આજે વહેલી સવારે મોર્નિંગ વોક પર જતી વખતે સામે રહેતા ભાભી સાથે લિફ્ટમાં મુલાકાત થઈ ગઈ. સામાન્ય રીતે ૯ વાગ્યા સુધી નિંદ્રાધીન રહેતા સાસુવહુને આટલી વહેલી સવારે સજીધજીને જતા જેાઈ હું ચોંકીને બોલી, ‘‘અરે, આજે આટલી વહેલી સવારે ક્યાં જાઓ છો?’’ ‘‘આજે શીતળા સાતમ છે. પૂજા કરવા નજીકના મંદિરે જઈ રહ્યા છીએ.’’ હાથમાં પૂજાની થાળી તરફ ઈશારો કરતા તે બોલી અને પછી બંને કારમાં બેસીને પૂજા કરવા ગયા, હું વિચારમાં પડી કે આજના સમયમાં પણ આ શિક્ષિત મહિલાઓ શીતળા જેવી બીમારીના કોપથી બચવા શીતળા સાતમની પૂજા કરીને ૧ દિવસ પહેલાં બનેલું ખાવાનું ખાય છે.

આ જ રીતે બીજું એક વ્રત છે વટ સાવિત્રી, જેમાં મહિલાઓ યમદૂત સામે લડીને પણ પોતાના પતિને પરત લાવનાર સાવિત્રી દેવીની પૂજા વડ નીચે બેસીને કરે છે. આ દિવસે પણ તમામ યુવા મોડર્ન મહિલાઓ જેા ક્યારેક લો-ટીશર્ટ અને જીન્સટોપ ઉપરાંત બીજા કોઈ વસ્ત્રોમાં દેખાતી નથી, પરંતુ આ બધી સિંદૂરથી લાંબીલાંબી માંગ ભરીને, હાથમાં બંગડીઓ અને સાડી પહેરીને સોળ શણગાર સજેલી દેખાય છે.

ઘરેલુ અંધશ્રદ્ધા
આગ્રા શહેરના જાણીતા સર્જનની ૩૫ વર્ષની પત્ની સુમેધા એક પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. હરતાલિકા વ્રતમાં પોતાના ઘરની પૂજાના સુખદ સંભારણા વ્યક્ત કરતા કહે છે, ‘‘એપાર્ટમેન્ટની બધી મહિલાઓ અમારા ઘરે એકસાથે પૂજા કરે છે. નિર્જળા વ્રત કરવાથી શરીર રાત સુધીમાં જવાબ આપી દે છે. જેાકે રાત્રિ જાગરણ કરવું આ પૂજામાં જરૂરી હોય છે, તેથી અમે બધા મળીને ભજન કરીએ છીએ, જેનાથી જાગરણ ખૂબ સરળ થઈ જાય છે.’’ આ વ્રતને એક તરફ મહિલાઓ પોતાના સુખદ દાંપત્ય માટે જ્યારે કુંવારી છોકરીઓ સારો પતિ એટલે કે તેમને પણ શંકર જેવો વર પ્રાપ્ત થાય.

આ મુખ્ય વ્રત ઉપરાંત બિહારની છઠ પૂજા, કરવા ચોથ, સોળ સોમવાર, મકર સંક્રાંતિ, અનંત ચતુર્દશી, નવરાત્રિ સંતાન સપ્તમી, હળછઠ્ઠ અને મહાશિવરાત્રિ જેવી અનેક પૂજાઓ છે, જેમાં મોટાભાગની મહિલાઓ ક્યારેક વડનું ઝાડ, ક્યારેક ચંદ્રમા, ક્યારેક સૂર્ય, ક્યારેક બીલીપત્ર તો ક્યારેક શિવપાર્વતીની પૂજા કરીને તેમની પાસેથી પોતાના સુખદ દાંપત્ય, પતિના દીર્ઘાયુષ્ય, સંતાનોના ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવારના કલ્યાણ વગેરેના વરદાન માંગતી દેખાય છે. આ ઉદાહરણ સમાજની દરેક ઉંમરની કહેવાતી શિક્ષિત મહિલાઓની માનસિકતાનું એક ઉદાહરણ માત્ર છે, જેમાં નોકરિયાત હોય કે ઘરેલુ પરંતુ પૂજાપાઠમાં બધાની માનસિકતા એક જ સ્તરની હોય છે. વાસ્તવમાં અંધશ્રદ્ધા, પૂજાપાઠ કે પંડાપૂજારીના ડર અને ધર્મનો ગાડરિયો પ્રવાહ એ પ્લેટફોર્મ છે, જ્યાં શિક્ષિત, અશિક્ષિત, ઉચ્ચ વર્ગીય, મધ્યમવર્ગીય અને નિમ્નવર્ગીય તમામ મહિલાઓની માનસિકતા એકસમાન જાય છે.

આખરે મહિલાઓ જ કેમ પિસાય છે
પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આખરે આ બધા ધાર્મિક ક્રિયાકલાપોમાં મહિલાઓ કેમ ફસાયેલી રહે છે? કેમ તેઓ પૂરા પરિવારની સલામતીનો ઠેકો પોતાના માથા પર લઈને બાબાઓ અને મંદિરોના ચક્કર લગાવતી હોય છે? કેમ પોતાની સ્વયંની તંદુરસ્તી અને પ્રગતિ વિશે વિચારવાના બદલે પૂજાપાઠ, મંદિરો અને કથાપ્રવચનોમાં પોતાને વ્યક્ત રાખતી હોય છે? આવો, જાણીએ તેના કારણો પર :

મહિલાને નબળી બનાવે છે
નવરાત્રિમાં બાબાઓને દેવીનો દરજ્જેા આપીને તેમના ચરણસ્પર્શ કરવા, છોકરીઓને ઘરના વડીલોના ચરણસ્પર્શ કરવા ન દેવા, કન્યાદાન, દીકરીના ઘરનું કંઈ લેવાથી કે ખાવાથી પાપ લાગે, દીકરીને દેવીનો દરજ્જેા આપવો, મૃત્યુ પછી દીકરા દ્વારા મુખાગ્નિ આપવાથી મોક્ષ મળે છે જેવી કેટલીય માન્યતા અને રિવાજ આપણા સમાજમાં ફેલાયેલા છે, જેના માધ્યમથી અપ્રત્યક્ષ રીતે મહિલાઓને બાલ્યાવસ્થાથી તેમને તેમના નબળા અને સબળા હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. જેનાથી બાલ્યાવસ્થાથી છોકરીના મનમાં એ અહેસાસ પેદા થાય છે કે ઘરના પુરુષોની સરખામણીમાં તે કમજેાર અને સમાજની બીજા દરજ્જાની નાગરિક છે. પછી તેના પરિણામ સ્વરૂપ તે બાલ્યાવસ્થાથી માનસિક અને ભાવનાત્મક રીતે કમજેાર અને પરિવારના પુરુષો પર આરશ્રત થઈ જાય છે.

આ વિષયે એક કોલેજ સ્ટુડન્ટ અસ્મિતા જણાવે છે, ‘‘છોકરીઓ ફલાણું કામ નથી કરી શકતી, મોડી રાત્રે તેણે એકલા બહાર ન જવું જેાઈએ જેવા ઘણા બધા માપદંડ છોકરીઓ માટે છે, જેને સાંભળીને અમે મોટા થઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક મનમાં એ વાત ઘર કરી જાય છે કે અમે સમાજમાં કે પરિવારમાં બીજી શ્રેણીના નાગરિક છીએ.’’

વડીલોનું અનુકરણ કરવાની પ્રવૃત્તિ
બાલ્યાવસ્થાથી છોકરીઓ પોતાની મા, દાદી અથવા નાનીને આ પ્રકારની પૂજા કરતા જેાઈને મોટી થાય છે અને આટલા વર્ષો સુધી સતત તેમને જેાઈને તેમની અંદર ઘર કરી જાય છે કે જેા પૂજાની આ બધી પરંપરાને આગળ વધારવામાં નહીં આવે અથવા વિધિવત્ પૂજાઅર્ચના કરવામાં નહીં આવે તો ગમે ત્યારે પરિવાર અથવા પતિનું અહિત થઈ શકે છે. બસ, પોતાની આ માનસિકતાના લીધે તે પોતાના પરિવાર અને પતિની સલામતી માટે કરતી હોય છે. સાસરીમાં પણ સાસુમા દ્વારા રીતરિવાજના નામે આવી જ અગણિત પરંપરાઓ કેવી રીતે નિભાવી તે વિશે શીખવવામાં આવે છે. ભલે ને આજે છોકરીઓ બહાર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી હોય, પરંતુ તેમનાથી દૂર રહેવા છતાં પણ માતાઓ તેમને અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર નીકળવા નથી દેતી. શિવરાત્રિના એક દિવસ પહેલાં હીરવાએ હોસ્ટેલમાં રહેતી પોતાની એકમાત્ર એવી દીકરીને ફોન કર્યો, ‘‘યાદ છે ને કાલે તારે પણ શિવરાત્રિનું વ્રત રાખવાનું છે?’’
‘‘હા, મા યાદ છે, આટલા વર્ષોથી તું મારી પાસે કરાવડાવે છે, તો પછી કેવી રીતે તેને ભૂલવાની છું.’’
અંધશ્રદ્ધાનું આ બીજ છોકરીઓના મનમાં પોતાના મૂળ એટલા ઊંડે સુધી ફેલાવે છે કે ઈચ્છવા છતાં પણ તે તેનાથી મુક્તિ મેળવી શકતી નથી. સોફ્ટવેર એન્જિનિયર રોમા જણાવે છે, ‘‘હું પણ સારી રીતે જાણું છું કે કરવા ચોથના વ્રતથી મારા પતિની ઉંમરમાં કોઈ ફરક પડવાનો નથી. મારો બીમાર દીકરો નજર ઉતારવાથી નહીં, પણ ડોક્ટરને બતાવવાથી ઠીક થશે, તેમ છતાં આવું બધું ન કરવા તે તૈયાર નથી.’’
માતા દ્વારા વર્ષોથી પોતાની દીકરીને આપવામાં આવતા શિક્ષણ અને શિખામણના લીધે છોકરીઓ આજીવન આવી અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર નથી નીકળી શકતી અને પેઢી દર પેઢી આ પરંપરાને આગળ વધારતી રહે છે.

ધર્મભીરૂ સ્વભાવ અને પંડાપૂજારી
આજે પણ ભારતીય સમાજમાં મોટાભાગની મહિલાઓ ધર્મભીરૂ સ્વભાવની હોય છે અને પરિવારની સુરક્ષા તથા જીવનમાં આવનાર વિભિન્ન સમસ્યાના નિરાકરણ માટે અંધશ્રદ્ધા, ચમત્કારો તેમજ પંડાપૂજારીનો સહારો લેતી હોય છે. પછી આ પૂજારી તેમના મનમાં ડર પેદા કરી દે છે કે જેા તમે પૂજા નહીં કરો તો પરિવારના સભ્યોને આર્થિક તથા શારીરિક નુકસાન થઈ શકે છે, જેથી મહિલાઓ ભયગ્રસ્ત થઈને પૂજાપાઠમાં વ્યસ્ત રહે છે. દરેક વ્રતઉપવાસ માટે ધર્મના ઠેકેદારોએ એક પુસ્તક નક્કી કર્યું છે. વ્રતઉપવાસ અનુસાર તે પુસ્તકની વાર્તા વાંચવી જરૂરી હોય છે અને તે પુસ્તકમાં મહિલાઓને ડરાવવા અને કમજેાર બનાવતી વાર્તા લખવામાં આવી હોય છે. ઉપરાંત આ પૂજારી પોતાની આજીવિકા માટે લોકોમાં ધાર્મિક ભય પેદા કરે છે, જેનાથી ભયભીત થઈને મહિલાઓ તેમના સકંજામાં ફસાઈ જાય છે.

લેખિકા નીતા થોડા વર્ષો પહેલાં પોતાની સાથે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહે છે, ‘‘અમારા નવા ઘરમાં એક પારિવારિક મિત્ર પોતાના કોઈ પૂજારી ગુરુને લઈને આવ્યા. પછી આ પંડિતે અમારા ઘરે કંઈ જ ખાધું નહીં. લાંબો સમય રોકાયા પછી જતી વખતે ગેટ પર તેમણે મને કહ્યું હતું કે બેટા, મેં મારી દિવ્ય દષ્ટિથી તારા પૂરા ઘરને જેાયું છે. બધું સારું છે, પરંતુ હોલના એક ખૂણામાં એક અશુદ્ધ આત્માનો વાસ છે. તું તેનો કોઈ ઉપાય નહીં કરાવે તો તે દુષ્ટ આત્મા આ ઘરની મુખ્ય વ્યક્તિનો નાશ કરશે. જેાકે ચિંતાની કોઈ વાત નથી. હું બીજી વાર આવીશ ત્યારે બધું ઠીક કરી દઈશ.’’ કહેતા તેમણે પોતાના ફરી આવતા સુધી દીવો પ્રગટાવવા અને કેટલાક મંત્રોનો જાપ કરવા જેવા થોડાક ઉપાય જણાવ્યા.’’
‘‘તેમણે મને પકડી હતી એટલા માટે કે હું ડરી જાઉં, પરંતુ હું એક લેખિકા છું અને હંમેશાં દિલની જગ્યાએ મગજનો ઉપયોગ કરું છું. આ પંડિત પણ એક મનુષ્ય છે ને અને તે કેવી રીતે મારું સારું ખરાબ જણાવી શકે છે. જેાકે આજે આ ઘટનાને ૧૦ વર્ષ પસાર થઈ ગયા છે અને અમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત અને સતત પ્રગતિના પંથે અગ્રેસર બની રહ્યો છે.’’

તાર્કિક શિક્ષણનો અભાવ
શહેરી ક્ષેત્રોને છોડી દઈએ તો આજે પણ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ ઓછું છે, જેથી તેમની સમજવા વિચારવાની ક્ષમતા ખૂબ ઓછી થઈ જાય છે. જેાકે શહેરી ક્ષેત્રમાં પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણતી આજની પેઢીને આપવામાં આવતા શિક્ષણમાં તર્કના સ્થાને ગોખણપટ્ટીવાળા શિક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવે છે, જેનાથી યુવા પેઢીમાં સાચાખોટાને પરખવાની ક્ષમતાનો અભાવ જેાવા મળે છે. આ જ કારણસર તેઓ કોઈ પણ વિષય પર પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરવાના બદલે ગાડરિયા પ્રવાહમાં ચાલવાનું વધારે પસંદ કરે છે. આજે પણ ઈંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણેલી અને આ સ્કૂલોમાં ભણાવતી અનેક આધુનિક મહિલાઓ પણ પોતાના પતિ, બાળકો અને ઘરપરિવાર માટે વ્રત રાખે છે અને મીઠું, તેલ, રાઈ કે મરચાં વગેરેથી હંમેશાં નજર ઉતારતી જેાવા મળે છે.

સૂર્યગ્રહણ દરમિયાન ૩૫ વર્ષની એક સરકારી અધિકારી શેફાલીએ ન ભોજન બનાવ્યું, ન પોતે ખાધું કે ન તે ઘરની બહાર નીકળી હતી. એટલું જ નહીં, સૂર્યગ્રહણના સમયગાળા ઉપરાંત તેણે સાંજે સ્નાન પણ કર્યું, જેથી તે બીજા દિવસે બીમાર પડી ગઈ. આ સમય દરમિયાન શેફાલી જેવી ઘણી બધી ઈંગ્લિશ મીડિયમમાં શિક્ષણ પ્રાપ્ત કરેલ, કથિત આધુનિક મહિલાઓ ગ્રહણની અસરોને દૂર કરવા માટે ભોજનમાં કુશ ઘાસ કે ધરો ઘાસ અને તુલસીના પાંદડાં નાખતી જેાવા મળે છે, જ્યારે હકીકત એ છે કે સૂર્ય અને ચંદ્રગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના છે.

મહિલાઓનો સંકુચિત દષ્ટિકોણ
આપણા સમાજમાં છોકરીનો ઉછેર બંધન અને પ્રતિબંધ વચ્ચે કરવામાં આવે છે જ્યારે બીજી તરફ છોકરાઓનો ઉછેર સ્વચ્છંદ અને પરિપૂર્ણ હોય છે. ઘરમાંથી બહાર નીકળવાના અને સખીસાહેલી સાથે વાત કરવાના કઠોર નિયમ બનાવવામાં આવે છે, જ્યારે છોકરાઓ પર આ પ્રકારના કોઈ બંધન નથી હોતા.
છોકરાઓમાં મોટા થવાની સાથે નવુંનવું જાણવા અને શીખવાની ઉત્સુકતા વધે છે. બહારની દુનિયા જેાઈને તેઓ ઘણું શીખે છે, જેનાથી છોકરીઓની સરખામણીમાં તેમનામાં વિચારવાનો દષ્ટિકોણ વધારે વિસ્તૃત બને છે. ભલે ને આજે માબાપ પોતાની દીકરીને વિદેશ મોકલીને ભણાવતા હોય, પરંતુ ત્યાં તેમની પર અપ્રત્યક્ષ રીતે અનેક પાબંધી મૂકે છે, જેનાથી તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ નથી થઈ શકતો અને તેમનો દષ્ટિકોણ સંકુચિત રહે છે.

પુરુષપ્રધાન સમાજ
ભારતીય સમાજ પુરુષપ્રધાન છે અને મોટાભાગના ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ પણ દાયકાથી મહિલાઓને ભજન, પૂજન અને સત્સંગ જેવી ધાર્મિક પ્રવૃત્તિની જવાબદારી સોંપીને પુરુષ પોતાની મનમરજી કરતા રહ્યા છે અને આ જ પરંપરા આજે પણ ચાલે છે. એટલું જ નહીં, ઘણી વાર મહિલાઓ ધર્મકર્મ અને પૂજામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેનાથી તેમનું દાંપત્યજીવન સુધ્ધાં પ્રભાવિત થાય છે. પતિપત્નીની એકબીજા સાથેની રિલેશનશિપ સુધ્ધાં આવી ખોટી પરંપરા અને અંધશ્રદ્ધાની પકડમાં આવે છે.

આ જાળ તોડવી પડશે
એ વાત સાચી છે કે દાયકાઓથી સમાજમાં ચાલી રહેલા આ ગાડરિયા પ્રવાહને રોકવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ જ્યાં સુધી મહિલાઓ સ્વયં પોતાના પગમાં પહેરાવવામાં આવેલી આ બેડીઓને નહીં તોડે ત્યાં સુધી તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થવો અશક્ય છે અને તેના માટે દિલ નહીં મગજની તાર્કિક ક્ષમતાનો ઉપયોગ કરવો પડશે. સમાજની જૂની પેઢીઓની માનસિકતાના સ્થાને યુવતીઓએ પોતાની માનસિકતાને ઉન્નત બનાવવાની સાથેસાથે જૂની પેઢીને પણ બદલાવ તરફ આગળ વધારવી પડશે, કારણ કે હવે પછીનો યુગ સંપૂર્ણપણે ટેક્નોલોજી પર આધારિત હશે. આ સ્થિતિમાં ભવિષ્યની પેઢીને પણ માનસિક રીતે સશક્ત બનાવવાની જરૂર છે, જેથી આ બધાથી દૂર રહીને મહિલાઓ સ્વયં પોતાના નિર્ણય લઈને પ્રગતિના માર્ગ પર અગ્રેસર થાય.

મગજનો યોગ્ય જગ્યાએ ઉપયોગ
મિત્રો સાથે બહાર જવાની ના પાડવા પર અથવા મર્યાદિત ડ્રેસ પહેરવા કહેવા જેવી નાનીનાની વાત પર લોજિકલ વાત કરનાર આજની યુવા પેઢી ધર્મના કિસ્સામાં પરંપરાને ઘેટાની જેમ અનુસરવામાં કોઈ આપત્તિ નથી અનુભવતી. એક ખૂબ જાણીતી કોલેજમાં એમબીબીએસ કરી રહેલી શ્રેયા એકાદશી પર ચોખા ન ખાવાનું કારણ પૂછતા કહે છે, ‘‘ખબર નહીં, પરંતુ મા અને દાદી એવું કરે છે, તેથી હું પણ કરી રહી છું.’’
આ જ દલીલ પર વિશ્વાસથી ઈન્ટીરિયર ડિઝાઈનર ઈવા જણાવે છે, ‘‘મારા માટે મારું કર્મ જ પૂજા છે. સામાન્ય મમ્મીઓની જેમ મારી મા પણ ઘણું ખરું મને અંધશ્રદ્ધાથી ભરેલી અનેક પૂજા અને વ્રત કરવા માટે કહેતી રહેતી હોય છે, પરંતુ તેના જવાબમાં હું માને માત્ર એટલું જ કહું છું, ‘‘જેા તમારી આ ઘેટાચાલ જેવી પૂજા મને કામ કર્યા વિના પૈસા આપી દે તો હું તમારું કહેલું બધું કરવા તૈયાર છું.’’ બસ પછી મા ચુપ થઈ જાય છે.’’

અહીં વિચારવાની વાત એ છે કે કોઈ પણ પૂજા, બાબા અથવા મંદિર આપણું ભલું કે નુકસાન કેવી રીતે કરી શકે છે. ૨ યુવા અને મેધાવી બાળકોની માતા એવી અનામિકા જણાવે છે, ‘‘જ્યારે બાળપણમાં મારા બાળકો બીમાર પડતા ત્યારે બધા મને મીઠામરચાથી તેમની નજર ઉતારવાનું કહેતા, પરંતુ મેં ક્યારેય તેમની નજર નથી ઉતારી, કારણ કે મારું માનવું છે કે બાળકની પરેશાની આગમાં મીઠુંમરચું સળગાવવાથી નહીં, પણ મેડિકલ સારવારથી દૂર થશે, તેથી હંમેશાં હું ડોક્ટર પાસે ગઈ છું.

વિજ્ઞાન અને તર્ક સમજેા
તથાકથિત પરંપરા, માન્યતા અને આંધળા અનુકરણથી મુક્તિનો એકમાત્ર રસ્તો છે પોતાના જ્ઞાનચક્ષુને હંમેશાં ખુલ્લા રાખવા. કોઈ પણ કાર્યને માત્ર એટલા માટે ન કરવું કે મારા પરિવારમાં આવું થતું આવ્યું છે. મારી મા અથવા સાસુ આવું જ કરે છે તો પછી હું પણ તેમને જેાઈને કરું છું તેના સ્થાને તેને કેમ કરવા જેાઈએ તેની પર વિચાર કરવો પડશે. આપણા તથાકથિત બાબા, પંડાપૂજારી અને ધર્મના રક્ષકો પણ આ સત્યને સારી રીતે જાણે છે કે આમ પણ મહિલાઓ સ્વભાવથી ખૂબ લાગણીશીલ અને પરિવારની સુરક્ષા પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે, ઘરની મહિલામાં પરિવારની અસલામતીનો ભય પેદા કરવાથી તેમનું કાર્ય સરળ થઈ જશે. તેથી તેઓ પોતાની જાળમાં મહિલાઓને ફસાવે છે. એક કર્નલની પત્ની મંજુલાસિંહ જણાવે છે, ‘‘મારા લગ્નને ૪૫ વર્ષ થયા છે અને મેં આજ દિન સુધી ક્યારેય કોઈ વ્રત નથી રાખ્યું. ત્યાં સુધી કે જ્યારે મારા પતિ યુદ્ધ મોરચે ગયા ત્યારે પણ નહીં. આજ સુધી અમે ક્યારેય કોઈ બાબાના દરબાર અથવા મંદિરમાં નથી ગયા, કારણ કે મારું માનવું છે કે કોઈ પણ વ્રતઉપવાસ કેવી રીતે મારા પતિનું રક્ષણ કરી શકે છે. એટલું જ નહીં, અમારા આ લાંબા સુખદ દાંપત્ય જીવન માટે કોઈ પૂજાપાઠ, બાબા, મંદિર કે વ્રતઉપવાસ નહીં, પણ એકબીજા પ્રત્યેના પ્રેમ, સમજદારી અને લાગણીની કદરની જરૂર હોય છે.’’

ઉછેર ભેદભાવરહિત હોવો જેાઈએ
આજકાલ મોટાભાગના માતાપિતા કહ છે કે અમે અમારા દીકરા અને દીકરીના ઉછેરમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતા, પરંતુ શું વાસ્તવમાં તેઓ પોતાની દીકરીને માનસિક રીતે કમજેાર બનાવતી નકામી ધાર્મિક વિધિ અને રિવાજથી બચાવી શકે છે? વાસ્તવમાં મહિલાને માનસિક રીતે મજબૂત બનાવવા માટે તેને કન્યાદાન, ચરણસ્પર્શ અને દેવીનો દરજ્જેા આપવા જેવી અનેક કુપ્રથાથી બચાવવી પડશે.
– પ્રતિભા અગ્નિહોત્રી.

વધુ વાંચવા કિલક કરો....