બદલાતી જીવનશૈલી, કામની તાણ, ડિપ્રેશન, ખરાબ લાઈફ સ્ટાઈલ અને એક્ઝાઈટીના લીધે આજકાલ માથાના દુખાવાની સમસ્યા લોકોમાં વધી ગઈ છે. ઘણી વાર માનસિક તાણના લીધે પણ માથામાં દુખાવો રહે છે, પરંતુ જે માથામાં દુખાવો સતત રહે તો બેદરકારી ન રાખવી જેાઈએ. આ પ્રકારનો માથાનો દુખાવો બ્રેઈન ટ્યૂમર જેવી ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તે ઉપરાંત જે લોકો માઈગ્રેન જેવી સમસ્યાથી પીડિત છે, તેમનામાં બ્રેઈન ટ્યૂમર થવાનું જેાખમ રહે છે. ઘણી વાર માઈગ્રેનનો દુખાવો સમજીને લોકો વધારે ધ્યાન નથી આપતા, પરંતુ વારંવાર માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો તેને નજરઅંદાજ ન કરો, તેથી સમયસર કોઈ સારા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
મુંબઈના ઝાયનોવ્હા શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી રુગ્ણાલયના ન્યૂરોલોજિસ્ટ ડો. આકાશ છેડા જણાવે છે કે દેશભરમાં બ્રેઈન ટ્યૂમરના કેસ સતત વધી રહ્યા છે. જેા આ બીમારીની સમયસર સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. બ્રેઈન ટ્યૂમરના દર્દીઓમાં માથાનો દુખાવો એક સામાન્ય લક્ષણ હોય છે. મોટાભાગે સામાન્ય માથાના દુખાવાવાળા દર્દીઓને બ્રેઈન ટ્યૂમર થવાનું જેાખમ રહે છે, પરંતુ લોકો માટે તેને ઓળખવું મુશ્કેલ હોય છે કે તેમને જેા માથાનો દુખાવો થઈ રહ્યો છે તે સામાન્ય દુખાવો છે, માઈગ્રેનનો દુખાવો છે કે પછી બ્રેઈન ટ્યૂમરના લીધે દુખાવો થઈ રહ્યો છે. આ વિષયે લોકોમાં જાગૃતિ પેદા કરવી ખૂબ જરૂરી બની જાય છે. બ્રેઈન ટ્યૂમર સામાન્ય રીતે એ લોકોને પ્રભાવિત કરે છે, જે ૪૦ થી ૬૦ વર્ષના આયુવર્ગમાં આવે છે.
ઓળખવાના લક્ષણ
માઈગ્રેનમાં માથામાં એક તરફ જ દુખાવો થાય છે અને તે ગમે તે સમયે થઈ શકે છે. માઈગ્રેન મોટાભાગે યુવાવસ્થામાં શરૂ થાય છે અને ૩૫ થી ૪૫ વર્ષની ઉંમરના લોકોને સૌથી વધારે પ્રભાવિત કરે છે, પરંતુ જે કોઈને વહેલી સવારે માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો હોય અને તેની સાથે ઊલટી પણ આવે તો તે બ્રેઈન ટ્યૂમરનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય બ્રેઈન ટ્યૂમરના લક્ષણોમાં ઊંઘ ન આવવી, સ્વભાવમાં પરિવર્તન, બોલવા-સાંભળવામાં અસમર્થતા અને ગંધમાં બદલાવની સમસ્યા થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિમાં આવા લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ અનિવાર્ય બની જાય છે.





