‘તુનહીં તો કોઈ ઔર સહી, કોઈ ઔર નહીં તો કોઈ ઔર સહી બહુત લંબી હૈ યહ જિંદગી, મિલ જાએંગે હમ કો લાખો હસી.’ કંઈક આવી જ કહાણી રહી છે ગુરુગ્રામમાં રહેતી અનીતાની. અનીતા પંજાબી પરિવારની ૨૨ વર્ષની એક સુંદર, લાંબી, ગોરી છોકરી હતી, જેને કોઈ એક વાર જેાઈ લે તો જેાતું જ રહી જાય. તે જેટલી આકર્ષક હતી તેટલી જ ચંચળ અને નટખટ હતી. તે ખૂબ વાતોડિયણ હતી અને નાજુક હોવા છતાં દબંગ પણ હતી. બાળપણથી તેને પોતાના એટલા વખાણ સાંભળવા મળતા હતા કે ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ પણે જેાવા મળતી હતી. તેના પિતા બિઝનેસમેન હતા. ઘરમાં પૈસાની કોઈ અછત નહોતી, પરંતુ એક દુર્ઘટનામાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું. તે સમયે અનીતા ૧૭ વર્ષની હતી અને તેની મોટી બહેન ૨૦ વર્ષની.

પિતાના નિધન પછી માએ અનીતાની બહેનના લગ્ન જલદી કરાવી દીધા, જેથી યુવાન છોકરી સાથે કંઈ ખોટું ન થઈ જાય. પછી માએ અનીતા માટે પણ છોકરો જેાવાનું શરૂ કરી દીધું. પિતાના નિધન પછી તેમની હેસિયત કોઈ મોટા ઘરમાં સંબંધની રહી નહોતી, તેથી માએ એક સાધારણ પરિવારમાં તેના લગ્ન કરાવી દીધા. છોકરો પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર હતો. તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. ઘર પણ નાનું હતું, જેમાં નણંદ, દિયર અને સાસુસસરા સહિત કુલ ૬ વ્યક્તિ રહેતા હતા. અનીતાએ જ્યારે આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સાસુએ ના પાડી દીધી.

પ્રેગ્નન્સી સુખદ ન રહી
અનીતા માટે ત્યાં ૧-૧ દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ ગયો. પતિ દેખાવે સાધારણ હતો. તેને ખૂબ જલદી ગુસ્સો આવતો હતો. નાનીનાની વાતમાં તેમની વચ્ચે ઝઘડા થતા હતા. પતિ મારપીટ પણ કરતો હતો. અંતે અનીતાએ આ લગ્નના બંધનમાંથી બહાર નીકળવામાં જ ભલાઈ સમજી અને રૂપિયા ૨ લાખ લઈને પોતાની સહમતીથી અલગ થઈ ગઈ. અનીતાએ જલદીથી બીજા લગ્ન કરી લીધા. તેના બીજા પતિની આર્થિક સ્થિતિ થોડી સારી હતી. અહીં પૈસાની અછત નહોતી અને ઘરમાં સભ્યો પણ ઓછા હતા. માત્ર દિયર અને સસરા જ સાથે રહેતા હતા. અનીતા પણ આ વાતાવરણમાં ખુશ હતી. થોડા સમયમાં તે પ્રેગ્નન્ટ થઈ ગઈ. આ સમય દરમિયાન તેના ચહેરા પર હંમેશાં ખુશી જેાવા મળતી હતી, પરંતુ જલદીથી તેના ચહેરા પરનું હાસ્ય છીનવાઈ ગયું, જ્યારે તેને મિસકેરેજ થઈ ગયું. જેાકે આ ઘટનાના થોડા સમય પછી તે ફરીથી પ્રેગ્નન્ટ થઈ, પરંતુ આ વખતે તેની કૂખમાં એક સ્પેશિયલ ચાઈલ્ડ હતું, જેને પતિના કહેવા પર ઓબોર્ટ કરાવવું પડ્યું. ત્રીજી વારની પ્રેગ્નન્સી પણ તેના માટે સુખદ ન રહી, કારણ કે તે બાળક પણ મેન્ટલી રિટાયર્ડ હતું.

પરંતુ આ વખતે અનીતા અડગ રહી અને બાળકને જન્મ આપ્યો. તે પોતાના આ દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ ઘરમાં તેને કોઈ પસંદ કરતું નહોતું. અનીતાના પતિએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ બાળકને એવી સંસ્થાને સોંપી દે જ્યાં આવા બાળકો રહેતા હોય, પરંતુ મમતાની મમતાએ આ વાતનો સ્વીકાર ન કર્યો. પછી પતિ દ્વારા વધારે દબાણ અને માનસિક રીતે ટોર્ચર કરતા તેણે પતિના બદલે દીકરાની પસંદગી કરી અને બીજી વાર ડિવોર્સ લઈને પતિથી અલગ થઈ ગઈ. આ વખતે તેને પતિ પાસેથી ૩-૪ લાખ મળ્યા, જેને તેણે પોતાના દીકરાના નામે મૂકી દીધા. આટલું બધું સહન કર્યા પછી હવે અનીતાના ચહેરા પરની ચમક ઓછી થઈ ગઈ હતી. તે થોડી પરેશાન પણ રહેવા લાગી હતી, પરંતુ તે હિંમત હારી નહોતી અને ફરી એક વાર તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. છોકરો તેની સાહેલીનો પરિચિત હતો. ખૂબ શ્રીમંત હતો અને ૨ બાળકોનો પિતા હતો. અનીતાએ આ સંબંધ માટે હા પાડી દીધી.

જેાકે ત્રીજા પતિ સાથે પણ તેને વધારે સમય ન બન્યું. ત્રીજા પતિને પહેલાંથી ૨ સંતાન હતા. બંને બાળકો ટીનેજર હતા અને તેઓ અનીતાના નાના બાળકને ખૂબ પરેશાન કરતા હતા. અનીતા પતિ સમક્ષ આ વાતની ફરિયાદ કરતી ત્યારે તેનો પતિ તેના બાળકને સ્પેશિયલ ચાઈલ્ડ સ્કૂલમાં મોકલવાની વાત કરતો. તેના બાળક સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. આ પતિ પ્રોપર્ટી ડીલર હતો. ઘરમાં પૈસાની કોઈ અછત નહોતી, પરંતુ તેને પોતાના બાળક પર ખર્ચ કરવા દેવામાં નહોતો આવતો.

નાનીનાની વાત ખૂંચવા લાગી
અનીતાને આ પ્રકારની નાનીનાની વાત ખૂંચવા લાગી. એક વાર ઝઘડો શરૂ થયા પછી ઉગ્ર થઈ ગયો સમજેા. ખૂબ જલદી અનીતાને સમજાઈ ગયું કે તે આ ત્રીજા લગ્નને પણ વધારે ખેંચી શકે તેમ નથી. તે પોતાના આત્મસન્માન અને બાળકના અપમાનને વધારે સહન કરી શકે તેમ નહોતી અને અંતે ભારે મનથી તેણે ડિવોર્સનો નિર્ણય કરી લીધો. આ ડિવોર્સમાં અનીતાને ખૂબ રૂપિયા મળ્યા, જેને તેણે ભવિષ્ય માટે જમા કરી લીધા. પછી ગુરુગ્રામની એક સારી સોસાયટીમાં એક ભાડાનો ૨ બીએચકે ફ્લેટ લઈને એકલી પોતાના દીકરા સાથે રહેવા લાગી. ઈન્કમ માટે તેણે ફ્રીલાંસ ટ્રાન્સલેટરનું કામ શરૂ કર્યું અને પોતાના જેારે બાળકનો ઉછેર કરવા લાગી.

ડિવોર્સ પછીની માનસિક સ્થિતિ
ડિવોર્સમાંથી પસાર થતી વ્યક્તિ શું સહન કરતી હોય છે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. અનીતા માટે પણ આ સમયગાળો ખૂબ મુશ્કેલ રહ્યો કે તે ભાવનાત્મક રીતે ખૂબ તૂટી ગઈ હતી. દરેક સમયે સ્થિતિ એવી ઊભી થઈ હતી કે તેને પતિથી અલગ થવાના આ મુશ્કેલ અને કડવા અનુભવમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું. આમ પણ ડિવોર્સ લેવા કોઈ પણ દષ્ટિએ સરળ નથી હોતા, કારણ કે આ સંબંધમાં પ્રેમ, ભાવના, યાદો, જવાબદારી અને પરિવાર જેવી ઘણી બધી વસ્તુ જેાડાયેલી હોય છે. ઘણી વાર અનીતાના મનમાં પણ વિચિત્ર ઊથલપાથલ મચેલી રહેતી હતી. તે ગુસ્સો, ઉદાસીનતા, પસ્તાવો બધું એકસાથે અનુભવતી હતી. ઘણી વાર તે સ્વયંને લગ્ન નિભાવવાની કોશિશ અને તેને સમાપ્ત કરી દેવાના નિર્ણય વચ્ચે ફસાયેલી અનુભવતી હતી. ડિવોર્સ દરમિયાન અને ડિવોર્સ પછી ઘણી વાર તેને ડિપ્રેશનનો પણ અનુભવ થયો હતો. તે અંદર ને અંદર દિલના કોઈ ખૂણામાં પોતાના લગ્નને બચાવવાની આશા રાખતી હતી, પરંતુ વાસ્તવમાં એવું શક્ય બનતું નહોતું. આ વખતે તેને સમજાઈ જ ગયું કે તે ગમે તે ઈચ્છે, પરંતુ પોતાના સંબંધને તૂટવાથી બચાવી નહીં શકે. તેને ખબર હતી કે તેની પાસે વસ્તુને જવા દેવા સિવાય બીજેા કોઈ રસ્તો બાકી રહ્યો નહોતો.

જ્યારે મહિલા સમજૂતીને બદલે આઝાદી પસંદ કરે છે ત્યારે તે પુરુષપ્રધાન સમાજને ગમતું નથી. આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આખરે એક મહિલા કેમ વારંવાર આત્મસન્માનને હોડમાં મૂકીને સંબંધને નિભાવવાની કોશિશ કરતી રહે…

પોતાના નિર્ણયથી ખુશ
અનીતાએ પોતાના ત્રણે ડિવોસ સ્વીકારી લીધા હતા. હવે તે પોતાના ભૂતકાળને ભૂલીને જીવનના નવા પડકારો તરફ આગળ વધવાની કોશિશ કરવા લાગી અને તેમાં તે સફળ પણ થઈ હતી. પૂરો સમય દુખો વિશે વિચારવાના બદલે પોતાના બાળક સાથે પોતાની જિંદગીને એન્જેાય કરવા લાગી હતી. તે નાનીનાની વસ્તુથી પણ સ્વયંને હંમેશાં ખુશ રાખવાની કોશિશ કર્યા કરતી. તેણે પ્રોપર્ટી ડીલિંગનો બિઝનેસ શરૂ કરી દીધો અને ઘરેથી તે કામ કરવા લાગી, જેથી પોતાના દીકરાને પણ પૂરો સમય આપી શકે. કેટલાક લોકો તેના આ પગલાંને યોગ્ય નથી માનતા, પરંતુ તે પોતાના નિર્ણયથી ખુશ હતી.

જેા કોઈ મહિલા ડિવોર્સ લે તો લોકો મોટાભાગે તેને દોષી માનતા હોય છે. તેઓ કહેતા હોય છે કે તેને સંબંધ નિભાવતા આવડ્યું નહીં હોય. જરૂર તેનું કોઈની સાથે ચક્કર ચાલી રહ્યું હશે અથવા વંધ્યત્વ હશે. લોકો એવું નથી વિચારતા કે સમસ્યા પુરુષ અથવા તેના પરિવારમાં પણ હોઈ શકે છે. શક્ય છે કે તેની સાથે અત્યાચાર થઈ રહ્યા હશે અથવા તેની પર ઘણા બધા પ્રતિબંધ હશે કે પછી તે સાસરીમાં ખુશ નહીં હોય. આખરે મહિલા હંમેશાં પોતાના આત્મસન્માનને હોડમાં મૂકીને સંબંધોને નિભાવવાની કોશિશ કેમ કરતી રહે? એક વારના ડિવોર્સને સમાજ એક સમયે સ્વીકારી લે છે, પરંતુ જ્યારે વાત ૨ અથવા ત્રીજી વારના ડિવોર્સની હોય તો લોકો મહિલાઓને દોષી માની લેતા હોય છે. તેમના નિર્ણયોની ટીકા કરવામાં આવે છે. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનું ઉદાહરણ પણ કંઈક આવું જ છે.

શ્વેતા તિવારીના ૨ લગ્ન અને ડિવોર્સ
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પણ ૨ લગ્ન કર્યા છે, પરંતુ બંને લગ્ન તેના માટે બોજારૂપ બની ગયા. તેના પહેલા લગ્ન રાજ ચૌધરી સાથે થયા હતા, જેના પર શ્વેતાએ ઘરેલુ હિંસાનો આરોપ મૂકીને ડિવોર્સ લીધા. રાજ સાથેના લગ્નજીવનમાં તેને એક દીકરી પલક થઈ. ત્યાર પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા અને દીકરા રેયાંશનો જન્મ થયો. જેાકે આ લગ્ન પણ ટકી ન શક્યા. અભિનવ પર પણ શ્વેતાએ ઘરેલુ હિંસા, અપશબ્દોના આરોપ મૂક્યા અને અલગ રહેવા લાગી. મિડલ ક્લાસ ફેમિલીની હોવાથી તેના પરિવારે હંમેશાં તેને લગ્ન ન તોડવાની સલાહ આપી અને કહ્યું હતું કે એડજસ્ટ કર, પરંતુ તે એવા સંબંધમાં રહેવા નહોતી ઈચ્છતી, જેમાં માનસન્માન ન મળે.

૨ લગ્ન તૂટ્યા પછી હવે લોકો શ્વેતાને ત્રીજા લગ્ન ન કરવાની સલાહ આપવા લાગ્યા છે. આ વાત પર શ્વેતાનું કહેવું છે કે જેા તમે ૧૦ વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા છો તો કોઈ પ્રશ્ન નહીં કરે, પરંતુ તમે ૨ વર્ષમાં લગ્ન તોડી નાખો તો લોકો પ્રશ્ન કરશે કે હજી કેટલા લગ્ન કરવાના છો? ઘણા લોકો મને એવી સલાહ આપે છે કે હવે તું ત્રીજી લગ્ન ન કર, પરંતુ કેમ ન કરું? આ મારું ડિસિઝન છે. મારી લાઈફ છે. કોઈ પણ વ્યક્તિને બીજા તો શું ૫ મા લગ્નમાં પણ મુશ્કેલી હોય તો તેણે અલગ થવું જેાઈએ. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મુશ્કેલી સાથે કેમ જીવવું અને આ નંબર છે કેમ? તમે ઘણા બધા અફેર્સ કરો તો ઠીક છે તો પછી ઘણા બધા લગ્ન કરવામાં આપત્તિ કેમ? ખોટી વ્યક્તિ તમને બીજા અથવા ત્રીજા લગ્નમાં પણ મળી શકે છે. આ સ્થિતિમાં એક જ વ્યક્તિ સાથે વારંવાર સમસ્યાનો સામનો કરવા કરતા સારું છે કે કોઈ બીજી સમસ્યા ડિસ્કવર કરો, જ્યાં પણ સમસ્યા આવે તેને છોડો અને આગળ વધો.

નવી શરૂઆત કેમ ન કરવી
હકીકતમાં, જ્યારે મહિલાઓ સમજૂતી કરી લેવાના બદલે આઝાદી પસંદ કરે છે ત્યારે જુનવાણી લોકોને ખૂબ કડવું લાગે છે અને તેઓ મહિલાને દોષ આપવા લાગે છે, પરંતુ હકીકતમાં ખુશ રહેવાનો હક બધાને છે. કોઈ અનહેપી મેરેજમાં ચાલુ રહીને પરેશાન થવાના બદલે શું એ નિર્ણય સારો નથી કે મહિલા તે બંધનને તોડીને એક નવી શરૂઆત કરે? આમ પણ ડિવોર્સ પછી જિંદગી પૂરી નથી થતી. તે બીજી કે ત્રીજી વાર કેમ લગ્ન નથી કરી શકતી? તેને પણ હક છે કે તે પોતાના માટે કોઈ સારો લાઈફ પાર્ટનર શોધે, જેથી તેની જિંદગીની દરેક ઊણપ પૂરી થઈ શકે. જેા તે થઈ શકે તેમ ન હોય અને તેને વારંવાર ડિવોર્સ લેવા પડતા હોય તો પણ તેમાં ખોટું શું છે? આખરે ગૂંગળામણભર્યા વાતાવરણમાં રહીને મેન્ટલી ફિઝિકલી હેરાન થવાથી સારું તો એ છે કે તે ઉત્તમ ઓપ્શનની શોધ કરે. ઓછામાં ઓછું તેની પાસે કોશિશ કરવાનો હક છે. મોટાભાગે લોકો કહેતા જેાવા મળે છે કે પતિપત્નીનો સંબંધ ૭ જન્મોનો હોય છે. હિંદુ લગ્નમાં પતિપત્ની વચ્ચેના સંબંધને જન્મજન્માંતરનો સંબંધ માનવામાં આવે છે, જેને કોઈ પણ પરિસ્થિતિમાં તોડી શકાય નહીં. અગ્નિ સમક્ષ ૭ ફેરા લઈને અને ધ્રુવ તારાને સાક્ષી માનીને ૨ તન અને મન એક બંધનમાં બંધાઈ જાય છે. એક માન્યતા દઢ હોય છે કે એક વાર જેા વ્યક્તિનું કોઈની સાથે લગ્ન થઈ જાય તો તે મૃત્યુપર્યંત જળવાઈ રહે છે અને તે લગ્નમાં પવિત્રતા હોવી પણ જરૂરી છે.

આંકડા શું કહે છે
આ જ કારણસર ભારતમાં ડિવોર્સની ટકાવારી લગભગ ૧.૧ ટકા હોવાનું અનુમાન છે જેા પૂરી દુનિયામાં સૌથી ઓછું છે. દુનિયાભરમાં અધિકાંશ ડિવોર્સ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવે છે. જ્યારે ભારતમાં મહદ્અંશે પુરુષ ડિવોર્સની પહેલ કરે છે. એક સ્ટડી પણ કહે છે કે બીજા લગ્નમાં ડિવોર્સની ટકાવારી પહેલા લગ્નની સરખામણીમાં ૬૦ ટકાથી વધારે હોય છે. આ સ્થિતિ એટલા માટે છે, કારણ કે મોટાભાગના લોકો તાણમાં પુનર્લગ્નનો નિર્ણય કરતા હોય છે, જે નિર્ણય તેમને ક્યારેય ખુશ રહેવા નથી દેતો. આ સ્થિતિમાં તમે પણ બીજા લગ્નનો વિચાર કરી રહ્યા છો તો કેટલીક વાત પર પહેલાંથી વિચાર કરો.

તમારી મરજી કે પરિવારનું પ્રેશર
આ વાતમાં બેમત નથી કે પાર્ટનરથી અલગ થયા પછીની જિંદગી કોઈના માટે પણ સરળ નથી હોતી. જે વસ્તુની જવાબદારી પહેલાં પતિપત્ની સાથે મળીને ઉઠાવતા હતા, હવે અલગ થયા પછી આ બધું એકલા જ કરવું પડે છે. આ સ્થિતિમાં જેા તમે બીજા લગ્ન કરવા અને પાછળનું બધું ભૂલીને આગળ વધવા ઈચ્છો છો તો તે યોગ્ય છે, પરંતુ જે માત્ર પરિવારના પ્રેશરમાં આવીને બીજા લગ્ન કરવા તૈયાર થયા છો તો શક્ય છે કે તમે આગળ જતા એડજસ્ટ ન કરી શકો, પરંતુ યાદ રાખો, પરિવાર અથવા તમારા મિત્રો તમને બીજા લગ્ન માટે મોટિવેટ કરી શકે છે, પરંતુ નક્કી તમારે જ કરવું પડે છે કે તમે તમારી લાઈફમાં શું ઈચ્છો છો.

જૂની કડવાશ સાથે લઈને ન જાઓ
જ્યારે લોકો પુનર્લગ્ન કરે છે ત્યારે મોટાભાગે જૂના સંબંધની કડવાશ અને કેટલીક વાતને લઈને પૂર્વગ્રહ તેમના મગજમાં કાયમ રહે છે જે કોઈ પણ નવા સંબંધને મજબૂત બનતા અટકાવવા માટે પૂરતું છે. આ જ રીતે જેા તમે હજી પણ તમારા એક્સની યાદોથી ઘેરાયેલા છો તો તે ક્યારેય તમને નવા સંબંધમાં બંધાવા નહીં દે. તેથી તમારી જાતને થોડો સમય આપો. હકીકતમાં જ્યારે આપણે સંબંધમાં ૧૦૦ ટકા આપીએ છીએ અને અચાનક તે સંબંધ સમાપ્ત થઈ જાય ત્યારે ત્યાં કોન્ફિડન્સ, એક્સપેક્ટેશન અને સમજવાવિચારવાની ક્ષમતા ન બરાબર રહી જાય છે. આ સ્થિતિમાં સૌથી વધારે જરૂરી એ છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાને થોડો સમય આપો. કોઈ પણ નિર્ણય સમજીવિચારીને લો અને ત્યાર પછી પૂરી કોશિશ કરો કે આ સંબંધ સફળ થઈ જાય.

સમજીવિચારીને નિર્ણય લો
આમ તો બીજા લગ્નમાં ડરનું હોવું જરૂરી પણ છે, પરંતુ તમારે તમારા પાર્ટનર સાથે તમારા વિચારો અને ઈચ્છાઓને વ્યક્ત કરવા પડશે. જણાવવું પડશે કે જિંદગી અને લાઈફપાર્ટનર પાસેથી તમને શું અપેક્ષા છે? ઘણા બધા લોકો એકલતાનો શિકાર બની જાય છે, એટલે પણ તેઓ બીજા લગ્ન કરવાનું વિચારે છે. જેાકે આવા લોકોએ સમજવું જેાઈએ કે સમજ્યાવિચાર્યા વિના પુનર્લગ્ન કરવાથી તમારી પરેશાની ઓછી થવાની નથી.

નવા સંબંધ માટે ઈમાનદારી
કોઈ પણ નવા સંબંધમાં બંધાવા માટે ઈમાનદાર હોવું જરૂરી છે. તમે નવા સંબંધની શરૂઆત કરવાનું વિચારો છો તો સ્વયંને પ્રશ્ન કરો કે શું તમે ખરેખર બાળકોની જવાબદારીથી લઈને પાર્ટનરની અપેક્ષામાં ખરા ઊતરવા તૈયાર છો? પાછલા સંબંધમાં ક્યાં કઈ ભૂલ થઈ, તેને જેટલું ખૂલીને તમે તમારા સાથી સાથે ડિસ્કસ કરશો તેટલો જ વધારે લગાવ તમે તમારા પાર્ટનર સાથે અનુભવશો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....