું રહેતું હતું, જેથી મહેલ ઠંડો રહેતો હતો.
સિમેન્ટનો ઉપયોગ નથી
લાલ કિલ્લાના નિર્માણના સમય સુધી સિમેન્ટનું સંશોધન નહોતું થયું. સિમેન્ટનો ઉપયોગ સૌપ્રથમ ઈંગ્લેન્ડના જેાસેફ આસ્પડિન નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે ઈ.સ. ૧૮૨૪ માં કર્યો હતો. એવામાં એ જાણવું રસપ્રદ છે કે છેવટે તેને બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે હજારો વર્ષ જૂનો હોવા છતાં આજે પણ મજબૂત અને સુંદરતાથી પોતાની જગ્યા પર અડગ છે. હકીકતમાં, જૂના સમયમાં પથ્થરો ચોંટાડવા માટે અથવા પાયો બનાવવા માટે એક ખાસ પ્રકારનું મટીરિયલ તૈયાર કરવામાં આવતું હતું. લાલ કિલ્લો બનાવવામાં પણ ચૂનાનો પાઉડર, અડદની દાળ, ગોળ જેવી વસ્તુ મિક્સ કરીને પાયો તૈયાર કરીને સિમેન્ટનું કામ લેવામાં આવ્યું હતું. બાદશાહ શાહજહાંએ તાજપોશી પછી પોતાના માટે એક કિંમતી સિંહાસન તૈયાર કરાવ્યું હતું, જેને મયૂર સિંહાસન કહેતા હતા. આ સિંહાસનની લંબાઈ ૧૩ મીટર, પહોળાઈ ૨-૧/૨ અને ઊંચાઈ ૫ મીટર હતી. આ ૬ પાયા પર સ્થાપિત હતું જે સોનાનું બનેલું હતું. સિંહાસન સુધી પહોંચવા માટે ૩ નાની સીડી બનાવી હતી. જે નાચતા મોરની આકૃતિ પ્રમાણે બનાવ્યું હતું, તેથી તેને મયૂર સિંહાસન કહેતા હતા.
મયૂર સિંહાસન
મયૂર સિંહાસન ૭ વર્ષમાં બન્યું હતું, કારણ કે આ ૧૨૦૦ કિલો સોનામાંથી બનેલું હતું. ઉપર જે મોર હતા તે રૂબી, પન્ના, નીલમથી બનેલા હતા. તેની એસ્ટિમેટેડ વેલ્યૂ તાજમહેલમાં લાગેલા પૈસાથી લગભગ બમણી હતી. જ્યારે નાદિર શાહ તેને લૂંટીને લઈ જઈ રહ્યો હતો ત્યારે તેને ઉઠાવી નહોતા શકતા, તેથી તેના ટુકડા કરી દીધા. તે જ્યારે લૂટીને લઈ જતો હતો ત્યારે તેને પણ કેટલાક લોકોએ લૂટી લીધો હતો. તેથી આ સિંહાસનના કેટલાક ટુકડા ઈરાનના તહરાન વિસ્તારમાં છે. આ કિલ્લો અનિયમિત અષ્ટભુજાકારમાં બનેલો છે અને તેના ૨ મુખ્ય પ્રવેશદ્વાર છે – લાહોરી ગેટ અને દિલ્લી ગેટ.
લાહોરી ગેટ
લાહોરી ગેટ તે જ છે જ્યાં દર વર્ષે ભારતના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે અને ભાષણ આપે છે. આ લાલ કિલ્લાનો મુખ્ય દરવાજેા છે. જેમ નામથી જ જાહેર છે કે આ દરવાજાનું નામ લાહોર પરથી લેવામાં આવ્યું છે. હકીકતમાં આ ગેટનું મોં લાહોર તરફ હતું, તેથી તેને લાહોર ગેટ કહેવામાં આવે છે.
દિલ્લી ગેટ
લાલ કિલ્લાનો દિલ્લી ગેટ દક્ષિણ દિશાનો દરવાજેા છે. તેને દિલ્લી શહેરના નામે ઓળખાય છે, કારણ કે આ ગેટ દિલ્લી બાજુ ખૂલે છે. આ દિલ્લી ગેટમાં ૩ માળ છે જેમાં તે સમયે દ્વારરક્ષક રહેતા હતા. ગેટની બંને બાજુ ૨ કાળા રંગના હાથી બનેલા છે.
ખિજરી ગેટ : ત્રીજેા ગેટ ખિજરી ગેટ છે. અહીંથી શાહજહાં સૌપ્રથમ આવ્યા હતા, જ્યારે કિલ્લો બન્યો હતો.
છત્તા ચોક : લાલ કિલ્લાનો છત્તા ચોક જેને આજે મીના બજારના નામે ઓળખાય છે. આ છતવાળું બજાર હતું, જેમાં ૨ ફ્લોર હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન હતી. ઉપરવાળા ફ્લોરનો ઉપયોગ વેરહાઉસ એટલે સામાન મૂકવા અથવા પૈસાની લેવડદેવડ કરવામાં થતો હતો. આ ઐતિહાસિક બજારમાં એવી અનેક દુકાન છે જેના પૂર્વજ મુગલ બાદશાહો માટે શમ અને શાહી આભૂષણ વેચતા હતા. આ ચોક લાહોરી ગેટની નજીક આવેલો છે.
નૌબત ખાના : આ તે જગ્યા હતી જ્યાં ૯ પ્રકારના વાદ્યયંત્ર એટલે સંગીતના ઈંસ્ટ્રુમેન્ટ ૯ બારીમાં વગાડતા હતા. અહીંથી શરણાઈ વાગતી હતી. શરણાઈને ઉર્દૂમાં નૌબત કહેવાય છે. તેથી તેને નૌબત ખાના કહેવામાં આવે છે.
કિચન : ૨૪ કલાક ચાલતું હતું. શાહજહાં કોઈ પણ ઓર્ડર આપતા હતા ત્યારે ૧ કલાકની અંદર તૈયાર કરવું પડતું હતું. કહેવાય છે કે જેા ખાવામાં ઝેર હોય તો વાસણ રંગ બદલી દેતા હતા. આ વાસણ કાંસાના રહેતા હતા, તેને પાઈઝેર કહેવામાં આવતું હતું.
દીવાન એ આમ : દીવાન એ આમ ને દર્શકોનો હોલ કહેવામાં આવે છે, તેને મુગલ બાદશાહ શાહજહાંએ સામાન્ય પ્રજાની ફરિયાદ સાંભળવા માટે ૧૬૫૬ માં બનાવડાવ્યો હતો. તેમાં બાદશાહ સાથે તેમના મંત્રીઓ મળીને પ્રજાના દુખદર્દ દૂર કરતા હતા. દીવાન એ આમ ૩ બાજુથી ખુલ્લું રહે છે. ચારે બાજુ સુંદર બગીચો છે. ‘દીવાન એ આમ’ ના સિંહાસન પાછળ નીલમ પન્ના અને પચ્ચીકારીનું કામ કરવામાં આવ્યું છે. આ આર્ટવર્ક એક ઈટાલિયન આર્ટિસ્ટ ઓસ્ટવિને કર્યું હતું.
મુમતાજ મહેલ ભવન : આ ભવનને આજે લાલ કિલ્લાનું આર્કિયોલોજિકલ મ્યુઝિયમ પણ કહેવાય છે. મ્યુઝિયમમાં તમને જેાવા માટે કેટલીય ઐતિહાસિક વસ્તુ જેમ કે મુગલ ચિત્ર, લેખ, શાહી કપડાં વગેરે. ૧૯૧૧ માં બ્રિટિશ સરકારના કહેવાથી મ્યુઝિયમ બનાવ્યું હતું.
રંગ મહેલ : આ રાણીઓનો મહેલ હતો. તેના કેટલાક રૂમ શીશ મહેલ હતા. તેમની દીવાલ પર અને છત પર નાનાનાના કાચ લાગેલા હતા. જ્યારે રાણી દીપ પ્રગટાવતી હતી ત્યારે એક દીપનો પ્રકાશ પૂરા રૂમમાં ફેલાઈ જતો હતો જાણે હજારો દીપ પ્રગટાવ્યા હોય. લાલ કિલ્લાના રંગ મહેલનો ઉપયોગ બાદશાહ પોતાના મનોરંજન માટે કરતા હતા. અહીં તેમની સાથે માત્ર તેમની રાણીઓ અને પ્રેમિકા રહેતી હતી. આ મહેલ ખૂબ આકર્ષક અને સુંદર હતો. તેની લંબાઈની સાથેસાથે એક નહેર જે ‘નહરે બહિશ્ત’ ના નામથી પ્રખ્યાત છે, વહેતી હતી.
દીવાન એ ખાસ : ‘દીવાન એ ખાસ’ મુખ્યત્વે શાહી લોકો માટે એક પ્રાઈવેટ હોલ રહેતો હતો, જ્યાં બાદશાહ પોતાના દરબારીઓ અને રાજ્ય મહેમાનો સાથે પાર્ટી કરતા હતા. આ દીવાન એ ખાસને બાદશાહ શાહજહાંએ ૧૬૪૮માં બનાવડાવ્યો હતો. ત્યારથી બધા શાહી કાર્ય અહીં થતા હતા, પરંતુ અંગ્રેજેાના આક્રમણે તેને પણ લૂટી લીધો.
શાહી હમામ : આ શાહી સ્નાનગૃહ હતું, તેને તુર્કી સ્ટાઈલમાં બનાવડાવ્યો હતો. હમામમાં ૩ સેક્શન હતા.
અકાબે હમામ : તેની અંદર એક સ્લેબ હતો માર્બલનો તેની અંદર છેદ રહેતો હતો. તેની નીચે મોટું વાસણ રાખતા હતા, તેમાં ફૂલ અને પાણી રહેતું હતું. તેને ગરમ કરતા હતા તો ફૂલોની સુગંધ વરાળ બનીને બોડી પર આવતી હતી. તેની અંદર જ એક મસાજિંગ ટેબલ હતું, જ્યાં તેઓ મસાજ કરાવતા હતા.
સર્દ ખાના : તેમાં એક પુલ હતો તેની અંદર સમરમાં યમુનાનું ઠંડું પાણી રેડાતું હતું. તેમાં રાજા નહાતા હતા.
ગરમ ખાના : તેમાં નીચે ભઠ્ઠી લગાવી હતી. જેમાં લગભગ ૪ હજાર કિલોગ્રામ લાકડા બાળતા હતા. નહાવા માટે એક વારનું ગરમ પાણી તૈયાર થતું હતું. રાણીઓનો હમામ જુદો રહેતો હતો. હાલમાં રાણીઓવાળો હમામ તૂટી ગયો છે.
મોતી મહેલ : બહાદુર શાહ ઝફરે બનાવડાવ્યો હતો, જ્યાં બેસીને તેઓ શાયરી લખતા હતા.
આ કિલ્લાના નિર્માણ પછી શાહજહાંએ કેટલાય વિકાસ કાર્ય કરાવ્યા. ઔરંગઝેબ અને અંતિમ મુગલ શાસકો દ્વારા પણ કેટલાય કામ કરાવ્યા. મુગલો પછી લાલ કિલ્લો મરાઠાના આધીન પણ રહ્યો. ૧૮૦૩ માં અંગ્રેજેાએ મરાઠા સેનાને હરાવીને લાલ કિલ્લા પર કબજેા કર્યો હતો. ત્યાર પછી લાલ કિલ્લો અંગ્રેજેાના શાસનનું મુખ્ય કેન્દ્ર બન્યો.
૧૮૫૭ ની ક્રાંતિમાં અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરે લાલ કિલ્લાને અંગ્રેજેાથી મુક્ત કરાવ્યો હતો. ઝફર વધારે સમય સુધી લાલ કિલ્લાને પોતાને આધીન ન રાખી શક્યા અને અંગ્રેજેાએ તેમને પરાજિત કરીને ફરીથી ઝડપી લીધો.
સાઉન્ડ એન્ડ લાઈટ શો
જાન્યુઆરી ૧૦, ૨૦૨૩ સાઉન્ડ એન્ડ લાઈટ શો ‘જય હિંદ’ નું ઉદ્ઘાટન થયું. આ શોને લાલ કિલ્લાના મોન્યુમેન્ટ મિત્ર ડાલમિયા ભારતે સભ્યતા ફાઉન્ડેશનના સહયોગથી તૈયાર કર્યો છે. આ શોના સૂત્રધાર રૂપે અમિતાભ બચ્ચનનો અવાજ છે. જય હિંદ અત્યાર સુધીનો પ્રથમ સાઉન્ડ એન્ડ લાઈટ શો છે, જ્યાં હાઈટેક મેપિંગ ટેક્નિક સાથે કલાકાર પ્રસ્તુતિ આપે છે. લાલ કિલ્લાનો સાઉન્ડ એન્ડ લાઈટ શો ૧૭ મા દાયકાથી લઈને અત્યાર સુધી ભારતના ઈતિહાસ અને વીરતાની એક નાટકીય પ્રસ્તુતિ છે.
તેમાં સત્તા માટે મુગલો વચ્ચે સંઘર્ષ મરાઠાનો ઉદય, ૧૯૫૭ નો સ્વાતંત્ર્યસંગ્રામ અને આઝાદ હિંદ ફોજનો ઉદય, આઈએનએ પર ચાલતા મુકદ્દમા, ભારતની આઝાદીના સંઘર્ષ અને વીતેલા ૭૫ વર્ષમાં ભારતની પ્રગતિની કહાણી છે. તેને લાલ કિલ્લાના ૩ ખાસ સ્થળ – નૌબત ખાના, દીવાન એ આમ અને દીવાન એ ખાસમાં મંચ કરવામાં આવે છે. આ શોને ૧૭ જાન્યુઆરી, ૨૦૨૩ થી પ્રજા માટે શરૂ કર્યો છે.
આ પહેલાં જુલાઈ, ૨૦૨૨ માં ડાલમિયા ભારતે લાલ કિલ્લા સેન્ટરની શરૂઆત કરી હતી. લાલ કિલ્લા સેન્ટર ૧૯ મા દાયકાની બ્રિટિશ બૈરકોમાં સ્થાપિત છે. લાલ કિલ્લો સેન્ટરના નિમ્ન મુખ્ય આકર્ષણ છે : મ્યુઝિયમ, એક ૩૬૦ એ શો, રિયાલિટી ફોટોગ્રાફી ઝોન, કેફેટેરિયા, સોવેનિયર શોપ લાલ કિલ્લામાં પ્રવાસન સુવિધા ઉપલબ્ધ કરાવવા અને પ્રવાસનનું આકર્ષણ વધારવા માટે દેશના પ્રવાસન મંત્રાલયે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ સંસ્થાન (એએસઆઈ) સાથે મળીને ડાલમિયા ભારત લિમિટેડની પસંદગી મોન્યૂમેન્ટ મિત્ર તરીકે કરી છે.
– ગરિમા પંકજ.





